ચંદ્રમાધવબાબુએ બૂમ મારી: ‘નિર્મલ!’

‘શું છે મામા! જવાબ મળ્યો, પણ એ જવાબમાં ઉત્સાહ નહોતો.

ચંદ્રબાબુની જગાએ બીજો કોઈ હોત તો એને તરત ખબર પડી જાત કે જરૂર કંઈકેક ગરબડ છે.

‘નિર્મલ! મારા ગળાનું બટન નથી જડતું!’

‘આટલામાં જ ક્યાંક હશે.’

આવા બિનજરૂરી અને સંદિગ્ધ સંવાદથી કોઈને કંઈ લાભ થતો નથી, તો પછી ક્ષીણ દૃષ્ટિવાળા ચંદ્રબાબુને શી રીતે થવાનો હતો? પરિણામે આ સંવાદથી અદૃશ્ય બટન સંબંધમાં એમને કંઈ જ નવું જ્ઞાન મળ્યું નહિ, પરંતુ નિર્મલાના મનની અવસ્થા વિષે ઘણો પ્રકાશ પડ્યો. પરંતુ પ્રોફેસર ચંદ્રમાધવબાબુની દૃષ્ટિશક્તિ એ ક્ષેત્રમાં પણ જોઈએ તેવી પ્રખર નહોતી.

તેમણે હમેશના નિશ્ચિંત અને વિશ્વાસુ ભાવે કહ્યું: ‘જરા શોધી આપ તો બેટી!’

નિર્મલાએ કહ્યું:‘તમે કઈ ચીજ ક્યાં નાખી દો છો, હું કેવી રીતે શોધી આપું?’

હવે ચંદ્રબાબુના સ્વાભાવિક નિ:શંક મનમાં શંકાનો પ્રવેશ થયો. તેમણે સ્નેહાળ સ્વરે કહ્યું: ‘તારા વગર કોણ શોધી આપે, નિર્મલ? મારી ભૂલો ખમી ખાવાની તારામાં ધીરજ છે એટલી બીજા કોનામાં છે?’

નિર્મલાની રૂંધાયેલી રીસ, ચંદ્રબાબુનો મમતાળુ કંઠસ્વર સાંભળી આંસુરૂપે ગળવા માંડી, મૂગી મૂગી તે આંસુ ખાળવાનો પ્રયત્ન કરવા લાગી.

નિર્મલાને નિરુત્તર જોઈ ચંદ્રમાધવબાબુ એની પાસે ગયાં, અને જેમ ખોટી સોનામહોરની પરીક્ષા આંખોની છેક પાસે રાખીને કરવી પડે, તેમ નિર્મલાનું મોં બે આંગળીઓ વડે ઊંચું કરી તેઓ થોડીવાર નિહાળી રહ્યા, પછી ગંભીરતાપૂર્વક મંદ હાસ્ય કરીને બોલ્યા: ‘નિર્મલ આકાશમાં મલિનતા દેખાય છે. શું થયું છે. કહે જોઉં?’

નિર્મલા જાણતી હતી કે ચંદ્રમાધવબાબુ અનુમાન કરવાનો પ્રયત્ન પણ કરવાના નથી. જે ચોખ્ખેચોખ્ખું દેખાય નહિ તેને તેઓ પોતાના મનમાં કદી સ્થાન આપતા જ નહિ. મારું પોતાનું મન જેમ છેક તળિયા સુધી સ્વચ્છ છે તેમ બીજાનું પણ હોવું જોઈએ એમ તેઓ માનતા હતા. 

નિર્મલાએ ક્ષોભ પામી કહ્યું: ‘હવે મને તમારી ચિરકુમારસભામાંથી શું કરવા કાઢી મૂકો છો? મેં શું બગાડ્યું છે?’

ચંદ્રમાધવબાબુ નવાઈ પામીને બોેલ્યો: ‘ચિરકુમારસભામાંથી તને કાઢી મૂકી? તારે ને ચિરકુમારસભાને સંબંધ શું ’

નિર્મલાએ કહ્યું: ‘બારણાં પાછળ બેસી રહું એટલે કશો સંબંધ નથી એમ કહોે છો? તો એટલો સંબંધ પણ શા સારુ તૂટી જાય?’

