દૂરથી ઘોડાગાડી જોતાં સત્યના મનમાં અનેક તર્ક-વિતર્ક આવી ગયા. એમાં લાલ સાડી પહેરેલી કોક સ્ત્રી પણ છે એ જોતાં જ એ પોતાની સાથે શરત લગાવી બેઠો :

‘બોલ લાગી? મારે ઘરેથી જ કોક આવે છે.’

શિયાળુ તડકા આડેથી કોઈ પડછાયો ખેસવી લેતું એને લાગ્યું. અમદાવાદથી પોતાને મામા અહીં મૂકી ગયા ત્યાર પછી બાપુજી અને મા એકાદ-બે વખત જ આવી ગયાં. આ આંબા નીચે બાપુજી માને કહેતા હતા : હવે તો એને સારું છે!

એમને લાગણીની જીભ જ ક્યાં છે? પેલા જન્નુના કાકા દર વખતે આવે છે; આવે છે ત્યારે ઘી અને મગજ લેતા આવે છે. છે ને ઘોડા જેવો!

મધ્યાહ્નનું એકાંત જોઈને સ્રીવૉર્ડમાંથી કૂતરાંને હાંકતીહાંકતી પેલી નલિની બગીચામાં પેઠી. ભૂરીને જ્યારથી જથ્થાબંધ ગલુડિયાં આવ્યાં છે ત્યારથી નલિનીને એના પર ઝેર ચડે છે. એ બગીચામાં સાવધાનીથી પેઠી. એને ગુલાબની કળીઓ ચૂંટવાની આદત છે. આખો દિવસ વાળમાં ફૂલ ખોસીખોસીને બન્ને વૉર્ડમાં ડૉક્ટરની અદાથી રાઉન્ડ માર્યા કરવા, વિરોધીઓ તરફ જોઈ બેફિકર હસવું–ચાળા પાડવા; ક્યારેક પોતાના અપ્રિય લ્હેકામાં ‘દિલ અભી ભરા નહીં’ ગાયા કરવું; આમ કરવામાં જો કોઈ વિક્ષેપ કરે તો એનાં માબાપ વિષે અરુચિકર અભિપ્રાય આપી દેવો. આ જ એનું કામ હતું, અશ્વની ઓચિંતી હેષા સાંભળી ઝટપટ આ વિચિત્રા બગીચામાંથી બહાર આવી.

સત્ય જોતો હતો : આઘું ઓઢેલી–પણ મા ઓઢે છે એટલું બધું નહીં એવી કોઈ યુવતી–સાડી ન પહેરી હોય તો છોકરી જ જોઈ લો. એવી એ ઘોડાગાડીમાંથી ઊતરી. દેખાવે તે શિક્ષિત જણાઈ. એની સાથેનો એના વડીલ જેવો લાગતો પુરુષ ઘોડાગાડીમાંના દર્દીને નીચે ઉતારવા લાગ્યો હતો. પેલી યુવતીને મૂંઝાતી જોઈ સત્ય ત્યાં જઈ પહોચ્યો.

મરવાને વાંકે દર્દીને અહીં લાવવામાં આવ્યો હતો. દુર્ગંધના પોટલામાં કંઈ ઝાઝું વજન ન હતું.

દરવાજામાં નલિની ખોબામાં કળીઓ લઈને આગંતુકો ભણી કરડાકીથી કે એવા અ-કશા ભાવથી જોઈ રહી હતી.

બીજાઓની પેઠે આ પણ પોતાને ફૂલ કળી લેવાની મના તો નહિ કરે ને! પેલી યુવતી નાક સાફ કરીને અંદર પ્રવેશવા જ જતી હતી ત્યાં—

‘તમે પણ અહીં જ રહેવાના છો?’

એણે એને દરવાજા વચ્ચે રોકી.

‘હા.’ તે ખમચાઈ.

‘તમને વાળમાં ફૂલ નાખવાં ગમે છે?’

