અક્ષયે કહ્યું: ‘થયું છે શું એ તો કહો! મારા આ ઓરડાને આજલગી એકલો ઝડુ નોકર ઝાડીઝૂડીને સાફ રાખતો, પણ હવે તો અહીંની હવા સવાર-સાંજ તમારી બે બહેનોના પાલવના વીંઝણા ખાઈ ખાઈને ચંચળ બની રહી છે!’

નીરબાલાએ કહ્યું: ‘બહેન કાશી ગઈ છે, ને તમે એકલા અહીં પડ્યા રહો છો, એટલે અમે દયા લાવી કોઈ કોઈ વખત દર્શન દેવા આવીએ છીએ; ત્યારે તમે અમારી ઊલટ તપાસ કરવા બેસો છો! વાહ નગુણા!’

અક્ષયે ભૈરવીમાં ગાવા માંડ્યું:

ઓ રે દયામયી ચોર,

તારી દયા મહા ઘોર!

દયા કરીને ડોકે મારી બાંધો માયા-દોર!

દયા કરીને ચોરી જા આ હૈયું શૂન્ય કઠોર!

નીરબાલાએ કહ્યું: ‘મશાય! એમ ખુશામત કરવાથી હવે કંઈ વળવાનું નથી. એમને એવા મૂરખ ચોર ન સમજશો. અત્યારે તમારી પાસે હૈયું છે જ ક્યાં તે અમે ચોરી કરવા આવીએ?’

અક્ષયે કહ્યું: ‘તો બતાવો જોઉં, એ અભાગિયું હૃદય અહીંથી કેટલે દૂર છે?’

નૃપબાલાએ કહ્યું: ‘બતાવું? મને એ ખબર છે, મુખુજ્જે મશાય! અહીંથી એ ચારસો પંચોતેર માઈલ દૂર છે!’

નીરબાલાએ કહ્યું: ‘તેં તો ગજબ કર્યો, નૃપ! મુખુજ્જે મશાયના હૃદયની પાછળ પાછળ તું માઈલ ગણતી ગણતી તો દોડી નહોતી ને?

નૃપબાલાએ કહ્યું: ‘ના, રે! બહેન કાશી જવા નીકળ્યાં ત્યારે મેં ટાઈમટેબલમાં માઈલ જોઈ લીધા હતા.’

અક્ષયે બહારમાં ગાવા માંડ્યું:

‘મૂઠી વાળી ધાય ભાગેડું હૃદય,

ફૂલી ઊઠે રગ તનની,

હાય હાય કરી બાંધવા એને,

પૂંઠે પૂંઠે ધાય રમણી!

વાયુ વેગભર્યો ઊડે અંચલ,

લટે લટે વેણી ચંચલ!

આ કેવો રંગ, આકુલ અંગ

દોડે કુરંગ-ગમની!’

નીરબાલાએ કહ્યું: ‘કમાલ! કમાલ! કવિરાજ! પરંતુ તમારી કવિતામાં કોઈ કોઈ આધુનિક કવિતા છાયા દેખાય છે!’

અક્ષયે કહ્યું: ‘તેનું કારણ એ છે કે હું પણ બિલકુલ આધુનિક છું! તું શું એમ સમજે છે કે તારા આ મુખુજ્જે મશાય કુત્તિવાસ ઓઝા(બંગાળના એક પ્રાચીન કવિ, એમનું રામાયણ બંગાળમાં અતિ-પ્રસિદ્વ છે)નો જોડકો ભાઈ છે? ભૂગોળના માઈલ ગણતાં આવડે છે, ને ઇતિહાસની તારીખમાં આવો ગોટાળો? તો પછી ભણેલી સાળીઓથી મને શો ફાયદો થયો? હું આવો મસ્ત આધુનિક, તમને જૂના જમાનાનો લાગ્યો?’

નીરબાલાએ કહ્યું: ‘મુખુજ્જે મશાય! શિવજી જ્યારે લગ્ન કરવા ગયા ત્યારે એમની સાળીઓએ પણ આ ભૂલ કરી હતી. પણ ઉમાની આંખે કંઈ જ દેખાતું હતું. એટલે તમારે ચિંતા કરવાનું કંઈ કારણ નથી, અમારી દીદી તમને આધુનિક જ સમજે છે!’

અક્ષયે કહ્યું: ‘અરે મૂઢ બાલાઓ, શિવજીને જો સાળીઓ હોત તો પછી એમનું ધ્યાનભંગ કરવા માટે કામદેવની જરૂર શાની પડત? તમે મારી સાથે એમની સરખામણી કરો છો?’

નૃપબાલાએ કહ્યું: ‘ઠીક, તો મુખુજ્જે મશાય, અત્યાર સુધી તમે અહીં બેઠાબેઠા શું કરતા હતા?’

અક્ષયે કહ્યું: ‘તમારો દૂધનો હિસાબ લખતો હતો.’

નીરબાલાએ મેજ ઉપરથી અધૂરો લખાયેલો કાગળ ખેંચી લીધો ને કહ્યું: ‘આ તમારો દૂધનો હિસાબ, કેમ? હિસાબમાં દૂધ અને માખણનો જ ભાગ વધારે લાગે છે!’

અક્ષયે ગભરાઈને કહ્યું: ‘નહિ, નહિ, એ ગરબડ નહિ, એ મૂકી દે—’

નૃપબાલાએ કહ્યું: ‘બહેન નીરુ, શું કરવા ચીડવે છે? કાગળ એમને પાછો આપી દે—આ બાબતમાં સાળીઓનો જુલમ નહિ સહન થાય. પણ મુખુજ્જે મશાય, તમે કાગળમાં દીદીને શું કહીને સંબોધો છો એ તો કહો!’

અક્ષયે કહ્યું: ‘રોજ નવાં સંબોધન કરું છું—’

નૃપબાલાએ કહ્યું: ‘આજે શું કર્યું છે એ કહો.’

અક્ષયે કહ્યું: ‘સાંભળવું છે? તો સખી, સાંભળો! ચંચલ-ચકિતચિત્તચકોેરચોર ચંચુચું બિતચારુચન્દ્રિકરુચિરુચિર ચિરચન્દ્રમા!’

