એકવીસ

સમુદ્રના ઊછળતાં મોજાં સાથે પવન પોતાનો પ્રાસ મેળવે છે. એના સ્રગ્ધરા છન્દની બધી યતિ ઊડી ગઈ છે. એના પ્લવંગમ લય સાથે આપણો લય જાળવવો અઘરો થઈ પડે છે. એ આપણાં બધાં પોલાણ શોધીને એમાં ભરાઈને સૂસવાઈ ઊઠે છે ને આપણને બિવડાવી મારી છે. પવન બે વ્યક્તિ વચ્ચે આલાપસંવાદ ચાલવા દેતો નથી; એ બધી સન્ધિઓ છૂટી પાડી દે છે; એક્કેય સમાસ ટકી રહેતો નથી; ઉપસર્ગો ને પ્રત્યેયો ક્યાં ને ક્યાં ઊડી જાય છે. આજુબાજુ અસ્પૃશ્યતાના કોટકિલ્લા રચીને આપણી જોડે ચાલતી કોઈ સંકોચશીલ ભીરુ કન્યાને પવન એના કોટકિલ્લા તોડીને સ્પર્શની સીમામાં ખેંચી લાવે છે. સાફસુથરી ગોઠવી રાખેલી આપણી રોજિંદી વાસ્તવિકતાને એ એની જાદુઈ હૂંફથી પલકવારમાં ઉડાડી મૂકે છે. આપણી લાગણીના વિન્યાસને પણ એ અસ્તવ્યસ્ત કરી મૂકે છે. ઉપેક્ષાનું અવળું પડ સવળું બનીને પ્રતીક્ષારૂપે દેખા દે છે. ઘણી વાર જિન્દગીનાં કેટલાં ય વર્ષોનો પુંજ આ પવન ભેગો ઊડી જાય છે, ને ત્યારે આપણે એટલા તો હળવા બની જઈએ છીએ કે આપણે આપણાપણાને ય બાઝી રહી શકતા નથી.

License

જનાન્તિકે Copyright © 1965 by Usha Joshi. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.