એણે સ્હેજ વાંકા વળી નીચેના પગથિયાં ઉપર ઊભેલી પેલી યુવતીના અંબોડાની સાદાઈ જોઈ લીધી.

તેટલામાં એને ઉત્તર પણ મળી ચૂક્યો હતો.

‘ના.’

‘તો તો મને ખૂબ ગમ્યું.’ એના હર્ષનો પાર નહોતો. બીજું પગથિયું ચડવા જતી પેલી આગંતુકાને એણે રોકી : ‘તમારે ધણી નહીં હોય! નહીં તો તમે ફૂલ….’

ને સડસડાટ વૉર્ડ માં જતી રહેતી એને નલિની આશ્ચર્યથી જોઈ રહી. ‘નહીં તો એ અંબોડામાં ફૂલ ન નાખે?’ સ્રી વૉર્ડમાંથી આવતી રૂગ્ણા તરફ જોઈ એણે પૂરું કર્યું.

* * *

નવા દર્દીને 11નંબરના ખાટલા પર સુવાડવામાં આવ્યો. એના પિતરાઈ કાકાને સત્ય આશ્વાસન આપતો હતો. જુદાજુદા દર્દીઓનાં ઉદાહરણ આપીને રોગનો પરાભવ કઈ રીતે શક્ય છે, એવું બધું. ‘ચિંતા ના કરશો.’ નંબર 11ની પત્ની તરફ જોતાં એમણે ફાળિયું માથે મૂક્યું અને સત્યને પાછી ભત્રીજાની ભાળવણ કરતાં કહ્યું : ‘ખ્યાલ રાખજો. ભૈ. પાછું આંમને કંઈ જોયે કરે તે આલજો. હમણાં તો ડાગતરે અઠવાડિયું દસ દિવસ રહેવાની પરવાની આલી છે; પાછો તે હોરો હું ય આઈ જૈશ.’ પાછું નંબર 11ની પત્ની તરફ જોઈ કહે—

‘આ શે’રમાં ઊછરેલાં પાછરેલાં ખરાંને એટલે આવામાં રે’તાં ના ફાવે એટલે એમને ચોપડી-બોપડી આલજો. ગાંમની નેહોરમાં પાછાં મ્હેતી છે!’

બોલતી વખતે એમના બે મોટી ઉમરના દાંત હોઠ બ્હાર આવી જતા, એને વારંવાર હોઠથી છુપવવા પડતા હતા.

આ જોઈને ક્યારનોય નંબર 9 મૂંછમાં હસતો હતો.

‘આવજો તો.’ કહીને નંબર 11ના પિતરાઈ વડીલ રોપેલી તમાકુમાં પાણી વાળીને ઘર તરફ જતા ખેડૂતની જેમ હવે કંઈ કરવાનું ના હોય એમ ભત્રીજાવહુ પર નજર નાખતા જતા રહ્યા.

ત્યારે નંબર 9 જન્નુના ખાટલા પર જઈ ફસાક કરતો હસી પડયો. નંબર 11 અને એની પત્ની આ રોગવિશ્વમાં આવી ચડીને પરસ્પરનું મુખદર્શન કરતાં બેઠાં હતાં.

