સમર્થ સર્જકો પોતાના જમાનાની સાહિત્યિક આબોહવાને ઘડવામાં સૌથી મોટો ફાળો આપે છે. એ આબોહવા ખૂણે પડેલા, ઉપેક્ષિત, ઉદાસીન સર્જક સુધી પહોંચી જઈ શકે એવી વ્યાપકતા ધરાવતી હોય છે. એને બદલે પ્રમુખ શિષ્ટમાન્ય ધુરીણો પોતાના વર્ચસ્નો ઉપયોગ પોતાની રુચિને અનુકૂળ કોષ્ટકોમાં સર્જકોને પૂરી દેવામાં કરે તો કદાચ એમનો કોઈ હાથ નહીં પકડે, પણ એમ કરતાં વારનાર બળ એમના પોતાનામાં જ રહ્યું હોવું જોઈએ. આ વિશે તેઓ સદા જાગૃત રહેવા જોઈએ. નવીન સર્જકોની મોટા ભાગની શક્તિ પરમ્પરાનો ભાર ઝીલવામાં, સમકાલીન કાલજ્યેષ્ઠોને માનની ખંડણી ભરવામાં, એમણે આંકેલી સુરેખતાની સીમાને ઉલ્લંઘી ન જવાની તકેદારી રાખવામાં જ ખરચાઈ જતી હોય તો એ અત્યન્ત કરુણ પરિસ્થિતિ બની રહે.
ક્ષિતિજ : 12-1961