૧૦

રસ્તામાં આવતાં શ્રીશે કહ્યું: ‘અરે વિપિન, મહા મહિનો પૂરો થતાં આજે નવવસંતનો વાયુ વાવા માંડ્યો છે, ચાંદની પણ કેવી સરસ છે! આવે વખતે જો ઊંઘવાનું કે નિશાળનું ભણતર ગોખવાનું કરીએ તો દેવતાઓ આપણા ઉપર ફિટકાર વરસાવશે!’

વિપિને કહ્યું: ‘દેવતાઓનો ફિટકાર સહેલાઈથી ખમાશે, પણ બીમારીનો હુમલો—’

શ્રીશે કહ્યું: ‘જો, આનો જ તારે ને મારે ઝઘડો થાય છે. મને બરાબર ખબર છે કે દખણાદા પવનથી તારું ચિત્ત પણ ચંચળ બની જાય છે, પણ વખતે કોઈ તારા પર કવિત્વનું આળ ચડાવે એ બીકે તું મલય પવનને જરાયે દાદ દેવા તૈયાર નથી! પણ એમાં મને તો તારી કંઈ બહાદુરી દેખાતી નથી! હું તારી આગળ આજે ખુલ્લેખુલ્લું કબૂલ કરું છું કે મને ફૂલ ગમે છે, મને ચાંદની ગમે છે, મને દખણાદા વાયરા ગમે છે—’

વિપિને કહ્યું: ‘અને—’

શ્રીશે કહ્યું: ‘અને જે કંઈ ગમવા જેવી ચીજ છે તે બધીયે ગમે છે.’

વિપિને કહ્યું: ‘ત્યારે તો વિધાતાએ તને ખૂબ નવાઈના બીબામાં ઘડ્યો લાગે છે!’

શ્રીશે કહ્યું: ‘તારું બીબું એથીયે વધારે નવાઈનું છે. તને ગમે છે, પણ તું બોલે છે જુદું—મારા શયનગૃહના ઘડિયાળ જેવું—એ ચાલે છે બરાબર, પણ વાગે છે ખોટું!’

વિપિને કહ્યું: ‘પણ શ્રીશ, તને જો બધી મનોરમ ચીજો મનોહર લાગવા માંડી તો ભારે આફત!’

શ્રીશે કહ્યું: ‘મને તો કંઈ જ આફત લાગતી નથી.’

વિપિને કહ્યું: ‘આ જ લક્ષણ સૌથી ખરાબ છે. રોગની પીડાનું ભાન જાય, પછી ચિકિત્સાની બારી રહેતી નથી. હું તો ભાઈ, ચોખ્ખું કબૂલ કરું છું કે સ્ત્રીજાતિમાં એક આકર્ષણ છે—ચિરકુમારસભાએ જો એ આકર્ષણથી બચવું હોય તો ખૂબ સાચવીને ચાલવું જોઈશે.’

શ્રીશે કહ્યું: ‘ભૂલ! ભૂલ! ભયાનક ભૂલ! તમે સાચવીને ચાલો, એથી શું વળ્યું? એ લોકો સાચવીને ચાલે તો ને? તમે દૂર રહો, પણ એ દૂર રહે તો ને? સંસારના રક્ષણ માટે વિધાતાને એટલી બધી સ્ત્રીઓની સૃષ્ટિ કરવી પડી છે કે એમનાથી આઘા રહીને ચાલવાનું અસંભવિત છે. એટલે જો કૌમાર્યની રક્ષા કરવી હોય તો સ્ત્રીજાતિને થોડી થોડી સહી લેવી પડશે. પેલો સ્ત્રીસભ્યને દાખલ કરવાનો નિયમ થયો છે, એટલે મને લાગે છે કે આટલે દિવસે ચિરકુમારસભાને ચિરસ્થાયી કરવાનો રસ્તો જડ્યો ખરો. પરંતુ માત્ર એક જ સ્ત્રીસભ્યથી નહિ ચાલે, વિપિન, ઘણી સ્ત્રીસભ્ય જોઈશે. બંધ ઓરડાની એક જ બારી ઉઘાડવાથી શરદી લાગવાની બીક રહે છે, પણ ખુલ્લી હવામાં રહીએ તો એ બીક લાગતી નથી.’

વિપિને કહ્યું: ‘હું તારી એ ખુલ્લી હવા ને બંધ હવામાં કાંઈ સમજતોે નથી, ભાઈ! જેને શરદીનો કોઠો છે, એને દેવતા કે માણસ કોઈ શરદીથી બચાવી શકવાનું નથી.’

શ્રીશે કહ્યું: ‘તારો કોઠો કેવો છે કહે જોઉં?’

વિપિને કહ્યું: ‘એનો ચોખ્ખો જવાબ આપું તો તને સમજાશે કે તારી પ્રકૃતિ ને મારી પ્રકૃતિમાં આશ્ચર્યકારક મળતાપણું છે. ચિરકુમારની નાડી જેવી ચાલવી જોઈએ તેવી જ હમેશાં મારી ચાલે છે એમ હું છાતી ઠોકીને કહી શકતો નથી.’

શ્રીશે કહ્યું: ‘અહીં તારી બીજી ભૂલ થાય છે. ચિરકુમારની નાડી ઉપર ઓગણપચાસ વાયુઓનું નૃત્ય થવા દો—ગભરાવાનું કોઈ કારણ નથી—બાંધવાનો કે દબાવવાનો પ્રયાસ ન કરો. આપણા જેવા વ્રતધારી માણસો શું હૃદયને રૂમાં લપેટીને રાખી શકે છે? માટે હૃદયને અશ્વમેધ યજ્ઞના ઘોડાની પેઠે છૂટું મૂકી દો—અને જે તેને બાંધે તેની સામે લડાઈ કરો!