સત્યને પત્રલેખન સિવાય કંઈ લખવાનું ડૉક્ટરે ના કહ્યું હતું એટલે તે પણ નવા રોગીને અને એની આ યુવાન પત્નીને જોઈ રહ્યો. નંબર 11 પડયોપડયો દર્દીઓનાં મોં જોવામાં પડયો ત્યારે લલિતા એની પાસે સ્ટૂલ પર બેસીને કંઈક લખતી હતી-પત્ર હશે. સત્યની આંગળીઓમાં કશુંક લખવનો સળવળાટ જાગ્યો. બારીના કાચમાંથી પરાવર્તન પામી સૂર્યપ્રકાશ લલિતાના મોં પર પડતો હતો. એથી ગાલની રાતી ટેકરીઓમાંથી મનુષ્યને ગાંડો કરી નાખે એવી સુગંધ પ્રગટતી હતી. એનો રંગ ઘઉંવર્ણો હતો. એને રંગ જેવું સાહિત્યિક નામ ન આપવું હોય તો તમે તંદુરસ્તી કહી શકો. સત્યની આંખો એની ઘઉંવર્ણી તંદુરસ્તીને સૂંઘવા લાગી હતી. એ વખતે સત્યનું મન એની આદત પ્રમાણે લલિતાની લખ્યે જતી વચ્ચેવચ્ચે સળવળતી આંગળીઓને ઘઉંની ઊંબીઓની ઉપમા આપતું હતું. છોભીલો પડેલો સૂર્યપ્રકાશ સોનેરી ખોળા પર બેસીને એના મોંને, એના સુંદર-અક્ષરોને જોઈ રહ્યો. સત્ય જાગૃત થયો.

ઓશીકાનો ટેકો લેવો નહોતો તોય લીધો. બગીચામાંથી કોદાળી ઉલાળતા ઉલાળતા ઘર તરફ જતા માળીને જોઈ રહ્યો.

લલિતા એના દર્દી પતિને લઈ આવી ત્યારનો નંબર 7 વલુરતો વલુરતો વૉર્ડમાં આંટા માર્યા કરતો હતો

જન્નું પત્તાં રમતાં રમતાં હી હી કરતો હતો,

ખાટલાઓમાં પડેલા સમયના ટુકડાઓ પાસાં બદલતા હતા, છતાંય દિવસ કેમ કર્યો રોગના જંતુ જેવો ખસતો નહોતો.

નહીં તો શિયાળુ દિવસ સેનેટોરિયમની બહાર તો પતંગિયાની જેમ ઘડીક બેસીને ઊડી જાય.

બપોરે તો કેવળ સઢ જેવી મચ્છરદાનીઓનો આછો આછો ફફડાટ જ સાંભળ્યા કરવાનો. નલિની એકલી ગાયા કરતી. નર્સરૂમમાં ઘરડી નર્સ દર્દીઓના રજિસ્ટરમાં માથું નાખીને કંઈક લખતી હોય અને નં. 10 ઉપર સત્ય બેઠોબેઠો એના કવિમિત્ર બાદશાહને કે પ્રોફેસર મૅયોને લાંબોલચ પત્ર લખતો હોય કે અહેમદ કે એની માને યાદ કરી જીવ બાળતો હોય. બાકીના દર્દીઓ સેનેટૉરિયમના નિશ્ચલ સમુદ્રની મધ્યમાં પોતાનાં જહાજોને અધ્ધરતાલ લાંગરીને રોગવગરની દુનિયામાં પહોંચી જતા.

સત્યને લલિતા વિશે કશુંક લખવાનો વિચાર આવ્યો. પણ કશુંક તે શું લખે એને માટે? અપરિચયમાં લખાય પણ કેવું! ભવિષ્યમાં વાર્તા લખવા માટે કામ લાગે એટલે અનેક પ્રકારની વ્યક્તિઓના સ્ક્રેચ એને અહીં મળી રહેતા. એ પાંજરા પર મૂકેલી મટકીમાંથી જલપાન કરવાને બહાને લલિતાને એની રીતે જોતો ઊભો થયો. બહાર આંબાના વૃક્ષ નીચે એના થડને ટેકો દઈને એ પુષ્ટદેહા કોઈ રવીન્દ્ર કલ્પના જેવી બંગકન્યાના પરિવેશમાં કંઈક વાંચતી હતી. સત્ય જોતો હતો: એ વાંચતી હતી કે નિજમાં ઊતરી પડી હતી?

