૧૨

આગલે દિવસે પુરબાલા પોતાની માતાની સાથે કાશીથી પાછી આવી ગઈ હતી.

અક્ષયે કહ્યું: ‘દેવી, અભયદાન આપો તો એક સવાલ પૂછું!’

પુરબાલાએ કહ્યું: ‘બોલો, શું પૂછવું છે?’

અક્ષયે કહ્યું: ‘આપનું શ્રીઅંગ કૃશ થયું હોય એવાં કોઈ લક્ષણો નજરે પડતાં નથી!’

પુરબાલાએ કહ્યું: ‘શ્રીઅંગ કૃશ થવા માટે પ્રવાસે નહોતું ગયું!’

અક્ષયે કહ્યું: ‘તો શું વિરહવેદના નામની ચીજ મહાકવિ કાલિદાસની પાછળ સતી થઈ ગઈ છે?’

પુરબાલાએ કહ્યું: ‘એનું પ્રમાણ તમે છો. તમારા સ્વાસ્થ્યમાં પણ કંઈ ફરક પડ્યો દેખાતો નથી.’

અક્ષયે કહ્યું: ‘પણ એને માટે જવાબદાર તું પોતે છો. તારી ત્રણે બહેનો રાત ને દિવસે મારી કૃશતાનું હરણ કરવામાં જ લાગેલી રહેતી હતી. વિરહ કોને કહે એની મને એમણે કેમે ખબર જ પડવા દીધી નથી.’ આમ કહી એણે પીલુમાં ગાવા માંડ્યું: 

‘વિરહે મરું મેં એવું લીધું હતું પણ!

બાહુમાં બાંધીને કોણે કર્યું નિવારણ?

ધાર્યું હતું અશ્રુજલે,

ડૂબી મરું સિંધુતલે,

કોણે સોના-નાવડીથી કરિયું તારણ?’

‘હે પ્રિયે, કાશીધામમાં કામદેવજી ભગવાન ત્રિલોચનની બીકથી છુપાઈ રહેતા લાગે છે!’

પુરબાલાએ કહ્યું: ‘એ બનવાજોગ છે—પણ કલકત્તામાં તો એ બહુ છૂટથી ફરે છે ને!’

અક્ષયે કહ્યું: ‘હા, સરકારનો હુકમ પણ માનતા નથી, એની સાબિતી મને મળી ગઈ છે.’

એટલામાં નૃપબાલાએ અને નીરબાલાએ પ્રવેશ કર્યો.

નીરબાલાએ કહ્યું: ‘દીદી!’

અક્ષયે કહ્યું: ‘હવે ચાલ્યું આખો દિવસ દીદી! અકૃતઘ્ન! તમારી દીદી જ્યારે વિરહાગ્નિમાં, તપ્ત સુવર્ણની પેઠે ઉત્તરોત્તર શ્રી ધારણ કરી રહી હતી, ત્યારે તમને બધાંને શીતલતા કોણે આપી હતી?’

નીરબાલાએ કહ્યું: ‘જોયું દીદી! કેવું જૂઠું બોલે છે! તું આટલા દિવસ નહોતી, પણ એક દિવસેય અમને બોલાવીને એમણે પૂછ્યું નથી કે બહેન, તમને કેમ છે?—જ્યારે જુઓ ત્યારે, બસ, કાગળ લખ્યા કરે અને મેજ ઉપર બે પગ લાંબા કરી હાથમાં ચોપડી લઈને વાંચ્યા કરે! તું આવી એટલે હવે અમારી કવિતાઓ બનાવશે, મશ્કરીઓ કરશે અને એવું દેખાડશે જાણે—’

નૃપબાલાએ કહ્યું: ‘અને દીદી, તેં પણ આટલા દિવસમાં અમને એક ચબરખીયે લખી નહિ!’

પુરબાલાએ કહ્યું: ‘મને એવો વખત મળે તો ને! રાત ને દિવસ માની પાછળ પાછળ રહેવું પડતું.’

અક્ષયે કહ્યું: ‘તમારા બનેવીજીના ધ્યાનમાં રહેતી એમ કહ્યું હોત તો કોઈ નિંદા ન કરત!’

નીરબાલાએ કહ્યું: ‘તો બનેવીનો ફાંકો ઓર વધી જાત! મુખુજ્જે મશાય! તમે તમારા બેઠકખાનામાં જાઓને! દીદી આટલે દિવસે આવી છે તો અમને એની સાથે બેઘડી નિરાંતે વાતો કરવાયે નહિ બેસવા દો?’

