નૃપબાલાએ કહ્યું: ‘નીરુ, આજકાલ તું કોઈ કોઈ વખત કેમ આવી ગંભીર બની જાય છે, કહે તો!’

નીરબાલાએ કહ્યું: ‘તો શું આપણા ઘરના બધા ગાંભીર્યની તું એકલી માલિક છે? મને ફાવે ત્યારે હું ગંભીર થવાની.’

નૃપબાલાએ કહ્યું: ‘તું શું વિચાર કરે છે તેની મને ખબર છે.

નીરબાલાએ કહ્યું: ‘તારે એવી પારકી ચિંતા કરવાની શી જરૂર, ભાઈ! અત્યારે તો તારે પોતાની જ ચિંતા કરવાનો વખત છે.’

નૃપ નીરુના ગળે વળગી પડી બોલી: ‘તને થાય છે કે મા રે મા! અમે ભારરૂપ છીએ શું? અમને ઠેકાણે પાડવામાં પણ આટલી મુસીબતો! આટલી ચિન્તા!

નીરબાલાએ કહ્યું: ‘તે બહેન, આપણે કંઈ એવી નાખી દેવાની ચીજ નથી કે હાથમાંથી છોડી દીધી કે પત્યું. આપણે માટે આટલી દોડદોડ થઈ રહી છે એ તો ગૌરવની વાત છે. ‘કુમારસંભવ’-માં વાંચ્યું હતું તે ભૂલી ગઈ?—ગૌરીનાં લગ્ન વાસ્તે એક આખો દેવતા બળીને ભસ્મ થઈ ગયો હતો! આપણી વાત જો કોઈ કવિના કાને પહોંચે તો એ આપણા વિવાહનું એક મહાકાવ્ય લખી નાખે!’

નૃપબાલાએ કહ્યું: ‘ના, બહેન, મને તો બહુ શરમાવા જેવું લાગે છે.’

નીરબાલાએ કહ્યું: ‘અને મને નથી લાગતું એમ તું ધારે છે? હું શું બેશરમ છું? પણ શું થાય, કહે? પહેલે વરસે હું નિશાળમાં ઇનામ લેવા ગઈ ત્યારે મને શરમ આવતી હતી, પણ પાછી બીજે વરસે ઇનામ જીતવા વાસ્તે રાતરાતના ઉજાગરા કરીને હું વાંચવા બેસતી હતી. શરમ આવે, પણ ઇનામ જવા દેવાય નહિ—મારો આવો સ્વભાવ છે.’

નૃપબાલાએ કહ્યું: ‘હં નીરુ, આ વખતે જે ઇનામની વાત ચાલી રહી છે, તે ઇનામની તને શું બહુ અધીરાઈ છે?’

નીરબાલાએ કહ્યું: ‘કયું ઇનામ કહે છે? ચિરકુમારસભાના બે સભાસદો?’

નૃપબાલાએ કહ્યું: ‘ગમે તે હોય, તું ક્યાં નથી સમજતી?’

નીરબાલાએ કહ્યું: ‘જો, સાચું કહું?’

પછી નૃપને ડોકે વળગી પડીને તેણે તેના કાનમાં કહ્યું: ‘કહે છે કે કુમારસભાના એ બે સભાસદો પાકા ગોઠિયા છે—આપણે બંને બહેનો જો એ બે જણના હાથમાં પડીએ તો લગ્ન કરીનેય આપણે છૂટાં પડી જઈએ નહિ—નહિ તો કોઈ ક્યાં જાય, ને કોઈ ક્યાં જાય! એથી તો એ બે દેવતાઓને પ્રસન્ન કરવાની આટલી તૈયારી કરી છે. હાથ જોડીને મનમાં મનમાં કહું છું કે હે કુમારસભાના અશ્વિનીકુમારો! અમને બે બહેનોને એક ડીંટા પરનાં બે ફૂલની પેઠે તમે બંને ગ્રહણ કરો!’

છૂટા પડવાનો ઉલ્લેખ માત્ર સાંભળીને બે બહેનો એકબીજાને વળગી પડી. નૃપની તો આંખમાં આંસુ આવી ગયાં.

નૃપબાલાએ કહ્યું: ‘હં નીરુ, મેજદીદી છોડીને જવાનો જીવ કેમ ચાલશે? આપણે બે જતાં રહેશું, પછી એનું કોણ રહેશે?

નીરબાલાએ કહ્યું: ‘એનો મેં બહુ વિચાર કર્યો છે. આપણને રહેવા દે તો આપણે અહીંથી જઈએ જ નહિ! જેમ એમને પતિ નથી, તેમ આપણેય નહિ હોય તો શું બગડી જવાનું છે? મેજદીદીના કરતાં વધારે સુખની આપણને શી જરૂર છે?’

એટલામાં શૈલબાલાએ પુરુષ વેશમાં પ્રવેશ કર્યો.

નીરુએ મેજ ઉપર થાળમાં પડેલી એક ફૂલની માળા લઈને શૈલબાલાના ગળામાં પહેરાવી દીધી. પછી કહ્યું: ‘અમે બંને સ્વયંવરમાં તને અમારા પતિ તરીકે પસંદ કરીએ છીએ.’ આમ કહી તેણે શૈલબાલાને પ્રાણામ કર્યા.

શૈલબાલાએ કહ્યું: ‘આ વળી શું?’

નીરબાલાએ કહ્યું: ‘ગભરાશો નહિ, અમે બે શોકયો સામસામા તારા હાથપગ નહિ ખેંચીએ. અને ખેચીશું તો મેજદીદીનું મારી આગળ કશું ચાલવાનું નથી. હું એકલી એને પહોંચી વળીશ, તને જરા… યે તકલીફ નહિ પડવા દઉં. ના, ખરું કહું છું, મેજદીદી, તારી આગળ અમને જેવાં લાડપાન મળે છે એવાં બીજે ક્યાં મળવાનાં છે? તો પછી તું શું કરવા અમને પારકે ગળે વળગાડવાનું કરે છે?’

ફરી નૃપની આંખોમાંથી દડદડ આંસુ પડવા માંડ્યાં.

