૧૧

રસિકે કહ્યું: ‘ભાઈ શૈલ!’

શૈલે કહ્યું: ‘શું છે, રસિકદાદા!’

રસિકે કહ્યું: ‘આ શું મારું કામ છે? મહાદેવના તપમાં ભંગ પડાવવા માટે સ્વયં કંદર્પદેવ હતા—અને હું ડોસો—’

શૈલે કહ્યું: ‘તમે ડોસા છો, તો એ બે જુવાનિયા મહાદેવ નથી!’

રસિકે કહ્યું: ‘નથી, એની તો મેં બરાબર ખાતરી કરી જોઈ છે. એટલે તો હું બેધડક ગયો હતો. પરંતુ રસ્તાની વચમાં ઠંઠી ખાતા ઊભા રહી, અડધી રાત લગી, એમની સાથે રસાલાપ કરવા જેટલી ગરમી મારા શરીરમાં નથી.’

શૈલે કહ્યું: ‘તો એમની સોબતમાંથી એટલી ગરમી પેદા કરી લેજો!’

રસિકે કહ્યું: ‘જીવતું ઝાડ સૂરજના તાપમાં પ્રફુલ્લ બની જાય, પણ મરેલું લાકડું તાપમાં રહે તો ફાટી જાય. તેવી રીતે યૌવનનો તાપ બુઢ્ઢા માણસને ફાયદો કરે એવું લાગતું નથી.’

શૈલે કહ્યું: ‘વાહ! તમને જોઈને તો ફાટી જશો એવું નથી લાગતું.’

રસિકે કહ્યું: ‘હૃદય જુઓ તો ખબર પડે!’

શૈલે કહ્યું: ‘શું કહો છો, રસિકદાદા! તમારી ઉંમર તો અત્યારે સૌથી વધારે નિરાપદ. યૌવનનો દાહ તમને શું કરવાનો?’

રસિકે કહ્યું: ‘શુષ્કેન્ધને વહ્નિરુપૈતિ વૃદ્ધિમ્ | યૌવનનો દાહ, વૃદ્ધ હાથમાં આવ્યો કે ભકભક કરતો ભભૂકી ઊઠે છે—એટલા માટે તો ‘વૃદ્ધસ્ય તરુણી ભાર્યા’ વિપત્તિનું કારણ મનાય છે. બીજું શું કહું, ભાઈ!’

એટલામાં નીરબાલા ત્યાં આવી પહોંચી.

તને જોઈ રસિકે કહ્યું: ‘આગચ્છ વરદે દેવિ | તું મને વર આપશે કે નહિ કોણ જાણે! પરંતુ હું તને એક ‘વર’ આપવા માટે તનતોડ મહેનત કરી મરું છું. શિવજી કશુંયે નથી કરતા, તોયે તારી પૂજા પામે છે તો આ બુઢ્ઢો મરી ખપે છે એને શું કશુંયે નહિ મળે?’

નીરબાલાએ કહ્યું: ‘શિવજીને મળે છે ફૂલ, ને તમને મળશે એનું ફળ—હું તમને જ વરમાળા પહેરાવીશ, રસિકદાદા!’

રસિકે કહ્યું: ‘હાસ્તો, માટીના દેવને નૈવેદ્ય ધરવામાં મોટી સગવડ એ છે કે જેટલું ધરીએ એટલું બધું પાછું મળે છે—એટલે તું મને નિરાંતે વરમાળા પહેરાવી શકે છે, જ્યારે જોઈએ ત્યારે પાછી મળી રહેશે—એના કરતાં તો, ભાઈ! મને એક ગલપટો બનાવી આપ, ઘરડા માણસને વરમાળા કરતાં એ વધારે ખપ લાગશે.’

નીરબાલાએ કહ્યું: ‘ભલે, બનાવી આપીશ, અને એક જોડ શણના જોડા વણી રાખ્યા છે તે પણ શ્રી ચરણમાં ભેટ ધરીશ.’

રસિકે કહ્યું: ‘આહ! આનું નામ કૃતજ્ઞતા! પરંતુ નીરુ, મારે માટે ગલપટો જ બસ છે—મને આપાદમસ્તક સંભાળવાની જરૂર નથી—એને માટે બીજો લાયક આદમી મળી રહેશે. જૂતાં એને માટે રહેવા દે.’

નીરબાલાએ કહ્યું: ‘ભલે, તો તમારું ભાષણ હવે તમારી પાસે રહેવા દો!’

રસિકે કહ્યું: ‘જોયું. શૈલ! આજકાલ નીરુને પણ શરમ લાગવા માંડી છે—લક્ષણ સારાં નથી.’

શૈલે કહ્યું: ‘નીરુ, તું આ શું કરે છે? ફરી પાછી અહીં આવી? આજે અહીં અમારી સભા ભરાવવાની છે—હમણાં કોઈ આવી ચડશે, તો પંચાત થશે.’

રસિકે કહ્યું: ‘એ પંચાતનો સ્વાદ એણે એકવાર ચાખ્યો છે, એટલે ફરી ફરી એ સ્વાદ ચાખવા વલખાં મારે છે.’

નીરબાલાએ કહ્યું: ‘જુઓ રસિકદાદા, તમે જો મને ખિજવશોે તો પછી ગલપટો મળી રહ્યો! તમને પણ કહી દઉં છું, દીદી, તમે જો રસિકદાદાના શબ્દોને આમ હસવામાં કાઢશો તો એમની ધૃષ્ટતા ખૂબ વધી જશે!’

રસિકે કહ્યું: ‘જોયું, શૈલે, નીરુ આજકાલ મજાક-મશ્કરી પણ સહન કરી શકતી નથી, મન કેટલું દુર્બળ બની ગયું છે! નીરુ દીદી, કોઈ કોઈ વખત કોયલનો ટહુકાર પણ કાનને કડવો લાગે છે એવું શાસ્ત્રમાં કહેલું છે, તો શું તારા રસિકદાદાની મશ્કરીઓ પણ હવે તને, એ ટહુકાર જેવી લાગવા માંડી?’

નીરબાલાએ કહ્યું: ‘એટલા વાસ્તે તો તમારા ગળામાં ગલપટો બાંધી દેવા ઇચ્છું છું—એનાથી જરા તમારો અવાજ તો નીચો ઊતરે!’

શૈલે કહ્યું: ‘નીરુ, હવે ઝઘડો છોડ—ચાલ, હમણાં બધા આવી પહોંચશે.’

નીરબાલા અને શૈલ જતાં કહ્યાં. થોડી વાર પછી પૂર્ણ આવી પહોંચ્યો.

રસિકે કહ્યું: ‘આવો પૂર્ણબાબુ!—’

પૂર્ણ કહ્યું: ‘હજી કોઈ આવ્યા નથી?’

રસિકે કહ્યું: ‘તમે આ ડોસાને એકલો જોઈને હતાશ બની ગયા? હમણા બધી પહોંચશે, પૂર્ણબાબુ!’

પૂર્ણે કહ્યું: ‘હતાશ શું કરવા થાઉં, રસિકબાબુ?’

રસિકે કહ્યું: ‘તે હું શી રીતે કહું, કહો! પરંતુ તમે ઓરડામાં પગ દીધો કે તરત તમારી આંખો જોઈને મને લાગ્યું કે તેઓ જેને શોધી રહી છે તે હું નથી!’

પૂર્ણે કહ્યું: ‘ચક્ષુ-વિદ્યાનું આટલું બધું જ્ઞાન તમે કેવી રીતે મેળવ્યું?’

રસિકે કહ્યું: ‘મારી સામે કદી કોઈ નજર કરતું નથી પૂર્ણબાબુ! તેથી આટલાં વરસ મેં કેવળ પારકાની આંખોનું નિરીક્ષણ કરવામાં જ કાઢ્યાં છે! જો હું આપના જેવો નસીબદાર હોત તો દૃષ્ટિવિદ્યાનું જ્ઞાન મેળવવાને બદલે ઘણી દૃષ્ટિઓનો જ લાભ મેળવી શક્યો હોત. પણ ગમે તે કહો, પૂર્ણબાબુ, આંખોના જેવી અજબ સૃષ્ટિ દુનિયામાં બીજી કોઈ નથી—માણસનું મન જો શરીરના કોઈ પણ અવયવમાં પ્રત્યક્ષ વાસ કરતું હોય તો એક માત્ર એની આંખોમાં!’