નીરબાલાએ કહ્યું: ‘ચમત્કારિક ચાટુચાતુર્ય!’

અક્ષયે કહ્યું: ‘આમાં બિલકુલ ચોરી નથી, જરાયે ચર્વિતચર્વણ નથી.’

નૃપબાલાએ નવાઈ પામી કહ્યું: ‘વારુ, મુખુજ્જે મશાય, દરરોજ તમે આવાં લાંબાં સંબોધન બનાવી કાઢો છો? એટલે દીદીને કાગળ લખતાં તમને આટલી વાર લાગે છે!’

અક્ષયે કહ્યું: ‘એટલે તો નૃપની આગળ મારું જૂઠાણું ચાલતું નથી. ભગવાને મને તરત ને તરત બનાવી કાઢી બોલવાની અસાધારણ શક્તિ આપી છે, પણ તે અહીં ચાલી નહિ! ભગિનીપતિના શબ્દને વેદવાક્ય માનવાનું કઈ ‘મનુસંહિતા’માં લખ્યું છે, કહે જોઉં?’

નીરબાલાએ કહ્યું: ‘ગુસ્સે ન થાઓ, મુખુજ્જે મશાય! શાંત થાઓ, શાંત થાઓ! નૃપની વાત જવા દો, પણ જરા વિચાર તો કરો, હું તમારા એકે વચન ઉપર કાણી કોડી જેટલોયે વિશ્વાસ રાખતી નથી, આ ઓછું આશ્વાસન છે?’

નૃપબાલાએ કહ્યું: ‘વારુ, મુખુજ્જે મશાય! સાચું કહેજો, મારી બહેનના નામે તમે કદી કવિતા બનાવી છે?’

અક્ષયે કહ્યું: ‘આ વખતે જ્યારે એ બહુ ગુસ્સે થઈ ગઈ ત્યારે મેં સ્તુતિની કવિતા રચીને ગાઈ હતી—’

નૃપબાલાએ કહ્યું: ‘પછી?’

અક્ષયે કહ્યું: ‘પછી એનું પરિણામ જોયું તો ઊલટું જ માલૂમ પડ્યું. પવન લાગતાં આગનું જોર વધે એના જેવું—તે દિવસથી એની સ્તુતિકવિતા કરવી મેં છોડી દીધો છે.’

નૃપબાલાએ કહ્યું: ‘છોડી દઈને હવે કેવળ દૂધનો હિસાબ લખવાનું રાખ્યું છે. શું સ્તુતિકાવ્ય લખ્યું હતું, અમને જરા સંભળાવો તો ખરા, મુખુજ્જે મશાય!’

અક્ષયે કહ્યું: ‘બીક લાગે છે, વખતે તમે લોકો મારા ઉપરી અધિકારીને રિપાર્ટ કરી દો તો?’

નૃપબાલાએ કહ્યું: ‘નહિ, અમે દીદીને કશું નહિ કહીએ.’ 

અક્ષયે કહ્યું: ‘તો એકચિત્તે શ્રવણ કરો—’

આમ કહી એણે સિંધુકાફીમાં ગાવા માંડ્યું:—

મનોમંદિર—સુન્દરી

મણિમંજીર—ગુંજરી

સ્ખલદંચલા ચલચંચલા

અયિ મંજુલા મંજરી!

રોષારુણરાગરંજિતા

બંકિમ-ભ્રૂ-ભંજિતા

ગોપન હાસ્ય કુટિલ આસ્ય

કપટ કલહ ગંજિતા!

સંકોચનત અંગિની

ભયભંગુર—ભંગિની

ચકિત ચપલ નવકુરંગ

યૌવન વન રંગિણી!

અયિ ખલ! છલગુંઠિતા!

મધુકરભર—કુંઠિતા

લુબ્ધ પવન—ક્ષુબ્ધલોભન

મલ્લિકા અવલુંઠિતા!

ચુંબન-ધન-વંચિતિ

દુરુહગર્વ—મંચિની

રુદ્ધકોરક—સંચિત—મધુ

કઠિન કનક્કંજિની!

બસ, હવે બહુ થયું. હવે મહાશયો, સીધાવો!

નીરબાલાએ કહ્યું: ‘કેમ, આટલું અપમાન કેમ કરો છો? દીદીએ ઝાડુ માર્યું એટલે હવે એની દાઝ અમારા ઉપર કાઢવાની?’

અક્ષયે કહ્યું: ‘અરેરે! આ લોકો ઓરડાની પવિત્રતા પણ નહિ સાચવવા દે. અરે બેવકૂફો! હમણાં કોઈ આવી પહોંચશો!’

નૃપબાલાએ કહ્યું: ‘એના કરતાં એવું કહોને કે કાગળ પૂરો કરવા બેસવું છે.’

નીરબાલાએ કહ્યું: ‘તે અમે તમને શું નડીએ છીએ? તમે તમારે કાગળ લખોને, અમે ક્યાં તમારી કલમનું મોં બંધ કરવા આવીએ છીએ તે?’

અક્ષયે કહ્યું: ‘તમે લોકો પાસે હો છો એટલે મન અહીં જ તરફડ્યા કરે છે, અને દૂર જેની પાસે જવાનું છે ત્યાં એનાથી જવાતું જ નથી! મજાક નથી કરતો, હવે ભાગો! હમણાં કોઈ આવી પહોંચશે.—આ એક જ બારણું ઉઘાડું છે, પછી ભાગવાનો રસ્તો નહિ રહે.’

નૃપબાલાએ કહ્યું: ‘આ સમી સાંજે કોણ તમારી પાસે આવવાનો નવરું છે?’

અક્ષયે કહ્યું: ‘તમે જેમનું ધ્યાન ધરો છો એ તો નહિ, નહિ ને નહિ જ!’

નીરબાલાએ કહ્યું: ‘જેનું ધ્યાન ધરીએ છીએ એના દર્શન દુર્લભ હોેય છે એવો આજકાલ તમને ખૂબ અનુભવ થઈ રહ્યો છે, નહિ, મુખુજ્જે મશાય? દેવતાનું ધ્યાન ધરો છો ને ઉપદેવતા આવીને ઉપદ્રવ કરે છે!’

