અક્ષયકુમારના સસરા હિંદુસમાજમાં હતા, પરતું એમની રીતભાત બિલકુલ નવી હતી. તેમણે પોતાની છોકરીઓને મોટી ઉંમર સુધી કુંવારી રાખી હતી, અને તેમણે ભણાવીગણાવી હતી. લોકોે ટીકા કરે તો કહેતા: અમે કુલીન છીએ, અમારા ઘરમાં જૂના વખતથી આ પ્રથા ચાલી આવે છે.

તેમના મરણ પછી તેમની વિધવા જગત્તારિણીને થયું કે છોકરીઓનું ભણતર બંધ કરાવી હવે તેમને પરણાવી માથેથી ચિંતાનો ભાર ઉતારી નાખવો જોઈએ. પરતું એ નરમ સ્વભાવની બાઈ હતી. મનમાં ઇચ્છા થાય, પણ એ ઇચ્છાને અમલમાં મૂકવાનો રસ્તો એને જડે નહિ. બીજી તરફ જેમ વખત જાય, તેમ તે દોષનો ટોપલો બીજાના માથા પર ચડાવતી જાય. 

એના જમાઈ અક્ષયકુમાર બિલકુલ નવા વિચારના હતા. સાળીઓને ખૂબ ભણાવી, પરીક્ષાઓ પાસ કરાવી, ખુલ્લી રીતે તેમને સુધરેલા સમાજમાં દાખલ કરવવાની એમની ઇચ્છા હતી. સેક્રેટરિયેટમાં તેઓ મોટા હોેદ્દા પર હતા; ઉનાળામાં તેમની ઑફિસ સીમલાના પહાડ પર જતી હતી. કંઈકંઈ રાજકુટુંબના દૂતો મુસીબતની વેળાએ, મોટા સાહેબની સાથે સમાધાન કરાવવા તેમની ખુશામત કરતા.

વિધવા સાસુ અક્ષયકુમારને પોતાના નિરાધાર કુટુંબના વાલી સમજતી. સાસુના આગ્રહથી શિયાળાના કેટલાક મહિના, તેઓ પોતાના શ્રીમંત સસરાને ઘેર જ વિતાવતા. સાળીસમિતિમાં એ થોડા મહિના ભારે જલસો જામી જતો.

આવી રીતે એક વખત તેઓ કલકત્તામાં પોતાના સસરાને ઘેર રહેતા હતા, એવામાં તેમની સ્ત્રી પુરબાલાની સાથે તેમને નીચે પ્રમાણે વાતચીત થઈ. 

પુરબાલાએ કહ્યું: ‘તમારી સગી બહેનો હોત તો તમે આમ ચૂપ બેસી રહેત ખરા? આટલા દિવસમાં તો તમે એક એક જણીના ચાર ચાર વર લાવીને ખડા કરી દીધા હોત! પણ આ તો મારી બહેનો ખરી ને –’

અક્ષયકુમારે કહ્યું: ‘માનવસ્વભાવને તું બરાબર ઓળખે છે. પોતાની બહેનમાં અને પત્નીની બહેનમાં કેટલો ફેર છે એની તને આવડી નાની ઉંમરે પણ સમજ પડી ગઈ છે. તે ભાઈ, સાચું કહું? સસરાજીની કોઈ પણ છોકરીને પારકાના હાથમાં સોંપવાનું જરાયે દિલ થતું નથી.—આ બાબતમાં હું ખૂબ કંજૂસ છું એ મારે કબૂલ કરવું જોઈશે.’

પુરબાલા કંઈક ગુસ્સે થવાનો દેખાવ કરી, ગંભીરતા ધારણ કરી બોલી: ‘જુઓ, તમારી સાથે મારે એક પાકી ગોઠવણ કરવાની છે.’

અક્ષયે કહ્યું: ‘એક પાકી ગોઠવણ તો લગ્નને દિવસે મંત્ર ભણીને કરી લીધી છે, હવે બીજી શી કરવાની છે?’

પુરબાલાએ કહ્યું: ‘હા, પણ આમાં એટલું ડરવાનું નથી. આ કદાચ એના જેટલી અસહ્ય નહિ લાગે!’ 

અક્ષયકુમાર રામલીલાના નટની પેઠે હાવભાવ કરીને બોલ્યો: ‘તો બોલો, સખી!’

પછી તેણે ગાન શરૂ કરી દીધું:

‘મનમાં શું વસિયું બોલો,
બોલો હે રાધા ગૌરી!
આંખો આંસુડે છલકે,
બોલો શી પકડી ચોરી?’