પૂર્ણે ઉત્સાહમાં આવી કહ્યું: ‘તમારી વાત ખરી છે, રસિકબાબુ! ક્ષુદ્ર શરીરનું કોઈ પણ અવયવને જો અનંત આકાશ કે અનંત સમુદ્રની ઉપમા આપી શકાય તો એક માત્ર આ આંખોને!’

‘નિ:સીમશોભાસૌભાગ્યં નતાંગ્યા નયનદ્વયમ્ |

અન્યોત્ત્ન્યાલોકનાનન્દવિરહાદિવ ચઞ્ચલમ્ ||’

રસિકે કહ્યું: ‘સમજ્યા, પૂર્ણબાબુ?’

પૂર્ણે કહ્યું: ‘ના, પણ સમજવાનું મન છે.’

રસિકે કહ્યું:—

‘નતાંગી બાલિકાની બે, આંખો સૌભાગ્યસુન્દર,

ન દેખી એકબીજાને, વિરહે થઈ ચંચલ!’

પૂર્ણે કહ્યું: ‘નહિ, રસિકબાબુ! આ બરાબર બેઠું નહિ. આ તો કેવળ વાક્્ચાતુરી છે! બે આંખો એકબીજાને જોવા તલસતી નથી.’

રસિકે કહ્યું: ‘તો બીજી બે આંખોને જોવાને તલસે છે ને? એ અર્થમાં સમજી લોને! છેલ્લાં બે ચરણ જરા બદલી નાખીએ—

‘દ્રષ્ટોદ્રષ્ટ તણું સુખ, મળ્યું ના, તેથી ચંચલ!

પૂર્ણે કહ્યું: ‘હા, સરસ બની ગયું, રસિકબાબુ!

‘દ્રષ્ટોદ્રષ્ટ તણું સુખ, મળ્યું ના, તેથી ચંચલ!

‘છતાં બિચારી કેદી છે—પાંજરામાં પુરાયેલા પંખીની પેઠે માત્ર આમથી તેમ તરફડવા સિવાય બીજું કંઈ કરી શકતી નથી—પાંખો ફેલાવીને પ્રિયની આંખો પાસે એનાથી ઊડી જવાતું નથી!’

રસિકે કહ્યું: ‘વળી એ દ્રષ્ટોદ્રષ્ટનો મામલો કેવો ભયકંર છે એ પણ શાસ્ત્રમાં લખેલું છે—

‘હત્વા લોચનવિશિખૈર્ગત્વા કતિચિત્પદાનિ પદ્માક્ષી |

જીવતિ યુવા ન વા કિં ભૂયો ભૂયો વિલોકયતિ ||’

‘લોચનબાણે વીંધી નરને, કમલલોચના જાય ઘરે,

મરી ગયો કે જીવે જોવા, ફરીફરી એ આંખ કરે!’

પૂર્ણે કહ્યું: ‘રસિકબાબુ, ‘ફરી ફરી એ આંખ કરે’ માત્ર કવિતામાં!’

રસિકે કહ્યું: ‘એનું કારણ એ છે કે કવિતામાં પાછું ફરીને જોવામાં કોઈ મુશ્ેકલી નડતી નથી. સંસાર પણ જો એવો કવિતાનો બનેલો હોત તો ત્યાં પણ એ ફરી ફરીને આંખ કરતો હોત, પૂર્ણબાબુ!—બાકી અહીં મન પાછું વળે છે, આંખો પાછી વળતી નથી.’

પૂર્ણે નિ:શ્વાસ નાખી કહ્યું: ‘બહુ ખરાબ જગા છે, રસિકબાબુ! પણ પેલું તમે બહુ સરસ કહ્યું, હોં!

‘દ્રષ્ટોદ્રષ્ટ તણું સુખ, મળ્યું ના, તેથી ચંચલ!’

રસિકે કહ્યું: ‘શું વાત કરું, પૂર્ણબાબુ? આંખોની વાત નીકળી છે એટલે મને બંધ કરવાનું મન જ થતું નથી—

‘લોચને હરિણગર્વમોચને

મા વિદૂષય નતાંગિ કજ્જલૈ: |

સાયક: સપદિ જીવહારક:

કિં પુનર્હિ ગરલેન લેપિત? ||

‘હરણીને શરમાવે એવી આંખો તું

કાજળથી શીદ કરે કાળી?

લેવાને જીવ તારું બાણ બસ, એને 

વિષ રે! શું કરવું લગાડી?’

પૂર્ણે કહ્યું: ‘બસ કરો, રસિકબાબુ, બસ કરો! જુઓ, કોઈ આવતા લાગે છે!

એટલામાં ચંદ્રબાબુ અને નિર્મલા ત્યાં આવી પહોંચ્યાં. ચંદ્રબાબુએ આવતાં જ રસિકને જોઈ કહ્યું: ‘ઓહો અક્ષયબાબુ!’

રસિકે કહ્યું: ‘હું અક્ષયબાબુને મળતો આવું છું એવું કહેશો તો તેમને અને તેમનાં સગાંવહાલાંને નહિ ગમે. હું રસિક છું.’

ચંદ્રબાબુએ કહ્યું: ‘માફ કરજો, રસિકબાબુ! ભૂલ થઈ ગઈ.’

રસિકે કહ્યું: ‘માફ કરવા જેવું એમાં છે શું, મશાય! આપે મને અક્ષયબાબુ કહ્યો, તેથી મારું તો જરાયે અપમાન થયું નથી. એટલે માફી મારી નહિ, પણ અક્ષયાબાબુની માગજો. પૂર્ણબાબુ અને હું ત્યારના અહીં બેઠા જરા વિજ્ઞાનની ચર્ચા કરતા હતા,!

ચંદ્રબાબુએ કહ્યું: ‘આપણી કુમારસભામાં મહિનામાં એક દિવસ વિજ્ઞાનની ચર્ચા માટે નક્કી કરવો એવો મારો વિચાર હતો. આજે કયા વિષયની ચર્ચા ચાલતી હતી, પૂર્ણબાબુ?’

પૂર્ણે કહ્યું: ‘ના રે, એવું કંઈ નથી, ચંદ્રબાબુ!’

રસિકે કહ્યું: ‘આંખોની દૃષ્ટિ વિષે બે ચાર વાતો થઈ હતી.’

ચંદ્રબાબુએ કહ્યું: ‘દૃષ્ટિનું રહસ્ય અતિગહન છે, રસિકબાબુ!’

રસિકે કહ્યું: ‘ગહન પૂરેપૂરું! પૂર્ણબાબુનો પણ એવો જ મત છે!’

ચંદ્રબાબુએ કહ્યું: ‘તમામે તમામ ચીજની આપણા દૃષ્ટિપટ ઉપર ઊલટી જ છાયા પડે છે. છતાં આપણે દરેક ચીજને કેવી રીતે સીધી જોઈ શકીએ છીએ એ વિષે કોઈ પણ મત મને હજી સંતોષકારક માલૂમ પડ્યો નથી.’

રસિકે કહ્યું: ‘સંતોષકારક કેવી રીતે માલૂમ પડે? સીધું જોવું ને વાંકું જોવું એની માથાકૂટમાં જ માણસનું માથું ભમી જાય છે. એ વિષય બહુ સંકટમય છે.’

ચંદ્રબાબુએ કહ્યું: ‘નિર્મલાની સાથે રસિકબાબુનો પરિચય થયો નથી, ખરું ને? રસિકબાબુ! આ આપણી કુમારસભાની પહેલી સ્ત્રીસભ્ય!’

