૧૮. ફુલેકું

‘લીલી-શી ટોપી ને ભરત ભરેલી
ટોપી મેલી ને વીરે ફૂલેક્ડે સજાયા
ફુલેકોનાં લોકે પૂછ્યું
  : વરરાજા ટોપી ચ્યાં રે ઑરેલી?’
એમના માંમો રે સાહેબસૂબો, રાજાને મહેલે બેઠા; ઑરેલી!’

અમારા બાવન પાટીદાર સમાજમાં બેસતા વૈશાખથી આવાં ગાણાં ને જાતભાતનાં ફટાણાં સાંભળવા મળે. આ ગાણું તો ફુલેકાનું ગાણું છે. બેનો ગાય છે કે ભાઈને માથે લીલા રંગની ટોપી છે. એમાં રેશમી ભરત જોઈને ફુલેકામાં લોકો મુગ્ધ થઈને પૂછે છે — ‘ટોપી કોણે ખરીદી? ક્યાંથી ખરીદી?’ જવાબ સ્વાભાવિક જ વટ પાડવાનો હોય — ‘ઊંચે લોગ, ઊંચી પસંદ!’ વરના મામા રાજાના મહેલમાં સૂબેદાર છે… એમણે શહેરમાંથી ટોપી ખરીદી છે. લગ્નમાં વરરાજાનો બધો ઠાઠમાઠ મામાએ મામેરામાં લાવવાનો રિવાજ હતો ત્યારનું આ ગીત છે… આજેય ગવાય છે ખરું. પણ વરજાજાને માથે ટોપી કે સાફો કશુંય હોતું નથી! ‘ઉઘાડે માથે શુભ અવસરે જઈએ તો અપશુકન થાય’ એમ માનનારી પેઢી હવે પૂરી થઈ ગઈ છે. હવે તો દેશી વરરાજાય સૂટેડબૂટેડ દેખાય છે. નકલમાં અક્કલ નથી હોતી તે આનું નામ. ગામડાંમાં દોડમલ કહે છે — ‘આ તો ભૈ, માને પડતી મેલીને માશીને વળગ્યા…!’ અસલને અળગું કરીને નકલમાં પેઠા.

ફુલેકું એટલે વરઘોડો.

અમારે ત્યાં તો વરરાજાને ફૂલેકે ફેરવવા ઘોડો લાવવાની ન્યાતની બંધી છે. મોટો સમાજ, સામટાં લગન હોય તો એટલા ઘોડા ક્યાંથી લાવવાના? ને ઘોડાવાળો મરિયલ ટટ્ટુનાંય મોંમાંગ્યા દામ લ્યે, એ બધાંને ના પોસાય માટે બંધી… બૅન્ડવાજાની બંધી, મોટો મંડપ સજાવવાનીય બંધી ને વરકન્યા માટે મંડપમાં ખુરશીઓ મૂકવાનીય બંધી… હવે વીડિયો ઉતારવાની બંધી આવી રહી છે… ને આ બધી ‘બંધીઓ’ સામે નવી પેઢી માથું ઊંચકી લડી રહી છે. મિટિંગો થાય છે ને મામલો ચગડોળે ચઢે છે! ન્યાતમાં આગેવાનો ને એમના નવી પેઢીના મળતિયા જરાય નમતું મૂકવા રાજી નથી. સમય કરવટ બદલી રહ્યો છે.

પણ આપણે ફુલેકાની મજા લઈએ. વરઘોડો જોવા નીકળીએ તો આજેય મોટે ભાગે ઘોડા વગરનો વર ગાડીમાં બેઠેલો કે ચાલતો-મહાલતો નજરે પડે છે. ઘોડા વગરના વરઘોડાને ‘વરઘોડો’ કહેવાને બદલે ‘ફુલેકું’ કહેવાનો અમારા બાપદાદાનો વિચાર મને બુદ્ધિયુક્ત લાગ્યો છે.

