છવ્વીસ

અમુક ફૂલછોડ અમુક આબોહવામાં જ ઊગે, વળી ગુલાબ ઇરાનનાં જુદાં ને હિન્દુસ્તાનનાં જુદાં. આપણા ચિત્તને જુદી જુદી આબોહવાનો સ્પર્શ થતો રહે તો એ ભાવના નવાં નવાં રૂપ ખીલવી શકે. સર્જકને સમશીતોષ્ણ કટિબન્ધમાં પડયા રહેવું ન પાલવે. ઉષ્ણ કટિબન્ધના સૂર્યનું પ્રખર પ્રાચુર્ય અને શીત કટિબન્ધનો આકારની દૃઢ રેખાઓ બાંધી આપતો હિમસ્પર્શ પણ એને થતો રહેવો જોઈએ. આ અર્થમાં કવિ યાયાવર છે, ચલિષ્ણુ છે. કાવ્યપ્રવૃત્તિની પાછળ રહેલા ‘સ્થિર, દૃઢ, ધ્રુવ’ તત્ત્વની મીમાંસા કરનારાઓને પાછળ મૂકીને એ તો સદા સ્થાનાન્તર કરતો જ રહે છે. આ અર્થમાં કવિતા માત્ર યાત્રાનું વર્ણન બની રહે છે. કવિતાનું આ યાત્રાતત્ત્વ જ્યારે લુપ્ત થવા લાગે ત્યારે કવિતાને પદચ્યુત કરીને બીજું કશુંક એનું સ્થાન પચાવી પાડીને ઠસી બેઠું છે એવી શંકા સાચા વિવેચકને થયા વિના રહે નહીં. એવે વખતે વિવેચક કાવ્યના પ્રાણસંચારક તત્ત્વને ક્રિયાશીલ બનાવવાની આબોહવા સર્જવાનો પ્રયત્ન કરવાને બદલે, નિરાંતનો દમ ખેંચીને બેસી પડે, કવિતાના ‘દર્શન’ ને ઓળખાવવા બેસે તો આખી એક પેઢી સાચી કવિતાથી વંચિત્ રહી જાય. વિવેચન કવિને સારો કવિ બનાવી શકે કેમ તે તો કોણ જાણે, પણ કવિને વામણો પંગુ બનાવવાનું પાતક વિવેચને કદી વહોરવા જેવું નથી.

License

જનાન્તિકે Copyright © 1965 by Usha Joshi. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.