ગાડું ખખડતું ખખડતું જતું હતું. આખે રસ્તે પોતાનું શૈશવ અને કૌમાર્ય છૂટુંછવાયું વેરાયું હતું, એનું સ્મરણ થતાં સત્ય ફરીથી નાનો બની ગયો. ઉનાળાના, ઊડતું પંખી તમ્મર ખાઈને નીચે પડે એવા તાપમાં એ પાછો દાઝવા લાગ્યો. નિશાળેથી પાછો ઘેર જતો હોય એમ તે આજુબાજુની સીમને જોવા લાગ્યો.

પોતે જ્યુબિલી હાઈસ્કુલમાં ભણતો હતો તે વખતે મા વહેલી ઊઠીને ઢેબરું બનાવી, કાગળમાં વીંટાળી દફતરમાં મૂકી આપતી. માંડ ભાગોળ લગીય પોતે ના પહોંચ્યો હોય ને કળશો લઈને ઝાડે ન જવું હોય તોય રસ્તાની એકલ વેરાનગી જોવા પાછળ આવી પહોંચતી અને— ‘સતિ બેટા, હજી તો હરણીઓય નથી આથમી. પાછો આય.’ કહી બૂમ પાડતી.

છીંકામાંથી નાની ડુંગળી પડી જાય એમ આંખમાં આવી આવીને બચપણ પાછું પડી ગયું. ગાડું ખખડડખ ખખડડખ કરતું જતું હતું. સત્યને થયું પોતાનું મન વૃદ્ધત્વનો અનુભવ કરી રહ્યું છે. એણે શંકરના હાથમાંથી પરોણી લઈને બળદને ઘીચ્યો. અરે ‘હેંડ રે’ એવો હુંકારો રેલાવ્યો. શંકરને લાલાકાકાની તબિયત પૂછી.

‘એમને તો ભુંડય નથી વળગતું’ એવું જાણી સત્યના આનંદનો પાર ન રહ્યો.

પેલી કાશીબોર નીચે પોતે ‘અલબેલી મઢી’ નામની એક ફક્કડ વાર્તા લખેલી. મોટાભાઈને ઘેર વંચાયેલી. મોટાભાઈએ એક પાનું વાંચીને પોતાને એક ધોલ ચોડી હતી અને પોતાને ‘છીનાળવા’નું ઉપનામ આપ્યું હતું. મોટાભાઈને ઘેર લક્ષ્મી આવી છે. સુરભિનું નામ એને ખૂબ ગમ્યું. દેખાવે કેવી હશે એ બેટલી! આપણેય હવે…ને ગોળ ખાતો હોય એમ મોં હસવાથી ભરાઈ ગયું.

દૂરથી ભાગોળ દેખાઈ. અહેમદ, કાન્તિ લંગડો, ચુનિયો આવારા, બિપીન, રતિલાલ, તરુ, ઊજળો ગોરધન, એને સૌ સનલાઈટ કહેતા. લાંબા વાળ રાખતો અને લટને કપાળ પર ઝૂલતી રાખતો. એના પર તરુડી મરતી હતી. તરુડી બાપડી હતી તો પાતળી સોટા જેવી, પણ સ્વભાવનું મરચું. વટનો સવાલ હતો. વૌઠાના મેળામાં જઈને ગોરધન સનલાઈટ એને માટે રેશમી કબજાનું કાપડ લાવેલો ત્યારે વસુબેને એને ‘મણનો છશેર’ કરી નાખેલો.

‘હેં શંકર, પેલો ગોરધન શું કરે છે?’

ગાડું હાંકવાનું પડતું મેલી શંકર પાછળ ખસ્યો, હસ્યો, ‘સતિભઈ, નથી ખબર? મે’મદાવાદમાં પેલી તરુમતિને ઘરમાં ઘાલીને એસ.ટીમાં કન્ડકટરી કરે છે. ને એને તો સાલાને ચાર છોકરા છે.’ પાછો હસ્યો.

