૧૬

અક્ષયે કહ્યું: ‘છે શું, રસિકદાદા! આજકાલ તો તમે બહુ આગ્રહ કરીકરીને ખવડાવતા દેખાઓ છો ને કાંઈ? પણ જે રોજ સવારસાંજ આંખો આગળ રહે છે એને સાવ ભૂલી ગયા?’

રસિકે કહ્યું: ‘આમનું સ્વાગત નવું છે. વળી, ભાણામાં જે પીરસ્યું તે તેઓ ખુશીખુશી થઈને ખાય છે. તમે તો જૂના થઈ ગયા, તેમને નવા સમજી ખુશી કરવાની મારામાં તાકાત નથી, ભાઈ!’

અક્ષયે કહ્યું: ‘પણ મેં તો સાંભળ્યું હતું કે આજની બધી મીઠાઈ અને આ કુટુંબનું બધું અણબોટ્યું મધુ ઠાલવી લેવા માટે કોઈ બે અજાણ્યા યુવકોની ઘરમાં પધરામણી થવાની છે—આ બન્ને એમના હક ઉપર તો તરાપ મારતા નથી ને? અરે રસિકદાદા, તમે કંઈ ભૂલ તો નથી કરીને?’

રસિકે કહ્યું: ‘ભૂલો કરવા માટે તો હું પ્રખ્યાત છું. મોટાં માને ખબર છે કે એમના બુઢ્ઢા રસિકદાદા જે કામમાં હાથ નાખશો તેમાં ભૂલ થવાની જ.’

અક્ષયે કહ્યું: ‘શું કહો છો, રસિકદાદા? શું કર્યું તમે? એ બે છોકરાઓને ક્યાં વળાવ્યા?’

રસિકે કહ્યું: ‘ભૂલથી મેં તેમને ખોટું સરનામું આપી દીધું છે!’

અક્ષયે કહ્યું: ‘એ બિચારાઓની હવે શી દશા થશે?’

રસિકે કહ્યું: ‘ખાસ કંઈ નુકસાન નહિ થાય. એ બંને જણા અત્યારે કુમારટુલીમાં નીલમાધવ ચૌધરીને ઘેર નાસ્તો-પાણી કરતા હશે. વનમાલી ભટ્ટાચાર્ય એમની તહેનાતમાં ખડા હશે.’

અક્ષયે કહ્યું: ‘એટલે કે મીઠાઈ બધાંના ભાણામાં છે! પણ દાદા, તમારાં નાસ્તો-પાણી કડવાં થશે. વેળાસર ભૂલ સુધારી લો! હજી વખત છે. શ્રીશબાબુ, વિપિનબાબુ, કશું મનમાં ન લાવશો, આની અંદર જરા અમારું કૌટુંબિક રહસ્ય છે.’

શ્રીશે કહ્યું: ‘ભોળા સ્વભાવના રસિકબાબુએ એ રહસ્ય અમારી આગળ પ્રગટ કરી દીધું, તેઓ અમને છેતરીને લઈ આવ્યા નથી.’

વિપિને કહ્યું: ‘મિષ્ટાન્નની થાળી ઉપર અમે હાથ ચલાવ્યો છે તે વગર હકે નથી ચલાવ્યો, એનો પુરાવો અમારી પાસે મોજુદ છે!’

અક્ષયે કહ્યું: ‘શું કહો છો, વિપિનબાબુ! તો શું ચિરકુમારસભાને સદાને માટે રોવડાવીને આવ્યા છો? જાણીબૂઝીને, સમજપૂર્વક?’

રસિકે કહ્યું:‘નહિ, નહિ, તમારી સમજવામાં ભૂલ થાય છે, અક્ષય!’

અક્ષયે કહ્યું: ‘પાછી ભૂલ? આજે શું બધાનો ભૂલો કરવાનો દિવસ છે?’

આમ કહી એણે ગાવા માંડ્યું:

‘આજ બધું ભૂલમય!

ભૂલની લતા, ભૂલના વાયુથી

બની ગઈ ફૂલમય!

આજ બધું ભૂલમય!

ભૂલના સાગરે સુખનાં મોજાં

ઊછળજો ફૂલમય!

આજ બધું ભૂલમય!

રસિકે કહ્યું: ‘મોટાં મા આવતાં લાગે છે!’

અક્ષયે કહ્યું: ‘આવે જ ને! એમણે ઓછું જ કુમાર ટુલીના સરનામે જવાનું છે?’

