૧૫

જગત્તારિણીએ કહ્યું: ‘બાબા અક્ષય! આ છોકરીઓનું હું શું કરું? જોને, નૃપ બેઠી બેઠી રુવે છે, ને નીર મોઢું ચડાવી ફરે છે. કહે છે: મારી નાખો તોયે હું ઓરડામાંથી બહાર મોઢું દેખાડવાની નથી. ભદ્ર ઘરના છોકરા હમણાં આવ્યા સમજો—એમને હવે શું કહીને પાછા કઢાશે? તેં જ, બાપુ, એમને ભણાવીગણાવીને આટલી ફટકી છે, તું એમને સમજાવ.’

પુરબાલાએ કહ્યું: ‘સાચું કહું છું, હું તો એમના ઢંગ જોઈને આભી જ બની ગઈ છું, એમના મનમાં એ શું સમજે છે?’

અક્ષયે કહ્યું: ‘મને લાગે છે કે મારા સિવાય એમને બીજોે કોઈ ગમતો નથી. તારી બહેનો ખરી ને, રુચિ પણ બરાબર તારા જ જેવી છે.’

પુરબાલાએ કહ્યું: ‘હવે રહેવા દો મશ્કરી! આ મશ્કરી કરવાનો વખત છે? તમે એમને સમજાવીને બે શબ્દો કહેવાના છો કે નહિ, એ કહો ને! તમારા વગર એ કોઈનું માનવાની નથી!’

અક્ષયે કહ્યું: ‘એટલો બધો મારા પર એમને પ્રેમ છે! હા! આનું નામ ભગિનીપતિ-વ્રત સાળી! ભલે, તો મોકલો મારી પાસે—જોઉં તો ખરો!’

જગત્તારિણી અને પુરબાલા ગયાં.

નૃપબાલા અને નીરબાલાએ પ્રવેશ કર્યો.

નીરબાલાએ કહ્યું: ‘નહિ, મુખુજ્જે મશાય, કોઈ હિસાબે એ નહિ બને.’

નૃપબાલાએ કહ્યું: ‘મુખુજ્જે મશાય! તમને પગે લાગીને કહું છું કે આવી રીતે જેની તેની આગળ અમને મોં દેખાડવાનું કહેશો નહિ!’

અક્ષયે કહ્યું: ‘એક જણને ફાંસીની સજા થઈ ત્યારે એ કહે: મને બહુ ઊંચે ચડાવશો નહિ, મને ફેર આવે છે! તમારી પણ એવી વાત છે! લગ્ન કરવું છે, ને મોં દેખાડતાં શરમ આવે છે, એ કેમ ચાલશે?’

નીરબાલાએ કહ્યું: ‘કોણે કહ્યું અમારે લગ્ન કરવું છે?’

અક્ષયે કહ્યું: ‘અહો! શરીર પુલકિત બની જાય છે!—પરતું હૃદય દુર્બળ છે અને દૈવ બળવાન છે. જો દૈવવશાત્ પ્રતિજ્ઞા તોડવી પડે—’

નીરબાલાએ કહ્યું: ‘નહિ તૂટે!

અક્ષયે કહ્યું: ‘નહિ તૂટે? તો પછી બીવાનું ક્યાં છે? છોકરાઓનાં મોં સામે ધસી જઈને એમને એવા દઝાડો કે દૂમ દબાવીને ભાગે—અક્કરમીઓ છોને ઘેર જઈ મરતા!’

નીરબાલાએ કહ્યું: ‘વગર કારણે કોઈનો જીવ લેવાનું અમને ગમતું નથી.’

અક્ષયે કહ્યું: ‘વાહ! જીવ ઉપર કેવી દયા! પરંતુ આવી સાધારણ બાબતમાં ઘરમાં ફાટફૂટ થાય એવું શા સારું કરવું? તમારાં મા અને બહેન આટલો આગ્રહ કરે છે, અને બે છોકરીઓ ઘોડાગાડીનું ભાડું ખરચીને અહીં લગી આવે છે તો જરા પાંચ મિનિટ મોં દેખાડી દેવું. પછી હું બેઠો છું—તમારી ઇચ્છા વિરુદ્ધ હું કદાપિ તમારાં લગ્ન નહિ થવા દઉં!’

