વાત કાંઈ નવી નથી. પાંદડાં ખરે છે, વૃક્ષની શાખાઓ નગ્ન થતી જાય છે. ખરેલાં પાંદડાંને પવન હાંકી જાય છે. એનો એ પ્રકારનો અવાજ રહી રહીને સંભળાયા કરે છે. આ પાનખરનો સૂર છે. ઋતુઓના સંગીતના સાજમાં એનું પણ સ્થાન છે. આજકાલ એ સૂર સંભળાયા કરે છે, રસ્તે ચાલતા હોઈએ ત્યાં પાછળથી ઉતાવળિયો પવન ખરેલાં પાંદડાંઓને દોડાવતો, આપણને સહેજ હડસેલીને ચાલ્યો જાય છે. ખરેલા પાંદડાંઓના પુંજ વચ્ચે રહીને નાની શી કુંપળને ફૂટવાનું કેટલું મોટું સાહસ કરવું પડતું હશે! પણ એ કુંપળ ફૂટે છે. કૂણી તામ્ર કાન્તિથી વૃક્ષ પરિમણ્ડિત થાય છે ને ચૈત્ર સુધી પહોંચતાં તો પેલાં પાંદડાની વાત ભૂલાઈ જ જાય છે.
પણ ખરતાં પાંદડાં ચાલ્યાં જાય છે તે દિશા તરફ આપણી દૃષ્ટિ રહી રહીને વળે છે. જે જીવનમાંથી ગયું તે બીજે રસ્તે થઈને સ્મૃતિમાં સંચિત થયું. અનાગતને પણ એ ઘડે છે. આપણું જીવન જ આ ત્રણે કાળનો ત્રિવેણી-સંગમ છે, જે અનુભવમાં આ ત્રિવેણીસંગમની વ્યંજના રહી હોય તે જ અનુભવ સાર્થક થયો કહેવાય. કવિની પ્રતિભા અનસૂયા જેવીછે, એ ત્રણે ય કાળને બ્રહ્મા, વિષ્ણુ કે શિવની જેમ પોતાને ખોળે રમાડે છે. કોઈ પણ ભાવ કે અનુભૂતિનો વિરુદ્ધ છેડો, એનો શક્ય વિસ્તાર અને એની અન્તર્નિહિત અપ્રકટ શક્યતા – આટલાનું એમાં સૂચન હોય જ. તો જ એને પૂર્ણતા પ્રાપ્ત થઈ કહેવાય, નહીં તો એ અપંગને વિકલાંગ બની રહે, જે કોઈ કવિ કે સર્જકે નવું પ્રસ્થાન કર્યું હશે તે આ સ્વરૂપની પૂર્ણતાની દિશામાં જ કરેલું દેખાશે. આજની આપણી કવિતાની સૌથી મોટી મર્યાદા જ આ છે. એમાં એકાદ અંગના પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. સર્વાશ્લેષી સમગ્રતાનો એ અનુભવ કરાવતી નથી. હમણાં સહમણાં એમ કહેવાતું સંભળાય છે કે આજનો કવિ છન્દ અને લય વિશે વધુ સભાન બન્યો છે. વારુ, એવી સભાનતા તો કવિ બનતાંની સાથે એણે કેળવી લીધી જ હોવી ઘટે. પણ એને પરિણામે શું સિદ્ધ થયું તે તપાસી જોઈએ. સંસ્કૃત વૃત્તોને આપણે સાવ છોડયાં તો નથી જ, ને નવાં અર્થાનુસારી આવર્તનો કે લય ઉપજાવવાને માટે ગુલબંકી, હરિગીત કે ઝૂલણાનાં પરમ્પરિત રૂપોથી આગળ આપણે કેટલેક વધ્યા છીએ વારુ? આનો પણ એક ચીલો પડી ગયો. પણ સાથે એક વૃત્તિ દેખાવા લાગી. બુદ્ધિની કુશાગ્રતા(!)થી કશુંક સ્થાપી આપવાનો પ્રયત્ન, પંક્તિઓને તોડીને એને અમુક આકારમાં કેમ ગોઠવી? (ડિલન ટોમસ કરતો હતો તેથી નહિ કે ઇ. ઇ. કમિન્ઝ એવી રમત રમે છે માટે તો અલબત્ત, નહિ જ!) કૌંસનો ઉપયોગ હમણાં હમણાંનો શા માટે વધ્યો? (એક પ્રમુખ કવિએ પીઠ થાબડીને કહ્યું : કેટલાક કવિઓ કૌસમાં ઘણું ઘણું કહી જાય છે.’ તેથી પ્રોત્સાહન પામીને તો નહિ જ!) ફલાણા કાવ્યસંગ્રહનું ફલાણું નામ શા માટે રાખવામાં આવ્યું! – આ બધું સમજાવવામાં મુગ્ધ અને વિદગ્ધ નહીં એવા ભોળા રસિકોને તરેહ તરેહની તર્કગુલાંટના ખેલ બતાવીને ચકિત કરી દઈ શકાય. પણ આ ચાકચિક્ય ક્યાં સુધી ટકશે વારુ? કવિ સહસ્રબાહુ હોવો જોઈએ. જુદા જુદા હજાર હાથે એ નવી નવી ભણિતિભંગી પ્રકટાવતો હોવો જોઈએ. કૌંસની ગણતરી અને એનો ખુલાસો, પ્રતીક નહિ હોય ત્યાં પ્રતીકની પધરામણી અને એનું માહાત્મ્યગાન, કાવ્યસંગ્રહના નામનો કોથળો છોડીને એમાંથી જાદુ કરતા હોઈએ તેમ ‘જુઓ છોકરાઓ ખેલ બતાવું છું’ કહીને એક પછી એક ચાતુરીના ખેલ બતાવીને ભોળા લોકોને ચકિત કરી દેવાની વૃત્તિ પેલા કવિને તો હાનિ કરશે જ, પણ વિવેચનના માર્ગમાં પણ એ એક અન્તરાય બની રહેશે. કવિ નીવડેલો માલ પૂરો પાડવાની ખટપટમાં પડી જશે, એના નવસેં નવ્વાણું હાથ એક ઝાટકે છેદાઈ જશે. વિવેચન ફેશનનો પ્રચાર કરતું થઈ જાય, સર્જકોને તારસ્વરે એ ફેશનના ફાયદા સમજાવતું થઈ જાય ત્યારે ઉપકારક બનવાને બદલે અપકારક જ નીવડે. આને જ પરિણામે ઉમાશંકર-સુન્દરમ્ પછીની નવી પેઢીની કવિતા હવે એ રગશિયે ચીલે ચઢી ચૂકી છે એવું લાગવા માંડયું છે. પ્રતીક અને Image વગર કવિને ન ચાલે. કવિ તર્કના પ્રમેયો ગોઠવતો નથી, પ્રતીક અને Image રચે છે. કવિતામાં વાક્ય અને વાક્યનો અન્વય હોતો નથી. પણ પ્રતીક અને પ્રતીક વચ્ચેનો, Image અને Image વચ્ચેનો અન્વય હોય છે. જો એમ ન હોયતો પછી કાવ્યનો આશ્રય લેવાની જરૂર જ શી હતી? પણ કેટલીક નવી કવિતા વાંચતાં એવી છાપ પડે છે કે એ પ્રથમ ગદ્યમાં ઘડાઈ ને પછી એણે ખોળિયું બદલ્યું. આનાં કારણો છે. પ્રતીકનું વજન ઝીલે એવું કાવ્યનું કાઠું ઘડાયું હોવું જોઈએ; એ પ્રતીક કાવ્યની અંદર જીવતું થઈ શકે એવો ભાવસંદર્ભ, એવી ભાવની આબોહવા કાવ્યમાં ઉપજાવેલી હોવી જોઈએ. નાનું સરખું ફૂલ ઉપર આખા ખુલ્લા આકાશના વિસ્તારની બાંહેધરી પામીને ખીલી શકે છે, તે મુજબ કાવ્યની અંદર પણ પ્રતીકની વ્યંજનાના વિસ્તારને માટેનો પૂરતો અવકાશ હોવો જોઈએ. આ બધું ન હોય તો પછી એનો અભાવ તર્કની કુશાગ્રતાથી કે વિદગ્ધતાથી પૂરી ન શકાય. કવિતા એક જ પગલું ભરે તે ન ચાલે, એણે ત્રણે પગલાં ભરવાં જોઈએ. જ્યાં વિભાવનાઓનાં ચોકઠાં બંધાયાં નથી, જ્યાં તૈયાર સંજ્ઞાઓથી ભાવને ઓળખી શકાતો નથી એવા અનુભૂતિના અગોચર સ્તરને તાગવાનું સાહસ હજી આપણી કવિતાને કરવું બાકી છે. જ્યાં સુધી એનો સમાવેશ થશે નહિ ત્યાં સુધી અનુભૂતિનાં અનેક પરિમાણો સિદ્ધ થશે નહિ. કાવ્યને અપ્રસ્તુત એવી ઘણી વીગતો ચર્ચવાની છોડીને તારસ્વરે થતો પ્રચાર અટકશે નહિ. ‘કવિલોક’નો છેલ્લો અંક જોતાં તો એમ લાગે છે કે હવે કવિતાનો કૌંસમાંથી ઉદ્ધાર કરવાને જ કોઈએ ક્રાન્તિ કરવી પડશે! કાલિદાસ, ભવભૂતિ કે વાલ્મીકિની કવિતાની પણ યથાસ્થાને કૌંસ મૂકીને સુધારેલી, નવી આવૃત્તિઓ, તૈયાર કરવાનું કોઈ કૌંસ-પ્રેમી કવિ ઉત્સાહમાં આવીને બીડું ઝડપે તો નવાઈ નહિ.
Feedback/Errata