એટલામાં ‘અબલાકાન્ત બાબુ છે?’ની બૂમ મારી એકદમ શ્રીશે ઘરમાં પ્રવેશ કર્યો. પણ તરત ‘માફ કરજો’ કહીને એણે પાછો પગ ભર્યો.

નૃપ અને નીર એકદમ નાસી ગઈ.

અક્ષયે કહ્યું: ‘આવો, આવો શ્રીશ બાબુ!’

શ્રીશે શરમિંદા બનીને કહ્યું: ‘માફ કરજો!’

અક્ષયે કહ્યું: ‘માફ કરું છું, પણ ગુનો શો થયો છે એ તો પહેલાં કહો.’

શ્રીશે કહ્યું: ‘ખબર આપ્યા વગર જ—’

અક્ષયે કહ્યું: ‘તમારું સ્વાગત કરવા માટે મ્યુનિસિપાલિટીની પાસે બજેટ પાસ કરાવવું પડતું નથી, પછી ખબર આપ્યા વગર આવવામાં વાંધો શો, શ્રીશબાબુ!’

શ્રીશે કહ્યું: ‘અહીં મેં અસમયે અનધિકાર પ્રવેશ કર્યો નથી એવું તમે કહેતા હો તો પત્યું!’

અક્ષયે કહ્યું: ‘એ જ કહું છું. તમે જ્યારે આવો ત્યારે જાણજો કે એ સુસમય છે, અને તમે જ્યાં પગ મૂકો ત્યાં જાણજો કે તમારો અધિકાર છે. શ્રીશબાબુ! ખુદ વિધાતાએ પોતે તમને પાસપોર્ટ આપી રાખ્યો છે. જરા બેસો, હું અલબાકાન્ત બાબુને ખબર મોકલાવું!’

પછી એ મનમાં બોલ્યો: ‘અહીંથી ભાગ્યા વિના કાગળ પૂરો કરી શકાવાનો નથી!

અક્ષય ચાલ્યો ગયો.

પછી શ્રીશ એકલો એકલો બોલવા લાગ્યો: ‘મારી આંખ આગળ થઈને બે માયાવી સુવર્ણમૃગ નાસી ગયાં! પણ હે નિ:શસ્ત્ર શિકારી! તારામાં દોડવાની તાકાત નથી. પણ કસોટી ઉપર સોનાની રેખા અંકાઈ જાય તેમ, એ ચકિત આંખોની દૃષ્ટિ મારા દૃષ્ટિપથ ઉપર અંકાઈ ગઈ છે.’

એટલામાં રસિકે પ્રવેશ કર્યો.

શ્રીશે એને જોઈ કહ્યું: ‘સાંજ સમે આવીને આપને હેરાન તો નથી કરતો ને, રસિકબાબુ?’

રસિકે કહ્યું: ‘ભિક્ષુકક્ષે વિનિક્ષિપ્ત: કિમિક્ષુ: નીરસો ભવેત્?’ ભિખારીને શેરડી નાખીએ તો શું એ શેરડી નીરસ થઈ જશે? શ્રીશબાબુ, તમને જોઈને હેરાન થાઉં? હું શું એવો અક્કરમી છું?’

શ્રીશે કહ્યું: ‘અલબાકાન્ત બાબુ ઘરમાં તો છે ને!’

રસિકે કહ્યું: ‘છે જ તો! હમણાં આવશે!’

શ્રીશે કહ્યું: ‘ના, ના, જો કામમાં હોય તો એમને હેરાન કરવાની જરૂર નથી.—હું તો નવરો માણસ છું, મારા જેવા બેકાર આદમીઓને શોધતો ફરું છું.’

રસિકે કહ્યું: ‘દુનિયામાં સારા માણસોે જ નવરા હોય છે, અને હું તો બેકાર માણસોને જ ધન્ય સમજું છું. એ બેનો જો મેળાપ થાય તો એને મણિકાંચનયોગ સમજવો! નવરા અને બેકારોનો એવો મેળાપ કરાવવા વાસ્તે જ ભગવાને સમી સાંજને ઘડી છે. યોગીઓને આપી સવાર, રોગીઓને આપી રાત, કામઢા માણસોને આપ્યો દસથી ચારનો વખત, અને સાંજ? સાચું કહું છું, ચતુર્મુખ બ્રહ્માએ ચિરકુમારની બેઠક માટે એ નથી પેદા કરી! તમને કેમ લાગે છે, શ્રીશબાબુ?’

શ્રીશે કહ્યું: ‘એ માન્યા વગર છૂટકો નથી. ચિરકુમારસભા પેદા થઈ એના ઘણા વખત પહેલાં સાંજ પેદા થઈ છે, તે આપણા પ્રમુખ મહાશય ચંદ્રબાબુના નિયમને માનતી નથી—’

રસિકે કહ્યું: ‘એ કોઈ બીજા જ ચંદ્રના નિયમને માને છે. એ ચંદ્રનો નિયમ પણ જુદો છે. તમારી આગળ દિલ ખોલીને વાત કરું છું, શ્રીશબાબુ! તમે હસશો નહિ, મારા ભોંયતળિયાના ઓરડામાં મહામહેનતે એક જાળીમાંથી જરા અમથું ચંદ્રમાનું અજવાળું આવે છે.—પરંતુ અજવાળી રાતે એ ચાંદનીની સફેદ રેખા જ્યારે મારી છાતી ઉપર આવીને પડે છે ત્યારે જાણે કોઈએ મને સંદેશો મોકલ્યો ન હોય એવું મને લાગે છે! જાણે કોઈ સફેદ રાજહંસ કોઈ વિરહિણીનો દૂત બનીને આવ્યો છે, ને આ ચિરવિરહીના કાનમાં ધીરે ધીરે બોલી રહ્યો છે—

‘અલિન્દે કાલિન્દીકમલસુરભૌ કુંજવસતે–

ર્વસન્તીં વાસન્તીનવપરિમલોદ્ગારચિકુરામ્ |

ત્વદુત્સઙ્ગે લીનાં મદમુકુલિતાક્ષીં પુનરિમાં,

કદાહં સેવિષ્યે કિસલયકલાપવ્યજનિનીમ્ |’

શ્રીશે કહ્યું: ‘વાહ, વાહ! રસિકબાબુ! કમાલ કરી! પણ એનો અર્થ સમજાવો તો સારું. છંદમાંથી એના રસની ગંધ તો મળે છે, પરંતુ અનુસ્વાર વિસર્ગો વડે એને જરા કસીને બાંધી દીધેલી છે.’