બપોરી ઊંઘનું મોજું સરકતું થાય એટલામાં તો ડૉક્ટરના રાઉન્ડનો સમય થઈ જતો. આજે એમનો મૂડ હંમેશ કરતાં સાવ જુદો હતો. બે દિવસ પહેલાં સત્ય સાથે ટૉલ્સ્ટૉય વિષે વાત કરતા ઝઘડી પડેલા. ‘તારો દોસ્તોયવસ્કી જેટલો કલાકાર છે એના કરતાં ટૉલ્સ્ટૉય મારે મન મહાન છે, કેમ કે એને જીવનમાં દોસ્તોયવસ્કી કરતાં વિશેષ રસ છે. જે કલામાં જીવનનો ધડકાર નથી એવી કલા સરસ્વતીની શિરકલગી હોય તોય મને મંજૂર નથી.’

‘પણ એ પણ…’

ને ડૉક્ટર પટેલ ઊકળી પડેલા –

‘પણ બણ ન ચાલે. આપણે મનુષ્ય છીએ યમદૂત નથી. અને હું તો એટલું સમજું કે મનુષ્યને જીવવું જ ગમે.’

‘તો હું ક્યાં મૃત્યુની વાત કરું છું?’

આજે ડૉક્ટર આવતાંની સાથે સત્યના ખાટલા પાસે આવીને બેસી પડયા.

‘કેમ કંઈ નવું વિચાર્યું કે?’

‘ના.’

‘વિચાર. એની પર મારું કશું નિયંત્રણ શક્ય નથી’

પાછુ કંઈ યાદ આવતાં તેમણે કહ્યું :

‘મારી પાસે કામૂની એક સુંદર નવલ હમણાં આવી છે. સુંદર એટલા ખાતર કે એ તને ગમે એવી છે. બાકી મા મરી ગઈ હોય ને જાણે રોજની જેમ આ પણ કશુંક નવું બની ગયું છે એમ વર્તતો તારો પિત્રાઈ મને તો ન ગમ્યો. તું વાંચજે. કાલે લેતો આવીશ. શું કરે છે અત્યારે?’

ડૉક્ટર, તમે રોજ એક જ રાઉન્ડ લો છો એના કરતાં બે વખત આવો તો સારું. બાકી ટેસ છે. રસોડા પાછળ ભૂરીએ સાતેક ગલુડિયાં જણ્યાં છે. વ્હાલાં લાગે એવાં છે તે – ગઈકાલે એનું એક બચ્ચું લાવ્યો હતો. ભૂરીએ મારું ખમીશ ફાડી નાખ્યું, જુઓ.’

સત્યે ઓશીકા નીચેથી શર્ટ કાઢયું.

ડૉક્ટર ખડખડાટ હસ્યા. પાસે ઊભેલી નર્સને કહે :

‘જોયું? હૃદયદાસ છે. હૃદય કહે એમ કરનારો.’

પછી સત્ય તરફ વળ્યા.

‘તું સ્રીનું દિલ પિછાની શકતો નથી, એમાંય માતાનું તો નહીં જ.’ એ ઊભા થયા ને વૉર્ડમાં ફરતાં કુરકુરિયાં તરફ દૃષ્ટિ નાખી તે નંબર 11 ના ખાટલા પાસે ગયા.

એ વખતે નંબર 11 ઘસઘસાટ ઊંઘતો હતો.

ડૉક્ટરનો રાઉન્ડ હતો એટલે લલિતા બહાર હતી. ડૉક્ટર પાછા વળીને સત્યને ખૂબ ધીમેથી કહેવા લાગ્યા :

‘એનો શ્વાસ સાંભળ્યો તેં? He is very serious. He should sleep soundly.

એ બીજા દર્દી પાસે જતા હતા ત્યાં સત્યે એમને રોક્યા.

‘ડૉક્ટર, એક મિનિટ પેન આપોને. મારા એક પ્રોફેસરને પત્ર લખવો છે.’

‘Very bad habbit! You must keep it.’

પેન આપતાં સલાહ આપી :

‘Don’t use it roughly.’

