શુક્લપક્ષની સાંજ હતી.

શ્રીશ પોતાના ઘરની દખણાદી પરસાળમાં એક મોટા હાથાવાળી આરામખુરશીના બંને હાથા પર બેઉ પગ લાંબા કરીને ચૂપચાપ પડ્યો હતો. ને સિગારેટ ફૂંકતો હતો. બાજુમાં ટિપાઈ ઉપર એક રકાબી હતી. તેમાં ફુંદફૂલની માળા હતી. અને કાચના ગ્લાસમાં બરફવાળું શરબત હતું. 

એટલામાં પાછળથી વિપિને દાખલ થયો. તેણે પોતાના સ્વાભાવિક પ્રબળ અને ગંભીર અવાજે બૂમ પાડી: ‘કેમ છો, સંન્યાસી ઠાકુર?’

શ્રીશ તરત જ હાથા પરથી પગ નીચે મૂકી ટટાર થઈને બેઠો, ને ખડખડ હસી પડયો. પછી બોલ્યો: ‘હજી તું ઝઘડો ભૂલ્યો લાગતો નથી!’

શ્રીશ થોડીવાર પહેલાં જ વિપિનને ઘેર જવાનો વિચાર કરતો હતો. પરતું શરદઋતુની નિર્મળ ચાંદનીના ઘેનમાં એને ઊઠવાનું મન થતું નહોતું. એક રકાબીમાં બરફવાળું શરબત અને ફુંદફૂલની માળા માગાવીને તે લાંબો પગ કરીને પડ્યો હતો, અને ચાંદનીધોયા આકાશમાં સિગારેટના ધુમાડા વડે ચિત્રવિચિત્ર કલ્પના-કુંડળીઓ પેદા કરતો હતો.

શ્રીશે કહ્યું: ‘ઠીક ભાઈ, શિશુપાલક, તું શું ખરેખર એમ ધારે છે કે હું સંન્યાસી ન થઈ શકું?’

વિપિને કહ્યું: ‘કેમ ન થઈ શકે?—પરતું સાથે બોજો ઉપાડનારા ઢગલો ચેલા હોવા જોઈએ.’

શ્રીશે કહ્યું: ‘એટલે કોઈ મને ફૂલની માળા ગૂંથી આપે, અને કોઈ બજારમાંથી શરબત અને બરફ માગી લાવે, એમ ને? તે એમાં ખોટુંયે શું છે? જે સંન્યાસ ફૂલ તરફ વૈરાગ્ય રાખવાનું કહે, અને બરફવાળા શરબત તરફ અણગમો કરે તે સંન્યાસને હું બહુ ઊંચા પ્રકારનો સંન્યાસ નથી ગણતો!’ 

વિપિને કહ્યું: ‘સાધારણ ભાષામાં તો સંન્યાસનો અર્થ આવો થાય છે.’

શ્રીશે કહ્યું: ‘જો સાંભળ, તું શું એમ સમજે છે કે ભાષામાં એક શબ્દનો માત્ર એક જ અર્થ થાય છે? એક માણસ સંન્યાસ શબ્દનો જે અર્થ કરે, તે જ અર્થ જો બીજો માણસ પણ કરે, તો પછી મન નામનો કોઈ સ્વતંત્ર પદાર્થ હસ્તી ધરાવે છે શા માટે?’

વિપિને કહ્યું: ‘તારું મન સંન્યાસી શબ્દોનો શો અર્થ કરે છે તે સાંભળવા મારું મન ખૂબ આતુર છે.’

શ્રીશે કહ્યું: ‘મારી સમજમાં સંન્યાસીનો વેશ આવો હોવા જોઈએ: ગળામાં ફૂલની માળા, શરીરે ચંદનનો લેપ, કાને કુંડળ અને મુખ પર હાસ્ય! મારા સંન્યાસીનું કામ લોકોનાં ચિત્તનું આકર્ષણ કરવાનું છે. રૂપાળો ચહેરો, મીઠું ગળું અને બોલાવાની છટા—આટલાં વાનાં ન હોય તો સંન્યાસી બનવું નકામું છે. રુચિ, બુદ્વિ, કાર્યશક્તિ અને પ્રફુલ્લતા એ બધીયે બાબતમાં, મારા સંન્યાસીઓએ ગૃહસ્થોને આદર્શ પૂરો પાડવાનો છે.’

વિપિને કહ્યું: ‘અર્થાત્ કાર્તિકોના ટોળાએ મયૂર પર સવારી કરી રાજમાર્ગો પર ફરવા નીકળવું જોઈએ.’

શ્રીશે કહ્યું: ‘મયૂર ન મળે તો ટ્રામ ક્યાં નથી? પગે ચાલવામાં પણ વાંધો નથી. કુમારસભા એટલે જ કાર્તિકસભા. પરંતુ કાર્તિક શું કેવળ સુપુરુષ જ હતા? નહિ, તેઓ સ્વર્ગના સેનાપતિ હતા.’

વિપિને કહ્યું: ‘લડવા માટે એમને માત્ર બે જ હાથ છે, પણ ભાષણ કરવા માટે ત્રણ જોડી મોં છે.’