આ ફુલેકાં-વરઘોડાની એવી તો શી વાતો હશે કે લોચક હજીય એમાં રાચે છે, નાચે છે ને નચાવે છે. પરણનારનો ઉમંગ તો સમજી શકાય, પણ આ આસપાસનાંને અંદરનો કયો સણકો ટટ્ટાર ને ટટ્ટાર રાખે છે? મૂળ વાત જ વૃત્તિની છે… ‘બેગાની શાદીમાં અબ્દુલ્લા દીવાના’ કે ‘રાજાના ત્યાં વિવાહ ને કોળિયાં કૂદાકૂદ!’ જેવી કહેવતો ઘણું ઘણું કહી જાય છે. કુંવારાને બીજાના ફુલેકામાં વધારે ઉમંગ હોવાનાં પોતાનાં કારણો હોય છે. કન્યાઓ જોવાની, સગાઈ થઈ હોય તો પોતાની વાગ્દત્તાને નીરખવાનો લ્હાવો મળે… ખાસતો પોતાની જાતને આ ઊછળતા-ઊભરાતા પરિવેશમાં બધાંની સામે વટ્ટથી રજૂ કરવાની મફતમાં સગવડ મળે છે. એવાએ પાન ખાય ને સિગારેટ પીવે… હસીમજાક કરે અને વરની આસપાસ ફર્યા કરે. છોકરીઓનો ઉમંગ પણ આવી ભૂમિકાએ જ હોય ચે… ને એટલે મોજમસ્તીનું વાતાવરણ રચાય છે. ફુલેકું અમારા સમાજનો જાણે વસંતોત્સવ લાગે છે… હા, ફુલેકું પૂરા દમામથી નીકળે… ગૅસબત્તીઓ સળગતી હોય. ત્રણચાર વાળંદો ચારે બાજુ મશાલ સળગાવીને ચાલતા હોય. એકસાથે પાંચ પાંચ કે એથીય વધુ વરરાજાઓ એકસામટા ફુલેકે નીકળ્યા હોય, એમને માથે રંગ રંગના સાફાો બંધાયા હોય, એમાં મોરકલગી ને ઝબૂક ઝબૂક થતો દીવોય હોય. એક હાથમાં તલવાર… ખભેથી લટકાવેલી કમર પર ઝૂલતી કટારી હોય, ખભે ખેસ લટકાવ્યો હોય, મોઢામાં પાન ને હાથમાં રૂમાલ… આંખે કાજળ. કપાળે કંકુચાંલ્લો… કદરૂપો હોય એય રાજકુંવર લાગે જાણે! પાછા વરરાજા ફુલેકામાં ચાલે નહીં, મિત્રોના ને મામાના ખભે બેઠા હોય… સામટાં ઢોલનગારાં, થાળી, દગૂડી ને શરણાઈ વાગતાં હોય… જુવાનિયા ને ઘરડેરા ધોળી બીડીઓ ફૂંકતા હોય. ભલભલાને થઈ જાય કે એક વાર ફુલેકે ફરવા મળે તોય જીવ્યું સાર્થક થઈ જાય! કન્યા ના મળે ત્યારે એવા કમભાગી જીવના વડીલો વગવસીલાવાળા મોવડીને કરગરતા-વીનવતા હોય છે કે — ‘લાકડાનીય કન્યા ચાલશે…’ હાસ્તો, છોકરાનું મન રીઝે… ફુલેકે ફરવા મળે ને પીઠી ચડે. ચૉરીનો ધુમાડો અડે! પછી ભલેને કન્યા છૂટાછેડા માગી લે! બારેમાસ છોકરાના વડીલો કન્યાઓ શોધતા હોય… કેટલાક આગેવાનોને તો આ બારમારી કામ… કોઈને માંડેલી તો કોઈને છાંડેલી, લાકડે માંકડું વળગાડી દેવામાંય માનપાન મળે ને ખાનગીમં ગજવાં ગરમ થાય… એકનું ભાંગવું ને બીજાનું જોડાવું… નાતરિયા ન્યાતમાં ભાંજગડિયા ભૂખે નથી મરતા! ને ભણેલા હજી આબરૂ તથા સમાજનાં માનપાન કે રીતરિવાજોમાંથી ઊંચા નથી આવતા! પોતાનો ભોગ લેવાયો છે એમ ભાગ્યે જ સમજનારા ઊંચા નથી આવતા! પોતાનો ભોગ લેવાયો છે એમ ભાગ્યે જ સમાજનારા પોતાનાં હોનહાર સંતાનોનો આ સમાજની વેદી ઉપર ભોગ આપવામાં ગૌરવ સમજે ને પોતાની જાતને ‘વધારે સામાજિક’ ઠેરવે છે. ‘સબકો સન્મતિ દે ભગવાન’ — એટલું જ કહેવાનું રહે છે મારે.

