અક્ષયે કહ્યું: ‘પત્નીનું એકમાત્ર તીર્થ એનો પતિ છે. એ વાત તું માને છે કે નહિ?’

પુરબાલાએ કહ્યું: ‘પંડિત મશાયની પાસે હું શાસ્ત્રનું વિધાન લેવા નથી આવી. હું તો કહેવા આવી છું કે માની સાથે હું આજે કાશી જાઉં છું.’

અક્ષયે કહ્યું: ‘પણ એ સમાચાર બહુ ઉત્સાહપ્રેરક નથી—એ સાંભળીને તને શાલદુશાલા ઇનામમાં આપવાનું મન થતું નથી.’

પુરબાલાએ કહ્યું: ‘હં, હૃદય ફાટી જાય છે—કાં? સહન નથી થતું, નહિ?’

અક્ષયે કહ્યું: ‘હું કેવળ આવી રહેલા વિયોગની જ ચિંતા નથી કરતો.—તું બે દિવસ અહીં નહિ હોય,—પણ બીજાં તો બધા રહેશે ને? એટલે સુખેદુ:ખે આ અભાગિયાના દિવસો તો પસાર થઈ જશે. પણ પછી શું? જો, ધર્મકાર્યમાં પતિથી આગળ ન વધી જા,—તને સ્વર્ગમાં ડબલ પ્રમોશન મળશે જ્યારે હું પાછળ રહી જઈશ. તને વિષ્ણુના દૂતો રથમાં બેસાડીને લઈ જશે, અને મને જમના દૂતો મારો કાન પકડીને પગે તગડશે—’

આમ કહી એણે પરજમાં ગાવા માંડ્યું:

સ્વર્ગે તુંને લઈ જાશે વિમાનમાં

મારે પૂંઠે ખોળંગાતા હીડવું,

મને થશે કે વિષ્ણુદૂતની ચોટલી

પકડી એનું માથું ફોડી કાઢવું!

પુરબાલાએ કહ્યું: ‘સારું, સારું, રહો!’

અક્ષયે કહ્યું: ‘હું થંભી રહું, ને તું જ એકલી ચાલે, એમ ને? ઓગણીસમી સદીની આ વ્યવસ્થા? ખરેખર, તું જાય છે?’

પુરબાલાએ કહ્યું: ‘આ ચાલી!’

અક્ષયે કહ્યું: ‘મને કોના હાથમાં સોંપીને જાય છે?’

પુરબાલાએ કહ્યું: ‘રસિકદાદા હાથમાં.’

અક્ષયે કહ્યું: ‘તું સ્ત્રી છે, મિલકત સોંપણીના કાયદાની તમે ખબર નથી. એટલે તો વિરહાવસ્થામાં યોગ્ય હાથની જાતે જ શોધ કરી તેને આત્મસમર્પણ કરવું પડે છે.’

 પુરબાલાએ કહ્યું: ‘તમારે કંઈ બહુ શોધ કરવી પડવાની નથી.’

અક્ષયે કહ્યું: ‘ના, નહિ કરવી પડે.’ આમ કહી એણે કાફીમાં ગાવા માંડ્યું:

‘કોના હાથમાં મેલું મારા પ્રાણ

એ ચિંતામાં દિવસ પૂરો થાય!

જમણી બાજુ દેખું ત્યારે મન ડાબી બાજુ ઝંખે,

ડાબી બાજુ ફરું ત્યારે મન જમણી બાજુ ખેંચે!

ઠીક, મારે આશ્વાસન લેવાના તો બે-ત્રણ સારા રસ્તા છે પણ તું—

‘વિરહ રાતે શું કરવાની?

વિરહ તાપે તું બળવાની!

આમથી તેમ પડખાં ફરવાની!

મન્મથજીને શાપ દેવાની!’

પુરબાલાએ કહ્યું: ‘બહુ થયું, તમારી શાયરી બંધ કરો હવે.’

