હમણાં જ એક મુરબ્બીને મેં કહ્યું : ‘આપણને એક વાતનું સુખ છે. આપણે સમકાલીન છીએ એટલે એકબીજાનું લખેલું વાંચવાની જવાબદારીમાંથી મુક્ત છીએ.’ મારી આ સચ્ચાઈભરી સરળ નિર્વ્યાજ ઉક્તિમાં એમને વ્યંગનો અનુભવ થયો! આપણો જમાનો જ એવો છે. ક્યાંકથી કશો ધક્કો વાગે છે ને સીધી લીટીએ ચાલતું હાસ્ય ઠોકરાઈને વ્યંગની વક્રતામાં સરી પડે છે. વિવેચકે આ ધક્કાના બળની બાદબાકી કરીને જે સત્ય છે તેને જોઈ લેવું જોઈએ. પણ એમ કરવા ખાતર એણે ધક્કાના બળનો તાગ કાઢવો જોઈએ, એની ઉપેક્ષા કર્યે નહીં પાલવે. આવી પરિસ્થિતિમાં વિવેચક મોઢું ચઢાવીને શોક પાળે તો કોઈનું કલ્યાણ નહીં થાય. હમણાં જ બુદ્ધદેવ બસુએ કહ્યું કે બંગાળમાં વિવેચન જ નથી. એવી નિર્ભીક પ્રામાણિકતા જો આપણને પરવડતી હોય તો આપણને પણ કદાચ એ જ કહેવાનું રહે. સાહિત્યરસિક એક મિત્રે ટકોર કરતાં કહ્યું : ‘આજે આપણે ત્યાં બે જ પ્રકારના વિવેચકો છે : અજાતશ્મશ્રુ અને અજાતશત્રુ. આ પૈકી પહેલામાં સાહિત્યસૂઝ પૂરી ખીલી હોતી નથી, પણ સાહિત્યસૂઝના આ અભાવને એ નિર્ભીકતા અને ધૃષ્ટતાની હદે જતી પ્રગલ્ભતાથી પૂરી દે છે. બીજો વિવેચક બરડ થવાની હદે પહોંચે એટલો પાકો બની ગયો છે, એણે જૂનું તો પોતાની શક્તિ અનુસાર આત્મસાત્ કર્યું હોય છે, પણ કશુંક નવું નજરે પડતાં એ શંકાભરી નજરે જુએ છે, એનાથી ચેતીને ચાલે છે. પણ સ્વભાવથી ઉદાર અને તત્સમવૃત્તિનો હોવાને કારણે, એ આવા નવા પ્રયોગો પ્રત્યે ઉપેક્ષા સેવીને અટકી જાય છે; એને ભાંડવાની હદે જતો નથી. એની પેઢીના લબ્ધપ્રતિષ્ઠો જોડે એ સારો સમ્બન્ધ જાળવી રાખે છે, ને એ રીતે અન્યોન્યની પ્રતિષ્ઠા જાળવી રાખવાનો ગુપ્ત કરાર તૂટતો નથી.’
આ મિત્રના કહેવામાં આક્રોશ હશે, પણ સત્ય રહ્યું છે એનીય ના કહેવાશે નહીં. અજાતશ્મશ્રુ વિવેચકો કોણીમાર શૈલીએ, ‘ખસો, અમે આવી રહ્યા છીએ’ એમ કહીને આક્રમણ લાવે છે. એમને કોઈની સ્થપાયેલી પ્રતિષ્ઠાનાં મૂળિયાં હચમચાવી જોવાની મજા પડે છે. એમના આ ઉત્સાહની સાથે સાહિત્યનાં સાચાં વ્યાસંગ અને પરિશીલનને કારણે આવતી સાત્ત્વિક નમ્રતા (હોલી સોબ્રાયટી) પણ ભળે તો પરિણામ સારું આવે. પણ સ્થિર પ્રકાશરૂપ બનવાને બદલે એ તડતડીને તણખો થઈને વેરાઈ જાય છે. છતાં પેલા અજાતશત્રુ વિવેચક કરતાં આપણે તો અજાતશ્મશ્રુ વિવેચક પર જ નજર માંડવાની છે. એ વધારે જાગ્રત રહે, શૈલીસુખને ખાતર કટાક્ષ, વ્યંગ વગેરે શસ્ત્રો વાપરવાની કૃતક યુયુત્સાને વશ નહીં થાય, તો આવતી કાલે આપણને એની પાસેથી જ સાચું વિવેચન સાંપડશે એમાં શંકા નથી.