અહીં એટલું કહેવું જોઈએ કે અક્ષયકુમાર કોઈવાર ગેલમાં આવી જતા, તો બેચાર કવિતાની લીટીઓ તાબડતોબ બનાવી કાઢતા, ને ગાઈ નાખતા. એમનામાં શીઘ્રકવિતા કરવાની એટલી શક્તિ હતી. પરંતુ કદી પણ તેઓ કોઈ કવિતા રીતસર પૂરી કરી શકતા નહિ. આથી એમના દોસ્તો ઘણીવાર ચિડાઈને કહેતા: ‘તમારામાં આવી અદ્ભુત શક્તિ છે, તો પછી તમે કવિતા પૂરી કેમ કરતા નથી?’ 

અક્ષય તરત જ લહેકાથી જવાબ દેતો:

‘પૂરું કરું શા માટે?
તેલ પૂરું થાય તે પહેલાં
હું હોલવું દીપકવાટ!’

એની આવી વર્તણૂકથી સૌ ખિજાઈને કહેતાં: ‘બધાંને પહોંચાશે, પણ અક્ષયને નહિ પહોંચાય.’

અહીં પુરબાલા પણ ખિજાઈને બોલી: ‘ઉસ્તાદજી, ઠહેરો! મારે એ કહેવાનું છે કે દિવસમાં કોઈ એવો વખત નક્કી કરો, જ્યારે તમારી મશ્કરીઓ બંધ રહે—અને તમારી સાથે કંઈ કામકાજની વાત થઈ શકે.’

અક્ષય બોલ્યો: ‘હું રહ્યો ગરીબનો છોરુ, એટલે સ્ત્રીને બોલવાની રજા આપવાની હિંમત નથી ચાલતી—વખતે એ હીરામોતીનો હાર માગી બેસે તો?’

આમ કહી એણે ફરી ગાવા માંડ્યું:

વખતે માગી બેસે મારું મન,

 તેથી હું બીતો બીતો રહું,
વખતે આંખે આંખ મળી જાય,
 તેથી હું આંખ જ મીંચી રહું!

પુરબાલાએ કહ્યું: ‘તો જાઓ!’

અક્ષયે કહ્યું: ‘ના, ના, એમ ખિજાઓ નહિ! કહો, તમારે જે કહેવું હોય તે કહો, હું ધ્યાન દઈને સાંભળીશ. નામ લખાવી તમારી ઠઠ્ઠાનિવારિણી સભાનો સભાસદ થવાનોયે મને વાંધો નથી! તમારી આગળ બિલકુલ બે-અદબી નહિ કરું;—હં, શું વાત ચાલતી હતી? સાળીઓના વિવાહની, ખરું ને? બહુ સરસ! આથી રૂડું શું?’

પુરબાલા વિષાદને લીધે મ્લાન બનીને બોલી: ‘જુઓ, હવે બાપા હયાત નથી. એટલે મા તમારી જ આશા પર બેઠી છે. તમારું કહેવું માનીને, છોકરીઓની આવડી મોટી ઉંમર થઈ તોયે તે હજી તેમને ભણાવે છે. હવે જો તમે સારો વર ન શોધી આપો તો એ તમારી ભૂલ કહેવાય કે નહિ? તમે જ વિચાર કરી જુઓ!’

વાતની લઢણ જોઈ અક્ષય પહેલાં કરતાં કંઈક ગંભીર બનીને બોલ્યો: ‘મેં તો પહેલેથી જ તમને સૌને કહ્યું છે કે કોઈ કશી ચિંતા ન કરશો. મારી સાળીઓના વર ગોકુલમાં મોટા થઈ રહ્યા છે.’ 

પુરબાલાએ કહ્યું: ‘ક્યાં આવ્યું એ ગોકુલ?’

અક્ષયે કહ્યું: ‘ત્યાંથી તો તમે આ અભાગિયાને તમારા કુટુંબમાં ભરતી કરી લાવ્યાં છો. અમારી પેલી ચિરકુમારસભા!’

પુરબાલાએ સંદેહ પ્રગટ કરતાં કહ્યું: ‘પણ એ લોકો તો [1] પ્રજાપતિના વિરોધી છે!’

