દશ નંબરની મધુ મિસ્તરીની ગલીમાં ભોંયતળિયાના એક ઓરડામાં ચિરકુમારસભાની બેઠક મળી હતી. એ પ્રમુખશ્રી ચંદ્રમાધવ બાબુનું ઘર હતું. તેઓ બ્રાહ્મ કૉલેજના પ્રોફેસર હતા. દેશની સેવા કરવાનો તેમને ખૂબ જ ઉત્સાહ હતો. માતૃભૂમિની ઉન્નતિની કંઈ કંઈ યોજનાઓ તેમના મગજમા સ્ફુરતી હતી. તેમનું શરીર કૃશ હતું, પણ મજબૂત હતું. માથું મોટું હતું. મોટી પહોળી આંખો કંઈ કંઈ અન્યમનસ્ક ખ્યાલોથી ભરેલી હતી.
શરૂઆતમાં સભાના સભાસદો ઘણા હતા. પણ હવે પ્રમુખ સાહેબને યાદ કરતાં માત્ર ત્રણ જ સભાસદો બાકી કહ્યા હતા. બીજા સભ્યો મંડળમાંથી ભ્રષ્ટ થઈ પરણીને સંસારી ધંધામાં પડ્યા હતા. હવે તેઓ કોઈ પણ જાતના ફાળાની વાત સાંભળતાં જ હસીને ઉડાવી દેતા હતા, અને તેમ છતાંયે જો ફાળાવાળો ખસે નહિ, તો તેને ગાળો દેવા માંડતા. પોતાનું ઉદાહરણ યાદ કરીને હવે તેઓ દેશહિતૈષીઓ તરફ ખૂબ તિરસ્કાર પ્રગટ કરતા હતા.
વિપિન, શ્રીશ અને પૂર્ણ એ ત્રણ સભ્યો હતા. ત્રણે કૉલેજમાં ભણતા હતા, હજી કુંવારા હતા. વિપિન ફૂટબૉલનો ખેલાડી હતો. તેના શરીરમાં ખૂબ જોર હતું. એ ક્યારે વાંચતો હશે તેની કોઈન ખબર પડતી નહોતી; પણ પરીક્ષામાં તો તરત પાસ થઈ જતો હતો.
શ્રીશ પૈસાદારનો દીકરો હતો. એની તબિયત જોઈએ તેવી સારી નહોતી રહેતી. તેથી એનાં માબાપ એને ભણવાગણવાનો બહુ આગ્રહ કરતાં નહોતાં. એ પોતાના ખ્યાલોમાં જ મસ્ત રહેતો હતો. વિપિન અને શ્રીશ દિલેજાન દોસ્ત હતા.
પૂર્ણ ઊજળા વર્ણનો હતો, એકાંતરશૂરો હતો. ચાલવામાં ધીરો હતો, કામમાં અધીરો હતો, બોલવામાં ઉતાવળો હતો, બધી જ બાબતમાં તે મન દઈ શકતો, એના મોં પરથી એ દૃઢનિશ્ચયી અને કાર્યકુશળ લાગતો હતો.
એ ચંદ્રમાધવબાબુનો શિષ્ય હતો. ઊંચે નંબરે પરીક્ષા પાસ કરીને, વકીલ બની સારું કમાવાની આશાએ એ રાતરાતના ઉજાગરા કરીને વાંચતો હતો. દેશની સેવામાં પોતાનું કામ બગાડવાનો એનો જરાય ઇરાદો નહોતો. ચિરકુમારતાનો એને બહુ મોહ નહોતો. દરરોજ સાંજે નિયમિત આવીને, ચંદ્રબાબુની પાસેથી પરીક્ષામાં કામ લાગે તેવી સૂચનાઓ ટપકાવી જતો. તેને મનમાં મનમાં ખાતરી હતી કે મેં ચિરકુમારવ્રત નથી લીધું, તેથી અને મારું ભવિષ્ય બગાડવાની મને જરાયે અધીરાઈ નથી, તેથી મારી ઉપર ચંદ્રમાધવબાબુએ જોઈએ તેવો ભાવ નથી. પરતું આ વિશે એને કદી પણ અસહ્ય દુ:ખ થયું નહોતું. ત્યારે પછી શું બની ગયું તે સૌ જાણે છે.
તે દિવસે સભાની બેઠક મળી હતી.