લલિતા એની બારી પાસે ઊભી હતી. સત્યે પાંજરામાંથી પ્રો. મૅયોનો થોડાક દિવસ પર આવેલો પત્ર કાઢયો. ઉત્તર આપવા માટે ફરી વાર વાંચી લેવાનું મન થયું હતું. એ વાંચવા લાગ્યો :

‘પ્રિય ભાઈ,’

મને લાગે છે, તારામાં કંઈક જોસ અને સ્ફૂર્તિનો વધારો થયો છે. હજી ઈશ્વર તને સંપૂર્ણ તંદુરસ્ત થવા દે.

અહીં પરીક્ષા ચાલે છે. થોડા દિવસો પછી રજાઓ. અને રજાઓમાં આણંદ આવવાનો મારો વિચાર છે જ. તારું ક્ષયકેન્દ્ર નવું લાગે છે. દશેક વર્ષ ઉપર હું ત્યાં હતો ત્યારે એક જ ડૉ. કૂકનું દવાખાનું હતું–એમાં એક ભાગ ટી. બી.નો હતો. એ સમયે એ ઘણું સારું ગણાતું. ગુજરાતીના અધ્યાપક કહેતા હતા હજી એ ચાલુ જ છે.

તારે સદા આનંદિત રહેવું જોઈએ.

સૌથી મોટો આનંદ બીજાને આનંદી કરવામાં છે. દુનિયા તેજછાયાથી મિશ્રિત છે. તેજને જરા વધુ વિસ્તાર આપવો અને છાયાનો નાશ કરવો. એનું પરિણામ તે સુખ. એને તું આનંદનું નામ આપ. જોકે છાયા કદીય નાશ પામતી નથી એ આસુરી તત્ત્વ છે. પ્રત્યેક ચીજને એની છાયા હોય છે. સદ્અસદ્ એ મનુષ્યનાં બે વિભિન્ન પાસાં છે. પરસ્પર પૂરક છે. આપણે હંમેશા છાયાનો નાશ કરીએ છીએ એ પ્રવૃત્તિ જ વાસ્તવમાં ભ્રામક છે.

તું આરામ કરજે. હું ધારું છું, તારી જરૂરિયાતો પૂરી પાડવા માટે તારી પાસે કોઈ સંબંધી તો હશે જ. કોઈ વસ્તુની જરૂર પડે તો જણાવજે. હું તારી પડખે છું.’

સત્યે બાજુમાં જોયું. જોવાઈ ગયું. લલિતા પતિના ઊંઘછાયા મોંને એકટશ જોઈ રહી હતી.

સત્યે પત્ર લખવાનું શરૂ કર્યું.

પત્ર લખાઈ ગયો. હજીય લલિતા એના રૂગ્ણ સૌભાગ્યને જોઈ રહી છે. સત્યને થયું : આ સ્રી કેટલી કાળજી રાખે છે એના પતિની! પોતાને કોઈએ આ રીતે સસ્નેહ તાક્યું નથી! અરે, આવે છે જ ક્યાં? વાર પર્વની જેમ કોક દિવસ વિવેક બતાવીને ચાલ્યાં જાય છે બધાં. રમેશનો પત્ર હતો. એ એની સાયકોલોજીમાંથી ઊંચો આવે તો ને! અધ્યાપકો કહે છે સાયકોલોજી માનવીના મનનો અભ્યાસ કરે છે… એ વળી કેવું. રમેશે આજ લગીમાં કેવળ એક જ પત્ર લખ્યો. એમાં સમાચાર આપે છે, ‘મારી વિવાહિતા પણ મારી કૉલેજમાં જ છે.’

નંબર 11 જાગ્યો. એના ગળાનો પરસેવો લલિતાએ લૂછયો. ભૂરીનું પેલું ટિલિયું કદકદ કરતું વૉર્ડમાં આવ્યું. પોતે નાનો હતો ત્યારે રમેશ સાથે ખેતરમાં કપાસ વીણવા જતો. પવનમાં કપાસનો લોચો ખેતરમાં ઊડે એ એને ખૂબ ગમતું. ટિલિયાનો રંગ રૂ જેવો હતો. સત્યને થયું, એને ઉપાડી લે ને સૂંઘી લે. રૂમાંથી આવતી હતી એનાથી પણ વિશિષ્ટ પ્રકારની સજીવ વાસ એમાંથી આવે. આવે જ વળી કેમ.

