૨૪. પહેલો વરસાદ

પૂર્વોત્તર પંચમહાલના અમારા એ પહાડી પરગણામાં કાલિદાસના ‘મેઘદૂત’ને કોઈ જાણતું નથી, અરે! કાલિદાસ નામનો કોઈ મહાકવિ થઈ ગયો છે એ વાત આજે પણ મારી ગામની શાળાના શિક્ષકોની જાણ બહાર હોવાની મને ખાતરી છે. ‘જિંદગી થોડી ને જાણવું ઝાઝું, એ માટે અથડાવું પાછું!’ — આમ ગણીને મારા મલકના લોકો ‘અમે કશું જ જાણતા નથી — એ અમે જાણીએ છીએ’ની ફિલસૂફીના માર્ગેથી આજેય ચલિત થયા નથી.

ટેકરિયાળો મલક. પહાડોય ખરા. વહેળાં-વાંઘાં ને નદી-કોતરો પણ ખરાં. નદી તો મહી પાનમ. બેય સાબદી. ચોમાસામાં તોફાની ને બાકીના દિવસોમાં શાણી, ડાહી. ચોમાસા પૂર્વે જેઠ મહિનાથી ખેડૂતોની બધી પ્રજા ખેતી સારુ ખેડખાતર અને ખેતરવાડની સફાઈમાં ગળાબૂડ હોય. જેઠ-આણે આવેલી નવી વહુઆરુ અમદાવાદ કારખાને કમાવા ગયેલા બાળાવરની વાટ જોતી હોય ખરી, પણ છેવટે તો એય પીપળાનાં પાંદડે પડતાં પ્રથમ વર્ષાનાં છાંટણાં વેળાએ તો પિયર પરહરી જાય — ત્યાં કોઈ બાળભેરુને મળીને મન મનાવવા. આ કાંઈ અલકાનગરી થોડી છે! ને અમારા ગામડાને ઘેરી ઊભેલા પહાડો કાંઈ રામગિરિ પર્વતો થોડા છે! અહીં કોઈ કવિ કાલિદાસ નથી (કા’ભઈ વાળંદ છે, કાલિદાસ ગોર છે, કાળુ પટેલ છે. કાળિયો વણકર છે, સૌ કામમાં મશગૂલ છે) નથી ‘મેઘદૂત’નો કોઈ જાણકાર. પણ એથી કોઈની પાસે યક્ષયક્ષિણીનું હૃદય-મન નથી એમ રખે માની લેતા. અહીં પણ વાદળો ઘેરાય છે અને પ્રેમીઓમાં વીજળીસળાવા સોંસરા હડિયાપટ્ટી કરવા લાગે છે.

મારા ગામનો ખેડુ ખેતરમાં હળ હાંકતો જાય છે ને દૂર વહી જતી કોક ભતવારીને સંભળાવે છે :

‘વા રે વાયાં ને વાદળ ઊમટ્યાં
તમે છો રે જનમના ચોર
મળવા આવા સુન્દિર વર શામળિયા!’

તો વળી દૂરના ખેતરેથી બીજો ખેડુ એને હોકારો દેતો હોય એમ લલકારે છે :

વા વાદળ ને વીજલડી
આવી આષાઢી બીજલડી
વ્હાલા! આવો ને સૂની સેજલડી
મને ડારે ઝબૂકતી વીજલડી
હવે કરશો ના વ્હાલા ત્રીજલડી!

પણ આવા દિવસો હવે વેગળા ને વેગે વહી ગયા છે. પણ આષાઢ આવે છે ત્યારે ચારે તરફથી અમને ઘેરી લે છે ખરો, આજેય! એ આષાઢી આંધીઓ, એ સીમ-વગડાની વર્ષાઝડીઓ, વાકોરણ ને વીજ-કડાકાઓથી ઘેરાયેલો ઊભો છું. છાતીમાં ઝીણું ઝીણું દર્દ છે, આંખોમાં વ્યતીતની ભીનાશ ને મનમાં થોડોક ઉન્માદ. પહેલા વરસાદે મહેકી ઊઠતી આ માટીની સુગંધ… એની મધુરતા લઈ જાય છે દૂર દૂર…

