૧૩. ધરુવાડિયું

જેઠના આકરા તડકા તપતા હોય, ધૂળિયા વંટોળ ખુલ્લાં ખેતરોમાં રમણે ચડતા હોય, બધી દિશાઓ પીતાંબરી ભાસતી હોય, દિવસાંતે મેલાં લૂગડાં જેવી સાંજ ઢળતી હોય અને હરાયાં ઢોર સિવાય સીમવગડો પણ સન્નાટે સૂનાં હોય ત્યારે અચાનક દાદા બાપાને કહેતા સંભળાય કે ‘હવે સવારમાં વાદળી કોળમડીઓ વળવા માંડી છે. ડાંગરનું ધરુવાડિયું તૈયાર કરવા માંડો…’

કધોવણ પડી ગયેલા માદરપાટનું ઢીંચણિયું થેપાડું. ઉપર ઊતરી જવા આવેલું એકાદ બાંય-ચાળે ફાટી લીરા લબડાવતું કેડિયું પહેરીને સવાર સવારમાં બાપા ખેતરે જવા નીકળે, ખભે પાવડો લઈને ખાખી બીડી ફૂંકતાં ફૂંકતાં એ મોટાભાઈને સૂચના આપે — ‘ઉકરડેથી ઉપર ઉપરનું કોરુંમોરું, સારું સારું ખાતર ગાડું ભરીને તમે લઈ આવો વાવની ક્યારીમાં.’ પગમાં પટ્ટીને બદલે દોરડી બાંધેલાં સ્લીપરિયાં ઘાલીને એ ફટાક ફટાક કરતા ચાલ્યા જાય — ઘડીવાર પ્રેમાનંદનો સુદામો યાદ આવી જાય.

બધાં વગરકહ્યે સમજી જાય કે ધરુવાડિયાની તૈયારીઓ આરંભાઈ છે… છાણિયું ખાતર ભરવા ગાડું ઉકરડે મંડાય, બળદોને મગફળીના પાલાના ટોપલા નિરાય… ઘરમાં બેન કંસારનાં આંધણ મૂકતી હોય અને બા માટીની મોટી ચોરસી — કોઠીમાં ઊતરીને ડાંગરનો સૂડલો ભરી બહાર કાઢતી હોય… દાદા એ ડાંગરને ખળામાં જરાક તડકે ચઢાવે. બપોરી વેળાએ બા એ ડાંગરમાં ભળી ગયેલા મુછાળા વરીઓ (ડાંગરની રાતી જાત)ના દાણા વીણી કાઢે… મણ જેટલી ડાંગરનો સૂડલો ધરુવાડિયાના બિયારણ સારુ ત્રીજા ભેંત્યામાં મુકાઈ જાય. એ સોનાવરણી મૂઠીફાટ ડાંગર જોઈને જીવને એના તાજા પૌંઆ ખાવાના અભરખા જાગે. અમે બે-ચાર દાણા લઈને દાંત વચ્ચે દબાવીને ફોતરી ઉખાડી ચાખીએ ત્યારે દાદા કહે, ‘બિયારણ ખવાય નહીં, ભૈ! પેટમાં ઊગે…’ પાછા મનોમન બબડે — ‘આમ તો આય સુદામાના તાંદુલ જ છે ને! ભગવાને એમની માયાથી એનાં વળતર વાળ્યાં, તો કણબી એને ધરતી વાવીને હજારગણું પકવે પછી જગતને મોઢે ધરે… એને જગતનો તાત અમથો નથી કહ્યો…’

ક્યારી ખેડાય, બેવાર ઊભીઆડી ખેડ મૂકીને હળથી ક્યારીને બહરવામાં આવે… પછી એમાં છાણિયા ખાતરને ઝીણું ઝીણું ભાંગીને વાળી દેવાનું… ફરીથી હળ મુકાય… પછી ખુલ્લી ખેડમાં વાવનાં પાણી કલકલતાં ફરી વળે… ક્યારીનો ચહેરો ભીની માટીથી બદલાઈ જાય, પછી એ ક્યારીનું નામ પડી જાય ધરુવાડિયું! અમારાં ખેતરોમાં આવાં એક-બે ધરુવાડિયું નક્કી હોય… આંતરે વર્ષે એમાં ધરુ નંખાય. લોક એને ‘ધરુવાડિયું’ પણ કહે. બે દિવસે વરાપ થતાં ધરુવાડિયું ખેડાય… એમાં કાંઈ ઘાસ લોચા કે ખાંપા-ખરપા હોય તો વિણાઈ જાય… માટી વવરાતી જાય એમ ખેડો થતી જાય. ધરુવાડિયાની માટી સુંવાળા કંસાર જેવી થઈ જાય… પછી દાદા પેલો સૂંડલો લઈને ડાંગર વાવવા જાય, મોટાભાઈ વવાઈ ગયેલા ધરુવાડિયાને ખેડે… સમાળ દેવાય પછી બાપા સાથે અમે એમાં પાળા બાંધીએ પાવડાથી. નાના નાના ક્યારાઓ વચ્ચે પાળીઓ અને બેઉ શેઢે પાણી મૂકવાની નીકો. સાંજે પાણી મુકાઈ જાય. ક્યારે ક્યારે લાકડાં રોપી ઉપર લૂગડાંના કકડા ભરાવીએ જેથી ચકલાં દાણા વીણી ન ખાય… ચાર-પાંચ દિવસમાં તો ધરુવાડિયું ઊગી નીકળે… માતાના જવારા જેવા અંકુરો જોતજોતામાં મોટા થાય ને ધરુવાડિયું લીલછાઈ જાય.