રસિકે કહ્યું: ‘આપણી ભાષામાં મેં એનો તરજૂમો પણ કર્યો છે, પણ છાપાંના સંપાદન મહાશયોને આ ખબર મળી જાય તો મારા પર તૂટી પડે એ બીકે મેં એ છુપાવી રાખ્યો છે. લ્યો, સાંભળો, શ્રીશબાબુ!—

‘ક્યારે કુંજભવનના ભમરા ઊપરે,

કાલિંદીની કમલ સુગંધી છૂટશે?

તારે ખોળે મદિરાક્ષી પોઢી હશે,

વસંતવાયુ એના કેશ નચાવશે?

કિસલયનો રૂડો વીંઝણલો વાઈને,

એની સેવા કરવાની પળ આવશે?’

શ્રીશે કહ્યું: ‘વાહ, વાહ! રસિકબાબુ! તમારામાં આવું કવિત્વ હશે એવું હું નહોતો જાણતો!’

રસિકે કહ્યું: ‘કેવી રીતે જાણો! કહો, કાવ્યલક્ષ્મી કોઈ કોઈ વખત પોતાના પદ્મવનમાંથી આ ટાલવાળા માથા ઉપર હવા ખાવા આવતાં હશે એવો કોને વહેમ આવે?’

પછી માથા પર હાથ ફેરવીને બોલ્યો: ‘પણ આવી ખુલ્લી જગા એમને બીજે ક્યાં મળે?’

શ્રીશે કહ્યું: ‘અહાહા રસિકબાબુ! જમુનાના કંઠા પરનું એ ભ્રમણવાળું કુંજભવન મને બહુ ગમી ગયું છે. જો ‘પાયોનિયર’માં કોઈ દેવાળિયો એનું લિલામ કરવાની જાહેરખબર આપશે તો હું એ ખરીદી લીધા વગર નથી રહેવાનો!’

રસિકે કહ્યું: ‘શું કહો છો, શ્રીશબાબુ! એકલા ભમરાને લઈને શું કરશો? પેલી મદમુકુલિતાક્ષીનોે વિચાર કર્યો? એ લિલામમાં નહિ મળે.’

શ્રીશે કહ્યું: ‘આ કોનો રૂમાલ અહીં પડી રહ્યો છે?’

રસિકે કહ્યું: ‘જોઉં, જોઉં! ઓહો, કોઈ દુર્લભ ચીજ તમારા હાથમાં આવી પડી છે ને! વાહ! શું સરસ સુગંધ આવે છે! તો પછી શ્લોકની લીટી બદલવી પડશે, મશાય! છંદોભંગ થાય તો ભલે થાય—‘વાસન્તીનવપરિમલોદ્ગારરૂમાલામ્ |’ શ્રીશબાબુ! આ રૂમાલની આપણી કુમારસભાની ધજા બનાવીએ, પણ એ શક્ય નથી. આ જોયું, ખૂણામાં ઝીણા અક્ષરે ‘ન’ લખેલો છે.’

શ્રીશે કહ્યું: ‘શું નામ હશે કહો જોઉં! નલિની? નહિ, બહુ પ્રચલિત નામ છે. નીલાંબુજા? બહુ જડબાતોડ છે. નીહારિકા? બહુ આડંબરી છે. તમે તો બોલો કંઈ, રસિક બાબુ! તમને શું લાગે છે?’

રસિકે કહ્યું: ‘નામ નથી સુઝતું, મશાય! પણ ભાવ મારા મનમાં આવે છે. શબ્દકોશમાં ‘ન’ છે એટલા બધા મારા માથામાં ભરાવા માંડે છે. ‘ન’ની માળા ગૂંથી કોઈ નીલોત્પલ નયનાની ડોકમાં પહેરાવી દેવાનું મન થાય છે.—નિર્મલનવનીનિન્દિતનવીન—તમે બોલોને, શ્રીશબાબુ!— પૂરું કરી આપોને—’

શ્રીશે કહ્યું: ‘નવમલ્લિકા.’

રસિકે કહ્યું: ‘સરસ, સરસ! નિર્મલનવનીનિન્દિત નવીન નવમલિલ્કા! ‘ગીતગોવિંદ’ આની આગળ રદ છે! બીજા પણ ઘણા સરસ ‘ન’ માથામાં કૂદાકૂદ કરાવા લાગી ગયા છે, પણ મેળ મેળવાતો નથી—નિભૂત નિકુંજનિલય, નિપુણનૂપુર નિક્કણ, નિબિડ નીરદનિર્મુક્ત,—અક્ષયદાદા હોત તો ઝટ ફેંસલો કરી આપત! માસ્તરને જોઈ છોકરાં જેમ પાટલી ઉપર પોતપોતાની જગાએ હારબંધ બેસી જાય, તેમ અક્ષયદાદાનો અવાજ આવતાં બધા શબ્દો દોડતા આવીને ગોઠવાઈ જાય છે. શ્રીશબાબુ! મને બુઢ્ઢાને છેતરીને રૂમાલ ગુપચુપ ગજવામાં ન નાખશો.’

શ્રીશે કહ્યું: ‘જેને જડ્યો હોય તેનો એના ઉપર સૌથી પહેલો હક છે—’

રસિકે કહ્યું: ‘મારે એ રૂમાલનું જરા કામ છે, શ્રીશબાબુ! મેં તમને કહ્યું તો છે કે સૂના કમરામાં માત્ર એક જ જાળીમાંથી જરાક અમથું ચાંદાનું અજવાળું અંદર આવે છે—મને એક કવિતા યાદ આવે છે—’

‘વીથીષુ વીથીષુ વિલાસિનીનામ્

મુખાનિ સંવીક્ષ્ય શુચિસ્મિતાનિ |

જાલેષુ જાલેષુ કરં પ્રસાર્ય,

લાવણ્યભિક્ષામટતીવ ચન્દ્ર: ||’

 

‘નિહાળીને કુંજ પથે પથે હા!