અમારા વરરાજા કાંઈ એક જ દિવસ ફુલેકે નથી ફરતા. લગ્ન પૂર્વે પાંચછ દિવસ એમને ‘ગણેશ બેસાડવામાં’ આવે છે… ત્યારથી એ ‘વરરાજા’ના પાઠમાં હોય, હાથે મીંઢળ ને કેડમાં કટારી વિના તો નીકળે નહીં. સવારસાંજ કુટુંબીઓ વારાફરતે ‘ફુલેકું ઝીલે’… કંસાર રાંધી વરરાજાને તથા એના કુટુંબને જમવા તેડે… આમ આખા કુટુંબમાં ચાલે… વરરાજાને જમવા તેડવા આવે, શેરી ચંપાવવા લઈ જાય, માતા કે મહાદેવે દર્શને લઈ જાય… દરેક વખતે એ બનીઠનીને નીકળે, આગળપાછળ સફેદ ધોતિયાના ચાર છેડા પકડીને વરરાજાને માથે (તડકો ના હોય તોય) છાંયો કરનારા સાગરીતો હાજરાહજૂર હોય ને બેનો ગાતી હોય :

‘આંણી શેરીએ સોખલા વેરાંય રે ઝરમરિયું…
આ તો કાંનાભૈના વીરો રે ઝરમરિયું…’

*

‘વરને લીંબુડી ભાત્યોનાં ધોતિયાં…
વરના બાપાને હરખ ના માય રે બાળો વરઘોડે ચડ્યો…’

*

‘આંણી શેરડીએ તે શેનાં રે ઝમકાર, વાજાં વાગિયાં રે…
આ તો કંકુબુનના દીકરો પૈણે એનાં રે ઝમકાર, વાજાં વાગિયાં રે…’

ફુલેકું નાના ગામમાં બે દિવસ ફરે ને પછી પરંપરા હોય તો પાડોશના ગામમાંય એકાદ દિવસ જાય… ક્યારેક તો એ ગામમાં જ વરરાજાની સાસરી હોય. પૈણનારી કન્યાય શરમાતી શરમાતી પોતાના વરનું ફુલેકું મ્હાલતી હોય!

ફુલેકું ફળિયે ફળિયે બેસે. ગોળધાણા વહેંચાય. ચાપાણી, બીડીસિગારેટ ને મુખવાસની તાસકો ફરે… સૌને જલસો થાય. એક જમાનામાં વડીલો દાણલીલા ને રાસલીલાના દોહા રજૂ કરતા… ને વચ્ચે વાળંદ ‘રૂડો’ ‘એઈ રૂડો’ કહીને હાકલા દેતો… મારા કાકાને મેં દાણલીલા રજૂ કરતા સાંભળ્યા-જોયા છે. મોટિયારો ઢોલીડાને ત્રિભેટે કે ખુલ્લા ફળિયા/વાડામાં ધારાનો ઢોલ વગાડવા પ્રેરે છે… ધારાનો ઢોલ વાગતાં યુવતીઓ-વહુવારુ ને કન્યાઓ ઢોલના તાલે ધારો રમવા લાગે છે, પહેલાં ધીમે પછી ઝડપથી. નવાંનક્કોર કપડાં હોય ને ધૂળ-પરસેવામાં રગદોળાતાં હોય… પણ હેલ્લારે ચઢેલી ને પલટણોને ઢોલના તાલમાં બીજું કાંઈ દેખાતું નથી! પછી તો યુવાનો પણ ધારો રમવા લાગે… કોણ થાકે?–ની શરતો પડે… રાત વહેતી રહે ને ફુલેકું બેઠું રહે… ફળિયે ફળિયે ધારાની રમઝટ બોલાવાતી હોય ત્યારે ફુલેકું ખરો વસંતોત્સવ બની જાય છે… કૈં કેટલાંયનાં તનમન આ છેલબટાઉ મોજમસ્તીમાં હળીમળી જાય છે… ને જોનારા – ‘દેખણહારા દાઝે જો ને!’ – જીવ બળતા રહી જાય છે. ‘માંહી પડ્યા તે મહાસુખ માણે’–નો બીજો અર્થ મને તરત પામવા મળે છે. ધારો રમવામાં ભણેલાંગણેલાંય હોય. મજાની વાત છે… એમાં પ્રોફેસરો, દાક્તરો ને ઇજનેરીનું ભણનારાંય હોય… હું મને પૂછું છું — ‘કોણ કહે છે માણસ ભણીને સુધરી જાય છે?’ ને મને મારી બાજુમાં બેઠેલા મોવડી જરા વટથી પૂછે છે — ‘જોયું ને કવિસાહેબ! લોક તો અમથું કહે છે કે છોકરાં ભણીહણીને બગડી જાય છે! આ બધાંય અમારું પીવડાવેલું પાણી પીવે છે… ને દાક્તરો ને ઇજનેરો બધાંય ફૂલેકે ફરવા ને છોરાં પૈણાવવા અહીં જ આવે છે! બોલો…’ હું એમને કશો જવાબ આપી શકતો નથી. ફુલેકામાં બેઠેલી ભાભીઓ પોતાની ગામ-જેઠાણીને ગાણાં ભેળી ફટાણાં સંભળાવે છે  :