‘એમ? ‘સત્ય મહાદેવના મંદિરને જોઈ રહ્યો. અહીં સુધી પોતે વિભાને ગિલ્લીદંડામાં હરાવતો હરાવતો લાવેલો, એ એને યાદ આવ્યું. રોજરોજ બચી કરવાની શરતે એનો દાન જતો કરેલો.

‘ને પેલી વિભા? ધનુમાસ્તરની વિભા શેમાં ભણે છે?’

બળદને આર મારતાં શંકરે ઉત્તર આપ્યો, ‘એ તો મરી ગઈ.’

‘મરી ગઈ?’

તળાવની પાળ પર કેટલાંક નાગોડિયાં નાહી નાહીને ધૂળમાં આળોટતાં હતાં એ તરફ જોઈ એણે કહ્યું, ‘વિભા તો બિચારી સારી છોકરી હતી. શંકર, યાર તું મશ્કરી શું કરે છે?’

ગિલ્લીદંડાની એની ‘ટીમ’ વેરણછેરણ થઈ ગઈ. ભાગોળ ખરેખર ખૂબ બદલાઈ ગઈ! એ ગાડામાંથી નીચે ઊતર્યો. બારમાસી આંબા નીચે જઈ ઊભો. હમણાં ચુનિયો આવશે, હમણાં ગોરધન આવશે, આપાથી કાન્તિ લંગડો અને તે પાથી…બિચારી વિભા! ગૉડ હેઝ નો મર્સી. પોતાને રાખડી બાંધીને હજી તો બે વર્ષ ઉપર રડી પડી હતી! અને પણે નિશાળના ઓટલા પર પોતાને સેકેલો પાપડ લાવી લાવીને ફ્રોકના ખિસ્સામાંથી કાઢીકાઢીને ખવડાવતી હતી! બારમાસી આંબાનું પાદડું ચૂંટતોક એ આંખમાં ઝલમલતી નિશાળને જોઈ રહ્યો. નિશાળના ઓટલા પર જઈને બેઠો. પેલા હજારીના પીળચટા ક્યારામાં તો કણઝીનું વૃક્ષ હતું. એની જમણી તરફ મોતીની ઝૂંપડી હતી. મોતી બધાંને તલસાંકરીની લાડુલીઓ આપતો. ‘અહીં મોતી રહેતો હતો તે ક્યાં ગયો?’ પરંતુ ત્યાં પીળચટો હજારીનો ક્યારો લહલહ થઈ રહ્યો હતો. એ ક્યારાની ઉપર વૃદ્ધ અવકાશ જલીય બની જતો પડુ પડુ થતો (હોય એમ) ઊભો હતો…કણઝીના વૃક્ષની એક ડાળી મોતીની છાપરી તરફ નમેલી હતી. કાંતિ એના ઉપર હીંચતો હતો. સત્યની આંખમાં એ પ્રસંગ આવીને લટકી ગયો. ઝૂલતી ડાળીની જેમ. પોતે ઝૂલતા કાન્તિનો પગ ખેંચ્યો હતો. અને કાન્તિ બિચારો લંગડો થઈ ગયો. ઓટલા પરથી સત્ય બેઠો થઈ ગયો.

‘ચ્યમ છો સતિ ભૈ? ઘણે દહાડે દેખા દીધા. તમે શાંના આપા ડાફરેય મારો એની બોંનને રાખું, અમદાવાદ જેવું શેર મેલીને.’ માથાનું લૂગડું ઉતારી મોં લૂછતો લૂછતો ભલું સત્યને ચારેબાજુથી જોઈ રહ્યો.

‘શો રોલો છે તમારો! એની બોંનને રાખું, રોટલી ને દાર ખૈ ખૈને ટેટી જેવા થયા છો.’

‘કેમ છો ભલું?’ સત્ય એને જોઈને રાજી થયો.

