આમ તો કહેવાય છે કે કોઈ પણ બાબતમાં માણસે આત્યંતિક વિધાનો કરવાં નહીં જોઈએ. ‘આ શ્રેષ્ઠ છે’, ‘આ સવોત્તમ છે’, ‘આનાથી સારું બીજું શું હોઈ શકે?’—વગેરે પ્રકારનાં વિધાનો કરનાર ટૂંકા કે લાબાં સમયમાં ખોટા ઠરવાનો સંભવ રહે છે. સર્જનાત્મક પ્રવૃત્તિઓ બાબતમાં તો આવાં વિધાનોથી ખાસ ડરતા રહેવું જોઈએ, કારણ કે માનવીના મસ્તકની જે શક્તિઓ છે તેનો લાખમો ભાગ પણ હજુ તો કામે લાગ્યો નથી, એમ વિજ્ઞાનીઓ કહે છે; એટલે કયો સર્જક ક્યારે ઉત્તમોત્તમ ગણાયેલા સર્જન કરતાંય ઉત્તમ સર્જન કરશે તે કોઈ કહી ના શકે.
અને છતાં સાહિત્યમા કેટલાંક વિધાનો સદીઓ અને દાયકાઓના અનુભવને પ્રતાપે કરી શકાય છે. કાલિદાસ સંસ્કૃતનો અને શેક્સપિયર અંગ્રેજીનો સર્વોત્તમ નાટકકાર, એવું વિધાન ખોટું ઠરવાનો સંભવ નથી. એ જ રીતે, વીસમી સદીના ભારતના સર્વોત્તમ સાહિત્યકાર કવિવર રવીન્દ્રનાથ ઠાકુર છે, એવું વિધાન આસાનીથી કરી શકાય. શું કાવ્યમાં કે શું નવલકથામાં, શું ટૂંકી વાર્તામાં કે શું નાટકમાં એમણે જેવું અને જેટલું પ્રદાન કર્યું તેની તોલે અન્ય કોઈ ભારતીય સાહિત્યકાર આવી શકે તેમ નથી. ‘ગીતાંજલિ’ તો એવો કાવ્યસંગ્રહ છે જ જેને પ્રતાપે ભારતનું એક માત્ર અને એશિયાનું પ્રથમ સાહિત્યિક નોબેલ ઇનામ અહીં આવ્યું .‘ગોરા’, ‘ચોખેર બાલિ’, ‘નૌકા-ડૂબી’, ‘ચાર અધ્યાય’ વગેરે રવીન્દ્રનાથની નવલકથાઓ પણ સર્વોત્તમના વર્ગમાં આવી શકે એવી છે.
એટલે જ છેલ્લા સાત-આઠ દાયકાથી બંગાળીમાં જ નહિ પણ તમામ ભારતીય ભાષાઓમાં રવીન્દ્ર-સાહિત્ય સૌથી વધુ લોકપ્રિય રહ્યું છે. આવા આ રવીન્દ્ર-સાહિત્ય શ્રેણી ગુજરાતી ભાષામાં મિહિર પ્રકાશન દ્વારા પ્રગટ કરવાનું સદ્ભાગ્ય અમને સાંપડ્યું એનો અનેરો આનંદ છે. આ સદ્ભાગ્ય અમને સંપડાવવામાં સહયોગી બનાનાર સૌનો, ખાસ કરીને પીઢ સાહિત્યકાર મુ. શ્રી નગીનદાસ પારેખનો તથા મુ. શ્રી રમણલાલ સોનીનો, અમે આભાર માનીએ છીએ.
મિહિર પ્રકાશન