વિપિને કહ્યું: ‘પેલું કોણ જાય છે? પૂર્ણ લાગે છે! એ બિચારાને હવે ગલીમાંથી નીકળવાનું ભારે પડી ગયું છે. આ વીર પુરુષનો અશ્વમેધનો ઘોડો હવે લંગડાય છે. એને બોલાવું?’

શ્રીશે કહ્યું: ‘બોલાવો, પણ એ આપણને શોધવા ગલીએ ગલીએ ફરતો હોય એવું નથી લાગતું.’

વિપિને કહ્યું: ‘પૂર્ણબાબુ? શા ખબર છે?’

પૂર્ણે કહ્યું: ‘નવીન કંઈ નથી! કાલ પરમદિવસે જે ખબર હતા, તે જ હજી પણ ચાલે છે.’

શ્રીશે કહ્યું: ‘કાલ પરમદિવસે તો ઠંડો પવન વાતો હતો, આજે વસંતનો વાયરો વાવા માંડ્યો છે—એટલે કંઈક નવા સમાચારની આશા રાખી શકાય ખરી.’

 પૂર્ણે કહ્યું: ‘દખણાદા વાયરામાં જે સમાચારો પેદા થાય છે તેને કુમારસભાના છાપામાં સ્થાન નથી. તપોવનમાં એક જ દિવસ અકાલે વસંતનો વાયરો વાયો, એટલા પર તો કાલિદાસનું ‘કુમારસંભવ’ ભવ્ય રચાયું. પણ અમારું નસીબ એવું છે કે વસંતની હવામાં કુમાર-અસંભવ કાવ્ય રચાય છે!’

વિપિને કહ્યું: ‘રચાય તો છોને રચાય, પૂર્ણબાબુ! ‘કુમારસંભવ’માં જે દેવતા બળી મૂઆ, તે પાછા ‘કુમાર-અસંભવ’માં ભલે જીવતા થાય!’

પૂર્ણે કહ્યું: ‘કુમાર-અસંભવ’માં કુમારસભા બળીને ભસ્મ થઈ જાઓ! જે દેવતા ‘કુમારસંભવ’માં બળી મૂઆ, તે જ આને બાળી મૂકો! નહિ, હું મશ્કરી નથી કરતો, શ્રીશબાબુ! આપણી ચિરકુમારસભા એક અસલ લાખાગૃહ છે. જરા આગની આંચ લાગે તો બસ! એનું નામનિશાન નહિ રહે. એના કરતાં તો વિવાહિતસભા સ્થાપો, તો સ્ત્રીજાતિનો જરાય ડર નહિ રહે. ભઠ્ઠીમાં બળેલી ઇંટનું જો મકાન ચણીએ તો એને બળવાની બીક ન રહે!’

શ્રીશે કહ્યું: ‘ગમે તેવા માણસોએ વિવાહ કરી કરીને વિવાહની કિંમત ધૂળ કરી નાખી છે, પૂર્ણબાબુ! એટલા માટે આ કુમારસભાનું અસ્તિત્વ છે. અમારા જીવમાં જીવ છે ત્યાં લગી આ સભામાં પ્રજાપતિનો પ્રવેશ બંધ છે.’

વિપિને કહ્યું: ‘અને પંચશર?’

શ્રીશે કહ્યું: ‘ભલે પધારે! એક વાર એમની સાથે ઘનિષ્ઠતા થઈ ગઈ કે બસ, પછી કશો ડર નથી.’

પૂર્ણે કહ્યું: ‘ઠીક, જોજો, શ્રીશબાબુ!’

શ્રીશે કહ્યું: ‘જોવાનો જ છું. એમને શોધતો જ ફરું છું. ઢગલો દીર્ઘ નિ:શ્વાસ નાખું, કવિતા લલકારું, કનકવલયભ્રંશરિક્તપ્રકોષ્ઠ બની જાઉં, ત્યારે જ હું ખરેખરો સંન્યાસી થઈ શકીશ.’

આપણા કવિએ કહ્યું છે—

‘આજ જલાવી જા!

ઓ રે પ્રિયા, તારી જ્યોત વડે

મારો જીવનદીવડો

આજ જલાવી જા!

અંધકાર પડ્યો રાત વિતાવું,

દયા દેખાડી જા!

તારી આગ લગાડી જા!

જોઈ રહ્યો તારી વાટ, સખીરી!

લાવ તું દીપ્ત શિખા!

આશાએ આશાએ હૈયું રહ્યું છે,

ભસ્મ કરીને જા!

આજ જલાવી જા!

અંધકારે પડ્યો રાત વિતાવું 

દયા દેખાડી જા!

ઓ રે પ્રિયા! તારી જ્યોત વડે

મારો જીવનદીવડોે

આજ જલાવી જા!

પૂર્ણે કહ્યું: ‘ઓહો શ્રીશબાબુ! તમારા કવિએ તો કંઈ ભારે કરી છે!’

ઓરે પ્રિયા, તારી જ્યોત વડે

મારો જીવનદીવડો

આજ જલાવી જા!

ઘરમાં ઠાઠમાઠ કરેલો છે—થાળમાં માળા પડેલી છે, પલંગમાં ફૂલશય્યા છે, માત્ર જીવનદીવડો ઝગતો નથી! સાંજ પૂરી થઈ, ને રાત પણ વીતવાં માંડી! વાહ, શું સરસ લખ્યું છે! કઈ ચોપડીમાં છે આ કવિતા, હેં?’