સત્ય લલિતાની મૂક ઉપસ્થિતિથી સહેજ મૂંઝાયો, શિક્ષિકાઓ કંઈ મૂંગી નથી હોતી. આમેય સ્રીઓનો સામાન્ય ગુણધર્મ વાચાળતા જ હોય છે ને!

સત્યે પોતાના મનોખંડમાં સંવાદ રચ્યો.

‘……’

‘……’

…હંઅ…

‘હંઅ નહીં. સ્પષ્ટ કહો. ગમે કે નહીં?’

‘પણ શું…તમને સાંભળવામાં તો હું તમારો પ્રશ્ન જ ભૂલી ગઈ?’

‘મેં એમ કહેલું–ના પૂછેલું કે તમને હું સ્વભાવિક રીતે પુછાઈ જાય એવા પ્રશ્નો કરું તો ગમે કે નહીં?’

‘એ વળી કેવું…મને કહો છો એ સમજાતું નથી.’

‘તમે સમજી શકો એવું હું બોલી શકતો નથી, જોઈ શકું છું.’

‘……’

‘હસો નહીં,’ સત્યથી મોટેથી બોલાઈ ગયું. લલિતાએ એની સામે જોયું એટલે કે પૂછયું.

‘હું ક્યાં હસું છું?’

સત્ય થોડીવાર સુધી સંક્ષોભ અનુભવી રહ્યો.

‘તમે હમણાં હસ્યાં નહીં. ત્યારે? હમણાં તમે તમારા પતિના ગળેથી પરસેવો લૂછતાં હતાં ત્યારે જ વળી,’

‘એ તો બહુ વાર થઈ.’

ને પાછું વધારે બફાઈ ન જાય એટલે એણે હસીને આ વાસ્તવિક સંવાદનું સમાપન કર્યું.

મેંતરાણી કાછડો લગાવીને વૉર્ડ સાફ કરવા આવી. એની ઊજળી જાંઘ પર રૂપિયા જેવું લાખું જોઈને સત્યને મનમાં હસવું આવ્યું. જન્નુના મનોવિકારનું એ લાખું તો ઘર છે. સત્ય નવોસવો આવેલો ત્યારે જન્નુના ખાટલા નીચે વધારે ને વધારે તે પોતું કરતી એટલે એણે સહજ પૂછયું :

‘તમે’ બેન ત્યાં કેમ બહુ ઘસઘસ કરો છો? અમે પણ છીએ હોં, એના ખાટલા નીચે જ કચરો પડે છે એમ ન માનતાં.

એને કટાક્ષ લાગતાં સત્ય પર ઊછળી પડેલી :

‘તેં મારી મશ્કરી કરી મૂઆ ટીબલા.’

નં. 7ની આદત જોઈને સત્યને એની ખડકીવાળા લાલાકાકા યાદ આવ્યા, ગામ આખામાં એમના હાથે ખાંડેલી ગડાકુ પિવાય છે. એક દિવસ સત્ય એમને પૂછી બેઠેલો :

‘કાકા, ખાંડો છો એટલી તમાકુ ખાઈ તો નથી જતા ને? બધી કંઈ ઓછી વેચાતી હશે?’

ત્યારે લાલાકાકાની બોખી મુખમંજુષામાંથી જીવનનું ઘૂંટાએલું રહસ્ય નીકળેલું.

‘બધ્ધુંય જાય ભૈ, પણ માંણહની તલબ ના જાય! એની મેંઠાસ પાંમવી ને ગુમડાંની ચોફેર વલુર્યા કરવું બેય હરખું.’

અચાનક સત્યની સમાધિને નં. 11ની પત્નીએ ખંડિત કરી.