ચંદ્રબાબુએ કહ્યું: ‘નિર્મલ, તારે કંઈ એ સભામાં કામ કરવાનું નથી—જેમને કામ કરવાનું છે તેમની સગવડનો વિચાર કરીને—

નિર્મલાએ કહ્યું: ‘મારે કેમ કામ કરવાનું નથી? તમારો ભાણેજ થવાને બદલે ભાણેજી થઈને જન્મી, એટલે શું તમારાં સેવાકાર્યોમાં હું ભાગ લઈ શકું નહિ? તો પછી મને આટલું ભણાવી શું કરવા? તમારે હાથે જ તમે મારાં મન પ્રાણને જાગૃત કર્યાં, અને હવે કામનો રસ્તો કેમ રોકો છો?

ચંદ્રમાધવબાબુ આ સાંભળવાને જરાય તૈયાર નહોતા. નિર્મલાનું પોતે કેવી રીતે ઘડતર કર્યું છે તેની તેમને પોતાને પણ ખબર નહોતી.

તેમણે ધીરે ધીરે કહ્યું: ‘નિર્મલ, તારે વખત આવે પરણીને સંસાર માંડવો પડશે—ચિરકુમારસભાનું કામ—’

‘મારે નથી પરણવું.’

‘તો શું કરશે, કહે!’

‘દેશની સેવામાં તમને મદદ કરીશ.’

‘અમે તો સંન્યાસવ્રત લેવાનું નક્કી કર્યું છે!’

‘તો શું ભારતવર્ષમાં કોઈ સ્ત્રી કદી સંન્યાસિની થઈ નથી?’

ચંદ્રમાધવબાબુ એવા સ્તબ્ધ બની ગયા કે ખોવાયેલા બટનની વાત તો ભૂલી જ ગયા. તેઓ મૂગા બની ઊભા રહ્યા.

ઉત્સાહથી મોં લાલ કરી નિર્મલાએ કહ્યું: ‘મામા, જો કોઈ છોકરી તમારી પેઠે વ્રત ગ્રહણ કરવા માટે ખરા દિલથી તૈયાર હોય તો તમે તેને ખુલ્લી રીતે તમારી સભામાં શા માટે દાખલ ન કરો? હું તમારી કૌમાર્યસભાની સભાસદ કેમ ન બની શકું?’

અકલંકચિત્ત ચંદ્રમાધવની પાસે આનો કશો જવાબ નહોતો. તેમ છતાં તેમણે ખચકાતાં અચકાતાં બોલવા માંડ્યું: ‘બીજા સભ્યોને—’

 નિર્મલા વચમાં જ બોલી ઊઠી: ‘જે લોકો સભ્ય થયા છે, દેશની સેવા કરવાનું વ્રત લઈ જેઓ સંન્યાસી થવા નીવળ્યા છે, નીકળ્યા છે, તેઓ શું કોઈ વ્રતધારિણી સ્ત્રીને નિ:સંકોચભાવે પોતાના સંઘમાં દાખલ કરી શકતા નથી? એવું હોય તો પછી એ લોકોએ ઘરબારી બનીને ઘરમાં જ ભરાઈ રહેવું સારું! એમનાથી કશું કામ થવાનું નથી.’ 

ચંદ્રમાધવબાબુ પાંચે આંગળીએ જોરથી માથું ખંજવાળવા લાગ્યા—માથાનો એક એક વાળ ઊંચો નીચો થઈ ગયો. એટલામાં તેમનું પેલું ખોવાયેલું બટન તેમના ગજવામાંથી નીકળી નીચે પડ્યું. નિર્મલાએ હસતાં હસતાં તે ઉપાડી લઈ ચંદ્રમાધવબાબુના ખમીસના ગળે ભરાવી આપ્યું —પણ ચંદ્રમાધવબાબુને તેની ખબર પડી નહિ—માથું ખંજવાળતા તેઓ પોતાના મગજમાં વિચારો ડહોળતા રહ્યા.—

એટલામાં નોકરે આવીને ખબર આપ્યા કે પૂર્ણબાબુ આવ્યા છે.

નિર્મલા અંદર જતી રહી. એટલામાં પૂર્ણે પ્રવેશ કર્યો. તેણે કહ્યું: ‘ચંદ્રબાબુ, પેલી બાબતનો પછી વિચાર કરી જોયો? આપણું સભાસ્થળ બદલવું મને ઠીક લાગતું નથી.’