શ્રીશે કહ્યું: ‘ચોપડીનું નામ ‘આવાહન!’

પૂર્ણે કહ્યું: ‘નામ પણ સરસ શોધી કાઢ્યું છે.’

આમ કહી મનમાં મનમાં ગણગણ્યો:

ઓરે પ્રિયા, તારી જ્યોત વડે

મારો જીવનદીવડો,

આજ જલાવી જા!

એનાથી એક દીર્ઘનિ:શ્વાસ નખાઈ ગયો. પછી એણે પૂછ્યું: ઘેર જાઓ છો?’

શ્રીશે કહ્યું: ‘ઘર ક્યાં આવ્યું એ જ ભૂલી ગયા છીએ, ભાઈ!’

પૂર્ણે કહ્યું: ‘રસ્તો ભૂલી જવાય એવી જ આજની રાત છે. ખરું કે નહિ, વિપિનબાબુ?’

શ્રીશે કહ્યું: ‘વિપિનબાબુ આવી બધી બાબતમાં એક અક્ષરે બોલતા નથી; બોલે તો એમનું અંદરનું કવિત્વ પકડાઈ જાય. કંજૂસ પોતાનું ધન હમેશાં ધરતીની અંદર દાટી રાખે છે.’

વિપિને કહ્યું: ‘ખોટી જગાએ ખોટો ખરચો કરવાનું મને ગમતું નથી, ભાઈ! તેથી હું હમેશાં જગાની તલાશમાં ફરું છું. મરવું તો એકદમ ગંગાના ઘાટ ઉપર જઈને જ મરવું સારું!’

પૂર્ણે કહ્યું: ‘આ બહુ સરસ કહ્યું. શાસ્ત્રમાં પણ એવું જ કહેલું છે. વિપિનબાબુ એકદમ અંતિમ કાળ માટે કવિત્વનો સંચય કરી રાખે છે. જ્યારે બીજા બોલે છે ત્યારે તેઓ ચૂપ રહે છે. હું આશીર્વાદ આપું છું કે બીજાઓનાં એ વાક્યો મધુમિશ્રિત હો—’

શ્રીશે કહ્યું: ‘અને એમાં જરા મરચાંનો સ્પર્શ પણ હોય—’

વિપિને કહ્યું: ‘અને માત્ર વાક્યવર્ષણ કરીને જ મોંનું તમામ કર્તવ્ય પૂરું ન થઈ જાય—’

પૂર્ણે કહ્યું: ‘વાક્યોનાં વિરામસ્થાનો વાક્યોના કરતાંયે વધારે મધુમત્ત બની જાય!’

શ્રીશે કહ્યું: ‘એ દિવસે ઊંઘ ઊડી જાય—’

પૂર્ણે કહ્યું: ‘રાત કેમે પૂરી ન થાય—’

વિપિને કહ્યું: ‘ચંદ્ર પૂર્ણ ચંદ્ર હોય—’

પૂર્ણે કહ્યું: ‘વસંતનાં ફૂલોની વિપિન પ્રફુલ્લ બની જાય—’

શ્રીશે કહ્યું: ‘અને અભાગિયો શ્રીશે કુંજદ્વારની પાસે આવીને ડોકિયાં ન કરે.’

પૂર્ણે કહ્યું: ‘જવા દોે રે શ્રીશબાબુ! તમારા પેલા ‘આવાહન’માંથી બીજી કોઈ કવિતા લલકારો! કવિએ ખૂબ સરસ લખ્યું છે હોં!

ઓરે પ્રિયા, તારી જ્યોત વડે 

મારો જીવનદીવડો

આજ જલાવી જા!

‘આહા! એક જીવનપ્રદીપની શિખા, બીજા એક જીવન પ્રદીપના મોંને જરીક સ્પર્શી ગઈ કે બસ, પત્યું! બે કોમળ આંગળીઓ વડે દીવો જરી રમાડીને જરી અડકાડી દેવાનો છે—પછી તો ઘડીકમાં બધે ઝાકોર અજવાળું!

ઓરે પ્રિયા! તારી જ્યોત વડે

મારો જીવનદીવડો

આજ જલાવી જા!

મનમાં મનમાં ગણગણતાં પૂર્ણે ચાલવા માંડ્યું. એને જતો જોઈ શ્રીશે બૂમ મારી: ‘પૂર્ણબાબુ! ક્યાં જાઓ છો?’

પૂર્ણે કહ્યું: ‘ચંદ્રબાબુને ઘેર એક ચોપડી ભૂલી આવ્યો છું એ લેવા જાઉં છું.’

વિપિને કહ્યું: ‘જડશે તોને? ચંદ્રબાાબુનું ઘર ભૂલભુલામણી જેવું છે.—ત્યાં જે ચીજ ખોવાઈ તે ફરી હાથ લાગતી નથી!’

પૂર્ણ ઊભો ન રહ્યો.

શ્રીશે દીર્ઘનિ:શ્વાસ નાખી કહ્યું: ‘પૂર્ણ તો મજાકમાં લાગે છે. વિપિન!’

વિપિને કહ્યું: ‘અંદરની વરાળના જોરે, એનું માથું, સોડા વૉટરની ગોળીની પેઠે એકદમ ઊડી ન જાય તો સારું!’