ચંદ્રમાધવબાબુ કહેતા હતા: ‘આપણી આ સભાની સભ્યસંખ્યા ઓછી હોવાથી કોઈએ નિરાશ થવાથી જરૂર નથી—’
તેઓ પૂરું બોલી રહે તે પહેલાં જ માંદલો પણ ઉત્સાહ શ્રીશ બોલી ઊઠ્યો: ‘નિરાશ!—શા માટે! ઓછી સંખ્યા એ તો આપણી સભાનું ગૌરવ છે. આપણી આ સભાનો આદર્શ એવો ઊંચો છે, અને નિયમો એટલા કઠિન છે કે જનસાધારણને માટે એ છે જ નહિ. આપણી સભા થોડા માણસોની સભા છે.
ચંદ્રમાધવબાબુ કામકાજનો ચોપડો આંખ આગળ લઈને બેલ્યો: ‘પરતું આપણો આદર્શ ઉચ્ચ છે, અને નિયમો કઠિન છે. એટલે જ આપણે વિનય અને નમ્રતા જાળવવાની જરૂર છે. આપણે હમેશાં યાદ રાખવું જોઈએ કે આપણો સંકલ્પ પાર પાડવાને યોગ્ય આપણે કદાચ ન પણ હોઈએ. વિચાર કરતાં તમને જણાશે કે આ પહેલાં આપણી સભામાં એવા સભ્યો ઘણા હતા, જેઓ કદાચ સર્વાંશે આપણા કતાં ચડિયાતા હતા, પરતું એવા માણસોયે સુખની એષણામાં, અને સસાંરના પ્રલોભનમાં ખેંચાઈને એક પછી એક ધ્યેયભ્રષ્ટ થઈ ગયા. હવે આપણે થોડા રહ્યા છીએ, અને આપણા માર્ગમાં પણ પ્રલોભન કઈ જગાએ ટાંપીને બેઠું હશે તેની કોઈને ખબર નથી. આથી હું કહું છું કે આપણે દંભ નહિ કરીએ! કોઈ પણ જાતના સોગનથી પણ હવે આપણે બંધાવા ઇચ્છતા નથી. આપણે એવું માનીએ છીએ કે કોઈ પણ કાળે કોઈ મહાન કાર્યનો મનમાં વિચાર જ ન કરવો એના કરતાં, એ કાર્ય કરવાનો પ્રયત્ન કરતાં કરતાં હારી જવું એ વધારે સારું છે.’
બાજુના ઓરડામાં, જરાક ઉઘાડા બારણાની પાછળ એક છોકરી બેઠી હતી, તે આ સાંભળીને જરા ચમકી પડી. તેના પાલવે બાંધેલા ચાવીના જૂડાની એક બે ચાવીઓ જરા ખખડી, પરતું પૂર્ણ સિવાય બીજા કોઈને તેની ખબર પડી નહિ.
ચંદ્રમાધવબાબુએ બોલવા માંડ્યું: ‘આપણી આ સભાની ઘણા લોકો મશ્કરીઓ કરે છે. ઘણાઓ કહે છે કે તમે લોકો દેશની સેવા કરવા વાસ્તે કૌમારવ્રત ધારણ કરો છોે, પરતું જો બધા તમારા જેવી પ્રતિજ્ઞા લે, તો પચાસ વરસ પછી દેશમાં એવો કોઈ માણસ હશે ખરો જેના માટે કંઈ કામ કરવાની કોઈને જરૂર પડે? હું માત્ર નમ્રપણે મૂંગોમૂંગો આ પરિહાસ સહી લઉં છું. પરંતુ હું પૂછું છું કે શું આનો કોઈ જવાબ નથી?’ આમ કહી એમણે પોતાના ત્રણ સભાસદોની સામે જોયું.