‘ભલાદ’મી ભલુને માંન અપમાન શાં. મારા ભૈ.’ પોતાને ‘કેમ છો’ કહ્યું એ જોઈને એનો હર્ષ વધી પડયો.

‘છેને સતિ ભૈ, મારા વનમારીને હૉટલબોટલમાં નોકરી અલાવશોને?’

‘હા. એને જરા મોટો થવા દો.’

‘પાછું થવા દો. ભલા’દમી તમે ને હું તો એક હાથમણા છીએ.’ ને એ હસી પડયો.

ખડકીમાં પ્રવેશ કરતાં જ એની દૃષ્ટિ જમણી બાજુના ખંડેરિયા મકાન ભણી ગઈ. પરસાળમાં લાલાકાકાને તમાકુ ખાંડતા દીઠા. વર્ષોથી એકધારું ખાંડતા જ હોય એમ. પ્રોફેસર મૅયો જેવું લાલગોરું એમનું ડિલ, એ જ ઉઘાડી પીઠ, એ જ તમાકુ ખાંડવાનો કાળો લાંબો નાની સાંબેલી જેવો દસ્તો ને ખાંડવામાં એ જ નરી બેપરવાઈ. પોતે ઉમરેઠ ભણતો ત્યારે ચોપડીઓ ખરીદી આપતા. એક ઉનાળામાં તો વળી સરસ ચંપલ પણ લઈ આપ્યાં હતા. દશ વર્ષ તો શું પણ એક મહિનો એમના શરીરમાં પેસી ગયેલો દેખાતો નહોતો. મોંમાં મેનમેઈડ બત્રીસી નાખે તો તો પાંત્રીસ ચાળીસનો પડછંદ યુવક લાગે!

‘લાલાકાકા હજીય એકલા જ છો?’

ખાંડવાનો દસ્તો બાજુમાં મૂકીને એમણે સત્ય સામે જોયું.

‘સતિ કે? અલ્યા છોકરા તું તો ખાસ્સો મોટો થઈ ગયો. બેસ ભઈ બેસ. આટલી વારી લૌ, જરીક છે. પછી કારીયું પાલો મેલું, મેંય હમણાંનો તો પીધો નથી.

‘તમારી જરીક તમાકુ ખાંડવામાં તો દશ વર્ષ થઈ ગયાં. કાકી લાવ્યા હોત તો—’

‘જનમારો કહે જનમારો ખરપા, દહ વરહાં તો ઓછાં પડે! દહ વરહાં તો નાહકોરી ચોખી કરું એટલામાં જતાં રે!’ જોને તું ગૈ કાલે તો અમદાવાદ ગ્યો’તો. ને ‘પેલું’ શું બોલ્યો ‘લ્યા?’ સહેજ હસીને પાછા બોલ્યા : ‘આ એમ ને એમ ચ્યારનો ખાંડું છું ખબેર્ય છે તને? તારા બાપને ત્યણ છોકરાં થઈ ગયાં. એમાંથી એકને ઘેરેય માતા આઈ, જનમારો ખંડાઈ ગ્યો જનમારો. આંમ ને આંમ તોય હાળી એમાંથી મેંઠાસ ના મળી. એને તો કચર્યે જ પાર.’

અને એ પાછા ચા મૂકવાનું ભૂલી જઈ મંડયા ખાંડવા. ઊંઘું ઘાલીને બસ તમાકુમાંથી માખણ નિતારવું હોય એમ ઘડીક ખાંડે, ઘડીક લસોટે. જનમારાની આખી વાત ક્રિયાત્મક રીતે ફરી કહેતા હોય એમ, ખાંડે ને પાછા લસોટે.