જેઠના પાછલા દિવસો છે. પાટીદારો લગ્નસરાથી પરવારીને ખેતરોમાં ખાતર નાખવા ગાડાં ફેરવી રહ્યા છે. કોઈ ખેડ કરીને ધરુવાડિયું તૈયાર કરે છે તો કોઈ વાડ ઠીક કરવા થોરિયા રોપે છે. સ્ત્રીઓ ખેતર-શેઢા વાળે છે ને ખેતરોની મોચમમાંથી પથરા વીણે છે — નાનાં છોકરાં. ડોશીમાએ છીંકણીની વ્હાલી ડાબલી લૂગડાને છેડે બાંધીને ઘરકામ માથે લીધું છે. દાદા ઘરનાં નળિયાં ચાળવા ચઢ્યા છે. મા ગોરિયાં, કોઠી કોઠલા લીંપીને એમને ઠેકાણે ગોઠવી દેવામાં પડી છે. ભાભી છાણાં-લાકડાં પડસાળને માળે ખડકી ખડકીને ગોઠવી રહ્યાં છે. મોટાભાઈ કરા પાછળનો કઠિયારો નળિયાંથી ઢાંકી રહ્યા છે. બાપા બળદોના માટે ગુવાર, ખાણદાણ કે સૂકાં મહુડાંની તૈયારીમાંય પડેલા છે. લુહારવાડે જઈને પાંસિયાં, કોશ ટીપાઈ આવ્યા પછી સુથારવાડે જઈને હળ, ચવડાં, રાંપડી, ઘાંણિયો, સમાળ, ઓરણી, સરખા કરાવવા આંટાફેરા કરી રહ્યા છે. દાદા સાંજે ભીંડીના પરસંગ વણે છે. એ પરસંગમાંથી રાશ, દામણાં મેળવનારા મામા કે ફૂઆ આવી લાગ્યા છે. એમને માટે થઈને ઘરમાં કેરીના રસનો પ્રોગ્રામ બન્યો છે. મન ચોમાસા પહેલાં ચા-ખાંડ, ગોળ, દીવાસળી, સાબુ, સોડા ને કેરોસીન લેવા શહેરમાં — લુણાવાડા મોકલ્યો છે. અડધો મણ વજન ઉપાડીને મારે રત્ના ખાંટના ભારલાદેલા ઊંટ સાથે આઠ માઈલ ચાલતા ઘેર આવવાનું થાય છે. આ બધી આષાઢની તૈયારીઓ છે.

બેનને હમણાં જ આણે વળાવી છે તો વચેટ ભાઈની નવી વહુ સાસરે આવી છે. ઊંડા કૂવાનાં પાણી ભરીને એ ગ્રૅજ્યુએટ ભાભીના હાથમાં ફોલ્લા પડ્યા છે. તે મને બતાવે છે. મારે માથે વાડા વાળવાની જવાબદારી છે. બાપા અને બે જણ બાજરી-જુવારના પૂળા અને પરાળ ઘરના માળે ચઢાવી રહ્યા છે. સવારે વહેલાં ડોશી વાડામાં ઘાસ-કચરાના ઢગલા બાળી રહ્યાં છે. ઘર-પડસાળો લીંપાઈને અવેરી લેવાઈ છે. નવા ગાદલાં કબાટે પુરાઈ ગયા છે. ફળિયાને ખાટલે પાછી જૂની ગોદડીઓ વરસાદ વેઢવા બહાર નીકળી આવી છે.

રાજા આવવાનો હોય ને ગામની રૈયત તૈયારી કરવામાં મંડી પડે એમ મેઘરાજાની પધરામણી પૂર્વે મારું ઘર, મારું ગામ, મારો મલક તડામાર ગોઠવણીઓમાં ગરકી ગયાં છે. પરોણાએ પોરો ખાધો છે ને નવાં લૂગડાં મજૂસને તળિયે મુકાઈ ગયાં છે. નિશાળો પાછી એકડો- બગડો ઘૂંટવા લાગી છે.

આષાઢ આવતા પહેલાંની આ તૈયારીઓનો મારા મન ઉપર ઘણો ભાર રહે છે. પણ પછી બધું ચોખ્ખુંચણાક લાગે છે તે ગમે છે. આળસુ અમરાભૈનું આંગણું હજીય કચરાના ઢગલાઓવાળું છે ને ધીમા ગોકળકાકા હજી ગાડે ગાડે છાણિયું ખાતર ખેતરે લઈ જઈ રહ્યા છે.