પૂર્ણે બારણાની ઓથે ભરાયેલીને યાદ કરીને ઉત્સાહમાં આવી જઈ કહ્યું: ‘નથી કેમ? દુનિયાના તમારા દેશોમાં કેટલાક માણસો એવા હોય છે, જેઓ સંસારી થવા વાસ્તે જન્મેલા હોતા નથી. એવાઓની સંખ્યા બહુ થોડી હોય છે. પણ એવા થોડા માણસોને આકર્ષીને એક ધ્યેયના બંધનમાં બાંધવાના હેતુથી આપણી આ સભા સ્થપાયેલી છે—આખી દુનિયાના માણસોને કૌમારવ્રત લેવડાવવા માટે આ સભા સ્થપાઈ નથી. આપણી આ જાળ ઘણા લોકોને પકડશે, પણ મોટા ભાગનાને છોડી મૂકશે, અને છેવટે લાંબી પરીક્ષા પછી એમાં માત્ર બેચાર માણસો જ રહેશે. જો કોઈ પૂછે કે એ બેચાર માણસો શું તમે જ છો? તો હિંમતથી હા કોણ કહી શકે તેમ છે? હા, અમે અત્યાર સુધી તો જાળમાં રહ્યા છીએ, પણ છેલ્લી પરીક્ષા સુધી ટકીશું કે કેમ તેની તો ભગવાનને ખબર! પરતું આપણે કોઈ ટકી શકીએ કે ન ટકી શકીએ, આપણે એકે એક ખરી પડીએ કે ન ખરી પડીએ, પણ એથી આપણી સભાની મશ્કરી કરવાનો કોઈને હક મળી જતો નથી. છેવટે કદાચ એવો પણ વખત આવે કે આપણા પ્રમુખ સાહેબ એકલા જ સભામાં રહી જાય—તો પણ શું? આપણું આ તજાયેલું સભાક્ષેત્ર એ એક તપસ્વીના તપોતેજથી પવિત્ર અને ઉજ્જ્વળ બની રહેશે, અને તેમની જીવનભરની તપસ્યાનું ફળ દેશની દૃષ્ટિએ કદી નકામું નહિ જાય.’
પ્રમુખ સાહેબ પોતાનાં વખાણ સાંભળી જરા શરમાઈ ગયા. સભાના કામકાજનો ચોપડો ફરીથી આંખોની છેક પાસે લઈ જઈને, તેમણે એકચિત્તે એમાં શી ખબર શું વાંચવા માંડ્યું! ગમે તેમ, પૂર્ણનું આ ભાષણ યથાસ્થાને યથાવેગે પહોંચી ગયું હતું. ચંદ્રમાધવબાબુની એકાંત તપસ્યાની વાત સાંભળીને નિર્મળાની આંખો ભરાઈ આવી, અને એ રીતે હાલી ઊઠેલી એ બાલિકાની ચાવીઓના ગુચ્છાએ ઝણઝણ અવાજ કરી પૂર્ણનો પરિશ્રમ સાર્થક કર્યો.
વિપિન મૂંગો બેઠો હતો. હવે તે મેઘના જેવા ગંભીર સ્વરે બોલ્યો: ‘આપણે આ સભાને લાયક છીએ કે નહિ, તેની વખત આવે પરીક્ષા થઈ જશે, પરંતુ જો આપણો હેતુ કંઈ કામ કરવાનો હોય તો આપણે કોઈ વખત એની શરૂઆત કરવી જ જોઈશે. મારો સવાલ એ છે કે આપણે કામ શું કરવાનું છે?’
ચંદ્રમાધવ ખૂબ ઉત્સાહમાં આવી જઈને બોલી ઊઠ્યા: ‘આ જ પ્રશ્રની આટલા દિવસે આપણે અપેક્ષા કરતા રહ્યા છીએ કે આપણે કરવાનું શું છે? આપણે કરવાનું શું છે?—એ જ પ્રશ્ર આપણને દરેકને ડંખતો રહે, અને દરેકને ઊંચાનીચા કરી મૂકે એવું હું ઇચ્છું છું. મિત્રો, કામ એ જ એકતાનું એકમાત્ર બંધન છે. એક સાથે જેઓ કામ કરે છે તેઓ એક છે. એથી કરીને, આ સભામાં જ્યાં લગી આપણે બધા મળીને એક કામમાં નહિ જોડાઈએ ત્યાં સુધી આપણે ખરેખરા એક થઈ શકવાના નથી. આથી, ‘આપણે કરવાનું શું છે?’—વિપિનબાબુના આ પ્રશ્રને આપણે કોઈ રીતે ઠરવા દેવાનો નથી. હે સભ્ય મહાશયો, હું આપ સૌને પૂછું છું કે આપણે કરવાનું શું છે?’