જગત્તારિણીએ પ્રવેશ કર્યો.

શ્રીશે અને વિપિને એમના પગમાં પ્રણામ કર્યા. બન્ને જણને એકેક મહોર આપી જગત્તારિણીએ આશીર્વાદ આપ્યા.

પછી અક્ષયને ધીરેથી જગત્તારિણીએ કંઈક વાત કરી.

અક્ષયે કહ્યું: ‘મા કહે છે કે તમે લોકોએ આજે પેટ ભરીને ખાધું નહિ, બધું ભાણામાં જ રહેવા દીધું.’

શ્રીશે કહ્યું: ‘અમે બબ્બે વખત માગીને ખાધું છે.’

વિપિને કહ્યું: ‘ભાણામાં પડી રહ્યું છે તે ત્રીજી વારનું પીરસાયેલું છે.’

શ્રીશે કહ્યું: ‘એ ન પડ્યું રહેત તો અમારે જ પડી રહેવું પડત.’

જગત્તારિણીએ ધીરેથી કહ્યું: ‘ઠીક, તો તું એમને બેસાડીને એમની સાથે વાતો કર, બાબા! હું જાઉં છું.’

આમ કહી જગત્તારિણી ગયાં.

રસિકે કહ્યું: ‘નહિ, આ ખોટું થયું!’

અક્ષયે કહ્યું: ‘શું ખોટું થયું?’

રસિકે કહ્યું: ‘મેં એમને ફરી ફરીને વચન આપ્યું છે કે જમ્યા પછી તમે છૂટા છો, કોઈ જાતનાં બંધનમાં બંધાવાનો ભય નથી, પરંતુ—’

શ્રીશે કહ્યું: ‘આમાં પરંતુ ક્યાં આવ્યું, રસિકબાબુ? તમે આટલી ચિંતા શું કરવા કરો છો?’

રસિકે કહ્યું: ‘શું કહો છો, શ્રીશબાબુ? મેં તમને વચન આપ્યું છે, એટલે—’

વિપિને કહ્યું: ‘તે એમાં શું બગડી ગયું?’

શ્રીશે કહ્યું: ‘મા અમને આશીર્વાદ આપી ગયાં, અમારે એને યોગ્ય થવું જોઈએ.’

રસિકે કહ્યું: ‘નહિ, નહિ, શ્રીશબાબુ! એ ન ચાલે. તમે લોકોએ અનિચ્છાએ ભદ્રતાની ખાતર—’

વિપિને કહ્યું: ‘રસિકબાબુ, તમે અમને અન્યાય કરો છો—અનિચ્છાએ—’

રસિકે કહ્યું: ‘અનિચ્છાએ નહિ તો શું, મશાય? એ કદાપિ નહિ બને. હું હમણાં જ એ બે છોકરાઓને વનમાલીના હાથમાંથી છોડાવી કુમારટુલીથી અહીં લઈ આવું છું, પણ—’

શ્રીશે કહ્યું: ‘અમે તમારું કંઈ બગાડ્યું છે, રસિકબાબુ?’

રસિકે કહ્યું: ‘નહિ, નહિ, અહીં બગાડવાની વાત નથી થતી. તમે સજ્જનો છો, તમે કૌમાર્યવ્રતની પ્રતિજ્ઞા લીધેલી છે—મારા આગ્રહને વશ થઈ તમે પારકાનું ભલું કરવા આવ્યા, ને છેવટે—’

વિપિને કહ્યું: ‘છેવટે પોતાનું ભલું કરવા બેઠા, એ તમારાથી નથી સહન થતું, કાં? ખરા શુભેચ્છક લાગો છો!’

શ્રીશે કહ્યું: ‘જેને અમે અમારું સૌભાગ્ય સમજીએ છીએ. તેમાંથી તમે અમને વંચિત કરવાનો પ્રયાસ કેમ કરો છો?’

રસિકે કહ્યું: ‘છેલ્લે મારો દોષ ન કાઢતા!’

વિપિને કહ્યું: ‘જરૂર કાઢીશું—જો તમે ડાહ્યા થઈને શુભ કામમાં અમને મદદ નહિ કરો તો!’

રસિકે કહ્યું: ‘હું હજી પણ ચેતવી દઉં છું—

‘ગતં તદ્ગામ્ભીર્યે તટમપિ ચિતં જાલિકશતૈ: |

સખે! હંસોત્તિષ્ઠ, ત્વરિતમમુતો ગચ્છ સરસ: ||’

છીછરાં પાણી આંહી તો, સો સો જાળ પડી તટે,

સખે હંસ , ઊડો, તુર્ત વળોજી માનસાગરે!’