અક્ષયે કહ્યું: ‘દુ:ખ વખતે મારાથી રહેવાતું નથી—આપોઆપ કવિતા નીકળવા માંડે છે. પ્રાસવાળી કવિતા ન ગમતી હોય તો પ્રાસ વગરની તૈયાર છે; તારા વિહરમાં હું ‘આર્તનાદવધ કાવ્ય’ નામે એક કાવ્ય લખીશ. હે સખી, એની શરૂઆત સાંભળો’— આમ કહી હાવભાવ સાથે એણે બોલવા માંડ્યું:

વરાળના રથે ચડી, નારી ચુડામણિ

પુરબાલા ગઈ કાશીપુરી, ત્યારે કેમ કરી, 

કેવી રીતે, કોણ વરાંગનાના

કંઠ વિષે ધરી વરમાળા એક માસ લગી 

સહ્યો દીર્ઘ વિરહ, એ ત્રણ સાળીવાળા

અક્ષયે? કહો હે દેવી અમૃતભાષિણી!

પુરબાલાએ ગર્વથી કહ્યું: ‘મારા સમ ખાઓ, મશ્કરી નથી કરતી. તમે સાચેસાચ કવિતા લખશો ને?’

અક્ષયે કહ્યું: ‘સમ ખાવાનું કહેતી હો તો હું કહું કે એ સુખાદ્ય ચીજ નથી. અને કવિતા લખવાની બાબતમાં કહું તો એ કામ મને એટલું સહેલું નથી લાગતું. મારી બુદ્વિમાં ક્યાંય છિદ્ર પડેલું છે, એટલે કવિતા ટકતી નથી—ફસ ફસ કરતી નીકળી જાય છે.

‘જાણે,મારી વાડીમાં કેમ ફૂલ કદી ના ફળે?

કારણ ફૂલ ખીલે કે તરત ધરું ચરણ તળે!

‘પણ મારા સવાલનો તો તેં કોઈ જવાબ ન દીધો. અને હું તો કુતૂહલથી મરી જાઉં છું! કાશી જવાનો એકાએક તને આટલો ઉમળકો શાથી થઈ આવ્યો છે? પેલા વિષ્ણુના દૂતને તો મેં મનમાં મનમાં ક્ષમા દીધી, પણ ભગવાન ભૂતનાથ ભવાનીપતિના અનુચરોની ઉપર મને ભારે વહેમ છે. કહે છે કે નંદી અને ભૃંગી ઘણી બાબતમાં મને વટાવી ખાય એવા છે, એટલે પાછી આવતાં કદાચ તને આ ભૂત ન પણ ગમે!’

અક્ષયની મશ્કરીમાં કંઈક ઈર્ષ્યાની જ્વાળા હતી, એની પુરબાલાને ક્યારનીય ખબર પડી ગઈ હતી. વળી કાશી જવાની વાત સાંભળીને શરૂઆતમાં એનામાં જે ઉત્સાહ આવી ગયો હતોે, તે જેમ નીકળવાનો દિવસ પાસે આવતો હતો તેમ ઓછો થતો જતો હતો.

તેથી તેણે કહ્યું: ‘તો હું કાશી નહિ જાઉં!’

અક્ષયે કહ્યું: ‘હેં! શું કહે છે! તો તો ભગવાન ભૂતભાવનનાં જે ભૂતો એક વાર મરીને ભૂત થયાં છે તેમણે ફરી બીજીવાર મરવું પડશે.’

એટલામાં રસિક ત્યાં આવી પહોંચ્યો. એને જોઈ પુરબાલાએ કહ્યું: ‘આજે તો રસિકદાદાનું મોં કંઈ હસું હસું થાય છે.’

રસિકે કહ્યું: ‘શું કહું? તમારા રસિકદાદાના મોંનો એ રોગ કેમે મટતો નથી. વાત નહિ, ચીત નહિ, ને આખો દિવસ હસ્યા કરવું—પરણેલાં એ જોઈએ દાઝે બળી જાય!’

પુરબાલાએ કહ્યું: ‘સાંભળ્યું? હે પરણેલા પુરુષ મહારાજ! આનો જવાબ દો હવે!’

