શ્રીશે કહ્યું: ‘ગમે તેમ કહે, પણ અક્ષયબાબુ આપણી સભાના પ્રમુખ હતા, ત્યારે આપણી ચિરકુમારસભા બહુ સરસ જામતી હતી. નવા પ્રમુખ ચંદ્રબાબુ જરા કડક આદમી છે.’
વિપિને કહ્યું: ‘અક્ષયબાબુ હતા ત્યારે રસ જરા વધારે જામતો હતો. પણ ચિરકૌમાર્યવ્રતને માટે એટલો બધો રસ સારો નહિ એવો મારો મત છે.’
શ્રીશે કહ્યું: ‘મારો મત એથી ઊલટો છે. આપણું વ્રત અતિ કઠિન છે, એટલે એને રસની વધારે જરૂર છે. સૂકી જમીનમાંથી પાક લેવો હોય તો એને પાણી પાવું જ પડે. જીવનભર નહિ પરણાવાની પ્રતિજ્ઞા લેવી એ જ શું બસ નથી કે પાછું બધી બાજુથી સુકાઈ મરવું જોઈએ?’
વિપિને કહ્યું: ‘ગમે તેમ કહો પણ કુમારસભાનો અચાનક ત્યાગ કરી અક્ષયબાબુ પરણી બેઠા, એથી આપણી સભાને સખત ફટકો લાગ્યો છે. અંદરખાનેથી આપણા બધાની પ્રતિજ્ઞાનું જોેર ઓછું થઈ ગયું છે.’
શ્રીશે કહ્યું: ‘જરાયે નહિ. મારે વિશે હું હિંમતથી કહી શકું છું કે મારી પ્રતિજ્ઞાનું જોર ઊલટું વધ્યું છે. કારણ કે જે વ્રત બધા માણસો સહેલાઈથી પાળી શકે તેની ઉપર શ્રદ્ધા ટકતી નથી.’
વિપિને કહ્યું: ‘એક શુભ સમાચાર આપું?’
શ્રીશે કહ્યું: ‘શું? તારું સગપણ થયું લાગે છે.’
વિપિને કહ્યું: ‘હા—તારી પોતરીની સાથે. મશ્કરી જવા દે. પેલો પૂર્ણ કાલે આપણી કુમારસભાનો સભાસદ થયો છે.’
શ્રીશે કહ્યું: ‘પૂર્ણ? શું કહે છે? ત્યારે તો શીલા પાણીમાં તરવા લાગી!’
વિપિને કહ્યું: ‘શિલા પોતાની મેળે ઓછી જ તરી શકે છે! એને બીજી કોઈ ચીજ દરિયામાં વહેવડાવે છે. મારી બુદ્વિશક્તિ પ્રમાણે એનો ઇતિહાસ મેં ભેગો કર્યો છે.’
શ્રીશે કહ્યું: ‘જોઉં, તારી બુદ્વિ ક્યાં લગી દોડે છે?’
વિપિને કહ્યું: ‘તને તો ખબર હશે કે દરરોજ સાંજે પૂર્ણ ચંદ્રબાબુની પાસે એની અભ્યાસ અંગેની નોંધ લઈને જાય છે. તે દિવસે હું અને પૂર્ણ બંને જરા વહેલા વહેલા ચંદ્રબાબુને ઘર ગયા હતા. ચંદ્રબાબુ તરતમાં જ કોઈ મિટિંગમાંથી આવ્યા હતાં. નોકર દીવો કરી ગયો હતો—પૂર્ણ ચોપડીનાં પાનાં ઉથલાવતો હતો, એવામાં તને શું કહું, ભાઈ! બંકિમબાબુની નવલકથા સમજી લો—કોઈ છોકરી પીઠ પર ઝુલાવતી—’
શ્રીશે કહ્યું: ‘શું વાત કરે છે, વિપિન!’
વિપિને કહ્યું: ‘અરે યાર, જરા સાંભળ તો ખરો! એક હાથની થાળીમાં ચંદ્રબાબુને માટે નાસ્તો અને બીજા હાથમાં પાણીનો પ્યાલો લઈને એકદમ એ ઓરડામાં આવી ઊભી. પણ અમને જોતાં જ એવી ચકિત થઈ ગઈ. ને સંકોચ પામી ગઈ કે લજ્જાથી એનું મોં લાલલાલ થઈ ગયું. હાથ બંને રોકાયેલા હતા, એટલે માથા પર છેડો ખેંચવાનો કોઈ ઇલાજ નહોતો. એટલે એકદમ મેજ પર ખાવાનું મેલીને ભાગી. બ્રાહ્મસમાજી ખરી, પણ દેશના તેત્રીસ કરોડની સાથે લજ્જાનું વિસર્જન કર્યું નથી. હું સાચું કહું છું, એણે શ્રી પણ સાચવી રાખી છે.’