શ્રીશે કહ્યું: ‘આ ઉપરથી સાબિત થાય છે કે આપણા આર્ય પિતામહો બાહુબલ કરતાં જિહ્વાબલને ત્રણગણું બળવાન સમજતા હતાં. હું પણ પહેલવાનીને વીરત્વનો આદર્શ માનતો નથી.’

વિપિને કહ્યું: ‘મને ઉદ્દેશીને આ શબ્દો કહેવાતા લાગે છે.’

શ્રીશે કહ્યું: ‘માણસને અહંકાર કેવી રીતે પાયમાલ કરે છે તેનો આ પ્રત્યક્ષ દાખલો! તું એમ માની બેઠો છે કે દુનિયામાં તું જ એકલો પહેલવાન છે! તું કળિયુગનો ભીમદેવ છે! ઠીક, તો આવી જા, યુદ્ધમ્ દેહિ! એક વખત વીરત્વની પરીક્ષા ભલે થાય!’

આમ કહી બંને મિત્રોએ થોડીવાર એક બીજાના હાથ પકડી ખોટી ખેંચપકડી કરી. આ વખતે ‘ભીમસેન ધૂળ ચાટતો!’ કહી વિપિને એકદમ ધબ દઈને શ્રીશની ખુરશીમાં બેસી પડયો, અને હાથા પર બેઉ પગ લાંબા કરી ‘ઓહ! ખૂબ તરસ લાગી છે.’ કહી શરબત ગટગટાવી ગયો. શ્રીશે એકદમ કુંદફૂલની માળા ઉપાડી લીધી, અને ‘પણ વિજયમાળ હું વર્યો છું ’ કહી તે ગળામાં નાખી. પછી એક નેતરના મૂડા ઉપર બેસીને એ બોલ્યો: ‘ઠીક ભાઈ, સાચું કહેજે, કેટલાક ભણેલાગણેલા માણસો જો આવી રીતે સંસારનો ત્યાગ કરી, ઠાઠમાઠથી, પ્રફુલ્લ અને પ્રસન્ન મુખે ગાતા-ગાતા, ભાષણો આપતા અને વિદ્યાનો વિસ્તાર દેશમાં ખૂણે ખૂણે ફરી વળે તો શું એથી ફાયદો ન થાય?’

આ વિષે વિવાદમાં ઊતરી મિત્રની સાથે ઝઘડો કરવાની વિપિનને ઇચ્છા નહોતી. તેણે કહ્યું: ‘આઇડિયા મજાનો છે. એ કબૂલ કરવું પડશે.’

શ્રીશે કહ્યું: ‘અર્થાત્ સાંભળવામાં રૂપાળો પણ હકીકતે અસાધ્ય! પણ હું કહું છું કે એ અસાધ્ય નથી, હું એ દૃષ્ટાન્ત દ્વારા સિદ્ધ કરી આપીશ. ભારતવર્ષમાં સંન્યાસધર્મ નામે એક જબરદસ્ત શક્તિ છે; એની રાખ ખંખેરી નાખીને, એની ઝોળી ફગાવી દઈને, એની જટા મૂંડી નાખીશ એને સૌન્દર્ય અને કર્મનિષ્ઠામાં પ્રતિષ્ઠિત કરવી એ જ ચિરકુમારસભાનો એક માત્ર ઉદ્દેશ છે. છોકરાં ભણાવવા માટે કે દીવાસળીઓ બનાવવા માટે આપણા જેવા માણસોએ ચિરકૌમાર્યવ્રત લીધાં નથી. બોલ, વિપિન, તું મારી વાતને ટેકો આપે છે કે નહિ?’

વિપિને કહ્યું: ‘તું કહે છે તેવા સંન્યાસી થવા માટે જેવો ચહેરો જોઈએ, જેવું ગળું જોઈએ, અને જેવો ઠાઠમાઠ જોઈએ—તેવું કશું જ મારી પાસે નથી. તેમ છતાં હું મજૂર બનીને તારી પાછળ પાછળ આવતા તૈયાર છું કારણ કે તું જો કાનમાં સોનાનાં કુંડળ અને આંખે સોનાનાં ચશ્માં પહેરીને ગમે ત્યાં ફરવાનો હોય તો તારે એકાદ ચોકીદારની જરૂર પડવાની—અને એ કામ હું બરાબર કરી શકીશ.’

શ્રીશે કહ્યું: ‘પાછી મશ્કરી!’

વિપિને કહ્યું: ‘ના ,ભાઈ, મશ્કરી નથી કરતો. સાચું કહું છું કે તારી દરખાસ્તને જો તું અમલમાં મૂકી શકે તો બહુ સારી વાત છે. પરતું આવા કોઈ એક સંપ્રદાયમાં જોડાયેલા બધાનાં કર્તવ્ય એકસરખાં હોઈ શકતાં નથી. દરેક જણ પોતપોતાની સ્વાભાવિક શક્તિ પ્રમાણે આમાં સાથ દઈ શકે.’

શ્રીશે કહ્યું: ‘વાત તો સાચી. માત્ર એક જ બાબતમાં આપણે ખૂબ મક્કમ રહેવું પડશે—સ્ત્રીજાતિની સાથે કોઈ પણ જાતનો સંબંધ રાખી નહિ શકાય.’

