૯. નિશાળ

હજી ગઈ કાલ સુધી, ઘણી જગાએ, બબ્બે ગામ વચ્ચે એક નાનકડી પ્રાથમિક શાળા. ને તેય ધોરણ ૧થી ૪ સુધીની — હોય એ વાત સ્વાભાવિક ગણાતી. આજે પ્રાથમિક શાળાઓ — જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં પણ — ગામડે ગામડે છે — જોકે પંચમહાલનાં ઘણાં ગામોમાં હજીય બેત્રણ ગામડાં વચ્ચે એક શાળા ચાલતી હોવાના દાખલા છે. હાઈસ્કૂલો પણ પ્રાથમિક શાળાની જેમ ઠેર ઠેર — પૈસા કમાવવાના સાધન તરીકે એને ચલાવનારાં મંડળો અને રાજકીય વગવસીલો ધરાવનારા આગેવાનોના પ્રતાપે સ્તો! — ફૂટી નીકળી છે. જોકે મારાં લુણાવાડિયાં ગામોમાં ચારપાંચ ગામો વચાળે માંડ એક માધ્યમિક શાળા મળે — ને તેય ગરીબડા મકાનમાં ‘માસ્તરો’ની ‘મરજી મુજબ’ ચાલતી હોય!

ગામમાં મંદિર ના હોય તો ચાલે, દેવળ અને મસ્જિદ વિના પણ ઉપાસના અટકી જતી નથી. એ તો આત્મા અને સાધનાની વાત છે કે તનમનને વશ રાખી ઇષ્ટની આરાધના કરી જ શકાય — ત્યાં મંદિરો કે દેવળોની તાતી જરૂરિયાત નથી, પણ આજે આપણે એવા સમયમાં જીવીએ છીએ કે જ્યાં બાળક માટે પારણા જેટલી જ જરૂર નિશાળની છે. ભલે નિશાળોની મથરાવટી મેલી છે — પણ આપણી નવી પેઢીઓ માટે નિશાળ તો ઉછેર-ઘડતરનું ફળિયું છે જાણે! એની અનેક મર્યાદાઓ છતાં ત્યાંથી મળતા ‘પાઠ’ સૌને જીવતર અને સંસ્કારની દિશા દેખાડવા પૂરતા તો સાબદા છે. સોએ વીસ ટકા સારા અપવાદો છે. એટલે સરસ્વતીમંદિરો-શારદામંદિરો હજી વિશ્વાસનાં સ્થળો છે — એમ માન્યા વિના આપણને ચાલવાનું નથી.

આપણે વાત કરતા હતા — બે ગામ વચ્ચે એક નિશાળની. મારા શૈશવનું એ સ્મરણ આજેય મને રોમાંચક લાગે છે (આ ક્ષણે ખેદ પણ થાય). બે ગામો વચ્ચે ‘નિશાળ’ પ્રતિષ્ઠાનો મુદ્દો બનેલી. સરકારે (૧૯૫૫-૫૮) એક નિશાળ આપેલી. થાંભા ગામવાળા કહે, નિશાળ તો અમારે ત્યાં બેસશે. મંકોડિયા ગામવાળા કહે કે, ‘ના, નિશાળ તો અમારા ગામમાં બેસશે.’ બે ગામ વચ્ચે બે કિલોમીટરનું અંતર. ૧થી ૪ ધોરણ; એક માસ્તર ને શાળાને મકાન ખરું? તો કહે ના, મુખીના ઘરની પડસાળમાં નિશાળ બેસશે. બંને ગામનાં લોક પડસાળ આપવા રાજી. વાત ગૂંચવાય ત્યારે પટેલો ભેગા થઈને ‘ભાંજઘડ’ કરે. ‘ભાંજઘડિયા’ મળ્યા. ભાંજ-ઘડ થઈ કે નિશાળ એકએક માસ વારાફરતે બંને ગામમાં બેસશે. નિશાળનું નામ નોંધાયું — ‘થાંભા-મંકોડિયા ફરતી શાળા!’ એક માસ થાંભાવાળાં ટાબરિયાં જાય મંકોડિયા ભણવા, બીજા માસે મંકોડિયાનાં છોરાં આવે પગ ઘસતાં થાંભા! પણ બીજે ગામ ભણવા જવાની વાતે અમને રોમાંચ થતો. એમાં ‘ભણવા’ કરતાં વાટે રખડવાની — મસ્તી કરવાની — મજા પડતી હશે, તે કારણ ખરું. વળી બીજે ગામ જાવ તો ચડ્ડીબુશકોટ નવાં નહીં તો ફાટેલાં તો ના જ હોય! ને મા દફતરમાં દૂધમાં કરેલો તીખો રોટલો બપોરિયું કરવા બાંધી આપે તે લાલચ. હુંય ૧થી ૪ ધોરણ ગામમાં ભણ્યો અને ધો. ૫માંથી ગયો મધવાસ ભણવા! ‘ભણવા જવા’માં ત્યારે જરા વટ પડતો. કેમ કે ત્યારે બધાં કાંઈ ભણતાં નહોતાં.