સવારે વહેલો ઊઠી હું નદી-કોતરો તરફના બાવળોમાં જાઉં છું. વહેલી પરોઢની કોળમડી વળેલી તે ગુંદર વીણવા નીકળ્યો છું. આખી રાત વૃક્ષો ધુણાવતો વાયરો વાયો છે. સવારે નૈઋત્યમાંથી વાદળીઓની હારમાળા નીકળીને મહીસાગરના પિયર માળવા બાજુ જાય છે. આ ટાઢી વેળા તે કોળમડીની વેળા! આવી ઘડીએ બાવળનાં થડડાળે ગુંદરના રેલા જામી જાય છે. એ કથ્થાઈ પીળો કાચા સોના જેવો ગુંદર વીણતો વીણતો હું નદી સુધી પહોંચી ગયો છું. ટેટી-તરબૂચની વાડીઓ ઉલી ગઈ છી. રામલા ભેળીએ એની હોડીને રાળ કરવા પાણી બહાર કાઢી છે. આષાઢ આવે છેની ગંધે કીડીમકોડી પણ પોતાનાં ઈંડાંને બીજાં ત્રીજાં દર બદલાવવામાં મચી પડ્યાં છે. કોક સુવાવડી બાઈ ગોદડી-બાળતિયાં ધોવાની લ્હાયમાં છે.

એક બપોરે વાયરો પડી જાય છે, શરીરે પરસેવાનાં વાંઘાં વ્હેવા લાગે છે. દાદા કહે છે ‘વરસાદ કઠે છે.’ સાંજ પડતામાં તો નદીપાર ઈશાનિયા ખૂણામાં ધૂળિયા આંધીના મંડાણ જોઉં છું. બધાં બાકી કામ પતાવવામાં ધાંધાં થયાં છે. ધીમે ધીમે આંધી બેઉ દિશાઓને ઘેરતી નદીપારના કાનેસર ગામમાં ધૂળ ઉરાડતી ભળાય છે. અમે કૂવાને થાળે ઊભા ઊભા ધૂળના ગોટેગોટા જોઈએ છીએ, જોતજોતામાં ખેતરોની ધૂળને નદી-ભાઠાની રેતી લઈને આંધી ગામ-ઘરો ઉપર ફરી વળે છે. લશ્કરના સૈનિકોની જેમ ધૂળિયાં દળકટક ચોપાસેથી સૂસવે છે, એ રેતકાંકરી લમણે વાગે છે. ઘરોનાં નળિયાં, છાપરાં ઊડે છે, વૃક્ષોનાં ડાળ તૂટે છે. અમને ઘરમાં સરકી જવા બૂમો પડે છે. પણ સિસકારા લેતા ભૂત જેવો વાયરો જોતાં અમે સીમમાં આંબે કેરીઓ ગરતી હશે, ચાલો! એમ કરતાંકને વછૂટી જઈએ છીએ. ઓહોહો! અડધું ગામ આંબાઓમાં ટોપલાં ને થેલી-કોથળા લઈને આવી ગયું છે ને કાંઈ! હવે વાદળો દેખાયાં છે. પવન વધારે ગાંડો થયો છે. વાદળોની ગર્જના ડરાવી દે છે ને વીજળીના સળાવા તો હબક ખવરાવી દે છે. અમે વાવના થાળામાં લપાઈ જવા દોડીએ છીએ તો ત્યાં વાવમાં ભીખુ અને ભલી એકબીજાને બથોબથ બાઝીને કાંઈ બચીઓ કરે, કાંઈ બચીઓ કરે. અમે તો છક્ક! પગ ત્યાંથી ભાગી જવા ચસકતા નથી ને એક મોટા વીજકડાકા સાથે વરસાદ તૂટી પડે છે. લોક કેરી વીણીને ઘર ઢાળું થાય છે. અંધારાં ઊતરી આવે છે ને વરસાદ ધીમો પડે છે. જતા ઘોડાના ડાબલા ગાજે એમ દૂર જતી મેઘગર્જના હજી સંભળાય છે ને વીજળી તો ચમક્યા કરે છે — ઘર માથે. અમે પેલી કવિતા ‘ઝબકી ઝબકીને જરી વિશ્વને ઉજાળતી વીજળી વ્યોમમાં છુપાઈ જાય ક્યાં’ — બોલતા બોલતા બા — ના સાડલાની ગોદડીમાં ગોટમોટ થઈ જઈએ છીએ. આષાઢે અમને વટલાવી દીધા, અને ગોદમાં સમાવી લીધાનો ભાવ પ્રગટે છે. આખા ઉનાળાનો પરસેવો સીમથી ઘેર આવતાં આવતાં ઊભે રસ્તે વરસેલા આષાઢના પહેલા દિવસના પહેલા વરસાદે ધોઈ નાખ્યો છે. તન સાફ થઈ ગયું છે પણ મન અમારું વગડાની વાવમાંથી હજી બહાર આવતું નથી. અઢાર અઢાર આષાઢ વીત્યાની આ વેળાનું કષ્ટ ઓછું નથી. બાળપણમાં આષાઢી આંધીથી ડરતા. ધીમે ધીમે વગડાએ એ ડરને હરી લીધો. તોય પાછો બીજો ભય સામે ને સામે!