રસિકે નિર્મલાને નમસ્કાર કર્યા, પછી કહ્યું: ‘તેઓ આપણી સભાનાં સભાલક્ષ્મી છે. આપ સૌના આશીર્વાદ આપણી સભામાં બુદ્ધિવિદ્યાની ખોટ નહોતી, તેઓ હવે આપણી સભાને શ્રી પ્રદાન કરવા આવ્યાં છે.’

ચંદ્રબાબુએ કહ્યું: ‘માત્ર શ્રી નહિ, શક્તિ!’

રસિકે કહ્યું: ‘એ બધું એકનું એક છે, ચંદ્રબાબુ! શક્તિ જ્યારે શ્રીરૂપે આવિર્ભૂત થાય છે ત્યારે એની શક્તિની સીમા રહેતી નથી. કેમ, પૂર્ણબાબુ, બોલતા નથી?’

એટલામાં શૈલે પુરુષવેશે આવીને કહ્યું: ‘માફ કરજો, ચંદ્રબાબુ, મને બહુ મોડું થયું છે શું?’

ચંદ્રબાબુએ ઘડિયાળ જોઈને કહ્યું: ‘ના, હજી વખત થયો નથી. અબલાકાન્તબાબુ, મારી ભાણી નિર્મલા આજે આપણી સભાની સભાસદ બની છે.’

શૈલે નિર્મલાની પાસે બેસીને કહ્યું: ‘જુઓ, પુરુષો સ્વાર્થી હોય છે, તેઓ સ્ત્રીઓને કેવળ પોતાની સેવામાં જ બાંધી રાખવા ઇચ્છે છે. ચંદ્રબાબુએ અમારી સભાના હિતની ખાતર સભાને તમારું દાન કર્યું છે. તેથી તેમની મહત્તા પ્રગટ થાય છે.’

નિર્મલાએ કહ્યું: ‘મારા મામાને મન દેશની સેવા અને પોતાની સેવા બંને એક જ છે, એટલે હું જો આપની સભાની કંઈ સેવા કરી શકીશ તો એમાં મારા મામાની જ સેવા કરી ગણાશે.’

શૈલે કહ્યું: ‘તમે સદ્ભાગ્યે ચંદ્રબાબુને બરાબર પીછાનવાની શક્તિ પ્રાપ્ત કરી લીધી છે તે બદલ તમને ધન્યવાદ ઘટે છે.’

નિર્મલાએ કહ્યું: ‘હું એમને નહિ ઓળખું તો બીજું કોણ ઓળખશે?’

શૈલે કહ્યું: ‘ઘરનું જ માણસ ઘણી વખત ઘરના માણસને નથી ઓળખતું. સગપણ નાનાને મોટો માની લે છે, તેમ મોટાને નાનો પણ માની લે છે. તમે ચંદ્રબાબુને ઓળખ્યા છે એ પરથી તમારી શક્તિનો ખ્યાલ આવે છે. 

નિર્મલાએ કહ્યું: ‘પરંતુ મારા મામાને બરાબર ઓળખવાનું કામ અઘરું નથી—એમનામાં એવી અજબ પારદર્શકતા છે!’

શૈલે કહ્યું: ‘એથી તો એમને પૂરેપૂરા ઓળખવાનું કામ, ઊલટું, અઘરું બની જાય છે. દુર્યોધન સ્ફટિકની દીવાલને એ દીવાલ છે એમ જોઈ જ શક્યો નહોતો. સરળ સ્વચ્છતાનું મહત્ત્વ બધાને નથી સમજાતું, એટલે તેના તરફ અવજ્ઞા બતાવાય છે. લોકોની દૃષ્ટિ બાહ્ય આડંબર તરફ જ ખેંચાય છે.’

નિર્મલાએ કહ્યું: ‘તમારું કહેવું સાચું છે. બહારના લોકોમાંથી કોઈ જ મારા મામાને ઓળખતું નથી. પહેલવહેલી આજે હું તમારા મોંએ મામા વિષે બે શબ્દો સાંભળું છું. એ સાંભળીને મને એવો આનંદ થાય છે કે શું વાત કરું?’

શૈલે કહ્યું: ‘મામાની ઉપરનો તમારો ભક્તિભાવ જોઈ મને પણ એવો જ આનંદ થાય છે.’

ચંદ્રબાબુએ બંનેની પાસે આવીને કહ્યું: ‘અબલાકાન્ત બાબુ, તમને મેં એક ચોપડી આપી હતી તે વાંચી?’

શૈલે કહ્યું: ‘વાંચી, અને તેમાંથી તમારા ઉપયોગી માટે જરૂરી નોંધ પણ કરી રાખી છે.’

ચંદ્રબાબુએ કહ્યું: ‘મારા પર ભારે ઉપકાર થયો—હું બહુ ખુશી થયો, અબલાકાન્ત બાબુ! પૂર્ણ પોતે મારી પાસેથી એ ચોપડી માગીને લઈ ગયો હતો, પણ એનું શરીર સારું નહોતું, એટલે એનાથી કશું જ બની શક્યું નહિ. નોંધ લાવ્યા છો?’

શૈલે કહ્યું: ‘લઈ આવું.’

કહી તે નોંધ લેવા ગઈ.

રસિકે કહ્યું: ‘પૂર્ણબાબુ! તમારો ચહેરો કેમ આમ ઊતરી ગયો છે? શરીર બગડ્યું તો નથી ને?’

પૂર્ણે: કહ્યું ‘ના, કશું નથી. રસિકબાબુ, પેલા ગયા એમનું નામ અબલાકાન્ત?’

રસિકે કહ્યું: ‘હા.’

પૂર્ણે કહ્યું: ‘મને એમની રીતભાત સારી નથી લાગતી.’

રસિકે કહ્યું: ‘હજી નાની વય છે ખરીને—’

પૂર્ણે કહ્યું: ‘સ્ત્રીઓની સાથે કેવી રીતે વર્તવું જોઈએ એ એમણે શીખવાની જરૂર છે.’

રસિકે કહ્યું: ‘મને પણ એવું લાગ્યું છે કે સ્ત્રીઓની સાથે બરાબર પુરુષને છાજતી રીતે વર્તતાં એને આવડતું નથી—ગળેપડુની પેઠે વર્તે છે. મને તો એ કાચી ઉંમરનું પરિણામ લાગે છે.’

પૂર્ણે કહ્યું: ‘અમારી પણ ઉંમર કંઈ બહુ પાકી ગઈ નથી, પણ અમે તો—’

રસિકે કહ્યું: ‘એ હું ક્યાં નથી જોતો? તમે કુમારી નિર્મલાની બને એટલા આઘા ને આઘા રહો છો, પણ એમને કદાચ એ અભદ્રતા લાગતી હશે. એમને કદાચ થતું હશે કે તમને એમની પરવા નથી.’

પૂર્ણે કહ્યું: ‘શું કહો છો, રસિકબાબુ? તો કંઈ રસ્તો દેખાડોને! મને તો કંઈ સમજ જ પડતી નથી કે શું વાત કરવા વાસ્તે હું એમની પાસે જાઉં?’

રસિકે કહ્યું: ‘વિચાર કરવાથી એ નહિ જડે! એકદમ આગળ ધપી જાઓ, પછી આપોઆપ શું વાત કરવી તે સૂઝી આવશે.’

પૂર્ણે કહ્યું: ‘ના, રસિકબાબુ! મારા મોંમાથી એક અક્ષરે નહિ નીકળે! શું વાત કરવી એ તમે શીખવાડો!’

રસિકે કહ્યું: ‘દુનિયામાં યુગ પલટાઈ જાય એવી કોઈ વાત ન કરશો. જઈને કહો કે હા! આજકાલ ગરમી કેવી સખત પડવા માંડી છે!’

પૂર્ણે કહ્યું: ‘અને તેઓ કહે કે હા, સખત પડે છે, તો પછી મારે શું કહેવું?’

એટલામાં વિપિન અને શ્રીશ આવી પહોંચ્યા. શ્રીશે ચંદ્રબાબુ અને નિર્મલાને નમસ્કાર કરી, નિર્મલાની સામે જોઈ કહ્યું: ‘તમારો બધાનો ઉત્સાહ ઘડિયાળના કરતાં પણ આગળ વધી ગયો છે.—આ જુઓ, હજી સાડા છ પણ વાગ્યા નથી.’