‘આ તમારો કાગળ લો.’

સત્યને પત્ર લેવાનો ગમ્યો.

ખૂબ હોંશથી પત્રવાચન કરવા લાગ્યો. એના મિત્ર-અહેમદનો હતો. લખતો હતો.

‘તારાં મા તને યાદ કરીકરીને જીવ બાળે છે.’

‘જોયું મારી મા મને યાદ કરીકરીને જીવ બાળે છે બિચારી.’ એવું કહેવા જતો હતો પણ ત્યાં સાંભળે એવું કોઈ નહોતું. ખાટલા પાસેથી નર્સ પસાર થતી હતી. એને કહેવાનું મન થયું પણ પોતે સામાન્ય લાગશે એમ લાગવાથી પાછું વાંચવામાં ચિત્ત પરોવ્યું. ‘એમનાથી હમણાં અવાય એમ નથી; કેમ કે તમારી ભેંસ વિયાઈ છે, પાડી આવી છે.’ આ વખતે તો એ પોતાને કાબૂમાં ન રાખી શક્યો.

નં. 9ને ખુશાલીના સમાચાર કહ્યા.

‘મારી ભેંસને પાડી આવી, ગોબરકાકા.’

‘તંયે કુલેર ખવડાવો સતિભૈ. મારે ચાંદરીને તીજી ફરાય એને વાવડ આવે કદચીયો જ આયો. માંનાવારી પ્હેલવેતરી સે, શિકોતરને જેતાની માએ ઢેબરાંની ઉજાંણી માંની તોય કમરનો લશેલો પાડો આયો. ફતે લંગડી વરતગાડેલી એને વાવડ આવે તે લંગડીનેય પાડો. સતિભૈ કૌ’ ત્યણે ભેંહોને શું હુઝયું? એમણે મને લાગે હંપ કરેલો હશે. નૈ? મેં એક જ વરહમાં ત્યણ કદચીયા પાડા રમતા મેલ્યા. એક ગાંમઈ પાડો તો છે ગાંમને લમણે.’

ગોબરકાકા જાડા ધોતિયાની કોરથી નાક લૂછતા સત્યના ખાટલા પર ચડી બેઠા.

‘જેતાની મા તો એકને છોડે ને એને મરે બીજો દોયડું તોડતોક વછૂટે, લંગડીને ચાંદરીનો ધાવ્યા વરજી પડે ને, ચાંદરીને માંનાવારી પ્હેલવેતરીનો ચૂહવા મંડે. મારા ભૈ ત્યણેય એક સખાના. ઓરખાય જ નૈ એને વાવડ આવે.’

સત્યે પત્ર પૂરો કર્યો. આનંદ વ્યક્ત કર્યા બદલ મનોમન પસ્તાયો. ગોબરકાકાનું પાડાપુરાણ હજી અસ્ખલિત વ્હેણમાં ચાલતું હતું. ‘દિવારીને દન ચાંદરીવારો પાડો મૂઓ શું ય જોઈ ગયો તે એને વાવડ આવે મોકલયો તે મારી જેતાની માનો પગ ગૉલી નાશ્યો એને—’ ‘બસ બસ ગોબરકાકા. મારી ભેંસને પણ પાડો આવ્યો.’ સત્ય હવે ત્રાસ્યો.

‘ના હોય? ખાવ શિકોતરના હમ?! પાડી આઈ એ ભેંહ પ્હેલવેતરી સે કે બીજવેતરી? પાડો આયો એની મા હબદી હુક્યલી? મારે ચાંદરી સિવાય બીજી બેય હુકયલી. પણ દૂધ ચાંદરી કરતાં દોઢશેર વધારે હોં કે! તમે ગા રાખો કે? મારે —’

સત્ય ઊભો થઈને જતો રહ્યો બહાર.

License

અશ્રુઘર Copyright © by રમણ છો. પટેલ. All Rights Reserved.

Feedback/Errata

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *