૧૩

ઉસ્તાદ બેઠા હતા. વિપિન હાથમાં તંબૂરો લઈને ખૂબ બસૂરા અવાજે સા રે ગ મ બોલતો હતો. એટલામાં નોકરે આવીને ખબર આપ્યા કે કોઈ બાબુ આવ્યા છે.

વિપિને કહ્યું: ‘બાબુ? કેવા બાબુ છે?’

નોકરે કહ્યું: ‘ડોસો છે.’

વિપિને કહ્યું: ‘માથે ટાલ છે?’

નોકરે કહ્યું: ‘હા, છે.’

વિપિને તંબૂરો બાજુએ મૂકીને કહ્યું: ‘જા, હમણાં ને હમણાં એમને અહીં તેડી લાવ! એમના વાસ્તે હૂકો લાવ! નોકર ક્યાં મરી ગયો? એને પંખો ખેંચવાનું કહે! અને જો, દોડતો જા, ને બજારમાંથી ફક્કડ પાનબીડાં લઈ આવ! લઈ આવ! મોડું ન કરતો અને અડધો શેર બરફ લેતો આવજે! સમજ્યો?’

પછી પગલાંનો અવાજ સાંભળી એણે કહ્યું: ‘પધારો, રસિકબાબુ!’

પણ રસિકબાબુને બદલે વનમાલી આવ્યો!

વિપિને કહ્યું: ‘રસિકબાબુ—અરે, આ તો વનમાલી!’

વૃદ્ધે કહ્યું: ‘જી હા! મારું નામ વનમાલી ભટ્ટાચાર્ય!’

વિપિને કહ્યું: ‘એ કહી બતાવવાની જરૂર નથી. હું અત્યારે ખૂબ કામમાં છું.’

વનમાલીએ કહ્યું: ‘બંને ઉંમરલાયક થઈ ગઈ છે—એકેનું મોડું કરાય એમ નથી—વર પણ ઘણા આવે છે.—’

વિપિને કહ્યું: ‘એ સાંભળીને બહુ આનંદ થયો—દઈ દો—દઈ દો—’

વનમાલીએ કહ્યું: ‘પણ તમે બે બરાબર લાયક—’

વિપિને કહ્યું: ‘જુઓ વનમાલીબાબુ, હજી તમે મને પૂરો ઓળખતા નથી; જો ઓળખો તો મારી લાયકાત વિશે તમને ભયાનક સંદેહ થાય!’

વનમાલીએ કહ્યું: ‘તો હું જાઉં, તમે અત્યારે બહુ કામમાં છો, તો ફરી કોકવાર આવીશ.’

વિપિને તંબૂરો હાથમાં લઈ શરૂ કર્યું: ‘સારેગ, રેગમ, ગમપ—એટલામાં શ્રીશે પ્રવેશ કર્યો.

શ્રીશે કહ્યું: ‘કેમ રે, વિપિન! આ શું? કુસ્તી છોડી દઈને સંગીત શીખવા બેઠો!’

વિપિને ઉસ્તાદજી સામે જોઈને કહ્યું: ‘ઉસ્તાદજી! આજ તમને રજા! કાલે બપોરે આવજો.’

ઉસ્તાદ ચાલ્યો ગયો. પછી વિપિને કહ્યું: ‘શું કરું, કહે! સંગીત શીખ્યા વગર તારા સંન્યાસી સંઘમાં હું કેવી રીતે જોડાઈ શકવાનો!’

શ્રીશે કહ્યું: ‘ભલે, તું સારેગમ શીખવા બેઠો તો ભલે, પણ કુમારસભાનો પેલો લેખ લખવાનું હાથમાં લીધું કે નહિ?’

વિપિને કહ્યું: ‘ના ભાઈ, હજી એને હાથ લગાડવાનો વખત મળ્યો નથી, તારો લેખ લખાઈ ગયો શું!’