હસુ હસુ મુખ વિલાસિનીનાં,

લાંબા કરી હાથને દ્વાર દ્વાર,

લાવણ્યની માંગત ભીખ ચંદ્રમા!

—એ અભાગિયો ભિક્ષુક મારી બારીમાં આવે છે ત્યારે એને શું આપીને પટાવું, કહો! કાવ્યશાસ્ત્રની રસભરી વાતો જેટલી યાદ આવે એટલી બધી બોલી જાઉં છું, પરંતુ વાતોનાં વડાંથી ભૂખ ભાંગે? એટલે, એવી દુકાળ વેળાએ, આટલો રૂમાલ મારી પાસે હોય તો મને બહુ કામ લાગે. એ રૂમાલને લાવણ્યનો ઠીક ઠીક લાભ મળેલો છે!’

શ્રીશે કહ્યું: ‘એ લાવણ્ય તમે કદી જોયું છે ખરું, રસિકબાબુ?’

રસિકે કહ્યું: ‘જોયું ન હોય તો આ રૂમાલ વાસ્તે આટલી તકરાર કરું ખરો? અને આ ‘ન’ અક્ષરને શરૂ થતા શબ્દો મારા માથામાં હજી પણ ટોળાંની પેઠે ગુંજારવ કર્યા કરે છે તે કોઈ કમલવનવિહારિણી માનસીમૂર્તિને નજર સામે જોતા હશે ત્યારે ને?’

શ્રીશે કહ્યું: ‘રસિકબાબુ! આપનું આ મગજ એક વિશિષ્ટ મધપૂડા જેવું છે. એના છિદ્રેછિદ્રમાં કવિત્વનું મધ ભરેલું છે—મને પણ એ મદમત્ત કરી દેશે એવું લાગે છે.’

આમ કહી શ્રીશે એક નિ:શ્વાસ નાખ્યો.

એટલામાં પુરુષવેશમાં શૈલબાળાએ પ્રવેશ કર્યો, ને કહ્યું: ‘મને આવતાં બહુ મોડું થયું; શ્રીશબાબુ! માફ કરજો!’

શ્રીશે કહ્યું: ‘હું આ સંધ્યાટાણે તમને હેરાન કરવા આવ્યો છું. મને પણ માફ કરો, અબલાકાન્ત બાબુ!’

શૈલે કહ્યું: ‘રોજ સાંજે એવી રીતે હેરાન કરવાનું કબૂલ કરો તો માફ કરું, નહિ તો નહિ.’

શ્રીશે કહ્યું: ‘કબૂલ! પણ જો પછી પસ્તાવો થાય તો આ પ્રતિજ્ઞા યાદ કરો.’

શૈલે કહ્યું: ‘મારી ચિંતા ન કરશો, પણ જો તમને પસ્તવો થાય તો તમે છૂટા છો.’

શ્રીશે કહ્યું: ‘જો આ ભરોસે રહેશો તો અનંતકાલ લગી રાહ જોવી પડશે.’

શૈલે કહ્યું: ‘રસિકદાદા! તમે શ્રીશબાબુના ગજવા તરફ હાથ કેમ લંબાવો છો? ઘરડેઘડપણ ગજવાકાતરુનો ધંધો શરૂ કરવો ધાર્યો છે શું?’

રસિકે કહ્યું: ‘ના, ભાઈ! એ ધંધો તમારી ઉંમરે જ શોભે છે. પણ એક રૂમાલ બાબત મારે ને શ્રીશબાબુ તકરાર થઈ છે—તારે એનો ફેંસલો કરવાનો છે.’

શૈલે કહ્યું: ‘શી તકરાર છે?’

રસિકે કહ્યું: ‘પ્રેમના બજારમાં મોટો વેપાર ખેડવાની મૂડી મારી પાસે નથી.—હું છૂટક માલનો વેપાર કરી ખાઉં—રૂમાલ છે, વાળની દડી છે, કાગળના ટુકડામાં પડેલા બેચાર હસ્તાક્ષર—આવું આવું બધું ભેગું કરીને મારે મન મનાવવું પડે છે. પણ શ્રીશબાબુની પાસે એટલી બધી મૂડી છે કે એ મૂડીમાંથી તેઓ ધારે તો આખી બજારને મોંમાગી કિંમતે ખરીદી શકે છે; રૂમાલ તો શું, પણ સમસ્ત નીલાંચળના અર્ધા ભાગ ઉપર પોતાના હક બેસાડી શકે છે. મારા જેવા જ્યાં વાળનો દોરો ગળે બાંધીને મરવાની ઇચ્છા કરે ત્યાં તેઓ પાનીઢંક કેશકલાપના સુગંધમય ગાઢ અંધકારમાં પૂરેપૂરા સંતાઈ જઈ શકે છે. એમણે ભોંયપડ્યું વીણી ખાવાની જરૂર છે?’

શ્રીશે કહ્યું: ‘અબલાકાન્ત બાબુ, તમે તટસ્થ વ્યક્તિ છો. લ્યો, રૂમાલ તમારા હાથમાં રાખો. બંનેની વાત સાંભળ્યા પછી ન્યાયની દૃષ્ટિએ જેને આપવા જેવો લાગે તેને આપજો.’

શૈલે રૂમાલ લઈ ગજવામાં મૂક્યો. પછી કહ્યું: ‘મને તમે તટસ્થ માણસ સમજો છો શું? આ રૂમાલમાં જેવી રીતે ‘ન’ અક્ષર લાલ દોરા વડે ગૂંથેલો છે તેવી રીતે મારા પણ હૃદયના એક ખૂણામાં તપાસ કરો તો તમને એ જ ‘ન’ અક્ષર રક્તના રંગે લખેલોે દેખાશે. આ રૂમાલ હું તમારામાંથી કોઈને નહિ આપું.’

