૧૪

નિર્મલા ઝરુખામાં બેઠી હતી. એવામાં ચંદ્રમાધવબાબુ ઓરડામાં આવ્યા. ચંદ્રબાબુ એકલા એકલા ગણગણતા હતા: ‘બિચારી નિર્મલાએ ભારે કઠણ પ્રતિજ્ઞા લીધી છે. કેટલાક દિવસથી એ મને ઊંડા વિચારમાં ડૂબી ગયેલી દેખાય છે. છોકરીની જાત, મન ઉપર આટલો બધો બોજો કેવી રીતે સહી શકશે?’

એમણે બૂમ મારી નિર્મલાને બોલાવી: ‘નિર્મલ!’

નિર્મલાએ ચમકીને કહ્યું: ‘શું છે, મામા!’

ચંદ્રબાબુએ કહ્યું: ‘પેલો લેખ લખવાનો છે એના વિચારમાં પડી લાગે છે? મને તો લાગે છે કે વધારે વિચાર કરવો છોડી દઈ મનને એક-બે દિવસ આરામ આપે તો લખવાનું ઠીક સૂઝશે.’

નિર્મલાએ શરમાઈને કહ્યું: ‘હું એવા કોઈ વિચારમાં નથી પડી, મામા! અત્યાર પહેલાં તો મારે એ લેખ લખવાનું શરૂ કરી દેવું જોઈતું હતું. પરંતુ આ થોડા દિવસથી તાપ ખૂબ પડે છે ને દખણાદો વાયરો વાવા માંડ્યો છે, તેથી કેમે કામમાં મન લાગતું નથી.—પણ એ મારી ભૂલ છે, આજે હું ગમે તેમ કરીને—’

ચંદ્રબાબુએ કહ્યું: ‘ના, ના, મન પર એવો જુલમ કરવાની જરૂર નથી. મને લાગે છે કે ઘરમાં કોઈ મદદગાર નથી, તેથી એકલાં કામ કરતાં તું થાકી જાય છે. કામમાં જો એક-બે જણની સોબત અને મદદ ન હોય તો—’

નિર્મલાએ કહ્યું: ‘અબલાકાન્તબાબુએ મને કંઈક મદદ કરવાનું કહ્યું છે,—મેં તેમને માંદાની માવજત વિષેની પેલી અંગ્રેજી ચોપડી આપી છે, તેઓ એકાદ પ્રકરણ આજે લખી મોકલવાના છે. એમનું લખાણ કદાચ હમણાં આવી પહોંચે, તેથી હું એની રાહ જોતી બેઠી છું.’

ચંદ્રબાબુએ કહ્યું: ‘એ છોકરો બહુ સરસ—’

નિર્મલાએ કહ્યું: ‘ખૂબ જ સરસ—’

ચંદ્રબાબુએ કહ્યું: ‘અભ્યાસ પર આટલો પ્રેમ, આટલી કર્તવ્યપરાયણતા—’

નિર્મલાએ કહ્યું: ‘અને આવો સુંદર નમ્ર સ્વભાવ!’

ચંદ્રબાબુએ કહ્યું: ‘દરેકે દરેક સારી બાબતમાં એનો ઉત્સાહ જોઈ હું નવાઈ પામી ગયો છું!’

નિર્મલાએ કહ્યું: ‘વળી એમને જોતાં જ, એમના મનનું માધુર્ય મોં પર અને ચહેરા પર કેવું સ્પષ્ટ દેખાઈ આવે છે!’

ચંદ્રબાબુએ કહ્યું: ‘આટલા થોડા વખતમાં કોઈના તરફ આવી ઊંડી લાગણી પેદા થતી હશે એવો મને ખ્યાલ નહોતો. મને થાય છે કે એ છોકરાને મારી પાસે રાખી એના લેખન-વાચનમાં અને તમામ કામમાં એને મદદ કરું.’

નિર્મલાએ કહ્યું: ‘તો મને પણ ઘણો ફાયદો થાય, હું ઘણાં કામ કરી શકું! ઠીક, એક વખત એવી વાત તો કાને નાખી જુઓ! આ નોકર આવ્યો! એમણે જ મોકલ્યો લાગે છે. રામદીન, કાગળ છે? અહીં લાવ.’

નોકર પ્રવેશ કરી ચંદ્રબાબુના હાથમાં કાગળ મૂક્યો.

નિર્મલાએ કહ્યું: ‘મામા, એ તો મારા પર મોકલેલો લેખ છે. લાવો, મને આપો!’

ચંદબાબુએ કહ્યું: ‘ના, નિર્મલ! આ તો મારા પર કાગળ છે.’

નિર્મલાએ કહ્યુ: ‘તમારા પર કાગળ? અબલાકાન્તબાબુએ તમને કાગળ લખ્યો છે? શું લખ્યું છે?’

