‘મુખુજ્જે મશાય!’
અક્ષયે કહ્યું: ‘જી, હુકમ!’
શૈલે કહ્યું: ‘પેલા ખાનદાનના દીકરાઓને કોઈ રીતે ભગાડવા પડશે.’
અક્ષયે ઉત્સાહમાં આવી કહ્યું: ‘હાસ્તો!’
આમ કહી એણે રામપ્રસાદી સૂરમાં ગાવા માંડ્યું:
‘જોઉં કોણ આવે તારી પાસે!’
તું રહેવાની એકેશ્વરી,
એક હું રહેવાનો પાસે! -જોઉંo
શૈલે જરા હસીને કહ્યું: ‘એકેશ્વરી?’
અક્ષયે કહ્યું: ‘એકેશ્વરી નહિ, તો ચારઈશ્વરી! શાસ્ત્રમાં કહ્યું છે કે ‘અધિકં તુ ન દોષાય |’
શૈલે કહ્યું: ‘અને શું તમે એકલા રહેવાના છો? તમારી બાબતમાં ‘અધિકં તુ’ નહિ?’
અક્ષયે કહ્યું: ‘અહીં શાસ્ત્રમાં એક બીજું પવિત્ર વચન લાગુ પડે છે—‘સર્વમ્ અત્યંતગર્હિતમ્ |’
શૈલે કહ્યું: ‘પણ મુખુજ્જે મશાય, એ પવિત્ર વચન પણ નહિ ચાલે, બીજા સાથીદારો આવવાના.’
અક્ષયે કહ્યું: ‘એટલે? તમારા આ એક સાળા(બનેવી)ની જગાએ દશ સાળા થશે? તો તે વખતે નવો રસ્તો શોધી લેવાશે. ત્યાં લગી ખાનદાનનાં બચ્ચાંકચ્ચાંને ઘરમાં પગ નહિ મૂકવા દઉં!’
એટલામાં નોકરે આવીને ખબર આપ્યા કે બે બાબુ પધાર્યા છે.
શૈલે કહ્યું: ‘એ લોકો જ આવ્યા લાગે છે. બહેન અને મા રસોડામાં રોકાયેલાં છે. તેઓ બહાર આવે, એ પહેલાં જ આમને કોઈ રીતે વિદાય કરી દો.’
અક્ષયે પૂછ્યું: ‘ઇનામ શું મળશે?’
શૈલે કહ્યું: ‘અમે તમારી બધી સાળીઓ મળીને તમને રાજા સાળીવાહનનો ખિતાબ આપીશું.’
અક્ષયે કહ્યું: ‘શાલીવાહન ધ સેકન્ડ!’
શૈલે કહ્યું: ‘સેકન્ડ શાનો? એ શાલીવાહનનું નામ ઇતિહાસમાંથી બિલકુલ ઊડી જ જવાનું! તમે કહેવાશો સાળીવાહન ધ ગ્રેટ!’
અક્ષયે કહ્યું: ‘શું કહો છો! ત્યારે તો રાજ્યસમયની નવી સાલ શરૂ થશે, ખરું ને?’
આમ કહી ખૂબ આડંબર સહિત એણે ભૈરવીમાં ગાવા માંડ્યું:
જરૂર તું મને મહાપુરુષ કરી દેશે,
પ્રસન્નનેત્રે મારા ભાલે રાજતિલક લખી દેશે!
શૈલબાલા ચાલી ગઈ.
નોકરને હુકમ મળતાં તે બંને ને છોકરાઓને અંદર લઈ આવ્યો.
એક છોકરો બેડોળ લાગે એટલો બધો ઊંચો ને પાતળો હતો. તેણે પગમાં બૂટ પહેર્યા હતા, ધોતલી માંડ ઘૂંટણ સુધી પહોંચતી હતી. આંખો ઊંડી ઊતરી ગયેલી હતી. મેલેરિયાના રોગી જેવો એનો ચહેરો હતો. ઉંમર બાવીસથી બત્રીસ સુધી જે ઠરાવવી હોય તે ખુશીથી ઠરાવી શકાય. બીજો જાડો ને ઠીંગણોે હતો; એનાં દાઢીમૂછ ખૂબ વધેલાં હતાં. નાક વાટકી જેવું હતું. કપાળ ટેકરા જેવું હતું. રંગ કાળો હતો, ને ચહેરો ગોળ હતો.
અક્ષય ખૂબ માનપૂર્વક ઊભો થઈ તેમને સામે લેવા ગયો. એણે એવા જોરથી એમની સાથે હાથ મિલાવ્યા કે બિચારાઓને લાગ્યું કે અમારા હાથ હમણાં ભાંગી જશે.
અક્ષયે કહ્યું: ‘પધારો મિસ્ટર નેથેનિયલ, પધારો મિસ્ટર જેરેમાયા, બેસો, બેસો! એ…ઇ, મેમાનને માટે બરફનું પાણી લાવ, હૂકો લાવ!’
પાતળો છોકરો આ પરદેશી બોલી સાંભળીને એકદમ સંકોચ પામી ધીરેથી બોલ્યો: ‘જી, મારું નામ મૃત્યુંજય ગાંગુલિ.’
બટકા છોકરાએ કહ્યું: ‘જી, મારું નામ શ્રી દારુકેશ્વર મુખોપાધ્યાય.’
અક્ષયે કહ્યું: ‘છી! મશાય! શું હજી આપ એ નામ રાખી રહ્યા છો! આપનાં ખ્રિસ્તી નામ શાં છે?’
બંને મહેમાનો મૂઢ બની જોઈ રહ્યા. એ જોઈ અક્ષયે કહ્યું: ‘હજી તમારો નામકરણ સંસ્કાર થયો લાગતો નથી. હશે, કંઈ વાંધો નહિ. હજી ઘણો વખત છે.’