શ્રીશે કહ્યું: ‘ના મેંયે હજી હાથ લગાડ્યો નથી.’

શ્રીશે થોડીવાર કંઈ બોલ્યો નહિ, પછી બોલ્યો: ‘ના, ભાઈ, આ ઠીક નથી થતું. ધીમે ધીમે આપણે આપણા સંકલ્પથી જાણે દૂર થતા જઈએ છીએ.’

વિપિને કહ્યું: ‘ઘણા સંકલ્પો તો દેડકાના બચ્ચાની પૂછંડી જેવા હોય છે, પાકતાં પાકતાં જ અંતર્ધાન થઈ જાય છે. પણ જો દેડકું પોતે સુકાઈ જાય, અને એકલી પૂંછડી રહી જાય તો કેવું થાય? એક વખતે આપણે એક સંકલ્પ કર્યો, એટલે એ સંકલ્પની ખાતર આપણે આપણને પોતાને સૂકવી મારવા એનો મને કંઈ અર્થ દેખાતો નથી.’

શ્રીશે કહ્યું: ‘મને દેખાય છે. ઘણા સંકલ્પો એવા છે જેની ખાતર આપણે આપણને પોતાને સૂકવી મારીએ તો કશું જ ખોટું નથી! અફળ ઝાડની પેઠે આપણાં ડાળપાંદડાંમાં દરરોજ વધારે પડતા પ્રમાણમાં રસસંચાર થઈ રહ્યો છે, અને સફળતાની આશા દરરોજ જાણે દૂરની દૂર ઠેલાતી જાય છે. મેં ભૂલ કરી હતી, વિપિન! તમામ મોટાં કામોમાં તપસ્યાની જરૂર છે, પોતાની અનેક સુખોપભોગથી વંચિત ન કરીએ અને અનેક દિશાએથી મનને પાછું ન વાળી શકીએ તો ચિત્તને કોઈ પણ મહત્ત્વના કામમાં સંપૂર્ણપણે રોકી રાખી શકાતું નથી. એટલે હવે રસચર્ચા એકદમ બંધ કરી કઠોર કાર્યમાં મનને પરોેવવાની મેં પ્રતિજ્ઞા લીધી છે.

વિપિને કહ્યું: ‘તારી વાત હું માનું છું. પણ દરેક તૃણમાં ધાન પાકતું નથી—સુકાવાથી કેવળ સુકાઈ મરવાનું જ થશે, ફળ નહિ મળે. કેટલાય દિવસથી મને લાગે છે કે આપણે જે સંકલ્પ કર્યો છે તે આપણે હાથે સફળ થવાનો નથી. એથી આપણે આપણા સ્વભાવને અનુકૂળ કોઈ બીજો રસ્તો શોધી લેવો એ જ ઠીક છે.’

શ્રીશે કહ્યું: ‘આવી વાત કરવાનો કંઈ અર્થ નથી. વિપિન, ફેંકી દે તારો તંબૂરા—’

વિપિને કહ્યું: ‘લો, ફેંકી દીધો! એથી પૃથ્વીને કંઈ નુકસાન થવાનું નથી.’

શ્રીશે કહ્યું: ‘હવેથી ચંદ્રબાબુને ઘેર આપણી સભા ભરીએ—’

વિપિને કહ્યું: ‘અતિ ઉત્તમ!’

શ્રીશે કહ્યું: ‘આપણે બે જણ મળીને રસિકબાબુને જરા કાબૂમાં રાખીશું.’

વિપિને કહ્યું: ‘એ એકલા આપણને બે જણને બેકાબૂ કરી બેસે બેસે એવા છે.’

એટલામાં બીજા નોકરે આવી જણાવ્યું કે બહાર કોઈ બુઢ્ઢાબાબુ આવ્યા છે.