હુંય પડસાળમાં ચાલતી નિશાળમાં પ્રાથમિક શિક્ષણ પામ્યો છું. ઘાસના ભારા ને બાળકોનાં ઘોડિયાં; રડતાં છોકરાં ને રેંકતી ભેંસો; મહેમાનોના આવરા અને માગણોના જાવરા વચાળે પડસાળમાં અમારો વર્ગ ચાલતો. જુદી જુદી પડસાળોમાં ગાડાં મુકાય — ચોમાસે; શિયાળો બેસતાં અનાજ ઠલવાય પડસાળે — ત્યારે અમારે પડસાળો અને ફળિયાં બદલવાનાં. અમારી શાળા આમ આખા ગામમાં ‘ફરતી શાળા’ હતી. પણ ‘થાંભા-મંકોડિયાની ફરતી શાળા’ની તો અમનેય ઈર્ષા આવતી! તમે જ કહો; આવી નિશાળોમાં સાહેબને બેસવા ખુરશીને બદલે પેટી-પટારો વપરાતાં હોય — જેમાં હાજરીપત્રક ને આંકણી રહેતાં — ત્યાં વળી કાળાં પાટિયાં — ચૉક, નકશા અને ફોટા ક્યાંથી હોય? હા; ગાંધીબાપુનો એક મઢાવેલો ફોટો અમે એક પડસાળે લઈ જતા ને લટકાવતા. ફોટો લટકાવીને પ્રાર્થનાના રાગડા તાણીએ — ‘મંદિર તારું વિશ્વ રૂપાળું સુંદર સર્જનહારા રે…’ — પછી શાળા ચાલુ થાય. પહેલો નંબર હોય તે લેસન જુએ. સાહેબ કહે તેમ દાખલા લખાવે, પાઠ વંચાવે; સવાલવારી કરાવે. સાહેબ તો ગામમાં ચા પીવા કે મહેમાનોમાં જમવાય જાત તો ખરા ને! પણ ચોપડી-સ્લેટ એ વિદ્યાદેવીનાં રૂપો છે એ માનનારા અમે એમાં મોરપિચ્છ રાખતા — મા સરસ્વતીનું વાહન મોર; તેનું પીંછું રાખવાથી ‘વિદ્યા ચઢે’ — એમ બધાં મનાવતાં! પ્રાર્થનાને ખરેખર સાચી માનીને વર્તવાના એ નિર્દોષ દિવસો હતા. ‘મંદિરમાં તું ક્યાં છુપાયો? શોધે બાળક તારાં રે—’ પંક્તિ પ્રમાણે અમે મંદિરમાં જઈને અંદર છુપાઈ ગયેલા દેવને ખરેખર શોધતા — પછીતે જતા ને ગફારામાં જોતા… પીતાંબરનો કટકો મળતો તો અમે માનતા કે દેવ નદીએ ન્હાવા ગયા હશે… વગેરે.

