અનુવાદક તરફથી

‘ચિરકુમારસભા’ કવિવર રવીન્દ્રનાથના ગ્રંથોમાં અનોખી જ ભાત પાડે છે. તે કૌતુકની રસભરી નવલકથા છે અને શ્રેષ્ઠ નાટકનાં ઉત્તમ તત્ત્વો પણ તેમાં છે. તેમાં પાને પાને નિર્મળ હાસ્યના તરંગો ઊછળ્યા જ કરે છે, અને સંવેદનશીલ વાચક પ્રસન્નતાપૂર્વક એ તરંગો પર સહેલ માણે છે. છેલ્લે વાર્તા જ્યારે પૂરી થાય છે ત્યારે તેના પણ મુખમાંથી ભરતવાક્ય નીકળી પડે છે કે ‘સર્વ કામાનવાપ્નોતુ સર્વ: સર્વત્ર નન્દતુ!’

આ અનુવાદ સદ્ગત મુરબ્બી શ્રી રામનારાયણભાઈ પાઠકને અર્પણ કરવામાં આવેલો છે. પહેલી આવૃત્તિ વખતે તેઓશ્રીએ આ પુસ્તક વાંચીને ‘ચિરકુમારસભા’ની જ શૈલીમાં મને એક લાંબો પત્ર લખેલો, જેમાં તેમણે નિર્મળ ભાવે પોતાની પણ ઠેકડી ઉડાવેલી. કમનસીબે એ પત્ર ટપાલમાં જ ગુમ થઈ ગયો. નહિ તો, મને ખાતરી છે કે ગુજરાતી પત્રસાહિત્યમાં એ પત્ર એક કીમતી ઉમેરારૂપ બન્યો હોત. આજે શ્રી પાઠકસાાહેબ હયાત નથી, પણ તેમના મધુર સ્વભાવની સ્મૃતિઓ હૃદયને ભરી રહે છે. એ મધુર સ્મૃતિઓને આ ગ્રંથ ફરી અર્પણ કરું છું. 

આ વખતે છપાવતી વખતે આખોયે અનુવાદ મૂળ સાથે મેળવીને નવેસરથી તૈયાર કર્યો છે.

રમણલાલ સોની

૨૩ એ, સર્વોદયનગર-૧,  સોલારોડ, અમદાવાદ-૬૧

તા. ૨૫-૧-૧૯૮૮

License

ચિરકુમારસભા Copyright © by રવીદ્રનાથ ટાગોર and અનુવાદઃ રમણલાલ સોની. All Rights Reserved.