નિર્મલાએ કહ્યું: ‘આજે તમારી સભામાં આવવાનો મારો પહેલો જ દિવસ છે, તેથી હું જરા વહેલી આવી છું—પહેલી વારનો સંકોચ ભાંગતાં જરા વાર તો લાગે ને?’

વિપિને કહ્યું: ‘પરંતુ તમારી આગળ અમારી એ અરજ છે કે તમે અમારી આગળ જરા પણ સંકોચ રાખશો નહિ. આજથી તમારે માથે અમારો ભાર છે—આ અક્કરમી પુરુષ સભ્યોને કૃપાદૃષ્ટિથી જોજો, સાંભળજો ને હુકમ કરી ચલાવજો.’

રસિકે કહ્યું: ‘જાઓ પૂર્ણબાબુ, તમે પણ કંઈ બોલો!’

પૂર્ણે કહ્યું: ‘શું બોલું?’

નિર્મલાએ કહ્યું: ‘ચલાવવાની શક્તિ મારામાં નથી.’

શ્રીશે કહ્યું: ‘તમે શું અમને એટલા બધા અચલ સમજો છો?’

વિપિને કહ્યું: ‘લોઢાના કરતાં અચલ બીજો કયો પદાર્થ છે? પરંતુ અગ્નિ એ લોઢાને ચલાવે છે—અમારા જેવા ભારે પદાર્થેને ચલાવવા માટે તમારા જેવી દીપ્તિની જરૂર છે!’

રસિકે કહ્યું: ‘સાંભળ્યું, પૂર્ણબાબુ?’

પૂર્ણે કહ્યું: ‘મારે શું બોલવું એ કહોને!’

રસિકે કહ્યું: ‘કહો કે લોઢાને ચલાવવા માટે અગ્નિની જરૂર પડે છે, ને ગાળવા માટે પણ અગ્નિની જરૂર પડે છે!’

વિપિને કહ્યું: ‘કેમ, પૂર્ણબાબુ, રસિકબાબુનો પરિચય થયો?’

પૂર્ણે કહ્યું: ‘હા.’

વિપિને કહ્યું: ‘તમારું શરીર આજે સારું છે ને?’

પૂર્ણે કહ્યું: ‘હા.’

વિપિને કહ્યું: ‘બહુ વહેલો આવ્યા લાગો છો!’

પૂર્ણે કહ્યું: ‘ના.’

વિપિને કહ્યું: ‘જોયું ને, આ વખતે ઠંડી, શરતના ઘોડાની પેઠે જોરથી દોડી આવી, મહા મહિનાની અધવચ એકદમ ખચ કરતી થંભી ગઈ!’

પૂર્ણે કહ્યું: ‘હા.’

શ્રીશે કહ્યું: ‘ઓહ પૂર્ણબાબુ, ગઈ બેઠક વખતે તમારી તબિયત સારી નહોતી. આ વખત બહુ સારી લાગે છે ને!’

પૂર્ણે કહ્યું: ‘હા.’

શ્રીશે કહ્યું: ‘આજ લગી કુમારસભામાં શાની મોટી ખોટ હતી, તે આજે ઓરડામાં પગ દેતાં જ હું સમજી ગયો છું—સોનાના મુગટની વચમાં માત્ર એક હીરો જડવાની કસર રહી ગઈ હતી—આજે એ ખોટ પૂરી પડી. કેમ, પૂર્ણબાબુ, કંઈ બોલતા નથી?’

પૂર્ણે કહ્યું: ‘તમારા જેવી રચનાશક્તિ મારામાં નથી—મને એમ મલાવી મલાવીને બોલતાં નથી આવડતું—ખાસ કરીને સ્ત્રીઓની આગળ!’

શ્રીશે કહ્યું: ‘તમારી અશક્તિની વાત સાંભળી મને બહુ દુ:ખ થાય છે, પૂર્ણબાબુ! ધીમે ધીમે તમે આગળ વધશો એવી હું આશા રાખું છું.’

વિપિને રસિકને બાજુએ લઈ જઈને કહ્યું: ‘બે વીર પુરુષોને યુદ્ધ કરવા દો—અહીં આવો, રસિકબાબુ! તમારી સાથે મારે જરા વાત કરવાની છે. બોલો, પેલી નોટ વિષે પછી કંઈ વાત નીકળી હતી?’

રસિકે કહ્યું: ‘ભૂલ કરવી એ માણસનો ધર્મ છે, અને ક્ષમા કરવી એ દેવીનો ધર્મ છે—એટલું મેં પ્રસંગવશાત્ કહી નાખ્યું હતું—’

વિપિને કહ્યું: ‘શું જવાબ મળ્યો?’

રિસકે કહ્યું: ‘કંઈ પણ બોલ્યા વગર વીજળીની પેઠે જતી રહી!’

વિપિને કહ્યું: ‘જતી રહી?’

રસિકે કહ્યું: ‘પણ એ વીજળીમાં વજ્ર નહોતું.’

વિપિને કહ્યું: ‘ગાજવીજ?’

રસિકે કહ્યું: ‘એ પણ નહિ.’

વિપિને કહ્યું: ‘તો?’

રસિકે કહ્યું: ‘આ છેડે કે પેલે છેડે કંઈક વૃષ્ટિનો આભાસ હતો.’

વિપિને કહ્યું: ‘એનો અર્થ?’

રસિકે કહ્યું: ‘હું શું જાણું, મશાય! અર્થ પણ હોય, અને અનર્થ પણ હોય.’

વિપિને કહ્યું: ‘રસિકબાબુ, તમે શું કહો છો તેની મને કંઈ જ સમજ પડતી નથી.’

રસિકે કહ્યું: ‘કેવી રીતે પડે?—બહુ અઘરી બાબત છે.’

એટલામાં શ્રીશે પાસે આવી કહ્યું: ‘શું અઘરું છે, મશાય?’

રસિકે કહ્યું: ‘આ વૃષ્ટિ, વજ્ર ને વીજળીની વાત!’

શ્રીશે કહ્યું: ‘અરે વિપિન, એના કરતાંય અઘરી વાત સાંભળતી હોય તો પૂર્ણની પાસે જા!’

વિપિને કહ્યું: ‘અઘરી વાતનો મને બહુ શોખ નથી, ભાઈ!’

શ્રીશે કહ્યું: ‘યુદ્ધ કરવાની વિદ્યા કરતાં સંધિ કરવાની વિદ્યા ખૂબ જ અઘરી છે. એ વિદ્યા તને આવડે છે. મારા સમ, પૂર્ણને જરા ટાઢો પાડી આવ, જા! હું એટલી વાર રસિકબાબુની સાથે વૃષ્ટિ, વજ્ર ને વીજળીની વાત કરી લઉં!’

વિપિન પાછો ફર્યો એટલે શ્રીશે કહ્યું: ‘રસિકબાબુ, પેલે દિવસે તમે જેમનું નામ નૃપાબાલા કહ્યું તેઓ—તેઓ—તેમને વિષે જરા વિસ્તારથી કંઈક કહો! પેલે દિવસ આંખના પલકારામાં તેમના મોં પર એવો તો સરળ સ્નિગ્ધ ભાવ જોયો છે કે એમને વિશે મારું કુતૂહલ હું કોઈ રીતે દબાવી શકતો નથી!’

રસિકે કહ્યું: ‘વિસ્તારથી કહેવાથી કુતૂહલ શમશે નહિ, ઊલટું વધી જશે. આ જાતનું કુતૂહલ ‘હવિષા કૃષ્ણવર્ત્મેવ ભય એવાભિવર્ધતે |’ હું તો એને કેટલાંયે વર્ષોથી જોતો આવ્યો છું, પણ એ કોમળ હૃદયનો સરળ સ્નિગ્ધ મધુર ભાવ મારી નજરે ‘ક્ષણે ક્ષણે તન્નવતાર્મુપતિ |’

શ્રીશે કહ્યું: ‘ઠીક તો, તેઓ—હું એ નૃપબાલાની જ વાત કરું છું—’

રસિકે કહ્યું: ‘એ હું બહુ સારી રીતે સમજું છું.’