અક્ષયે કહ્યું: ‘અમારી પરણેલાંઓની પ્રફુલ્લતાની એ ડોસાને શું ખબર પડે? એ પ્રફુલ્લતા એટલી રહસ્યમય છે કે હજી લગી કોઈ એનો ભરમ ફોડી શક્યું નથી. એનું ઊંડાણ એટલે બધું છે. કે અમે પણ ફાંફાં મારીએ છીએ, પણ કશું હાથમાં આવતું નથી. તેથી કોઈ વખત શંકા થાય છે કે ખરેખર આ તે છે કે નથી!’

પુરબાલાએ ‘સમજી’ કહી ગુસ્સામાં જવા માટે પગ ઉપાડ્યો.

અક્ષયે તેને પકડીને પાછી વાળી કહ્યું: ‘મારા સમ, આ માણસના દેખતાં ગુસ્સો ન કર, નહિ તો એનો પારો ખૂબ ચડી જશે. જુઓ, હે દામ્પત્ય તત્ત્વજ્ઞાનના બિનઅનુભવી વૃદ્વ! અમે જ્યારે ગુસ્સે થઈએ છીએ ત્યારે સ્વાભાવિક રીતે જ અમારો કંઠસ્વર પ્રબળ બની જાય છે, અને એ જ તમને સંભળાય છે. પણ જે સ્નેહને લીધે અમારો કંઠ રૂંધાઈ આવે છે. અને કાનમાં મોં નાખતી વખતે મોં ફરીફરી લક્ષ્ય ચૂકી જાય છે, ત્યારે તમને તેની કંઈ જ ખબર પડતી નથી!’ 

પુરબાલાએ કહ્યું: ‘આહ, બસ કરો!’

અક્ષયે કહ્યું: ‘જ્યારે ઘરેણાંની નોંધ થાય છે ત્યારે ઘરના ગુમાસ્તાથી માંડીને સોની સુધ્ધાં બધાંને તેની ખબર પડે છે, પણ વસન્તની મધરાતે જ્યારે પ્રેયસી—’

પુરબાલા બોલી ઊઠી: ‘આહ! બસ કરો.’

અક્ષયે કહ્યું: ‘વસન્તની મધરાતે જ્યારે પ્રેયસી—’

પુરબાલાએ કહ્યું: ‘આહ—શું બકો છો, કંઈ ભાન છે?’

અક્ષયે કહ્યું: ‘વસન્તની મધરાતે જ્યારે પ્રેયસી ફૂંફાડો મારીને કહે છે કે હું કાલે જ મારા બાપને ઘેર જતી રહું છું, એક ઘડી પણ હવે હું અહીં રહેવાની નથી—મારાં હાડ ભાંગી ગયાં—મારા—’

પુરબાલાએ કહ્યું: ‘અરે મશાય! ક્યારે તમારી પ્રેયસીએ વસંતની રાતે બાપના ઘેર જવાની હઠ કરી છે એ તો કહો!’

અક્ષયે કહ્યું: ‘ઇતિહાસની પરીક્ષા? માત્ર ઘટનાની રચના કરીને નહિ છુટાય? પાછાં સન અને તારીખ સુધ્ધાં મોઢામોઢ બતાવી દેવાં પડશે? હું શું એટલો મોટો પ્રતિભાશાળી છું?’

પુરબાલાની સામે જોઈએ રસિકે કહ્યું: ‘સમજ્યાં, બહેન, ચોખ્ખા શબ્દોમાં એ તમારી વાત કહી શક્તા નથી,—એટલી હિંમત ક્યાંથી લાવે?—એટલે ઉલટાવીને બોલે છે. લાડથી ન વળ્યું, એટલે હવે ગાળ દઈને લાડ કરવાં પડે!’

પુરબાલાએ કહ્યું: ‘વારુ મલ્લિનાથજી! તમારે હવે વ્યાખ્યા કરવી નહિ પડે. માએ છેવટે તમને સાથે લઈને કાશી જવાનું નક્કી કર્યું છે.’

