૧૫. પતંગિયાં રમાડતી કેડીઓ

હું સડકોનો નહીં, નેળિયાંનો માણસ છું.

સડકો કરતાં મને વહાલી લાગે છે કેડીઓ. ફળિયામાંથી સીમ-વગડે જવા નીકળીએ ને શરૂ થઈ જાય નેળિયાં… પછી ખેતરો આવે એમ નેળિયાંમાંથી બહાર નીકળી જાય પગવાટ. આ પગવાટ સાથે અમને બાળપણાની પ્રીત.

અમને કેડીનો પરિચય પગ જેટલો જૂનો.

અમારી આગવી કેડી પર ચાલ્યાના કોડ અમને. ધોરીમારગનું અમને મૂળથી આકર્ષણ જ ઓછું. માની આંગળી પકડીને આ કેડીઓ જ અમને સીમ-વગડે લઈ ગઈ હતી. જીજાના અવસાન સાથે જ અમે કેડીઓના સહારે થઈ ગયેલાં. કેડી લઈ જતી અમને મોસાળમાં મા પાસે. કેડી લઈ જતી અમને મેળાના મલકમાં — ફોઈના ગામમાં. કેડીએ અમારી આંગળી નો’તી છોડી ને પગને શ્રદ્ધા હતી કેડીમાં. એટલે અમે શહેરમાં જઈ જઈને પાછા વળી જતા હતા — કેડીવાટે વતનઘેર!

‘વાટ જોવી’, હા! આ વાટ તે કેડી, અમે ખરેખર ખોડીબારે ઊભા રહીને વાટને તાક્યા કરતા… સીમનાં મોલ ભરેલાં ખેતરોમાં અદૃશ્ય થઈ જતી કેડી બીજા ગામે જતીનીકળતી. એ બીજા ગામેથી કેડી અમારા બાળાશંકર ગોરને રાખડીઓ સાથે લઈ આવતી. રાખડી બંધાવવા અમે ઘેલાં થતાં. રિવાજ એવો કે ગોર કે ફોઈ રાખડી લાવે. હળદર-કંકુમાં રૂ પલાળીને બનાવેલી એ રાખડી માટે અમે વરસાદી દિવસોમાં માટીની પેલ્લી પર ચડી ચડીને ઊંચાં થઈ થઈને વાટ જોતાં હતાં… કદીક ખેતરેથી વળતા દાદાની વાટ તો રોજેરોજ ચારના ભારા લઈ આવતી જીજીની વાટ જોતાં. હજીય જોઈએ છીએ કેડીને છોડી ગયેલાં ને પરાયાં થઈ ગયેલાં ભેરુઓની વાટ.

કેડીએ ઊભરાતાં કીડિયારાં. કેડી શેઢે શેઢે વળી જતી. કેડી પર ચાલતી ગોકળગાય, કનડી ને કેડી પર પડી રહેતી આંધળી ચાકણ. ધીમે ધીમે, ગામ ગામને જોડતી કેડીઓ સડકો થઈ ગઈ. સહજ સૃષ્ટિ જોખમાઈ. કેડીઓનાં માણસો સડકો ઉપર આવી ગયાં અચાનક. આ સારું થયું કે નઠારું? પ્રશ્ન થાય છે કે અસલનો ભોગ લીધા વિના વિકાસ શું શક્ય નથી? ખેતરોને ખાતું ખાતું ને કેડીઓને ભૂંસતું શહેર ગામડાંની પાસે ને પાસે આવતું જાય છે. ધ્રૂજી જવાય છે હજી! મનના મલકમાં તો અમારી કેડીઓનું જગત આજેય રમી રહ્યું છે. ઘર-વાડાની પછીતેથી ખોડીબારે નીકળીએ ને કેડીએ અડીએ. કેડીઓ નેળિયાંમાંથી નીકળી જાય. પાધરીક ખેતરે-ટેકરીએ-તળાવે-પડતરે ને પાછી વળે પાદરે…! નકશામાં દોરેલી નદીઓ જેવી; રેલવે-સડકોની લીટીઓ જેવી અમારી આ કેડીઓ! બાળપણથી જ અમને તો આ કેડીઓની માયા, કેડી, પગવાટ! પડતરમાંથી પસાર થતી કેડી લાગે માથાની સેંથી જેવી! ટેકરી ચઢી જતી — સર્પાકારે વહી જતી કેડી જોતાં પ્રિયકાન્તની કાવ્યપંક્તિઓ રણઝણે — ‘આ પર્વત- શિખર કાનજી ને કેડી ચડે તે રાધા રે!’ કેડીઓ લઈ જાય દૂર દૂરના ચરામાં, બીજે ગામ, નિશાળે; ભોઈવાડે લઈ જાય. શીંગોડાં ખાવા. કોતરો ઊતરતી ઢાળ ચઢતી ઈશાનિયા મલકની અમારી કેડીઓ પીળચટી-ધૂળિયા રંગની, કાંકરિયાળી સફેદ તગતગતી ઝરમા જેવી કેડીઓ. કેડીઓ મોકળી; કશી રોકટોક વિનાની એ પણ શિશુઓ જેવી… અલકમલકથી આવે ને અલકમલકમાં જાય!