નીરબાલાએ કહ્યું: ‘કદાપિ નહિ?’

અક્ષયે કહ્યું: ‘કદાપિ નહિ!’

એટલામાં પુરબાલાએ પ્રવેશ કર્યો. પુરબાલાએ કહ્યું: ‘ચાલો, તમને જરા શણગારી દઉં!’

નીરબાલાએ કહ્યું: ‘અમારે નથી શણગારાવું!’

પુરબાલાએ કહ્યું: ‘ભદ્ર લોકના દેખતાં આવે વેશે બહાર નીકળવું છે? શરમ નથી આવતી?

નીરબાલાએ કહ્યું: ‘કોણે કહ્યું શરમ નથી આવતી?—પણ શણગારાઈને જતાં વધારે શરમ આવે છે!’

અક્ષયે કહ્યું: ‘ઉમાયે તપસ્વિનીના વેશમાં મહાદેવનું મન હરણ કર્યું હતું. શકુંતલાએ દુષ્યંતનું હૃદય જીત્યું ત્યારે તેણે માત્ર એક વલ્કલ પહેર્યું હતું; અને કાલિદાસ કહે છે કે એ પણ કંઈક શરમાઈ ગઈ હતી. તારી બહેનો એ બધું વાંચીને શાણી બનેલી છે એટલે એમને શણગાર નથી ગમતા!’

પુરબાલાએ કહ્યું: ‘એ બધું સત્યુગમાં ચાલતું. આ કલિ-કાળના દુષ્યન્ત મહારાજો સાજશણગાર જોઈને જ ભોળવાય છે.’

અક્ષયે કહ્યું: ‘દાખલા તરીકે—’

પુરબાલાએ કહ્યું: ‘દાખલા તરીકે તમે. તમે મને જોવા આવ્યા ત્યારે માએ મને નહોતી શણગારી?’

અક્ષયે કહ્યું: ‘મને મનમાં થયું કે શણગારથી આ આટલી શોભે છે તો સૌન્દર્યથી કોણ જાણે કેટલી શોભશે?’

પુરબાલાએ કહ્યું: ‘હવે જાણ્યા તમને! ચાલ, નીરુ!’

નીરબાલાએ કહ્યું: ‘ના, દીદી—’

પુરબાલાએ કહ્યું: ‘શણગાર ન કરે તો રહ્યું, પણ અંબોડો તો વાળવો પડશે ને?’

અક્ષયે ગાવા માંડ્યું:

‘ફૂલો નહિ બાંધજો, બહેની,

છૂટી તમે રાખજો વેણી!

આંખોમાં કાજળ આંજશો મા!

જરી ભીની થશે તોય બસ!

ફરફર ઊડતો અંચળો દેખી,

પથિક થશે પરવશ!

પૂરી આપ કામના થાશે!

વળી દયા કીધી કહેવાશે!’

પુરબાલાએ કહ્યું: ‘પાછું તમે ગાવા માંડ્યું? હવે હું શું કરું, કહો જોઉં! એ લોકોનો આવવાનો વખત થયો—અને હજી તો મારે ખાવાનું તૈયાર કરવાનું બાકી છે.’

પુરબાલા નૃપ અને નીરને લઈને ગઈ.

*

પછી રસિક આવ્યો. તેને અક્ષયે કહ્યું: ‘અહો પિતામહ ભીષ્મ! યુદ્ધની બધી તૈયારીઓ થઈ ગઈ છે?’

રસિકે કહ્યું: ‘હા, બધી જ! બન્ને વીરપુરુષો પણ આવી પહોંચ્યા છે.’

અક્ષયે કહ્યું: ‘બન્ને દિવ્યાસ્ત્રો હમણાં સજાવા ગયાં છે. તો તમે સેનાપતિનો ભાર ગ્રહણ કરો, હું જરી પડદા પાછળ રહેવા ચાહું છું.’

રસિકે કહ્યું: ‘હું પણ શરૂઆતમાં જરી પડદા પાછળ રહું.’

