અઠ્યાવીસ

પ્રચલિત શિષ્ટસંમાન્ય નીતિની ફૂટપટ્ટીએ સીધી લીટી દોરીને સુરેખતાનો આગ્રહ રાખનારો ભદ્રલોકોનો એક વર્ગ હમેશા વિવેચનાના ક્ષેત્રમાં વગ ધરાવતો હોય છે. સુરેખતા એ જ એમને મન સૌથી મોટું મૂલ્ય છે. જે સુરેખ ન બને તેને શિષ્ટ સુરુચિના રબરથી ભૂંસી નાખવું એ પવિત્ર ફરજ છે. પણ જીવનના અક્ષાંશરેખાંશ સુરેખતાની મર્યાદા સાચવીને ચાલતા નથી. ગમે તેવી સમાન્તર સીધી રેખાઓ આખરે તો દૂર જતાં વંકાઈને ભેગી થઈ જાય છે. સીમિત છે તે જ અમુક નિશ્ચિત માપ જાળવીને ચાલી શકે છે, તમે એને દૂર સુધી પ્રસરવા દો કે તરત જ ઘર આંગણેનાં માપતોલને એ ઉલ્લંઘી જાય છે. આથી જીવનને ઉપાદાન તરીકે સ્વીકારીને સર્જક એનું રૂપાન્તર કરે ત્યારે એ metamorphosisને distortion કહીને ભાંડવાની અસહિષ્ણુતા જે લોકો બતાવે છે, તેમને જો એમની આ અસહિષ્ણુતાની વક્રતા-સુરેખતાનો અભાવ-બતાવીએ તો વળી વધારે વંકાઈ જાય! સર્જન માત્ર જીવનાલમ્બી છે, જીવનાશ્રયી છે એ તો સાચું, પણ જે આલમ્બન કે આશ્રય લે છે તે અન્તરાયરૂપ નથી બનતું. જેને અમુક વર્ગ ‘જીવન’, ‘વાસ્તવિકતા’ કહીને ઓળખાવે છે તેની સાથે પદ ગોઠવીને ચાલવાની જવાબદારી સર્જકને માથે વિવેચન ઠોકી બેસાડે ત્યારે સર્જનમાત્ર ક્રાન્તિ બની રહે એવી અનિવાર્યતા ઊભી થાય છે. જીવન સાથેનો સાહિત્યનો સમ્બન્ધ તપાસવાની પદ્ધતિની ઘટતી મીમાંસા થતી નથી. ‘જીવન’વાદીઓના કેટલાંક ગૃહીતો પડકાર્યા વિનાનાં રહી જાય છે. રિલ્કે જેવા તો એમ કહેતા હતા કે જીવનની સાર્થકતા એ સાહિત્યના ઉપાદાન લેખે પોતાને ખપાવી દે તેમાં જ રહી છે. જે સાહિત્યમાં જીવન આ રીતે ખપી જતું નથી તે અકૃતકાર્ય-અકૃતાર્થ બની રહે છે.

License

જનાન્તિકે Copyright © 1965 by Usha Joshi. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.