શ્રીશે કહ્યું: ‘રસિકબાબુ, આ કઈ જાતનો જુલમ? આ ‘ન’ અક્ષર તો બહુ ભયાનક નીકળ્યો!’

રસિકે કહ્યું: ‘વિલાયતી શાસ્ત્ર પ્રમાણે, કહે છે કે ન્યાય આંધળો છે; અને પ્રેમ પણ આંધળો છે. હવે બે આંધળાને લડવા દો, જેનામાં જોર હશે તે જીતશે.’

શૈલે કહ્યું: ‘શ્રીશબાબુ, રૂમાલની માલિકને તમે જોઈ પણ નથી, પછી શું કરવા ખાલી કલ્પના ઉપર મુસ્તાક રહીને લડવા નીકળી પડ્યા છો?’

શ્રીશે કહ્યું: ‘કોણે કહ્યું ,મેં નથી જોઈ?’

શૈલે કહ્યું: ‘જોઈ છે? કોને જોઈ છે? ‘ન’ એક નથી, બે છે—’

શ્રીશે કહ્યું: ‘બેયને જોઈ છે—એ બેમાંથી આ રૂમાલ ગમે તેનો હોય,—પણ હું મારો હક જતો કરવાનો નથી!’

રસિકે કહ્યું: ‘શ્રીશબાબુ, આ બુઢ્ઢાની સલાહ માનો, હૃદય-ગગનમાં બે ચંદ્રમાને ન ચડાવશો,—‘એકશ્ચનમ્દ્રસ્તમો હન્તિ |’

એટલામાં નોકરે પ્રવેશ કરીને શ્રીશને કહ્યું: ‘ચંદ્રબાબુનો કાગળ લઈને એક માણસ આપને ઘેર ગયો હતો, તે અહીં આવ્યો છે.’

શ્રીશે કાગળ વાંચીને કહ્યું: ‘જરા રજા આપશો? ચંદ્રબાબુનું ઘર નજીરમાં જ છે—હું જરા મોં દેખાડી તરત આવું છું.’

શૈલે કહ્યું: ‘ભાગી તો નહિ જાઓને?’

શ્રીશે કહ્યું: ‘ના, મારો રૂમાલ ગીરો મૂકતો જાઉં છું, એને છોડાવ્યા વગર હું જવાનો નથી.’

શ્રીશ ગયો.

રસિકે કહ્યું: ‘ભાઈ શૈલ, કુમારસભાના સભ્યોને જેવા ભયાનક ધાર્યા હતા તેવા લગીરે નથી. એમની તપસ્યામાં ભંગ પડાવવા માટે મેનકા, રંભા, મદન કે વસંત કોઈની જરૂર નથી, આ બુઢ્ઢો રસિક એકલો બસ છે!’

શૈલે કહ્યું: ‘એવું જ લાગે છે.’

 રસિકે કહ્યું: ‘ખરી વાત શું છે ખબર છે? દાર્જિલિંગમાં રહેનારો મેલેરિયાના દેશમાં પગ મૂકે કે તરત બિચારો માંદો પડે. આ લોકો અત્યાર સુધી ચંદ્રબાબુના ઘરના બિલકુલ નીરોગી વાતાવરણમાં રહેતા હતા, પણ આ ઘર તો આખુંયે રોગનાં જંતુઓથી ભરેલું છે. અહીંના રૂમાલમાં, ચોપડીઓમાં, ખુરશીમાં, મેજમાં—બધે રોગનો ચેપ છે. જ્યાં હાથ લગાડે ત્યાંથી તેમના નાકમાં ને મોંમાં રોગ ઘૂસવા માંડે છે—આહ! બિચારા શ્રીશબાબુ ખલાસ!’

શૈલે કહ્યું: ‘રસિકદાદા! તમને રોગનો ચેપ નથી લાગતો, ટેવાઈ ગયા છો, નહિ?’

રસિકે કહ્યું: ‘મારી વાત જવા દો! મને જેટલા રોગ થવાના હતા એટલા થઈ ગયા છે.’

એટલામાં નીરબાલાએ પ્રવેશ કર્યો ને કહ્યું: ‘દીદી, અમે અહીં બાજુના કમરામાં જ હતાં.’

રસિકે કહ્યું: ‘માછીઓ બિચારા જાળ ખેંચી મરે છે, ને સમડી ચૂપચાપ તરાપ મારવાનો લાગ જોતી બેસી રહી છે. ઠીક, ભાઈ!’

નીરબાલાએ કહ્યું: ‘સેજદીદીના રૂમાલ ઉપર શ્રીશબાબુએ કેવો તમાશો કરી નાખ્યો! સેજદીદી તો શરમથી નાસી જ ગઈ! હું પણ કેવી મૂરખ કે અહીં કશું ભૂલી ગઈ નહિ? પણ હવે હું એકીસાથે બાર રૂમાલ લઈ આવી છું, ઓરડામાં રૂમાલોની લૂંટાલૂંટ મચાવી દઉં!’

શૈલે કહ્યું: ‘તારા હાથમાં આ શાની ચોપડી છે, નીર?’

નીરબાલાએ કહ્યું: ‘મને જે ગીત સારાં લાગે તે આમાં ઉતારી લઉં છું, દીદી!’

રસિકે કહ્યું: ‘છોટી દીદી! આજકાલ તને કેવાં ધાર્મિક ગીતો ગમે છે તેનો એકાદ નમૂનો મને બતાવશે?’

નીરબાલાએ કહ્યું: ‘બતાવું. સાંભળો.’

‘જોને, હવે રાત પડે છે!

જોને, અંધકાર ચડે છે!

દેવું લેણં તારું ચૂકતે કરી દે,

નાવ ખડી પર પાર!

એને તું બોલાવી દે આ પાર!’

રસિકે કહ્યું: ‘બહેન તો બહુ અધીરાં થઈ ગયાં લાગે છે! પાર ઉતારવાની નૈયાને બોલાવી દઉં છું, ભાઈ! જે દેવાનું હોય, ને જે લેવાનું હોય તેનો બરાબર હિસાબ કરી લેજે!’