વિપિને કહ્યું: ‘બુઢ્ઢાબાબુ? આણે તો હેરાન હેરાન કરી નાખ્યા! વનમાલી પાછો આવ્યો લાગે છે.’

શ્રીશે કહ્યું: ‘વનમાલી? થોડી વાર પહેલાં એ મારી પાસે પણ આવ્યો હતો.’

વિપિને કહ્યું: ‘જા, ડોસાને પાછો કાઢ!’

શ્રીશે કહ્યું: ‘તું કાઢી મૂકશે એટલે એ પાછો મારી ગરદન પર આવી પડશે. એના કરતાં બોલાવને, આપણે બે જણ એને પહોંચી વળશું.’

પછી તેણે નોકરને કહ્યું: ‘જા, ડોસાને લઈ આવ!’

રસિકે પ્રવેશ કર્યો.

એને જોતાં જ વિપિન બોલી ઊઠ્યો: ‘આ શું! વનમાલીને બદલે આ તો રસિકબાબુ નીકળ્યા!’

રસિકે કહ્યું: ‘જી, હા!—તમારી ઓળખવાની શક્તિ ખરેખર અદ્ભુત છે—હું વનમાલી નથી જ—‘ધીરસમીરે યમુનાતીરે વસતિ વને વનમાલી—’

શ્રીશે કહ્યું: ‘ના, રસિકબાબુ, એવું બધું નહિ! અમે રસાલાપ કરવાનું બંધ કરી દીધું છે.’

રસિકે કહ્યું: ‘હાશ, ઠીક થયું.’

શ્રીશે કહ્યું ‘બીજી બધી વાતો છોડીને હવે અમે એકચિત્તે કુમારસભાના કeમમાં લાગી જવાના છીએ.’

રસિકે કહ્યું: ‘મારી પણ એવી જ ઇચ્છા છે.’

શ્રીશે કહ્યું: ‘વનમાલી નામનો એક ડોસો કુમારટુલીના નીલમાધવ ચૌધરીની બે છોકરીઓની સાથે અમારા વિવાહની વાત લઈને આવ્યો હતો. અમે સીધું ને સટ સંભળાવી દઈ એને રસ્તો પકડાવી દીધો. આવી વાતો પણ હવે અમને બિલકુલ અસંગત લાગે છે.’

રસિકે કહ્યું: ‘મને પણ અસંગત લાગે છે. બે તો શું, પણ ઢગલો છોકરાઓના વિવાહની વાત લઈને વનમાલી મારી પાસે આવે તો પણ હું એને નિરાશ કરીને પાછો કાઢું!’

વિપિને કહ્યું: ‘રસિકબાબુ, તમારે કંઈક નાસ્તોપાણી કરવાં પડશે.’

રસિકે કહ્યું: ‘ના, મશાય! આજે નહિ. તમારી સાથે એક ખાસ વાત કરવા આવ્યો હતો, પણ તમારી કઠોર પ્રતિજ્ઞાની વાત સાંભળીને હવે બોલવાની હિંમત નથી ચાલતી.’

વિપિને ઉત્સાહમાં આવીને કહ્યું: ‘નહિ, નહિ! પ્રતિજ્ઞા ખરી, પણ તમે કહેવા આવ્યા છો તો કહો કેમ નહિ?’

શ્રીશે કહ્યું: ‘તમે ધારો છો એવા અમે ભયંકર નથી. વાત ખાસ તો મારી સાથે કરવાની છે ને?’

વિપિને કહ્યું: ‘ના, પેલે દિવસ રસિકબાબુએ મને કહેલું કે મારી સાથે તેમને એકબે વાત કરવાની છે.’

રસિકે કહ્યું: ‘હશે, જવા દો!’