‘આ શું નૃપ! છિ!’ કહી શૈલે તેની આંખો લૂછી નાખી, પછી કહ્યું: ‘તમારું સુખ શામાં છે એની તમને ક્યાં ખબર છે! મારી સાથે રહેવામાં જો તમારું જીવન સાર્થક થતું હોત તો હું તમને કોઈ બીજાના હાથમાં દેવા તૈયાર થાત ખરી?’

ત્રણે જણ અશ્રુવૃષ્ટિ વરસાવવાની તૈયારીમાં હતાં એટલામાં રસિકદાદાએ આવીને બીતાં બીતાં કહ્યું: ‘બહેન, મારા જેવા અસભ્યને તમે લોકોએ સભ્ય તો બનાવ્યો,—પણ આજે અહીં સભા મળવાની છે માટે સભામાં મારે કેવી રીતે વર્તવું તે શિખવાડો.’

નીરુએ કહ્યું: ‘પાછી એની એ મજાક! પરમ દિવસથી શું આ સભ્યે અસભ્યની લમણાઝીક કરવા માંડી છે?’

રસિકે કહ્યું: ‘જેને જનમ આપીએ તેના પર માયા તો થાય ને? તો શું મશ્કરી મોંમાથી બહાર નીકળે કે તરત રાજપૂતની છોકરીની પેઠે એને ગળું ટૂંપીને મારી નાખવી, એમ? થયું છે શું? ચિરકુમારસભા જીવતી છે ત્યાં લગી આ મજાક તમારે દહાડામાં દશ વખત સાંભળવી પડવાની!’

નીરબાલાએ કહ્યું: ‘ત્યારે તો એ સભાને જલદી ખતમ કરી નાખવી જોઈએ, મેજદીદી! હવે દયામાયા નહિ ચાલે, રસિકદાદાની રસિકતાને જૂની થવા નહિ દેવાય. ચિરકુમારસભાના ચિરત્વને આપણે ઘડીકમાં ખતમ કરી નાખીએ તો જ આપણું વિશ્વવિજયિની નારી સાર્થક થશે. પણ હુમલો કેવી રીતે કરવાનો છે તેનો કંઈ પ્લાન નક્કી કર્યો છે?’

શૈલે કહ્યું: ‘જરાયે નહિ. રણક્ષેત્રમાં પગ દીધા પછી જ્યારે જે સૂઝે તે ખરું.’

નીરબાલાએ કહ્યું: ‘મારી જરૂર પડે ત્યારે રણશિંગુ ફૂંકજો, હું તરત હાજર થઈ જઈશ. હું શું એ કુમારસભાથી ડરું છું? સખી! મારી ભુજાડાંડલીમાં શું જોર નથી?’

એટલામાં અક્ષયે પ્રવેશ કરીને કહ્યું: ‘આજની આ સભામાં વિદુષીમંડળીને હું એક ઐતિહાસિક પ્રશ્ર પૂછવાની ઇચ્છા ધરાવું છું.’

શૈલે કહ્યું: ‘ખુશીથી પૂછો.’

અક્ષયે કહ્યું: ‘તો બોલો, જે બે ડાળ ઉપર પોતે ઊભો હતો તે જ બે ડાળ કાપવાનું કરનાર કોણ?’

નૃપે તરત જ જવાબ દીધો: ‘હું કહું, મુખુજ્જે મશાય? કાલિદાસ!’

અક્ષયે કહ્યું: ‘નહિ, એ એનાથીયે વધારે મોટો માણસ છે! એનું નામ શ્રી અક્ષયકુમાર મુખોપાધ્યાય.’

નીરબાલાએ કહ્યું: ‘બે ડાળ કઈ?’

અક્ષયે ડાબા પડખામાં નીરુને ખેંચીને કહ્યું: ‘એક આ. અને જમણા પડખામાં નૃપને ખેંચીને કહ્યું: ‘બીજી આ.’

નીરબાલાએ કહ્યું: ‘અને કુહાડો આજે આવવાનો છે એમ ને?’

અક્ષયે કહ્યું: ‘આવવાનો છે એમ નહિ, આવી ગયો છે એમ કહેવામાંયે જરાયે અતિશયોક્તિ નથી. સાંભળો, દાદર પર પગલાંનો ધબધબ અવાજ સંભળાય છે.’

એ સાંભળી સૌએ દોડદોડ કરી મૂકી. શૈલે દોડતી વખતે રસિકદાદાને ખેંચીને લઈ ગઈ. ચૂડી-બંગડીનો રણકાર અને નાસતા ચરણકમળનો વેગીલો અવાજ શમે એ પહેલાં તો શ્રીશ અને વિપિન આવી પહોંચ્યા. ઝમઝમ ઝમઝમ રણકાર દૂરનો દૂર થતો ગતો, અને ઓરડાની હવામાં ભળેલી અત્તર અને સુગંધીદાર તેલની મેદ સુગંધ, ખાલી પડેલા આસબાબમાં પોતાની જૂની પરિચિત વ્યક્તિઓને વ્યર્થ શોધવા લાગી ને નિસાસો નાખવા લાગી.

વિજ્ઞાનશાસ્ત્રમાં કહે છે કે શક્તિનો કદી નાશ થતો નથી, માત્ર રૂપાંતર થાય છે. ઓરડામાંથી એકદમ ત્રણે બહેનોના નાસી જવાથી હવામાં જે એક પ્રકારનું સુગંધમય આંદોલન પેદા થયું હતું, તે પહેલાં તો બંને કુમારોના સ્નાયુઓમાં એક ગૂઢ સ્પંદનરૂપે પ્રગટ થયું—અને પછી તરત એમના અંતરના ખૂણામાં ક્ષણ માટે કોઈ અનિર્વચનીય આનંદરૂપે પ્રગટ થયું—એની કોઈથી ના પડી શકાય તેમ નથી. પરંતુ સંસારમાં જ્યાંથી ઇતિહાસ શરૂ થાય છે ત્યાંથી તે લખાતો નથી, પણ ઘણાં પ્રકરણો પડતાં મૂકીને પછીથી તે લખવામાં આવે છે;—શરૂઆતનો સ્પર્શ, સ્પંદન, આંદોલન અને વીજળીના ચમકારા હમેશાં અપ્રત્યક્ષ જ રહે છે.

