૮. ખળું

શહેરની શેરી અને ગામડાનું ફળિયું બંનેની પ્રકૃતિ જ જુદી. શહેરી સોસાયટીના સાંકડમાંકડ ઘરઆંગણામાં સ્કૂટર-મોટર-સાઇકલ જેવાં વાહનો મૂકેલાં ભળાય. ગામ-ફળિયે મોકળાશવાળી જગામાં ઘાસ-મેડી નીચે દૂધાળ ઢોર અને ખેતીના ધણી-ધોરી જેવા બળદ બેઠેલા હોય. ખાઈને નિરાંતે વાગોળતાં એ પશુઓ ખેતી-કૃષિ સંસ્કૃતિનાં પ્રતીકો — જીવતાંજાગતાં સાહેદીઓ. શહેરની શેરીના ચહેરા પર યંત્રો જડાયેલાં, આડાંઅવળાં મકાનો નિર્જીવ ભાસે, ધોળે દિવસેય બારણાં બંધ, લોક મૂંગુમંતર અને તરુછાયાને દેશવટો દઈને ઓઘરાળી ભીંતોના ચપટીક પડછાયે હાંફતાં કૂતરાં પડ્યાં હોય… ગામફળિયે લીમડાની છાયામાં ગાડાં છૂટેલાં હોય, એમાં રમતાં હોય ટાબરિયાં, ઘરબારણાં મોકળાં… ત્રિભેટાનો કૂવો જીવતો સંભળાય, ખેતરકામે જતાંવળતાં લોકની વાતો સાથે હાસ્ય-ઉમંગનો હેતાળ સ્વર લહેરાતો હોય…

ગામડામાં જેનું આંગણું મકતું અને સોઈવાળું, એનો મોભો પણ મોટો. એ ઘરઆંગણામાં વસતાં મનેખનાં મન પણ મોકળાં અને ઊમળકાભર્યાં… જગ્યાનો પણ પ્રભાવ પડતો હોય છે… ઘરઆંગણે કે વાડા ફરતાં વૃક્ષો મૂકેલાં હોય તો એની ઋતુઋતુની ગંધ-સુગંધ તથા છાયા-પડછાયાની પણ અસર રહેતી હશે.

આંગણાના મહિમા જેવો ઘરપછીતે વાડાનો મહિમા, બલકે ગામડાંના પાટીદારને વખતે આંગણાની સંકડાશ વેઠી લેવાય, પણ વાડો તો મોટો જોઈએ. આ વાડામાં એનું ખળું હોય, ખળું એની ખેતી અવેરવાનું મુખ્ય સ્થળ. ખેતરે પાકેલું ધનધાન્ય પહેલાં આ ઘરપછીતના ખળામાં ઠલવાય. ખળું ગામખેડૂતની છાતી જેવું ગણાય. અમારાં ગામડાંમાં ભાદરવો ઊતરે — શરદ ઋતુના દિવસો ઊઘડે અને લોકો ઘરપછીતે ખળું તૈયાર કરવામાં પડે. આમ તો ખળું તૈયાર જ હોય. ચોમાસામાં એમાં વખતે ઘાસ ઊગી આવ્યું હોય કે છોરાંછૈયાને શેકી ખાવા સારુ મકાઈ વાવી હોય તો એનાં રાડાં કાપી, ખરપા ઉખાડી અને તાવેથી ગભડીને ઘાસ નિર્મૂળ કરવાનું રહે. ઘરમાં ઘરડા માણસો સવાર-સાંજ બેસી રહેવાને બદલે ખળાની ભોંય તૈયાર કરે. શરદના નર્યા નીલાકાશમાં રૂના પોલ જેવાં વાદળો સરી જતાં હોય, સૂરજ સોનું વેરતો હોય, દિવસ કમળ જેવો ઊઘડ્યો હોય, સાંજ ગુલાલ પાથરતી હોય અને પોયણા જેવી ખીલેલી રાધાગૌરી જેવી ચાંદની રાત હોય… સીમ પાકથી લચી આવી હોય — ત્યારે ઘરના વાડામાં ખળું કરવાની તૈયારીઓ ચાલે. ખેતર-સીમમાં વાઢણાં સારુ લુહાર કોઢે દાતરડાં કકરાવવાની ભીડ જામે. ચોમાસે જમેલા લુહારની ધમણો ધમધમે અને કાનસો ચિં… ચિં… ચિતરુક… ચિં ચિં ચિતરુક એમ બોલવા લાગે.