શ્રીશે કહ્યું: ‘હશે તો આજે ગોલ તળાવ પર—’

રસિકે કહ્યું: ‘ના, શ્રીશબાબુ, માફ કરો—’

શ્રીશે કહ્યું: ‘વિપિન, ભાઈ, તું જરા પેલા ઓરડામાં જા તો! તારી હાજરીમાં રસિકબાબુ કદાચ—’

રસિકે કહ્યું: ‘ના, ના, એવી કંઈ જરૂર નથી.—’

વિપિને કહ્યું: ‘એના કરતાં તો રસિકબાબુ, ચાલોને, આપણે ત્રીજે માળ જઈએ—શ્રીશ એટલો વખત અહીં બેઠો છે.’

રસિકે કહ્યું: ‘ના રે, તમે બેઉ બેસો, હું ઊઠું છું.’

વિપિને કહ્યું: ‘એ તે બને? કંઈ ખાવું પડશે’

શ્રીશે કહ્યું: ‘નહિ, તમને કોઈ હિસાબે હું છોડવાનો નથી, એ નહિ બને.’

રસિકે કહ્યું: ‘તો કરું. નૃપબાલા-નીરબાલાને તમે ઓળખો છો.—’

શ્રીશે કહ્યું: ‘કોણે કહ્યું નથી ઓળખતા?—તે શું નૃપબાલા વિષે કંઈ—’

વિપિને કહ્યું: ‘નીરબાલા વિષે કંઈ ખાસ—’

રસિકે કહ્યું: ‘એ બંને વિષે બહુ ચિંતાનું કારણ પેદા થયું છે.’

બંનેએ સાથે કહ્યું: ‘માંદાં તો નથી પડ્યાં?’

રસિકે કહ્યું: ‘ના, રે! માંદગી કરતાં વધારે! આ તો એમના વેવિશાળ—’

શ્રીશે કહ્યું: ‘શું કહો છો, રસિકબાબુ? અમે તો વવિશાળ વિષે કશું સાંભળ્યું નથી.’

રસિકે કહ્યું: ‘કશું હતું પણ નહિ, પણ અચાનક મા કાશીથી આવી પહોંચ્યાં છે ને કોઈ બે અલેલટપ્પુની સાથે બેયના વિવાહ કરી નાખવાનું એમણે નક્કી કર્યું છે—’

વિપિન કહ્યું: ‘એ કોઈ હિસાબે ન બની શકે, રસિકબાબુ!’

રસિકે કહ્યું: ‘મશાય! દુનિયામાં આપણને ન ગમતું હોય તે જ બનવાનો સંભવ વધારે છે! ફૂલછોડ કરતાં નકામાં ઝાડવાં જ વધારે ઊગે છે!’

વિપિને કહ્યું: ‘પણ મશાય, ઝાડવાને મૂળમાંથી ઉખેડી નાખવાં પડે—’

શ્રીશે કહ્યું: ‘ને ફૂલઝાડ રોપવાં પડે—’

રસિકે કહ્યું: ‘વાત તો ખરી, પણ એ કરે કોણ, મશાય?’

શ્રીશે કહ્યું: ‘ અમે કરીશું. કેમ, વિપિન, બોલતો નથી?’

વિપિને કહ્યું: ‘બેશક!’

રસિકે કહ્યું: ‘પણ શું કરશો?’

વિપિને કહ્યું: ‘કહો તો એ બે છોકરાઓને રસ્તામાં—’

રસિકે કહ્યું: ‘સમજ્યો, એનો વિચાર કરતાં પણ શરીર પુલકિત થઈ જાય છે—પણ વિધાતાની મહેરબાનીથી દુનિયામાં અપાત્ર ચીજોની કદી ખોટ હોતી નથી—બે જશે તો બીજા દશ આવશે.’

વિપિને કહ્યું: ‘એ બે છોકરાઓને જો છળથી કે બળથી થોડા દિવસ રોકી રાખી શકીએ તો પછી વિચાર કરી જોવાનો વખત જોઈએ એટલો મળી રહેશે.’