શ્રીશે કહ્યું: ‘ઊડી જાય તો છોને ઊડી જતું! જેમ તેમ કરી, લોઢાના તાર વડે માથાને એની જગાએ બાંધી રાખવામાં જ શું જીવનનો ચરમ પુરુષાર્થ છે? કોઈ કોઈ વખત માથું ઠેકાણે ન પણ હોય. રાત ને દિવસ મજૂરની ગુણની પેઠે માથાને ઉપાડી ફરીએ એથી ફાયદો શો? કાપી નાખો તાર, અને એને જરી ઊડવા દો—પેલે દિવસે મેં તને ગાઈ સંભળાવ્યું હતું તે ભૂલી ગયો?—

‘અરે મુસાફિર! એકવાર તો

ભૂલો પડને, ભાયા! 

જોઈ જોઈ પગલું માંડે તે 

નક્કી જાણ ફસાયા!—અરેo

આંખો તારી અંધ કરી દે

ચંચળ ચક્ષુનીરે,

ત્યાં મળશે ત્યાં જ ગુમ થયેલું

હૈયું મલયાનિલે!

કાંટાળાં વૃક્ષોની નીચે,

ઢગલો રાતાં ફૂલ, 

ચાલે ત્યાં ઘડભાંગલીલા

એ સિંધુતીર અતુલ!

અરે! મુસાફિર! એકવાર તો

ભૂલો પડને, ભાયા!

જોઈ જોઈ પગલું માંડે તે 

નક્કી જાણ ફસાયા!

વિપિને કહ્યું: ‘આજકાલ તેં ખૂબ કવિતાઓ વાંચવા માંડી લાગે છે. પણ થોડા વખતમાં મુશ્કેલીમાં ન આવી પડે તો મને કહેજે.’

શ્રીશે કહ્યું: ‘જે માણસ જાણી જોઈને મુશ્કેલી નોતરતો ફરતો હોય એની કોઈને ચિંતા કરવાની જરૂર નથી. મુશ્કેલીથી ચેતી ચેતીને ચાલીએ અને ઓચિંતાના મુશ્કેલીમાં જઈ પડીએ તો આપત્તિ છે.’

એટલામાં રસિકબાબુને આવતા જોઈ એ બોલી ઊઠ્યો: ‘આવો, આવો, રસિકબાબુ! રાતે ક્યાં જવા નીકળ્યા છો?’

રસિકે આવતાં જ શરૂ કર્યું: ‘મારે વળી રાત શું, ને દિવસ શું!’

‘વરમસૌ દિવસો ન પુનર્નિશા,

નનુ નિશૈવ વરં ન પુનર્દિનમ્ |

ઉભયમેતદુપૈત્વથવા ક્ષયમ્

પ્રિયજનેન ન યત્ર સમાગમ: ||’

શ્રીશે કહ્યું: ‘અસ્યાર્થ:?’

રસિકે કહ્યું: ‘આનો અર્થ એ કે—

‘છોને આવે રાત, છોને આવે દિન!

છોને સિંધુ તળે, બંને થતાં લીન!

મારે રાત સોઈ, મારે દિન સોઈ!

જો પ્રિયજન, મળ્યું નહિ કોઈ!

‘અત્યારસુધીમાં કેટલાયે દિવસો આવી ગયા, ને કેટલીયે રાતો આવી ગઈ, પરંતુ પ્રિયજન હજી આવ્યું નહિ. એટલે રાત કહો કે દિવસ કહો, બેમાંથી એકેની ઉપર મને જરા સરખીયે શ્રદ્ધા નથી!’

શ્રીશે કહ્યું: ‘વારુ, રસિકબાબુ! પ્રિયજન હમણાં જો ઓચિંતાનું આવી ચડે તો?’

રસિકે કહ્યું: ‘તો એ મારી સામે નહિ જુએ, તમારા બેમાંથી કોઈના ભાગમાં આવશે!’

શ્રીશે કહ્યું: ‘તો તે જ પળે સાબિત થઈ જ જશે કે એ અરસિક છે.’

રસિકે કહ્યું: ‘અને બીજી જ પળથી પરમાનંદમાં વખત પસાર કરવા માંડશે. પણ હું ઈર્ષ્યા નથી કરતો, શ્રીશબાબુ! મારા નસીબે આવવામાં જેણે આટલું મોડું કર્યું તેનો હું તમારા લાભમાં ત્યાગ કરી દઉં છું. હે દેવી, તમારી વરમાળા ગૂંથી લાવો! આજે વસંતની અજવાળી રાત છે, આજે અભિસારે નીકળો!’

‘મન્દં નિઘેહિ ચરણૌ પરિધેહિ નીલંમ,

વાસ: પિધેહિ વલયાવલિમંચલેન |

મા જલ્પ સાહસિનિ! શારદચન્દ્રકાન્ત–

દન્તાંશવસ્તવ તમાંસિ સમાપયન્તિ ||’

‘ધીરે ધીરે ચાલો, તન્વી, પહેરી નીલાંબર!

રણઝણતાં કંકણને બાંધી પાલવની અંદર!

મુખડું રાખો બંધ, નહીં તો ચંદ્રકલાના જેવા,

દાંત તમારા રસ્તા પર અંધારું નહિ દે રહેવા!’

શ્રીશે કહ્યું: ‘રસિકબાબુ! તમારી ઝોળી એકદમ ભરેલી લાગે છે! આવો કેટલા શ્લોકોનો તરજુમો કરી રાખ્યો છે?’

રસિકે કહ્યું: ‘ઢગલો! લક્ષ્મી તો આવી નહિ, એટલે વાણીથી દિવસો પૂરા કરું છું.’

શ્રીશે કહ્યું: ‘અરે વિપિન! અભિસારની કલ્પના બહુ કમનીય લાગે છે!’

વિપિને કહ્યું: ‘તો ચિરકુમારસભામાં ફરી એ રિવાજ ચાલુ કરવાની દરખાસ્ત લાવોને!’

