૧૯

મંગલફેરા વખતે કાશીએ સાળીપણું દાખવ્યું. બીજા ફેરે બાએ સત્યને વીંટી દાનમાં આપી હતી તે એને મોટી પડી હતી. મંગલફેરા હજી પત્યા નહોતા. જેવો સત્ય ઊંભો રહ્યો એવી જ કાશીએ પેલી વીંટીને ચાલાકીથી સેરવી લીધી અને દિયરને બનેવીને સ્ટીલની વીંટી પહેરાવી દીધી.

કલવા વખતે ઓસરીમાં સ્રીઓ ગાતી હતી :

‘કાચો પાપડ ઘીમાં તળીઓ તોયે પાપડ કાચો રે.’

ત્યારે જ એને ભાન થયું કે પોતે હવે સૂર્યાનો પતિ બની ગયો છે. આ બધું સ્વપ્નવત્ બની ગયું.

બધું પતી ગયું. થાળે પડી ગયું. ના, થાળે પડી જશે એમ માનીને બધાંયે પતાવી દીધું.

ત્રીજે દિવસે રમેશે મોટાભાઈને ખુશ કરવાનો મિથ્યા પ્રયત્ન છોડી દીધો. એણે બાપુજીને વાતવાતમાં સંભળાવી પણ દીધું :

‘માણસના મન સાથે ખેલ ના ખેલાય. એમને ગમે એવું કરવું હતું ને!’

રમેશ પત્નીને લઈને પાછો નડિયાદ ચાલ્યો ગયો.

મામા ગયા, ફોઈ ગયાં.

ચોથે દિવસે કંઈક ખાધું પણ બોલ્યો નહીં. એના મુનીવરતને ગાળો દેતાં સૂર્યાવહુ પણ પિયર ચાલ્યાં ગયાં. પાંચમે દિવસે અષાઢસ્ય પ્રથમ દિવસે ઘેરાયાં હતાં એવાં અરે, એથીય વધારે વાદળ ઘેરાયાં. તે દિવસે યક્ષની અલકા નગરી આજના જેટલી દૂર નહોતી. તોય આજે વાદળ વધારે ઘેરાયાં. સત્ય ઊઠતો બેસતો – કંઈક ખાતો – ઘરમાં જતો આવતો પણ પાંચ દિવસ પહેલાં હતો એવો નહીં, લલિતાના હૃદયઆકાશમાં વીંઝાતી વીજળીઓ જેવો આમતેમ અટવાતો હતો.

હળલાકડાં રઘવાયાં થઈને સીમ ભણી છૂટી પડયાં હતાં. ઈશાનિયા પવનો સાથે આમડવા બાવડાંનું બળ બતાવીને વર્ષભરની પતરાળી કમાઈ લેવાનો આ સમય હતો.

વૃદ્ધે હોકાની તબલથી છૂટાછેડા લીધા હતા, ડોશીએ છીંકણીની દાબડીને સાલ્લાના છેડે બાંધી હતી. છોકરે ખિસ્સામાં સેકેલા ચણા-ગોળ અને રોટલાના કટકા ભર્યા હતા. વહુ વૃક્ષ નીચે તાપણીના અગ્નિને સજીવન રાખવાનો પ્રયાસ કરતી હતી. તરફેણો નવવધૂની આંગળીઓ જેવી ખેતરમાં ફરવા લાગી. ત્યારે આ નવપીઠો જુવાન મોં પર અષાડી વાદળને ચોપડીને ભીની માટીની સોઢમને પકડવા આમતેમ વંધ્ય દૃષ્ટિને વીંઝતો હતો.

એક સાંજે માએ એને ઢંઢોળ્યો :

‘બેટા, તારી આ વેંટી તો પહેરી લે. આંગળીએ નતી આવતી તે એ લોકો એ બદલી આલી છે. ને ભઈ, આ લોઢાની વેંટી કાઢી નાખ્ય.’