આમ કહી એણે પોતાના હૂકાની નળી મૃત્યુંજયની સામે ધરી. મૃત્યુંજય લેવા ન લેવાના વિચારમાં પડી ગયો. એ જોઈ એણે કહ્યું: ‘વાહ! મારી આગળ શરમાવાનું કેવું! સાત વરસની ઉંમરે તો હું ચોરીછૂપીથી હૂકો પીવામાં પાવરધો બની ગયો હતો. એનો ધુમાડો લાગી લાગીને બુદ્ધિમાં જાળાં બાઝી ગયાં હતાં! એમ જો શરમાવું પડતું હોય તો હું ભદ્રસમાજમાં મોં પણ ન બતાવી શકું.’
આ સાંભળી દારુકેશ્વરમાં હિંમત આવી. એણે ફસ દઈને મૃત્યુંજયના હાથમાંથી હૂકો ખૂંચવી લઈ ગડગડ અવાજ કરી પીવા માંડ્યો.
પછી અક્ષયે ગજવામાંથી કડક બર્મી ચિરૂટ કાઢીને મૃત્યુંજયના હાથમાં મૂકી. મૃત્યુંજયને ચિરૂટ પીવાની ટેવ નહોતી, તો પણ નવી બંધાયેલી ભાઈબંધીની ખાતર, જીવનો મોહ જતો કરીને પણ તેણે ધીરે ધીરે તેનો દમ લેવા માંડ્યો, અને જેમ તેમ કરીને ખાંસી દાબી રહ્યો.
અક્ષયે કહ્યું: ‘હવે મુદ્દાની વાત પર આવીએ. કેમ, ખરું ને!’
મૃત્યુંજય કંઈ બોલ્યો નહિ. પણ દારુકેશ્વરે કહ્યું: ‘હાસ્તો, શુભસ્ય શીઘ્રમ્—સારા કામમાં વિલંબ શા માટે?’
આમ કહીને તે હસવા લાગ્યો. તેને થયું કે ભાઈબંધી ઠીક જામી રહી છે.
પછી અક્ષયે ગંભીરતા ધારણ કરી પૂછ્યું: ‘મુરઘી કે મટન?’
મૃત્યુંજય આભો બની માથું ખંજવાળવા લાગ્યો. દારુકેશ્વર કંઈ સમજ ન પડવાથી કેવળ હસવા જ લાગ્યો.
મૃત્યુંજય ક્ષુબ્ધ અને લજ્જિત બનીને વિચાર કરવા લાગ્યો કે આ બે જણે તો બરાબર જમાવી દીધું, હું જ ઢબ્બુ જેવો રહ્યો.
અક્ષયે કહ્યું: ‘અરે મશાય! નામ સાંભળીને આટલું હસવું આવે છે, તોે ગંધથી બેભાન બની જશો, ને ભાણામાં આવશે ત્યારે, વખતે તમારો જીવ નીકળી જશે! હશે, પણ વિચાર કરીને જવાબ આપો—મુરઘી ચાલશે કે મટન?’
હવે બંનેને સમજ પડી કે ભોજનની વાત થઈ રહી છે.
ભીરુ મૃત્યુંજય મૂંગો મૂંગો વિચાર કરવા લાગ્યો. દારુકેશ્વરના મોંમાં પાણી વળી ગયું. તેણે ઘડીક ચારે તરફ નજર કરી લીધી.
અક્ષયે કહ્યું: ‘એમાં બીવાનું શું છે, મશાય? નાચવું ને ઘૂમટો ઓઢી રાખવો બેય કેમ બનશે?’
આ સાંભળીને દારુકેશ્વર બે હાથે બે પગ ઠબકારતો હસવા લાગ્યો. તેણે કહ્યું: ‘તો મુરઘી જ ઠીક છે. કટલેટ—તમે શું કહો છો?’
મૃત્યુંજય પણ લોભાયો. તેણે હિંમત ભેગી કરીને કહ્યું: ‘મટન પણ શું ખોટું છે, ભાઈ! ચૉપ—’
પણ એ વાક્ય પૂરું કરી શક્યો નહિ.
અક્ષયે કહ્યું: ‘ગભરાઓ છો શું કરવા, દાદા! બેય આવશે. ખાવું તો તબિયતથી ખાવું. બેચેનીથી ખાવામાં મજા નથી આવતી.’
પછી તેણે નોકરને બોલાવી કહ્યું: ‘એ…ઇ,ગલીના નાકા પરની હોટલમાંથી કલીમદ્દી ખાનસામાને જરા બોલાવી લાવ તો!’
પછી અક્ષયે મૃત્યુંજયને અંગૂઠાનો ગોદો મારીને ધીરેથી કહ્યું: ‘બિયર કે શેરી?’
મૃત્યુંજયે શરમાઈને મોં ફેરવી લીધું.
દારુકેશ્વરે પોતાના સાથીદારને અરસિક સમજી તેને મનમાં ને મનમાં ગાળ દઈ કહ્યું: ‘વિસ્કીનો બંદોબસ્ત થાય એમ નથી?’
અક્ષયે તેની પીઠ થાબડીને કહ્યું: ‘નથી કેમ? તો હું અત્યાર સુધી જીવતો રહ્યો છું કેવી રીતે?’
આમ કહી એણે નાટકી ઢબે ગાવા માંડ્યું:
‘અભય દિયો તો બોલું મારી ૧વીશ ૨કી! (૧. wish-ઇચ્છા. ર. -કી—(બંગાળી) શું.)
છટાંક સોડાજળમાં પાકી ત્રણ ત્રણ પાશેર વિસ્કી!
માંદલા મૃત્યુંજયને પણ લાગ્યું કે હવે હસ્યા વગર નહિ ચાલે. દારુકેશ્વરે એકદમ એક ચોપડી ખેંચી લીધી, ને નરઘાંની પેઠે એને ટપાટપ વગાડવા માંડી.