દૂબળો શ્રીશ અધીરો બનીને બોલી ઊઠ્યો: ‘કરવાનું શું છે? એવું જો મને પૂછતા હો તો હું કહું કે આપણે બધાએ સંન્યાસી બનીને ભારતવર્ષના પ્રાંતેપ્રાંતમાં ને ગામેગામમાં દેશસેવાનું વ્રત લઈને ફરવાનું છે, આપણા મંડપને પુષ્ટ કરવાનું છે, અને આપણી સભાને સૂક્ષ્મ સૂત્ર રૂપ કરી આખા ભારતવર્ષને એકસૂત્રે બાંધી દેવાનું છે.’
વિપિને હસીને કહ્યું: ‘આ કામ કરવાને હજી ઘણો વખત છે, પણ આવતી કાલે જ શરૂ કરી શકાય એવું કંઈ કામ બતાવો! ‘મારું તો ગેંડાને, અને લૂંટું તો ભંડારને’ એવી જો પ્રતિજ્ઞા કરીને બેસશો તો ગેંડો પણ સલામત રહેશે, ભંડાર પણ સલામત રહેશે અને તમે પણ જેમ આરામથી બેઠા છો તેમ બેઠા રહેશો. એટલે હું દરખાસ્ત મૂકું છું, આપણે દરેક બબ્બે પરપ્રાન્તીય છોકરાઓનું પાલનપોષણ કરવું, એમને ભણાવવા-ગણાવવાની અને એમનાં શરીર-મનની તમામ જવાબદારી આપણે માથે લેવી.’
શ્રીશે કહ્યું: ‘બતાવીને તેં આ કામ બતાવ્યું? આટલા વાસ્તે આપણે સંન્યાસધર્મ ગ્રહણ કર્યો છે શું? છેવટે જો છોકરાંની જવાબદારી લેવાની હોય, તો પછી પોતાનાં છોકરાંએ શો ગુનો કર્યો છે?’
વિપિને ચિડાઈને કહ્યું: ‘એમ કહેતા હોય તો પછી સંન્યાસીને માટે કોઈ કર્મ જ નથી. કર્મમાં ગણો ના ગણો તો ભિક્ષા, ભ્રમણ અને પાખંડ!’
શ્રીશે ગુસ્સે થઈને કહ્યું: ‘હું જોઉં છું આપણામાં કોઈ કોઈ એવા છે જેમને આપણી સભાના મહાન ઉદ્દેશ પ્રત્યે જરા પણ શ્રદ્વા નથી. એ લોકો જેમ વહેલા આ સભા છોડીને જાય, અને સંતાન-ઉછેરમાં લાગી જાય તેમ આપણી સભાને ફાયદો છે.’
વિપિનનું મોં લાલ થઈ ગયું. તે બોલ્યો: ‘મારે વિષે હું કશું જ કહેવા નથી માગતો, પરંતુ મારે કહેવું પડે છે કે આ સભામાં કોઈ કોઈ એવો છે જેઓ સંન્યાસની કઠોરતા સહન કરવાને, અને સંતાન-ઉછેર મારે કરવો પડતો ત્યાગ—બેઉને માટે અયોગ્ય છે. એમણે—’
ચંદ્રમાધવબાબુએ કામકાજનો ચોપડો આંખો આગળથી ખસેડીને કહ્યું: ‘આ બાબતમાં પૂર્ણબાબુનો શો મત છે એ જાણ્યા પછી હું મારો મત જાહેર કરી શકીશ.’
પૂર્ણે કહ્યું: ‘આજે ખાસ તો સભાની એકતાના હેતુથી કોઈ કામ ઉપાડવાનો સવાલ ઊભો થયો છે. પરંતુ કામકાજની સૂચનામાં ઐક્યનાં કેવા લક્ષણ પ્રગટ થયાં છે એ હવે કોઈની આંખમાં આંગળી નાખીને બતાવવાની જરૂર નથી. આવા સંજોગોમાં હું જો કોઈ ત્રીજી સૂચના કરું તો વિરોધાનલમાં ત્રીજી આહુતિ આપવા જેવું થશે. એટલે, મારી સૂચના એ છે કે પ્રમુખ મહાશય પોતે જ આપણે શું કરવાનું છે તે નક્કી કરી આપે, અને આપણે તે માથે ચડાવી લઈ, નિ:શંક મને તેનું પાલન કરીએ. કાર્યસિદ્વિનો અને ઐક્યસિદ્વિનો મને તો આ એક જ રસ્તો દેખાય છે.’ બાજુના ઓરડામાં ફરી કોઈ હાલ્યું, અને એની ચાવીઓનો રણકાર સંભળાયો.