શ્રીશે કહ્યું: ‘કેટલીક ચીજોના ‘આઈડિયા’ એવા સરસ હોય છે કે દુનિયામાં એ પ્રચલિત કરવાની હિંમત ચાલતી નથી. જે રસ્તે અભિસારલીલા થઈ શકે, અને જ્યાં કામિનીઓના ગળાનો મોતીનો હાર તૂટીને મોતી વેરાઈ જાય એ રસ્તો શું તારી પટલ ડાન્ગા સ્ટ્રીટ છે? એ રસ્તો દુનિયામાં ક્યાંય નથી! આ તો વિરહિણીનું હૃદય નીલાંબર મનોરાજ્યના રસ્તાઓમાં આવી રીતે ફરવા નીકળી પડે છે—છાતી ઉપરથી મોતીનો હાર તૂટી પડે છે, પણ એની સામુંયે તે જોતી નથી—પણ સાચાં મોતી હોત તો તરત વીણી લેત. ખરું કે નહિ, રસિકબાબુ?’

રસિકે કહ્યું: ‘એ વાત તો કબૂલ કરવી પડશે—અભિસાર મનમાં મનમાં ચાલે એ જ સારું છે, ગાડીઘોડાવાળા રસ્તાઓમાં એ બિલકુલ શોભે નહિ! શ્રીશબાબુ, વસંતની આવી અજવાળી રાતે, કોઈ બારીમાંથી કોઈ રમણીનું વ્યાકુળ હૃદય તમારા ઘર તરફ અભિસારે નીકળજો એવા મારા આશીર્વાદ છે!’

શ્રીશે કહ્યું: ‘તે નીકળશે, રસિકબાબુ, તમારા આશીર્વાદ જરૂર ફળજો. આજની હવામાંથી એ સમાચાર મારા મનને મળી રહ્યા છે. વિશો બહારવટિયો જેમ અગાઉથી ખબર આપીને ધાડ પાડવા જતો, તેમ મારી અજાણી અભિસારિકાએ પહેલેથી જ મને અભિસારના સમાચાર મોકલી આપ્યા છે.’

વિપિને કહ્યું: ‘તારી અગાશીની બેઠક શણગારીને તૈયાર રહેજે!’

શ્રીશે કહ્યું: ‘ત્યાં બે ખુરશીઓ છે—એકમાં હું બેસું છું, બીજી આવનારને માટે તૈયાર જ હોેય છે.’

વિપિને કહ્યું: ‘એમાં હું બેસું છું.’

શ્રીશે કહ્યું: ‘મધ્વભાવે ગુડં દદ્યાત્’—મધ ન હોય તો ગોળ! એમ કોઈ ન હોય તો તને તેમાં બેસવા દઈ શકાય.’

વિપિને કહ્યું: ‘હાસ્તો, મધુમયી આવશે ત્યારે આ અભાગીના નસીબમાં હશે—‘લગુડં દદ્યાત્ |’

રસિકે ખાનગીમાં શ્રીશને કહ્યું: ‘શ્રીશબાબુ આપની એ અગાશી ઓળખાઈ આવે એટલા માટે ત્યાં એક ધજા ફરકાવવાની જરૂર છે, પણ એ ધજા તો તમે ભૂલીને જ આવ્યા.’

શ્રીશે કહ્યું: ‘હવે જાઉં તો રૂમાલ મળે ખરો?’

રસિકે કહ્યું: ‘પ્રયત્ન કરી જોવામાં શું જાય છે?’

શ્રીશે કહ્યું: ‘વિપિન! તું એટલી વાર રસિકબાબુની સાથે જરા વાતોચીતો કર—હું હમણાં જ આવું છું.’

આમ કહી તે તરત ત્યાંથી પાછો વળ્યો.

વિપિને કહ્યું: ‘વારુ રસિકબાબુ, મારા પર ખોટું ન લગાડશો!’

રસિકે કહ્યું: ‘ખોટું લગાડું તો પણ તમારે મારથી બીવાનું કારણ નથી—હું બહુ અશક્ત છું.’

વિપિને કહ્યું: ‘એક બે સવાલ પૂછું તો ચિડાશો નહિ.’

રસિકે કહ્યું: ‘મારી ઉંમર વિશે તો કોઈ સવાલ નથી પૂછવોને?’

વિપિને કહ્યું: ‘ના.’

રસિકે કહ્યું: ‘તો પૂછો, બરાબર જવાબ મળશે.’

વિપિને કહ્યું: ‘પેલે દિવસ જે છોકરી જોવામાં આવી, તે—’

રસિકે કહ્યું: ‘તેને વિષે વાતચીત થઈ શકે છે. તમે જરા પણ સંકોચ ન રાખશો, વિપિનબાબુ! તેને વિષે જો તમે કોઈ કોઈ વખત વાત કાઢશો, કે ચર્ચા કરશો તો એમાં તમે શું અસાધારણ નથી કરતા—અમે બધા પણ અવું કરીએ જ છીએ તો!’

વિપિને કહ્યું: ‘અબલાકાન્તબાબુ કદાચ—’

રસિકે કહ્યું: ‘એની વાત ન કરશો—એ તો જ્યારે જુઓ ત્યારે એની જ વાત કરતો હોય છે.’

વિપિને કહ્યું: ‘તો શું તેઓ—’

રસિકે કહ્યું: ‘હા’ એવું જ છે! પણ મુશ્કેલી એ છે કે નૃપબાલા કે નીરબાલા બેમાંથી કોના પર તેને વધારે પ્રેમ છે તેનો તે નિર્ણય કરી શકતો નથી—એટલે હમેશાં એ બેની વચમાં એ ઝોલાં ખાય છે!’