અક્ષય બે લીટી ગાઈને અટકી પડ્યો, એટલે દારુકેશ્વરે કહ્યું: ‘દાદા! ગીત પૂરું કરો!’
આમ કહી એણે પોતે જ શરૂ કર્યું:
‘અભય દિયો તો બોલું મારી વિશ કી!’
મૃત્યુંજય મનમાં મનમાં એની વાહવાહ પોકારવા લાગ્યો.
અક્ષયે મૃત્યુંજયને ગોદો મારી કહ્યું: ‘ગાવા લાગો, તમેય ભેગા ગાવા લાગો!’
મૃત્યુંજય ભોંઠો પડીને, પોતાનું માન જાળવવા ધીરેથી દારુકેશ્વરની સાથે ગણગણવા લાગ્યો. અક્ષયે હવે મેજ પર વગાડવા માંડ્યું.
વગાડતાં વગાડતાં એકદમ થંભી જઈને, ગંભીરતા ધારણ કરી એ બોલ્યો: ‘અરે! અરે! પણ મુદ્દાની વાત તો પૂછવાની જ રહી ગઈ. અહીં તો બધું નક્કી છે—હવે તમે શામાં રાજી છો એ કહો!’
દારુકેશ્વરે કહ્યું: ‘અમને વિલાયત મોકલવા પડશે.’
અક્ષયે કહ્યું: ‘એમાં કહેવાનું જ શું છે? તાર કાપ્યા વગર શેમ્પેનની બાટલી કદી ઊઘડે ખરી? દેશમાં રહેવાથી આપના જેવા માણસોની વિદ્યા ને બુદ્વિ દબાઈ રહે છે. બંધન તૂટતાં જ એ નાકમાંથી, મોંમાથી ને આંખોમાંથી ફુવારાની પેઠે ઊડવા માંડશે.’
દારુકેશ્વરે ખુશખુશ થઈ અક્ષયનો હાથ પકડી લઈ કહ્યું: ‘દાદા, આટલું તમારે કરી આપવું પડશે. સમજી ગયા ને?’
અક્ષયે કહ્યું: ‘એમાં શું? પણ બાપ્તિસ્મા આજે થશે ને?’
દારુકેશ્વરને થયું કે મશ્કરી સમજમાં નથી આવતી. તેણે હસતાં હસતાં પૂછ્યું: ‘એ શું?’
અક્ષયે જરા નવાઈ પ્રગટ કરીને કહ્યું: ‘કેમ, પહેલેથી જ બધું નક્કી થઈ ગયું છે ને! રેવરંડ વિશ્વાસ આજે રાતે જ આવવાના છે. બાપ્તિસ્મા થયા વગર ખ્રિસ્તીધર્મ પ્રમાણે લગ્ન કેવી રીતે થઈ શકે?’
મૃત્યુંજયે ખૂબ ભડકીને કહ્યું: ‘ખ્રિસ્તીધર્મ પ્રમાણે શા માટે, મશાય?’
અક્ષયે કહ્યું: ‘વાહ! તમે તો જાણે કશું જાણતા જ ન હો એમ બોલો છો! અ નહિ બને—ગમે તેમ, આજે રાતે જ બાપ્તિસ્મા થશે. એ વગર નહિ ચાલે.’
મૃત્યુંજય પૂછ્યું: ‘તમે લોકો શું ખ્રિસ્તી છો?’
અક્ષયે કહ્યું: ‘ઢોંગ કરવો જવા દો, મશાય! જાણે કશું જાણતા જ નથી, કાં!’
મૃત્યુંજય ખૂબ ભયભીત બનીને બોલ્યો: ‘મશાય, અમે હિંદુ છીએ, બ્રાહ્મણનાં સંતાન છીએ. અમે વટલાવા તૈયાર નથી.’
અક્ષયે એકદમ મિજાજ કરીને કહ્યું: ‘વાહ! કલીમદ્દીના હાથની મુરઘી ખાવી છે, વિલાયત જવું છે, ને વટલાવું નથી?’
મૃત્યુંજય ગભરાઈ ગયો. તે બોલ્યો: ‘બસ, બસ, બસ કરો! બોલશો નહિ! કદાચ કોઈ સાંભળી જશે.’
પછી દારુકેશ્વરે કહ્યું: ‘તમે આમ આકળા ન બનો, મશાય! અમે જરા વિચાર કરી જોઈએ.’
આમ કહી મૃત્યુંજયને એક ખૂણામાં લઈ જઈને તેણે કહ્યું: ‘વિલાયતથી પાછા આવીને એક વખત પ્રાયશ્ચિત્ત તો કરવું જ પડવાનું છે. તો તે વખતે ડબલ પ્રાયશ્ચિત્ત કરીને એકદમ પાછા ધર્મમાં આવી જવાનું. બાકી આ તક ખોઈ તો વિલાયત જઈ રહ્યા! જોયું નહિ, આજલગીમાં કેટલા સસરાઓને મળ્યા, પણ કોઈ હા પાડે છે? અરે ભાઈ, ખ્રિસ્તીનો હૂકો પીધો, ચિરૂટ પીધી, હવે ખ્રિસ્તી થવામાં બાકીયે શું રહ્યું છે તે?’
આમ કહી તેણે અક્ષય પાસે આવી કહ્યું: ‘વિલાયત મોકલવાની વાત તો પાકી છે ને! તો અમે ખ્રિસ્તી થવા ખુશી છીએ.’
મૃત્યુંજયે: ‘પણ આજની રાત જવા દો!’
દારુકેશ્વરે કહ્યું: ‘અરે! થવું જ છે તો પછી ઝટપટ થઈ જવામાં જ મજા છે. મેં તો પહેલેથી જ કહ્યું છે કે શુભસ્ય શીઘ્રમ્!’