એટલામાં ‘અબલાકાન્ત બાબુ ઘેર છે?’ બોલતો વિપિન ઘરમાં દાખલ થયો, અને અંદર પગ મૂકતાં જ એકદમ ચમકીને સ્તબ્ધ બની ઊભો રહી ગયો.

નીરબાલા એક પળ આભી બની ગઈ. પછી ઝડપથી નાસી ગઈ.

શૈલે કહ્યું: ‘આવો, વિપિનબાબુ!’

વિપિને કહ્યું: ‘વિચાર કરીને કહેજો, હું આવું? મારા આવવાથી તમને કંઈ નુકસાન તો નથી ને?’

રસિકે કહ્યું: ‘જ્યાં સુધી ઘરમાં કંઈ નુકસાન ન થાય ત્યાં સુધી કશો લાભ પણ થતો નથી, વિપિનબાબુ!—વેપારનો એ નિયમ છે, જે ખોઈએ છીએ તે બમણું થઈને પાછું આવે છે. ખરું કે નહિ, અબલાકાન્ત બાબુ?’

શૈલે કહ્યું: ‘રસિકદાદાની રસિકતા આજકાલ બહુ સખત બનવા માંડી છે!’

રસિકે કહ્યું: ‘જેમ ગોળ ઠરીને સખત થાય છે એમ. પણ વિપિનબાબુ, શું વિચારમાં પડી ગયા, કહો તો ખરા!’

વિપિને કહ્યું: ‘હું વિચાર કરું છું કે હું શું બહાનું કાઢીને અહીંથી જતો રહું તો મને જવા દેવામાં તમારી ભદ્રતાને વાંધો ન આવે?’

શૈલે કહ્યું: ‘પણ મિત્રતાને વાંધો આવે તો?’

વિપિને કહ્યું: ‘તો બહાનું શોધવાનું કંઈ પણ કારણ રહેતું નથી.’

શૈલે કહ્યું: ‘તો એ શોધ પડતી મૂકો, ને નિરાંતે બેસો.’

રસિકે કહ્યું: ‘મુખ પર પ્રસન્નતા લાવો, વિપિનબાબુ! અમારા પર ઈર્ષ્યા ન કરશો. જુઓ, હું તો ઘરડોખખ છું, યુવકની ઈર્ષ્યાને લાયક પણ નથી. એને આપણા આ સુકુમાર અબલાકાન્તબાબુને કોઈ સ્ત્રી પુરુષ સમજતી જ નથી. એટલે તમને જોઈને જો કોઈ સુંદરી કિશોરી બીધેલી હરણીની પેઠે ભાગી જાય તો મનને એવી રીતે સાંત્વન આપજો કે તે આપનું પુરુષ તરીકે બહુમાન કરે છે. હાય રે અભાગિયા રસિક! તને જોઈને કોઈ તરુણી શરમાઈને નાસી પણ જતી નથી!’

વિપિને કહ્યું: ‘રસિકબાબુ તમને પણ આમાં સંડોવે છે, અબલાકાન્તબાબુ! આ કેવું કહેવાય?’

શૈલે કહ્યું: ‘શી ખબર, વિપિનબાબુ—મારું આ અબલાકાન્ત નામ મને મિથ્યા લાગે છે—હજી સુધી કોઈ અબલાએ મારો કાન્ત કહીને સ્વીકાર કર્યો નહિ.’

વિપિને કહ્યું: ‘હતાશ થવાની જરૂર નથી, હજી વખત છે.’

શૈલે કહ્યું: ‘એ આશા, અને એ સમય જો હોત તો ચિરકુમારસભામાં હું દાખલ થવા આવત નહિ.’

વિપિને મનમાં કહ્યું: ‘જરૂર, આના મનમાં કોઈ ગૂઢ વેદના છે, નહિ તો આવી કાચી વયે, આવા કોમળ મુખમાં દર્દીલો કોમળ કરુણભાવ હોય નહિ! ઓહ, આ શાની નોટ છે? ઓહો! આમાં તો ગીતો ઉતારેલાં છે ને કાંઈ! નીરબાલાદેવી!’

આમ કહી એ વાંચવા બેઠો.

શૈલે કહ્યું: ‘શું વાંચો છો, વિપિનબાબુ?’

વિપિને કહ્યું: ‘કોઈ એક અપરિચિતાનો અપરાધ કરી રહ્યો છું! કદાચ એની માફી માગવાની તક નહિ મળે, અથવા એનો ઠપકો ખાવાનું સૌભાગ્ય પણ નહિ મળે, પરંતુ ગીત રત્નોના ટુકડા જેવાં છે, અને હાથના અક્ષર મોતીના દાણા જેવા છે! જો લોભમાં પડીને આ ચોરી જાઉં તો, હે વિધાતા! મને એની સજા કરવાને બદલે ક્ષમા કરજો!’

શૈલે કહ્યું: ‘વિધાતા ક્ષમા કરે પણ હું નહિ કરું! એ ચોપડી પર ક્યારનીય મારી નજર પડેલી છે, વિપિનબાબુ!’

રસિકે કહ્યું: ‘અને હું શું લોભમોહ બધું જીતીને બેઠો છું એમ ધારો છો? આહા! હસ્તાક્ષરના જેવી ચીજ દુનિયામાં બીજી કઈ છે? મનનો ભાવ રૂપ ધરીને આંગળીઓનાં ટેરવાંમાંથી બહાર નીકળે છે—અક્ષરો ઉપર આંખ ફેરવીએ તો હૃદય જોણે આંખમાં આવીને બેસે છે! અબલાકાન્ત, આ ચોપડી છોડી દે, ભાઈ! તમારી ચંચલા નીરબાલાદેવી કૌતુકના ઝરણાની પેઠે રાતદિવસ વહ્યા જ કરતી હોય છે, એટલે એને તો પકડી રાખી શકાતી નથી, પણ આ ચોપડીનાં પાનાંમાં એનો એક કોગળો ભરેલો છે—એ ચીજની કિંમત છે! વિપિનબાબુ, તમે ક્યાં નીરબાલાને ઓળખો છો? તમે આ ચોપડી લઈને શું કરશો?’