રસિકે કહ્યું: ‘બહુ સરસ! એમાં બીવાનું શું છે? તીરથ કરવાની હવે ઉંમર પણ થઈ છે. હવે તમારા લોકોના લોલ કટાક્ષોની આ વૃદ્વ પર કશી અસર થવાની નથી.—હવે તો ચિત્ત ભગવાન ચંદ્રચૂડના ચરણમાં—

‘મુગ્ધસ્નિગ્ધવિદગ્ધ મુગ્ધમધુરૈર્લોલૈ: કટાક્ષૈરલમ્ |

ચેતશ્ચુમ્બતિ ચન્દ્રચૂડચરણધ્યાનામૃતે વર્તતે ||’

પુરબાલાએ કહ્યું: ‘તો તો બહુ સરસ! તમારી ઉપર હું કટાક્ષોનો દુરુપયોગ કરવા ઇચ્છતી નથી—હવે ચંદ્રચૂડ ચરણે સિધાવો—હું માને બોલાવું.’

રસિકે હાથ જોડીને કહ્યું: ‘મારાં મોટાં બહેન! તમારી માએ મને સુધારવાનો બહુ પ્રયાસ કર્યો, પરંતુ એવા ખરાબ ચોઘડિયે એ સુધાર-કાર્ય શરૂ થયું છે કે હવે તેમના શાસનનું કશું ફળ આવવાનું નથી. ઊલટું હજીયે મારી બગડવાની ઉંમર છે. એ ઉંમર વિધાતાની કૃપાથી એવી ને એવી રહે છે. લોલ કટાક્ષ શેષ કાળ લગી કામ કરે છે, પરંતુ ઉદ્ધારની ઉંમર હવે વીતી ગઈ છે. તેઓ હમણાં કાશી જાય છે, તો છોને થોડા દિવસ આ બૂઢા બાળકની બુદ્વિ સુધારવાની દુરાશાનો ત્યાગ કરી શાંતિથી રહેતાં—શું કરવા તમે એમને હેરાન કરો છો?’

એટલામાં જગત્તારિણી ત્યાં આવી પહોંચ્યાં. આવતાં જ એમણે કહ્યું: ‘તો બાબા, હું જાઉં છું!’

અક્ષયે કહ્યું: ‘શું જાઓ છો, મા? રસિકદાદા હમણાં સુધી દુ:ખી થતા હતા કે તમે—’

રસિકે વ્યાકુળ બની કહ્યું: ‘મુખુજ્જે મશાય બધી વાતને મશ્કરીએ ચડાવે છે! મા, મને કઈ દુ:ખ નથી,—હું શું કરવા દુ:ખી થાઉં?’

અક્ષયે કહ્યું: ‘તમે નહોતા કહેતા કહેતા કે મોટાં મા એકલાં કાશી જાય છે, અને મને સાથે લઈ જવાની ના કહે છે?

રસિકે કહ્યું: ‘હા, એ તો સાચી વાત છે. મનમાં લાગે તો ખરું ને!—પણ જો માને ખાસ—’

જગત્તારિણીએ કહ્યું: ‘ના બાપુ, પરદેશમાં તારા રસિકદાદાને સમાલે કોણ? એમને સાથે રાખવાનું ફાવે નહિ.’

પુરબાલાએ કહ્યું: ‘પણ મા, રસિકદાદને સાથે તું લઈ જાય તો એ તને સાચવે કરે ને?’

જગત્તારિણીએ કહ્યું: ‘બહુ થયું! મને હવે સાચવવા કરવાની જરૂર નથી. તારા રસિકદાદાની બુદ્ધિનું પારખું થઈ ગયું છે.’

રસિકે ટાલ ઉપર હાથ ફેરવતાં ફેરવતાં કહ્યું: ‘તે મા, જેવી મારી બુદ્ધિ છે તેવું તેનું પારખું હમેશાં આપું છું—એને છુપાવી શકતો નથી—પડકાઈ જવું જ પડે છે, અને હું પડકાઈ જાઉં છું. ભાંગેલું પૈડું જ સૌથી વધારે કચૂડ કચૂડ અવાજ કરે છે અને એ ભાગેલું છે એની આખા ગામમાં સૌને ખબર પડે છે. આથી તો, મોટી મા, હું મૂંગો રહેવા માગું છું, પણ તમે બોલાવ્યા વગર ક્યાં છોડો છો?’