પરસ્પર નમસ્કારવિધિ થયા પછી અક્ષયે પૂછયું: ‘પૂર્ણબાબુ ન આવ્યા?’

શ્રીશે કહ્યું: ‘ચંદ્રબાબુને ઘેર એમનો ભેટો થયો હતો, પણ ઓચિંતાનું શરીર બગડી આવવાથી આજે તેઓ નથી આવ્યા.’

અક્ષયે રસ્તા ભણી નજર કરી કહ્યું: ‘જરા બેસો—હું ચંદ્રબાબુની રાહ જોતો બારણા આગળ ઊભો છું. તેમને જરા ઓછું દેખાય છે ખરું ને, એટલે ક્યાંને બદલે ક્યાં જતા રહે—કંઈ કહેવાય નહિ. વળી આટલામાં એવી જગા પણ છે જ્યાં કુમારસભાની બેઠક કોઈ હિસાબે મળવા દેવાય નહિ.’

આમ કહી અક્ષયે નીચે ઊતરી ગયો.

આજે ચંદ્રબાબુના ઓરડામાં નિર્મલાએ એકદમ દોડી આવીને ચિરકુમારસંઘના શાંત મનમાં ભારે મંથન જગાડ્યું હતું. એનો ઉશ્કેરાટ હજી પણ શ્રીશના મનમાં શમ્યો નહોતો. એ અપૂર્વ દૃશ્યે, એ અણધાર્યા વ્યાપારે, નિર્મલાના મુખની એ દીપ્તિએ, અને તેની વાણીમાં રહેલા ઊંડા આવેગે, અને વિસ્મિત અને એની વિચારધારાના સ્વાભાવિક પ્રવાહને વિક્ષિપ્ત કરી નાખ્યો હતો. એ બિલકુલ તૈયાર નહોતો, તેથી અકસ્માત આ આઘાત થતાં એ હલી ઊઠ્યો હતો. દલીલોની વચમાં એકાએક આવી જગાએથી, આવી રીતે, આવો જવાબ આવીને સામે ઊભો રહી શકે એવી એને સ્વપ્ને પણ કલ્પના નહોતી, તેથી તેને એ જવાબ ખૂબ જોરદાર માલૂમ પડ્યો હતો. ઉત્તરનો પ્રત્યુત્તર હોઈ શકે છે, પરંતુ આવેગથી કંપતા એ સોહામણા કંઠનો અને આંસુને છુપાવી રહેલી એ મોટી કાળી આંખોની તેજછટાનો જવાબ શું દઈ શકાય? પુરુષના માથામાં ફક્કડ ફક્કડ દલીલો હોઈ શકે છે, પણ જે લાલ હોઠ બોલતાં બોલતાં કંપવા માંડે છે અને જે કોમળ ગાલ જોતજોતામાં ભાવના આભાસથી લાલ બની જાય છે તેની સામે ખડું કરી શકાય એવું પુરુષની પાસે શું છે?’

રસ્તે આવતાં બેમાંથી કોઈ કંઈ જ બોલ્યું નહોતું. અહીં આવી ઓરડામાં પગ મૂકતાં જ જે શબ્દો સાંભળવા મળ્યા તે તરફ સામાન્ય દિવસે શ્રીશનું ધ્યાન ખેંચાત નહિ, પણ આજે એનાથી કશું છૂપું રહ્યું નહિ. પોતાના આવતા પહેલાં અહીં સ્ત્રીઓની હાજરી હતી તેવું તે અંદર પગ દેતાં જ સમજી ગયો.

અક્ષયના ગયા પછી શ્રીશે ઓરડાની બરાબર પરીક્ષા કરી જોઈ. મેજ ઉપર ફૂલદાની હતી, તેમાં ફૂલ ગોઠવેલાં હતાં. એ જોઈને તે જરા વિચલિત થઈ ગયો એનું એક કારણ તો એ કે શ્રીશને ફૂલ ખૂબ ગમતાં હતાં, અને બીજું કારણ એ કે શ્રીશને કલ્પનાની નજરે માલૂમ પડ્યું કે જે લોકો અમારા આવતા પહેલાં અહીંથી ઝટઝટ નાસી ગયાં છે તેમના જ નિપુણ હસ્તે આ ફૂલોની સજાવટ થયેલી છે.

વિપિને જરા હસીને કહ્યું: ‘ગમે તેમ કહો, ભાઈ, પણ આ ઓરડો ચિરકુમારસભાને યોગ્ય નથી.’

એકદમ મૌન ભંગ થવાથી ચકિત થઈ શ્રીશે કહ્યું: ‘કેમ નથી?’

વિપિને કહ્યું: ‘ઘરનો ભપકો તારા નવીન સંન્યાસીઓને માટે પણ જરા વધારે પડતો લાગે છે.’

શ્રીશે કહ્યું: ‘મારા સંન્યાસી ધર્મની દૃષ્ટિએ કોઈ ચીજ વધારે પડતી નથી.’

વિપિને કહ્યું: ‘માત્ર સ્ત્રી જ વધારે પડતી છે!’

શ્રીશે કહ્યું: ‘હા, એ જ એક માત્ર!’—બોલ્યો તો ખરો, પણ હંમેશના જેવું એની વાણીમાં અત્યારે જોર ન દેખાયું—કદાચ લેખકની આ કલ્પના પણ હોય.

વિપિને કહ્યું: ‘દીવાલ પરની છબીઓ, અને બીજી ઘણી ચીજો જોતાં આ ઓરડામાં એ નારીજાતિની હાજરીનું ભાન થાય છે.’

શ્રીશે કહ્યું: ‘દુનિયામાં નારીજાતિની હાજરીનું ભાન ક્યાં નથી થતું?’

વિપિને કહ્યું: ‘એની કોણ ના કહે છે? કવિઓના શબ્દો પર જો વિશ્વાસ રાખીએ તો ચાંદામાં, ફૂલમાં, લતામાં, પાંદડાંમાં દરેકે દરેક જગાએ અક્કરમી પુરુષને નારીજાતિની જ હાજરીનું ભાન થયા વગર રહેતું નથી.’

શ્રીશે હસીને કહ્યું: ‘મેં ધાર્યું હતું કે ચંદ્રબાબુના ઘરના પેલા અંધારિયા ઓરડાને નારીની સાથે કશો જ સંબંધ નહિ હોય. પણ આજે મારો એ ભ્રમ પણ ઓચિંતાનો તૂટી ગયો! નહિ, સ્ત્રી દુનિયામાં બધે છે.’

વિપિને કહ્યું: ‘થોડા બિચારા ચિરકુમારો માટે પણ ટુકડો જગા ખાલી રહી નથી. સભા ભરવાની જગા મળવી પણ મુશ્કેલ છે.’

‘આ જો!’ કહી શ્રીશે ખૂણામાં મૂકેલી એક ટિપાઈ ઉપરથી વાળ બાંધવાના બે ત્રણ સોયા ઉપાડીને બતાવ્યા.

વિપિને એ સોયાનું નિરીક્ષણ કરીને કહ્યું: ‘અરે ભાઈ! આ જગા કુમારોને માટે નિષ્કંટક નથી.’

શ્રીશે કહ્યું: ‘ફૂલ પણ છે, કાંટા પણ છે.’

વિપિને કહ્યું: ‘એ જ આફત છે તોે! એકલા કાંટા હોય તો સાચવીને ચાલી શકાય.’

બીજા ખૂણામાં એક નાનકડી અભરાઈ ઉપર ચોપડીઓ મૂકેલી હતી. શ્રીશે એ લઈને જોવા માંડી. કેટલીક વાર્તાની હતી, તો કેટલીક અંગ્રેજી કવિતાની ચોપડીઓ હતી. પાલગ્રેવની ‘ગોલ્ડન ટ્રેઝરી’ ઉઘાડીને જોયું તો હાંસિયામાં છોકરીના જેવા અક્ષરે નોંધ લખેલી હતી. પછી તેણે માલિકનું નામ જોવા આગલું પાનું ઉઘાડીને જોયું. ચોપડી થોડીવાર હાથમાં રમાડીને તેણે તે વિપિનની સામે ધરી.

વિપિને ચોપડીમાં લખેલું નામ વાંચીને કહ્યું: ‘નૃપબાલા! મને ખાતરી છે કે આ નામ કોઈ છોકરાનું નથી. તને શું લાગે છે?’

શ્રીશે કહ્યું: ‘મને પણ ખાતરી છે. આ નામ પણ પર જાતિનું લાગે છે!’

આમ કહી એણે બીજી ચોપડી વિપિનને બતાવી.

વિપિને કહ્યું: ‘નીરબાલા! આવું નામ કાવ્યગ્રંથમાં ચાલે, પણ કુમારસભામાં—’

શ્રીશે કહ્યું: ‘કુમારસભામાં પણ જો આ નામધારિણીઓ ચાલી આવે, તો એમને બારણામાં પેસતી રોકે એવી તાકાતવાળો આપણામાં કોઈ દેખાતો નથી.’

વિપિને કહ્યું: ‘પૂર્ણ તો પહેલા જ હુમલે ઘાયલ થઈને પડ્યો—બચે છે કે નહિ કોણ જાણે!’

શ્રીશે કહ્યું: ‘કેમ કરી!’

વિપિને કહ્યું: ‘તેં ધારીને જોયું લાગતું નથી.’

વિપિને એવો શાંત સ્વભાવનો હતો કે એ કંઈ ‘જોઈ’ શકે છે એવો કોઈને વહેમ પણ ન આવે. પરંતુ એની આંખે કશું છૂપું રહેતું નહોતું. તેણે પૂર્ણની પરમ દુર્બલ દશા જોઈ લીધી હતી.

શ્રીશે કહ્યું: ‘ના રે ના, એ માત્ર તારું અનુમાન છે.’

વિપિને કહ્યું: ‘હૃદયનું તો અનુમાન જ થઈ શકે ને?— એ નથી દેખાતું કે નથી પડકાતું.’

 શ્રીશ ચમકી ગયો—તે વિચારમાં પડી ગયો. પછી બોલ્યો: ‘તો શું પૂર્ણની બીમારી વૈદકશાસ્ત્ર મુજબની નથી?’

વિપિને કહ્યું: ‘ના, આ બધા વ્યાધિઓ વિષે મૅડિકલ કૉલેજમાં લૅકચર અપાતાં નથી.’

શ્રીશ મોટેથી હસવા લાગ્યો.

ગંભીર વિપિન સ્મિત કરતો બેસી કહ્યો.

એટલામાં ચંદ્રબાબુએ પ્રવેશ કરીને કહ્યું: ‘આજે આપણે એવા તર્કવિતર્કમાં ચડી ગયા કે એના ઉશ્કેરાટને લીધે પૂર્ણબાબુનું શરીર એકદમ બગડી આવ્યું. એટલે એમને ઘેર પહોંચાડી આવવાની મને મારી ફરજ લાગી.’

શ્રીશ વિપિનના મોં સામું જોઈને જરા હસ્યો.

વિપિને ગંભીર મુખે કહ્યું: ‘પૂર્ણબાબુની આજની દુર્બળ દશા જોઈને મને લાગે છે કે એમણે પહેલેથી જ જરા વધારે સાવધ રહેવાની જરૂર હતી.’

ચંદ્રમાધવે ભોળાભાવે જવાબ દીધો: ‘પૂર્ણબાબુ ઓછા સાવધ છે એવું હું નથી ધારતો.’

ચંદ્રમાધવબાબુ પ્રમુખપદે બિરાજે તે પહેલાં અક્ષય રસિકદાદાને સાથે લઈને આવી પહોંચ્યો ને બોલ્યો: ‘માફ કરજો! આ નવીન સભ્યની આપને સોંપણી કરીને તરત હું ચાલ્યો જાઉં છું.’ 

રસિકે હસીને કહ્યું: ‘મારી નવીનતા બહારથી ખાસ દૃષ્ટિગોચર નહિ થાય—’

અક્ષયે કહ્યું: ‘અતિશય વિનયપૂર્વક એમણે તે બાહ્ય પ્રાચીનતા વડે ઢાંકી રાખી છે—ધીમે ધીમે દેખાશે.’

પછી તેણે શ્રીશ વગેરેને કહ્યું: ‘આ શ્રીયુત રસિક ચક્રવર્તી!—નામ પ્રમાણે જ ગુણ છે.’

આ સાંભળી શ્રીશ અને વિપિન બંનેએ હસીને રસિકની સામે જોયું.

રસિકદાદાએ કહ્યું: ‘મારી રસબુદ્ધિ વિષે કંઈ પણ જાણવા મળે એ પહેલાં જ મારા પિતાએ મારું નામ રસિક પાડ્યું હતું. હવે પિતાનું વચન સત્ય કરાવવા માટે મારે રસિક બનવાની ચેષ્ટા કરવી પડે છે—પણ ‘યત્ને કૃતે યદિ ન સિધ્યતિ કોત્ત્ત્ર દોષ:?’

અક્ષય ચાલ્યો ગયો. ઓરડામાં બે કેરોસિનના દીવા બળતા હતા. એ બેની ઉપર રંગીન રેશમી આવરણ હતું. એ આવરણ ભેદીને ઓરડામાં મૃદુ રંગીન પ્રકાશ પડતો હતો.

એટલામાં શૈલે પુરુષવેશે આવીને સૌને પ્રણામ કર્યો. ક્ષીણદૃષ્ટિ ચંદ્રમાધવબાબુ આંખો ખેંચીને એને જોઈ રહ્યા—શ્રીશ અને વિપિન પણ તેને જોઈ રહ્યા.

શૈલની પાછળ બે નોકર હાથમાં ભોજનની થાળીઓ લઈને હાજર થયા. શૈલે નાનકડી ચાંદીની થાળીઓ લઈને આરસના મેજ ઉપર ગોઠવવા માંડી. પહેલા પરિચયની દુર્નિવાર્ય લજ્જા તેણે આમ અતિથિસત્કારની અંદર દબાવી દેવાની યુક્તિ કરી હતી.

રસિકે કહ્યું: ‘આપણી સભાના આ એક નવીન સભાસદ છે. એમની નવીનતા વિષે કંઈ જ દલીલ કરવાની જરૂર નથી. બરાબર મારાથી ઊલટા છે. એમણે પોતાની બુદ્ધિની પ્રવીણતા બાહ્ય નવીનતામાં છુપાવી રાખી છે. તમે બધા જરા નવાઈ પામ્યા દેખાઓ છો—સ્વાભાવિક છે. દેખાવે તેઓ બાળક જેવા લાગે છે. પરંતુ તેઓ બાળક નથી, એનો હું જામીન થાઉં છું.’

ચંદ્રબાબુએ કહ્યું: ‘તેઓશ્રીનું નામ?’

રસિકે કહ્યું: ‘શ્રી અબલાકાન્ત ચટ્ટોપાધ્યાય.’

શ્રીશ બોલી ઊઠ્યો: ‘અબલાકાન્ત?’

રસિકે કહ્યું: ‘નામ આપણી સભાને લાયકનું નથી એ હું કબૂલ કરું છું. નામ તરફ એમને પણ બહુ મમત્વ નથી. એ નામ બદલીને તમે વિક્રમસિંહ કે ભીમસેન કે બીજું કોઈ ઉપયોગી નામ રાખો તો પણ એનો એમને વાંધો નથી. જો કે શાસ્ત્રમાં કહ્યું છે કે સ્વનામ્ના પુરુષો ધન્ય:—પરંતુ આ અબલાકાન્ત નામ વડે જગતમાં વિખ્યાત થવાનો જરા પણ મોહ રાખતા નથી.’

શ્રીશે કહ્યું: ‘શું કહો છો, મશાય! નામ કંઈ શરીરનું અંગરખું છે કે ફાવે ત્યારે બદલી શકાય?’

રસિકે કહ્યું: ‘એ માત્ર તમારા નવા જમાનાના સંસ્કાર છે, શ્રીશબાબુ! પ્રાચીન કાળના લોકો નામની પોશાકમાં જ ગણના કરતાં. દાખલા તરીકે, અર્જુનનું પિતૃદત્ત નામ શું હતું તે ચોક્કસપણે કહેવું અશક્ય છે—લોકો પાર્થ, ધનંજય, સવ્યસાચી વગેરે ફાવે તે નામે એને બોલાવતા. માટે નામને તમે વધારે સત્ય માની લેશો નહિ; જો કદાચ ભૂલથી તમે એમને અબલાકાન્ત નહિ કહો, તો તે તમારા ઉપર બદનક્ષીની ફરિયાદ માંડવાના નથી.’

શ્રીશે હસીને કહ્યું: ‘તમે આવું અભયદાન આપો છો એટલે મન નિશ્ચિંત બની જાય છે—પરંતુ એમના ક્ષમાગુણની પરીક્ષા કરવાની જરૂર નહિ પડે—અમે નામ નહિ ભૂલીએ, મશાય!’

રસિકે કહ્યું: ‘તમે નહિ ભૂલો, પણ હું ભૂલી જાઉં છું, મશાય! સગપણમાં હું એનો દાદો થાઉં છું—એટલે એની બાબતમાં મારી જીભ બહુ લૂલી છે—કોઈ વખત કંઈને બદલે કંઈ બોલી બેસું તો મને માફ કરજો!’

શ્રીશે ઊભા થઈને કહ્યું: ‘અબલાકાન્તબાબુ! આપે આ બધી શી ધમાલ કરી છે? અમારી સભાના કામકાજની યાદીમાં મિષ્ટાન્ન લખેલું નહોતું.’

રસિકે ઊભા થઈ કહ્યું: ‘આ ખોટ પૂરી પાડનારોે હું સભાની વતી આભાર માનું છું.’

શ્રીશના મોં સામું જોયા વગર જ રકાબીઓ ગોઠવતાં ગોઠવતાં શૈલે કહ્યું: ‘શ્રીશબાબુ, જમવું એ પણ શું આપના નિયમ વિરુદ્ધ છે?’