વિપિને કહ્યું: ‘પણ એ બેમાંથી કોઈનું મન એમની તરફ—’

રસિકે કહ્યું: ‘ના, લગ્ન થઈ શકે તેવો ભાવ નથી. એવું હોત તો પછી સવાલ જ ક્યાં હતો!’

વિપિને કહ્યું: ‘એટલે અબલાકાન્તબાબુ કંઈક—’

રસિકે કહ્યું: ‘કંઈક ચિંતાતુર રહે છે.’

વિપિને કહ્યું: ‘શ્રીમતી નીરબાલાને ગાવાનો બહુ શોખ લાગે છે!’

રસિકે કહ્યું: ‘લાગે છે નહિ; છે જ.—તમારા ગજવામાં જ એનો પુરાવો છે.’

વિપિને ગજવામાંથી ગીતની ચોપડી કાઢીને કહ્યું: ‘આ ઉપાડી લાવવામાં ખરેખર મેં શિષ્ટાચારનો ભંગ કર્યો છે—’

રસિકે કહ્યું: ‘તમે ન કર્યો હોત તો અમે કોઈ કરત.’

વિપિને કહ્યું: ‘તમે કર્યો હોત તો તેની માફી મળત, પણ મને—ખરેખર મેં ભૂલ કરી છે, પણ હવે પાછી આપું તોયે—’

રસિકે કહ્યું: ‘ભૂલ તો ભૂલ જ રહે છે.’

વિપિને કહ્યું: ‘એટલે—’

રસિકે કહ્યું: ‘જેવા બાવન તેવા તેપન! હરણ કરવામાં જે ભૂલ થઈ છે તે રાખી લેવામાં કદાચ થોડી વધશે!—થઈને બીજું શું થવાનું છે?’

વિપિને કહ્યું: ‘ચોપડી વિશે પછી તેમણે તમને કંઈ કહ્યું હતું?’

રસિકે કહ્યું: ‘કહ્યું તો જરાક, પણ ન કહ્યું ધણું!’

વિપિને કહ્યું: ‘એ કેવી રીતે?’

રસિકે કહ્યું: ‘શરમથી એનું મોં લાલ થઈ ગયું હતું!’

વિપિને કહ્યું: ‘છિ છિ! શરમ મને આવવી જોઈએ.’

રસિકે કહ્યું: ‘તમારી શરમમાં જ એણે ભાગ પડાવ્યો છે એમ સમજોને—અરુણની શરમથી ઉષા લાલ થઈ જાય છે એવું!’

વિપિને કહ્યું: ‘મને વધારે પાગલ ન બનાવશો, રસિકબાબુ!’

રસિકે કહ્યું: ‘નથી બનાવતો, બહાર ખેંચુ છું, મશાય!’

વિપિને ફરી ચોપડી ગજવામાં મૂકી કહ્યું: ‘અંગ્રેજીમાં એક કહેવત છે કે ભૂલ કરવી એ માણસનો ધર્મ છે, ક્ષમા કરવી એ દેવતાનો ધર્મ છે.’

રસિકે કહ્યું: ‘ત્યારે તમે માણસનો ધર્મ બજાવ્યો!’

વિપિને કહ્યું: ‘હવે દેવીનો ધર્મ એમણે બજાવવાનો છે!’

એટલામાં શ્રીશ આવી પહોંચ્યો. તેણે કહ્યું: ‘અબલાકાન્ત બાબુનો ભેટો ન થયો!’

વિપિને કહ્યું: ‘તો શું તારે રાતોરાત એમને સંન્યાસી બનાવી દેવા છે?’

શ્રીશે કહ્યું: ‘હશે, પણ અક્ષયબાબુ મળી ગયા તે સારું થયું!’

વિપિને કહ્યું: ‘ઠીક યાદ દેવડાવ્યું—હું પણ એમને મળ્યા વગર જ ઘરમાંથી નીકળી ગયો હતો—લાવ, જરા મળી આવું એમને!’

રસિકે ખાનગીમાં વિપિનને કહ્યું: ‘ફરી પાછું કંઈ લેવા જાઓ છો શું? ધીમે ધીમે માણસનો ધર્મ તમારા પર સવાર થતો લાગે છે!’

વિપિન અક્ષયના ઘર તરફ પાછો વળ્યો.

શ્રીશે કહ્યું: ‘રસિકબાબુ! મારે તમારી એક સલાહ લેવાની છે.’

રસિકે કહ્યું: ‘સલાહ આપવા જેવી ઉંમર તો થઈ ગઈ છે. કદાચ એવી બુદ્ધિ નહિ હોય!’

શ્રીશે કહ્યું: ‘તમારે ત્યાં પેલે દિવસ મેં બે છોકરીઓને જોઈ હતી—મને તો બંને રૂપાળી લાગી!’

રસિકે કહ્યું: ‘તમારી રસજ્ઞતાનો દોષ કાઢી શકતો નથી. સૌ એ પ્રમાણે જ કહે છે.’

શ્રીશે કહ્યું: ‘એમને વિશે જો કોઈ કોઈ વાર તમારી આગળ વાત કાઢું, તો શું—’

રસિકે કહ્યું: ‘તો મને આનંદ થશે. તમને પણ સારું લાગશે, અને એમનું કંઈ બગડવાનું નથી.’

શ્રીશે કહ્યું: ‘નહિ જ. તમરું જો તારા વિશે બડબડ કરે—’ કંઈ બોલે—’

રસિકે કહ્યું: ‘તો એવી તારાની નીંદરમાં ખલેલ પહોંચતી નથી.’