અક્ષયે કહ્યું: ‘નિર્દય! વિરહાગ્નિમાં બળેલી તારી દીદીને હજીએ તારે વિરહમાં બાળવી છે? તારા બનેવીરૂપ ઘનકૃષ્ણ મેઘ, મિલન રૂપી મૂશળધાર વૃષ્ટિદ્વારા, પ્રિયાના ચિત્તરૂપી લતાકુંજમાં, આનદંરૂપી કિસલયને ઉત્પન્ન કરી, પ્રેમરૂપી વર્ષામાં કટાક્ષરૂપી વીજળી—’

નીરબાલાએ કહ્યું: ‘અને બકવાટરૂપ દેડકાનું ડરાઉં—’

એટલામાં શૈલ આવી પહોંચી.

અક્ષયે કહ્યું: ‘આવો આવો! ઉત્તમ અધમ અને મધ્યમ આ ત્રણ સાળીઓ ન હોત તો મારું—’

નીરબાલાએ કહ્યું: ‘ઉત્તમ મધ્યમ થાય નહિ!’

શૈલે નૃપ અને નીરની સામે જોઈ કહ્યું: ‘તમે બે જરા અહીંથી જાઓ તો, અમારે વાત કરવાની છે.’

અક્ષયે કહ્યું: ‘શું વાત કરવાથી હશે એ તું સમજી શકે છે ને નીરુ? હરિકીર્તન નથી કરવાનું.’

નીરબાલાએ કહ્યું: ‘બહુ સારું, તમારે બકવું નહિ પડે.’

નૃપ અને નીર જતી રહી.

શૈલે કહ્યું: ‘દીદી, માએ નૃપ નીરને માટે વર શોધી કાઢ્યા?’

પુરબાલાએ કહ્યું: ‘હા, વાત લગભગ પાકી થઈ ગયા જેવું છે. સાંભળવા પ્રમાણે છોકરા કંઈ ખરાબ નથી—એ લોકો આવીને કન્યા પસંદ કરી જાય એટલી વાર છે.’

શૈલે કહ્યું: ‘એમને પસંદ નહિ પડે તો?’

પુરબાલાએ કહ્યું: ‘તો એમનું નસીબ ફૂટેલું છે એમ સમજવું.’

અક્ષયે કહ્યું: ‘અને મારી સાળીઓનું નસીબ સારું છે એમ સમજવું.’

શૈલે કહ્યું: ‘અને નૃપ-નીરુ એમને પસંદ ન કરે તો?’

અક્ષયે કહ્યું: ‘તો હું એમની રુચિનાં વખાણ કરીશ.’

પુરબાલાએ કહ્યું: ‘શું છે તે પસંદ ન કરે? તમે લોકો બધામાં હદ વટાવી જાઓ છો, પણ એ સ્વયંવરના દિવસો ગયા! છોેકરીઓએ વળી પસંદ શું કરવાનું? પતિ થયો એટલે એના પર પ્રેમ થવાનો!’

અક્ષયે કહ્યું: ‘નહિ તો તારા આ બનેવીની કેવી દુર્દશા થાત, શૈલ!’

એટલામાં જગત્તારિણીએ પ્રવેશ કર્યો, ને કહ્યું: ‘બાબા અક્ષય, છોકરાઓને જરા ખબર મોકલવા જોઈશે. એ લોકોને આપણા ઘરના સરનામાની ખબર નથી.’

અક્ષયે કહ્યું: ‘ઠીક તો, મા, રસિકદાદાને મોકલીએ!’

જગત્તારિણીએ કહ્યું: ‘રસિકદાદાને? મારું કપાળ! એનામાં બુદ્ધિ જ ક્યાં છે! એ કોઈને બદલે કોઈને પકડી લાવશે!’

પુરબાલાએ કહ્યું: ‘તું ચિંતા ન કર, મા! છોકરાઓને લાવવાની ગોઠવણ મારે માથે!’

જગત્તારિણીએ કહ્યું: ‘મા પુરી, તારે જ આમાં ધ્યાન આપવાનું છે. આજકાલના છોકરાઓની સાથે કેવી રીતે બોલવું-ચાલવું અને કેવી રીતે નહિ એ હું ન સમજું!’