શ્રીશે કહ્યું: ‘તે તેઓ—બીજું શું પૂછું? એમને વિશે ગમે તે કંઈ બોલોને!—કાલે શું બોલ્યાં—આજે સવારે શું કર્યું—અમથું નજીવું યે, તમે બોલો, હું સાંભળું!’

રસિકે શ્રીશનો હાથ પકડીને કહ્યું: ‘બહુ આનંદ થયો, શ્રીશબાબુ! તમે ખરેખરા ભક્ત છો! તમે માત્ર એક પળ જોઈ છે, એટલામાં તમે કેવી રીતે સમજી ગયા કે એને વિશે ગમે તે વાત કરીએ પણ એ વાત તુચ્છ નથી? એ જ્યારે મને કહે છે કે રસિકદાદા, પેલા ફાનસની વાટ જરા ચડાવોને! ત્યારે મને લાગે છે જાણે કંઈ નવી વાત સાંભળી—આદિ કવિતા પહેલા અનુષ્ટુપ છંદ જેવું! શું કહું, શ્રીશબાબુ! તમને સાંભળીને કદાચ હસવું આવશે, પણ પેલે દિવસ ઘરમાં પગ દેતાં જોઉં છું તો નૃપબાલા સોયમાં દોરો પરોવતી હતી, અને એના ખોળામાં ઓશીકાનો ગલેફ પડેલો હતો. મને એ કોઈ અદ્ભુત દૃશ્ય લાગ્યું! કંઈ કેટલીયે વાર કેટલાયે દરજીઓની દુકાનો આગળ થઈને ગયો છું, પણ કદી મેં મોં ઊંચું કરીને જોયું નથી, પરંતુ—’

શ્રીશે કહ્યું: ‘વારું, રસિકબાબુ, ઘરનું બધું કામ તેઓ જાતે કરે છે?’

એટલામાં શૈલે આવીને કહ્યું: ‘રસિકદાદાની સાથે શું ગુફતેગો કરી રહ્યા છો?’

શ્રીશે કહ્યું: ‘કંઈ નહિ, બિલકુલ સાધારણ બાબતમાં અમે ચૂંથણા કર્યા કરીએ છીએ, સાવ તુચ્છ!’

ચંદ્રબાબુએ કહ્યું: ‘સભાની બેઠકનો વખત થઈ ગયો છે, હવે મોડું કરવું તે ઠીક નથી. પૂર્ણબાબુ, કૃષિવિદ્યાલય વિશે આજે તમે જે દરખાસ્ત રજૂ કરવાનું કહેતા હતા તે વિશે બોલો—’

પૂર્ણે ઊભા થઈ ઘડિયાળનો અછોડો રમાડતાં રમાડતાં કહ્યું: ‘આજે—આજે—’ બોલતાં બોલતાં એને સખત ખાંસી ઊપડી આવી.

રસિકે એની પાસે બેસીને ધીરેથી કહ્યું: ‘આજે આ સભા—’

પૂર્ણે કહ્યું: ‘આજે આ સભા—’

રસિકે કહ્યું: ‘જે નૂતન સૌન્દર્ય અને ગૌરવને પામી છે—’

પૂર્ણે કહ્યું: ‘જે નૂતન સૌૈન્દર્ય અને ગૌરવને પામી છે—’

રસિકે કહ્યું: ‘તેને માટે પહેલાં તો હું ધન્યવાદ પ્રગટ કર્યા વગર રહી શકતો નથી!’

પૂર્ણે કહ્યું: ‘તેને માટે પહેલાં તો હું ધન્યવાદ પ્રગટ કર્યા વગર શકતો નથી!’

રસિકે ધીમેથી કહ્યું: ‘હાંકે રાખો, પૂર્ણબાબુ!’

પૂર્ણે કહ્યું: ‘તેને માટે પહેલાં તો હું ધન્યવાદ પ્રગટ કર્યા વગર રહી શકતો નથી.’

રસિકે કહ્યું: ‘ગભરાવાનું કારણ નથી, પૂર્ણબાબુ, હાંકે રાખો!’

પૂર્ણે કહ્યું: ‘જે નૂતન સૌન્દર્ય અને ગૌૈરવ–(ખાંસી ખાય છે)—જે નૂતન સૌન્દર્ય (ફરી ખાંસી ખાય છે)—ધન્યવાદ—’

રસિકે ઊભા થઈને કહ્યું: ‘પ્રમુખ મહાશય! મારે એક વિનંતિ કરવાની છે. આજે પૂર્ણબાબુ બધા સભ્યો કરતાં વહેલા સભામાં આવેલા છે, તેમની તબિયત બિલકુલ સારી નથી, છતાં તેમનો ઉત્સાહ અદમ્ય છે! આજે આપણી સભામાં પહેલો અરુણોદય થાય છે, તે જોવા માટે પંખી વહેલું પરોઢમાં ઊઠીને માળામાંથી નીકળી પડ્યું છે—પરંતુ શરીર અશક્ત છે, તેથી પૂર્ણ હૃદયનો આવેગ કંઠ દ્વારા વ્યક્ત કરવાની એનામાં શક્તિ નથી—તેથી આજે આપણે એમને જવા દઈએ, અને, આજના વન પ્રભાતની જે અરુણ છટાનાં સ્તુતિગાન કરવા તેઓ ઊભા થયા હતા તેમની પણ હું, એ રુદ્ધકંઠવાળા ભક્તની વતી ક્ષમા માગી લઉં છું. પૂર્ણબાબુ, આજે આપણી સભાનું કામકાજ ભલે બંધ રહે, પણ વર્તમાન સંજોગોમાં અમે આજે તમને કોઈપણ દરખાસ્ત મૂકવા દઈ શકતા નથી. પ્રમુખ સાહેબ મને ક્ષમા કરે, અને જેવો આપણી સભાને પોતાની પ્રભા વડે આજે સાર્થક કરવા આવ્યાં છે તેઓ પણ મને ક્ષમા કરશે એવી મને ખાતરી છે. કારણ કે, ક્ષમા કરવી એ તેમના કરુણ હૃદયનો સહજ સુલભ ધર્મ છે.’