 શ્રીશે કહ્યું: ‘ઊલટું, તમરાંની જ ઊંઘ ઊડી જવાની, પણ એનો મને વાંધો નથી.’

રસિકે કહ્યું: ‘આજે તો એવું જ લાગે છે.’

શ્રીશે કહ્યું: ‘મને જે રૂમાલ જડ્યો એનું નામ તમારે મને કહેવું પડશે!’

રસિકે કહ્યું: ‘નામ નૃપબાલા!’

શ્રીશે કહ્યું: ‘કોણ એ?’

રસિકે કહ્યું: ‘તમે જ અનુમાન કરીને કહો જોઉં!’

શ્રીશે કહ્યું: ‘લાલ રંગની રેશમી સાડી પહેરી હતી એ?’

રસિકે કહ્યું: ‘બોલે જાઓ!’

શ્રીશે કહ્યું: ‘જે શરમથી ભાગી જવાનું કરતી હતી, છતાં ભાગી જવામાંયે જેને શરમ આવતી હતી—તેથી પળવાર બીધેલી હરણીની પેઠે એકદમ ખચકીને ઊભી રહી ગઈ હતી—વાળની એક બે લટો જેની આંખોની ઉપર આવી પડી હતી—ચાવીઓના ગુચ્છાવાળો પાલવ ખસી પડવાથી ડાબા હાથે તે ઊંચો કરીને જે ઝડપથી ભાગી ગઈ હતી, તે અને તે વખતે જેની પીઠ પર પથરાયેલા કાળા વાળ મારા દૃષ્ટિપથ પર કાળા નક્ષત્રની પેઠે નૃત્ય કરી ગયા હતા!’

રસિકે કહ્યું: ‘એ જ નૃપબાલા! પગ લજ્જિત છે, હાથ કુંઠિત છે, આંખો ત્રસ્ત છે, વાળ કુંચિત છે,—દુ:ખની વાત છે કે તમે તેનું હૃદય જોઈ શક્યા નહિ. ફૂલની અંદર છુપાયેલા મધુના જેવું એ મધુર છે, અને ઝાકળના જેવું કોમળ છે!’

 શ્રીશે કહ્યું: ‘રસિકબાબુ, તમારામાં આટલો બધો કવિત્વરસ સંચિત થયેલો છે એનું મૂળ ક્યાં છે તેની હવે મને ખબર પડી ગઈ છે.’

રસિકે કહ્યું: ‘તમે મને પકડી પાડ્યો, શ્રીશબાબુ!

‘કવીન્દ્રાણાં ચેત: કમલવનમાલાતપરુચિમ્

ભજન્તે યે સન્ત: કતિચિદરુણામેવ ભવતીમ્ |

વિરંચિપ્રેયસ્યાસ્તરુણતરશંૃગારલહરીમ્

ગભીરાભિર્વાગ્મિર્વિદધતિ સભારંજનમયીમ્ ||’

‘તું કવિવરોના ચિત્તની કમલવનમાલાની કિરણલેખા છે. જેઓ થોડીક પણ તારી ઉપાસના કરે છે તેઓ જ ગંભીર વાણી દ્વારા સરસ્વતીની સુકોમલ સભારંજની શંૃગારલહરીને પ્રગટ કરી શકે છે. મને એ કવિચિત્તના કમલવનની કિરણલેખાનો અનુભવ થયો છે.’

શ્રીશે કહ્યું: ‘મને પણ થોડા દિવસથી જરાતરા અનુભવ થવા માંડ્યો છે—ત્યારથી મારામાં કવિત્વ સહજ બની ગયું છે.’

એટલામાં અક્ષય આવી પહોંચ્યો, ને મનનો બળાપો કાઢવા લાગ્યો: ‘આ બે નવયુવકો હવે મને મારા ઓરડામાં ટકવા દે એવું નથી લાગતું. એક જણ ચોરની પેઠે મારા ઓરડામાં ઘૂસીને કંઈ શોધવા ફાંફાં મારતો હતો.—પકડાઈ જતાં સીધો જવાબ પણ આપી શક્યો નહિ—છેવટે મને લઈ પડ્યો. એ ગયો કે થોડીવારમાં બીજો આવીને ઓરડાની ચોપડીઓ ઊંચીનીચી કરવા ને જોવા મંડી પડ્યો. એને જોયો કે અહીં ભાગી આવ્યો છું. મનપસંદ કાગળ લખવો છે પણ આ લોકો ક્યાં લખવા દે છે? આહ! શું સરસ ચાંદની ખીલી છે!’

શ્રીશે કહ્યું: ‘ઓહો અક્ષયબાબુ!’

અક્ષય કહ્યું: ‘આ બાપ! એક ચોર ઘરમાં ઘૂસ્યો છે, ને બીજો ગલીના નાકે ઊભો છે. હે પ્રિયા! તારું ધ્યાન ધરતી વખતે જે લોકો મારા મનમાં વિક્ષેપ નાખી રહ્યા છે તેઓ મેનકા, ઉર્વશી કે રંભા હોત તો મને જરાયે ખેદ ન થાત—મનપસંદ ધ્યાનભંગ પણ આ અક્ષયના નસીબમાં નથી—કલિકાળમાં ઇંદ્રદેવ પણ, ઉંમર બહુ વધી જવાથી અરસિક બની ગયા લાગે છે!’

એટલામાં વિપિને આવી પહોંચી કહ્યું: ‘ઓહ અક્ષયબાબુ! તમે અહીં છો? હું તમને જ ખોળતો હતો!’

 અક્ષયે કહ્યું: ‘અરે નસીબ! આવી રાત શું મને ખોળતા ફરવા માટે નિર્માણ થઈ છે!’

