પંદર

મેદુરતાનો લેપ હવે બધે થઈ ગયો છે. હવે આપણા હૃદયના ભાવની કાન્તિ પણ આ મેદુરતાથી ફરી ગઈ છે. મારા મનમાં હું આ મેદુરતાને જયદેવથી જુદી પાડી શકતો નથી. આષાઢના પ્રથમ દિવસે વિરહને કારણે થયેલા વલયભ્રંશથી રિક્તપ્રકોષ્ઠવાળો યક્ષ યાદ આવે છે, તેમ મેઘથી મેદુર અમ્બર તરફ જોઈને તમાલદ્રુમથી શ્યામ બનેલી પેલી વનરેખા યાદ આવે છે ને કશાક અજાણ્યા ભયથી વિહ્વળ બનીને આપણું હૃદય તે દિવસની વાણીનો પડઘો પાડી ઊઠે છે. રાધે ગૃહં પ્રાપય! વિચાર કરું છું તો લાગે છે કે આ ભયનું એક મોટું કારણ છે. આ મેદુરતાનું પોતું આપણા નામચિહ્નિત અસ્તિત્વને ભૂંસી નાખે છે, સ્વ-પરને ભૂંસી નાખે છે, લંગર તોડીને નાવડી પેલા Rimbaud ની ‘Drunken Boat’ની જેમ સાહસે જાય છે ત્યારે કાંઠા પરની કુંજમાં લઈ જનારી રાધાને આપણું મને શોધે છે.

‘આ આ છે’ એવી જડ નિશ્ચિતતાનાં મૂળ સુધી આ મેદુરતા પહોંચીને એને હલાવી નાખે છે. ક્ષિતિજે આ મેદુરતામાંથી આર્દ્રતાની ઝાંય વરતાય છે ને આપણી દૃષ્ટિની ક્ષિતિજ પણ એ ઝાંયથી ધૂંધળી બને છે. આપણી આંખને કિનારે આંસુ ઝમ્યું હોય છે ત્યારે એ આંસુને કારણે દૃશ્ય પદાર્થોની એકની ઉપર બીજી એમ, બે બે છબિઓ ઉપસી આવે છે. જાણે દૃશ્ય પદાર્થની એક સાથે અનેક શક્યતાઓને કોઈ પ્રકટ કરી આપે છે. આ મેદુરતા પણ કાંઈક આવી જ રમત આપણા મન:ચક્ષુ સાથે કરે છે. પરિચિતતાનો ખૂંટો કોઈ ઉખેડી નાખે છે ને ત્યારે ‘રાધે, ગૃહ પ્રાપય’ સિવાય ચારે બાજુથી બીજું કશું સંભળાતું નથી. કવિચિત્તની આવી મેદુરતાવૃત્ત દૃષ્ટિથી ભાવજગતની અનેક છબિઓ દેખાય છે. ને તેને વ્યક્ત કરવાને જ ઉત્પ્રેક્ષા જેવા અલંકારની જરૂર પડે છે. આંખે આંસુની ઝાંય વળી હોય ત્યારે એક વસ્તુના એકને સ્થાને બે કે તેથી વધારે રૂપો આપણને દેખાય છતાં જે દેખાય છે તેની દૃઢ વ્યાખ્યા બાંધી શકીએ એટલી સ્પષ્ટતા એમાં ન હોય. તો આવી તરલ સહોપસ્થિતિમાં જ અલંકારનો ઉદ્ગમ છે. ત્યારે જ આપણે વ્યાકરણ કે તર્કની વ્યાખ્યાના સામ્રાજ્યમાંથી સ્વેચ્છાએ હદપાર થઈને મુખ અને ચન્દ્ર વચ્ચે રમણીય આસ્વાદ્ય ગોટાળો ઊભો કરવાની છૂટ પામીએ છીએ. પણ આવાં અલંકારો છુટ્ટા વેરેલા ન હોય, એનાં મૂળ આવી મેદુરતામાં જડી આવવાં જોઈએ. પણ ‘સિન્થેટિક’ મેદુરતાથી આપણે કોઈ છેતરી ન શકે. આથી જ તો અલંકાર સહિત કાવ્ય લખવાં સહેલાં છે, અલંકાર રહિત કાવ્ય લખવાં અઘરાં છે. માટે મમ્મટે કહ્યું હશે ‘ક્વચ્ત્ અનલંકૃતિ!’ અલંકારોની ક્વચિત્તા જ ઇષ્ટ છે. કાવ્યમાં અલંકારો હોય એના કરતાં કાવ્ય પોતે જ એના સમસ્ત સહિત અલંકાર બની રહેતું હોય તે ઇષ્ટ પરિસ્થિતિ છે. પછી બ્રહ્મની જેમ એનું વર્ણન કરીને કહી શકીએ: એ જેટલો આદિમાં છે તેટલો જ મધ્યમાં છે ને એથી સહેજ પણ ઊણો અન્તમાં નથી. પણ કેટલાક શબ્દોની આજકાલ ભારે દુર્દશા થતી જાય છે, દરેક જમાને અમુક શબ્દો મરવા પડે છે. હમણાં હમણાં ‘પ્રતીક’ શબ્દની આવી દશા થતી જાય છે. સાપ મરી જાય પછી તો કીડીઓ પણ એને ખેંચી લઈ જાય, તેમ આ આ મરવા પડેલા પ્રતીકને ઘણાં ખેંચી લઈ જઈ રહ્યાં છે. પ્રતીકની આ દુર્દશા એક કરુણ પરિસ્થિતિ છે. પણ કોઈ વાર કીડીઓને ય પરાક્રમ કર્યાનું આશ્વાસન તો પ્રાપ્ત થવું જોઈએ!

License

જનાન્તિકે Copyright © 1965 by Usha Joshi. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.