પહેલવહેલું ખળું કરવાનું થાય ત્યારે એમાં તળાવતળિયાની ઉનાળે આણેલી કાળી માટી પાથરી દેવાની… ખળું મોટું ગોળાકાર હોય… કાળી માટી ઉપર પાણી છંટાય, પછી એના ઉપર ડાંગરની ઝીણી પરાળી ભભરાવી દેવાની… પછી પહોળાં પાટિયાંથી ખળું ટીપવાનું… વહેલી સવારે ઝાકળ-ભેજભર્યા વાતાવરણમાં ચારચાર બળદની હાર કરી એમાં ઢૂલું ફેરવવાનું…. ખળું ટોરાઈને તૈયાર થાય… પછી એને ઢળતી બપોર બાદ છાણમાટીથી લીંપી દેવાનું. ખળાના મધ્યમાં — વર્તુળના કેન્દ્રમાં — એક જાડી ઊંચી વળી રોપવાની. એને મેડ કહે છે. ‘આ મેડ માથે પહેલા વાઢણાની ડાંગર કંટીઓ પરાળ સાથે માથે મોડ મૂક્યો હોય એમ બાંધીને મૂરત કરવાનું — જેથી બરકત આવે.’ ખળું ઘરપછીતનાં નેવાંથી શરૂ થાય… ને વાડો વિશાળ હોય તો કૂંધવાંની હદ લગી હોય. ઘરપછીતની એક બાજુ નાવણિયો પથ્થર ને પાણી માટલાં, બાજુમાં ઘરવપરાશ સારુ ઉગાડેલાં વાલોળ-પાપડી અને ગિલોડાંના વેલાનાં કળિયાં; રીંગણી-મરચીના ક્યારા, દૂધી-કોળાના વેલા! બીજી તરફ ઢોરને સારુ ખાણદાણ માટેનાં ઢૂંઢારિયાં — ઘાસ-પૂળાનાં બાંધેલાં ચોરસિયાં — જેમાં ઘાસભૂકો અને પાતળાં અનાજનાં ડૂંડાં-ડોડીઓ — બાજરિયાં, દેવતાવાળું ગોરિયું — એને માથે ખાણદાણ તબડાવતું માટી ગોળાના કદનું ભાસરિયું… હવે તો એ પણ અૅલ્યુમિનિયમનાં થઈ ગયાં છે.

આટલા સરંજામ પછી ખળાની હદમાં ધનધાન્ય લાવવા-લેવાની સોઈવાળો મક્તા શરૂ થાય. ખળાની બીજી કોરે ઘાસનાં કૂંધવાં — ઓગલા કરવા સારુ મોકળી જગ્યા. એ પછી ઘર સિવાયની ત્રણે કોરે — વાડ… વાડેવાડે વૃક્ષવેલાનાં જાળાં… ક્યાંક પડોશી ઘર હોય કે એમના ખળાવાડાની હદ. ખળું અને વાડો આમ ઘરપછીતનો મોભો-મહિમા ગણાય. વાઢણાંની ઋતુ સાથે તૈયાર થયૈલા આ ખળામાં અમારો મુકામ ખાટલો, ખુરશી કે કોથળા, ગોદડીઓ નાખીને બધાં સાંજ-સવારે બેસે, આરામ કરે. છોકરાં રમે. નિશાળિયાં વાંચે — પાઠ ગોખે. કવિ ઉમાશંકર જોશીની ‘છ ઋતુઓ’ (‘વસંતવર્ષા’માં) કવિતા નવા થયેલા ખળાની મેડને અઢેલીને મુખપાઠ કર્યાનું પાકું સ્મરણ છે.