‘In such a night as this,

When the sweet wind did gently kiss the trees 

And they did make no noise, in such a night.

Troilus methinks mounted the Troyan walls. 

And sighed his sonl toward the Grecian tents.

Where Cressid lay that night.’

શ્રીશે કહ્યું: ‘in such a night તમે શું કરવા બહાર નીકળ્યા છો, અક્ષયબાબુ?’

રસિકે કહ્યું:–

‘અપસરતિ ન ચક્ષુષો મૃગાક્ષી

રજનિરયં ચ ન યાતિ નૈતિ નિદ્રા |’

‘મૃગાક્ષીનું મૃદુ ચિત્ર આંખથી હટતું નથી,

રજની ના થતી પૂરી, નિદ્રાયે આવતી નથી!

‘અક્ષયબાબુની દશાની મને ખબર છે, મશાય!’

અક્ષયે કહ્યું: ‘તમે કોણ છો?’

અક્ષયે કહ્યું: ‘હું રસિકચંદ્ર છું—બે તરફ બે યુવકોનો ટેકો લઈ યૌવાનસાગરમાં તરી રહ્યો છું.’

અક્ષયે કહ્યું: ‘આ ઉંમર યૌવન સહ્ય નહિ થાય, રસિકદાદા!’

રસિકે કહ્યું: ‘તો યૌવન કઈ ઉંમર સહ્ય હોય છે? એ સદા અસહ્ય હોય છે. શ્રીશબાબુ! તમને કેમ લાગે છે?’

શ્રીશે કહ્યું: ‘હજી પૂરો ખ્યાલ આવ્યો નથી.’

રસિકે કહ્યું: ‘મારી પેઠે પરિણત વયની રાહ જોતા લાગો છો! અક્ષયદા, આજ તમે ખૂબ બેચેન માલૂમ પડો છો!’

અક્ષયે કહ્યું: ‘તમને તો માલૂમ પડે જ ને! કારણ કે આજે મારું મન પૂરેપૂરું તમારી વાતમાં નથી! વિપિનબાબુ, તમે મને ખોળતા હતા પણ મારું તમારે કંઈ તાકીદનું કામ હોય એવું લાગતું નથી, એટલે હવે હું જાઉં છું, મારે જરા ખાસ કામ છે.’

આમ કહી અક્ષય ગયો.

રસિકે કહ્યું: ‘વિરહી કાગળ લખવા સિધાવ્યો!’

શ્રીશે કહ્યું: ‘અક્ષયબાબુ બહુ મજાના માણસ છે. રસિકબાબુ, એમની સ્ત્રી બધી બહેનોમાં મોટી, ખરું ને? એમનું નામ?’

રસિકે કહ્યું: ‘પુરબાલા.’

વિપિને પાસે આવી પૂછ્યું: ‘શું નામ કહ્યું?’

રસિકે કહ્યું: ‘પુરબાલા.’

વિપિને કહ્યું: ‘એ સૌમાં મોટાં, ખરું ને?’

રસિકે કહ્યું: ‘હા.’

વિપિને કહ્યું: ‘અને સૌથી નાનીનું નામ?’

રસિકે કહ્યું: ‘નીરબાલા.’

શ્રીશે કહ્યું: ‘ અને નૃપબાલા કોણ?’

રસિકે કહ્યું: ‘નીરબાલાથી મોટી તે નૃપબાલા.’

શ્રીશે કહ્યું: ‘ત્યારે તો નૃપબાલા મોટી!’

રસિકે કહ્યું: ‘અને નીરબાલા છોટી!’

શ્રીશે કહ્યું: ‘પુરબાલાથી નાની નૃપબાલા.’

વિપિને કહ્યું: ‘એનાથી નાની નીરબાલા!’

રસિક મનમાં બોલ્યો: ‘આમણે તો નામજપ શરૂ કર્યો. હું ફસાયો. હવે વધારે ઠંડી સહન નહિ થાય, અહીંથી ભાગવાનું કરું.’

એટલામાં વનમાળી આવી પહોંચ્યો. વનમાળીએ કહ્યું: ‘ઓહો! તમે બંને અહીં છો! હું તમારે ઘેર ગયો હતો.’

શ્રીશે કહ્યું: ‘હવે તમે અહીં રહો, અમે ઘેર જઈએ!’

વનમાળીએ કહ્યું: ‘જ્યારે જુઓ ત્યારે તમે લોકો બહુ કામમાં હો છો.’

વિપિને કહ્યું: ‘તમે અમને નવરા કદી નહિ જુઓ—અમે હમેશાં જરા ખાસ કામમાં જ હોઈએ છીએ.’

વનમાળીએ કહ્યું: ‘પાંચ મિનિટ તો ઊભા રહો!’

શ્રીશે કહ્યું: ‘રસિકબાબુ, ઠંઠી જરા વધારે નથી લાગતી?’

રસિકે કહ્યું: ‘તમને અત્યારે લાગી, પણ મને તો ક્યારનીયે લાગે છે!’

વનમાળીએ કહ્યું: ‘ચાલો, ત્યારે ઘેર જ ચાલોને!’

શ્રીશે કહ્યું: ‘પણ આટલી રાતે જો તમે મારા ઘરમાં પગ દીધો તો—’

વનમાળી કહ્યું: ‘જી, તમે લોકો અત્યારે બહુ કામમાં લાગો છો, એટલે ફરી કોક વખત આવીશ.’

License

ચિરકુમારસભા Copyright © by રવીદ્રનાથ ટાગોર and અનુવાદઃ રમણલાલ સોની. All Rights Reserved.