એટલામાં પાછલા ઓરડામાં ઘરની સ્ત્રીઓ આવી પહોંચી. નોકર બે થાળમાં મેવો, મિષ્ટાન્ન અને બરફનું પાણી લઈને આવી પહોંચ્યો.
એ જોઈ નિરાશ થઈ દારુકેશ્વરે કહ્યું: ‘કેમ, મશાય! અમારા નસીબમાંથી મુરઘી ઊડી ગઈ કે શું? કટલેટ ક્યાં છે?’
અક્ષયે ધીરેથી કહ્યું: ‘આજે આનાથી ચલાવી લો!’
દારુકેશ્વરે કહ્યું: ‘એ કંઈ ચાલે, મશાય! આશા આપીને હવે નિરાશ કરો છો? સસરાને ઘેર આવીએ, અને મટન ચૉપ પણ ન મળે? અને આ બરફનું પાણી! મશાય, એ નહિ ચાલે! મારાથી સાદું પાણી પીવાતું નથી. મારો શરદીનો કોઠો છે!’
આમ કહી એણે ગાન શરૂ કરી દીધું:
‘અભય દિયો તો બોલું મારી વિશે કી!’—વગેરે.
અક્ષયે મૃત્યુંજયને ગોદા મારવા લાગ્યો ને ધીરેથી ઉશ્કેરવા લાગ્યો: ‘બોલ ને, તુંયે ભેગો બોલવા લાગ ને!—મૂંગો કેમ બેઠો છે?’
એ પણ કંઈક બીને, તો કંઈક શરમાઈને ધીરે ધીરે ગાવામાં સૂર પૂરવા લાગ્યો.
ગાયનની ગરમી ઓછા થઈ એટલે અક્ષયે ભોજનપાત્ર બતાવીને કહ્યું: ‘સાચેસાચ આ નહિ ચાલે?’
દારુકેશ્વરે ઉત્તેજિત થઈને કહ્યું: ‘નહિ, મશાય, એ બીમાર આદમીઓનો ખોરાક છે, એ નહિ ચાલે. મુરઘી ન ખાધી એટલે તો દેશની આ દશા થઈ છે!’
આમ કહી એણે હૂકો ગગડાવવા માંડ્યો.
અક્ષયે એના કાન પાસે જઈને લખનૌ ઠૂમરીમાં ગાવા માંડ્યું:
‘બોલો, ક્યાં લગી, ક્યાં લગી ભારત રે,
ખાલી દાળ ભાત જળ ખાયા કરે?’
આ સાંભળતાં જ દારુકેશ્વરમાં ઉત્સાહ આવી ગયો. એણે એ લીટીઓ પકડી લીધી, અને મૃત્યુંજય પણ અક્ષયનો છૂપો ગોદો વાગતાં શરમાતો શરમાતો ધીરે ધીરે એમાં સૂર પૂરવાં લાગ્યો.
પછી અક્ષયે એમના કાનમાં આગળ ચલાવ્યું:
‘આખા દેશમાં અન્નપાણીનો દુકાળ,
કિંતુ વિસ્કી ને મુરઘીમટનનો સુકાળ!’
તરત જ દારુકેશ્વરે ઉત્સાહમાં આવી જોરથી એ લીટીઓ લલકારવા માંડી, અને અક્ષયના અંગૂઠાનો જોરદાર ગોદો ખાઈ મૃત્યુંજય પણ ઉત્સાહમાં આવી પોતાની શક્તિ પ્રમાણે એમાં સૂર પૂરવા લાગ્યો.
અક્ષયે આગળ ચલાવ્યું:
‘જાઓ ચોટલી ને ઠાકોરજી, જાઓ તમે!
દાઢીવાળા મિયાં કલીમદ્દી, આવો તમે!
ગાવાનો ઉત્સાહ જેમ વધતો ગયો તેમ બારણાંની પાછળથી ગુસપુસ અવાજ સંભળાવા માંડ્યો. અક્ષયે બિલકુલ ભોળા માણસની પેઠે વચમાં વચમાં એ તરફ નજર કરી લેતો હતો.
એવામાં હાથમાં ગંદો રૂમાલ લઈને કલીમદ્દી આવ્યો ને સલામ કરી ઊભો.
એને જોઈ દારુકેશ્વર ઉત્સાહમાં આવી ગયો, ને પૂછવા લાગ્યો: ‘કેમ ચાચા! આજે આજે શું રાંધ્યું છે, કહો જોઉં?’
કલીમદ્દી લાંબી યાદી બોલી ગયો.
દારુકેશ્વરે કહ્યું: ‘એકેએક ચીજ સરસ છે!’ પછી તેણે અક્ષયને કહ્યું: ‘મશાય, તમે શું વિચારમાં પડી ગયા? મને તો આમાં કોઈ ચીજ બાદ કરવા લાગતી નથી. લાગે છે તમને કંઈ?’
અક્ષય ઓથે ઊભેલાંની તરફ કટાક્ષ કરીને બોલ્યો: ‘આપ સૌ સમજો તે ખરું.’
દારુકેશ્વરે કહ્યું: ‘હું તો એમ કહું છું કે બ્રાહ્મણેભ્યો નમ: કહીને બધી ચીજોનો માનપૂર્વક સત્કાર કરવો!’
અક્ષયે કહ્યું: ‘હાસ્તો! જે પૂજ્ય તે પૂજ્ય જ છે.’
કલીમદ્દી સલામ કરીને ગયો.
અક્ષયે જરા ગળું ખોંખરીને પૂછ્યું: ‘સજ્જનો, તો શું તમે બેઉ આજે રાતે જ ખ્રિસ્તી થવા માગો છો?’