શ્રીશે કહ્યું: ‘કદાપિ નહિ! તમે ગમે એટલા સંસ્કૃત શ્લોકો છૂટા ફટકારો, પણ સખા હંસો કોઈ હિસાબે અહીંથી ખસવાના નથી.’

રસિકે કહ્યું: ‘જગા ખરાબ છે જ, ખસવાનો ઉપાય નથી. હું તો જડ બનીને બેઠો છું—હાય હાય!—’

‘અયિ કુરંગ તપોવનવિભ્રમાત્

ઉપગતાસિ કિરાતપુરીભિમામ્ |’

એટલામાં નોકરે આવીને કહ્યું કે ચંદ્રબાબુ આવ્યા છે.

અક્ષયે કહ્યું: ‘એમને અહીં જ લઈ આવ!’ 

નોકર ગયો.

રસિકે કહ્યું: ‘સીધા દારોગાના હાથમાં જ બંને ચોરોને સોંપી દો!’

ચંદ્રબાબુએ આવીને કહ્યું: ‘ઓહો! તમે આવી ગયા છો? પૂર્ણબાબુ પણ આવ્યા લાગે છે.’

અક્ષયે કહ્યું: ‘જી, ના! હું પૂર્ણ નથી, પણ અક્ષય તો છું!’

ચંદ્રબાબુએ કહ્યું: ‘અક્ષયબાબુ? લ્યો, બહુ સારું થયું. તમારું પણ કામ હતું.’

અક્ષયે કહ્યું: ‘મારા જેવો નકામો માણસ જે કામમાં લગાડશો તેમાં લાગશે—બોલો, શું કરવાનું છે?’

ચંદ્રબાબુએ કહ્યું: ‘વિચાર કરી જોતાં મને માલમ પડ્યું છે કે અમારી સભામાંથી કૌમાર્યવ્રતનો નિયમ કાઢી નાખવામાં ન આવે તો સભા બહુ જ સંકુચિત બની જાય છે. શ્રીશબાબુ અને વિપિનબાબુને તમારે આ મુદ્દો બરાબર સમજાવવાનો છે.’

અક્ષયે કહ્યું: ‘એ બહુ અઘરું કામ છે—કદાચ મારાથી થાય કે નયે થાય!’

ચંદ્રબાબુએ કહ્યું: ‘એક વખત એક મતને સારો સમજીને ગ્રહણ કર્યો, એટલે એનો ત્યાગ કરવાથી શક્તિ પણ ગુમાવી દેવી યોગ્ય નથી. મત કરતાં વિવેચનાશક્તિનું મૂલ્ય છે. શ્રીશબાબુ, વિપિનબાબુ—’

શ્રીશે કહ્યું: ‘અમને વધારે કહેવાની જરૂર—’

ચંદ્રબાબુએ કહ્યું: ‘જરૂર કેમ નથી? તમે લોકો શું દલીલ પણ નહિ સાંભળો?’

વિપિને કહ્યું: ‘અમે તમારા જ મતને—’

ચંદ્રબાબુએ કહ્યું: ‘મારો મત એક વખત ખોટો હતો એ હું કબૂલ કરું છું, તમે શું હજી પણ એ મતને—’

રસિકે કહ્યું: ‘આ પૂર્ણબાબુ આવ્યા! આવો! આવો! આવો!’

પૂર્ણે પ્રવેશ કર્યો.

ચંદ્રબાબુએ કહ્યું: ‘પૂર્ણબાબુ, તમારી સૂચના પ્રમાણે આપણી સભામાંથી કૌમાર્યવ્રતનોે નિયમ રદ કરવા માટે જ આપણે આજે અહીં ભેગા થયા છીએ. પરન્તુ શ્રીશબાબુ અને વિપિનબાબુ પોતાની પ્રતિજ્ઞામાં મક્કમ છે; હવે એમને સમજાવી શકાય તો—’

રસિકે કહ્યું: ‘એમને સમજાવવામાં મેં મણા નથી રાખી, ચંદ્રબાબુ!’

ચંદ્રબાબુએ કહ્યું: ‘તમારા જેવા વાણીવીરને પણ જો ફળ ન મળે તો—’

રસિકે કહ્યું: ‘મને જે ફળ મળ્યું છે તે ‘ફલેન પરિચીયતે |’ |’

ચંદ્રબાબુએ કહ્યું: ‘તમે શું કહેવા માગો છો તેની મને સમજ પડતી નથી.’

