અઠાર

રવીન્દ્રનાથની એક પંક્તિ છે : કત અજાનારે જાનાઈ લે તુમિ, કત ઘરે દિલો ઠાંઈ – તે કેટલા ય અજાણ્યાને ઓળખાવ્યા, તેં કેટલાય ઘરમાં મને આશ્રય આપ્યો, આ બદલની કૃતજ્ઞતાથી મારું હૃદય ભરાઈ ગયું છે. ખરે જ આ સૃષ્ટિમાં કશું પારકું લાગતું નથી, હૃદય સહેજ મુંઝાય છે ને સૂર્યને જોતાં એમ થાય કે આ સૂર્ય તો અમારા બધાનો એક જ છે ને! ને એના કિરણને સ્પર્શે આત્મીયતાની હૂંફ સિંચાય છે. વર્ષામાં પ્રવાસ કરવા જેવો છે. સહેજ ડહોળાઈને ધૂળિયા રતાશ પકડતાં પાણી, એના ઉપરના મેઘાચ્છાદિત આકાશની ઝળુંબેલી છાયા ને એ બંનેને જાણે પોતાના તન્તુથી ગૂંથી લેતી એ પાણીમાં રોપેલા ડાંગરના ધરુની હરિત ત્રાંસી સળીઓ – આ વણાટ મુગ્ધ બનીને જોયા કરવાનું મન થાય છે. આ ઋતુમાં કોઈ વાત માંડીને કહેવાથી નથી. દાદુરના એકસરખા અવાજની જેમ આપણું મન જાણે એક જ વાત ફરી ફરી રટયા કરે છે. શબ્દ અને શબ્દ વચ્ચેના, વાક્ય અને વાક્ય વચ્ચેના, લાગણી અને લાગણી વચ્ચેનો, અન્વય પેલી એકસરખી વરસ્યે જતી જલધારામાં જાણે લુપ્ત થઈ જાય છે. હૃદયની અંદર ઘણી ભેખડો ધસી પડે છે; એક વેગથી વહેતા પ્રવાહને સ્પર્શ અણુએ અણુમાં નવો સૂર જગાડી જાય છે. ઘરના નિભૃત અન્ધકારમાં એ સૂર જડો દૃષ્ટોદૃષ્ટ માંડી બેસી રહેવાના આ દિવસો છે.

License

જનાન્તિકે Copyright © 1965 by Usha Joshi. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.