થાય છે કે એ ‘પડસાળિયા નિશાળો’માં ભણીનેય અમે છેક આટલે સુધી આવ્યા છીએ તો આજની સાધનસંપન્ન શાળાઓમાં ભણનારી પેઢી માટે તો ઘણી શક્યતાઓ છે. અમારી મધવાસની હાઈસ્કૂલ પણ કોઈ વિધવા ભાનુબહેન ગોરના વધુ ઓરડાવાળા જૂના ને પડું પડું મકાનમાં જ ચાલતી હતી. શમણાની સ્કૂલ આજે રાજાના જૂના બંગલામાં બેસે છે — ત્યારે તો એય ચાવડીબાઈના મુવાડા ગામમાં સામસામી પડસાળોમાં બેન્ચો ગોઠવીને આરંભેલી. સાચી વાત છે ભણનારો તો ખાસડાં સાચવતાંય ધ્યાન રાખે તો ભણીને મોટો માણસ થાય છે. શેક્સપિયર પડદા ખેંચવાની નોકરી કરતાં કરતાં મોટો નાટકકાર બની ગયો તે વાત જગજાહેર છે. સાહેબો ત્યારે લીલી સોટી ને કાળી આંકણીથી ફટકારતા — એનો ડર લાગતો; તોય ભણતર ભય જગાવનારું કે ભારે બોજાવાળું નહોતું લાગતું. થાય છે કે શિક્ષણમાં બધું ‘નિયમો પ્રમાણે ભયાનક’ બનાવ્યા વિના કેટલુંક ‘પ્લેફૂલ’ હોવું—રાખવું જોઈએ. ત્યારે આટલાં વિધિવિધાનો કે પરીક્ષાનાં ભારણો નહોતાં… એય ભણવા—ન ભણવાની ત્યારે તો ભરપૂર મજા હતી. અગવડોમાં પાકું ઘડતર થતું. આજે જાણે સગવડો સુંવાળા કરી મૂકીને, છોકરાંને વધારે પડતી મોકળાશ આપી, વણસાડે છે એમ લાગે છે.

નિશાળનું એક કાયમી ચિત્ર મારા ચિત્તમાં અંકાઈ ગયું છે તે તો એના તરફની સૌની બેદરકારીનું ચિત્ર! નિશાળ ગામછેવાડે ઊભેલી બિચારી; બાપડી; કાયમની ઉપેક્ષિત! સુન્દરમ્‌ની ‘તેરસાતની લોકલ’ કવિતામાં જેવી દશા લોકલ રેલગાડીની વર્ણવી છે એવી જ દશા છે પ્રાથમિક શાળાની. હા, આજે પણ એ જ સ્થિતિ છે. સારાં મકાનો કોઈ સારા શિક્ષણની ખાતરી આપતાં નથી. ખરી વાત તો શિક્ષણ આપનારની છે. પેલા જમાનામાં ઓછી ડિગ્રીવાળો માસ્તર જે જ્ઞાન ને સમજણ આપતો હતો તે આજે ઊંચી પદવીવાળો શિક્ષક નથી આપતો એમ કહેવામાં સચ્ચાઈ છે. શારદામંદિરમાં હવે ‘સરસ્વતીની નહીં એટલી લક્ષ્મી’ની ઉપાસના કરનારાઓની ગરદી છે; ભાઈ!

અમારા પંચમહાલમાં (અને બીજે બધેય લગભગ) તો આજેય નિશાળ તો બિચારી-નમાલી-નિરાધાર વિધવા જેવી ઊભી હોય છે — ગામ- છેવાડે. મોટે ભાગે તો પડું પડું મકાન હોય. નવું મકાન હોય તોય છાપરું ઊડી ગયેલું કે નળિયાંતૂટેલું હોય. પાકું ધાબું હોય તો પાણી ઊતરી ઊતરીને તિરાડો પછી ગાબડાં પડવાની તૈયારીમાં હોય. બારીબારણાં એના શિક્ષકો જેવાં રંગબેરંગી કે ફટકી ગયેલા રંગોવાળાં — ઝાંખાં; ભાગ્યે જ વસાતાં; કિચૂડાટ કરતાં; પછડાતાં, નકૂચા વિનાનાં કે કાચ તૂટેલા હોય! ભોંયતળિયા ઊખડેલાં. વાડ કે દીવાલ તૂટેલાં. એની પછીતમાં લોકો ‘કળશ્યો ઢોળવા’ બેસતા હોય. પાસેના ચરામાં મરેલાં ઢોર ચિરાતાં હોય. નિશાળ સામેની ખુલ્લી જગામાં ગામની સ્ત્રીઓ તૂટેલાંફૂટેલાં માટીનાં વાસણો ને કચરોકૂડો નાખી જતી હોય… મોટા ગામમાં પાદરે શાળા હોય તો કચરા-કાદવમાં ભૂંડ આળોટતાં હોય. નવરા નખ્ખોદિયા ઓટલા તોડતા હોય! ગામથી દૂર સુંદર-સ્વચ્છ મકાન હોય તો ત્યાં ભાગ્યે જ કાંઈ બનતું હોય — ગતાનુગતિક માસ્તરોની મરજી મુજબ ચોપડે શાળા ચાલતી રહે છે ને ‘બીટ નિરીક્ષકો’ વાર્ષિક ઉઘરાણાં-ભેટસોગાદ પ્રમાણે રિપોર્ટ લખતા રહે છે — શહેરોની હાઈસ્કૂલો પણ આમાંથી બાકાત નથી! ક્યારેક થાય છે કે મારી પડસાળ-કોઢિયામાં ચાલતી નિશાળ વધારે સારી હતી!

