માહીમના કોઝવે આગળ એક સરસ જગ્યા છે. ‘સરસ’ તો નકામો શબ્દ છે તે જાણું છું. રાતને વખતે અમે સૌ ત્યાં જઈ ચઢેલાં. કિલ્લાના બુરજ ઉપર ઊભાં હોઈએ એવું લાગે, ને અન્ધકારમાં સમુદ્રની ફેનિલ વીચિમાળા દેખાય. એને અન્ધકારમાં જ જોવી જોઈએ. એ શ્વેત પ્રલાપ આજુબાજુના સન્નિવેશ વચ્ચે સાંભળવો ગમે છે. આપણા નેપથ્યમાં બહુ ઊંડે ઊંડેથી, ભાષાનાં બધાં પેટાળનેય ફોડીને, એના પડઘા પડતા સંભળાય છે. આવા જ કોઈક બુરજની પાળ પર ઊભા રહીને હૅમ્લેટ ટુ બી ઓર નોટ ટુ બીના તરંગે ચઢ્યો હશે. અમે હતાં તો છસાત જણ, પણ ત્યાં જતાંની સાથે સૌ આપમેળે ચૂપ થઈ ગયાં. કેટલાક શબ્દોને એ સ્થળની ફેનિલ વાચાળતા વચ્ચે હું મૂકી આવ્યો છું. ભલે થોડો વખત ત્યાં ગાળે. વરસેક રહીને એ શબ્દોને પાછો લેવા જઈશ ત્યારે એમને કેવું રૂપ મળ્યું હશે? મને હમેશાં લાગ્યા કર્યું છે કે કવિએ પોતાના શબ્દોને જુદા જુદા વાતાવરણમાં ને ભિન્ન ભિન્ન સ્થળે દેશાટન કરવા મોકલી આપવા જોઈએ. આથી એ શબ્દો પુષ્ટ થઈને આવે છે. આ પુષ્ટિ કાવ્યને તો ઘણી ખપની છે. આયુર્વેદમાં જેમ ધાતુને સિદ્ધ કરવામાં આવે છે તેમ આપણા શબ્દોને પણ અનેક પ્રકારના જુદા જુદા પુટ આપીને સિદ્ધ કરવા જોઈએ. આપણી કવિતામાં કશું એક્ઝોટિક તત્ત્વ જ દેખાતું નથી. એની આબોહવા જાણે બદલાતી જ નથી. બોદલેરનું ‘ધ ઇનવિટેશન ટુ ધ વોઇજ’ નથી યાદ આવતું? શબ્દોને એકાન્તનોય પુટ આપવો જોઈએ ને એકાન્તના કેટલા પ્રકાર છે? બિડાઈ ગયેલી બે પાંપણો વચ્ચેનું એકાન્ત, વિષાદ ઝરી ગયા પછીની શૂન્યમનસ્ક દૃષ્ટિનું એકાન્ત. હદપાર થયા વિના કવિ થઈ શકાતું નથી. આપણો કવિ તો ‘કીતિર્ કેરા કોટડા’ પર ચન્દ્રકો લટકાવીને નિરાંતે પડ્યો રહે છે. એ કોટડા તોડીને એને રઝળતો કરી મૂકનાર કોઈક આવશે ખરું?
ક્ષિતિજ : 10-1962