રસિકે કહ્યું: ‘વિચાર કરવાનો વખત નહિ જેવો છે. આ શુક્રવાર તો એ લોકો જોવા આવવાના છે.’

વિપિને કહ્યું: ‘આ શુક્રવારે?’

શ્રીશે કહ્યું: ‘એટલે પરમ દિવસે?’

રસિકે કહ્યું: ‘જી, પરમ દિવસે જ તો!—શુક્રવાર કંઈ રસ્તામાં રોકી શકાય તેમ નથી.’

શ્રીશે કહ્યું: ‘અચ્છા. એક પ્લાન મગજમાં આવે છે!’

રસિકે કહ્યું: ‘શો પ્લાન?’

શ્રીશે કહ્યું: ‘એ છોકરાઓને ઘરમાં કોઈ ઓળખે છે?’

રસિકે કહ્યું: ‘કોઈ નહિ.’

શ્રીશે કહ્યું: ‘એમણે ઘર જોયું છે?’

રસિકે કહ્યું: ‘એ પણ નહિ.’

શ્રીશે કહ્યું: ‘તો પછી વિપિન જો તે દિવસે એ લોકોને કોઈ ઉપાયે રોકી શકે તો હું એમના નામે નૃપબાલાને—’

વિપિને કહ્યું: ‘તું ક્યાં નથી જાણતો, ભાઈ! મારામાં એટલી અક્કલ નથી! પણ તું ધારે તો એ બેય જણાને ગમે તે ચાતુર લડાવીને રોકી રાખી શકે એવો છે—એટલામાં હું એમને નામે નીરબાલાને—’

રસિકે કહ્યું: ‘પણ મશાય! અહીં માનાર્થે બહુવચન નહિ ચાલે!—બે છોકરા આવવાનાં છે; એટલે તમારામાંથી એક જણને બે તરીકે ગણાવવાનું મારા માટે બહુ અઘરું થઈ પડશે.—’

શ્રીશે કહ્યું: ‘હા, એ પણ ખરું.’

વિપિને કહ્યું: ‘હા, એ તો હું ભૂલી જ ગયો.’

શ્રીશે કહ્યું: ‘ત્યારે તો અમારે બંનેએ આવવું પડે. પરંતુ—’

રસિકે કહ્યું: ‘તો એ બે છોકરાઓને ભળતે જ રસ્તે ચડાવી દેવાનું મારે માથે! પણ તમે લોકો—’

વિપિને કહ્યું: ‘અમારી ચિંતા ન કરશો, રસિકબાબુ!’

શ્રીશે કહ્યું: ‘અમે ગમે તે પરિણામ માટે તૈયાર છીએ’

રસિકે કહ્યું: ‘ખરેખર, તમે મહાન પુરુષો છો—આવો ત્યાગ કરવાનું—’

શ્રીશે કહ્યું: ‘વાહ! આમાં ત્યાગ જેવું છે ક્યાં?’

વિપિને કહ્યું: ‘ના, ના, તો પણ જરા ભય રહે છે કે વખતે પોતાની જાળમાં પોતે જ ફસાઈ પડવાનું થાય—’

શ્રીશે કહ્યું: ‘કંઈ નહિ ,મશાય! અમે કશાથી ડરતા નથી.’

વિપિન કહ્યું: ‘અમારું ગમે તે થાઓ, અમે પસ્તાવાના નથી!’

રસિકે કહ્યું: ‘એ આપની મોટાઈ બતાવે છે! પરંતુ મારું કર્તવ્ય તમારું રક્ષણ કરવાનું છે. હું તમને વચન આપું છું કે એક આ શુક્રવારનો દિવસ તમે ગમે તે ભોગે સાચવી આપો—તે પછી હું તમને કદી પણ હેરાન કરવાનો નથી—પછી તમે છુટ્ટા!—અમે પણ એટલામાં કોઈ બે સારા વર ગોતી કાઢીશું.’