ચંદ્રબાબુએ કહ્યું: ‘આજે વળી એક બીજો સવાલ ઊભો થયો છે. પૂર્ણબાબુ, હું તે વિષે તમારી સાથે સારી પેઠે ચર્ચા કરી જોવા માગું છું. મારે એક ભાણી છે એ તો જાણો છો ને તમે?’

પૂર્ણે કંઈ જાણતો જ ન હોય તેમ કહ્યું: ‘ભાણી? તમારે?’

ચંદ્રબાબુએ કહ્યું: ‘હા, એનું નામ નિર્મલા. આપણી ચિરકુમારસભા સાથે એના હૃદયને ખૂબ મેળ છે.’

પૂર્ણે નવાઈ પ્રગટ કરી કહ્યું: ‘શું કહો છો?’

ચંદ્રબાબુએ કહ્યું: ‘મને ખાતરી છે કે તેનો પ્રેમ અને ઉત્સાહ આપણા કોઈના પણ કરતાં ઊતરતો નથી.’

પૂર્ણે ઉત્સાહ બતાવી કહ્યું: ‘એ સાંભળી અમારો પણ ઉત્સાહ વધી જાય છે! સ્ત્રી થઈને તેઓ—’

ચંદ્રબાબુએ કહ્યું: ‘હું પણ એ જ વિચાર કરું છું. સ્ત્રીનો સરળ ઉત્સાહ પુરુષના ઉત્સાહમાં નવો પ્રાણ પૂરી શકે—મેં પોતે આજે એવો અનુભવ કર્યો છે.’

પૂર્ણે આવેગપૂર્ણ ભાવે કહ્યું: ‘હું બરાબર અનુમાન કરી શકું છું—’

ચંદ્રબાબુએ કહ્યું: ‘પૂર્ણબાબુ, તમે પણ મારા મતને મળતા છો?’

પૂર્ણબાબુએ કહ્યું: ‘કયો મત?’

ચંદ્રબાબુએ કહ્યું: ‘કે ખરેખરી ઉત્સાહ સ્ત્રી આપણા કઠોર કર્તવ્યમાર્ગમાં વિઘ્નરૂપ ન થતાં ખરેખરી મદદગાર બની શકે છે.’

પૂર્ણબાબુએ ઘરની અંદરના ભાગમાં નજર કરી મોટેથી કહ્યું: ‘એ વિશે મને લેશમાત્ર શંકા નથી. સ્ત્રીના પ્રેમ ઉપર જ પુરુષના પ્રેમનો જીવંત આધાર છે. પુરુષના ઉત્સાહને ધાવણા બાળકની પેઠે ઉછેરી શકે છે એકમાત્ર સ્ત્રીનો જ ઉત્સાહ.’

એટલામાં શ્રીશ અને વિપિન આવી પહોંચ્યા. શ્રીશે કહ્યું: ‘એ ખરું, પૂર્ણબાબુ!—પરંતુ એ ઉત્સાહના અભાવે જ શું આજે સભામાં જવાનું મોડું થઈ રહ્યું છે?’

પૂર્ણ એવો ઘાંટો પાડીને બોલ્યો હતો કે નવા આવેલાં બંને મિત્રોએ નિસરણી ચડતાં ચડતાં એના શબ્દો સાંભળી લીધા હતા.

ચંદ્રબાબુએ કહ્યું: ‘ના, ના, મોડું થવાનું કારણ તો એ છે કે મારી ડોકનું બટન જડતું નથી.’

શ્રીશે કહ્યું: ‘વાહ! તો આ ડોકમાં દેખાય છે એ શું છે? હજી વધારે જોઈએ છે? તો બીજો ગાજ ક્યાં છે?

ચંદ્રબાબુ ગળે હાથ ફેરવીને બોલ્યો: ‘ઓહ હો!’ પછી જરા શરમાઈને હસવા લાગ્યા. 

ચંદ્રબાબુએ કહ્યું: ‘આપણે બધાયે અહીં હાજર છીએ’ એટલે હમણાં જ આ સવાલના નિર્ણય પર આવી જઈએ તો સારું. ખરું કે નહિ, પૂર્ણબાબુ?’

