ઓગણત્રીસ

સાહિત્ય માનવવ્યવહારની એક સામગ્રી-ભાષાનો ઉપયોગ કરે છે માટે માનવવ્યવહારને નામે એની પાસેથી થોડીક વિશિષ્ટ સ્વરૂપની અપેક્ષાઓ રાખવામાં આવે છે. માણસ ભાષા વાપરે છે, રંગ પણ વાપરે છે. એમ છતાં ચિત્રકળામાં રંગના ઉપયોગમાં એ જેટલી સ્વતન્ત્રતા ભોગવે છે તેટલી સ્વતન્ત્રતા ભાષાના ઉપયોગમાં ભોગવી શકતો નથી. આનું શું કારણ? સાહિત્યનાં સ્વરૂપોમાં પણ આ જાતનો વર્ગભેદ કામ કરતો લાગે છે. કવિતામાં તમે વાસ્તવિકતા જોડે જેટલી છૂટ લઈ શકો તેટલી નવલિકા કે નવલકથામાં નહિ લઈ શકો. કવિતાને માનવવ્યવહાર જોડે ઘનિષ્ઠ સમ્બન્ધ નથી? નવલિકા-નવલકથા માનવવ્યવહારને નિરૂપે તે અંગે કોઈ ખાસ શરતો મૂકવાની જરૂર શા કારણે ઊભી થાય છે? સાહિત્યના ઇતિહાસના જે તબક્કે વિવેચન આવી આળપંપાળ વિશેની સભાનતાને વધુ ઉગ્ર બનાવે છે તે તબક્કે સર્જનને હમેશા સહન કરવાનું આવે છે. તત્સમવૃત્તિ (Conformism) ધરાવનાર સર્જકોને તો શિષ્ટોની માન્યતા પ્રાપ્ત કરવામાં આ પરિસ્થિતિ સગવડરૂપ બની રહે છે, પણ એવી જેને ખેવના નથી તેવા સર્જકોનું શું? સમકાલીનોની ઉપેક્ષાને એ પોતાની સર્જકપ્રવૃત્તિનો ઉદ્દીપન વિભાવ ગણે તે જ ઠીક.

ભાષા સિવાયનાં માનવવ્યવહારનાં અન્ય સાધનો જ્યાં વધુ વપરાતા નથી ત્યાં ભાષાને માથે વધુ પડતો ભાર આવી પડે છે. ત્યાં અનેકવિધ જરૂરિયાતો પૂરી પાડવાનું કામ માથે આવી પડવાથી ભાષા ખેંચાઈને લપટી પડી જાય છે. ચિત્ર, શિલ્પ, સંગીત વગેરેના સપ્રમાણ વિકાસ સિદ્ધ થયો હોય તો માનવ વચ્ચેના અન્તરંગના સમ્પર્કના સાધન તરીકે ભાષા આ સાધનો પૈકીનું એક સાધન બની રહે છે. તો એના પર ઝાઝો જુલમ ગુજારાતો નથી, એના પર અણઘટતી શરતો ઠોકી બેસાડવામાં આવતી નથી. આપણે ત્યાં પ્રજાજીવનમાં સંગીત, ચિત્ર, શિલ્પ આદિ કળાઓ ન્યૂન જ ભાગ ભજવે છે, આથી ભાષા પાસેની અપેક્ષાઓનું સ્વરૂપ બદલાય છે. આ જ રીતે નવલકથા જેવા સાહિત્યસ્વરૂપને ‘જીવન’ની અડોઅડ રહીને ચાલવું પડે તેનું પણ આ જ કારણ નહિ હોય? સાહિત્ય સાથે અન્ય લલિત કળાઓનો સપ્રમાણ વિકાસ થત રહે તે પ્રજાના સંસ્કારજીવનને માટે અત્યન્ત મહત્ત્વનું છે. ભાષા સિવાયનાં અન્ય માધ્યમોની ઉપેક્ષા સંસ્કાર-જીવનની અલ્પસત્ત્વતાની દ્યોતક બની રહે છે.

License

જનાન્તિકે Copyright © 1965 by Usha Joshi. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.