પોતાની શિથિલતાને લીધે જે માણસ કોઈ પણ કામ પોતાની ઇચ્છાનુસાર કરી શકતો નથી, એને હમેશાં વઢવા માટે કોઈ જોઈએ છે. રસિકદાદા જગત્તારિણીના બહિર્સ્થિત આત્મગ્લાનિવિશેષ હતા.

જગત્તારિણીએ કહ્યું: ‘તો હું હારાનને ઘેર જાઉં છું. ત્યાંથી સીધી એ લોકોની સાથે ગાડીમાં બેસીશ. આ સિવાય નીકળવાનું બીજું મહૂરત નથી આવતું. પુરો, તમે લોકો તો કોઈ ચોઘડિયાંમાં માનતા કરતા નથી, એટલે વખત થયે તું સ્ટેશને આવી પહોંચજે.’

પોતાનાં દીકરી-જમાઈના અસાધારણ પ્રેમની માને બરાબર ખબર હતી. એટલે પંચાંગની ખાતર એમને વહેલાં છૂટાં પાડવાનો પ્રયત્ન કરવો નકામો છે એવું એ સમજતાં હતાં. પરતું જ્યારે પુરબાલાએ કહ્યું કે ‘મા, હું નથી આવવાની’ ત્યારે પહેલાં તો એમણે ધાર્યું કે એ અમસ્તી એમ બોલે છે. કારણ કે પુરબાલાએ ઉપર એમનો ઘણો આધાર હતો. પુરબાલા પોતાની સાથે આવે છે અમે જાણીને એમની બધી ચિંતાઓ ટળી ગઈ હતી. પુરબાલાએ પતિની સાથે ઘણી વખત સિમલા જઈ આવી હતી. એટલે એને મુસાફરીનો મહાવરો હતો. કોઈ પુરુષને સાથે લઈ જવા કરતાં પુરબાલાને સાથે લઈ જવાથી મુસાફરીમાં વધારે સગવડ રહેશે એવી એમને ખાતરી હતી. એટલે એકાએક પુરબાલાએ સાથે આવવાની ના પાડી ત્યારે નિરાશ થઈ જગત્તારિણીએ પોતાના જમાઈની સામું જોયું.

અક્ષય પોતાની સાસુના મનનો ભાવ સમજી જઈને બોલ્યો: ‘એ તે બને? તું માની સાથે ન જાય તો કેટલી બધી અગવડ પડે એનો વિચાર કર. ઠીક મા, તમે જાઓ, હું એને વખતસર સ્ટેશને લઈને આવું છું.’

જગત્તારિણી નિશ્ચિંત બની નીકળ્યાં.

*

રસિકદાદા ટાલ પસવારતા પસવારતા વિયોગનો ખેદ મોં પર આણવાની કોશિશ કરવા લાગ્યા. એટલામાં શૈલે પુરુષવેશમાં પ્રવેશ કર્યો.

અક્ષયે કહ્યું: ‘કેમ મશાય? કોણ છો તમે?’

‘જી, મશાય, આપની સહધર્મિણીની સાથે મારે ખાસ નાતો છે.’ આમ કહી પુરુષવેશધારી શૈલે અક્ષયની સાથે હાથ મિલાવ્યા. 

પછી શૈલે કહ્યું: ‘મુખુજ્જે મશાય! ઓળખાણ ન પડી ને?’ 

પુરબાલાએ કહ્યું: ‘ઓ મા! તેં તો હદ કરી! શરમ નથી આવતી?’

શૈલે કહ્યું: ‘દીદી, લજ્જા સ્ત્રીઓનું ભૂષણ છે, પણ પુરુષવેશ ધારણ કરવો હોય તો એનો ત્યાગ કરવો પડે છે. તેવી રીતે જો મુખુજ્જે મશાય છોકરીનો વેશ તો શરમથી તેઓ મોં છુપાવશે. કેમ રસિકદાદા બોલતા નથી?’