‘નેળિયાંની ઊંચી વાડો નજરને રૂંધી રાખે. નેળિયું આપણને રોકી રાખે એનામાં; જ્યારે કેડી તો મોકળાશ રચી આપે. ઓઢણી લહેરાવતી વહુ-દીકરીઓ ખેતર-સીમે જતી હોય ત્યારે કેડી રોમાંચિત લાગે ને સીમાડો ભાવવિભોર ભળાય. ક્યારેક કોઈ રિસાયેલી છોકરી જેવી કેડી ચુપચાપ જતી હોય તો કોઈ વાર કેડીઓ બધી સાજ સજીને છમછમ ઝાંઝર રણકાવતી મેળામાં જવા નીકળી હોય એવી લાગે. સૌસૌના ખેતરે જવાની, ઘરવાડેથી નદી-કોતરે-ટેકરીએ જવાની કેડીઓ નોખી. કેડીઓને નામ નથી હોતાં, પણ એ જ્યાં લઈ જાય એ ખેતર-સીમ એની સાથે જોડાયેલાં હોય. વાટ તો એક વૃંદાવનની વાટ! — એમ, અમારેય કેટલીક વાર સાથે પ્રેમનો નાતો. ગામડે તો કેડી એટલે વાટ—પગવાટ! ઘણી વાર તો રોપેલાં-ઊગેલાં ખેતરોની વચ્ચેથી — વર્ષોના નિયમ પ્રમાણે ચાલી આવતી — વાટ પસાર થતી હોય છે. વાટ લોકો રોકતાં નથી — વાટને તો વહાલ કરે છે લોકો. કેમ કે આ આપણને બીજાં સુધી લઈ જાય છે. વાટ તો સો માઈલનો સેતુ!

ભોમિયા વિના ડુંગરાઓ ભમવા નીકળેલા કવિને પણ આવી કેડીઓની જ માયા હશે. ધોરીમાર્ગે તો બધા જાય. ચીલે ચીલે નહીં ચાલનારા ને એવી જૂની વાટો કે કેડીઓ ચાતરનારાં સ્ત્રીપુરુષો આવે છે ને જીવનનો ચહેરો બદલાય છે. નવી કેડી પાડનારા પગ પૂર્વે અનેક કેડીઓને પ્રમાણી ચૂક્યા હોય એ જરૂરી છે. કેડી પાડવી સહેલી નથી. અમારા પૂર્વજો વરસો સુધી પગલેપગલું દાબતા ચાલ્યાં હશે ત્યારે વારસામાં અમને કેડીઓ મળી હશે. આપણે એ કેડીઓને વધારે ઊજળી કરવાની હોય છે અને જરૂર પડેથી નવી કેડીઓ કંડારવાની હોય છે. કેડી તો જીવતરની વાટ છે.