*

બન્ને ત્યાંથી જતા રહ્યા કે તરત શ્રીશ અને વિપિન આવી પહોંચ્યા.

શ્રીશે કહ્યું: ‘વિપિને, તેં તો આજકાલ સંગીતવિદ્યા ઉપર દેમાર કરવા માંડી છે, પણ કંઈ ફાવ્યો ખરો?’

વિપિને કહ્યું: ‘જરાયે નહિ. સંગીતવિદ્યાના દરવાજા આગળ સાત સૂરનો સતત પહેરો ચાલી રહ્યો હોય છે, ત્યાં મારે કેવી રીતે પ્રવેશ કરવો? પણ આ સવાલ ક્યાંથી તારા મનમાં પેદા થયો?’

શ્રીશે કહ્યું: ‘હમણાં હમણાંનું મને ઘણી વખત કવિતાનો રાગ બેસાડવાનું મન થાય છે. પેલે દિવસે ચોપડીમાં વાંચેલું—

‘આખો દિવસ રેતીમાં તું,

કરે રમત શું કામ?

સાંજ પડી, તું કાળા જળમાં,

કૂદી પડ બેફામ!

તળિયે પહોંચી

હાથ લાગે મોતી તો હસતો

નહિ તો રડતો, 

પાછો વળજે ઠામ!

આખો દિવસ રેતીમાં તું, 

કરે રમત શું કામ?’

આનો રાગ આવડે છે, એવું મને લાગે છે, પણ ગાઈ શકતો નથી.

વિપિને કહ્યું: ‘ચીજ કંઈ ખરાબ નથી હોં—તારો કવિ લખે છે સારું! બસ, હવે આગળ કશું નથી? શરૂ કર્યું છે તો હવે પૂરું કર ને!’

શ્રીશે આગળ ચલાવ્યું:

શી ખબર શું મનમાં આણી 

રસ્તે કોણ ઊભું આ આવી?

ફૂલની ગંધે પવન મંદ આ

હૃદય કરી દે ઉદાસ,

ભલે નિરવધિ, તોય ચલો,

એ ફૂલવનની પાસ!

વિપિને કહ્યું: ‘વાહ દોસ્ત! પણ શ્રીશ, ત્યાં શેલ્ફ પાસે તું શું ખોળ્યા કરે છે?’

શ્રીશે કહ્યું: ‘પેલે દિવસ એક ચોપડીમાં આપણે બે નામ લખેલાં જોયાં હતાં, તે—’

વિપિને કહ્યું: ‘ના, ભાઈ, આજે એ બધું રહેવા દે—’

શ્રીશે કહ્યું: ‘શું રહેવા દઉં?’

વિપિને કહ્યું: ‘એમને વિશે કંઈ પણ—’

શ્રીશે કહ્યું: ‘તું તે કેવી વાત કરે છે, વિપિન! એમને વિશે હું કોઈ એવી તો વાત નહિ કરું ને—’

વિપિને કહ્યું: ‘ચિડાઓ નહિ, ભાઈ!—મને મારી ચિંતા થાય છે. આ જ ઓરડામાં મેં ઘણી વખત રસિકબાબુની સાથે એમને વિશે એવી વાતો કરી છે કે આજે એ ભાવે એવું કંઈ પણ બોલતાં મને ખૂબ શરમ આવે છે—નથી સમજાતું?’

શ્રીશે કહ્યું: ‘કેમ ન સમજાય? હું તો માત્ર એક ચોપડી ઉઘાડીને જોવાનું કરતો હતો—તારા સમ, એક અક્ષરે બોલવાનો નહોતો.’

વિપિને કહ્યું: ‘નહિ, આજે એટલું પણ નહિ. આજે તેઓ આપણા દેખતાં બહાર નીકળવાની છે, એટલે આપણે પ્રસંગને શોભે એ રીતે વર્તવું જોઈશે.’

શ્રીશે કહ્યું: ‘વિપિને, તારી સાથે—’

વિપિને કહ્યું: ‘નહિ, ભાઈ! મારી સાથે દલીલો નહિ—હું હાર કબૂલ કરું છું.—પણ ચોપડી મૂકી દે!’

*

રસિકે પ્રવેશ કર્યો.