ચંદ્રબાબુએ કહ્યું: ‘કેટલાક વખતથી પૂર્ણબાબુનું શરીર સારું નથી રહેતું એની મને ખબર છે. આવા સંજોગોમાં આપણે એમને તકલીફ ન જ આપી શકીએ. વળી અબલાકાન્તબાબુએ ઘરમાં બેઠાં બેઠાં જ આપણી સભાનું કામ ઘણું આગળ ધપાવ્યું છે. આજ સુધીમાં હિંદુસ્તાન તરફથી ખેતીવાડીને લગતા જેટલા રિપોર્ટો બહાર પડ્યા છે તે બધા મેં તેમને આપ્યા હતા—તેમાંથી તેમણે જમીનમાં ખાતર નાખવા સંબંધીની માહિતીનું ટૂંકમાં સંકલન કરી રાખ્યું છે. એને આધારે સાધારણ લોકો પણ સમજી શકે તેવી સહેલી બંગાળી ભાષામાં એક પુસ્તક લખવાનું પણ તેમણે માથે લીધું છે. એમણે જે ઉત્સાહ અને દક્ષતાપૂર્વક સભાના કામકાજમાં ભાગ લેવા માંડ્યો છે, તેને માટું હું તેમને ખૂબ જ ધન્યવાદ આપું છું અને આજની બેઠકને આવતા રવિવાર પર મુલતવી રાખું છું. વિપિનબાબુએ યુરોપનાં છાત્રાલયોના નિયમો અને કાર્યપદ્વતિ ભેગાં કરવાનું માથે લીધું હતું અને શ્રીશબાબુએ, સ્વૈચ્છિક દાન દ્વારા લંડન શહેરમાં કેટલી લોકોપયોગી પ્રવૃત્તિઓ ચાલે છે તેની યાદી, તથા તે વિશે એક નિબંધ તૈયાર કરવાનું માથે લીધું હતું, પરંતુ હજી બંનેમાંથી કોઈ પોતાનું કામ પૂરું કરી શક્યા હોય એવું લાગતું નથી. હું હમણાં એક પ્રયોગ કરી કહ્યો છું—બધાને ખબર છે કે આપણા દેશનું બળદગાડું એવી રીતે બનાવેલું હોય છે કે તેની પાછળ વજન પડતાં જ ગાડું ઊલળી પડે છે, અને બળદના ગળામાં ફાંસો પડે છે; કદાચ કોઈ કારણે બળદ પડી જાય તો વજન સાથે આખુંયે ગાડું બિચારાની ઉપર આવી પડે છે. આનો ઇલાજ શોધી કાઢવામાં હું અત્યારે રોકાયેલો છું. મને આશા છે કે હું સફળ થઈશ. આપણે મોઢે ગાય-બળદ તરફ દયા બતાવીએ છીએ, પણ દરરોજ એ ગાય-બળદને હજારો નકામાં કષ્ટો સહેવાં પડે છે એ સાવ ઉદાસીન ભાવે જોયા કરીએ છીએ. આવી જૂઠી ને પોલી ભક્તિ કરતાં વધારે લજ્જાસ્પદ ચીજ જગતમાં બીજી કોઈ નથી. આપણી સભાની વતી જો હું આનો કોઈ ઇલાજ શોધી કાઢી શકું તો આપણી સભા ધન્ય બની જશે. રાત્રે ગાડાંવાળાઓના ફળિયામાં જઈને મેં જાતે બળદની દશા તપાસી છે. બળદોની ઉપર ખોટો જુલમ કરવો એ સ્વાર્થ અને ધર્મ બેયની વિરુદ્ધ છે, એ હિંદુ ગાડાંવાળાઓને સમજાવવાનું કામ બહુ અઘરું નથી. આ વિશે હું ગાડાંવાળાઓની એક પંચાયત સ્થાપવાનો પ્રયાસ કરી રહ્યો છું. શ્રીમતી નિર્મલા અકસ્માત વખતે તાત્કાલિક મદદ કેવી રીતે કરવી, તથા દરદીની સારવાર કેવી રીતે કરવી વિશે રામરતન દાક્તર મહાશયની પાસે નિયમિત પાઠ લે છે; અને ભદ્રલોકનાં ઘરોમાં આ શિક્ષણનો પ્રચાર કરવા, માટે, એકાદ બે ઘેર તે શીખવવા પણ જાય છે. આવી રીતે દરેક સભ્યના સ્વતંત્ર અને વિશિષ્ટ પ્રયાસથી, આપણી આ નાનકડી કુમારસભા, કોઈને ખબર પણ ન પડે એ રીતે, ધીરે ધીરે અનેકવિધ સફળતા પ્રાપ્ત કરશે એ વિશે મને લેશમાત્ર પણ શંકા નથી.’

શ્રીશે કહ્યું: ‘અરે વિપિન, મારું કામ તો મેં શરુ પણ નથી કર્યું!’

વિપિને કહ્યું: ‘મારી પણ એવી જ દશા છે.’

શ્રીશે કહ્યું: ‘પણ કર્યા વગર નહિ ચાલે.’

વિપિને કહ્યું: ‘મારે પણ કરવું પડશે.’

શ્રીશે કહ્યું: ‘થોડા દિવસ બીજું બધું કામ પડતું મૂકી બેસવું પડશે.’

વિપિને કહ્યું: ‘હું પણ એવો જ વિચાર કરું છું.’

શ્રીશે કહ્યું: ‘પરંતુ અબલાકાન્તબાબુને ધન્યવાદ ઘટે છે—તેઓ ક્યારે પોતાનું કામ કરતા હશે તેની મને તો કંઈ સમજ જ પડતી નથી.’

વિપિને કહ્યું: ‘ભારે નવાઈની વાત છે! આપણાં કરતાં એમનું ધ્યાન તૂટવાનું મને તો વધારે કારણ દેખાય છે.’

શ્રીશે કહ્યું: ‘જાઉં, એમની જ સાથે વાત કરી લઉં!’

શ્રીશ શૈલની પાસે ગયો.

પૂર્ણે કહ્યું: ‘રસિકબાબુ, તમારો કયા શબ્દોમાં ઉપકાર માનું?’

રસિકે કહ્યું: ‘કંઈ બોલશો નહિ, હું આપોઆપ જ સમજી લઈશ. પણ બધા મારા જેવા નથી, પૂર્ણબાબુ!—અનુમાનથી નહિ સમજે, મોંએ બોલવું પડશે.’

પૂર્ણે કહ્યું: ‘તમે મારા દિલથી વાત સમજી ગયા છો, રસિકબાબુ! તમે હતા તો હું બચી ગયો! મારે જે કહેવું છે તે જીભે બોલવામાં પણ સંકોચ થાય છે હવે તમે સલાહ આપો તેમ કરું.’

રસિકે કહ્યું: ‘પહેલાં તો તમે એમની પાસે જઈને ફાવે તે કંઈ બોલવાનું શરૂ કરી દો!’

પૂર્ણે કહ્યું: ‘આ જુઓને, અબલાકાન્તબાબુ પાછા એમની પાસે જઈને બેસી ગયા છે.’

રસિકે કહ્યું: ‘તે છોને બેઠા, એ કંઈ એમને ચારે તરફથી ઘેરીને તો નથી ઊભા ને! અબલાકાન્ત વ્યૂહની પેઠે ભેદીને તો નથી જવાનું ને! તમે પણ એક તરફ જઈને ઊભા રહો!’

પૂર્ણે કહ્યું: ‘ઠીક, જોઉં શું થાય છે તે!’

*

શૈલે નિર્મલાને કહ્યું: ‘મારાં આટલાં વખાણ ન કરશો. તમે મારા કરતાં ઘણું વધારે કામ કરી રહ્યાં છો. પરંતુ બિચારા પૂર્ણબાબુનું મને બહુ લાગી આવે છે. તમે આવવાનાં છો એ જાણીને જ તેઓ આજે ખાસ ઉત્સાહથી આવ્યા છે, પણ એ વ્યક્ત ન કરી શકવાથી, તેઓ ખૂબ ભોંઠા પડી ગયા છે. તમે જો એમને—’

નિર્મલાએ કહ્યું: ‘બીજા સભ્યોથી તમે મને જરા વિશેષ ભાવે જુદી પાડીને જુઓ છો તેથી મને બહુ સંકોચ થાય છે—મને તમે બીજા સભ્યો જેવી જ સાધારણ સભ્ય ગણી લો, સ્ત્રી તરીકે મને અલગ ન પાડો.’

શૈલે કહ્યું: ‘તમે સ્ત્રી તરીકે જન્મ્યાં છો એ લાભ આપણી સભા કેમ જવા દે? તમે અમારી સાથે એક થઈ જાઓ તો જેટલું કામ થશે એના કરતાં તમે અમારા કરતાં અલગ રહો તો વધારે થશે. દોરડા વડે નૌકાને આગળ ચલાવનારાએ નૌકાથી કંઈક દૂર રહેવું જોઈશે. ચંદ્રબાબુ આપણી નૌકાના સુકાની છે, તેઓ પણ આપણાથી કંઈક દૂર અને ઊંચે બેઠેલા છે. તમારે દોરડા વડે ખેંચવાનું કામ કરવાનું છે, એટલે તમારે અમારાથી દૂર રહેવું પડશે. અમે બધા હલેસાં મારનારા છીએ.’

નિર્મલાએ કહ્યું: ‘તમે પણ કર્મમાં અને ભાવમાં બીજા બધા કરતાં જુદા માલમ પડો છે. તમને માત્ર આજે જ પહેલી વાર જોઉં છું, છતાં મને દૃઢ વિશ્વાસ બેસે છે કે આ સભામાં તમે જ મને વધારેમાં વધારે મદદ કરનારા થશો.’