એકદમ પૂર્ણબાબુના ઉત્સાહનો પારો ઊતરી ગયો. નિર્મલાનું નામ દઈને સૌની આગળ સવાલ ચર્ચવો એ તેને રુચિકર ન લાગ્યું. તેણે કંઈક કુંઠિત બનીને કહ્યું: ‘વાત તો ખરી, પણ મોડું બહુ થાય છે!’

ચંદ્રબાબુએ કહ્યું: ‘ના રે, હજી ઘણો વખત છે. શ્રીશબાબુ, તમે લોકો જરા બેસોને. સવાલ જરા શાંતિથી વિચાર કરી જોવા જેવો છે. મારી એક ભાણી છે, એનું નામ નિર્મલા—’

પૂર્ણને એકદમ ખાંસી આવી ગઈ. એના મોં પર લાલશ દોડી આવી. તેને થયું કે ચંદ્રબાબુમાં કશી અક્કલ નથી. આખી દુનિયાની આગળ પોતાની ભાણીની વાત કરવાની શી જરૂર? નિર્મલાનું નામ લીધા વગર વાત નહોતી થતી શું?

પરંતુ કોઈ પણ વાતમાં કંઈ પણ છુપાવીને બોલવાનો ચંદ્રબાબુનો સ્વભાવ જ નહોતો.

ચંદ્રબાબુએ કહ્યું: ‘આપણી કુમારસભાના તમામ ઉદ્દેશોની સાથે એના મનનો પૂરેપૂરો મેળ છે.’

આવા ગંભીર સમાચાર, છતાં શ્રીશ અને વિપિન બિલકુલે વિચલિત બન્યા વગર બિલકુલ નિરુત્સાહ ભાવે સાંભળી રહ્યા.

પૂર્ણને થવા લાગ્યું કે નિર્મલાના પ્રસંગમાં જે લોકો જડ પથરાના જેવા ઉદાસીન છે. જેઓ નિર્મલાને છે, જેઓ નિર્મલાને દુનિયાની બીજી સાધારણ સ્ત્રીઓ જેવી સમજે છે, તેવા લોકોને કાને નિર્મલાનું નામ પણ શા માટે પડવું જોઈએ?

ચંદ્રબાબુએ કહ્યું: ‘હું ખાતરીથી કહું છું કે એનો ઉત્સાહ આપણા કોઈના પણ કરતાં ઓછો નથી.’

શ્રીશ અને વિપિનની પાસેથી કંઈ પણ જવાબ ન મળ્યો, એટલે ચંદ્રબાબુ પણ મનમાં કંઈક ઉત્તેજિત થવા લાગ્યા.

ચંદ્રબાબુએ કહ્યું: ‘આ વિશે મેં ઊંડો વિચાર કરીને નક્કી કર્યું છે કે સ્ત્રીઓના ઉત્સાહ ઉપર જ પુરુષનાં તમામ મહાન કાર્યોનો એક માત્ર આધાર છે. તમે શું કહો છો, પૂર્ણબાબુ?’

પૂર્ણબાબુને કશું જ બોલવાનું મન નહોતું, પરંતુ તેમણે નિસ્તેજ ભાવે જવાબ દીધો: ‘હાસ્તો!’

પોતાના સઢને એકે તરફની હવા મળી નહિ, એટલે ચંદ્રબાબુએ જોરથી રસ્તો કરવા હલેસું માર્યું: ‘નિર્મલા જો કુમારસભાની સભાસદ થવા ઇચ્છતી હોય તો આપણે એને કેવી રીતે ના કહી શકીએ?’

પૂર્ણ તો એકદમ માથે વીજળી પડી હોય એમ જડસડ બની ગયો! તે બોલી ઊઠ્યો: ‘શું કહો છો, ચંદ્રબાબુ?’

શ્રીશે પૂર્ણની પેઠે ખૂબ નવાઈ પ્રવટ કરી નહિ. તે બોલ્યો: ‘આપણે તો કદી કલ્પનાયે કરી કહોતી કે કોઈ સ્ત્રી કદી આપણી સભાની સભાસદ થવાનું કહેશે એટલે એ વિશે આપણી સભામાં કોઈ નિયમ નથી—’

ન્યાયપરાયણ વિપિને ગંભીર સ્વરે કહ્યું: ‘નિષેધ પણ નથી.’