વિપિને કહ્યું: ‘માળા રાખવી છે, ચંદન રાખવું છે, કુંડળ રાખવાં છે, અને આ એક જ બાબતમાં આટલી બધી મક્કમતા શા માટે, ભાઈ?’

શ્રીશે કહ્યું: ‘માળા, ચંદન ને કુંડળ રાખીએ છીએ, માટે જ આટલી મક્કમતા રાખવાની જરૂર છે. ચૈતન્યે પોતાના અનુચરોને સ્ત્રીઓનો સંગ ન થઈ જાય એટલા માટે કઠોર નિયમનમાં રાખ્યા હતા. ચૈતન્યનો ધર્મ પ્રેમ અને સૌન્દર્યનો ધર્મ હતો, એટલે તેમને પ્રલાભનોનાં જાળાં ઘણાં હતાં.’

વિપિને કહ્યું: ‘ત્યારે તો આમાં ભય પણ છે!’

શ્રીશે કહ્યું: ‘મારા પોતાના માટે તો મને લગીરે ભય નથી. હું મારા મનને દુનિયાનાં અનેકવિધ સૌન્દર્યોમાં વ્યાપ્ત કરી રાખું છું કોઈની તાકાત નથી કે મને કોઈ જાળમાં ફસાવે. પરંતુ તમે લોકો દિનરાત કિક્રેટ, ટેનિસ ને ફૂટબોલમાં રચ્યાપચ્યા રહો છો,—તમે જો કોઈવાર ગબડ્યા તો તમે ને તમારાં બેટબોલ ને ગિલ્લીડંડા બધાંની કચ્ચર બોલી જશે.’

વિપિને કહ્યું: ‘ઠીક ભાઈ, વખત આવે જણાશે.’

શ્રીશે કહ્યું: ‘આ શબ્દો બરાબર નથી. વખત નહિ આવે, હું વખતને નહિ આવવા દઉં. વખત કંઈ રથમાં ચડીને નથી આવતો—આપણે તેને આપણી બોચી પર ચડાવીને લઈ આવીએ છીએ—પરંતુ તું જે વખતના આવવાનું કહે છે તેણે વાહનના અભાવે પાછું ફરવું પડશે.’

એટલામાં પૂર્ણે ત્યાં પ્રવેશ કર્યો, તેને જોઈએ બંને જણ બોલી ઊઠ્યા: ‘આવો, પૂર્ણબાબુ!’

વિપિને તેને માટે આરામખુરશી ખાલી કરી. પોતે બીજી ખુરશીમાં બેઠો. પૂર્ણની સાથે વિપિન અને શ્રીશને એવો ગાઢ પરિચય નહોતો, એટલે બંને એની સાથે જરા વધારે માનપૂર્વક વર્તતા.

પૂર્ણે કહ્યું: ‘અહીં ચાંદનીની ફૂલગૂંથણી તો બહુ મજાની કરી છે! વચમાં વચમાં થાંભલાઓની છાયા વડે ખૂબ ઠાઠ કર્યો છે!’

શ્રીશે કહ્યું: ‘અગાશીમાં ચાંદનીની ફૂલગૂંથણી કરવી વગેરે અજાયબી ભરેલાં કામો કરવાની શક્તિ મારામાં જન્મ પહેલાંની છે. પરંતુ જુઓ પૂર્ણબાબુ, પેલું દીવાસળીઓ બનાવવા કરવાનું મને જરીકે ગમતું નથી.’

પૂર્ણે ફૂલની માળા સામે જોઈ કહ્યું: ‘તો સંન્યાસધર્મ તરફ તમારું ખૂબ મન છે?’

શ્રીશે કહ્યું: ‘એ જ વાત ચાલતી હતી. પહેલાં તો કહો કે સંન્યાસ ધર્મ તમે કોને કહો છો?’

પૂર્ણે કહ્યું: ‘જે ધર્મમાં દરજી, ધોબી કે હજામ કોઈની મદદ લેવી પડતી નથી, વણકરનું બિલકુલે કામ પડતું નથી, પિયર્સ સોપની જાહેર ખબર તરફ જોવું પણ પડતું નથી—’

શ્રીશે કહ્યું: ‘અરે છટ્! એ સંન્યાસધર્મ તો ક્યારનોય ઘરડો થઈને મરી પરવાર્યો—હવે નવીન સંન્યાસી નામનો નવો સંપ્રદાય ઊભો કરવાનો છે—’

પૂર્ણે કહ્યું: ‘વિદ્યાસુન્દર નાટક’માં એક નવીન સંન્યાસી આવે છે: એ દૃષ્ટાંત સારું છે. પરંતુ એ ચિરકુમારસભાના નિયમ પ્રમાણે ચાલતો નથી.’

શ્રીશે કહ્યું: ‘ચાલતો હોત તો એ યોગ્ય દૃષ્ટાંત ગણાત. ઠાઠમાઠમાં અને બોલવા-ચાલવામાં સુન્દર અને સુનિપુણ થવું પડે—’

પૂર્ણે કહ્યું: ‘માત્ર રાજકન્યાની સામે નજર કરવાની નહિ—એમ ને? વગર દોરાની માળા ગૂંથવાની, પણ એ માળા પહેરાવવાની કોના ગળામાં?’