શ્રીશને થયું કે આનો કંઠસ્વર પણ અબલા નામને યોગ્ય છે. તે બોલ્યો: ‘આ સભ્યના શરીરની આકૃતિ પર નજર કરવાથી એ વિષે આપની ખાતરી થશે.’ આમ કહી એણે તગડા વિપિનને ખેંચી આગળ ધર્યો.

વિપિને કહ્યું: ‘નિયમનું પૂછતા હો, અબલાકાન્તબાબુ, તો મારે કહેવું જોઈએ કે સંસારની ઉત્તમોત્તમ ચીજો પોતે જ પોતાનો નિયમ પેદા કરે છે. શક્તિશાળી લેખક પોતાના નિયમ પ્રમાણે ચાલે છે, શ્રેષ્ઠ કાવ્ય વિવેચકના નિયમને માનતું નથી. એવી રીતે મિષ્ટાન્નને પણ કોઈ સભાનો નિયમ લાગુ પડતો નથી. એનો એકમાત્ર નિયમ એ છે કે બેસી જાઓ, ને પેટમાં પૂરો! જ્યાં લગી મિષ્ટાન્ન મોજુદ છે ત્યાં લગી દુનિયાના બીજા તમામ નિયમોએ બારણા બહાર રાહ જોયા કરવી પડશે.’

શ્રીશે કહ્યું: ‘તને થયું છે શું, વિપિન! તને ખાતાં તો ઘણીવાર જોયો છે, પણ એકશ્વાસે આટલું બધું બોલી નાખતો કદી જોયો નથી.’

વિપિને કહ્યું: ‘રસના ઉત્તેજિત થઈ છે, એટલે, સરસ વાક્ય બોલવાનું મારે માટે અતિ સરલ બની ગયું છે. જે માણસ મારું જીવનચરિત્ર લખશે—પણ હાય, અત્યારે એ ક્યાં છે?’

રસિકે હાથ ટાલ પર પસવારતાં પસવારતાં કહ્યું: ‘મારી પાસેથી એ કામની આશા રાખશો નહિ, કારણ કે હું એટલો લાંબો વખત રાહ જોઈ શકું તેમ નથી.’

શણગારેલા નવા મકાનમાં આવવાથી ચંદ્રમાધવબાબુનું મન વિક્ષિપ્ત બની ગયું હતું. એટલે તેમના ઉત્સાહનો પ્રવાહ વહેવો જોઈએ તે રસ્તે વહેતો નહતો. તેઓ અમથાઅમથા વારેઘડીએ કામકાજના હેવાલનો ચોપડો અથવા તો પોતાની હથેળી જોયા કરતા હતા.

શૈલે એમની પાસે જઈ સવિનય જાહેર કર્યું: ‘સભાના કામમાં કંઈ ખલેલ પડતી હોય તો મને માફ કરજો, ચંદ્રબાબુ, પણ જરા નાસ્તો—’

શૈલ આટલી નજીક આવતાં ચંદ્રબાબુ તેના મોં સામે જોઈ રહ્યા. પછી બોલ્યા: ‘આવા બધા સામાજિક કાર્યક્રમોથી સભાના કામમાં ખલેલ પહોંચે છે એ વિષે કંઈ શંકા નથી.’

રસિકે કહ્યું: ‘ઠીક, તો પરીક્ષા કરી જુઓ! મિષ્ટાન્નથી જો સભાના કામમાં ખલેલ પડતી જણાય તો—’

વિપિને ધીરેથી કહ્યું: ‘તો ભવિષ્યમાં સભાનું કામ બંધ કરી મિષ્ટાન્ન એકલું રાખીશું—’

ચંદ્રબાબુ શૈલના મોં સામે ધારી ધારીને જોતા હતા—શૈલના સુન્દર ચહેરોનો ભાવ તેમના મનમાં ઊતર્યો; એટલે શૈલને નિરાશ કરવાનું તેમને મન થયું નહિ.

અહીં એ કહેવું જોઈએ કે થોડીવાર પહેલાં જ વિપિન ઘરમાંથી ખાઈ કરીને નીકળ્યો હતો. તેને ખાવાનું જરા પણ મન નહોતું, પરંતુ આ રૂપાળા કુમારને જોઈને, ખાસ કરીને તેના મુખનું અતિ સુકોમલ સ્મિતહાસ્ય જોઈને, હૃષ્ટપુષ્ટ વિપિનનું ચિત્ત સ્નેહથી એવું આકર્ષાઈ ગયું હતું કે તે વધારે પડતો બોલકો બની ગયો હતો, અને મિષ્ટાન્ન તરફ ખૂબ લોભ પ્રગટ કરતો હતો. માંદા પડવાથી બીકને લીધે શ્રીશમાં અસમયે ખાવાની હિંમત નહોતી, પણ તેનેયે થયું કે નહિ ખાંઉ તો આ તરુણ કુમાર તરફ ખૂબ કઠોરતા બતાવી ગણાશે.

શ્રીશે કહ્યું: ‘આવો, રસિકબાબુ! તમે તો ઊઠતા પણ નથી ને!’

રસિકે કહ્યું: ‘રોજ રોજ માગીને અને કોઈ કોઈ વખત પડાવીને ખાવાનું મારા નસીબમાં લખેલું છે. પરંતુ આજે ચિરકુમારસભાનો સભ્ય બન્યો હોઈ સભ્યપદના ગૌરવથી, હું કંઈક આગ્રહની આશા રાખતો હતો—પણ—’

શૈલે કહ્યું: ‘પણ વળી શું, રસિકદાદા? તમે તો રવિવાર કરો છો. આજે ખાવું છે શું?’

રસિકે કહ્યું: ‘જોયું, મશાય! નિયમ બીજા કોઈને નહિ, એક રસિકદાદાને લાગુ પાડવાનો! નહિ, ‘બલં બલં બાહુબલમ્’—આગ્રહ-બાગ્રહની આશા રાખવી નકામી છે.’

વિપિનને માત્ર ચાર ભોજનપાત્ર જોઈ શૈલને કહ્યું: ‘તમે અમારી સાથે નહિ બેસો’

શૈલે કહ્યું: ‘ના , હું તમને સૌને પીરસવાનું કામ કરીશ.’

શ્રીશ બોલી ઊઠ્યો: ‘એ તે કંઈ બને?’