શૈલે કહ્યું: ‘હું એને મારું સૌભાગ્ય સમજું છું. આવો પૂર્ણબાબુ! અમે તમારી જ વાત કરતાં હતાં. બેસો.’

*

શ્રીશે કહ્યું: ‘અબલાકાન્તબાબુ, અહીં આવો! મારે તમારી સાથે ઘણી વાત કરવી છે.’

શ્રીશ શૈલને ખૂણામાં લઈ જઈને કહેવા લાગ્યો: ‘આજે સભાના ત્રણે જૂના સભ્યોને તમે બે જણે શરમથી નીચું જોવડાવ્યું છું એ ઠીક થયું—નૂતને જૂનામાં નવો પ્રાણ પૂરવો જ જોઈએ.’

શૈલે કહ્યું: ‘અને નવા લાકડાને સળગાવવા માટે જૂના સળગતા લાકડાની જરૂર પડે છે.?’

શ્રીશે કહ્યું: ‘એનો વિચાર પછી થશે. પરંતુ મારો પેલો રૂમાલ ક્યાં છે? એની ચોરી કરીને હું મારો પરકાલ તો બગાડી ચૂક્યો છું, પણ પાછો રૂમાલ પણ ખોઈ બેસવાનું મને પાલવે તેમ નથી.’

પછી એણે ગજવામાંથી રૂમાલો કાઢીને કહ્યું: ‘આ લ્યો, હું એક ડઝન રેશમી રૂમાલ લઈ આવ્યો છું; આ લઈને પેલો રૂમાલ મને પાછો આપો, એ રૂમાલની આટલી જ કિંમત છે એવું હું નથી કહેતો, કારણ કે હું સમજું છું કે એની કિંમત કરવા જતાં આખો ચીન ને જાપાન ખાલી કરી નાખવો પડે!’

શૈલે કહ્યું: ‘મશાય, તમારું આ છળ સમજી શકું એટલી બુદ્ધિ વિધાતાએ મને આપી છે. તમે આ ભેટ મારે માટે નથી લાવ્યા, પણ જેનો રૂમાલ ચોરી લીધોે છે તેને તમે મારી ઓથે—’

શ્રીશે કહ્યું: ‘અબલાકાન્તબાબુ, વિધાતાએ તમને બુદ્ધિ તો ઘણી આપી દેખાય છે, પરંતુ તમારામાં દયાનો બહુ અભાવ દેખાય છે—આ અભાગિયાને એનો રૂમાલ પાછો આપો તો એ કલંક તમારે માથેથી એકદમ દૂર થઈ જશે.’

શૈલે કહ્યું:‘ઠીક, તો હું દયા દેખાડું છું—પરંતુ તમે સભાને જે નિબંધ લખી આપવાનું વચન આપ્યું છે તે તમારે લખવો પડશે.’

શ્રીશે કહ્યું: ‘ચોક્કસ લખીશ—રૂમાલ પાછો મળે કે તરત કામમાં મન લાગી જશે—પછી બીજાં બધા સંધાન છોડી કેવળ સત્યાનુસંધાન કરીશ.’

અહીં આ વાત ચાલી હતી ત્યારે ઓરડામાં બીજે ખૂણે રસિક અને વિપિનની વચ્ચે નીચે પ્રમાણે વાત ચાલી રહી હતી.

વિપિને કહ્યું: ‘સમજ્યા રસિકબાબુ, ગીતો પસંદ કરવાની એમની શક્તિ જોઈ હું આભો બની ગયો છું! ગીતોના લખનારમાં કવિત્વશક્તિ હશે, પણ ગીતોની આ પસંદગીમાં પસંદગી કરનારે જે કવિત્વ દેખાડ્યું છે તેમાં કંઈ અદ્ભુત સૌકુમાર્ય છે!’

રસિકે કહ્યું: ‘તમારું કહેવું સાચું છે—પસંદગી કરવાની શક્તિ એ જ માણસની ખરી શક્તિ છે. લતા પર ફૂલ એની મેળે ખીલે છે, પણ સુરુચિ અને નિપુણતા તો જે માણસ એની માળા ગૂંથે તેનાં જ ગણાય!’

વિપિને કહ્યું: ‘યાદ છે પેલું ગીત?’

‘હોડી મારી પલમાં ડૂબી જાય!

ક્યા ભીષણ પાષાણે અથડાય!

નવીન હોડી, નવીન જળે,

ઊંડાં પાણી દેખી છળે.

રમતી જાણે ધીરે ધીરે કાંઠે કાંઠે જાય!

હોડી મારી પલમાં ડૂબી જાય!

સ્રોતે જતી હતી તણાતી,

સુકાન પર હું એકાકી,

સઢ ફુલાવત મૃદુ મૃદુ મધુર વાયુ વાય!

મનમાં એવી રાખી આશા,

મેઘ નથી, તો ભય પછી શા?

કુસુમવનમાં પહોંચી જાશે હોડી મારી, હાય,

હોડી મારી પલમાં ડૂબી જાય!’

રસિકે કહ્યું: ‘ડૂબી જાય! શું કહો છો, વિપિનબાબુ?’

વિપિને કહ્યું: ‘છોને ડૂબે! પણ ક્યાં ડૂબી એની જરી સરત રાખવી જોઈએ. વારુ, રસિકબાબુ, આ ગીતો એમણે આ નોટમાં શું કરવા ઉતાર્યું હશે?’ 

રસિકે કહ્યું: ‘સ્ત્રીહૃદયનું રહસ્ય ખુદ ભગવાનને પણ સમજાતું નથી એવી એક કહેવત છે, પછી રસિકબાબુનું શું ગજું?’

એટલામાં શ્રીશ પાસે આવીને બોલ્યો: ‘વિપિન, તું જરા ચંદ્રબાબુની પાસે જા! કારણ કે આપણું કર્તવ્ય બજાવવામાં આપણે ઢીલ કરી છે, એટલે સાથે બે શબ્દોની આપ-લે કરવાથી તેમને જરા સારું લાગશે.’

‘ઠીક!’ કહીને વિપિન ગયો.

શ્રીશ કહ્યું: ‘હં, તમે પેલી સીવવાની વાત કરતા હતા ને—શું તેઓ સ્વહસ્તે ઘરનું બધું કામ કરે છે?’

રસિકે કહ્યું: ‘બધું જ!’

શ્રીશે કહ્યું: ‘તમે પેલે દિવસે જોયું ત્યારે એમના ખોળામાં ઓશીકાનો ગલેફ પડ્યો હતો, અને તેઓ—’

રસિકે કહ્યું: ‘નીચું માથું કરી સોયમાં દોરો પરોવતાં હતાં.’

શ્રીશે કહ્યું: ‘સોયમાં દોરો પરોવતાં હતાં! તે વખતે તેઓ નહાઈને આવ્યાં હશે.’

 રસિકે કહ્યું: ‘તે વખતે બપોરના ત્રણ વાગવાનો શુમાર હશે.’

શ્રીશે કહ્યું: ‘બપોરના ત્રણ—ખાટલા પર બેસીને—’

રસિકે કહ્યું: ‘ના, ખાટલા પર નહિ,—અગાશીમાં સાદડી પાથરીને—’

શ્રીશે કહ્યું: ‘અગાશીમાં સાદડી પર બેસીને સોયમાં દોરો પરોવતાં હતાં—’

રસિકે કહ્યું: ‘હા, સોયમાં દોરો પરોવતાં હતાં.’

રસિકને થયું કે હવે આની હદ આવી!

શ્રીશે કહ્યું: ‘ચિત્રની પેઠે મને સ્પષ્ટ દેખાય છે—બે પગ લંબાવેલા છે, માથું નીચું ઘાલ્યું છે, વાળની લટો મોં ઉપર આવી પડી છે—નમતા પહોરનું અજવાળું—’

એટલામાં વિપિને તેની પાસે આવી કહ્યું: ‘ચંદ્રબાબુ તારી સાથે તારા પેલા નિબંધ વિશે વાત કરવા માગે છે.’