શ્રીશે કહ્યું: ‘અમને હેરાન નહિ કરો એ સાંભળીને અમને દુ:ખ થયું, રસિકબાબુ!’

રસિકે કહ્યું: ‘ઠીક, તો કરીશ!’

વિપિને કહ્યું: ‘અમને શું કેવળ અમારી સ્વતંત્રતાની ચિંતા થાય છે? અમને શું તમે એવા સ્વાર્થી માનોે છો?’

રસિકે કહ્યું: ‘માફ કરો—મારી ભૂલ થઈ ગઈ!’

શ્રીશે કહ્યું: ‘તમે ગમે તે કહો, પણ ઝટ દઈને સારો વર જડવો મુશ્કેલ છે!’

રસિકે કહ્યું: ‘એટલે તો આટલાં વરસ રાહ જોવામાં ગયાં, ને છેવટ આ મુસીબત આવી ઊભી! મને ખબર છે કે લગ્નનું નામ પણ તમને અપ્રિય લાગે છે, તેમ છતાંય તમે—’

વિપિને કહ્યું: ‘એનો તમે જરાયે સંકોય ન રાખશો.’

શ્રીશે કહ્યું: ‘તમે બીજા કોઈની પાસે ન જતાં, અમારી પાસે આવ્યા; એને માટે અમે તમારો ખરા દિલથી આભાર માનીએ છીએ.’

રસિકે કહ્યું: ‘પણ હું તમારો આભાર નહિ માનું. એ બે કન્યાઓ જ પુરસ્કાર રૂપે જીવનભર તમારો આભાર માનશે.’

વિપિને બૂમ પાડી—‘અરે, પંખો ખેંચ!’

શ્રીશે કહ્યું: ‘રસિકબાબુને માટે તું નાસ્તો મગાવવાનું કહેતો હતો ને—’

વિપિને કહ્યું: ‘હમણાં આવ્યો જાણો | એટલામાં આ બરફવાળું પાણી આરોગો!’

શ્રીશે કહ્યું: ‘પાણી શા સારું, લેમોનેડ મગાવને!’

આમ કહી ગજવામાંથી જસતની ડબી કાઢી એણે રસિકની સામે ધરી કહ્યું: ‘આ લો, રસિકબાબુ, પાન ખાઓ!’

વિપિને કહ્યું: ‘એ તરફ પવન આવે છે? આ તકિયો લો ને!’

શ્રીશે કહ્યું: ‘વારું, રસિકબાબુ, નૃપબાલા બહુ ઉદાસ બની ગઈ હશે—’

વિપિને કહ્યું: ‘ નીરબાલા પણ ચોક્કસ ખૂબ—’

રસિકે કહ્યું: ‘એમાં શું શક?’

શ્રીશે કહ્યું: ‘નૃપબાલા રડારોડ કરતી હશે.’

નિપિને કહ્યું: ‘વારુ, તો નીરબાલા પોતાની માને જરા સમજાવીને કેમ કહેતી નથી?—’

રસિકે મનમાં કહ્યું: ‘આ શરૂ થઈ ગયું! મારે લેમોનેડ પીને શું કરવું છે?’

પછી તેણે કહ્યું: ‘માફ કરો, મારે હમણાં જ જવું જોઈશે.’

શ્રીશે કહ્યું: ‘શું કહો છો?’

વિપિને કહ્યું: ‘એ તે બને?’

 રસિકે કહ્યું: ‘પેલા બે છોકરાઓને ખોટું સરનામું આપી આવવું પડશે ને, નહિ તો—’

શ્રીશે કહ્યું: ‘સમજ્યો, તો તો એકદમ જાઓ!’

વિપિને કહ્યું: ‘તો ઘડીનોયે વિલંબ ન કરશો!’

License

ચિરકુમારસભા Copyright © by રવીદ્રનાથ ટાગોર and અનુવાદઃ રમણલાલ સોની. All Rights Reserved.