વિપિને કહ્યું: ‘પણ તમે બંને તો ખુદ એમને ઓળખો જ છો, પછી ચોપડીની તમારે શી જરૂર? આ ચોપડીમાંથી હું એમની થોડીઘણી ઓળખાણ કરવાની આશા રાખું છું, એટલું પણ શું તમારાથી સહન નથી થતું?’

એટલામાં શ્રીશે પ્રવેશ કર્યો ને કહ્યું: ‘હવે યાદ આવ્યું, મશાય! પેલે દિવસે અમે અહીં એક ચોપડીમાં બે નામ વાંચ્યાં હતાં—નૃપબાલા, ને નીરબાલા! ઓહો વિપિન! તું ઓચિંતો અહીં ક્યાંથી?’

વિપિને કહ્યું: ‘તને પણ હું એ જ સવાલ પૂછી શકું છું.’

શ્રીશે કહ્યું: ‘હું અહીં મારા પેલા સંન્યાસસંપ્રદાયની અબલાકાન્ત બાબુની સાથે ચર્ચા કરવા આવ્યો હતો. એમનો ચહેરો, કંઠસ્વર, મુખનો ભાવ, બધું એવું છે કે એ મારા સંન્યાસ સંંઘના આદર્શ બની શકે એમ છે. તેઓ જો પોતાના આ ચંદ્રકલા જેવા લલાટને ચંદન વડે શણગારે, ડોકમાં માળા નાખે, અને હાથમાં વીણા લઈને સવારના પહોરમાં કોઈ ગામડામાં પ્રવેશ કરે તો ક્યા ગૃહસ્થનું હૃદય પીગળ્યા વગર રહે?’

રસિકે કહ્યું: ‘કંઈ સમજાતું નથી, મશાય! હૃદય પિગળાવવાની શું ખૂબ જરૂર પડી છે?’

શ્રીશે કહ્યું: ‘ચિરકુમારસભાનો હેતુ જ હૃદય પિગળાવવાનો છે.’

રસિકે કહ્યું: ‘શું કહો છો? તો પછી હું શું કરી શકવાનો?’

શ્રીશે કહ્યું: ‘તમારામાં એવો ઉત્તાપ છે કે તમે જો ઉત્તરધ્રુવમાં જાઓ તો ત્યાંનો બરફ પિગળાવીને તમે નદીઓ વહેવડાવી શકો. વિપિન, કેમ ઊઠયો?’

વિપિને કહ્યું: ‘હવે જોઉં, મારે રાત્રે થોડું વાંચવાનું છે.’

રસિકે ખાનગીમાં કહ્યું: ‘અબલાકાન્ત પૂછે છે કે વાંચી લીધા પછી ચોપડી પાછી મળશે ને?’

વિપિને એના કાનમાં કહ્યું: ‘વાંચી લીધા પછી એ વિષે વાત થશે, આજે નહિ.’

શૈલે ધીમેથી કહ્યું: ‘શ્રીશબાબુ, કેમ ફાંફાં મારો છો? તમારું કંઈ ખોવાય છે શું?’

શ્રીશે ધીમેથી કહ્યું: ‘હશે, બીજી વખત આવીશ ત્યારે જોઈશ.’

શ્રીશ અને વિપિન ચાલ્યા ગયા કે તરત નીરબાલાએ પ્રવેશ કરીને કહ્યું: ‘આ કેવી ડાકાતી દીદી? મારી ગીતોની ચોપડી ઉઠાવી ગયો! મને એવો તો રોષ ચડ્યો છે!’

રસિકે કહ્યું: ‘રોષ કે રાગ? બોલવામાં ઘણી વખત એકને બદલે બીજો શબ્દ બોલાઈ જાય છે!’

નીરબાલાએ કહ્યું: ‘બહુ સારું, પંડિત મશાય! તમારા ડહાપણની અમારે જરૂર નથી!—મારી ચોપડી લાવી દો!’

રસિકે કહ્યું: ‘પોલીસને ખબર આપ, ભાઈ, ચોરને પકડવાનું કામ મારું નથી!’

નીરબાલાએ કહ્યું: ‘કેમ તેં મારી ચોપડી લઈ જવા દીધી, દીદી?’

શૈલે કહ્યું: ‘તો એવું અમૂલું ધન અહીં મૂકી જવાનું કારણ?’

નીરબાલાએ કહ્યું: ‘હું શું જાણી જોઈને મૂકી ગઈ હતી?’

રસિકે કહ્યું: ‘લોકો એવો સંદેહ કરે છે.’

નીરબાલાએ કહ્યું: ‘નહિ, રસિકદાદા, તમારી આ મજાક મને નથી ગમતી.’

‘તો તો વધારે બીવા જેવું!’ રસિકે કહ્યું.’

નીરબાલા ગુસ્સામાં જતી રહી. એના ગયા પછી થોડીવારમાં શરમાતી શરમાતી નૃપબાલાએ પ્રવેશ કર્યો.

રસિકે કહ્યું: ‘કેમ નૃપ, શું ખોવાઈ ગયું છે તે ખોળવા આવી?’

નૃપબાલાએ કહ્યું: ‘મારું તો કશુંયે ખોવાયું નથી.’

રસિકે કહ્યું: ‘તો તો બહુ સારી વાત! શૈલદીદી, તો હવે રાહ જોવાની શી જરૂર છે? રૂમાલનો માલિક જડતો નથી, એટલે એ રૂમાલ જેને જડ્યો છે તેને જ એ દઈ દો.’

આમ કહી શૈલેના હાથમાંથી રૂમાલ લઈ તેણે કહ્યું: ‘આ કોની ચીજ છે?’

નૃપબાલાએ કહ્યું: ‘મારી નથી.’

એમ કહી એણે નાસવા માંડ્યું. પણ રસિકે એને પકડી લઈ કહ્યું: ‘જે ચીજ ખોવાઈ ગઈ છે તેની ઉપર નૃપ પોતાનો કશો જ હક રાખવા માગતી નથી.’

નૃપબાલાએ કહ્યું: ‘રસિકદાદા, જવા દો! મારે કામ છે.’

License

ચિરકુમારસભા Copyright © by રવીદ્રનાથ ટાગોર and અનુવાદઃ રમણલાલ સોની. All Rights Reserved.