શ્રીશે કહ્યુંં: ‘સ્વદેશના ગળામાં! વાત જરા ઊંચી કક્ષાની થઈ ગઈ—પણ શું થાય? માલિની માસી અને રાજકુમારી (વિદ્યાસુંદર’ નામે બંગાળી ગીત-નાટકનાં પાત્રો)ને માટે બારણાં બંધ છે. પરંતુ મશ્કરી નથી કરતો, પૂર્ણબાબુ—’ 

પૂર્ણે કહ્યું: ‘મશ્કરી હોય એવું જરાયે નથી લાગતું—ખૂબ કઠોર વાત છે, બિલકુલ સૂકી ને નીરસ!,

શ્રીશે કહ્યું: ‘આપણી ચિરકુમારસભામાંથી એવો સંન્યાસી સંપ્રદાય ઊભો કરવો પડશે, કે જે રુચિ, શિક્ષણ અને કર્મની બાબતમાં તમામ ગૃહસ્થોના આદર્શ રૂપ બની રહે. એ સંન્યાસીઓ સંગીત વગેરે લલિત કલાઓમાં અજોડ હશે, અને લાઠી તલવાર ખેલવામાં, ઘોડેસવારી કરવામાં તથા બંદૂક લઈને નિશાનબાજી કરવામાં પાવરધા હશે—’

પૂર્ણે કહ્યું: ‘ટૂંકમાં મનોહરણ અને પ્રાણહરણ બંને કર્મમાં મજબૂત હશે, પુરુષ દેવી ચૌધરાણીઓ (બંકિમબાબુની એ નામની એક નવલકથાની નાયિકા) સમજી લો!”

શ્રીશે કહ્યું: ‘બંકિમબાબુએ પહેલથી જ મારો આઇડિયા ચોરી લીધેલો છે—પરંતુ એને અમલમાં મૂકી હવે આપણે એને આપણે પોતાનો કરી લેવો જોઈશે.’

પૂર્ણે કહ્યું: ‘પ્રમુખ સાહેબ શું કહે છે?’

શ્રીશે કહ્યું: ‘એમને કેટલા દિવસ લગી મેં સમજાવ સમજાવ કર્યું ત્યારે હવે મારા મતના થયા છે. પરંતુ હજી તેમણે એમની દીવાસળીને છોડી નથી. તેઓ કહે છે કે સંન્યાસીઓએ ખેતીવાડી વગેરે જ્ઞાન મેળવીને ગામેગામ ખેડૂતોને શીખવતા ફરવું, એક એક રૂપિયાના શેરની એક બૅંક ખોલી, દરેક મોટા ગામમાં નવા ધોરણ ઉપર એકેક દુકાન શરૂ કરવી, અને આખા હિંદુસ્તાનમાં ચારે ખૂણે વેપારની જાળ બિછાવી દેવી. તેઓ ખૂબ ઉત્સાહથી વાત કરે છે!’

પૂર્ણે કહ્યું: ‘વિપિનબાબુનો શો મત છે?’

વિપિનના મત પ્રમાણે શ્રીશની આ કલ્પના અવ્યવહારુ હતી, પરંતુ શ્રીશની તમામ ઘેલછાઓ તરફ એ સ્નેહની નજર જોતો હતો. વિરોધ કરીને શ્રીશનો ઉત્સાહ તોડી પાડવાનું એને કદી મન થતું નહિ. તેણે કહ્યું: ‘જો કે હું મને પોતાને શ્રીશના નવીન સંન્યાસી સંપ્રદાયનો પુરુષ સમજતો નથી, પરંતુ સંઘ રચાતો હોય તો હું પણ સંન્યાસી થવા તૈયાર છું ’

પૂર્ણે કહ્યું: ‘પણ થવામાં ખરચનો સવાલ છે, મશાય! એકલી લંગોટીથી કામ નથી પતવાનું—અંગદ, કુંડળ, આભરણ, કુંતલીન ઓટો દિલખુશ—’

શ્રીશે કહ્યું: ‘પૂર્ણબાબુ, તમે મશ્કરી કરો કે ગમે તે કરો, પણ ચિરકુમારસભા, હું કહું છું એવી સંન્યાસીસભા જ થશે. એક તરફ આપણે કઠોર આત્મત્યાગ કરશું, અને બીજી તરફ મનુષ્યત્વના કોઈ પણ ઉપરકણથી આપણને વંચિત નહિ રાખીએ—આપણે કઠિન શૌર્ય અને લલિત સૌન્દર્ય બંનેનું સમાન ભાવે વરણ કરશું. એ કઠોર સાધનામાંથી ભારતવર્ષમાં નવયુગનો પ્રાદુર્ભાવ થશે—’

પૂર્ણે કહ્યું: ‘સમજ્યો, શ્રીશબાબુ! પરંતુ સ્ત્રી શું મનુષ્યત્વનું એક મુખ્ય ઉપરકણ નથી ગણાતી? તેની ઉપેક્ષા કરવાથી લલિત સૌન્દર્ય પ્રત્યે જે સમાદર રાખવો જોઈએ તે રહેશે? એે વિષે શો વિચાર કર્યો?’