અક્ષયકુમારે કહ્યું: ‘છોને રહ્યા વિરોધી! દેવતાની સામે લડીને કોણ જીત્યું છે? બહુ બહુ તો એ લોકો દેવતાને ખીજવે છે! પણ એથી તો ભગવાન પ્રજાપતિની નજર એ સભાની ઉપર વધારે રહે છે. બરાબર બંધ કરેલા ઢોકળિયામાં જેમ ઢોકળાં બફાઈને રંધાઈ જાય, તેમ પ્રતિજ્ઞાની અંદર બંધાયેલા સભ્યો પણ એકદમ બફાઈને નરમ થઈ ગયા છે.—બરાબર પરણવા લાયક બની ગયા છે! – હવે પતરાળીમાં પીરસીએ એટલી જ વાર છે. હું પણ એક વખત એ સભાનો સભાપતિ હતો, એ તું કેમ ભૂલી જાય છે?’

પુરબાલાએ આનંદમાં આવી વિજયગર્વથી ફુલાઈને જરા હસીને પૂછ્યું: ‘તમારી કેવી દશા થઈ હતી?’

અક્ષયે કહ્યું: ‘શું વાત કરું! મેં પ્રતિજ્ઞા કરી હતી કે નારી જાતિનો કોઈ શબ્દ સુધ્ધાં કદી જીભે નહિ ઉચ્ચારું. પરંતુ છેવટે મારી એવી દશા થઈ કે મને થયું—શ્રીકૃષ્ણની સોળસો ગોપીઓનો આજે પત્તો ન હોય તો કંઈ નહિ, પણ કાળકામાની ચોસઠ હજાર જોગણીઓનોયે જો પત્તો લાગે તો એમની સાથે એક વખત પેટ ભરીને પ્રેમાલાપ કરી લઉં!—બરાબર એ વખતે તારો ભેટો થઈ ગયો!’

પુરબાલાએ કહ્યું: ‘ચોસઠ હજારનો શોખ પૂરો થયો?’ 

અક્ષયકુમારે કહ્યું: ‘એ તારા સાંભળતાં નહિ કહું, ઝઘડો થાય, પણ ઇશારે એટલું કહી દઉં છું કેં મા કાળકા ખૂબ દયાળુ છે!’

આમ કહી પુરબાલાનો ચિબુક પકડી, એનું મોં જરા ઊંચું કરી, કૌતુતભર્યા પ્રેમથી એ તેની સામે જોઈ રહ્યો.

પુરબાલાએ ખોટો ગુસ્સો કરી મોં ફેરવી લઈ બોલી: ‘તો હુંયે કહીશ કે બાબા ભોળાનાથના નંદીભૃંગીઓની ખોટ નહોતી, પણ મારા પર તેમણે દયા કરી છે!’

અક્ષયે કહ્યું: ‘બનવાજોગ છે! એટલે જ તને કાર્તિક મળી ગયો છે!’ 

પુરબાલાએ કહ્યું: ‘પાછી ઠઠ્ઠામશ્કરી શરૂ કરી?’

અક્ષયે કહ્યું: ‘કાર્તિકનું નામ દીધું એમાં ઠઠ્ઠામશ્કરી શાની? હું સોગન ઉપર કહું છું કે એ વિષે મને લેશમાત્ર પણ શંકા નથી!’

એટલામાં શૈલબાલાએ પ્રવેશ કર્યો. એ વચલી બહેન હતી. લગ્ન પછી એક મહિનામાં જ એ વિધવા થઈ હતી. વાળ કાપેલા હતા તેથી છોકરા જેવી દેખાતી હતી. સંસ્કૃતમાં ઓનર્સ લઈને બી.એ.ની પરીક્ષા પસાર કરવાની તેની હોંશ હતી.

 શૈલે આવીને કહ્યું: ‘મુખુજ્જે મશાય, હવે તમારી બે નાની સાળીઓને બચાવો!’ 

અક્ષયે કહ્યું: ‘કોઈ બચાવનારું નહિ હોય તો હું તો છું જ. શું થયું છે તે?’

શૈલબાલાએ કહ્યું: ‘માએ ઘોંચપરોણો કરવાથી છેવટે રસિકાદાદા કોણ જાણે ક્યાંથી બે ખાનદાનના દીકરાઓને પકડી લાવ્યા છે, અને માએ એ બે જણાની સાથે પોતાની બંને દીકરીઓને પરણાવવાનું નક્કી પણ કરી નાખ્યું છે!’ 

અક્ષયે કહ્યું: ‘ઓ બાપ રે! એકદમ લગ્નનો રોગચાળો ફાટી નીકળ્યો! પ્લેગની પેઠે! અને એક ઘરમાં એક સાથે બે છોકરીઓની ઉપર એનો હુમલો! મને બીક લાગે છે કે વખતે મારા ઉપર તો એનો હુમલો નહિ થાય!’

આમ કહી એણે કાલિંગડામાં ગાવા માંડ્યું:

‘રહું છું હું પાસે પાસે,
એથી ફફડું છું ત્રાસે,
કે કદી મુજ પર તો નહિ પટકશે નેણવેણનાં બાણ?