રસિકે કહ્યું: ‘ઓહ! તમે અહીં એકલા બેસી રહ્યા છો!—કંઈ મનમાં ન લાવશો—’

શ્રીશે કહ્યું: ‘મનમાં શું લાવે? આ ઓરડામાં અમારું સરસ સ્વાગત કર્યું હતું.’

રસિકે કહ્યું: ‘તમને કેટલી તકલીફ દીધી!’

શ્રીશે કહ્યું: ‘ક્યાં દીધી છે? તકલીફ કહેવાય એવી કાંઈ તકલીફ સ્વીકારવાનો સુયોગ મળ્યો હોત તો અમે અમને કૃતાર્થ સમજત!’

રસિકે કહ્યું: ‘હશે, ઘડીકમાં બધું પતી જશે, પછી તમે છૂટા છો. આ થોડી જ કંઈ સાચી મુલાકાત છે? સાચી હોત તો પરિણામે કેવો બંધનભયમ્ હોત એનો તો જરી વિચાર કરી જુઓ! લગ્ન ચીજ એવી છે કે મિષ્ટાન્નથી એની શરૂઆત થાય છે, પરંતુ દરેક વખતે મધુરેણ સમાપ્ત થતી નથી. વારુ, પણ આજે તમે લોકો આમ દુ:ખી થઈને ચુપચાપ કેમ રહ્યા છો, કહો તો હું તમને ખાતરી આપું છું કે તમને કોઈ ઊની આંચ નહિ આવે! તમે કોણ? તમે વનનાં વિહંગ! બે પેંડા ખાઈને પાછાં વનમાં ઊડી જજો, કોઈ તમને બાંધવાનું નથી. ‘નાત્ર વ્યાઘશરા: પતન્તિ પરિતો, નૈવાત્ર દાવાનલ: ’ દાવાનલના બદલામાં નાળિયેરનું પાણી મળશે!’

શ્રીશે કહ્યું: ‘અમને તમે કહ્યું તેવું દુ:ખ નથી, રસિકબાબુ! અમે તો વિચાર કરીએ છીએ કે કરીકરીને અમે તે કેટલોક પરોપકાર કરી નાખીએ છીએ! એથી ભવિષ્યની બધી ચિંતા કંઈ દૂર થતી નથી!’

રસિકે કહ્યું: ‘વાહ! આ કંઈ થોડું છે? તમે જે કરો છો તેથી બે અબળાઓને હંમેશને માટે તમે કૃતજ્ઞતાના પાશમાં બાંધો છો—છતાં તમે પોતે કોઈ પાશમાં બંધાતા નથી.’

*

જગત્તારિણી દેખાતી નથી, પણ તેનો અવાજ સંભળાય છે. તે ધીરેથી કહે છે: ‘અરે, નેપ, કેવી છોકરમત કરે છે તું! ઝટ ઝટ આંસુ લૂછી નાખી બહાર નીકળ! મારી ડાહી દીકરી—રોઈને આંખ રાતી કરીશ તો તું કેવી દેખાઈશ એનો તો જરા વિચાર કરી જો! નીર, જાને! તારાથી તોે હું થાકી, બાપુ! બિચારાઓને ક્યાં લગી બેસાડી રાખવા છે? શી ખબર શું ધારશે?’

શ્રીશે કહ્યું: ‘સાંભળ્યું, રસિકબાબુ! આ અસહ્ય છે! આના કરતાં તો રાજપુત્રો છોકરીને દૂધપીતી કરતા એ વધારે સારું હતું!’

વિપિને કહ્યું: ‘રસિકબાબુ! એમને આ સંકટમાંથી સંપૂર્ણપણે બચાવી લેવા માટે તમે જે કહો તે કરવા અમે તૈયાર છીએ!’

રસિકે કહ્યું: ‘આટલું જ બસ છે. હવે તમને વધારે તકલીફ નહિ આપું! માત્ર આજનો દિવસ સાચવી આપો એટલે પત્યું,—પછી તમારે કશી જ ચિંતા કરવી નહિ પડે.’