ખળામાં ડાંગરનાં ગાડાં ઠલવાયાં હોય, પાકેલી ડાંગરની મધુર સુગંધમાં ઘાસિયા ગંધ મળીને ઘ્રાણેન્દ્રિયને નવો જ અનુભવ કરાવતી હોય ત્યારે ખળાની ધારે ખાટલામાં વાળેલી ગોદડીને ટેકે બેઠા બેઠા દાદા હોકો પીતા હોય — એ દૃશ્ય આજેય અકબંધ સચવાયું છે. ધીમે ધીમે શરદનો ચન્દ્ર ઘરનો મોભા વીંધી ઊંચે ચઢતો દેખાય. દરેક ઘરના વાડામાં ખળેખળે ડાંગર મસળવા બળદોનાં ઢૂલાં ફરતાં હોય. બળદોને ઢૂલે ગોળગોળ હાંકવાના. પ્રેમાળ અવાજો અને ઘરમાં રંધાતાં કઢી-રોટલા કે ખીચડી-ચટણીની મીઠી સુગંધો. સૌ વારાફરતે ખાતાં જાય ને ખળામાં કામ કરતાં થાય.

ખળાનાં બે દૃશ્યો ભૂલ્યાં ના ભુલાય એવાં છે  : ઢૂલાં છૂટે પછી સૌ પરાળ કાઢે — ખંખેરીને એની ગોળગોળ ખળે ફરતી કાલર કરે… કળું આખું સોનાવરણી ડાંગરથી તગતગી ઊઠે. પરાળ વાડામાં સુકવાય અને એનાં કૂંધવાં મંડાય. ખળામાં છૂટી પડેલી ડાંગર ઢગલો થાય, સાંજે મજબૂત પછેડીની ફડક બાંધી બે જણ પવન સારુ ફડક હાંકે. અમે ઉપણિયાં ભરી આપીએ અને મોટાભાઈ ઊપણે… ડાંગરનો ઢગ મોટો ને મોટો થતો જાય… પછી માપિયા ટોપલા ભરીને ડાંગર અધમધરાતે મોટી કોઠીમાં ભરી દેવાય. પાકેલાં ક્યારી-ખેતર ખળે આવ્યાં, ખળેથી કોઠીએ ગયાં… ત્યાંથી પછી પાછાં એ ધાન પેટની કોઠીમાં કે વેપારી વાણિયાની વખારમાં! વર્ષોવર્ષ — ઋતુઋતુનો આવો ક્રમ!