શ્રીશે ગયો એટલે વિપિને કહ્યું: ‘રસિકબાબુ!’

રસિકબાબુએ મનમાં કહ્યું: ‘હવે કેટલું સહન થાય?’

*

ઓરડામાં બીજે ખૂણે નિર્મલા અને પૂર્ણ વાત કરી કહ્યાં હતાં.

નિર્મલાએ પૂર્ણની સામે જોઈ કહ્યું: ‘તમારું શરીર આજે જોઈએ તેવું સારું નથી, કેમ?’

પૂર્ણે કહ્યું: ‘ના, સારું છે—હા, જરા આ… થયું છે—ખાસ કંઈ નથી—પણ જરા આ થયું છે—ખાસ—(બોલતાં બોલતાં ઉધરસ ખાય છે.) તમારું શરીર તો સારું છે ને?’

નિર્મલાએ કહ્યું: ‘હા.’

પૂર્ણે કહ્યું: ‘તમે—હું પૂછતો હતો કે તમે—તમે—તમને એ કેવું લાગ્યું—એ—શું નામ—એ—મિલટનનું એરિયોપેજીટિકા–એ અમારા એમ. એ.ના કોર્સમાં છે—તમને એ ન ગમ્યું?’

નિર્મલાએ કહ્યું: ‘મેં એ વાંચ્યું નથી.’

પૂર્ણે કહ્યું: ‘નથી વાચ્યું?’ બોલતાં બોલતાં એ સ્થિર થઈ ગયો. પછી બોલ્યો: ‘આ—આ—તમે—આજકાલ કેવી ગરમી પડવા માંડી છે —હું જરા રસિકબાબુ—રસિકબાબુનું મારે જરા કામ છે.’

આમ કહી એ નિર્મલાની પાસેથી છટકી ગયો.

*

ઓરડામાં બીજી તરફ આમ વાતચીત ચાલી રહી હતી. 

વિપિને કહ્યું: ‘રસિકબાબુ, સાચું કહેજો, એ ગીત તેમણે કોઈ ખાસ હેતુપૂર્વક લખ્યું તોય એવું નથી લાગતું?

રસિકે કહ્યું: ‘બનવાજોગ છે. તમે તો મને પણ ચક્કરમાં નાખી દીધો! મેં આવું નહોતું ધાર્યું!’

વિપિને કહ્યું: 

‘હોડી મારી પલમાં ડૂબી જાય!

કયા ભીષણ પાષાણે અથડાય!

વારુ, રસિકબાબુ! અહીં હોડીનો શો અર્થ થાય છે?’

રસિકે કહ્યું: ‘હોડી એટલે હૃદય એ વિશે કોઈ શંકાને સ્થાન નથી. પણ એ પાષાણ ક્યાં ને કોણ એ વિચારવાનો વિષય છે.’

એટલામાં પૂર્ણે પાસે આવીને કહ્યું: ‘વિપિનબાબુ, માફ કરજો!—રસિકબાબુની સાથે મારે ઘડી વાત કરવી છે—જો—’

વિપિને કહ્યું: ‘ભલે, વાત કરો—હું જાઉં છું.’

વિપિન ગયો.

પૂર્ણે કહ્યું: ‘મારા જેવો મૂરખ જગતમાં કોઈ નહિ હોય, રસિકબાબુ!’

રસિકે કહ્યું: ‘તમનેયે ચડી જાય એવા મૂરખ ઘણા છે—જેઓ પોતાને બુદ્ધિશાળી માને છે.—દાખલા તરીકે હું.’

પૂર્ણે કહ્યું: ‘જરા એકાન્ત મળે તો મારે તમારી સાથે ઘણી વાત કરવાની છે. સભા પૂરી થયા પછી, આજે રાતે—તમને કંઈ વખત મળશે?’

રસિકે કહ્યું: ‘ખુશીથી.’

પૂર્ણે કહ્યું: ‘આજે કેવી સરસ ચાંદની ખીલી છે. ગોલ તળાવને કાંઠે—કેમ બોલતા નથી?’

રસિક મનમાં બોલ્યો: ‘હાય! આવી બન્યું!’

એટલામાં શ્રીશે પાસે આવીને કહ્યું: ‘ઓહ! પૂર્ણબાબુ વાત કરી રહ્યા છે!’ ભલે, ત્યારે હમણાં નહિ. તો તમને રાતે વખત મળે, રસિકબાબુ?’

રસિકે કહ્યું: ‘મળે, કેમ ન મળે?’

શ્રીશે કહ્યું: ‘તો કાલની પેઠે—કેમ બોલતા નથી? કાલે જોયું ને, ઘરના કરતાં બહાર સારું જામે છે.’

રસિકે કહ્યું: ‘કેમ ન જામે?’

પછી મનમાં બોલ્યો: ‘ઠંડી જામે, ખાંસી જામે અને ગળાનો અવાજ પણ દહીંની પેઠે જામી જાય.’

શ્રીશ પાછો વળ્યો.

પૂર્ણે કહ્યું: ‘હું રસિકબાબુ, તમે મારી જગાએ હો તો કેવી રીતે વાત શરૂ કરો?’

રસિકે કહ્યું: ‘કહુંં કે પેલે દિવસ બલૂન ઊડેલું તે તમે તમારા ઘરની અગાશીમાંથી જોયેલું?’

પૂર્ણે કહ્યું: ‘તેઓ કહે, હા, જોયેલું, તો?’

રસિકે કહ્યું: ‘તો હું કહું કે ભગવાને માણસના મનને ઊડવાની શક્તિ આપી છે તેથી તેના શરીરને પાંખો આપી નથી,—આમ શરીરને બંધનમાં રાખીને ભગવાને મનમાં ઉત્સાહને વધારી દીધો છે—’

પૂર્ણે કહ્યું: ‘સમજી ગયો, રસિકબાબુ!—કેવું ચમત્કારી!—આમાંથી આગળ ઘણું બોલી શકાય.’

એટલામાં વિપિને પાસે આવી કહ્યું: ‘ઓહ! પૂર્ણબાબુની સાથે વાત ચાલે છે! તો હમણાં રહ્યું. મારે થોડી વાત કરવાની હતી તે હવે રાતે કરીશું! ખરું ને, રસિકબાબુ?’

 રસિકે કહ્યું: ‘ભલે.’

વિપિને કહ્યું: ‘ચાંદનીમાં રસ્તામાં ફરતાં ફરતાં બસ લહેરથી ખરું ને, રસિકબાબુ?’

રસિકે કહ્યું: ‘પૂરેપૂરી લહેરથી.’

પછી મનમાં બોલ્યો: ‘પછી પથારીવશ!—’

બીજી તરફ આમ વાત ચાલી રહી હતી.

શૈલે નિર્મલાની સામે જોઈ કહ્યું: ‘ભલે, તમારી એવી ઇચ્છા છે તો હું પણ આ વિશે વિચાર કરી જોઈશ. દાક્તરી વિદ્યા હું થોડી ઘણી શીખ્યો છું—બહુ ન કહેવાય—પરંતુ મારા સહકારથી જો તમારો ઉત્સાહ વધતો હોય તો હું તૈયાર છું.’

એટલામાં પૂર્ણે પાસે આવીને કહ્યું: ‘પેલે દિવસે બલૂન ઊડેલું તે તમે અગાશી પરથી જોયેલું?’

નિર્મલાએ કહ્યું: ‘બલૂન?’

પૂર્ણે કહ્યું: ‘હા, પેલું બલૂન!’

પણ કોઈ કંઈ બોલ્યું નહિ એટલે પૂર્ણે ફરી કહ્યું: ‘રસિકબાબુ કહેતા હતા કે તમે કદાચ જોયું હશે.—મને માફ કરજો—તમારી વાતમાં વિના કારણ ભંગ પડાવ્યો છે—હું ખરેખર અભાગિયો છું.’

License

ચિરકુમારસભા Copyright © by રવીદ્રનાથ ટાગોર and અનુવાદઃ રમણલાલ સોની. All Rights Reserved.