વીસમી સદીનો શાપ — તે તો આપણને ઘર-વતન-સીમ-ખેતર-માટીનાં મનેખથી વિખૂટાં પાડી દેવાનો શાપ! વીસમી સદીના ઉત્તરાર્ધમાં આપણે ત્યાં ઝડપથી ‘શહેરો’ ગામડાં સુધી પહોંચી ગયાં છે. જોતજોતામાં — નવમા-દસમા દાયકાઓમાં તો તીવ્ર ગતિએ — ગામડાંની સિકલ ફરી ગઈ છે. વિકાસ-પ્રગતિ એક વાત છે અને વર્ણસંકરતા સાથે વિકૃતિઓ બીજી વાત છે, પણ સંક્રાંતિકાળમાં આવું તો ના બને તો જ નવાઈ! હું તૂટતાં ગામડાંને અને ભૂંસાતાં અસલ ગ્રામચિત્રોને બહુ સભાનપણે વર્ષોથી જીવતો-અનુભવતો રહ્યો છું. સાચું કહું તો એ જ મારી પીડા છે, ને એ પીડા ઠરીને સંવેદનાનું રૂપ પામી ત્યારે ત્યારે આ ચિત્રો લખતાં જવાનું બન્યું છે. ડૂસકાં રૂંધાઈને નીતરેલી પીડાનું રૂપ પામે છે ને ઠરેલી-આછરેલી પીડા એક વિશિષ્ટ સંવેદનાનું રૂપ ધારે છે. ભીતરમાં ભેખડો તૂટે એ ઝીલવાનું અઘરું હોય છે. બધું સમથળ તો ક્યારેય નથી થતું… ને એ જ તો જીવન છે! આ સંવેદનાને કશા શણગારો કર્યા વિના — જેવી અનુભવી તેવી — આલેખવા ચાહી હતી; ને ઘણે અંશે એમ થઈ શક્યું છે. મારું નિબંધલેખન આ સ્મૃતિચિત્રો આગળ જુદો મોડ ધારે છે; એની સ્વાભાવિક વેદનાએ અનેક ભાવકોને ઝકઝોર્યા છે; એવા ભાવકોમાં વિદ્વાનો છે, સાહિત્યકારો છે ને અદનાં મનેખ પણ છે. એમના સૌના પ્રતિભાવોએ આ સ્મૃતિચિત્રોમાં નવું બળ પૂર્યું છે.
આ ગ્રામચિત્રો આજેય અને ભીતરથી ભીનો ભીનો અને ભર્યોભાદર્યો રાખે છે. ગામડું — ‘સમગ્ર ગામડું’ મારી નિસબત છે — અહીં મારો શબ્દ એને ઝીલીને તમારા સુધી લાવ્યો છે… તમે તમારા વતન-પરિસરમાં પાછા મુકાઈ જાવ છો એ આ લેખનની મોટી ઉપલબ્ધિ છે.
‘ભૂંસાતા ગ્રામચિત્રો’ વિશે ‘વનાંચલ’ના સર્જકે પૂરી સમસંવેદનાથી લખ્યું છે; તો અનેકોના પ્રતિભાવોના પ્રતિનિધિત્વ રૂપે ધીરેન્દ્ર મહેતાએ આનંદ અને ઉષ્માથી લખ્યું છે. કવિશ્રી જયંત પાઠક મારા સ્વજન છે ને ધીરેન્દ્રભાઈ પ્રિયજન સમા… એવા જ સહૃદયી મિત્રો જગદીપ સ્માર્ત અને હરિકૃષ્ણ પાઠક છે. એમણે ચિત્રાંકનો-રેખાંકનોથી પ્રેમપૂર્વક પુસ્તકને વધારે આસ્વાદ્ય કરી આપ્યું છે. આ સૌ માટે પ્રેમાદરભર્યો આનંદ વ્યક્ત કરું છું.
‘અખંડ-આનંદ’માં આ ચિત્રો ક્રમશઃ પ્રગટ થતાં હતાં ત્યારે અનેકોનો ભાવાર્દ્ર પ્રતિસાદ મળતો હતો. ‘કુમાર’, ‘નવનીત-સમર્પણ’માં પણ કેટલાંક ગ્રામચિત્રો પ્રગટ થયાં હતાં. આ સૌ સામયિકોના તંત્રી-સંપાદકોનો આભાર માનું છું.
એકવીસમી સદીના પરોઢે આ ગ્રામચિત્રો પ્રગટ થાય છે અને વીતેલી સદીના ગ્રામજીવનને તાદૃશ કરી આપે છે. આ ક્ષણે નથી રહ્યું એ વતનઘર તથા વિગત સ્વજનો સાંભરી આવે છે… ભારે હૈયે આ પુસ્તક એમને જ સમર્પું છું.
— મણિલાલ હ. પટેલ
લાભ પાંચમ : ૨૦૫૬
જી-૨, વૈદેહી એપાર્ટમેન્ટ,
બાકરોલ રોડ,
વલ્લભવિદ્યાનગર ૩૮૮૧૨૦
ફોન : (૦૨૬૯૨) ૩૨૬૦૬