રસિકે કહ્યું: ‘આહ શૈલે! જાણ કિશોર કંદર્પ! જાણે સાક્ષાત કુમાર ભવાનીના ખોળામાંથી ઊઠીને આવ્યો! હમેશાં શૈલ તરીકે એને જોતો આવ્યો છું એટલે આંખો ટેવાઈ ગઈ છે; એ સુન્દરી છે મધ્યમ છે કે સાધારણ છે એ સવાલ પણ કદી મનમાં પેદા થયો નથી,—પણ આજે એણે વેશબદલો કર્યો છે એટલે એનું રૂપ નીખરી આવ્યું છે. પુરોદિદિ! લજ્જાની ક્યાં વાત કરો છો! મને તો થાય છે કે એને પડખામાં ખેંચી એના માથા પર હાથ મૂકી આશીર્વાદ આપું!’

પુરબાલા પોતે પણ શૈલનું સુકુમાર સોહામણું પુરુષરૂપ જોઈને મનમાં મનમાં મુગ્ધ થઈ ગઈ હતી. એના મનમાં ઊંડી વેદના થઈ આવી. તેને થયું કે હા! શૈલે અમારી બહેન થવાને બદલે જો ભાઈ થઈને જન્મી હોત તો કેવું સારું! ભગવાને એને આવું રૂપ દીધું, આવી બુદ્ધિ દીધી, પણ બધું નકામું કરી નાખ્યું.’

પુરબાલાની આંખો છલછલ કરતી છલકાઈ આવી. 

અક્ષયે સ્નેહભરી ગંભીરતાપૂર્વક એ પુરુષવેશધારિણીને ધારીને જોઈ રહ્યો, પછી બોલ્યો: ‘સાચું કહું છું, શૈલ! તું જો મારી સાળી હોવાને બદલે, મારો નાનો ભાઈ બની હોત તો હું ખૂબ ખુશી થાત!’

શૈલે જરા વિચલિત થઈને બોલી: ‘હું પણ ખુશ થાત, મુખુજ્જે મશાય!’

ખરું જોતાં એ બંને ભાઈઓ જેવાં જ હતાં. માત્ર એ ભાતૃભાવની સાથે કૌતુકભર્યો મૈત્રીભાવ ભળેલો હોવાથી એમનો કોમલ સંબંધ ઊજળો બની ગયો હતો.

પુરબાલાએ શૈલને છાતી સરસી ખેંચી કહ્યું: ‘આ વેશે તું કુમારસભાની સભાસદ થવા જાય છે?’

શૈલે કહ્યું: ‘બીજા વેશમાં જાઉં તો વ્યાકરણનો દોષ છે, દીદી! ખરું કે નહિ, રસિકદાદા?

રસિકે કહ્યું: ‘વાત ખરી છે. વ્યાકરણના નિયમ સાચવીને જ હમેશાં ચાલવું જોઈએ. નહિ તો ભગવાન પાણિનિ અને બોપદેવ વગેરેને જન્મ લેવાનું કારણ શું? પરતું ભાઈ, શ્રીમતી શૈલબાલાને ચાપકાન પ્રયત્ન લગાવવાથી શું વ્યાકરણના નિયમનું પાલન થઈ જાય છે?’

અક્ષયે કહ્યું: ‘નૂતન મુગ્ધબોધ’માં એવું લખેલું છે. હું લેખ કરી આપું છું કે ચિરકુમારસભાના મુગ્ધ સભ્યોને શૈલે જેમ ભણાવશે તેમ તેઓ ભણશે. એ કુમારોની ધાતુ હું જાણું તો!’

પુરબાલાએ એક દીર્ઘ નિ:શ્વાસ નાખી શૈલને કહ્યું: ‘તારા મુખુજ્જે મશાય અને તારા આ બૂઢા સમોવડિયાની સાથે તું તારી રમત શરૂ કર—હું માની સાથે કાશી જાઉં છું.’