અસહિષ્ણુ શ્રીશે કહ્યું: ‘સ્પષ્ટ નિષેધ નહિ હોય, પણ આપણી સભાનું ધ્યેય એવું છે કે એ સ્ત્રીઓ દ્વારા પાર પડવાનું નથી.’

કુમારસભામાં સ્ત્રીઓને સભાસદ બનાવવાનો વિપિનને વધારે ઉત્સાહ હતો એમ પણ નહોતું. પરંતુ એના સ્વભાવમાં જ એક જાતનો એવો સંયમ હતો કે કોઈની પણ વિરુદ્ધ જતી એકતરફી વાત એ સહી શકતો નહોતો.

તેથી તે બોલી ઊઠ્યો: ‘આપણી સભાનું ધ્યેય સંકુચિત નથી; અને વિરાટ ધ્યેય સિદ્ધ કરવું હોય તો જુદી જુદી શ્રેણીના અને જુદી જુદી શક્તિના લોકોએ જુદી જુદી પ્રવૃત્તિઓમાં લાગી જવું જોઈએ. એક સ્ત્રી સ્વદેશના કલ્યાણમાં જેવો ફાળો આપી શકશે એવો તું નહિ આપી શકે, અને તું જેવો આપી શકશે, તેવો કોઈ સ્ત્રી નહિ આપી શકે—એટલા માટે સભાના ધ્યેયને સર્વાંગ-સંપૂર્ણ રૂપે સિદ્ધ કરવું હોય તો સભામાં જેવી પુરુષોની જરૂર છે તેવો સ્ત્રીઓની પણ જરૂર છે.’

લેશમાત્ર ઉશ્કેરાટ પ્રગટ કર્યા વગર, વિપિન શાંત ગંભીર સ્વરે બોલી ગયો—પરંતુ શ્રીશ કંઈક ગરમ થઈ જઈને બોલ્યો: ‘કામ કરવાની દાનત ન હોય તેવા લોકો જ ધ્યેયને વિરાટ બનાવી મૂકે છે. બાકી સાચેસાચું કામ કરવું હોય તો ધ્યેયને મર્યાદિત જ રાખવું જોઈએ. આપણી સભાના ધ્યેયને તું જેવું બૃહત્ માની નિશ્ચિંત બની બેઠો છે, તેવું બૃહત્ હું માનતો નથી.

વિપિને શાંતિથી કહ્યું: ‘આપણી સભાનું કાયક્ષેત્ર એટલું તો બૃહત્ છે જ કે તારો સ્વીકાર કરવામાં એણે તારો ત્યાગ કર્યો નથી, અને મારો સ્વીકાર કરવામાં એણે મારો ત્યાગ કર્યો નથી, તારો ને મારો બન્ને જણનો જો આ સભામાં સમાવેશ થઈ શક્યો છે, તારી અને મારી બંનેની જો આ સભામાં આવશ્યક્તા છે, ને ઉપયોગિતા છે, તો પછી એક ત્રીજી ભિન્ન પ્રકૃતિની વ્યક્તિનો એમાં સમાવેશ થવાનું કામ શું એવું અઘરું છે?’

શ્રીશ ચટી જઈને બોલ્યો: ‘ઉદારતા અતિ ઉત્તમ ચીજ છે એવું હું નીતિશાસ્ત્રમાં ભણ્યો છું; એટલે હું તારી એ ઉદારતાનો નાશ કરવા નથી ઇચ્છતો, માત્ર એને વિભક્ત કરવા ઇચ્છું છું. સ્ત્રીઓ જે કામ કરી શકે તે માટે તેઓ પોતાની જુદી સભા બનાવે, આપણે એમની સભાના સભાસદ થવા નહિ જઈએ—પણ આપણી સભા આપણી જ રહે. આ પ્રમાણે નહિ થાય તો આપણે કેવળ એક બીજાના કામમાં અંતરાયરૂપ થઈ પડીશું. માથું ચિંતનનું કામ કરે અને પેટ પાચનનું કામ કરે. પેટ માથામાં ને માથું પેટમાં ઘૂસવાનો પ્રયાસ ન કરે એટલે બસ!’

વિપિને કહ્યું: ‘પરંતુ એટલા માટે માથું કાપીને એક જગાએ રાખીએ, અને જઠરને બીજી જગાએ રાખીએ તો પણ નહિ ચાલે.’

