સોનીની સોના જેવી સેવા – કાકા કાલેલકર

કેટલા આનંદનો વિષય છે કે ભારતભક્ત એક અંગ્રેજે આજના યુગના બે સર્વશ્રેષ્ઠ ભારતીયોને એકબીજાનો પરિચય કરાવ્યો, એમને એકત્ર આણ્ય અને એકબીજાના ભક્ત બનાવ્યા.

ગુજરાતનું એ પરમ ભાગ્ય છે કે ભારતના કોઈ પણ પ્રદેશ કરતાં ગુજરાતના શ્રેષ્ઠ કવિઓ, કેળવણીકારો, સમાજસેવકો અને સંસ્કૃતિ-ધુરંધરો ટાગોર અને ગાંધીને પોતાના હૃદયમાં એકત્ર સ્થાન આપે છે.

રવીન્દ્રનાથના શાંતિનિકેતનમાં પ્રથમ હું ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના સાથીઓને મળ્યો, અને ત્યાર પછી એ જ સુંદર અને પવિત્ર સંસ્થામાં હું મહાત્માજીને પણ મળ્યો. ભારત-ભક્તિમાં અને માનવતાની સેવામાં, ભારતમાતાના આ બે સુપુત્રો એકહૃદય છે, એ જેમણે જાણ્યું છે તે જ ખરા ભાગ્યશાળી.

હું શાંતિનિકેતનમાંથી ગાંધીજીના આશ્રમમાં પહોચ્યો. ત્યાં મને ગુજરાતનાં યુવાન કવિહૃદયો મળ્યાં. એમની આગળ મેં મારી ટાગોર-ભક્તિ ઠાલવી. સ્વરાજ્ય-સેવામાં અને સાંસ્કૃતિક ઉત્થાનના કાર્યમાં અને બધા ગાંધીભક્ત તો થયા જ હતાં. એટલે આ કવિઓએ ટાગોર-સાહિત્યનો પરિચય ગુજરાતને કરાવ્યો, એમાં હું પણ એક સહસેવક હોઉં એટલો મને આનંદ થાય છે. શ્રી ઉમાશંકર જોશી અને શ્રી નગીનદાસ પારેખ જેવા તો મારા નજીકના સાથીઓ બની ગયા. શ્રી રમણલાલ સોની પણ એટલા જ નજીક આવ્યા. પણ કવિતાની સેવા સાથે એમને ગુજરાતની ગ્રામીણ જનતાની પણ સેવા કરવાનું સૂઝ્યું. એમને એવી તકો પણ મળી. એટલે ગાંધીજીએ અમને જે આદર્શ સેવતા કર્યા એ આદર્શ પ્રત્યક્ષ અમલમાં મૂકવામાં ભાઈ રમણલાલ અમારા કરતાં વધારે ફાવ્યા. એ આનંદ સાથે અદેખાઈ પણ મનમાં ઊગત, પણ શ્રી રમણલાલ ગ્રામજનતાની જે સેવા કરે છે. તે આપણા વતી જ કરે છે, એ સંતોષ આગળ અદેખાઈ જાગતી જ નથી. કવિ રમણલાલ સોનીએ રવીન્દ્રનાથને ગુજરાતીમાં આણી, ગુજરાતની સોના જેવી સેવા કરી છે. એમનું અભિનંદન કરતાં મને અત્યંત આનંદ થાય છે. 

અનુવાદ એ તો વિશ્વમૈત્રી વિકસિત કરવાની કલા છે. બંને ભાષાઓ પર ઉત્તમ કાબૂ હોય એટલું જ બસ નથી, બંને બાજુના સાહિત્યનાં હાર્દ સાથે એકહૃદય થવાથી શક્તિ અનુવાદકમાં હોવી જોઈએ. એ શક્તિ શારદામાતા પોતાના કવિઓને પૂરી માત્રામાં અર્પણ કરે છે, તેથી જ તેઓ ‘વિશ્વહૃદયના સેવક’ બને છે. અનુવાદક તરીકે પણ રમણલાલે કવિને યોગ્ય કીર્તિ મેળવી છે. 

કાકા કાલેલકર

સન્નિધિ, રાજઘાટ, નઇ દિલ્હી
તા. ૨૧-૬-૭૧

License

ચિરકુમારસભા Copyright © by રવીદ્રનાથ ટાગોર and અનુવાદઃ રમણલાલ સોની. All Rights Reserved.