શૈલબાલાએ કહ્યું: ‘આ શું તમારે ગીતડાં ગાવાનોે વખતે છે?

અક્ષયે કહ્યું: ‘શું કરું, ભાઈ! શરણાઈ વગાડવાનું શીખ્યો નથી, નહિ તો એ વગાડત. લગ્નનો જલસો એટલે શું! એક સાથેે બે સાળીઓનાં લગ્ન! પણ આટલી બધી ઉતાવળ શું કરવા?’

શૈલબાલાએ કહ્યું: ‘વૈશાખ મહિનામાં લગ્ન આવે છે, પછી આખું વરસ લગ્ન આવતું નથી.’

પુરબાલા પોતાના પતિથી સુખી હતી; એ માનતી હતી કે ગમે તે રીતે છોકરીનું લગ્ન થઈ જાય એટલે એ સુખી જ થાય છે.

આથી તે મનમાં મનમાં રાજી થઈને બોલી: ‘તમે લોકો અત્યારથી શું કરવા બેસી જાઓ છો! પહેલાં વર તો જોવા દો!’

ઢીલા માણસોનો એવો સ્વભાવ હોય છે કે ઓચિંતાના કોક વખત તેઓ પોતાનું મન પાકું કરી નાખે છે; તે વખતે સારા-ખોટાનો વિચાર કરવાની તસ્દી ન લેતાં, એકદમ પહેલાંની શિથિલતાનું સાટું વાળી દેવાનો તેઓ પ્રયત્ન કરે છે. તે વખતે એમનાથી એક ઘડીની પણ ધીરજ ખમાતી નથી.

જગત્તારિણીના મનની આવી દશા હતી. તેમણે અંદર આવીને કહ્યું: ‘બાબા અક્ષય!’

અક્ષયે કહ્યું: ‘શું છે, મા!’

જગત્તારિણીએ કહ્યું: ‘તું ભલે કહે, પણ એમ મારાથી છોકરીઓને રાખી મુકાય નહિ.’

આ શબ્દોમાં એવો આભાસ હતો કે મારી છોકરીઓની તમામ તકલીફ માટે તું જ જવાબદાર છે.

શૈલે કહ્યું: ‘છોકરીઓને રાખી ન મુકાય એટલે શું ગમે ત્યાં ફેંકી દેવાની, મા?’

જગત્તારિણીએ કહ્યું: ‘તું તે કેવી વાત કરે છે! સાંભળીને મને તાવ ચડી આવે છે. બાબા અક્ષય, શૈલી વિધવા છે, એને આટલું બધું ભણાવીને, પરીક્ષાઓ પાસ કરાવીને કરવું છે શું? એને આટલી વિદ્યાનું કામ શું છે?’

અક્ષયે કહ્યું: ‘મા, શાસ્ત્રમાં લખ્યું છે કે સ્ત્રીઓને કંઈ ને કંઈ ઉત્પાત હોવો જ જોઈએ—કાં પતિ, કાં વિદ્યા, કાં હિસ્ટિરિયા! જુઓને, લક્ષ્મીને મળ્યા વિષ્ણુ, એટલે એને વિદ્યાની જરૂર રહી નહિ! એને એનો પતિ ભલો ને એનું ઘુવડ ભલું!—અને સરસ્વતી ધણી નથી, એટલે એને વિદ્યાનો આશરે લેવો પડે છે!’

જગત્તારિણીએ કહ્યું: ‘ગમે તેમ કહે, બાબા, પણ આવતા વૈશાખમાં હું છોકરીઓને પરણાવી દેવાની છું!’

પુરબાલાએ કહ્યું: ‘હા, મા, હું પણ એવા જ મતની છું. છોકરી જેમ વહેલી પરણે તેમ સારું!’

આ સાંભળી અક્ષયે તેને ખાનગીમાં કહ્યું: ‘હાસ્તો! એકથી વધારે પતિની શાસ્ત્રમાં ના લખી છે, એટલે વહેલાં વહેલાં પરણી જઈને પતિને સમયસર પાળીપોષી લેવો જોઈએને!’

પુરબાલાએ કહ્યું: ‘આ શું બકો છો! મા સાંભળશે!’

જગત્તારિણીએ કહ્યું: ‘રસિકકાકા હમણાં વર દેખાડવા આવવાના છે. ચાલ, બેટા પુરી! એટલામાં આપણે એમના વાસ્તે નાસ્તો બનાવી કાઢીએ!’