અક્ષયે કહ્યું: ‘અરે રસિકદાદા, ચંદ્રબાબુને ચોખ્ખેચોખ્ખું શબ્દોમાં સમજાવ્યા વગર નહિ ચાલે. હું બે પ્રત્યક્ષ પુરાવા હમણાં જ લાવીને હાજર કરું છું.’

આટલું કહી અક્ષયબાબુ ત્યાંથી ઊઠી ગયા.

શ્રીશે કહ્યું: ‘પૂર્ણબાબુ, મજામાં છોને?’

પૂર્ણે કહ્યું: ‘હા!’

વિપિને કહ્યું: ‘તમે જરા સુકાઈ ગયા દેખાઓ છો!’

પૂર્ણે કહ્યું: ‘ના, જરાયે નહિ.’

શ્રીશે કહ્યું: ‘તમારી પરીક્ષા બહુ પાસે આવી છે.’

પૂર્ણે કહ્યું: ‘હા.’

એટલામાં નૃપબાલા અને નીરબાલાને લઈને અક્ષયે પ્રવેશ કર્યો. અક્ષયે નૃપ અને નીરને કહ્યું: ‘આ ચંદ્રબાબુ!—તેઓ તમારા વડીલ છે, તેમને પગે લાગો.’

નૃપે અને નીરે ચંદ્રબાબુને પ્રણામ કર્યા.

પછી અક્ષયે ચંદ્રબાબુને કહ્યું: ‘ચંદ્રબાબુ! નવા નિયમ પ્રમાણે તમારી સભામાં આ બે સભાસદો વધ્યા છે!’

ચંદ્રબાબુએ કહ્યું: ‘બહુ ખુશી થયો. કોણ છે તેઓ?’

અક્ષયે કહ્યું: ‘મારી સાથેનો એમનો સંબંધ ખૂબ ઘનિષ્ઠ છે. બન્ને મારી સાળીઓ છે. શ્રીશબાબુ અને વિપિનબાબુની સાથેનો એમનો સંબંધ શુભ લગ્નથી વધારે ઘનિષ્ઠ થશે. એમના સામું જોતાં જ આપને સમજાઈ જશે કે રસિકબાબુએ આ યુવકોના મત પલટાવી નાખ્યા છે તે કેવળ વાણીના જોરે નહિ.’

ચંદ્રબાબુએ કહ્યું: ‘ભારે આનંદના સમાચાર!’

પૂર્ણે કહ્યું: ‘શ્રીશબાબુ, બહુ આનંદ થયો! વિપિનબાબુ, તમે ભારે નસીબદાર છો. હું આશા રાખું છું કે અબલાકાન્ત બાબુ પણ વંચિત નહિ રહ્યા હોય, તેમને પણ એક—’

એટલામાં નિર્મલાએ પ્રવેશ કર્યો.

ચંદ્રબાબુએ કહ્યું: ‘નિર્મલા, સાંભળીને તને આનંદ થશે કે શ્રીશબાબુ અને વિપિનબાબુની સાથે આ બન્નેનું સગપણ નક્કી થઈ ગયું છે. એટલે કૌમાર્યવ્રતની કલમ કાઢી નાખવાનો ઠરાવ રજૂ કરવાની જરૂર જ રહેતી નથી.’

નિર્મલાએ કહ્યું: ‘પણ અબલાકાન્ત બાબુનો મત લેવાવો હજી બાકી છે—તેઓ અહીં દેખાતા નથી—’

ચંદ્રબાબુએ કહ્યું: ‘ખરું, હું તો એ ભૂલી જ ગયો હતો. તેઓ હજી કેમ અહીં આવ્યા નહિ?’

રસિકે કહ્યું: ‘ફિકર ન કરશો, એમનો પલટો જોઈને તો તમે બધા આથીયે વધારે નવાઈ પામી જશો.’

અક્ષયે કહ્યું: ‘ચંદ્રબાબુ, હવે તો મને પણ સભામાં દાખલ કરો. હવે સભા એવી શોભાયમાન બની ગઈ છે કે મને ના નહિ કહી શકો.’

ચંદ્રબાબુએ કહ્યું: ‘તમે આવો એ તો અમારું સૌભાગ્ય ગણાય!’