શ્રીશે કહ્યું: ‘ચિંતા નહિ કરવી પડે? આ તમે શું બોલો છો, રસિકબાબુ! અમે શું પાષાણ છીએ? આજથી અમને એમની વિશેષ ભાવે ચિંતા કરવાનો અધિકાર મળશે!

વિપિને કહ્યું: ‘આટલું થયા પછી, અમે જો એમના સંબંધમાં ઉદાસીન રહીએ તો અમારા જેવા નમાલા કોઈ નહિ!’

શ્રીશે કહ્યું: ‘આજથી એમની ચિંતા કરવી એ અમારે માટે ગર્વનો વિષય —ગૌરવનો વિષય બની રહેશે.’

રસિકે કહ્યું: ‘તો ભલે, ચિંતા કરજો! પરંતુ મને લાગે છે કે ચિંતા કરવા સિવાય બીજી કોઈ તકલીફ તમારે નહિ લેવી પડે!’

શ્રીશે કહ્યું: ‘વારુ, રસિકબાબુ, અમને તકલીફ આપવામાં તમને આટલો વાંધો કેમ છે?’

વિપિને કહ્યું: ‘એમની ખાતર જો અમારે કંઈ તકલીફ ઉઠાવવી પડશે તો અમે સન્માન સમજીશું.’

શ્રીશે કહ્યું: ‘બે દિવસથી, રસિકબાબુ, તમે અમને ફરીફરીને દિલાસો આપી રહ્યા છો કે બસ, હવે તમારે તકલીફ વેઠવી નહિ પડે! એથી અમને, ‘ખરેખર, બહુ દુ:ખ થાય છે.’

રસિકે કહ્યું: ‘મને માફ કરો—હું ફરી કદી આવું અક્કલ વગરનું નહિ બોલું. તમે ખુશીથી તકલીફ ઉઠાવજો!’

શ્રીશે કહ્યું: ‘તમે શું હજી પણ અમને ઓળખી શક્યા નહિ?’

રસિકે: ‘નથી કેમ ઓળખ્યા? એ બાબત તમે જરાયે ફિકર ન કરશો!’

એટલામાં શરમાતી સંકોચાતી નૃપબાલા અને નીરબાલાએ પ્રવેશ કર્યો.

શ્રીશે તેમને નમસ્કાર કરીને કહ્યું: ‘રસિકબાબુ, તમે એમને કહો કે અમને માફ કરે.’

વિપિને કહ્યું: ‘અમે જો ભૂલથી પણ એમને માટે શરમ કે ભયનું કારણ બન્યા હશું, તો એનું અમને જેટલું દુ:ખ થશે તેટલું બીજા કશાથી નહિ થાય. એની જો તેઓ અમને ક્ષમા નહિ કરે તો—’

રસિકે કહ્યું: ‘વાહ! ક્ષમા માગીને અપરાધિનીઓનો અપરાધ શું કરવા વધારો છો? તેઓ હજી બાળક છે, એટલે માન્ય અતિથિઓનો ક્યા શબ્દો વડે સત્કાર કરવો જોઈએ એ ભૂલી ગઈ છે, અને નીચું મોં કરી ઊભી છે. આથી તેઓ તમારા તરફ અસદ્ભાવ બતાવે છે એવી કલ્પના કરી એમને વધારે શરમાવશો નહિ. નૃપ દીદી, નીર દીદી!—બોલો, હવે તમે શું કહો છો? હજીયે તમારી પાંપણો તો સુકાઈ નથી, પણ તમારું દિલ એમનાથી વિમુખ નથી એવું એમને જણાવવાની મને રજા છે?’

નૃપ અને નીર લજ્જાથી નિરુત્તર રહી.

રસિકે કહ્યું: ‘હં, જરા બાજુએ જઈને પૂછી જોઉં.’

પછી તેણે તેમની પાસે જઈ ધીરેથી કહ્યું: ‘છોકરાઓને હવે શો જવાબ દઉં, કહો! કહી દઉં કે વહેલા અહીંથી રસ્તો માપો!’

 નીરબાલાએ ધીરેથી જવાબ દીધો: ‘રસિકદાદા, તમે આ શું ફાવે તેમ બક્યા કરો છો! અમે એવું ક્યાં કહીએ છીએ! અમને કંઈ ખબર હતી કે આ આવ્યા છે?’