ચંદ્રબાબુએ કહ્યું: ‘અબલાકાન્તબાબુનો નહિ, પૂર્ણનો કાગળ છે.’

નિર્મલાએ કહ્યું: ‘પૂર્ણબાબુનો કાગળ છે? ઓહ!’

ચંદ્રબાબુએ કહ્યું: ‘પૂર્ણ લખે છે—

‘ગુરુદેવ,

‘આપનું ચરિત્ર મહાન છે. આપનું મનોબળ અસાધારણ છે. આપના જેવો બલવાન પ્રકૃતિનો માણસ જ માણસની દુર્બળતા તરફ ક્ષમાની નજરે જોઈ શકે. એમ સમજીને અત્યારે હું આ કાગળ તમને લખવાની હિંમત કરું છું.’

નિર્મલાએ કહ્યું: ‘શું થયું છે તે? મને લાગે છે કે પૂર્ણબાબુને ચિરકુમારસભામાંથી નીકળી જવું છે તેથી આવી ભૂમિકા બાંધે છે. તમે જોયું તો હશે કે પૂર્ણબાબુ આજકાલ કુમારસભાનું કંઈ પણ કામ મન દઈને કરી શકતા નથી.’

ચંદ્રબાબુએ વાંચવા માંડ્યું:

‘દેવ,

‘આપે અમારી આગળ જે આદર્શ રજૂ કર્યો છે તે અતિ ઉચ્ચ છે; આપે જે ધ્યેયની અમારાં મસ્તકમાં સ્થાપના કરી છે તેનો ભાર જેવો તેવો નથી.—એ આદર્શ અને એ ઉદ્દેશ તરફ મારો ભક્તિભાવ એક પળ કદી ઓછો થયો નથી, પરંતુ કોઈ કોઈ વખત મારામાં શક્તિના અભાવનો મેં અનુભવ કર્યો છે. એ હકીકતનો હું આજે આપના શ્રીચરણમાં સવિનય સ્વીકાર કરું છું.’

નિર્મલાએ કહ્યું: ‘મને લાગે છે કે દરેક મોટા કામમાં આવું બને છે—માણસ ઘણી વખત પોતાની અશક્તિનો અનુભવ થતાં હતાશ બની જાય છે, થાકેલું મન કોઈ વખત વિચલિત બની જાય છે. પરંતુ હમેશાં એ ભાવ થોડો જ રહે છે?’

ચંદ્રબાબુએ વાંચવા માંડ્યું:

‘સભામાંથી ઘેર આવીને કામને હાથમાં લેવાનું કરું છું ત્યારે એકદમ એકલવાયું લાગે છે, અને ઉત્સાહ જાણે કપાયેલી લતાની પેઠે ધૂળભેગો થવા ચાહે છે.’

આ વાંચીને ચંદ્રબાબુએ કહ્યું: ‘નિર્મલ, આપણે પણ થોડી વાર પહેલાં આવું જ કહેતાં હતાં, નહિ?’

નિર્મલાએ કહ્યું: ‘પૂર્ણબાબુની વાત સાચી છે—માણસના સંગ વગર કેવળ સંકલ્પોથી ઉત્સાહ ટકાવી રાખવાનું મુશ્કેલ છે.’

ચંદ્રબાબુએ વાંચવા માંડ્યું:

‘ધૃષ્ટતા કરવા બદલ મને માફ કરજો, પરંતુ લાંબો વિચાર કર્યા પછી મેં એવું નક્કી કર્યું છે કે કૌમાર્યવ્રત સાધારણ માણસો માટે નથી, —એનાથી બળ આવતું નથી, પણ જતું રહે છે. સ્ત્રી ને પુરુષ એકબીજાના જમણા હાથ રૂપ છે—બંને મળે તો જ તેઓ સંસારના સકળ કામમાં ઉપયોગી થઈ શકે છે!’

પછી ચંદ્રબાબુએ કહ્યું: ‘તને કેમ લાગે છે, નિર્મલ?’

નિર્મલા કંઈ બોલી નહિ.

ચંદ્રબાબુએ કહ્યું: ‘અક્ષયબાબુ પણ આ વિશે પેલે દિવસ મારી સાથે ચર્ચા કરતા હતા, અને તેમની ઘણી દલીલોનો હું કંઈ જવાબ જ દઈ શક્યો નહોતો.’

નિર્મલાએ કહ્યું: ‘બનવાજોગ છે. આ શબ્દોમાં પણ ઘણું સત્ય સમાયેલું લાગે છે.’

ચંદ્રબાબુએ વાંચતા માંડ્યું:

‘ગૃહસ્થના સંતાનને સંન્યાસધર્મમાં દીક્ષિત કરવાનો બદલે એને ગૃહસ્થાશ્રમના ઉન્નત આદર્શમાં બાંધવો એ મને તો સૌથી મોટું કર્તવ્ય લાગે છે.’