સાંસારિક બાબતોમાં ચંદ્રમાધવબાબુના જેવો અકુશળ ભાગ્યે જ કોઈ હશે, પરંતુ તેમના મનનું વલણ વેપાર તરફ હતું. તેમણે કહ્યું: ‘આપણું પહેલું કર્તવ્ય ભારતવર્ષની ગરીબાઈનો નાશ કરવાનું છે, અને વેપાર સિવાય ગરીબાઈનો નાશ એટલી સહેલાઈથી ને ઝડપથી થાય તેમ નથી. આપણે છીએ ત્રણ કે ચાર, એટલે બહુ મોટો વેપાર તો નહિ ખેડી શકીએ, પણ તેનો સૂત્રપાત અવશ્ય કરી શકીશું. ધારો કે આપણે દીવાસળીનો ધંધો શરૂ કરીએ છીએ. જો આપણે એવું લાકડું શોધી કાઢીએ કે જે ઝટ સળગે પણ ઝટ હોલવાય નહિ, અને દેશમાં બધે જોઈએ એટલું મળી આવે, તો દેશમાં સસ્તી દીવાસળી પેદા કરવામાં કંઈ જ મુશ્કેલ નથી.’
તે પછી જાપાન અને યુરોપમાં બધી મળીને કેટલી દીવાસળીઓ તૈયાર થાય છે, તેમાં કઈ કઈ જાતનું લાકડું વપરાય છે, લાકડાની સાથે કયા કયા દાહક પદાર્થોનું મિશ્રણ થાય છે, ક્યાંથી કેટલી દીવાસળીઓ પરદેશ ચડે છે, તેમાંની કેટલી હિદુસ્તાનમાં આવે છે અને તેની કિંમત શું હોય છે તેનું ચંદ્રમાધવબાબુએ વિસ્તારથી વર્ણન કર્યું.
વિપિન અને શ્રીશ સ્તબ્ધ બની બેસી રહ્યા.
પૂર્ણે કહ્યું: ‘એક-બે જાતનાં લાકડાં લઈને હું વહેલામાં વહેલી તકે એની પરીક્ષા કરી જોઈશ.’
શ્રીશે મોં ફેરવી હસ્યો. એવામાં અક્ષયે પ્રવેશ કર્યો. તેણે કહ્યું: ‘મશાય, હું આવી શકું છું?’
ક્ષીણદૃષ્ટિ ચંદ્રમાધવબાબુ એકદમ ઓળખી ન શકવાથી ભવાં ચડાવી આભા બની જોઈ રહ્યા.
અક્ષયે કહ્યું: ‘મશાય, બીશો નહિ, અને આમ ભવાં ચડાવી મને પણ બિવડાવશો નહિ.—હું અભૂતપૂર્વ નથી—ઊલટું, હું તમારો જ ભૂતપૂર્વ —મારું નામ—’
ચંદ્રમાધવબાબુ એકદમ ઊભા થઈને બોલ્યા: ‘હવે નામ દેવાની જરૂર નથી—આવો, આવો, અક્ષયબાબુ!’
ત્રણ તરુણ સભ્યોએ અક્ષયને પ્રણામ કર્યો.
વિપિન અને શ્રીશ બે મિત્રો તાજા કલહને લીધે ઉદાસ બની મોં ચડાવી બેસી રહ્યા.
પૂર્ણે કહ્યું: ‘મશાય, અભૂતપૂર્વના કરતાં ભૂતપૂર્વની જ બીક વધારે લાગે છે.’
અક્ષયે કહ્યું: ‘પર્ણબાબુ બુદ્વિમાન બોલે તેવું જ બોલ્યા છે. સંસારમાં બધા ભૂતથી જ ડરે છે. ભૂતથી બીજા માણસનો જીવનસંભોગ ખમાતો નથી, એમ સમજી માણસ ભૂતને ભયંકર ધારે છે. માટે પ્રમુખ સાહેબ, ચિરકુમારસભાના આ ભૂતને સભામાંથી હાંકી કાઢશો કે જૂના પરિચયની મમતાથી એને બેસવા ખુરશી આપશો? બોલો.’