શ્રીશે કહ્યું: ‘નારીનો એક મોટો દોષ એ છે કે એ નરજાતિને લતાની પેઠે વળગી રહેવાનું કરે છે. જો એનો વળગી પડવાનો ભય ન હોત, જો એને સાચવવા છતાં આપણી સ્વતંત્રતાને સાચવી શકાતી હોેત તો કંઈ વાંધો નહોતો. એટલે જ્યારે જીવન સમર્પણ કરવાની વાત છે ત્યારે તેમાં આડે આવતાં તમામ વિઘ્નો દૂર કરવાં જ પડે. પાણિગ્રહણ કરવા જઈએ તો પોતાના પાણિને પણ બંધનમાં નાખવા પડે! એ ન ચાલે, પૂર્ણબાબુ!’

પૂર્ણે કહ્યું: ‘ગભરાતા નહિ, ભાઈ! હું મારા શુભ લગ્નમાં તમને નોતરું દેવા નથી આવ્યો. પરંતુ જરા વિચાર તો કરી જુઓ. મનુષ્યજન્મ ફરી મળશે કે નહિ તેની શંકા છે,—છતાં હૃદયને જીવનભર જે પિપાસાથી આપણે તરસે મારવાનું કરીએ છીએ, તે પિપાસાની ખોટ પૂરે એવું આપણને બીજે ક્યાંય કંઈ મળવાનું છે ખરું! મુસલમાનોના સ્વર્ગમાં હૂરીએ છે, હિંદુના સ્વર્ગમાં પણ અપ્સરાઓની ખોટ નથી, તો શું ચિરકુમારસભાના સ્વર્ગમાં પ્રમુખ સાહેબ અને સભ્ય મહાશયોના કરતાં વધારે રૂડું ને રૂપાળું કંઈ મળવાનું ખરું કે નહિ?’

શ્રીશે કહ્યું: ‘પૂર્ણબાબુ! આ તમે શું બોલો છો? તમે તો—’

પૂર્ણે કહ્યું: ‘બીતો નહિ, ભાઈ, હજી હું મરણિયો નથી થયો. પણ હું પૂછું છું તારી આ અગાશી ભરેલી ચાંદની અને આ ફૂલની ગંધ શું કૌમાર્યવ્રત સાચવવામાં મદદ કરવા માટે પેદા થયેલાં છે? કોઈ કોઈ વખત મનમાં જે વરાળ ભેગી થાય છે. એ બહાર ઠાલવી કાઢવી એને હું સારું સમજું છું એને જોર કરીને દબાવી રાખી મન મનાવતા જતાં કોઈ વાર ચિરકૌમાર્યવ્રતનું લોઢાનું બોઈલર ફાટી જવાનો સંભવ છે. ગમે તે હોય, પણ જો તમે સંન્યાસી થવાનું જ નક્કી કરો તો હું પણ એમાં સાથ આપીશ—પરંતુ અત્યારે તો હવે ગમે તે ઉપાયે સભાને બચાવ્યા વગર નહિ ચાલે!’

શ્રીશે કહ્યું: ‘કેમ? શું થયું છે?’ 

પૂર્ણે કહ્યું: ‘અક્ષયબાબુ આપણી સભાને બીજે ખસેડવાનું કરે છે એ મને સારું લાગતું નથી.’

શ્રીશે કહ્યું: ‘સંદેહ ચીજ નાસ્તિકતાની છાયા છે. બગડી જશે, ભાંગી જશે, નાશ પામશે એવા બધા વિચારોને હું કોઈ પણ સંજોગોમાં મનમાં ઘૂસવા દેતો નથી. સારું જ થવાનું છે—જે થાય છે તે સારું જ થાય છે—ચિરકુમારસભાનું ઉદાર વિશાળ ભાવિ હું મારી આંખો સામે પ્રત્યક્ષ જોઉં છું. અક્ષયબાબુ સભાને એક જગાએથી બીજી જગાએ લઈ જઈને સભાનું શું અનિષ્ટ કરી શકવાના છે? કારણ કે ગલીના એક ઘેરથી બીજે ઘેર નહિ, પણ આપણે તો આ દેશમાં ગામે ગામે, વાટે ઘાટે ને દેશે દેશે ફરવાનું થશે. માટે સંદેહ, શંકા, ઉદ્વેગ, બધું મનમાંથી કાઢી નાખો, પૂર્ણબાબુ! વિશ્વાસ અને આનંદ વગર કોઈ પણ મોટું કામ થતું નથી.’

પૂર્ણ કંઈ પણ બોલ્યા વગર બેસી રહ્યો. વિપિને કહ્યું: ‘થોડા દિવસ જોઈએ—જો કંઈ અગવડનું કારણ જણાશે તો સ્વસ્થાને પાછા આવતા રહીશું—આપણી આ અંધારી કોટડી કોઈ ગળી જવાનું નથી!’

હાય, પૂર્ણની હૃદયવેદના શું કોઈ નહિ સમજે?

એટલામાં ઓચિંતાના ચંદ્રમાધવબાબુએ હાંફળાફાંફળા પ્રવેશ કર્યો: ત્રણે જણ તેમને જોઈ માનપૂર્વક ઊભા થઈ ગયા.

ચંદ્રબાબુએ કહ્યું: ‘જુઓ, હું પેલી વાતનો વિચાર કરતો હતો—’

શ્રીશે કહ્યું: ‘બેસો.’