નિર્મલાએ કહ્યું: ‘પૂર્ણબાબુના આ શબ્દો મને બહુ ગમ્યા.’

ચંદ્રબાબુએ કહ્યું: ‘હું પણ કેટલાક દિવસથી કૌમાર્યવ્રતની પ્રતિજ્ઞાનો નિયમ કાઢી નાખવાનો વિચાર કરી કહ્યો છું.’

નિર્મલાએ કહ્યું: ‘મને પણ લાગે છે કે એ નિયમ કાઢી નાખવામાં કંઈ નુકસાન નથી, મામા! બીજાઓ શું વાંધો ઉઠાવશે?

અબલાકાન્તબાબુ, શ્રીશબાબુ—’

ચંદ્રબાબુએ કહ્યું: ‘વાંધો ઉઠાવવાનું કોઈ કારણ નથી.’

નિર્મલાએ કહ્યું: ‘તેમ છતાં એક વખત એમને સૌને પૂછી જોવું જોઈએ.’

ચંદ્રબાબુએ કહ્યું: ‘પૂછ્યા વગર ક્યાં ચાલવાનું છે?’

પછી એમને આગળ વાંચવા માંડ્યું:

‘અહીં સુધી તો બહુ સહેલાઈથી લખા શક્યો, પણ હવે લખતાં કલમ ઊપડતી નથી.’

નિર્મલાએ કહ્યું: ‘મામા, પૂર્ણબાબુએ હવે કંઈ છૂપી વાત લખી લાગે છે, તમે મનમાં જ વાંચી લોને!’

ચંદ્રબાબુએ કહ્યું: ‘ખરું કહ્યું!’

ચંદ્રબાબુએ કાગળ મનમાં વાંચી લીધો; પછી તે બોલ્યા: ‘નવાઈની વાત! તો શું હું બધી બાબતમાં આંધળો છું? આટલા દિવસ મને કશી જ સમજ ન પડી. નિર્મલ, પૂર્ણબાબુની રીત-ભાત તને કોઈ વખત—’

નિર્મલાએ કહ્યું: ‘હા, પૂર્ણબાબુની રીતભાત મને કોઈ કોઈ વખત બિલકુલ મૂરખના જેવી લાગતી!’

ચંદ્રબાબુએ કહ્યું: ‘તેમ છતાં પૂર્ણબાબુ ખૂબ બુદ્ધિશાળી છે એ વિશે શંકા નથી. તો તને ખુલ્લા શબ્દોમાં જ પૂછી લઉં—પૂર્ણબાબુએ લગ્નની દરખાસ્ત મોકલી છે—’

નિર્મલાએ કહ્યું: ‘તમે કંઈ એમના વાલી નથી—તમારી આગળ દરખાસ્ત—’

ચંદ્રબાબુએ કહ્યું: ‘એમનો નહિ, પણ તારો વાલી છું ને!—આ વાંચી જો!’

કાગળ વાંચતાં નિર્મલાનું મોં લાલ થઈ ગયું. તેણે કહ્યું: ‘આ નહિ બની શકે.’

ચંદ્રબાબુએ કહ્યું: ‘હું એને શું કહું?’

નિર્મલાએ કહ્યું: ‘કહો કે કોઈ હિસાબે નહિ બની શકે.’

ચંદ્રબાબુએ કહ્યું: ‘એમ કેમ કહે છે, નિર્મલ! હમણાં તો તું કહેતી હતી કે કૌમાર્યવ્રતનો નિયમ કુમારસભામાંથી કાઢી નાખવામાં તારી સંમતિ છે.’

નિર્મલાએ કહ્યું: ‘એટલે જે માગું કરતો આવે તેને—’

ચંદ્રબાબુએ કહ્યું: ‘પૂર્ણબાબુ કંઈ જે તે ન ગણાય—આવો સરસ છોકરો—’

નિર્મલાએ કહ્યું: ‘મામા, તમે આવી બધી બાબતોમાં કશું જ સમજતા નથી. એટલે હું તમને કેવી રીતે સમજાવી શકું? મારે કામ છે, જાઉં છું.’

જતાં જતાં ચંદ્રબાબુના ગજવામાં કંઈ કાગળ જેવું જોઈ એ ઊભી રહી, ને બોલી: ‘મામા, તમારા ગજવામાં પેલું શું છે?’

ચંદ્રબાબુ જરા ચમક્યા. તેમણે કહ્યું: ‘હા, હા, ભૂલી ગયો હતો—કોઈ આજે સવારે તારા નામનો આ કાગળ મને આપી ગયું છે.—’

નિર્મલાએ એકદમ કાગળ હાથમાં લઈને કહ્યું: ‘જોયું, મામા! તમે કેવી ભૂલ કરી તે! અબલાકાન્તબાબુનો લેખ સવારનો આવી ગયો છે, પણ તમે મને આપ્યો નહિ! મારા મનથી કે તેઓ ભૂલી ગયા હશે—મોટી ભૂલ થઈ!’