પુરબાલા આનંદમાં ને ઉત્સાહમાં માની સાથે ચાલી ગઈ.

પછી મુખુજ્જે મહાશય અને શૈલીની છૂપી કમિટી બેઠી. આ સાળી ને બનેવી એકબીજાનાં ખાસ મિત્ર હતાં. અક્ષયના જ વિચારો અને રુચિ દ્વારા જ શૈલનો સ્વભાવ ઘડાયો હતો. અક્ષય પોતાની આ શિષ્યાને પોતાના સમોવડિયા ભાઈ જેવી સમજતો—એના આ સ્નેહમાં સૌહાર્દ્ર ભરેલું હતું. સાળી તરીકે એ એની સાથે ઠઠ્ઠામશ્કરીઓ પણ કરતો, પરતું એના તરફ એનો તરફ દૃઢ મૈત્રીભાવ પણ હતો.

શૈલે કહ્યું: ‘હવે મોડું કરવામાં સાર નથી, મુખુજ્જે મશાય! હવે તમારી એ ચિરકુમારસભાના વિપિનબાબુ અને શ્રીશબાબુને 

જરા જોરથી આંચકો દીધા વગર નથી ચાલવાનું. છોકરા બંને સરસ છે! આપણી નૃપ અને નીરને બરાબર શોભે એવા છે. તમે તો પાછા ચૈત્ર પૂરો થતા ન થતામાં ઑફિસને લઈને સીમલા જતા રહેવાના, પણ હવે માને રોકી રાખવાનું કામ બહુ અઘરું છે.’

અક્ષયે કહ્યું: ‘પરંતુ એમ અચાનક કવખતે સભાને આંચકો મારવા જતાં બધા ચમકી પડશે! ઇંડાનું કાચલું ભાંગી નાખીએ, પણ એમાંથી પંખી નહિ નીકળે. એને સેવવું પડે છે, અને સેવવામાં વખત જવાનો!’

શૈલ થોડીવાર ચૂપ રહી, પછી એકદમ હસી પડી ને બોલી: ‘ઠીક, તો સેવવાનો ભાર હું મારે માથે લઉં છું, મુખુજ્જે મશાય!’

અક્ષયે કહ્યું: ‘જરા સમજાય તેમ બોલો તો સારું!’

શૈલે કહ્યું: ‘પેલા દશ નંબરવાળા મકાનમાં એમની સભા ભરાય છે, ખરું ને? આપણી અગાશી પર થઈને, દેખનહાસીના ઘરમાં થઈને ત્યાં જઈ શકાય છે. હું પુરુષવેશે જઈશ, અને એમની સભાની સભાસદ બનીશ. પછી સભા કેટલા દિવસ ટકે છે એ જોઉં છું!’

અક્ષય ફાટી આંખે થોડી વાર જોઈ રહ્યો. પછી મોટેથી હસી પડ્યો, ને બોલ્યો: ‘હાય—કેવી અફસોસની વાત! તારી દીદીને પરણીને સભ્યની પદવી તો હું હંમેશને માટે ખોઈ બેઠો છું, નહિ તો હું ને મારા બધા સાથીદારો તારી જાળમાં બંધાઈને આંખો મીંચી જડ બની પડી રહેત! આવો સુખનો લહાવો પણ હાથમાંથી ગયો! તો પણ હે સખી, તું એકચિત્તે સાંભળ—’

આમ કહી એણે સિંધુ-ભૈરવીમાં ગાવા માંડ્યું:—

 ‘હે હૃદય-વનના શિકારી!

જાળ શું કરવા બાંધે? 

 એ તો તારો ચરણભિખારી!

તારા પગમાં પડી એ લાખ વાર મરનારો,

કેમ કરી એ નયનબાણનો બની શકે અધિકારી?–હેo–’

શૈલે કહ્યું: ‘છી, મુખુજ્જે મશાય! તમે જૂના જમાનાના થતા જાઓ છો! એવાં નયનબાણ-ફાણનો જમાનો હવે ગયો! હવે તો યુદ્ધવિદ્યામાં ઘણો ફેરફાર થઈ ગયો છે.’

એટલામાં નૃપબાલા અને નીરબાલાએ પ્રવેશ કર્યો. બંને બહેનોની ઉંમર અનુક્રમે સોળ અને ચૌદ વરસની હતી. નૃપ શાંત અને સ્નેહાળ હતી. નીર એથી ઊલટી હતી. તે મજાક-મશ્કરી અને તોફાનમાં આખો દિવસ ઊંચાનીચી થયા કરતી.

નીરે આવીને એકદમ શૈલને બાઝી પડી પૂછ્યું: ‘સેજદિદિ! આજે કોણ આવવાનું છે, કહો તો ખરાં!’

નૃપબાલાએ કહ્યું: ‘મુખુજ્જે મશાય, આજે તમારા મિત્રોને નોતરું દેવાયું લાગે છે! નાસ્તાની તૈયારીઓ થઈ રહી છે.’

અક્ષયે કહ્યું: ‘વાહ રે! ત્યારે તો ચોપડીઓ વાંચી વાંચીને ખાલી તમે આંખો ફોડી!—પૃથ્વીના આકર્ષણથી ઉલ્કાપાત કેવી રીતે થાય છે એવી લાખ લાખ કોશની દૂરની ખબરો રાખો છો, અને આજે અઢાર નંબરની મધુ મિસ્ત્રીની ગલીમાં કોના આકર્ષણથી કોણ ખેંચાઈ આવે છે. એનું અનુમાન પણ તમે કરી શક્યાં નહિ?’

નીરબાલાએ કહ્યું: ‘હું સમજી ગઈ, સેજદિદિ?’

આમ કહી એણે નૃપબાલાની પીઠ પર એક ધબ્બો માર્યો અને તેના કાનમાં મોં ઘાલી જરીક અવાજ ઉતારીને કહ્યું: ‘આજે તારો વર આવવાનો છે, એટલે સવારે મારી ડાબી આંખ ફરકતી હતી!’

નૃપે તેને ધક્કો મારીને કહ્યું: ‘તારી ડાબી આંખ ફરકે એમાં મારો વર શાનો આવે?

નીરે કહ્યું: ‘જો ભાઈ, મારી ડાબી આંખ તારા વરની ખાતર ફરકી, તેથી મને કંઈ ખોટું લાગ્યું નથી, પણ મુખુજ્જે મશાય, નાસ્તા માટે કોઈ બે જણની ગણતરીઓ થતી લાગે છે. તે શું સેજદિદિનો સ્વયંવર થવાનો છે?’

અક્ષયે કહ્યું: ‘અમારાં નાની દીદી પણ છે ને! એ શું કરવા બાકી રહી જાય?’

નીરબાલાએ કહ્યું: “અહા મુખુજ્જે મશાય! કેવા સરસ સમાચાર સંભળાવ્યા તમે! બોલો, તમને શું ઇનામ આપું?—લો, આ મારા ગળાનો હાર—મારા બેઉ હાથની બંગડીઓ!’

શૈલ ગભરાઈને બોલી: ‘એઈ—હાથ ઉઘાડો ન કરતી!’

નીરબાલાએ કહ્યું: ‘આજે અમારા વરના માનમાં અમને પાઠમાંથી છુટ્ટી આપવી પડશે, મુખુજ્જે મશાય!’

નૃપબાલાએ કહ્યું: ‘છી! આખો વખત વર વર શું કરે છે!’

અક્ષયે કહ્યું: ‘એ બર બર કહે છે એટલા વાસ્તે તો મેં એનું નામ બર્બરા પાડ્યું છે. હે બર્બરે, ભગવાન તમારી આ સહોદરાને એક અક્ષય વર આપી રાખ્યો છે, તોયે તમને સંતોષ નથી?’ 

નીરબાલાએ કહ્યું: ‘એથી જ તો અમારો લોભ વધી ગયો છે.’

નૃપે જોયું કે નાની બહેનને કાબૂમાં રાખવાનું અઘરું છે, એટલે એ એને ખેંચીને લઈ જવા લાગી. નીરે જતાં જતાં ઉંબરા આગળથી મોં ફેરવીને કહ્યું: ‘આવે એટલે ખબર આપજો, મુખુજ્જે મશાય! જો જો ભૂલી ન જતા! સેજ દિદિ અત્યારથી જ કેવી ચંચળ બની ગઈ છે એ જુઓ તો છો ને!’ 

હસીને સ્નેહથી બંને બહેનોની સામે જોઈ શૈલે કહ્યું: ‘મુખુજ્જે મશાય! હું મશ્કરી નથી કરતી—હું ચિરકુમારસભામાં જોડાવવાની છું—પણ મારી સાથે કોઈ ઓળખીતું માણસ હોય તો સારું. તમે હવે સભાસદ ન થઈ શકો, કેમ?’

અક્ષયે કહ્યું: ‘નહિ, મેં પાપ કર્યું છે. તારી બહેને મારી તપસ્યામાં ભંગ પડાવી મને સ્વર્ગથી વંચિત કર્યો છે.’

