3 ૩. જમનાનું પૂર

સાંજે, ગાંડા વેગથી જમનાના પૂર સામું જોઈ અને પછી હાથમાં ઝાલેલા દીવાવાળા પડિયા સામું જોઈ, તે મનમાં બોલીઃ “આજે ઘણા દિવસોનો મનોરથ પૂરો થશે.” થોડી વારે કાંઠા ઉપર દોરડું બાંધી પડેલા મછવા તરફ જોઈ તેણે કહ્યું: “માછીડા, હોડી પૂરના મધ્યમાં લઈ જા.”

એક જુવાન માછી બોલ્યો : “આજે હોડી નહિ ચાલે. આવું પૂર મેં જિંદગીભરમાં કદી જોયું નથી.”

એક આધેડ વયનો માછીમાર બોલ્યો : “પચીસ વરસ ઉપર આવું પૂર આવ્યું હતું અને અમે ના પાડી છતાં એક મછવો ગયો હતો તે પણે જઈને ઊંદો વળી ગયો.” તેણે આંગળી ચીંધી તે જગા બતાવી.

કોઈ માછીના મોં પર હા ન જોઈ તે ટોળામાંથી ઝપાટાબંધ અદૃશ્ય થઈ ગઈ.

સાંજે હંમેશની જેમ જમનાની આરતી થવા લાગી. અનેક સ્ત્રીઓ નાના પડિયામાં દીવા કરી ઘાટ ઉપરથી પાણીમાં પડિયા તરતા મૂકતી હતી. કોઈ પવનથી, કોઈ પાણીના વેગથી, કોઈ માછલાંની ઝાપટથી ધકેલાઈ અનેક પડિયા જમનાના પ્રવાહ ઉપર જઈ તરતા હતા : કોઈ તણાતા, કોઈ સ્થિર, કોઈ ડગતા, કોઈ નાના, કોઈ મોટા, ક્યાંક ભેગા, ક્યાંક છૂટાછવાયા અનેક દીપોથી, ઘેલી કાલિન્દી આજે મેઘકલુષિત સ્વર્ગગંગાને જાણે હસતી હતી.

ત્યાં પણે દૂર એક મોટો દીવો પ્રવાહ મધ્યે થઈ શેનો ઓલાયો? પાછો બીજો એવો જ દીવો થઈ ઓલાયો!

એ જગાએ જમનાનો ઘાટ ફાચરની પેઠે અંદર પેસી ઠેઠ જમનાના મુખ્ય પ્રવાહ સુધી પહોંચેલો હતો અને ત્યાં તે બેઠી બેઠી પ્રવાહ મધ્યે પોતાનો દીવો તરતો મૂકવાનો પ્રયત્ન કરતી હતી. તેના બે પ્રયત્ન નિષ્ફળ ગયા. તેણે ત્રીજો આદર્યો. એક લાંબી પાતળી લાકડીને છેડે તેણે દોરી લટકાવી ત્યાં સળગતો દીવો બાંધ્યો ને લાકડી ઠેઠ પ્રવાહ ઉપર લઈ જઈ દીવો પાણીમાં તરતો મૂક્યો અને પ્રવાહમાં તણાતા દીવા ઉપર જરા લાકડી નમાવી, તેનો દોર એ દીવે જ બાળી લાકડી ઉપાડી લીધી. આ વખતે દીવો બરાબર છૂટો થઈ પ્રવાહ મધ્યે પડી વેગભર ચાલવા માંડયો.

તે સમયે આરતી થતી હતી. કાલિન્દીના ધમધમતા પૂર ઉપર તરતા દીવા મેઘલી રાતમાં આગિયા જેવા દેખાતા હતા. સાત વાટવાળી આરતી ઉતારાતી હતી, તે જાણે ફેણેફેણે મણિવાળો કાલિય નાગ આ સુંદર દૃશ્યને જોઈ ડોલતો હોય તેમ લાગતું હતું. સર્વ સ્ત્રીઓ આ અદ્ભુત દૃશ્યની સુંદરતા, ભવ્યતા અને ભક્તિમાં લીન થઈ આત્મભાન ભૂલી સ્તબ્ધ બની ઊભી હતી.