ત્યારે તો રાષ્ટ્રીય તહેવારોમાં પ્રભાતફેરીઓ નીકળતી, સાંસ્કૃતિક કાર્યક્રમો થતા. બાળકોમાં દેશદાઝ જાગતી. ગ્રામસફાઈ થતી ને સૂત્રલેખન થતું. આજેય આવું નથી થતું એમ નહીં; પણ આજે આ બધું માત્ર ઔપચારિક રીતે — દેખાડા સારુ — થાય છે; ત્યારે એ ખરાં ભાવ-ભાવનાથી થતું ને સાચુકલું લાગતું. આજે તે વાતે વાતે સ્કૂલનાં બાળકોનો ‘ઓડિયન્સ’ તરીકે લોકો ઉપયોગ કરે છે! ફલાણા ચૂંટાયા ને ઢીંકણાનું બહુમાન છે — બોલાવી લાવો શાળાનાં છોકરાંને! પછી ખરાં વ્યાખ્યાનો વેળાએ બાળકો ભાગી જવા જ ટેવાય ને!

સાઠનાં વર્ષોમાં શિક્ષકને ખબર હતી કે ‘બાળકોને કેળવવાની જવાબદારી’ સૌથી મોટી વાત છે. પ્રામાણિકતા વિના એ થાય નહીં. ઉમાશંકરે કહેલું કે વિદ્યાર્થી તો ખેડેલાં ખેતરો જેવા છે. શિક્ષકને ખબર હોવી જોઈએ કે એમાં એણે શું વાવવાનું છે! જો એ ઊંચી જાતનું બિયારણ નહીં લાવે તો ભારે હાણ થશે. આજે શિક્ષકો પાસે જે ‘બિયારણ’ છે તે ચાલે એવું જ નથી! ને તોય એ તો બેજવાબદારીથી ધતૂરા ને બાવળ વાવતો રહે છે. સમાજને તો આંબા જોઈએ છે! પણ જવાબદારી કોણ લે? આમાં આવ્યો યંત્રયુગ ને વકર્યો છે ભૌતિકતાવાદ… હવે તો ‘મારે શું?… આપણા બાપનું શું જાય છે?’ એવું વિચારનારા વધ્યા છે. પણ આપણા બાપનું ભલે કંઈ ના જતું હોય, આપણી ભાવિ પેઢીઓનું ઘણું બગડે છે એ વિચાર્યા વિના હવે ઉગારો નથી!

આપણને આપણી ખરી નિશાળ જોઈએ છે… એ ભલે ગઈ કાલ કરતાં સાવ જુદી હોય! બાળક ઉપર કહેવાતા શિક્ષકોનો છાંયો ના પડવા દેવાની જિદ્દ કરીને કવિ રાજેન્દ્ર શુક્લની જેમ દીકરાઓને નિશાળે જ ના મૂકીએ એ નહીં ચાલે. કાલે સંતાનો પૂછશે કે સમાજમાં જે નોકરી-વ્યવસાય માટે અનિવાર્ય છે એ ઔપચારિક શિક્ષણથી અમને વંચિત રાખવાનો તમને કોણ અધિકાર આપ્યો હતો? નિશાળો તરફ એકલદોકલ માણસ પીઠ કરી દે તો એને ક્ષમા કરી શકાય, પણ આખો સમાજ ‘શિક્ષણ’ તરફ પીઠ કરી દે તો તો સર્વનાશ જ આવવાનો. આપણી પાસે ગ્રામવિદ્યાપીઠો ને આશ્રમશાળાઓનાં — સ્વાશ્રયી બનાવતી — બુનિયાદી કે વ્યાવસાયિક શાળાઓનાં ઉદાહરણો આશ્વાસનરૂપ છે. અફસોસ છે કે જાણેઅજાણે પોષાતા ભ્રષ્ટાચારે શિક્ષણને નહીંવત્ કરી નાખ્યું છે. નિશાળ એ લાગણીનો મુદ્દો બનવા સાથે ગૌરવની વાત બને એ એકવીસમી સદીનો તકાજો છે.

License

ભૂંસાતાં ગ્રામચિત્રો Copyright © by મણિલાલ હ. પટેલ. All Rights Reserved.

Share This Book