ખાણું મળવાની આશાએ દારુકેશ્વર પ્રફુલ્લ બની ગયો હતો. તેણે કહ્યું: ‘મારો તો સિદ્વાંત છે કે શુભસ્ય શીઘ્રમ્! આજે જ ખ્રિસ્તી બની જાઉં, હમણાં જ ખ્રિસ્તી બની જાઉં! પહેલાં ખ્રિસ્તી થાઉં પછી બીજી બધી વાત! મશાય, હવે આ કોળાનું શાક ને અડદની દાળ ખાઈને જિવાય એવું લાગતું નથી. હમણાં ને હમણાં તમારા પાદરીને બોલાવો!’
‘જાઓ ચોટલી ને ઠાકોરજી, જાઓ તમે,
દાઢીવાળા મિયાં કલીમદ્દી આવો તમે!’
એટલામાં નોકરે આવીને અક્ષયના કાનમાં કહ્યું: ‘મા આપને બોલાવો છે.’
અક્ષય ઊઠીને બારણાં પાછળ ગયો, એટલે જગત્તારિણીએ કહ્યું: ‘આ શું? શું માંડ્યું છે આ?’
અક્ષયે ગંભીરતા ધારણ કરી કહ્યું: ‘એ બધું પછી, મા! પણ એ લોકો વિસ્કી માગે છે. શું કરું, એ કહો! પેલે દિવસ તમારા પગે ચોળવા બ્રાન્ડીની બાટલી લાવેલા, તેમાં કંઈ રહ્યું છે?’
જગત્તારિણી આભી બની ગઈ. એણે કહ્યું: ‘શું વાત કરે છે? એમને દારૂ પાવો છે?’
અક્ષયે કહ્યું: ‘શું કરું, મા! તમે કાનોકાન તો બધું સાંભળો છો. બેમાં એક છોકરો તો એવો છે કે પાણી પીતાં પણ એને શરદી થઈ જાય છે, અને બીજો એવો છે કે દારૂ ન પીએ ત્યાં લગી એના ગળામાંથી અવાજ જ નીકળતો નથી.’
જગત્તારિણીએ કહ્યું: ‘અને ખ્રિસ્તી થવાનું કહે છે એ શું?’
અક્ષયે કહ્યું: ‘એ લોકો કહે છે કે હિંદુ રહેવામાં ખાવા-પીવાની બહુ મુસીબત પડે છે. કોળાનું શાક ને અડદની દાળ ખાવાથી બિચારા માંદા પડી જાય છે.’
જગત્તારિણી આભી બની ગઈ. તેણે કહ્યું: ‘તો શું આજે રાતે જ એમને મુરઘી ખવડાવીને ખ્રિસ્તી બનાવવા છે?’
અક્ષયે કહ્યું: ‘હું શું કરું, મા! એ લોકો જો ગુસ્સે થઈને જતા રહે તો આવા બે ખાનદાન ઘરના વર હાથમાં આવેલા જાય! એટલે એ લોકો જે બોલે તે મારે સાંભળી રહેવું પડે છે. મને પણ દારૂ પીતાં શીખવી દેશે એમ લાગે છે.’
પુરબાલાએ કહ્યું: ‘કાઢી મૂકો, કાઢી નૂકો, હમણાં ને હમણાં કાઢી મૂકો!’
જગત્તારિણી પણ ગભરાઈને બોલી: ‘બાબા, આ ઘરમાં મુરઘી બુરઘી ખાવાનું નહિ બને! તું એમને વિદાય કરી દે. મેં રસિકકાકાને વર શોધી લાવવા મોકલ્યા એ મારી ભૂલ થઈ. એમનાથી કદી કોઈ કામ થયું છે કે થાય!’
સ્ત્રીઓ પાછી વળી.
અક્ષયે ઓરડામાં આવીને જોયું તો મૃત્યુંજય નાસવાનું કરતો હતો, ને દારુકેશ્વર એનો હાથ પકડીને એને ખેંચી રાખવાનું કરતો હતો. અક્ષયની ગેરહાજરીમાં મૃત્યુંજય આગળપાછળનો વિચાર કરી જોતાં ભયભીત બની ગયો હતો.
અક્ષયે ઓરડામાં પગ મૂક્યો કે મૃત્યુંજય એકદમ ગુસ્સામાં બોેલી ઊઠ્યો: ‘નહિ, મશાય, મારે ખ્રિસ્તી નથી થવું, મારે નથી પરણવું.’
અક્ષયે કહ્યું: ‘તો મશાય, કોણ તમને પગે પડીને કહે છે?’
દારુકેશ્વર કહ્યું: ‘હું તૈયાર છું, મશાય!’
અક્ષયે કહ્યું: ‘તૈયાર હો તો દેવળમાં જાઓ ને મશાય! મારી સાત પેઢીમાં કોઈએ ખ્રિસ્તી બનાવવાનો ધંધો નથી કર્યો.’
દારુકેશ્વરે કહ્યું: ‘હમણાં તમે કોઈ પાદરી મહાશયની વાત કરતા હતા ને?’
અક્ષયે કહ્યું: ‘તેઓ ટેરિટીની બજારમાં રહે છે. એમનું સરનામું લખી આપું છું.’
દારુકેશ્વર કહ્યું: ‘અને લગ્ન?’
અક્ષયે કહ્યું: ‘બીજે ક્યાંય કરી લેજો.’
દારુકેશ્વરે કહ્યું: ‘તો શું અત્યાર સુધી અમારી મશ્કરી કરતા હતા, મશાય? ખાણું પણ શું—’
અક્ષયે કહ્યું: ‘એ પણ અહીં નહિ બની શકે.’
દારુકેશ્વર કહ્યું: ‘તો હોટલમાં?’
અક્ષયે કહ્યું: ‘એનો વાંધો નથી.’ આમ કહી પાકીટમાંથી કંઈક રૂપિયા કાઢી બંનેના હાથમાં આપી તેણે બેઉને વિદાય કરી દીધા.