અક્ષયે કહ્યું: ‘મારી સાથે બીજું પણ એક સભ્ય આવશે. આજની સભામાં હું એને હાજર રહેવા નથી સમજાવી શક્યો. હમણાં એ દર્શન નહિ દે, પણ વિવાહના માંડવામાં ભૂતપૂર્વ કુમારસભાને યશાશક્તિ પિંડદાન દીધા પછી તેઓ દર્શન દે તો દે. હવે બાકીનોે સભ્ય આવી જાય તો આપણી ચિરકુમારસભા સંપૂર્ણ થઈ જાય!’

એટલામાં શૈલે પ્રવેશ કર્યો.

શૈલે ચંદ્રબાબુને પ્રણામ કરી કહ્યું: ‘મને માફ કરો!’

શ્રીશે કહ્યું: ‘આ શું, અબલાકાન્તબાબુ!—

અક્ષયે કહ્યું: ‘તમે લોકોએ મતપલટો કર્યો અને આમણે માત્ર વેશપલટો કર્યો છે!’

રસિકે કહ્યું: ‘શૈલજા ભવાનીએ આટલા દિવસ કિરાતનો વેશ ધારણ કર્યો હતો, હવે આજે એમણે ફરી તપસ્વિનીનો વેશ ધારણ કરી લીધો છે.’

ચંદ્રબાબુએ કહ્યું: ‘નિર્મલા, મને તો કંઈ સમજ પડતી નથી.’

નિર્મલાએ કહ્યું: ‘અન્યાય! ભારે અન્યાય! અબલાકાન્ત બાબુ—’

અક્ષયે કહ્યું: ‘નિર્મલા દેવી ખરું કહે છે—અન્યાય થયો છે! પણ એ અન્યાય વિધાતાને હાથે થયો છે. એમણે અબલાકાન્ત જ થવું જોઈતું હતું, પરતું ભગવાને એમને વિધવા શૈલબાલા બનાવીને શું મંગલ સિદ્ધ કર્યું છે એ રહસ્ય આપણને અગોચર છે.’

શૈલે કહ્યું: ‘મેં ભૂલ કરી છે; એ ભૂલ શી રીતે સુધારું? હું આશા રાખું છું કે વખત જતાં બધું બરાબર થઈ રહેશે.’

પૂર્ણે નિર્મલાની પાસે જઈ કહ્યું: ‘હું અત્યારે તમારી માફી માગવાની તક લઉં છું. ચંદ્રબાબુ પરના કાગળમાં મેં જે ધૃષ્ટતા પ્રગટ કરી છે તે મારી ભૂલ થઈ છે—મારા જેવા અયોગ્ય—’

ચંદ્રબાબુએ કહ્યું: ‘કશી ભૂલ નથી થઈ, પૂર્ણબાબુ! તમારી યોગ્યતા જો નિર્મલા ન સમજી શકે તો એ નિર્મલામાં સમજણનો અભાવ ગણાય.’

નિર્મલા કંઈ પણ બોલ્યા વગર નીચું ઘાલી જતી રહી.

રસિકે પૂર્ણને ધીમેથી કહ્યું: ‘ગભરાશો નહિ, પૂર્ણબાબુ! તમારી દરખાસ્ત મંજૂર થઈ ગઈ—પ્રજાપતિની અદાલતમાં તમને ડિક્રી મળી ગઈ—કાલ સવારે જ એનો અમલ કરવા નીકળી પડજો!’

શ્રીશે શૈલબાલાને કહ્યું: ‘તમે ખરાં છેતરી ગયાં!’

વિપિને કહ્યું: ‘સંબંધ થતા પહેલાં જ મજાક-મશ્કરીઓ કરી લીધી!’

શૈલે કહ્યું: ‘આમ કહેશો એટલે હવે છોડી નહિ દઈએ!’

વિપિને કહ્યું: ‘અમારે છૂટવું પણ નથી.’

રસિકે કહ્યું: ‘હવે નાટક પૂરું થયું—અહીં ભરતવાક્ય ઉચ્ચારવું જોઈએ:

‘સર્વસ્તરતુ દુર્ગાણિ, સર્વો ભદ્રાણિ પશ્યતુ |
સર્વ: કામાનવાપ્નોતુ, સર્વ: સર્વત્ર નન્દતુ ||’

૦૦૦

License

ચિરકુમારસભા Copyright © by રવીદ્રનાથ ટાગોર and અનુવાદઃ રમણલાલ સોની. All Rights Reserved.