શ્રીશે કહ્યું: ‘શું કહે છે, વિપિન! દેખાવે સારી હશે.’
વિપિને કહ્યું: ‘દેવકન્યા જોઈ લો! એકદમ વીજળીની પેઠે આવીને અમારા અભ્યાસમાં વજ્ર ઘાત કરી ગઈ!’
શ્રીશે કહ્યું: ‘એમ! શું વાત કરો છે! મેં તોે કદીયે એને ન જોઈ! છોકરી છે કોણ?’
વિપિને કહ્યું: ‘આપણા સભાપતિની ભાણેજ, નામે નિર્મળા!’
શ્રીશે કહ્યું: ‘કુંવારી છે?’
વિપિને કહ્યું: ‘કુંવારી જ તો! એ પછી તરત જ પૂર્ણે આપણી કુમારસભામાં નામ લખાવ્યું.’
શ્રીશે કહ્યું: ‘પૂજારી બની ઠાકોરજીને જ ઉપાડી જવાની મતલબ લાગે છે!’
એટલામાં એક પ્રૌઢ પુરુષે પ્રવેશ કર્યો. બને જણાએ એમની સામે જોયું.
વિપિને પૂછ્યું: ‘કેમ મશાય, કોણ છો તમે?’
પ્રૌઢ પુરુષે જવાબ દીધો: ‘જી, મારું નામ શ્રી વનમાળી ભટ્ટાચાર્ય, મારા પિતાનું નામ સ્વર્ગસ્થ શ્રી રામકલમ ન્યાયચુન્ચુ, મુકામ—’
શ્રીશે વચમાં જ કહ્યું: ‘આથી વધારે જાણવાનું અમને કુતૂહલ નથી. આપનું શા કામે પધારવું થયું એ જ—’
વનમાળીએ કહ્યું: ‘કામ તો શું હોય? આપ ભદ્રલોક છો, આપની સાથે વાર્તાલાપ—’
શ્રીશે કહ્યું: ‘કામ આપને નહિ હોય, પણ અમે અત્યારે બહુ કામમાં છીએ. આપ જો અત્યારે બીજા કોઈ ભદ્રલોકની સાથે વાર્તાલાપ કરવા જાઓ તો અમને જરા—’
વનમાળીએ કહ્યું: ‘તો હું મુદ્દાની વાત પતાવી લઉં.’
શ્રીશે કહ્યું: ‘ભલે.’
વનમાળીએ કહ્યું: ‘કુમારટુલીના નીલમાધવ ચૌધરી મહાશયને બે ખૂબ સુન્દર દીકરીઓ છે—બંને ઉંમરલાયક થઈ છે—’
શ્રીશે કહ્યું: ‘થઈ તો ભલે થઈ, અમારી સાથે એ વાતને શો સંબધં છે?’
વનમાળીએ કહ્યું: ‘સંબંધ તો તમે જરીક ધ્યાન આપો તો હમણાં થાય. એમાં અઘરું શું છે? હું બરાબર ચોકઠું ગોઠવી આપીશ.’
વિપિને કહ્યું: ‘આપ આપની દયા અપાત્ર ઉપર વરસાવી રહ્યા છો.’
વનમાળીએ કહ્યું: ‘અપાત્ર! કેવી વાત કરો છો આ? તમારા જેવા સુપાત્ર બીજા છે ક્યાં? તમારો વિનય જોઈને હું તો ઊલટો વધારે મુગ્ધ બની જાઉં છું?’
શ્રીશે કહ્યું: ‘એ મુગ્ધભાવ જો ટકાવી રાખવો હોય તો હમણાં જ અહીંથી રસ્તે પડો! વિનયની રસ્સી બહુ ખેંચાય તો તૂટી જાય છે.’
વનમાળીએ કહ્યું: ‘કન્યાનો બાપ ઠીક ઠીક રૂપિયા આપવાનું કહે છે.’
શ્રીશે કહ્યું: ‘તો પછી શહેરમાં ભિખારીઓની ખોટ નથી. વિપિન, પગ જરા જોરથી ઉપાડ. રસ્તામાં ઊભા ઊભા ક્યાં લગી બકવાટ કરવો છે? તને ગમ્મત લાગતી હશે, પણ આવો ‘સદાલાપ’ મને જોખમકારક લાગે છે.’
વિપિને કહ્યું: ‘પગ ઉપાડીને ભાગવું ક્યાં? ભગવાને આને પણ બે લાંબા પગ આપ્યા છે.’
શ્રીશે કહ્યું: ‘જો પીછો પકડશે તો ભગવાનનું એ દાન માણસના હાથમાં સપડાઈને ખોયે એનો છૂટકો થશે.’