એમના ગયા પછી નૃપનો હાથ પકડીને નીરબાલા વસંત-ઋતુની લહેરખીની પેઠે ઓરડામાં દોડી આવી, ને બોલી: ‘મુખુજ્જે મશાય! દીદી તો બેમાંથી એકેને જતો કરવાની ના કહે છે!’
નૃપ તેના ગાલમાં આંગળાં ખોસી બોલી: ‘પાછી જૂઠું બોલી?’
અક્ષયે કહ્યું: ‘ગભરાશો નહિ, સાચાખોટાનો તફાવત હું પણ થોડોઘણોે સમજું છું.’
નીરબાલાએ કહ્યું: વારુ, મુખુજ્જે મશાય, આ બે વર રસિકદાદાની રસિકતાના નમૂના છે કે શૈલદીદીની કરામત છે?’
અક્ષયે કહ્યું: ‘બંદૂકમાં બધીયે ગોળીઓ શું નિશાનને તોડી પાડે છે? ભગવાન પ્રજાપતિ નિશાનબાજીની પ્રેક્ટિસ કરતા હતા, તેમાં આ બે નિશાન ખાલી ગયાં. શરૂ શરૂમાં આવું કેટલુંક બને જ છે. હું અભાગિયો પકડાઈ ગયો એ પહેલાં તમારી દીદીની જાળમાં કેટલાયે જળચરો ભટકાઈ ગયા હતા, પણ એના કાંટામાં વીંધાવાનું મારા જ કપાળમાં લખેલું હતું!’ આમ કહી એણે કપાળ કૂટ્યું.
નૃપબાલાએ કહ્યું: ‘તો આજથી રોજ પ્રજાપતિની પ્રેક્ટિસ ચાલવાની, મુખુજ્જે મશાય? તો તો બચવું ભારે થઈ પડશે.’
નીરબાલાએ કહ્યું: ‘એમાં દુ:ખી શું કરવા થાય છે, ભાઈ! શું રોજ નિશાન ચૂકી જવાશે? છેવટે એક દિવસે ચોટ ખરી જગાએ લાગ્યા વગર નથી રહેવાની!’ આમ વાત ચાલતી હતી એટલામાં રસિક આવી પહોંચ્યો.
નીરબાલાએ કહ્યું: ‘રસિકદાદા, આજથી અમે પણ તમારા માટે કન્યા શોધવા લાગીએ છીએ.’
રસિકે કહ્યું: ‘એ તો બહુ આનંદની વાત!’
નીરબાલાએ કહ્યું: ‘હા, કેવા આનંદની વાત એ દેખાડી દેશું. તમે રહો છો ઘાસના ઝૂંપડામાં, ને બીજાના ઘરને આગ લગાડવા જાઓ છો તે શું અમારા હાથમાં પલીતો નથી? ખબરદાર, કહું છું, જો અમારી પાછળ પડ્યા છો તો!’ અમે તમારાં બબ્બે લગન કરાવી નાખીશું—માથા પર ચપટી વાળ છે તેયે પછી નહિ રહે!’
રસિકે કહ્યું: ‘જો, બહેન, બે અસલ જાનવર લઈ આવ્યો એટલે તો તું બચી ગઈ, જો અડધાં જાનવર લાવ્યો હોત તો મુસીબત થાત. જે જાનવર જાનવર જેવું દેખાતું નથી તે જ સૌથી વધારે ભયંકર હોય છે.’
અક્ષયે કહ્યું: ‘વાત સાચી છે. મને પણ મનમાં તો બીક હતી. પણ જરા પીઠે હાથ ફેરવતાં જ પટપટ કરતી પૂંછડી હાલી ઊઠી. પણ મા શું કહે છે?’
રસિકે કહ્યું: ‘મા જે બોલી રહ્યાં છે તે પાંચ આદમીઓને બોલાવીને સંભળાવવા જેવું નથી. એટલે મેં તે મનમાં જ દાબી રાખ્યું છે. ગમે તેમ, પણ છેવટે એમણે કાશીમાં પોતાના ભાણેજને ત્યાં જવાનું નક્કી કર્યું છે. ત્યાં વરનો પણ પત્તો લાગે એમ છે ને ભેગાભેગી જાત્રા પણ થશે.’
નીરબાલાએ કહ્યું: ‘શું કહો છો, રસિકદાદા? તો પછી શું અમને અહીં રોજરોજ નવાનવા નમૂના જોવાના નહિ મળે? ’
નૃપબાલાએ કહ્યું: ‘હજી તારો શોખ પૂરો થયો નથી?’
નીરબાલાએ કહ્યું: ‘આમાં શોખની વાત ક્યાં છે? આ તો તાલીમ છે. રોજરોજ નવાં નવાં દૃષ્ટાંન્તો જોવાથી અસલ ચીજ ઓળખવાનું સહેલું બની જશે—પછી જે પ્રાણીને તું પરણીશ તેને ઓળખવામાં તને લગીરે તકલીફ નહિ પડે.’
નૃપબાલાએ કહ્યું: ‘તારા પ્રાણીને તું ઓળખી રાખ, તારે મારી ચિંતા કરવાની જરૂર નથી.’
નીરબાલાએ કહ્યું: ‘એ પણ ઠીક છે—તું તારી ચિંતા કર, ને હું મારી ચિંતા કરું—પણ રસિકદાદાએ આપણી ચિંતા કરવાની જરૂર નથી.’
નૃપ નીરને જોરથી ખેંચીને લઈ ગઈ. એ પછી શૈલબાલાએ અંદર પ્રવેશ કર્યો. તેણે આવતાં જ કહ્યું: ‘રસિકદાદા, માની સાથે તમારાથી કાશી નહિ જવાય. આપણે ચિરકુમારસભાના સભાસદ થવાનું છે. અરજીની સાથે પ્રવેશ ફીના દશ રૂપિયા મેં મોકલી દીધા છે.’