પુત્રે કંઈ ઉત્તર આપ્યો નહીં એટલે તે પાછી કાલાવાલા કરવા લાગી :

‘ભઈ, નહણક તને આ શું થયું છે? પેલી એના પિયેરિયાંને આ કહેશે તો તારું – આપણું ભૂંડુ દેખાશે. બેટા તને ભૂખેય નથી લાગી? થોડીક ખીચડી વઘારેલી છે. ખૈશ? તારી બકરીએ પણ આજ તો ધમાલ કરી મેલી છે, પાંણી પીવા મેલ્યું તેમાંય મોઢું ના નાંખ્યું. પાંચ છ દહાડાથી કાનજી મેલી ગયો છે પણ એય મૂઈ નેંગર નેંગર કરે છે. તું બેટા થોડુંક ખા. સૂર્યા કેટલું બધું રડીને ગઈ! મને પગે પડીને કરગરી પડી બચારી કે હું તમારા છોકરાને મારા હૃદયમાં રાખીને જઉં છું. બચારી….’

સત્ય ત્યાંથી ઊઠી ગયો.

વાડામાંથી જ્યારે એ પસાર થયો ત્યારે રમતીએ ખીલેથી છૂટવા કૂદાકૂદ કરવા માંડી. સત્યને નવદશ દિવસથી એણે દીઠો નહોતો, એની પૂંછડીને સત્યે ખીજવવા ખેંચી નહોતી, એના વાળમાં સત્યનો હાથ ફર્યો નહોતો, સત્યને પગે લાડથી પોતે ગોથું માર્યું નહોતું. પરંતુ આ તો હૃદયહીનની જેમ ચાલ્યો ગયો. રમતીના અવાજનો કશો પ્રતિ ઉત્તર ન મળ્યો. રમતી, એ ગયો એ તરફ ખિન્ન મનુષ્યની જેમ જોઈ રહી. તે ખડકી ભણી એને વળી જતો જોઈને પાછા આંચકા મારવા શરૂ કર્યા.

બારમાસી આંબા નીચે સડકના માઈલસ્ટોન પર જઈને એ બેઠો. નજીક વાડમાંથી સૂકા થોર ખેંચી કાઢતો રમતુડો કોળી ગાતો હતો :

‘જેંણી જેંણી મોરલીઓ વાગે છે

મારી આંખે ચોમાહું જાગે છે.

ઓ રમતુડા! સેંહો દારૂ પીવાનો વખત અવે આયો છે!’

સત્યે નિશાળ તરફ દૃષ્ટિ કરી. ક્યાંય સુધી આમ ને આમ તે બેસી રહેત પણ કોઈ એની પીઠ પસવારતું લાગ્યું. એ બેઠો થઈ ગયો.

રમતી!

શરીરનું બધુંયબળ એણે મુક્કીમાં એકત્ર કર્યું. રમતી પોતાની પ્રાણીસહજ લાગણીને વ્યક્ત કરે તે પહેલાં જ એ બેંએ…બેંએ…કરતી નીચે પડી. એની મરણતોલ તમ્મર નિ:સહાય અવાજમાં ઘુમરાતી ઘુમરાતી નિ:સીમ આકાશની અષાઢી ઘેરાશને અડકતી ડચકતી સત્યની નિર્જલ આંખોમાં સોય જેવી ભોંકાઈ ગઈ. થોડી વાર સુધી ઘુઘરીઓની હૃદય-દ્રાવક ચીસ આઘીપાછી થઈને પછી તો ક્ષિતિજો ઓળંગી ચૂકેલા એના બેઉ ડોળામાં રહી ગઈ માત્ર અચેતન રિક્તતા! સુકા થોરિયાને રસ્તા પર નાખતોક રમતુડો દોડી આવ્યો. અને બકરીના પગથી ફેંકાયેલી ભીની માટીની નાનકડી પાળ જોઈ રહેલા સત્યને એણે હચમચાવ્યો.

‘સતિ ભઈ, આ બચ્ચારીને તમે–આ શું કર્યું?’

‘જા અહીંથી કોળા.’

ને સત્ય રમતીના શરીર પાસે ઢગલાઈ ગયો.

પવનના સુસવાટાથી નિશાળની ખુલ્લી રહી ગયેલી બારીની ઉઘાડવાસ માત્ર શ્રુતિગોચર થતી હતી. બાકીનું બધુંય સત્યની આંખો નીચે ડુમાતા જીવમાં–છાતીના એક ઓરડામાં ભરાઈ બેઠું હતું–બહાર નીકળવાને બહાને.

License

અશ્રુઘર Copyright © by રમણ છો. પટેલ. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.