સીમમાં આવાં ઘણાં ધરુવાડિયાં ઊછરી રહ્યાં હોય. બા વહેલી સવારે ધરુ નીંદવા આવે. ચીડો તથા નકામું ઘાસ નીંદી કાઢે. બપોરી વેળા દાદા હરાઈ-રખડતી ગાયો વાળવા ધરુવાડિયાના શેઢે આંબા નીચે ઢોયણી નાખીને પડ્યા હોય. હાથમાં ચકરડી હોય, ખભે શણનાં ફેલાં… એ પાન કાઢતા જાય ને ચકરડીમાં ભીંડી વીંટતા જાય… કોઈકે ધરુવાડિયાની પડખે ઝાડડાળ અને ઘાસપરાળનો ખોયલો (ઝાકળિયું) ઘાલ્યો હોય… સાંજે હરાયાં ઢોર વાળવાની જવાબદારી અમારી. ધરુના કૂણા કુમાશવાળા છોડ એવા તો મલકાતા હોય, પવનમાં લળીલળીને રાજી થતા હોય કે કોઈની નજર લાગી જાય… એટલે બા ધરુવાડિયાની મોસમમાં લાકડું રોપી એના ઉપર ફૂટલું હાંલ્લું ઊંધું પાડી રાખે. દાદા કોઈનાં તૂટલાં પગરખાં ચાડિયાની જેમ ટીંગાડી રાખે. હા, ધરુવાડિયું તો કુંવારકા જેવું ગણાય. એનાં રખોપાં તો રાતદિવસનાં… આઠે પહોરનાં. જેઠના આકરા તાપમાં કોમળ ધરુને સાચવીને અષાઢ ભેળું કરવાનું. આ ધરુવાડિયું તે બાર માસના ચોખા અને ઘરખર્ચ માટેનું વેચાણ! આ ધરુથી મોટા મોટા ક્યારા રોપવાના ને ડાંગર પકવવાની… આનો જ આધાર… એને કુંવારકાબેનની જેમ ઉછેરવાનું… ખારેકકોપરાં ખાઈને બેન ગૌરીવ્રત કરે… પરઘેર જવા એની કાયા બંધાય, કઠણાય, વ્રતની વાતે વાતે બેનદીકરી સભાન થાય. લાજમજાની સમજે અને જીવ તથા જાતને તૈયાર કરે… એણેય આ ધરુવાડિયાની જેમ કોકના ખાલી ખોબા ને મોટા કૂબા ભર્યાભાદર્યા કરવાના છે… કહોને જીવતરના ખાલી પડેલા ક્યારડા રોપવાના છે ને પકવવાના છે સોનાવરણા મૉલ… મોંઘામૂલના મૉલ! મનખાવતારના મૉલ…

અષાઢી બીજ આવે, આભે વાદળાં ઊમટે ને વીજ ચમકાવે. સમી સાંજના મેઘ મંડાય ને આષાઢી દિવસો ભીંજાય… ધરુવાડિયાં કલકલી ઊઠે… ગૌરીવ્રતના દિવસોમાં ઘરેઘરે જવારા ઊછરે અને સીમમાં ક્યારે ક્યારે ધરુ… જવારા ભારે વરસાદ સાથે વિદાય લ્યે… ક્યારી ભરાઈ-છલકાઈ જાય… ખેડૂતો ઘાંણિયા મૂકીને ભર્યા ક્યારા ડહોળે-ખેડે… પાછી રોપણી માટે દાડિયાં આવે… દાદા ઘીનો દીવો, અગરબત્તી અને શ્રીફળ લઈને ધરુવાડિયે પહોંચી જાય… કુંવારકાબેન દીવો કરે ને ટોળું શ્રીફળ વધેરે… સૌને કોપરાની શેષ અને ગોળ ખાવા મળે! બેનના હાથે ધરુવાડિયાના ઉગમણા ક્યારામાંથી પહેલો રોપ-છોડ ઊખડે… બસ શુકન થયાં… પછી બા-ભાઈ-ભાભી-બાપા બધાં ધરુ ઉપાડવા મંડી પડે… અમે દૂરની સીમમાં ક્યારડા રોપતાં દાડિયાંને ધરુની નાનીનાની ઝૂડીઓ પહોંચાડીએ… ધરુવાડિયામાં ધરુ ઉપાડનારાંને ચા-નાસ્તો મોકલીએ… ધરુ પાણીભર્યા ક્યારામાંથી જ ઊપડે… બહુ કાળજીથી એને ઉપાડવું પડે… એનું મૂળ ટૂંપાય નહીં કે એની કૂણી કેડ ભાંગે નહીં… એમ, નાજુક રીતે એને ઉપાડવાનું… પાણીમાં બેસીને ઉપાડવાનું… ઘણાં લગ્નવેળાનો વણવપરાશમાં પડેલો બાજોઠ મંગાવે ને એના ઉપર બેસીને ધરુ ઉપાડે… હાસ્તો! નહીંતર પાણીમાં કાછડી કોહી જાય… દસ દસ દિવસ સુધી આ ધરુ ઉપાડવાનાં ને રોપવાના સૂડીલાં ચાલે…