અક્ષયે કહ્યું: ‘માની સાથે કાશી જનારું કોઈ હું શોધી કાઢું છું, એની તમે ચિંતા ન કરશો.’
શૈલે કહ્યું: ‘વાહ મુખુજ્જે મશાય! તમે તો બિચારાઓને વાંદરા બનાવ્યા ત્યારે જ છોડ્યા. એમની દશા જોઈને મને તો દયા આવી ગઈ હતી.’
અક્ષયે કહ્યું: ‘વાંદરો કોઈ કોઈને બનાવી શકતું નથી, શૈલ! એ તો પ્રકૃતિમાતાએ પોતે જ બનાવી રાખેલાં હોય છે. એ માટે ભગવાનની ખાસ દયા જોઈએ છે. જેવું કવિ થવાનું પણ હોય છે એવું. પૂંછડી કહો કે કવિતા કહો, જો એ અંદર ન હોય તો જબરજસ્તી કરીને કશું બહાર કાઢી શકાતું નથી.’
એટલામાં પુરબાલાએ પ્રવેશ કર્યો. તેણે કેરોસીનનો દીવો હાથમાં લઈ હલાવતાં હલાવતાં કહ્યું: ‘નોકર તે કેવો દીવો સળગાવી ગયો છે! હમણાં હોલવાઈ જશે. હું તો એને વઢી વઢીને થાકી.’
અક્ષયે કહ્યું: ‘એ બેટો જાણે છે કે અંધારામાં હું વધારે શોભું છું.’
પુરબાલાએ કહ્યું: ‘અને અજવાળામાં નથી શોભતા? વિનય દેખાડો છો શું? આ તો નવું સાંભળ્યું!’
અક્ષયે કહ્યું: ‘હું એમ કહેતો હતો કે બેટો નોકર મને ચંદ્રમા સમજે છે.’
પુરબાલાએ કહ્યું: ‘ઓહો! એમ વાત છે તો એનો પગાર વધારી દો! અને રસિકદાદા, આજે તમે ખરો તમાશો કર્યો!’
રસિકે કહ્યું: ‘જુઓ બહેન, વાત એમ છે કે વર તો જોઈએ એટલા મળે છે, પણ બધા પરણવાલાયક હોતા નથી. એનાં મેં આ બે સાધારણ ઉદાહરણ તમને બતાવ્યા.’
પુરબાલાએ કહ્યું: ‘આ ઉદાહરણ બદલે બે પરણવાલાયક વરનાં ઉદાહરણ બતાવ્યાં હોત તો સારું થાત.’
શૈલે કહ્યું: ‘એ જવાબદારી મેં માથે લીધી છે, દીદી!’
પુરબાલાએ કહ્યું: ‘હું ક્યારનીયે સમજી ગઈ છું. એ તું અને તારા મુખુજ્જે મશાય થોડા દિવસથી કંઈ ગુપસુપ કરી રહ્યાં છો એટલે કંઈ ને કંઈ કાંડ થયા વગર નથી રહેવાનો.’
અક્ષયે કહ્યું: ‘કિષ્કિંધાકાંડ તો આજે થઈ ગયો.’
રસિકે કહ્યું: ‘લંકાકાંડની તૈયારીઓ પણ થઈ રહી છે. હવે ચિરકુમારસભાની સુવર્ણલંકામાં આગ લગાડવા જઈને છીએ.’
પુરબાલાએ કહ્યું: ‘એમાં શૈલ શો ભાગ ભજવે છે?’
રસિકે કહ્યું: ‘હનુમાનનો તો નહિ જ.’
અક્ષયે કહ્યું: ‘એ પોતે જ આગ છે.’
રસિકે કહ્યું: ‘એક માણસ એને પૂંછડીએ ચડાવીને લઈ જશે.
પુરબાલાએ કહ્યું: ‘મને શું સમજાતું નથી, શૈલે! તું ચિરકુમારસભામાં જવાની છે કે શું?’
શૈલે કહ્યું: ‘હું સભ્ય થવાની છું.’
પુરબાલાએ કહ્યું: ‘શું ગાંડુ ગાંડુ બકે છે! છોકરીની જાતને વળી સભ્ય થવાનું કેવું?’
શૈલે કહ્યું: ‘આજકાલ છોકરીઓ પણ સભ્ય બની ગઈ છે. એટલે મેં સાડી છોડી દઈ ચાપકાન પહેરવાનું નક્કી કર્યું છે.’
પુરબાલાએ કહ્યું: ‘સમજી, વેશ છુપાવીને સભ્ય થવું છે. વાળ તો કપાવ્યા છે, હવે આટલું બાકી હતું. કરો ફાવે તે—હું આમાં કંઈ ન જાણું.’
અક્ષયે કહ્યું: ‘નહિ, નહિ, તારે આ ટોળીમાં નથી ભળવાનું. બીજા જેને પુરુષ થવું હોય તે થાય પણ મારા નસીબે તારે હમેશાં સ્ત્રી જ રહેવાનું છે—નહિ તો થશે બ્રિચ ઓફ કોન્ટ્રાક્ટ—કોન્ટ્રાક્ટનો ભંગ થશે, એ મામલો બહુ ભયંકર છે.’ આમ કહી એણે સિંધુ રાગમાં ગાવા માંડ્યું;
જૂના પુરાણા ચાંદ!
સદાય તું આવો જ રહેજે, એ છે મારી આશ.
સ્મિત પુરાણું, સુધા પુરાણી,
મારી પુરાણી તર્સ,
બીજો ચકોર કોઈ પ્રાસાદ ન પામે,
મિટાવ મારી તર્સ!