શૈલે કહ્યું: ‘મારી ખાતર તમે ઘણા અનિયમો ખમી લીધા છે, તો હવે મારી આટલી ઇચ્છા પૂરી કરો. મને પીરસવા દો, ખાવા કરતાં મને એથી વધારે આનંદ થશે.’

શ્રીશે કહ્યું: ‘રસિકબાબુ, આ શું સારું દેખાય છે?’

રસિકે કહ્યું: ‘ભિન્નરુચિર્હિ લોક:—એમને પીરસવું ગમે છે, આપણને ખાવું ગમે છે. આ જાતના રુચિભેદથી, મને લાગે છે કે અરસપરસ બંનેની સગવડ સચવાઈ જાય છે!’

જમવાનું શરૂ થયું.

શૈલે કહ્યું: ‘ચંદ્રબાબુ, એ મીઠાઈ છે, એ પહેલાં ન ખાશો. આ તરફ શાક છે. પાણીનો પ્યાલો શોધો છો? આ રહ્યો!’

આમ કહી એણે પ્યાલો આગળ ધર્યો.

ચંદ્રબાબુને નિર્મલા યાદ આવી. તેમને થયું કે આ છોકરો નિર્મલાના ભાઈ જેવો લાગે છે. પોતાની સંભાળ લેવાનેય અશક્ત એવા ચન્દ્રબાબુ તરફ શૈલને જરા વધારે મમતા થઈ. ચંદ્રબાબુના ભાણામાં કેરી હતી. તેઓ ઉપયોગ કરી શકતા નહોતા. એ જોઈ શૈલને દુ:ખ થયું. તેણે ઝટપટ એ કાપીને તેઓ ખાઈ શકે તેવું કરી દીધું. આમ ચન્દ્રબાબુને જે વખતે જે જોઈએ તે તેણે ધીરે ધીરે તેમની આગળ સરકાવી આપવા માંડ્યું, અને એ રીતે તેમને ભોજનમાં મદદ કરવા માંડી.

ચંદ્રબાબુએ કહ્યું: ‘શ્રીશબાબુ, સ્ત્રીસભ્યને સભામાં દાખલ કરવા વિશે, પછી તમે કંઈ વિચાર કરી જોયો?’

શ્રીશે કહ્યું: ‘વિચાર કરી જોતાં એમાં ખાસ વાંધો લેવા જેવું તો નથી લાગતું, પણ સમાજ વાંધો લેશે.’

વિપિનને તર્કશક્તિ તેજ બની ગઈ. તે બોલ્યો: ‘સમાજને તો ઘણી વખત આપણે અણસમજુ બાળક જેવો જોઈએ. બાળક ગમે તેટલી ના ના કરે, પણ બધાનો વિચાર કરવા રહીએ તો બાળકની જ પ્રગતિ રૂંધાઈ જાય. તે જ પ્રમાણે સમાજનું!’

આજે શ્રીશ આ બાબતમાં ખૂબ નરમ હતો, નહિ તો ગરમીમાંથી વરાળ અને વરાળમાંથી વૃષ્ટિ થાય તેમ દલીલમાંથી કલહ અને કલહમાંથી ફરી પાછી સદ્ભાવની સૃષ્ટિ થાત. એટલું જ નહિ. પણ શ્રીશે જરા ઉત્સાહથી કહ્યું:

‘મને લાગે છે કે આપણા દેશમાં આટલી બધી સભાઓ ને સમિતિઓ થાય છે, પણ બધી અકાળે નિષ્ફળ નીવડે છે તેનું મુખ્ય કારણ એ છે કે તેમાં સ્ત્રીઓનો સહકાર નથી. તમને કેમ લાગે છે, રસિકબાબુ?’

રસિકે કહ્યું: ‘સંજોગવશાત સ્ત્રીજાતિની સાથે મારો ખાસ સંબંધ નથી, તો પણ મને એટલી ખબર છે કે સ્ત્રીજાતિ કાં તો મદદ કરે છે કે ખલેલ કરે છે, કાં તો સૃષ્ટિ કરે છે કે પ્રલય કરે છે. એટલે એમને આપણા મંડળમાં ખેંચવાથી બીજો કોઈ ફાયદો થાય કે ન થાય, પણ એને ખલેલરૂપ બનતી તો અટકાવી શકાશે. વિચાર કરી જોશો તો તમને જણાશે કે ચિરકુમારસભામાં જો તમે સ્ત્રીજાતિને પહેલેથી જ દાખલ કરી હોત તો છૂપી રીતે આ સભાનો નાશ કરવાનું એને મન જ ન થાત—પરંતુ હાલના સંજોગોમાં—’

શૈલે કહ્યું: ‘કુમારસભાની ઉપર સ્ત્રીઓને આવી ચીડ છે એની રસિકદાદને ક્યાંથી ખબર પડી?’

રસિકે કહ્યું: ‘આફતના સમાચાર મળતા પહેલાં જ શું માણસે સાવધ રહેવાની જરૂર નથી? પેલા કાણા હરણની વાત ભૂલી ગયા? જે આંખ કાણી હતી તે તરફ જ એને તીર વાગ્યું હતું.—તેવી રીતે કુમારસભા જો સ્ત્રીજાતિ તરફ જ આંખ મીંચી રાખશો તો એ તરફથી જ એને ઓચિંતાનો ઘા પડશે.’