શૈલે કહ્યું: ‘તો પછી રસિકાદાદાને પકડવા પડશે. કોઈ પણ સભાના સભાસદ થયા વગર જ તેઓ ચિરકુમારવ્રત પાળી રહ્યા છે.’

અક્ષયે કહ્યું: ‘પણ સભ્ય થતાં જ આ ઘરડેઘડપણ એમના વ્રતમાં ભંગ પડશે. માછલી આમ લહેરથી રહે, પણ પકડી કે એનું મોત! તેવી રીતે પ્રતિજ્ઞાનું છે. એને બાંધી કે તરત એનો ભંગ!’

એટલામાં સામેથી રસિકદાદા આવતા દેખાયા. એમના માથે ટાલ પડેલી હતી. મૂછના વાળ ધોળા થઈ ગયા હતા. શરીર પડછંદ હતું ને વાન ઊજળો હતો.

અક્ષયે એને જોતાં જ ધમકાવવા માંડયો:

‘હે પાખંડ! ભંડ! અકાલ કુષ્માણ્ડ!’ 

રસિકે બે હાથ લાંબા કરી એને વારતાં કહ્યું: ‘કેમ રે, મત્તમંથર, કુંજકુંજર, પુંજઅંજનવર્ણ!’

અક્ષયે કહ્યું: ‘રે તું શું મારી સાળીરૂપી ફૂલવાડીમાં દાવાનળ સળગાવવા માગે છે?’

શૈલે કહ્યું: ‘રસિકદાદા, તમને એથી શો ફાયદો છે?’

રસિકે કહ્યું: ‘શું કરું, ભાઈ! મારાથી સહન ન થયું! વરસે વરસે તારી બહેનોની ઉંમર વધતી જાય છે, અને તારી મા મારો જ દોષ કાઢે છે! કહે છે કે બે ટંક બેઠો બેઠો ખાય છે, પણ છોકરીઓ વાસ્તે જરીક બે વર તારાથી નથી ખોળી કઢાતા? ઠીક ભાઈ, હું નહિ ખાઉં! પણ એમ કરવાથી તારી બહેનોને કંઈ વર મળી જવાના છે, અને એમની ઉંમર શું ઓછી થઈ જવાની છે? વર નથી મળતા, તોયે એ બે છોકરીઓ તો લહેરથી ખાયપીએ છે. શૈલ, તેં તો ‘કુમારસંભવ’ વાંચ્યો છે, પેલો શ્લોક યાદ છે ને? –

‘સ્વયં વિશીર્ણદ્રુમપર્ણવૃત્તિતા,

પરા હિ કાષ્ઠા તપસસ્તયા પુન: |

તદપ્યપાકીર્ણમત: પ્રિયંવદાં,

વદન્ત્યપર્ણેતિ ચ તાં પુરાવિદ: ||’

દુર્ગા જેવી દુર્ગા પણ પોતાનો વર ખોળવા ખાવુંપીવું બંધ કરીને તપ કરવા બેસી ગઈ હતી—પણ પોતરીઓને વર નથી મળતો એટલા વાસ્તે હું બુઢ્ઢો માણસ ખાવાપીવાનું છોડી દઉં?—તારી મા તે કેવી વાત કરે છે! હં, શૈલ, પેલું યાદ છે—‘તદપ્યપાકીર્ણમત: પ્રિયંવદામ્-?’ 

શૈલે કહ્યું: ‘યાદ છે, દાદા, પણ અત્યારે કાલિદાસ ગમતો નથી.’

રસિકે કહ્યું: ‘તો પછી વખત ખરાબ આવી ગયો છે એમ કહેવું જોઈએ.’

શૈલે કહ્યું: ‘એટલે તો તમારી સલાહ માગીએ છીએ.’

રસિક કહ્યું: ‘તો હું ક્યાં ના પાડું છું, ભાઈ! તમે કહો એવી સલાહ આપું. ‘હા’ બોેલાવો તો ‘હા’ બોલું, ને ‘ના’ બોલાવો તો ‘ના’ બોલું. મારામાં એ ખાસ ગુણ છે. હું સૌના મતની સાથે મળતો થઈ જાઉં છું. એથી બધા મને પોતાના જ જેવો બુદ્વિશાળી સમજે છે.’

અક્ષયે કહ્યું: ‘તમે કંઈ કંઈ ખૂબીથી તમારો પગદંડો ટકાવી રાખ્યો છે, તેમાં એક તમારી આ ટાલ છે.’

રસિકે કહ્યું: ‘અને બીજી ખૂબી છે—‘યાવત્ કિંચિન્ન ભાષતે’—એટલે બહારના લોકોની સાથે હું ઝાઝું બોલતો જ નથી.’ 