ક્યારેક કવિની જેમ કેડીને વહાલ કરવાનું હોય છે; ગામછેવાડે ઊભેલી મેડીના ઝરૂખે ચિરપ્રતીક્ષા ઝૂરે છે ને સામે દૂર દૂર જતીઆવતી કેડી છે… એ કેડી ઉપર આવનારા અસવારની આપણને પ્રતીક્ષા હોય છે. ‘ઊંચી ઘોડી ને એનો ઊંચો અસવાર/એના મારગ મોટા કે કોલ મોટા?’ — મારગ/કેડીઓ ગમે તેટલાં મોટાં-લાંબાં હોય — ખરી કિંમત તો છે વેણની! કોલની! ‘કોલ’ મહત્ત્વનો છે. (અંગ્રેજીમાં પણ ‘call’ — કોલ : સાદ/કહેણ) વચન પાળનારો કદી કેડી ચૂકતો નથી.

ઘણી વાર કેડીને માણ્યા કરીએ એવું દૃશ્ય હોય છે. માધવ રામાનુજ કહે છે — જુઓ  : ‘સાવ ઉઘાડું આભ ને સામે ઝરણાં જેવી કેડી/કોઈએ કોરા શ્વાસમાં જાણે મહેકની મીઠપ રેડી!’ કેડી આપણને તેડી લેતી લાગે છે. ડુંગરે-ટેકરીએ-વળવળાંકે ચઢતી કેડી આપણને લલચાવે છે — રૂમાલ; લીલા-રાતા-પીળા રૂમાલ ફરફરાવતી સંતાકૂકડી રમતી એ કેડીઓ ગોપબાલિકાઓ જેવી; ગોપબાળો જેવી મસ્તીખોર લાગે છે. ક્યાંક ગાતી કેડીઓ. ક્યાંક પાવો સાંભળી સોરાતી કેડીઓ. ઢાળ ઊતરીને વનમાં ખોવાઈ જતી કેડીઓ. પિયર છોડાવી વાગડદેશમાં સાસરે લઈ જતી ને કદી પાછી નહીં વળતી કેડીઓ!

કેડીઓને માથે ક્યારેક વિસામા આવે છે. આંબારાયણના છાંયડા આવે છે. ઉનાળુ પરબો આવે છે. વીજળી-તારના થાંભલાઓને ચોમાસુ વેલીઓએ નખશિખ ઢાંકી લીધા હોય ને જડ થાંભલાને બદલે આપણે રોમાંચિત થઈ જઈએ એવાં દૃશ્યો આવે છે — કેડીઓ ક્યારેક એવા ખોડીબારા આગળ લઈ જઈને અટકાવી દે છે કે જે વીંધીને પેલા અજાણ્યા પરિસરમાં જવાતું નથી. પાછી વળતી કેડીઓ ઉતાવળી હોવાનો સૌનો અનુભવ છે, પણ કેટલીક કેડીઓ બસ એમ જ પડી હોય છે, ન રોમાંચ, ન વિષાદ! પણ અમે તો પતંગિયાં રમાડતી કેડીનાં સંતાનો છીએ. એટલે સ્તો! કેડીઓ મને હજીય બોલાવે છે — લોભાવે છે…

હું કેડીનો માણસ છું — વાટનો મુસાફર! મને શેઢા વહાલા છે — ફૂટપાથ નહીં! હું સીમનો; ખેતરોનો માણસ છું… હજીય મને એ મારાં ખેતરોમાં-સીમ-નદીએ, ડુંગર-તળાવે-પાદરે-પરગામડે લઈ જતી કેડીઓ બોલાવે છે… નેળિયાં પણ એમનો ઘૂંટાયેલો ઘેઘૂર સાદ પુરાવે છે… હું ક્યારે મળીશ મારી કેડીઓને? ન જાને…

[૧-૯-૯૮, મંગળવાર]

License

ભૂંસાતાં ગ્રામચિત્રો Copyright © by મણિલાલ હ. પટેલ. All Rights Reserved.

Share This Book