ચંદ્રબાબુએ કહ્યું: ‘નહિ, નહિ, હું નહિ બેસું. હું હમણાં જ જાઉં છું. હું એમ કહેતો હતો કે સંન્યાસવ્રતને માટે આપણે અત્યારથી જ તૈયાર થવું પડશે. કોઈ અકસ્માત થાય તો શું કરવું, અથવા સાધારણ તાવતરિયો હોય તો શું કરવું એ આપણે શીખવું પડશે—એટલે દાક્તર રામરતનબાબુ દર રવિવારે આ વિષે આપણી આગળ બે કલાક ભાષણ કરે એવી હું ગોઠવણ કરી આવ્યો છું.’

શ્રીશે કહ્યું: ‘પણ એમ કરવાથી મોડું નહિ થાય?’

ચંદ્રબાબુએ કહ્યું: ‘મોડું તો થશે જ, કામ પણ કંઈ સહેલું થોડું જ છે? આટલું જ બસ નથી, આપણે થોડું ઘણું કાયદાનું જ્ઞાન પણ મેળવવું જરૂરી છે. લોકોને અન્યાય અને અત્યાચારોમાંથી બચાવવા, અને કોનો કેટલો અધિકાર છે તે ખેડૂતોને સમજાવવાનું આપણું કર્તવ્ય છે.’

શ્રીશે કહ્યું: ‘ચંદ્રબાબુ! બેસો!’

ચંદ્રબાબુએ કહ્યું: ‘ના, શ્રીશબાબુ, બેસવાનો વખત નથી, હું બહુ કામમાં છું. બીજું પણ એક કામ આપણે કરવાનું છે—બળદ ગાડી, પીંજણ, શાળ વગેરે આપણાં દેશી સાધનો બહુ જ કામનાં છે, પણ એ બધાંને આપણે જરાતરા સુધારવાનાં છે; અને એ રસ્તાં, ટકાઉ તથા વધારે કામ આપનારાં બને એવો આપણે પ્રયાસ કરવાનો છે. આ ઉનાળાની રજાઓમાં કેદારબાબુના કારખાનામાં જઈને દરરોજ આપણે આ બાબતમાં પ્રયોગો કરવા પડશે.’

શ્રીશે કહ્યું: ‘ચન્દ્રબાબુ! આપ ક્યારના ઊભા છો—’ આમ કહી એ ખુરશી આગળ લાવ્યો, પણ ચંદ્રબાબુએ કહ્યું: ‘ના, ના, મારે બહુ કામ છે, હું હમણાં જ જાઉં છું. દેખો, મારો મત એવો છે કે આ બધી ગામડાગામની રોજની ઉપયોગી ચીજોમાં જો આપણે સુધારો કરી શકીએ તો એથી ખેડૂતોના મનમાં જેવું આંદોલન પેદા થઈ જશે, તેવું મોટા મોટા સુધારા કરવાથી પણ નહિ થાય. એમની એ જૂના જમાનાની ઘાણી અને શાળમાં જો આપણે જરાક જ પરિવર્તન કરી શકીશું તો એમનું આખું મન એકદમ જાગ્રત બની જશે, અને ધરતી એક જગાએ ઊભેલી નથી, એવું એ લોકો તરત સમજી જશે.’

શ્રીશે કહ્યું: ‘ચંદ્રબાબુ! નહિ બેસો?’

ચંદ્રબાબુએ કહ્યું: ‘નહિ, રહેવા દો! જરા વિચાર તો કરી જુઓ, આટલા બધા વખતથી આપણે તાલીમ લેતા આવ્યા છીએ પણ આપણી એ તાલીમની શરૂઆત આ ઘાણી અને શાળથી જ થવી જોઈતી હતી. મોટાં મોટાં કારખાનાંની વાત તો દૂર રહી, પણ ઘરની અંદર પણ આપણી જાગ્રત દૃષ્ટિ પડી નહિ. જે ચીજ આપણી સામે જ પડી છે તેની સામે આપણે નજર કરીને પૂરું જોયું પણ નહિ, કે તે વિષે કંઈ વિચાર પણ કર્યો નહિ, જેમ હતું તેમ જ બધું રહ્યું. માણસ આગળ વધે પણ તેનો સરસામાન પાછળ રહી જાય—એ કેમ ચાલે? આપણે પડેલા જ છીએ, અંગ્રેજ આપણને પોતાના ખંધોલે ચડાવી લઈ જાય છે. પણ સરસામાનને એ આગળ થવાનું કહેતા નથી. આપણી સાધારણ ગ્રામ્ય જીવનયાત્રાનું ગાડું ગામડાગામના કીચડવાળા રસ્તામાં ફસાઈ પડેલું છે; આપણા સંન્યાસીઓએ એ ગાડાના પૈડાને ઠેલવાનું છે.—એંજિનગાડી ચલાવવાની હોંશ હમણાં રહેવા દો. કેટલા વાગ્યા, શ્રીશબાબુ?’

શ્રીશે કહ્યું: ‘સાડા આઠ વાગ્યા છે.’

ચંદ્રબાબુએ કહ્યું: ‘તો હું જાઉં છું. પણ આ હું કહેતો જાઉં છું કે આપણે હવે બીજી બધી વાતો છોડીને નિયમિત તાલીમમાં લાગી જવાનું છે. અને—’

પૂર્ણે કહ્યું: ‘આપ જો ઘડી બેસો, ચંદ્રબાબુ, તો મારે એક બે વાત કહેવાની છે.’