‘મેં તો જોઈ જોઈ તેડોની વાટ્યો કે તેડું ના મોકલ્યું રે,
પેલી રૂખીનો પાક્યો છે હોઠ કે તેડું ના મોકલ્યું…’

*

‘અમને કોયે ના ક’યું આવો બેસો સાહેલડી સગમગે…
અમે રેવાભૈના બોલે પાછાં વળ્યાં સાહેલડી સગમગે…’

દરમિયાન ધારો રમતાં તરસી ગયેલી યુવતીઓ પાછી આવતાં જ ગાણું ઉપાડે છે  :

‘કાશી કોરો ઘડો ભરી લાવ્ય તરસે મરીએ રે…
તારા ભૈઓને ઓઝાવાડે વેચ તરસે મરીએ રે…’

બાકી રહી જતું હોય એમ વરરાજાને ખભે બેસાડીને જુવાનિયા ધારાના ઢોલના તાલે છેલ્લો ઉપાડો લે છે… વરરાજાઓને ખભે લઈને નાચે છે… ત્યારે તો વરરાજા માંડ બારચૌદ વર્ષના! આજે મોટા હોય તોય તેડનારા તો મળી રહે છે. વરરાજાના બે હાથમાં બે ટૉર્ચ હોય. એમના હાથ નચાવનારે પહોળા પકડ્યા હોય… આમ છ-છ-બાર-બાર વરરાજાનાં ફુલેકાં નાચતાં રહે છે… આ સ્તો ઉત્સવનીવેળા છે! બાર બાર માસ ખેતરોમાં મજૂરી કૂટી છે. તો આવ્યા અવસરે મોજમજા ના લૂંટે તો જીવને સોરવાય કેમ!

પાટીદારોનાં ફુલેકાં ભારે ધમાકાવાળાં… લુહાર-રાજપૂતનાં જરા ટાઢાં… નાયકાઓ તો આખી રાત ગપૂલીનાચ નાચ્યા કરે. પટેલોને ત્યાં ફુલેકાં પહેલાંય સાંજીનાં ગીતો ગવાતાં હોય —

‘એક ભર જોબનિયામાં બેઠા ઓ વીરા,
દાદાએ હસીને બોલાવીઆ…’
એક કાળી તે કન્યા ના જોશો ઓ દાદા!
કાળી તો કટમ લજાવશે…’

      ઘડીએક વ્હેલો પરણેશ ઘડીએક મોડા પરણેશ
તારી અભણ કન્યાને રાયવર નહીં પરણે…
ટોડલે ટહુકે છે મોર માંડવે નાચે છે ઢેલ
ઝટાઝટ રે મૂળજીભૈ કાગદ મોકલે…’

કૈં-કેટલાંય ગીતો… ગોળધાણા ને પતાસાં! ફુલેકાં ફરી જાય, લગ્ન ઊજવાઈ જાય… વરકન્યા થાળે પડી જાય. એ પછીય ઘણા દિવસો સુધી ફુલેકાંની ઢોલશરણાઈ તથા ગાનારીઓનાં ગાણાં કાનોમાં પડઘા પાડતાં રહે છે… મેંય મારી ભીતરભોંયમાં એ ઇલાકો ઢાંકીઢબૂરી સાચવી રાખ્યો છે.

[જૂન, ૧૯૯૫]

License

ભૂંસાતાં ગ્રામચિત્રો Copyright © by મણિલાલ હ. પટેલ. All Rights Reserved.

Share This Book