બ્રાહ્મણથી માંડીને અઢારે વર્ણ આ ઋતુમાં ‘ખળુ માગવા’ આવે. દાદા નવી ડાંગર-મકાઈ સૌને ખોબેખોબે આપે અને આશિષ પામે… ખેડુ જગનો તાત. બધાં એની સામે હાથ ધરે અને ખોળો પાથરે ખળામાં — ખેતરમાં. ખળું કદી ખાલી પડે જ નહીં… એક ધાન લેવાય અને બીજાં ધાનનાં ગાડાં ઠલવાય. ઋતુઋતુનાં ધાન જુદાં… એને લેવાની રીતભાત જુદી. ખળાનું બીજું દૃશ્ય તે શરદના ચોખ્ખા દિવસોમાં ખળે પડેલા મકાઈ- દોડાનું. મકાઈદોડા ફોલાઈને ખળામાં સુકવાય. ચારે છેડે ખળું ફાટફાટ ભરાઈ જાય. લીલા ગોળ દોડામાં ચાલીએ, પડીએ, દોડામાં દાણાની હારો ગણીએ. જુદા જુદા રંગના દાણાની લીલા જોઈએ. હોડ રમીએ, શરતો બકીએ, દોડા ફેંદાય એટલે માર પડે તો તે ખાઈએ. એક સાંજે દોડામેડ ફરતે ઢગલો થાય. ખળા ફરતે લાકડાં રોપી કડાકાટલા ને મોદ બંધાય. નવ વાગતાં મોટા ડેંગા સાથે મકાઈ કૂટનારા આવે. દોડામાંથી દાણા છૂટા પાડવા આજે થ્રેસર આવી ગયાં. ત્યારે નાટકના ખેલની જેમ પડદા બંધાતા ને ‘હોવ્વે રામ, હોવ્વે રામ’ના લયબદ્ધ સામસામા પડકારા સાથે ઘડીના છઠ્ઠા ભાગમાં મકાઈ કુટાઈ જતી. અમે પણ ગાડાનાં ચ્યાડાં લઈને કૂટવા લાગતા. ચાંદની જેવી ચોખ્ખી મકાઈ રાતે જ ઉપણાઈને કોઠીમાં પધરાવી દેવાય. સવારે અમારે મોદો છોડવાની. છળિયામાં રહી ગયેલા દાણા ઉખેડવાના ને ખળા ફરતે ઊડેલા દાણા વીણવાના. એટલા બધા દાણા કે જાણે પારિજાતનાં ફૂલ ના વરસ્યાં હોય! વાડકાઓમાં અમે એ વીણીએ, ઘરનાં અમને એના વળતર પેટે આના-બે-આના મેળે વાપરવા આપવાનો વાયદો આપે!

ખળામાં ટાઢી રાતોમાં ઢૂલાં હાંક્યાં છે, પરાળ કાઢ્યાં છે. ફડકો ચલાવી છે… અજવાળી અંધારી રાતોમાં ખળાનાં બદલાતાં રૂપરંગ જોયાં છે. ખળું કદી ખાલી પડતું નથી. મગફળીના ભોર, ઘઉંની પૂળીઓ, ચણાની મોટો — મોસમ પ્રમાણે આવ્યે ઠલવાય અને અવેરાઈ જાય, વગે પડાય. કદીક ખાલી ખળામાં છોકરાં લંગડી રમે, ઊભી ખો રમે… શિયાળાની સવારે તાજો તડકો, ખળામાં બેસીને લેસન કરતાં કરતાં ખાવાનો અનુભવ છે. આખું ઘર ખળામાં રસાણે ચઢે. શાક સુધારવાં. લસણ-ડુંગળી ફોલવાં — તેય ખળામાં. ખળું ઘરચોપાડની જેમ વપરાતું રહે.

ઉનાળે પરોણાના ખાટલા ખળે પથરાય. લગ્નવરા, ફુલેકાંનાં જમણની પંગતો ખળામાં પડે. નવરી પડેલી વહુ-ડોસીઓ ખળામાં બેસી વાતો કરે. ખળાની ધારે છાણાં થપાય, એની મોડવારીઓ મંડાય. દળવા-ખાંડવાનાં અનાજ સુકવાય. કેરી-આંબળિયાં તડકે નખાય તેય ખળામાં. સાફસૂફી વખતે ઘરવખરી ખળે ગોઠવાય — જાણે જિપ્સીઓના ડેરા પડ્યા હોય! ખળે ગાલ્લાં ને ઘોડિયાં… ખળું ખેડૂતનું રાજપાટ! એ જ એનું ચૌટું અને એ જ એની ચોપાટ… એના જીવતરની વાટ આ ખળા ફરતી ફર્યા કરે ગોળગોળ. એમાં જ એનાં મૂલ અને મોલ. ખળું જ ખેડૂતની રાશિ-ત્રિરાશિ અને બારમાસી. ક્ષણેક્ષણને કણકણમાં બદલનાર કણ-બી, પાટીદાર, પટેલ, ખેડૂત એ ખળાનો જીવ અને ખળાનો વાસી!

[૧૯૯૬]

License

ભૂંસાતાં ગ્રામચિત્રો Copyright © by મણિલાલ હ. પટેલ. All Rights Reserved.

Share This Book