‘ખુરશી જ અપાશે.’ એમ કહી ચંદ્રબાબુએ એક ખુરશી આગળ ધરી.
‘સૌની સંમતિથી હું આ આસન ગ્રહણ કરું છું.’ એમ કહી અક્ષયબાબુ ખુરશીમાં બેઠા. પછી બોલ્યા: ‘આપ સૌએ નિતાન્ત ભદ્રતાપૂર્વક મને બેસવાનું કહ્યું, પરંતુ હું અભદ્ર બની બેસી રહું એવો અસભ્ય મને ધારશો નહિ. વળી પાન, તમાકુ ને પત્ની એ ત્રણ આપની સભાના નિયમ બહારના પદાર્થો છે, પરંતુ મને એ ત્રણે બૂરાં વ્યસનોએ મહાત કર્યો છે, એટલે કામ ઝટપટ પતાવીને મારે ઘર તરફ રવાના થઈ જવું પડશે.’
ચંદ્રબાબુએ હસીને કહ્યું: ‘આપ સભ્ય નથી, એટલે સભાનો નિયમ આપને લાગુ નથી પડતો—પાન તમાકુની તો અહીં ગોઠવણ કરી શકાશે એમ લાગે છે, પણ આપનું ત્રીજું વ્યસન—’
અક્ષયે કહ્યું: ‘એ અહીં લઈ આવવાનો પ્રયત્ન કરશો નહિ,—મારું એ વ્યસન જાહેર વ્યસન નથી.’
ચંદ્રબાબુએ પાન તમાકુ માટે પોતાના નોકર સનાતનને બોલાવવાનું કરતા હતા.
ત્યાં પૂર્ણે કહ્યું: ‘રહો, હું બોલાવું છું.’
આમ કહી ‘એ ઊઠ્યો. બાજુના ઓરડામાંથી ચાવીઓ, ચૂડીઓનો અને દોડવાનો અવાજ એકસાથે સંભળાયો.
અક્ષયે પૂર્ણેને રોકીને કહ્યું: ‘યસ્મિન્ દેશે યદાચાર: જ્યાં લગી હું બેઠો છું ત્યાં લગી હું પણ આપનો ચિરકુમાર જ છું—મારામાં ને ચિરકુમારમાં કશો ફેર નથી. હવે મુદ્દાની વાત પર આવું.’
ચંદ્રબાબુ મેજ ઉપર કામકાજના ચોપડા ઉપર ખૂબ ઝૂકીને એકચિત્તે શ્રવણ કરવા લાગ્યાં.
અક્ષયે કહ્યું: ‘પરામાં મારો એક શ્રીમંત મિત્ર રહે છે. તે પોતાના એક સંતાનને આપની સભાનો સભાસદ બનાવવા ઇચ્છે છે.’
ચંદ્રબાબુએ નવાઈ પામી પૂછ્યું: ‘બાપ થઈને છોકરાને પરણાવવા નથી ઇચ્છતો?’
અક્ષયે કહ્યું: ‘એ વિષે આપ બેફિકર રહેજો. એ કદી પણ લગ્ન કરનાર નથી અનો હું જામીન થાઉં છું. એના દૂરના સગપણના એક દાદા પણ સભાસદ થવાનું કહે છે. એમને વિષે હું તમને હિંમતથી બેફિકર રહેવાનું કહું છું. કારણ કે જો કે, તેઓ આપ બધાના જેવા સુકુમાર નથી, પરતું આપના સૌના કરતાં તેઓ વધારે કુમાર છે—તેમની ઉંમર સાઠથી વધારે થઈ છે—એટલે એમની વય સંદેહથી પર છે—સદ્ભાગ્યે આપ સૌનું પણ એવું છે.’
અક્ષયબાબુની આ વાત સાંભળી ચિકકુમારોની સભા પ્રફુલ્લ બની ગઈ. પ્રમુખ મહાશયે કહ્યું: ‘સભ્ય થવા માગનારાઓનાં નામ-ઠામ વગેરે—’
અક્ષયે કહ્યું: ‘તેમને નામ-ઠામ વગેરે નથી એવું કોણે કહ્યું? સભા એ જ્ઞાનથી વંચિત નહિ રહે. સભ્યની સાથે જ તેનાં નામઠામ વગેરે સંપૂર્ણ હકીકત આવશે જ. પરતું આપનો આ ભોંયતળિયાનો ભીનો ઓરડો સ્વાસ્થ્યની દૃષ્ટિએ અનુકૂળ નથી. આપના આ થોડા ઘણા ચિરકુમારોના ચિરત્વને નુકસાન ન પહોંચે એ તરફ જરા ધ્યાન આપવું જોઈએ.’