શ્રીશે વિપિનની સામું જોઈ ધીરેથી કહ્યું: ‘કાણા હરણને આજે એક તીર વાગ્યું છે—એક સભ્ય ધૂળ ચાટતો થઈ ગયો છે.—’

ચંદ્રબાબુએ કહ્યું: ‘એકલા પુરુષોની મદદથી સમાજનું કલ્યાણ કરવા ઇચ્છવું એ એક પગે ચાલવા જેવું છે. તેથી જ થોડુંક ચાલીને તેમને બેસી જવું પડે છે. તમામ મહત્ત્વનાં કાર્યોમાંથી આપણે સ્ત્રીઓને અળગી રાખી છે, તેથી જ આપણા દેશની પ્રવૃત્તિઓમાં પ્રાણ નથી આવતો. આપણાં હૃદય, આપણી પ્રવૃત્તિઓ, અને આપણી આશાઓ બહાર અને અંદર ખંડિત થાય છે. તેથી જ આપણે બહાર ભાષણ આપીને આવીએ છીએ અને ઘરમાં આવીને ભૂલી જઈએ છીએ. જુઓ અબલાકાન્તબાબુ, હજી તમારી ઉંમર નાની છે, મારા આ શબ્દો હમેશાં યાદ રાખજો—કદી પણ સ્ત્રીજાતિનો તિરસ્કાર ન કરશો! એની અવગણના ન કરશો! સ્ત્રીજાતિને જો આપણે નીચે જ રાખીશું, તો તે પણ આપણને નીચે ને નીચે ઢસડશે, અને આપણે પણ એના ભારથી ઉન્નતિને માર્ગે પગલું નહિ ભરી શકીએ—બે ડગલાં ચાલ્યા ન ચાલ્યા, ને પાછા ઘરના ખૂણામાં આવીને ભરાઈ જશું, પરંતુ જો આપણે એને ઊંચું સ્થાન આપીશું, તો ઘરમાં પણ આપણે આદર્શને હલકો પાડતાં શરમાશું. આપણા દેશના લોકો બહાર આવી શરમ રાખે છે, પણ ઘરમાં નથી રાખતા. એથી જ આપણી બધી પ્રગતિ માત્ર બાહ્યાડંબર બની જાય છે.’

શૈલે ચંદ્રબાબુના આ શબ્દો એકચિત્તે સાંભળી રહી, પછી બોલી: ‘આશીર્વાદ આપો કે આપનો આ ઉપદેશ નકામો ન જાય. અને હું આપના આદર્શને લાયક બની શકું.’

ખૂબ શ્રદ્વાપૂર્વક ઉચ્ચારાયેલા આ શબ્દો સાંભળી ચંદ્રબાબુ કંઈક ચમકી પડ્યા. તેમને નિર્મલા યાદ આવી. તે પણ આવી જ રીતે તેમની તમામ દલીલો વિનમ્ર શ્રદ્ધાથી સ્વીકારી લેતી હતી. તેમનું હૃદય સ્નેહાળ બની ગયું. તેમને થયું: ‘બરાબર નિર્મલાનો ભાઈ!’

ચંદ્રબાબુએ કહ્યું: ‘તો મારી ભાણી નિર્મલાને કુમારસભાની સભાસદ બનાવવામાં તમને કોઈને કંઈ વાંધો નથી ને?’

રસિકે કહ્યું: ‘બીજો તો કંઈ વાંધો નથી, પણ જરા વ્યાકરણનો વાંધો છે. કુમારસભામાં જો કોઈ કુમારીવેશે આવે તો એને બોપદેવનો શાપ છે!’

શૈલે કહ્યું: ‘બોપદેવનો શાપ આ જમાનામાં નથી લાગતો!’

રસિકે કહ્યું: ‘તો રહ્યું, પણ લોહારામથી તો ડરવું પડશે. એટલે મને એમ લાગે છે કે જો સ્ત્રીસભ્યો પુરુષસભ્યો ખબર ન પડે તેમ, વેશ ને નામ બદલીને આવે તો આ મુસીબત ટળી જાય!’

શ્રીશે કહ્યું: ‘તો પછી ગમ્મત એ થશે કે કોણ પુરુષ છે ને કોણ સ્ત્રી છે એની સૌને શંકા થશે.’

વિપિને કહ્યું: ‘મને નથી લાગતું કે મારે વિશે કોઈને એવી શંકા થાય!’

રસિકે કહ્યું: ‘મને પણ કોઈ મારી પૌત્રી માની બેસે એવું હું નથી ધારતો.’

શ્રીશે કહ્યું: ‘પણ અબલાકાન્ત બાબુ વિશે શંકા થવાની જ.’

તે વખતે શૈલ પાસેથી ટિપાઈ પરથી મિષ્ટાન્નની થાળી લેવા ગઈ.

ચંદ્રબાબુએ કહ્યું: ‘જુઓ રસિકબાબુ, ભાષાતત્ત્વનો અભ્યાસ કરવાથી માલૂમ પડે છે કે વપરાતાં વપરાતાં કેટલાક શબ્દોનો મૂળ અર્થ લુપ્ત થઈ જાય છે, ને ઊલટો અર્થ પ્રચલિત બની જાય છે. તેવી રીતે સ્ત્રીસભ્ય ગ્રહણ કરવાથી ચિરકુમારસભાના અર્થનું પરિવર્તન થતું હોય તો છોને થતું! એથી નુકસાન શું થવાનું છે?’

રસિકે કહ્યું: ‘કશું જ નહિ. હું પરિવર્તનનો વિરોધી નથી. નામપરિવર્તન, વેશપરિવર્તન, કે અર્થપરિવર્તન, ભલેને,ગમે તે પરિવર્તન થાય, જે વખતે જે બને તેને હું વિના વિરોધે સ્વીકારી લઉં છું—મારામાં પ્રાણ નિત્યનવીન છે એનું કારણ આ છે.’

ભોજન પૂરું થઈ ગયું. અને સ્ત્રીસભ્યને દાખલ કરવા વિષે હવે કોઈને વિરોધ કહ્યો નહિ.

જમી રહ્યા પછી રસિકે કહ્યું: ‘હું આશા રાખું છું કે સભાના કામકાજમાં કંઈ વિક્ષેપ પડ્યો નથી.’

શ્રીશે કહ્યું: ‘જરાયે નહિ—બીજા દિવસોમાં માત્ર મોઢું જ કામ કરતું, આજે જમણા હાથે પણ એમાં સાથ દીધો છે.’

વિપિને કહ્યું: ‘એથી આભ્યંતરિક તૃપ્તિ જરા વધારે થઈ છે.’

આ સાંભળી શૈલે ખુશી થઈ પોતાના સ્વાભાવિક સ્નેહકોમલ હાસ્ય વડે સૌને પુરસ્કૃત કર્યા.

License

ચિરકુમારસભા Copyright © by રવીદ્રનાથ ટાગોર and અનુવાદઃ રમણલાલ સોની. All Rights Reserved.