શૈલે કહ્યું: ‘એની ખોટ તમે ઘરમાં અમારી આગળ પૂરી કરી લો છો.’ 

રસિકે કહ્યું: ‘તમારી આગળ તો હું પકડાઈ જ ગયેલો છું ને!’

શૈલે કહ્યું: ‘પકડાઈ ગયેલા હો તો ચાલો—જે કહું તે કરો.’

આમ કહી શૈલ તેની સાથે વાતચીત કરવા તેને બીજા ઓરડામાં ખેંચી ગઈ. 

અક્ષયે એ જોઈ બોલવા માંડ્યું: ‘શૈલ! જોજે હો! રસિકદાદાને તું આજે રાજમંત્રી બનાવે છે, અને મને ડિંગો?’

શૈલે જતાં જતાં મોં ફેરવી હસીને કહ્યું: ‘તમારી પાસે મારે શી સલાહ લેવાની હોય, મુખુજ્જે મશાય? સલાહ તો ઘરડા માણસની જ લેવાય!’

અક્ષયે કહ્યું: ‘તો રાજમંત્રીપદની ખાતર હું મારો દરબાર બરખાસ્ત કરી નાખું છું.’

આમ કહી એ ખાલી ઘરમાં ઊભો રહીને એકદમ મોટેથી ખમાજમાં ગાવા લાગ્યો:

રાતારાતા હાથમાં હું તો
ધરું કેવળ ફૂલ,
પહેરો દેવામાં કે સલાહ દેવામાં
ન મારી બુદ્ધિ અનુકૂલ!’

ઘરધણી જ્યારે જીવતા હતા ત્યારે તેઓ રસિકને કાકા કહેતા. રસિક ઘણાં વરસથી એમના આશરે રહેતો હતો, એટલે ઘરનાં સુખદુ:ખની સાથે પૂરેપૂરો જડાઈ ગયો હતો. ગૃહિણીને વ્યવહારનું બહુ જ્ઞાન નહિ તેથી ઘરધણીના મરણ પછી રસિકને કેટલીક અગવડો ને મુસીબતો વેઠવી પડી હતી. જગત્તારિણી આખો વખત કંઈ કંઈ અર્થહીન હુકમો છોડ્યા કરતી, તેથી રસિકને ભાગ્યે જ ઘડીની નવરાશ મળતી. શૈલ તેની તમામ અગવડો અને અભાવોની ખોટ પૂરી કરી નાખતી. માંદગીમાં ક્યારેય પણ શૈલને લીધે એનાં દવા દારૂમાં કશી કસર રહી નહોતી; એને સંસ્કૃતસાહિત્યની ચર્ચા કરવાનો ખૂબ શોખ હતો, તે પણ શૈલના સહકારથી પાર પડતો. 

રસિકદાદા શૈલબાલાની અદ્ભુત યોજના સાંભળીને પહેલાં તો આભા જ બની ગયા ને મોં ફાડી જોઈ રહ્યા. પછી હસવા લાગ્યા. પછી ખુશ થઈ ગયા ને બોલ્યા; ‘ભગવાન હરિએ નારીનો વેશ લઈને પુરુષને મોહમાં નાખ્યો હતો, પણ શૈલ, તું પુરુષનો વેશ લઈને પુરુષને મોહમાં નાખે તો હું હરિભક્તિ છોડી તારી જ પૂજામાં મારું બાકીનું આયુષ્ય પૂરું કરવાની પ્રતિજ્ઞા લઉં છું. પણ માને ખબર પડી જશે તો?’

શૈલે કહ્યું: ‘ત્રણ કન્યાઓની ચિંતામાં જ મા આખો દિવસ એટલી રોકાયેલી રહે છે કે તેને આપણી ખબર જ રહેતી નથી. માટે એ ચિંતા ન કરશો.’

રસિકે કહ્યું: ‘પણ સભામાં કેવી રીતે સભ્યતા બતાવવી પડે છે તેની મને કશી જ ખબર નથી.’

શૈલે કહ્યું: ‘ઠીક, એ મારે માથે!’


  1. (* પ્રજાપતિ: બ્રહ્મા, પતંગિયું. બંગાળમાં પતંગિયું પ્રેમનું પ્રતીક મનાય છે. લગ્નની કંકોતરીઓમાં પણ પતંગિયાનું ચિત્ર છપાય છે. – અનુવાદક)

License

ચિરકુમારસભા Copyright © by રવીદ્રનાથ ટાગોર and અનુવાદઃ રમણલાલ સોની. All Rights Reserved.