ચંદ્રબાબુ કંઈક શરમાઈને ચોપડો નાકની પાસે લઈ જઈને બોલ્યા: ‘અક્ષયબાબુ, તમે ક્યાં નથી જાણતાં, અમારી આવક—’
અક્ષયે કહ્યું: ‘આવકની વાત બહુ ઉખેળશો નહિ. એ વાત ચિત્તને પ્રસન્ન કરનારી નથી હોતી એની મને ખબર છે. પણ સારા મકાનનો બંદોબસ્ત થઈ ગયો છે. એને આપના ખજાનચીને પૂછવાની પણ જરૂર નહિ પડે. ચાલોને, આજે જ બધું જોઈ નક્ક્કી કરી નાખીએ.’
ઉદાસ બની બેઠેલો વિપિન અને શ્રીશના મોં ઉજ્જ્વ બની ગયાં. પ્રમુખ સાહેબ પણ પ્રફુલ્લ બની ગયા, અને એવા ઉત્સાહથી ફરીફરીને કેશમાં આંગળાં ફેરવવા લાગી ગયા કે માથાનો એકેએક વાળ અવ્યવસ્થિત બની ગયો. પરંતુ પૂર્ણ બિલકુલ નિરુત્સાહ બની ગયો. તેણે કહ્યું: ‘સભાસ્થાન બદલવાની જરાયે જરૂર નથી.’
અક્ષયે કહ્યું: ‘કેમ, એક ઘરમાંથી બીજા ઘરમાં જવા માત્રથી જ શું તમારો ચિરકૌમાર્યનો દીવડો હવા લાગતાં હોલવાઈ જશે?’
પૂર્ણે કહ્યું: ‘આ ઘર કંઈ અમારું ખરાબ નથી.’
અક્ષયે કહ્યું: ‘ખરાબ કોણ કહે છે? પણ આના કરતાં સારું ઘર શહેરમાં મળી શકે છે.’
પૂર્ણે કહ્યું: ‘મને તો લાગે છે કે વિલાસિતા તકફ ધ્યાન ન આપતાં, જરાતરા કષ્ટ સહન કરવાની ટેવ પાડવી સારી.’
શ્રીશે કહ્યું: ‘ એ ટેવ સભાની બેઠકમાં પાડવાને બદલે સભાની બહાર પાડી શકાશે.’
વિપિને કહ્યું: ‘કોઈ એક કામમાં પ્રવૃત્ત થવાથી જ એટલું સહેવાનું આવે છે કે બીજી બાબતમાં નકામો શક્તિનો વ્યય કરવો એ કેવળ મૂઢતા છે.’
અક્ષયે કહ્યું: ‘હે મિત્રો! મારી સલાહ સાંભળો. સભાખંડના અંધકાર વડે ચિરકૌમાર્યવ્રતના અંધકારને બહુ ન વધારો! પ્રકાશ અને પવન એ નારીજાતિના શબ્દો નથી, માટે સભાખંડમાં એ બંનેને આવવાની મના ન કરે. વળી વિચાર કરી જોતાં તમને જણાશે કે આ જગા ભેજવાળી હોેવાથી ખૂબ સ-રસ છે, એથી તમારા વ્રતને માટે તે અનુકૂળ નથી. વાયુની ટીકા કરવી હોય તો કરો, પણ વાયુનો વિષય તમારી પ્રતિજ્ઞાની બહારનો છે. તમે શું કહો છો, શ્રીશબાબુ? વિપિનબાબુ, તમારો શો મત છે?’
બંને દોસ્તોએ કહ્યું: ‘તમારી વાત સાચી છે. ચાલોને, એક વખત એ ઘર જોઈ આવીએ.’
પૂર્ણ ઉદાસ બની ગયો. તે કંઈ બોલ્યો નહિ. બાજુના ઓરડામાં પણ ચાવીનો રણકાર થયો, પણ એમાં પહેલાંના જેવો ઉત્સાહ ન હતો.