પુરબાલા ગુસ્સે થઈને જતી રહી.
અક્ષયે શૈલબાલાને હિંમત આપતાં કહ્યું: ‘ગભરાવાનું કારણ નથી.ગુસ્સો થવાથી મન સાફ થઈ જશે—જરા પસ્તાવોે પણ થશે—એ વખતે ખરી તક હશે.’
રસિકે લલકાર્યું:
‘કોપો યત્ર ભ્રુકુટિરચના, નિગ્રહો યત્ર મૌનમ્ |
યત્રાન્યોત્ત્ન્યસ્મિતમનુનયં, યત્ર દૃષ્ટિ: પ્રસાદ ||’
શૈલે કહ્યું: ‘રસિકદાદા! તમે તો બરાબર શ્લોકો ઝૂડવા માંડ્યા છે—પણ કોપ શી ચીજ છે એની મુખુજ્જે મશાયને ખબર પડી જશે.’
રસિકે કહ્યું: ‘તો હું બદલો તૈયાર છું. મુખુજ્જે મશાય જો શ્લોક લલકાર્યો હોત અને મારી જ ઉપર જો કોપ આવી પડ્યો હોત, તો મેં આ ફુટેલા કપાળને સોનાથી મઢી લીધું હોત. પણ દીદી, આ નાસ્તાની બે રકાબીઓ કંઈ માન માગતી નથી; બેસી જઈએ તો કંઈ વાંધો નહિ.’
અક્ષયે કહ્યું: ‘હું પણ એનો જ વિચાર કરતો હતો.’
બંને જણા નાસ્તો ઝાપટવા બેસી ગયા. શૈલબાલા પંખો લઈને વા નાખવા બેઠી.
જમ્યા પછી શૈલબાલાએ બૂમ પાડી: ‘મુખુજ્જે મશાય!’
અક્ષય ખૂબ ત્રાસી ગયો હોય એવું મોં કરીને બોલ્યો: ‘પાછા મુખુજ્જે મશાય! એ વાલખિલ્લ મુનિઓનું ધ્યાન ભંગ કરવાની વાતમાં મને ન નાખશો.’
શૈલબાલાએ કહ્યું: ‘ધ્યાનભંગનું કામ અમે કરીશું. પણ તમારે માત્ર એ મુનિકુમારોને અહીં લઈ આવવાના છે.’
અક્ષય આંખો ફાડીને બોલ્યો: ‘આખી સભાને અહીં ઊંચકી લાવવાની છે? દુનિયામાં અસાધ્ય દુ:સાધ્યા કામ બધું એકલા આ મુખુજ્જે મશાયે કરવાનું?’
શૈલબાલાએ હસીને કહ્યું: ‘મહા વીર થવાની એ સજા છે. ગંધમાદન પહાડ ઉપાડી લાવવાનો હતોે ત્યારે કોઈએ નલ, નીલ કે અંગદને પૂછ્યું નહોતું!’
અક્ષય ગર્જના કરીને બોલ્યો: ‘અરે અભાગણી! ત્રેતાયુગના અભાગિયાઓ સિવાય તને બીજી કોઈ ઉપમા સૂઝી નહિ? આટલો બધો પ્રેમ!’
શૈલબાલાએ કહ્યું: ‘હા, જી! એટલો બધો પ્રેમ!’
અક્ષયે ભૈરવીમાં ગાવા માંડ્યું:
‘અભાગિયાના મનમાં કેવળ અભાગિયા જાગે રે!
આટલાં માણસ તોયે, એની મૂઈ આંખો,
ના કોઈને દેખે રે!
‘ઠીક, તો એમ! પતંગિયાંને દીપશિખા પાસે હાંકી લાવીશ. હવે તો ચટ દઈને મને એક પાન આણી દે, તારા સ્વહસ્તે બનાવેલું!’
શૈલે કહ્યું: ‘કેમ, દીદીનો હાથનું—’
અક્ષયે કહ્યું: ‘અરે, દીદીનો હાથ તો મળેલો જ છે. નહિતર પાણિગ્રહણનો શો અર્થ? હવે બીજા પદ્મહસ્ત તરફ નજર નાખવાનો મોકો મળ્યો છે.’
શૈલે કહ્યું: ‘અચ્છા મશાય! પણ એ પદ્મહસ્ત તમારા પાનમાં એટલો ચૂનો લગાડી દેશે કે બળ્યું મોં પાછું બળશે.’
અક્ષયે ગાવા માંડ્યું:
જેને મરણ દશા પકડે,
એ સો સો વાર મરે!
પતંગિયું જેમ વધુ બળે
તેમ વધુ આગમાં પડે!
શૈલે કહ્યું: ‘મુખુજ્જે મશાય, આ કાગળનું ભૂંગળું શાનું છે?
અક્ષયે કહ્યું: ‘તમારી પેલી સભ્ય થવાની અરજીઓ, એને દશ રૂપિયાની નોટ મારા ગજવામાં રહી ગયાં હતાં. ધોબી બેટાએ ધોઈને એને એવાં સાફ કરી નાખ્યાં છે કે હવે એકે અક્ષર વાંચી શકાતો નથી. એ બેટો સ્ત્રીસ્વાધીનતાનો પક્કો શત્રુ લાગે છે, એટલે એણે તારી અરજીને ધરમૂળથી ધોઈ નાખી છે.
શૈલબાલો કહ્યું: ‘સમજી!’
અક્ષયે કહ્યું: ‘તમે ચાર બહેનોએ મળીને મારી સ્મરણશક્તિને એવી કબજે કરી લીધી છે કે મને બીજું યાદ જ નથી રહેતું.
‘ગયું ભૂલી બધું, મારું ભોળું મન!
ન ભૂલ્યું, ન ભૂલ્યું એક એ ચંદ્રાનન!’