પણ તેના વિચારો જુદા જ હતા. ઘણા દિવસનો મનસૂબો આજે પાર પડેલો જોવા તે તલપાપડ થઈ રહી હતીઃ મારો દીવો સૌથી જુદો છે, સૌથી મોટો છે, સૌથી વધારે વખત ચાલશે, આટલા પ્રવાહની મધ્યમાં મારો દીવો દૂરમાં દૂર જશે અને કેટલેય સુધી દૂરદૂરનાં ગામો એને જોઈ વિસ્મય પામી કહેશેઃ “અહો! આનો દીવો કેવો છે?”

આરતી પાસે બધા દીવા કોણ કોના છે, ક્યાં છે, એની તથા વિના, એકબીજાને શોભાવતા જુદા જુદા વેગે જતા હતા, ત્યારે તેનો એકલો દીવો રણવગડામાં એકલા ખજૂરીના ઝાડ જેવો તણાયે જતો હતો. સર્વ સ્ત્રીઓ દીવાની મમતા મૂકી આખા દૃશ્યના સૌન્દર્યમાં લીન થતી હતી ત્યારે તે એક ખૂણે પોતાના દીવાની પેઠે એકલી ઊભીઊભી માત્ર પોતાનો જ દીવો જોતી હતી.

દીવો દૂર ગયો. દૂર જતો જોવા માટે તે ખૂણા ઉપરના મંદિર ઉપર ચડી. તેથી પણ દૂર ગયો અને તે મંદિરના શિખર ઉપર ચડી. “દીવો ક્યાં ગયો? જે દીવાને જોઈ દૂરનાં ગામો વિસ્મય પામવાનાં છે તે મારો દીવો ક્યાં ગયો?” દીવો જરા નદીના વાંકમાં વળ્યો તે જોવા તે જરા એક તરફ વાંકી વળી. તેનો પગ લપસ્યો અને જે કાલિન્દીએ કૃષ્ણને જવા માર્ગ આપ્યો હતો તેણે પોતામાં તરતા કાચબા અને માછલી જેટલી, પોતા પર તરતા નાનામોટા દીવા જેટલી, અરે, તેણે મૂકેલા પેલા દૂર જતા દીવા જેટલી પણ દરકાર કર્યા વિના તેને પોતામાં ગુમ કરી દીધી, અને કોઈએ જાણ્યું પણ નહિ!

તેનો દીવો કેટલે ગયો તેની કશી ખબર કોઈને પડી નહિ. તે દીવો માત્ર તે એકલી જોતી હતી!

આજે કાલિન્દીએ ધ્યાનસ્થ યોગી જેવા અનેક પર્વતોના પગ ધોયા છે, આજે કાલિન્દીએ જગતનો કેટલોય મેલ પોતાના વેગમાં ખેંચી તેને દરિયામાં લુપ્ત કર્યો છે, આજે કાલિન્દીએ તટ ઉપરનાં કેટલાંય ખેતરોને ફળદ્રુપ કર્યાં છે. આજે કાલિન્દીએ કેટલાય દીવા વક્ષઃસ્થલ ઉપર ધારણ કર્યાં છે — કદાચ તેનો દીવો પણ ધારણ કર્યો છે. પણ “મારો દીવો સૌથી આગળ જઈ સર્વને વિસ્મિત કરશે” એટલો મનોરથ સિદ્ધ થયો દેખાડવા જેટલો સદ્ભાવ કાલિન્દીએ તેના તરફ બતાવ્યો નહિ!

જગતના પૂરનો હેતુ શો હશે?

000

License

દ્વિરેફની વાતો - ભાગ ૧ Copyright © by રામનારાયણ વિશ્વનાથ પાઠક. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.