શ્રીશ ખૂબ ગુસ્સે થઈને બોલી ઊ્યાો: ‘ઉપમા કંઈ દલીલ નથી કે ઉપમાનું ખંડન કરવાથી મારી દલીલનું ખંડન થઈ જાય. ઉપમા માત્ર થોડે સુધી જ કામ લાગે છે—’

વિપિને વચમાં કહ્યું: ‘તારી દલીલને ટેકો મળતો હોય ત્યાં સુધી, એમ ને?’

આ બે ગાઢ મિત્રોની વચમાં આવી બોલાચાલી લગભગ દરરોજ થતી.

પૂર્ણ બિલકુલ ઉદાસ બનીને બેસી રહ્યો હતો. હવે તે બોલ્યો: ‘વિપિનબાબુ, મને એવું લાગે છે કે આપણાં આ બધાં કામો એવાં છે કે એમાં જો છોકરીઓ આગળ પડતો ભાગ લેવા દોડશે તો એમનું માધુર્ય નષ્ટ થઈ જશે.’

ચંદ્રબાબુએ એક ચોપડીને આંખોની છેક પાસે રાખીને કહ્યું: ‘મહત્ત્વનાં કામો કરવામાં જો માધુર્ય નષ્ટ થઈ જતું હોય તો તે માધુર્ય જતન કરીને સાચવવાલાયક નથી એમ સમજવું.’

શ્રીશે બોલી ઊઠ્યો: ‘નહિ, ચંદ્રબાબુ, હું એવી સૌન્દર્ય માધુર્યની વાત વચમાં આણતો નથી. પરંતુ આપણે સૈનિકો છીએ—સૈનિકોની પેઠે આપણે એકતાલે ચાલવું જોઈશે. અનાવડત અને સ્વાભિવિક દુર્બળતાને લીધે જે લોક પાછળ પડી જાય એવો હોય એમનો બોજો ઉપાડીને આપણે ચાલવાનું હોય તો આપણું બધું કામ ધૂળ થઈ જશે.’

બરાબર આ વખતે નિર્મલા અકુંઠિત મર્યાદાપૂર્વક ઓરડામાં આવી નમસ્કાર કરી ઊભી. એકદમ બધા સ્તબ્ધ બની ગયા. નિર્મલાનો કંઠસ્વર અશ્રુભીનો હતો, છતાં પણ તેણે દૃઢ સ્વરે કહ્યું: ‘તમારું સૌનું શું ધ્યેય છે, અને તમે સૌ દેશની સેવા કરવાના કામમાં કેટલે સુધી જવા કટિબદ્ધ બનેલા છો, તેની મને ખબર નથી. પરંતુ હું મારા મામાને ઓળખું છું. તેઓ જે માર્ગે જઈ રહ્યા છે તે માર્ગે જતાં તમે મને શા માટે રોકો છો?’

શ્રીશ ચૂપ થઈ ગયો. પૂર્ણ કુંઠિત અને અનુતાપવશ બની ગયો. વિપિને શાંત અને ગંભીર બની ગયો, અને ચંદ્રબાબુ અતિ ઊંડા વિચારમાં ડૂબી ગયા.

પૂર્ણ અને શ્રીશની સામે ચોમાસાનાં સૂર્યકિરણો જેવો અશ્રુભીનો દૃષ્ટિપાત કરીને નિર્મલાએ કહ્યું: ‘હું કામમાં પડવા માગું છું, અને બાળપણથી જેઓ મારા ગુરુ છે, તેમને જીવનના અંત લગી તમામ શુભ સંકલ્પોમાં અનુસરવા માગું છું. તો પછી તમે લોકો કેવળ દલીલો કરી કરીને મારી અયોગ્યતા પુરવાર કરવાનો શા સારુ પ્રયત્ન કરો છો? તમે લોકો મને ક્યાં ઓળખો છો?’

શ્રીશ સ્તબ્ધ બની ગયો. પૂર્ણને પરસેવો વળી ગયો.

નિર્મલાએ કહ્યું: ‘હું તમારી કુમારસભાને કે બીજી કોઈ સભાને ઓળખતી નથી. પરંતુ જેમના કુશળ હાથ હેઠળ હું મોટી થઈ છું, તેઓ કુમારસભાને પોતાના જીવનનો આદર્શ સિદ્ધ કરવાનું સાધન માને છે. તો પછી એ કુમારસભામાંથી તમે મને કઈ રીતે દૂર રાખી શકવાના છો?’