અજાતશત્રુ વિવેચક તો વહેવારુ જીવ છે. એને તો સમ્બન્ધો નિભાવવાના છે. વિવેચક પરીક્ષણ કરે છે કૃતિનું, કર્તાનું નહીં. કૃતિ નબળી હોય તો કર્તા નબળો છે એમ અનિવાર્યતયા બને નહીં. પણ કર્તા તરફ નજર મંડાયેલી હોય તો કર્તાનો પડછાયો જ કૃતિને ઢાંકી દે. આથી વહેવાર સાચવીને જ અટકી જવું પડે, કૃતિ સુધી પહોંચી શકાય નહીં. આવાં ‘વિવેચનો’ અને ‘પ્રવેશકો’, દુર્ભાગ્યે, આપણા સાહિત્યમાં ઘણાં મળી રહેશે. ચલણી બનીને જડ થઈ જવાની હદે પહોંચેલી કૃત્રિમ ભાષામાં એવી તરકીબથી લખવું કે આખું લખાણ વિદ્વત્તા કે વ્યુત્પત્તિમત્તાની છાપ પાડે એવું લાગે, ને તેમ છતાં કૃતિ વિશે વિવેચનાત્મક દૃષ્ટિએ કશું જ કહ્યું નહીં હોય. આવા વિવેચકો, કોઈ વાર અન્તરાત્મા પીડે છે ત્યારે, કોઈ નવીનના પર તૂટી પડવાની હિંમત કરે છે ને એમ કરીને નરસંહિરાવનો વારસો સાચવ્યાનો સન્તોષ લે છે. બનતાં સુધી સમકાલીનો વિશે તેઓ બહુ ઓછું કહે છે. કહેવાનું આવે છે તો પવન કઈ દિશામાં વાય છે તેની ખાતરી કરીને જ કહે છે. બનતાં સુધી કૃતિનો પરિચય આપીને જ છટકી અટકી જાય છે, વિવેચન કરવાની જવાબદારી માથે લેતા જ નથી. સલાહના, ઉત્તેજનના, આશિષ કે શાપના બે બોલ કહીને ઇતિકર્તવ્યતા માને છે. આ ‘વિવેચન’ પ્રકારથી તો આજે આપણે સૌ સુપરિચિત છે.