રસિકે શ્રીશ અને વિપિનની સામે જોઈ કહ્યું: ‘આમનું કહેવું એમ છે કે—

સખા, શું મુજ કરમે લખ્યું!

સૂરજ સમજી ડરી તાપથી,

ચંદ્રકિરણ પેખ્યું!—

સખા! શું મુજ કરમે લખ્યું!

હવે આમાં તમારે કંઈ કહેવાનું છે?’

નીરબાલાએ રસિકને કાનમાં કહ્યું: ‘આહ રસિકદાદા! આ શું બકો છો! અમે ક્યારે આવું કહ્યું છે?’

રસિકે શ્રીશ અને વિપિનની સામે ફરી કહ્યું: ‘એમના મનનો ભાવ હું બરાબર વ્યકત કરી શકતો નથી એથી એ લોકો મને વઢે છે! એમનું કહેવું એમ છે કે ચંદ્રકિરણ કહેવાથી કશું કહેવાતું નથી—એના કરતાં બીજું—’

નીરબાલાએ કાનમાં કહ્યું: ‘તમે આવું કરશો તો અમે જતી રહીશું.’

રસિકે કહ્યું: ‘સખિ, ‘ન યુક્તમ્ અકૃતસત્કારમ્ અતિથિવિશેષં ઉજ્જ્ઞિત્વા સ્વચ્છન્દતો ગમનમ્ |’

પછી તેણે શ્રીશ અને વિપિનની સામે ફરીને કહ્યું: ‘આમનું કહેવું એમ છે કે જો હું એમના દિલનો ખરો ભાવ તમારી આગળ પ્રગટ કરી દઈશ તો તેઓ શરમાઈને એકદમ અહીંથી જતી રહેશે.’ 

નૃપે અને નીરે એકદમ પાછા ફરવા માટે પગ ઉપાડ્યો.

શ્રીશે કહ્યું: ‘રસિકબાબુના અપરાધની તમે આ નિર્દોષોને શું કરવા સજા કરો છે? અમે તો જરાયે વધારે પડતી છૂટ લીધી નથી.’

 નૃપ અને નીર ‘ન યયૌ ન તસ્થો’ ભાવ ધારણ કરી થંભી ગઈ. વિપિને નીરની સામે જોઈ કહ્યું: ‘કોઈ વખત કંઈ ભૂલ ગઈ હોય તો શું એની માફી માગવાનો પણ વખત નહિ આપો?’

રસિકે નીરબાલાના કાનમાં કહ્યું: ‘આ માફી વાસ્તે બિચારો ઘણા દિવસથી ઝૂરી રહ્યો છે—’

નીરબાલાએ રસિકને કહ્યું: ‘એવો કયો ગુનો કરી નાખ્યો છે કે માફી માગે છે?’

રસિકે વિપિનની સામે જોઈ કહ્યું: ‘એમનું કહેવું એમ છે કે તમારો ગુનો એવો મનોહર છે કે એ એમને ગુનો લાગતો જ નથી.—પણ જો મેં એ ચોપડી ઉઠાવી જવાની હિંમત કરી હોત તો એ ગુનો થાત—કાયદાની ખાસ કલમમાં એવું લખેલું છે.’

વિપિને કહ્યું: ‘ઈર્ષ્યા ન કરશો, રસિકબાબુ! તમને બધાને રોજ ગુનો કરવાની તક મળે છે, અને એની સજા ભોગવીને તમે કૃતાર્થ થાઓ છો; મને નસીબજોગ ગુનો કરવાની એક તક તો મળી, પણ હું એવો અધમ કે એની સજાને માટે પણ અપાત્ર ગણાયો! માફી પામવા જેટલો પણ લાયક ગણાયો નહિ!’

રસિકે કહ્યું: ‘વિપિનબાબુ, છેક નિરાશ ન થશો! સજા ઘણી વખત બહુ મોડી આવે છે, પણ આવ્યા વગર એ નથી રહેતી. ફસ દઈને એમાંથી છૂટી નયે શકો!’