ધરુવાડિયું નહીં ઉછેરનારને ડાંગર રોપ્યા વિના લમણે હાથ દેવાના આવે… જેમ કન્યાવાળું ઘર શોભે એમ કણબીની ભોંય ધરુવાડિયાથી દીપી ઊઠે — દાદા ભાતભાતની કહેવતો કહે. ધરુવાડિયું નહીં ઉછેરનારને એ ‘નવરો બેઠો નખ્ખોદ વાળે’ એમ કહી નવાજે… ઉપરથી ઉમેરે કે ‘અક્કરમીનો પડિયો કાંણો…’ પણ પોતાના ધરુવાડિયામાંથી એને એકા નાનુંમોટું ક્યારડું રોપાય એટલું ધરુ દાદા ઉપાડવા દે… ઘણા તો ધરુ વેચાતું આપે. દાદાને એ ન ગમે. કહે ‘જેમ કન્યાના (બેન-દીકરીના) પૈસા લેનારું પાપમાં પડે એમ ધરુના પૈસા લેનારાનુંય નખ્ખોદ જાય છે… ધરુ તો માલિકની મરજી છે. વધ્યું તો ભલે ધરતીમાતાના ચહેરે મઢાતું!’ ધરુવાડિયાનો છેલ્લો ક્યારો ઊપડે — એની ઝૂડીઓ શેઢે હોય… ધરુવાડિયું બીજાઓને બધું આપી દઈને પોતે સાવ ખાલી થઈ ગયું હોય છે… પછી એમાં ખેડ મુકાય… પાણી ઉમેરાય ને પેલી એની જ ઝૂડીઓથી પાછું ધરુવાડિયું રોપાઈ જાય… પછી ધરુવાડિયું પાછું ડાંગરનો ક્યારડો બની જાય… બીજાઓને આપવામાં રાજી રહેનારું ધરુવાડિયું છેવટે ખાલી નથી રહેતું… એય ભર્યુંભર્યું થઈ રહે છે… ધરુવાડિયું ગામડિયા માણસોની નિશાળ બની રહે છે જાણે! એ કેટકેટલા પાઠ ભણાવેગણાવે છે આપણને!

ધરુવાડિયું તો જગા છે — ક્યારો છે. જેમાં ધરુ — નાના નાના રોપા ઉછેરે છે — જે માફકસરના થાય એટલે ઉપાડીને બીજે રોપવામાં આવે છે. જાતવાન ઝાડની કલમ કરવામાં આવે છે. ધરુ પણ જાતવાન બિયારણથી ગુણવત્તાવાળી પેદાશ આપનારું અક્ષયપાત્ર છે, ધરતીનું! ધરુવાડિયું ઉછેરવું અઘરું છે. બધાં ધાન વવાતાં-ઓરતાં નથી. કેટલાંક આમ ધરુથી વધારે સારાં ફળ આપે છે. મોસમો પ્રમાણે ધરુવાડિયાંને ખાતરપાણી દેવાનાં… તડકાટાઢથી રક્ષવાનાં… નાજુક વસ ઉછેરવા વધારે કાળજી રાખવાની. રાવજીએ એટલે સ્તો એની કવિતામાં લખેલું કે ‘મને તમાકુના છોડની જેમ કાળજીથી કોણ ઉછેરશે!?’

તમાકુ, મરચી, રીંગણી, ડુંગળીનાંય ધરુવાડિયાં હોય છે — ને એ ઘણાં કાઠાંકપરાં હોય છે… આપણે તો ‘કર્મશીલ’ યુગમાં આવી લાગ્યા છીએ… ભૌતિકતાવાદે આપણને ગણતરીબાજ ને પાકા બનાવી દીધા છે… લોકો ધરુવાડિયામાંથી હવે ‘નર્સરી’માં આવી લાગ્યા છે… ફૂલછોડ… ફળઝાડના રોપા વેચાય! કળિયુગમાં પાણી-દૂધ-તેલ-ઘી પડીકે વેચાતું હોય ત્યાં ધરુ કે રોપા મફતમાં ક્યાંથી મળે? વખતના ખેલ છે બધા! પન્નાલાલ પટેલમાં આવે છે — ‘સમો અને વખતની વારતા’! આ જીવતર એવી જ વારતા છે…

પણ હજી ગામડાં સાબદાં છે… મારે ગામ હજી ધરુવાડિયાં ઉછેેરે છે ને વગરપૈસે ધરુ અપાય છે…

[જૂન, ૧૯૯૫]

License

ભૂંસાતાં ગ્રામચિત્રો Copyright © by મણિલાલ હ. પટેલ. All Rights Reserved.

Share This Book