ચંદ્રબાબુએ કહ્યું: ‘ભૂલ તો ખરી! પરંતુ આના કરતાંયે ઘણી મોટી ભૂલો હું દરરોજ કરું છું, નિર્મલ! અને તું મને દરરોજ હસી હસીને માફ કરે છે એટલે મારી બેદરકારી વધતી જાય છે.’

નિર્મલાએ કહ્યું: ‘નહિ, તમારી ભૂલ નથી થઈ—મેં જ અબલાકાન્તબાબુને દોષ દઈ મનથી એમને અન્યાય કર્યો છે. મારા મનથી કે—આ રસિકબાબુ આવ્યા! આવો રસિકાબાબુ, મામા અહીં જ છે.’

રસિકે પ્રવેશ કર્યો.

ચંદ્રબાબુએ કહ્યું: ‘રસિકબાબુ આવ્યા! સારું થયું થયું!’

રસિકે કહ્યું: ‘મારા આવવાથી જ જો સારું થતું હોય, ચંદ્રબાબુ! તો જગતમાં સારાની ખોટ નહિ પડે. તમે કહેશો ત્યારે આવીને ઊભો રહીશ, ના કહેશો તોયે આવીશ.’

ચંદ્રબાબુએ કહ્યું: ‘ચિરકુમારસભામાંથી કૌમાર્યવ્રતનો નિયમ કાઢી નાખવાનો અમે વિચાર કરીએ છીએ—તમારી શી સલાહ છે?’

રસિકે કહ્યું: ‘હું બિલકુલ નિ:સ્વાર્થભાવે સલાહ આપી શકું તેમ છું—કારણ કે એ નિયમ રાખો કે કાઢી નાખો, મારે મન બધું સરખું છે. પણ મારી સલાહ પૂછો છો એટલે કહું છું કે નિયમ કાઢી નાખો, નહિ તો કોઈ વખત નિયમ પોતે જ નીકળી જશે. એક વખત અમારા ફળિયાનો રામહરિ દારૂડિયો રસ્તાની વચમાં આવી બરાડા પાડી પાડીને સૌને કહેતો; ‘સાંભળો બધા, સાંભળો બધા! મેં અહીં જ પડવાનું નક્કી કર્યું છે!” નક્કી ન કર્યું હોત તોયે એ પડવાનો જ હતો, એટલે નક્કી કરવામાં જ એને લાભ હતો.’

ચંદ્રબાબુએ કહ્યું: ‘તમારી વાત ખરી છે, રસિકબાબુ! જે ચીજ ધક્કો મારીને આવવાની હોય તેને ધક્કો મારવાની તક દેવા કરતાં, એમ ને એમ આવવા દેવી સારી. આ રવિવાર પહેલાં જ હું આ વાત સૌની આગળ રજૂ કરવા માગું છું.’

રસિકે કહ્યું: ‘ભલે, શુક્રવારે સાંજે તમે બન્ને અમારે ત્યાં આવજો, હું સૌને ખબર આપી આવીશ.’

ચંદ્રબાબુએ કહ્યું: ‘રસિકબાબુ! તમને જો વખત હોય તો આપણા દેશની ગાયોની સુધારણા વિશે એક લેખ તમે—’

રસિકે કહ્યું છે: ‘વિષય એવો છે કે સાંભળીને ખૂબ મન થઈ આવે છે, પણ વખત ઘણો—’

નિર્મલાએ કહ્યું: ‘નહિ, રસિકબાબુ! તમે જરા પેલા ઓરડામાં આવો તો! મારે તમારી સાથે ખૂબ વાત કરવાની છે. મામા, એટલી વારમાં તમે તમારો લેખ પૂરો કરી નાખો. અમે હોઈશું તો તમને વિક્ષેપ થશે.’

રસિકે કહ્યું: ‘ઠીક, તો ચાલો!’

નિર્મલાએ જતાં જતાં કહ્યું: ‘અબલાકાન્તબાબુએ એમનો પેલો લેખ મારા પર મોકલી આપ્યો છે—મારી વિનંતિ તેમણે સ્વીકારી એ બદલ મારી વતી તમે એમનો આભાર માનજો.’

રસિકે કહ્યું: ‘આભારની એમણે રાહ નથી જોઈ. તમારું કામ કરવામાં તેઓ કૃતાર્થતા સમજે છે.’

License

ચિરકુમારસભા Copyright © by રવીદ્રનાથ ટાગોર and અનુવાદઃ રમણલાલ સોની. All Rights Reserved.