એક નોકરે આવીને કહ્યું: ‘જમવાનું તૈયાર થઈ ગયું છે.’

નૃપ અને નીર ઘરમાં જતી રહી.

શ્રીશે કહ્યું: ‘અમે શું દુકાળમાંથી આવ્યા છીએ, રસિકબાબુ? જમવાની આટલી ઉતાવળ શી હતી?’

રસિકે કહ્યું: ‘મધુરેણ સમાપયેત્ |’

શ્રીશે નિ:શ્વાસ નાખી કહ્યું: ‘પણ આ સમાપ્તિ કંઈ મધુર નથી લાગતી.’

પછી તેણે વિપિનને કાનમાં કહ્યું: ‘પણ વિપિન, હવે આ બધાઓને છેતરીને કેવી રીતે જવાશે?’

વિપિને કાનમાં જવાબ દીધો: ‘એવું કરીએ તો આપણે પાખંડી ગણાઈએ.’

શ્રીશે કાનમાં કહ્યું: ‘અત્યારે આપણું શું કર્તવ્ય છે?’

વિપિને કાનમાં કહ્યું: ‘એય શું પૂછવું પડશે?’

રસિકે કહ્યું: ‘તમે લોકો કંઈ ગભરાઈ ગયા લાગો છો! ગભરાશો નહિ, છેવટે, કોઈ રસ્તો કરીને પણ હું ચોક્કસ તમારો ઉદ્ધાર કરીશ. 

બધા ઘરમાં ગયા.

પછી જગત્તારિણી અને અક્ષયે પ્રવેશ કર્યો.

જગત્તારિણીએ કહ્યું: ‘જોયું ને, બાબા! કેવા સરસ છોકરા છે?’

અક્ષયે કહ્યું:‘મા, તમારી પસંદગીમાં ખામી હોય? મારાથી એવું કેમ બોલાય?’

જગત્તારિણીએ કહ્યું: ‘છોકરીઓના ઢંગ જોયા ને, બાબા! હવે રડવાનું કોણ જાણે ક્યાં ઊડી ગયું!’

અક્ષયે કહ્યું: ‘એ જ તો એમની ભૂલ હતી. પણ મા, હવે તમારે જાતે જઈને છોકરાઓને આશીર્વાદ દઈ આવવાની જરૂર છે.’

જગત્તારિણીએ કહ્યું: ‘એ સારું દેખાશે, અક્ષય? એમણે હા પાડી છે?’

અક્ષયે કહ્યું: ‘પાડી જ છે તો! હવે તમે જાતે જઈને આશીર્વાદ દઈ આવો કે તરત બધું પાકું થઈ જશે!’

જગત્તારિણીએ કહ્યું: ‘ઠીક તો, તમે બધા કહો છો તો જાઉં છું. હું એમની મા જેવડી છું, એમની આગળ મારે વળી શરમાવાનું કેવું!’

એટલામાં પુરબાલાએ પ્રવેશ કરીને કહ્યું: ‘થાળીઓ કાઢીને આવી છું. એમને કયા કમરામાં બેસાડ્યા છે? મને તો કોઈ જોવાય ન મળ્યું!’

જગત્તારિણીએ કહ્યું: ‘શું કહું, પુરો! સોનાના ટુકડા જેવા છોકરા છે!’

પુરબાલાએ કહ્યું: ‘હું તો ક્યારનીયે જાણતી હતી. નૃપ-નીરના નસીબમાં કદી ખરાબ છોકરા હોય?’

અક્ષયે કહ્યું: ‘તેમની મોટી બહેનના નસીબનો પાસ લાગ્યો, બીજું શું?’

પુરબાલાએ કહ્યું: ‘હવે રહો, બહુ થયું! જાઓ, જરા એમની સાથે વાતોચીતો કરો! પણ શૈલ કેમ દેખાતી નથી?’

અક્ષયે કહ્યું: ‘એ એટલી બધી ખુશ થઈ ગઈ છે કે બારણું બંધ કરી પૂજા કરવા બેસી ગઈ છે!’

License

ચિરકુમારસભા Copyright © by રવીદ્રનાથ ટાગોર and અનુવાદઃ રમણલાલ સોની. All Rights Reserved.