પુરબાલાને આવી બધી નિયમ વિરુદ્ધની વાતો ગમતી નહોતી. પરતું પોતાના પતિ અને બહેનની વિચિત્ર કૌતુક-લીલમાં વિપેક્ષ નાખવાનુંયે એને ગમતું નહિ. પોતાના પતિસુખનો વિચાર કરતાં એને વિધવા બહેન તરફ અપાર કરુણા અને મમતા પેદા થતાં. એને થતું કે અભાગણી કોઈ રીતે પોતાનું દુ:ખ ભૂલી જાય તો સારું!

પુરબાલા સરસામાન ગોઠવવા ગઈ.

એવામાં નૃપબાલા અને નીરબાલાએ ઓરડામાં પ્રવેશ કર્યો, પણ ઊમરામાં પગ દેતાં જ અજાણ્યા પુરુષને જોઈ બંને જરા પાછી ભાગી. પણ નીરે બારણાની પાછળ રહીને ફરી નજર કરી; પછી ‘મેજદીદી!’ કરતી એ દોડતી આવી, અને બોલી: ‘મેજદીદી, તને ગળે લગાડવાનું મન થાય છે, પણ આ ચાપકાન નડે છે. તું કોઈ રૂપકથાના રાજકુમાર જેવી લાગે છે—સાત સાગર પાર કરીને અમારો ઉદ્ધાર કરવા આવી છે.’

નીરબાલાને ધીમેથી વાતો કરતી જોઈ નૃપબાલામાં પણ હિંમત આવી. તે અંદર આવી, ને મુગ્ધ નેત્રે શૈલની સામે જોઈ રહી. 

નૃપને પાસે ખેંચી નીરે કહ્યું: ‘આમ લોભિયાની પેઠે શું જોઈ રહી છે? તું ધારે છે એવું નથી, એ તારો દુષ્યંત નથી—એ તો આપણી મેજદીદી છે.’

રસિકે કહ્યું: –

‘ઇયમધિકમનોજ્ઞા ચાપ્કાનેનાપિ તન્વી |

કિમિવ હિ મધુરાણાં મણ્ડનં નાકૃતીનામ્ ||’

અક્ષયે કહ્યું: ‘અરે મૂઢ બાલા! તું કેવળ ચાપકાન જોઈને જ મુગ્ધ થઈ ગઈ! ગિલેટ પર આટલો મોહ? અને અહીં આ સો ટચનું સુવર્ણ ઊભું ઊભું નિસાસો નાખી રહ્યું છે!’

નીરબાલાએ કહ્યું: ‘આજકાલ સો ટચના સોનાની કિંમત બહુ વધી ગઈ છે, એટલે અમારે તો આ ગિલેટ સારો! ખરું કે નહિ, મેજદીદી!’ આમ કહી એણે શૈલની બનાવટી મૂછોને જરા વળી દીધો.

રસિક પોતાને બતાવીને બોલ્યો: ‘આ અસલી સોનું બહુ સસ્તામાં જઈ કહ્યું છે, ભાઈ! હજી કોઈ ટંકશાળમાં એ ગયું નથી, અને કોઈ મહારાણીની એના પર છાપ પણ પડી નથી!’

નીરબાલાએ કહ્યું: ‘ભલે તો, એ સોનાનું હું સેજદીદીને દાન કરી દઉં છું.’

આમ કહી એણે રસિકદાદાનો હાથ લઈ નૃપના હાથમાં મૂક્યો.

પછી તેણે નૃપને કહ્યું: ‘કેમ, રાજી થઈ ને?’

નૃપે કહ્યું: ‘હા, રાજી થઈ.’ 

આમ કહી એણે રસિકદાદાને એક ખુરશીમાં બેસાડી એના માથાના પાકા વાળ વીણવા માંડ્યા.

નીર શૈલની બનાવટી મૂછોને આમળીને વળ ચડાવવા લાગી.

શૈલે કહ્યું: ‘આ શું કરે છે તું? મારી મૂછો ઊખડી જશે.’