ચંદ્રબાબુએ કહ્યું: ‘નહિ, મને અત્યારે વખત નથી.—’

પૂર્ણે કહ્યું: ‘ લાંબી વાત નથી કહેવાની; મારે માત્ર એટલું કહેવાનું છે કે આપણી સભા—’

ચંદ્રબાબુએ કહ્યું: ‘આપણે એ વિષે કાલે વાત કરીશું, પૂર્ણબાબુ!’

પૂર્ણે કહ્યું: ‘પણ કાલે તો સભા ભરાવાની છે—’

ચંદ્રબાબુએ કહ્યું: ‘ઠીક, તો પરમદહાડે. મને અત્યારે વખત નથી—’

પૂર્ણે કહ્યું: ‘જુઓ, અક્ષયબાબુએ જે—’

ચંદ્રબાબુએ કહ્યું: ‘પૂર્ણબાબુ, મને માફ કરો, આજે બહુ મોડું થઈ ગયું છે. અરે, પણ એક વાત તો કહેવાની ભૂલી જ ગયો. આપણી ચિરકુમારસભા જો ધીમે ધીમે વિસ્તૃત થાય, તો આપણા બધા જ સભ્યો કંઈ સંન્યાસી બનીને નીકળી શકશે નહિ એટલે એના બે વિભાગ રાખવા પડશે—’

પૂર્ણે કહ્યું: ‘સ્થાવર અને જંગમ.’

ચંદ્રબાબુએ કહ્યું: ‘નામ ગમે તે આપજો. વળી અક્ષયબાબુએ પેલે દિવસ આપણને એક વાત કરી હતી તે પણ વિચારવા જેવી લાગે છે. તેઓ કહેતા હતા કે ચિરકુમારસભાની સાથે સાથે એક બીજી સભા રાખવી જોઈએ, જેમાં પરણેલા કે પરણવાનો સંકલ્પ ધરાવનારા લોકોને દાખલ કરી શકાય. કારણ કે ગૃહસ્થોનું પણ દેશ પ્રત્યે કંઈક કર્તવ્ય હોય છે. દરેક જણે પોતપોતાની શક્તિ પ્રમાણે કોઈ ને કોઈ દેશસેવાની પ્રવૃત્તિમાં જોડાવું પડશે. આ થયું સાધારણ વ્રત. આપણો એક સંઘ કુમારવ્રત ધારણ કરી દેશદેશમાં વિચરણ કરે, એક સંઘ કુમારવ્રત ધારણ કરી એક જ જગાએ સ્થાયી થઈને રહે અને કામ કરે અને સંઘ ગૃહસ્થોનો હોય—તે પોતપોતની રુચિ અને શક્તિ પ્રમાણે કોઈ પણ ઉપયોગી કામમાં પડીને દેશ પ્રત્યેનું પોતાનું કર્તવ્ય બજાવે. જેઓ પ્રવાસી સંઘમાં જોડાશે તેમણે નકશા બનાવવાનું કામ, જમીન માપવાનું કામ, વનસ્પતિવિદ્યા, પ્રાણીશાસ્ત્ર વગેરે અનેક વિદ્યાઓનો અભ્યાસ કરવો પડશે,—તેઓ જે દેશમાં જશે ત્યાંની તમામ સૂક્ષ્મમાં સૂક્ષ્મ હકીકતોનો સંગ્રહ કરશે. આ રીતે ભારતવાસીઓ દ્વારા ભારતનું ખરેખરું વિવરણ ભાષાબદ્ધ કરવાનો પાયો નખાશે—હંટર સાહેબની ઉપર આધાર રાખીને બેસી રહેવું નહિ પડે—’

પૂર્ણે કહ્યું: ‘ચંદ્રબાબુ, જરા બેસો તો એક વાત—’

ચંદ્રબાબુએ કહ્યું: ‘ના—હું શું કહેતો હતો? હં—હું કહેતો હતો કે જ્યાં જ્યાં આપણે જઈશું ત્યાં ત્યાં આપણે ઐતિહાસિક દંતકથાઓ અને જૂની પોથીઓ ભેગી કરવાનું કામ કરીશું—શિલાલેખો અને તામ્રલેખો પણ ભેગા કરવા પડશે—આ હેતુથી પ્રાચીન લિપિઓનો પણ આપણે પરિચય કરી લેવાની જરૂર છે.’

પૂર્ણે કહ્યું: ‘એ બધી તો પછીની વાતો છે. પણ હમણાં—’ 

ચંદ્રબાબુએ કહ્યું: ‘નહિ, નહિ, હું એમ નથી કહેતો કે આપણે બધાએ બધી વિદ્યાઓ શીખવાની છે; તો તો કોઈ કાળે એનો અંત ન આવે. પોતપોતાની અભિરુચિ પ્રમાણે આપણે કોઈ એક, તો કોઈ બે-ત્રણ વિદ્યાઓ શીખી લેશું—’

શ્રીશે કહ્યું: ‘પરંતુ એમાંયે—’

ચંદ્રબાબુએ કહ્યું: ‘ધારો કે પાંચ વરસ જશે. પણ પાંચ વરસે આપણે તૈયાર થઈને નીકળી શકીશું ને! જિંદગીભરનું વ્રતે લેનારાઓને માટે પાંચ વરસનો હિસાબ શો છે? વળી આ પાંચ વરસમાં જ આપણી પરીક્ષા થઈ જશે—જેઓ ટકી રહેશે તેમને વિષે પછી કોઈ જ સંદેહ રહેશે નહિ.