વિવેચનમાં પ્રવર્તતી આ પરિસ્થિતિનાં શાં પરિણામો આવ્યાં? નવા સર્જકોને સાચી દોરવણીનો લાભ મળ્યો નહીં. વર્તમાનપત્રના સાહિત્યવિભાગનો ‘વિવેચક’ જ માત્ર બોલતો રહ્યો. એને એના ઉપરીનો આદેશ હોય : ‘જોજો, નકામી તકરાર ઊભી કરશો નહીં. સારગ્રાહી વિવેચન કરવું. સાઠમારી ઊભી કરવી નહીં.’ આ ઉપરાન્તનો લબ્ધપ્રતિષ્ઠિત સાહિત્યકાર કે એવો કોઈક બીજો વિવેચક જો એ પાનું ચલાવતો હોય છે તો એને એના જૂથ પ્રત્યેની વફાદારીને વશ વર્તીને રહેવાનું હોય છે. એક વાર એક કવિએ પોતાના કાવ્યસંગ્રહનું વિવેચન એમના બીજા કવિમિત્ર પાસે તૈયાર કરાવીને જ સીધું મોકલાવી આપ્યું હતું. આ જ રીતે જો કોઈ હરીફ જેવો લાગતો હોય તો બીજા કોઈક પાસે, અથવા પોતે જ બીજા કોઈ નામે (બનતાં સુધી સ્ત્રીને નામે!) તેના પર હુમલો કરી, કરાવીને તેને ધમકાવી નાંખવાનું પરાક્રમ કરે ત્યારે જ આવા વિવેચકને જંપ વળે. એ લલિત સાહિત્યનો સર્જક હોવાથી એકદમ તમારા હૃદયનો કબજો લઈ લે, તમારી આંખને આંજી દે, તમને ભાવી જાય એવાં ચટાકેદાર શીર્ષકો યોજે; બેચાર, વિષયને અપ્રસ્તુત, ચાતુરીભર્યા ટુચકાઓ પરદેશી સાહિત્યમાંથી શોધી કાઢીને વાપરે; પેલા લેખકની ઠંડે કલેજે મજાક ઉડાવે ને પછી કહે : ‘અમે તો એવા સૂક્ષ્મ કટાક્ષો યોજીએ છીએ કે લેખક બિચારો એમ માને કે એની પ્રશંસા થઈ રહી છે, જ્યારે અમારો કટાક્ષ તો એની કતલ કરી રહ્યો હોય છે.’ કટાક્ષની ઝેર પાયેલી અણી એ એમના વેપારની મોટી મૂડી છે. સત્ય જોડે એમને ઝાઝી લેવડદેવડ નથી. ચાર ગોઠિયાઓ પીઠ થાબડીને પાણી ચઢાવે એટલે એ વીર વળી પાછો હુમલો કરવા તૈયાર!
આથી ઇંગ્લેંડની અઢારમી સૈકાની પેલી સાયક્લીક નોવેલથી આપણી નવલકથા આગળ વધી નથી. કવિતા વિશેના વાદવિવાદ આપણે સિદ્ધાન્તચર્ચાની ઊંચી ભૂમિકાએ લઈ જઈ શકતા નથી; જડ પૂર્વગ્રહોની બુઠ્ઠી તલવાર અથડાવીને સન્તોષ માનીએ છીએ. આને પરિણામે કવિતાની બાનીમાં સજીવતા આવી નથી. બેચાર વિશેષણોની નવાજેશ, બેચાર ચન્દ્રકની લહાણ અને વાષિર્ક પારિતોષિકના વિતરણમાં આપણા સાહિત્યની ઇતિ આવી જાય છે.
સામયિકોમાં વિવેચન ઝાઝું આવતું નથી. પ્રવેશકો છાપીને ઘણુંખરું સામયિકો સન્તોષ માને છે. આવા પ્રવેશકો ઘણી વાર તો વડીલશાહી પીઠથાબડના પ્રકારના જ હોય છે. વાર્તાઓ થોકબંધ લખાય છે. ઇનામોનો વરસાદ વરસે છે, આજે લખેલું શાહી સુકાય તે પહેલાં તો છપાઈને ફોટા સાથે પ્રગટ થઈ જાય છે, યશ સસ્તો થયો છે.
આ બધાંમાંથી સાચા વિવેચને માર્ગ કાઢવાનો છે. સાચું વિવેચન શૈલીસુખ માણવા લખાતું નથી, સત્યની સેવા કરવા લખાય છે. એ કટાક્ષના બાણથી ખેલવાનું સમરાંગણ નથી, સાહિત્યના સ્વાધ્યાય અને પરીક્ષણનું પવિત્ર કાર્ય છે. અલ્પજીવી કૃતિઓના ઉકરડામાંથી એકાદ બે રત્નો હાથ લાગે તો એ શોધવાનો શ્રમ એણે કરવાનો છે. અજાતશ્મશ્રુ અજાતશત્રુ બનતાં અટકે તો સારું.
ક્ષિતિજ : 1-1962