રસિક કહ્યું: ‘એવી મૂછોને હાથ લગાડીને તારે કામ શું છે, ભાઈ! અહીં આવ, આ મૂછો એમ નહિ ઊખડે.’

નીરબાલાએ કહ્યું: ‘પાછા બોલ્યા? તો પછી તમને સેજદીદીના હાથમાં સોંપવાનું કારણ શું? વારુ રસિકદાદા, તમારા માથાના કોઈ કોઈ વાળ હજી કાળા છે, પણ મૂછોના વાળ બધાયે ધોળા થઈ ગયા છે એનું શું કારણ?’

રસિકે કહ્યું: ‘કોઈકોઈનું માથું પાકે એ પહેલાં મોં પાકે છે.’

નીરબાલાએ કહ્યું: ‘દીદીની સભા કઈ જગાએ ભરાવાની છે. મુખુજ્જે મશાય?’

અક્ષયે કહ્યું: ‘મારા બેઠકખાનામાં!’

નીરબાલાએ કહ્યું: ‘તો હું એ ઓરડા જરા ઠીકઠાક કરી નાખું.’

અક્ષયે કહ્યું: ‘હું એ ઓરડો વાપરતો હતો ત્યાં લગી તો તને કદીયે આવું મન થયું નહિ!’

નીરબાલાએ કહ્યું: ‘તમને નોકર ઝડુ આપ્યો તોયે તમને સંતોષ થયો નહિ?’

એટલામાં પુરબાલાએ પ્રવેશ કર્યો ને પૂછ્યું: ‘તમારું આ શું ચાલી રહ્યું છે અહીં?’

નીરબાલાએ કહ્યું: ‘મુખુજ્જે મશાયની પાસે ભણવા આવી છું, દીદી! પણ કહે છે કે મારો બેઠકખાનાનો ઓરડો તું વાળીઝૂડીને સાફસૂફ કરી આપે તો તને ભણાવું. એટલે હું ને સેજદીદી એ ઓરડો સાફ કરવા જઈએ છીએ. ચાલ, બહેન! 

નૃપબાલાએ કહ્યું: ‘તને મન થયું છે તો તું જા, હું નહિ આવું.’

નીરબાલાએ કહ્યું: ‘વાહ! હું એકલી કામ કરી મરું, ને તું બેઠી એનું ફળ ભોગવે, કાં? એ નહિ બને.’ આમ કહી નૃપને પકડીને એ લઈ ગઈ.

પુરબાલાએ કહ્યું: ‘સરસામાન બધો બાંધી લીધો છે. હજી ગાડીનો વખત થયો લાગતો નથી.’

અક્ષયે કહ્યું: ‘ગાડી ચૂકવી હોય તો હજી ઘણી વાર છે.’

પુરબાલાએ કહ્યું: ‘તો ઊઠો, મને સ્ટેશને મૂકવા આવો! જાઉં છું, રસિકદાદા! તમે પાછળ રહ્યા છો, આ બાલબચ્ચાંની જરા સંભાળ રાખજો.’

આમ કહી એણે એમને પ્રણામ કર્યા.

રસિકે કહ્યું: જરાય ફિકર કરશો નહિ, દીદી! એ બધાં મારાથી એવાં બીએ છે કે ચૂંચાં પણ નહિ કરી શકે.’

શૈલે કહ્યું: ‘બહેન, જરા રહે! હું હમણાં આ કપડાં બદલી આવીને તને પ્રણામ કરું છું!’

પુરબાલાએ કહ્યું: ‘કેમ? શું કરવા બદલે છે?’

શૈલે કહ્યું: ‘ના, બહેન! આ કપડાંમાં હું મને જુદી જ લાગું છું; તને હાથ અડકાડવાનું મન નથી થતું. રસિકદાદા, આ લો મારી મૂછો! જરા સાચવીને રાખજો, ખોવાઈ ન જાય!’

License

ચિરકુમારસભા Copyright © by રવીદ્રનાથ ટાગોર and અનુવાદઃ રમણલાલ સોની. All Rights Reserved.