આષાઢી બીજની સવારે. ગઈકાલનાં આંધી વરસાદે ઊલટસૂલટ કરી નાંખેલું ગામ જોઈ રહું છું. ધૂળ દબાઈ ગઈ છે. નેળિયામાં પાણી રેલાએ નવા ચીલા પાડ્યા છે. પલળેલાં ઘાસ લથબથ છે, તડકો ફિક્કો લાગે છે. ઘરોનાં છાપરાં-નળિયાં ધોવાઈને ચમકી રહ્યાં છે, લીમડા-આંબા ડાળો તૂટતાં વિરૂપ લાગે છે. એકલી આમલીઓ નાહી-ધોઈને નિરાંતે ઊભી છે. જમીનમાંથી ઊની ઊની વરાળો નીકળવા લાગી છે.

ખેડૂતોએ હળોતરાં કર્યાં છે. બળદોને શીંગડે નાડાછડી ને કપાળે ચાંદલા! પાટીદાર ધોળી ટોપીમાં સજ્જ બિયારણનો ટોપલો લઈને, હાથમાં ગૉળની તાસક સાથે નીકળી પડ્યા છે. ધોરીડા ખેડ કરે છે. નવી વહુઆરુની આંગળીઓ જેવી તરફેણો ખેતરોમાં ફરી વળી છે. ટેકરીઓ ધોવાઈ ગઈ છે. પંચાયતનો રેડિયો ગીતો ગાય છે. શહેરની કૉલેજોમાં ભણવા જતા છોકરાને મા-બહેન પાદર સુધી મૂકવા જાય છે. કઢી રોટલાનાં ભાતાં થાય છે. ઢોર અઢાવાની બૂમ પડે છે. અમે ધોળી ટેકરીએ વીંછી પકડવા જઈએ છીએ. પથરા ઊંચા કરીને એ વીંછી નીકળે એને દોરાથી બાંધીએ છીએ. શીશીમાં ને દીવાસળીનાં ખોખાંમાં એને પૂરી દઈએ છીએ. પછી ખાબડાંઓનાં ગંદાં પાણીમાં એને તરાવીએ છીએ. અમારાં અચકચાળા કાંઈ ઓછા નથી! બધાં ખેતરે જાય ત્યારે ઘરમાં રાખેલા મગફળીના બિયારણ દાણા છાનામાના ગજવે ઘાલી ભાગી જઈએ છીએ ઘર પછીતે ખાવા.

બે-ત્રણ નહીં, સાત સાત વાકોરણ થાય પછી આષાઢી આંધી મંડાતી ને એ વરસાદ લાવતી. એની સજ્જા સવારી હજીય સાંભરે છે. આષાઢનો પહેલો વરસાદ ચૂપચાપ આવે તે ગમતું નથી. એની શાહી સવારી ધૂળને ઘોડે ને વાયરા સંગે, વાદળને સાફે ને વીજળીવેગે કડાકા- ભડાકા સાથે આવવી જોઈએ. એ જોવા મારે મારા ગામડે જવું છે. પણ હવે એ ક્યાં છે?

[આષાઢ, ૧૯૯૬]

License

ભૂંસાતાં ગ્રામચિત્રો Copyright © by મણિલાલ હ. પટેલ. All Rights Reserved.

Share This Book