પૂર્ણે કહ્યું: ‘પણ જુઓ, આપની સભાનું સ્થળ બદલવામાં આવે છે—’

ચંદ્રબાબુએ કહ્યું: ‘નહિ, પૂર્ણબાબુ! આજે મને જરાય વખત નથી, હું ખૂબ જ કામમાં છું. પૂર્ણબાબુ! હમણાં હું જ કહી ગયો તે ઉપર બરાબર વિચાર કરી જોજો! ઉપલક નજરે કામ અસાધ્ય લાગવાનો સંભવ છે, પણ એ અસાધ્ય નથી. દુ:સાધ્ય છે, પણ દરેક દરેક સારું હમેશાં દુ:સાધ્ય હોય છે. આપણને જો ફક્ત પાંચ જ દૃઢ પ્રતિજ્ઞાવાળા માણસો મળી જાય તો આપણે એવું કામ કરીશું જે હંમેશને માટે આખા ભરતખંડને ઢાંકી દેશે!’

શ્રીશે કહ્યું: ‘પણ હમણાં તમે કહેતા હતા તે બળદ ગાડીનાં પૈડાં વગેરે નાની નાની બાબતો—’

ચંદ્રબાબુએ કહ્યું: ‘ખરું છે, એ કામોને પણ ઓછાં અગત્યનાં ગણી હું એની ઉપેક્ષા કરતો નથી—અને મોટાં કામને પણ અસાધ્ય સમજી હું ડરતોે નથી—’

પૂર્ણે કહ્યું: ‘પરંતુ સભાની બેઠક વિષે—’

ચંદ્રબાબુએ કહ્યું: ‘એ બધી વાતો કાલે થશે, પૂર્ણબાબુ! આજે તો હું બહુ કામમાં છું, જાઉં છું.’

આમ કહી ચંદ્રબાબુ ઝડપથી જતા રહે છે.

વિપિને કહ્યું: ‘ભાઈ શ્રીશ, કેમ કાંઈ બોલતો નથી? એક દારૂડિયાને દારૂ ચડ્યો જોઈ બીજાનો દારૂ ઊતરી જાય છે, તેમ ચંદ્રબાબુના ઉત્સાહે તને ઠંડો પાડી દીધો લાગે છે!’

શ્રીશે કહ્યું: ‘ના રે, આ બધી વિચારવા જેવી બાબતો છે. તું ઉત્સાહ કોને કહે છે? બહુ બોલ બોલ કરીએ એને? ના, હમેશાં એવું હોતું નથી. કોઈ વખત ઉત્સાહને લીધે જ માણસ એકદમ ચૂપ થઈ જાય છે. એ ઉત્સાહ બહુ ભયંકર હોય છે.’

વિપિને કહ્યું: ‘પૂર્ણબાબુ, કેમ એકદમ નાસો છો?’

પૂર્ણે કહ્યું: ‘પ્રમુખસાહેબને રસ્તામાં પકડી પાડવા જાઉં છું. રસ્તે જતાં જતાં જો મારી કંઈ વાત સાંભળે તો મારું નસીબ!’

વિપિને કહ્યું: ‘એથી ઊલટું જ થશે. થોડું ઘણું કહેવાનું અહીં બાકી રહી ગયું હશે તે હવે તને સંભળાવવા માંડશે, ને એમ કરતાં કરતાં ક્યાં જવાનું છે તે જ ભૂલી જશે!’

એટલામાં વનમાળીએ પ્રવેશ કર્યો. આવતાં જ એણે બોલવા માંડ્યું: ‘મજામાં ને, શ્રીશબાબુ? વિપિનબાબુ, મજામાં ને? ઓહો! પૂર્ણબાબુ પણ અહીં છે ને! સારું થયું! કેટલી મહેનત કુમારટુલીવાળી પેલી બે કન્યાઓને મેં રોકી રાખી છે.’

શ્રીશે કહ્યું: ‘પણ અમને તમે રોકી રાખી શકવાના નથી. નહિવર અમે કંઈ ગુરુતર બેસશું—’

પૂર્ણે કહ્યું: ‘શ્રીશબાબુ, બેસો! મારે જરા કામ છે. જાઉં છું.’

વિપિને કહ્યું: ‘એ કરતાં તમે બેસો એ ઠીક છે, પૂર્ણબાબુ! તમારું કામ અને બે જણા સાથે જઈને કરી આવીશું.’

પૂર્ણે કહ્યું: ‘એના કરતાં આપણે ત્રણે જઈએ તો સારું.’

વનમાળીએ કહ્યું: ‘તમે લોકો બહુ કામમાં લાગો છો. ઠીક, તો હું ફરી કોક વખત આવીશ.’

License

ચિરકુમારસભા Copyright © by રવીદ્રનાથ ટાગોર and અનુવાદઃ રમણલાલ સોની. All Rights Reserved.