અક્ષયે મોં ફેરવી લઈ કહ્યું: ‘પુરીના હાથમાં જશ છે! પુરીએ એની માને એક એવો જમાઈ શોધી આપ્યો છે કે એની આબરૂ ખૂબ વધી ગઈ છે! આજકાલના છોકરાઓને વશ કરવાની વિદ્યા—’

પુરબાલાએ અક્ષયને ધીરેથી કહ્યું: ‘તમે પાછા આજકાલના છોકરા ખરાને!’

જગત્તારિણીએ કહ્યું: ‘મા, તમે અંદર અંદર વાતચીત કરી લો. કાયતબહેન આવીને બેઠાં છે, હું એમને વિદાય કરીને આવું છું.’

શૈલે કહ્યું: ‘મા, તું પણ જરા વિચાર કરી જો—બેમાંથી એકે છોકરાને તમે કોઈએ હજી જોયો નથી, અચાનક—’

જગત્તારિણીએ કહ્યું: ‘વિચાર કરીકરીને મારો આખો આવરદા પૂરો થવા આવ્યો—હવે વિચાર કરવાનો નથી—’

અક્ષયે કહ્યું: ‘વિચાર પછી નિરાંતે ક્યાં નથી થતો? હમણાં તો કામ આગળ ધપાવો!’

જગત્તારિણીએ કહ્યું: ‘ખરું કહ્યું, બાબા! તું જરા શૈલને સમજાવ!’

આમ કહી જગત્તારિણી વિદાય થયાં.

પુરબાલાએ કહ્યું: ‘તું ખાલી ચિંતા કરે છે, શૈલ! માએ મનમાં પાકો ઠરાવ કર્યો છે, એટલે હવે કોઈ એમને ચળાવી શકે તેમ નથી. હું તો વિધાતાના લેખ (પ્રજાપતિર નિર્બંધ)માં માનું છું—તમે હજાર વિચાર કરી મરો પણ જેનું ગોઠવાવાનું હશે, તેની સાથે તેનું ગોઠવાશે જ—

અક્ષયે કહ્યું: ‘વાત ખરી છે—નહિ તો જેની સાથે જેનું ગોઠવાયું છે તેની સાથે તેનું ન ગોઠવાતાં કોઈ બીજાની સાથે ગોઠવાયું હોત.’

પુરબાલાએ કહ્યું: ‘તમે શું બોલો છો એ જ અડધું તો સમજાતું નથી.’

અક્ષયે કહ્યું: ‘એનું કારણ એ કે હું મૂર્ખ છું.’

પુરબાલાએ કહ્યું: ‘જાઓ, હવે સ્નાન કરવા જાઓ, ને જરા માથું ઠંડું કરી આવો!’

આમ કહી પુરબાલા ચાલી ગઈ. પછી રસિકે પ્રવેશ કર્યો. એને જોઈ શૈલે કહ્યું: ‘રસિકદાદા, બધું સાંભળ્યું? આ તો મુસીબત આવી!’

રસિકે કહ્યું: ‘મુસીબત શાની? કુમારસભાનું કૌમાર્ય રહ્યું, નૃપ-નીરુનું પણ પાર પડ્યું—બધી બાજુથી ફાવી ગયાં!’

શૈલે કહ્યું: ‘એકે બાજુથી ફાવ્યાં નથી!’

રસિકે કહ્યું: ‘ગમે તેમ આ બુઢ્ઢો તો ફાવી ગયો છે — બે જુવાનિયાઓ સાથે રાતે રસ્તામાં ઊભા ઊભા શ્લોકો નહિ બોલવા પડે!’

શૈલે કહ્યું: ‘મુખુજ્જે મશાય, તમારા વગર રસિકદાદાને કોઈ અંકુશમાં રાખી શકતું નથી—અમારું તો તેઓ માનતા જ નથી.’

અક્ષયે કહ્યું: ‘જે ઉંમર છોકરીઓની વાત વેદવાક્યની પેઠે માની લેવામાં આવે છે તે ઉંમર એમની વહી ગઈ છે, એટલે હવે એ માથું ઊંચકે છે. ઠીક, હું મનાવી લઉં છું. ચાલો, રસિકદાદા, મારા બેઠકખાનામાં બેઠાબેઠા હૂકો ગગડાવીએ.’

License

ચિરકુમારસભા Copyright © by રવીદ્રનાથ ટાગોર and અનુવાદઃ રમણલાલ સોની. All Rights Reserved.