લેખક-પરિચય : રમણલાલ સોની (જ. 25.1.1908 – અવ. 20.9.2006)
ગુજરાતી ભાષાના એ એક સુખ્યાત બાળ-સાહિત્યકાર અને એક સમર્થ અનુવાદક હતા.
સતત ૭ દાયકાથી પણ વધારે વર્ષો સુધી એમણે સહજ, સરળ, કલ્પનાશીલ અને વિસ્મયસભર બાળ-કવિતા-વાર્તા અને ટૂંકાં નાટકોનાં અનેક પુસ્તકો લખ્યાં; ‘વિશ્વની લોકકથાઓ’ જેવાં સરળ ભાવાનુવાદવાળાં સંકલનો કરી આપ્યાં અને ‘ગુરુદેવ રવીદ્રનાથ‘ જેવાં પ્રેરક ને રસપ્રદ ચરિત્રો લખ્યાં. એમની સર્જકતાએ ઘણી પેઢીઓનાં બાળ-કિશોરોની રસવૃત્તિને પોષણ આપ્યું.
અનુવાદક તરીકે પણ એમની એવી જ દીર્ઘ સાધના રહી. ઉત્તમ બંગાળી લેખકો શરદબાબુ અને રવીદ્રનાથનાં અનેક વાર્તા-નવલકથાઓનાં પુસ્તકોના, મૂળને અનુસરતા ને છતાં ગુજરાતીમાં જ લખાયા હોય એવા સહજ-પ્રવાહી અનુવાદોથી એમણે અનેક વાચકોને ઉત્તમ ને રસાળ અનુવાદો સંપડાવ્યા. અંગ્રેજીમાંથી શેરલોક હોમ્સની જાણીતી ડિટેક્ટીવ વાર્તાઓના (10 પુસ્તકોમાં) એવા જ સહજ-રસાળ અનુવાદો પણ એમણે આપ્યા.
મોડાસાના વતની આ લેખકની શરૂઆતની કારકિર્દી શિક્ષક તરીકેની રહી. આઝાદીની લડતમાં સંકળાયા પછી એ જીવનપર્યંત સમાજહિતનાં કાર્યોમાં ને લેખન-અનુવાદની સાધનામાં રત રહ્યા. જૈફ વયે એમને મળેલો રણજિતરામ સુવર્ણચંદ્રક એમનાથી ધન્ય થયો.
– રમણ સોની
કૃતિ-પરિચય : ચિરકુમાર સભા (અનુવાદ 1988)
રવીદ્રનાથની, હાસ્ય-કટાક્ષકેદ્રી બંગાળી નવલકથા ચિરકુમાર સભાનો આ એવો જ અસરકારક અનુવાદ છે. હાસ્ય-વિનોદની કથાનો અનુવાદ કરવાનું કામ કપરું હોય છે કેમ કે એમાં ભાષાના કાકુઓ અને મર્મો વધારે ઝીણવટથી પકડવાના હોય છે. રમણલાલ સોનીએ એ કામ એવા જ કૌશલથી કર્યું છે.
ચિરકુમાર સભા એ બ્રહ્મચર્ય-પાલન કરીને ને એમ લગ્ન-પરંપરાનો અસ્વીકાર કરીને દેશસેવા કરવા કટિબદ્ધ થયેલા નવયુવકોનું મંડળ છે. અવારનવાર સભાઓ યોજીને પોતાના વિચારોને દૃઢ કરવાનો એમનો સંકલ્પ છે. પરંતુ એ સંકલ્પ ધીમેધીમે તૂટતો જાય છે, ને છેવટે બધા જ યુવકો સમવયસ્ક યુવતીઓથી આકર્ષાતા ને લગ્નબદ્ધ થઈને સભા-ત્યાગ કરતા જાય છે! એની ખૂબ જ કુનેહપૂર્વકના ઠઠ્ઠાથી આ હાસ્યકથા રવીદ્રનાથે રચી છે. બ્રહ્મચર્યના એ વખતે જાણીતા થયેલા વ્રત પરનો લેખકનો કટાક્ષ પણ અછતો રહેતો નથી. આ નવલકથા પરથી બંગાળીમાં નાટક અને ફિલ્મ પણ બનેલાં.
નવલકથાનો હાસ્યરસ ખુલ્લા-મુખર હાસ્યથી લઈને માર્મિક-સાહિત્યિક નર્મના ઊંડાણ સુધી પહોંચતો રુચિર હાસ્યરસ છે. ખૂબ મરમાળો, વિદ્વાન અને શીઘ્ર કવિતા રચી લેતો એનો નાયક અક્ષય અને એની ત્રણે કુંવારી અને રુચિસંપન્ન સાળીઓ ચિરકુમાર સભામાં કેવું છીંડું પાડે છે એની કૌશલવાળી, સતત વિનોદમય રહેતી આ રસપ્રદ કથા વાંચવી શરૂ કર્યા પછી પૂરી કર્યેે જ છોડે એવી છે.
તો પ્રવેશો….
– રમણ સોની