પછી તેણે ચંદ્રબાબુની સામે ફરીને કહ્યું: ‘તમે જો કહો કે હું તમારું કામ કરવાને લાયક નથી, તો હું હમણાં જ અહીંથી જતી રહું, પરંતુ આ લોકો મને શું ઓળખે? એ બધા ભેગા થઈને તમારી સાધનામાંથી મને અળગી કરવાની દલીલો કરવા શાને બેઠા છે?’

શ્રીશે પછી વિનયપૂર્વક ધીરેથી કહ્યું: ‘માફ કરજો, મેં તમારી ટીકા નથી કરી, પરંતુ સાધારણ સ્ત્રીજાતિ વિષે વાત કરતો હતો—’

નિર્મલાએ કહ્યું: ‘હું સ્ત્રીજાતિ કે પુરુષજાતિ વિષે કશી ચર્ચા કરવા માગતી નથી—હું મારા અંતરને ઓળખું છું, અને જેમના ઉન્નત ઉદાહરણનો મેં આશ્રય લીધો છે તેમના અંતરને ઓળખું છું. કામમાં પ્રવૃત્ત થવા માટે, મારે આથી વધારે કંઈ પણ જાણવાની જરૂર નથી.’

ચંદ્રબાબુ પોતાના જમણા હાથની હથેળી આંખોની છેક પાસે લઈ જઈને તેનું નિરીક્ષણ કરવા લાગ્યા.

પૂર્ણને કંઈક ચમત્કારિક બોલી નાખવાનું મન થયું. પરંતુ એના મોંમાથી શબ્દો નીકળ્યા નહિ. નિર્મલા બારણાં પાછળ રહેતી ત્યારે પૂર્ણની જીભ જેવી તેજથી ચાલતી તેવી આજે ચાલી નહિ.

તેમ છતાં નિર્મલાની આ રીતભાતનો તે મનમાં વિરોધ કરીને બોલ્યો: ‘દેવી, આ ગંદી પૃથ્વીનાં કામોમાં શું કરવા તમે તમારો પવિત્ર હાથ ખરડવા તૈયાર થયાં છો?’

પરંતુ મનની વાત મોઢે બરાબર પ્રગટ થઈ નહિ. બોલી પડ્યા પછી તેને ખબર પડી કે ગદ્યની અંદર અચાનક પદ્ય સેળભેળ થઈ ગયું છે. શરમથી તેના કાન લાલ થઈ ગયા.

વિપિને સ્વાભાવિક સુગંભીર શાંત સ્વરે કહ્યું: ‘પૃથ્વી જેમ વધારે ગંદી, તેમ તેને સુધારવું કામ વધારે પવિત્ર!’

આ સાંભળી કૃતજ્ઞ નિર્મલાના મોંનો ભાવ જોઈ પૂર્ણે કહ્યું: ‘આહ! આ શબ્દો મારે જ બોલવા જોઈતા હતાં.’ પણ આ શબ્દો વિપિન બોલ્યો, એટલે તેને વિપિનની ઉપર ગુસ્સો ચડ્યો.

શ્રીશે નિર્મલાએ કહ્યું: ‘સભાની બેઠકમાં સ્ત્રીસભ્ય લેવા વિષે નિયમાનુસાર દરખાસ્ત રજૂ કરી જે નક્કી થશે તે તમને જણાવીશું.’

હવે એક પળ પણ રાહ જોવા થોભ્યા વગર નિર્મલા સઢવાળી નૌકાની પેઠે સડસડાટ ચાલી જવાનું કરતી હતી, એટલામાં પ્રોફેસર એકદમ ભાનમાં આવી ગયા. તેમણે બૂમ મારી: ‘મારું પેલું ડોકનું બટન?’

નિર્મલાએ શરમાઈને હસીને મૃદુ સ્વરે ઇંગિત કરી કહ્યું: ‘તમારી ડોકમાં જ છે.’

ચંદ્રબાબુ ગળામાં હાથ ફેરવી ‘હા, હા, છે.’ કહી ત્રણ છાત્રોની સામે જોઈ હસ્યા.

License

ચિરકુમારસભા Copyright © by રવીદ્રનાથ ટાગોર and અનુવાદઃ રમણલાલ સોની. All Rights Reserved.