સત્ય ઘેર ગયો ત્યારે સ્રીઓથી ઓસરી ચિક્કાર હતી. એક બાજુ કુંભીનો ટેકો લઈ સત્યનો પિત્રાઈ રતિલાલ બેઠો બેઠો હુકો તાણતો હતો. એને આવેલો જોતાં જ હુકાને કુંભીએ ટેકવતોક ટોપીને માથા પાછળ ત્રાંસી ખસેડીને ‘ઓ મારો બેટ્ટો સતિયો’ કહેતો બોચી વલુરતો વલુરતો ઊભો થઈ ગયો. ઓસરીમાં સત્યની મા રામાયણ વાંચતાં હતાં તે પાનાં વચ્ચે નાડાછડીનો કડકો મૂકી સાજા થઈ આવેલા દીકરાને જોવામાં લાગી ગયાં. સ્રીઓમાં કોઈ છીંકણી લસોટતી, કોઈ લસણ ફોલતી, કોઈ કોઈના માથામાંથી જૂ વીણતી, કોઈ તુવેર પાપડીના લીલવા કાઢતી, બુકાટતી, કોઈ ધાવણ છોડવા આવેલા ‘વેંગા’ને ધવડાવતી, કોઈ અર્ધો ઉઘાડો પગ લાંબો કરી સામી સ્રીના ઢીંચણ પર મૂકી કાંટો કઢાવતી હતી. આ બધીય સ્રીઓનું ધ્યાનપાત્ર અત્યારે સત્ય બની ગયો. બધાં એકીસાથે સત્યને અમદાવાદના મોટા મોટા બંગલા વિષે, મોટરો અને રોકેટ વિમાન વિષે, ભોંયમાંથી તેલ અને ‘ગ્યાસ’ નીકળે છે વગેરે વગેરે પૂછવા મંડયાં. રતિલાલે પગથી માથા સુધી એને તપાસી લીધો અને સત્યના ખભા પર હાથ મૂક્યો ‘મારો બેટ્ટો બૌ ભણ્યો!’ કહીને સત્ય કંઈક બોલે એની રાહ જોવા મંડયો.

‘તમારી તબિયત હારીને?’ સત્યની ભાભી આવી એવી પૂછી બેઠી ‘શું તમેય કાશી, આ જોવોને ભમ્બુરા જેવો છે ને પાછાં તબિયત પૂછો છો?’ પછી રતિલાલ સત્ય ભણી વળ્યો. ‘હેં લ્યા; રમેશિયાના વિવા’ થઈ ગયા એટલે તનેય વરાપ તો નથી આઈને? જોજે એવું કરતો. આપણે તો મોટા જજની બે ફૂમતાંવારી બી. એ. એલ. એલ. બી. બી. સી. ટી. પી. ડબલ્યુ. એલ. ઝેડ. ભણેલી લાવવાની, ઉપરથી પાછી છોગાની નોકરી અને કન્યા મોંડી મલે એનું વ્યાજ…’ અને ખી ખી કરતો રતિલાલ સત્યને અમદાવાદી કન્યાને વળગતો હોય એમ વળગી ગયો.

સત્યને આ રીતે કોઈએ આજ સુધીમાં આલિંગન કર્યું નહોતું એટલે એ અકળાયો. સત્યની ભાભીએ કહ્યું :

‘અલ્યા રતિ ભૈ એમને પાંણીબાંણીતો પીવા દો.’

અને કંઈક સાંભરી આવ્યું હોય એમ રતિલાલ નીચે બેસીને કહેવા મંડયો :

‘છે ને, આવોય અમારી જોડે ગલ્લીદંડા રમતો’તો. એક દા’ડો મથુરકાકે મોઈ લેઈ લીધી, પછી છે ને’ ખીખીખી ‘પછી છે ને મથુરકાકા એમના બાયણામાં ઉઘાડે બયડે વરાડું ભાગતા’તા ને આવોય’ ખીખીખી ‘આવતોકને બયડા પર ધડ ધડ પેશાબ…’ બાકીનું વાક્ય ખીખીમાં પૂરું કર્યું.

‘બર્યું રતિભઈ તમેય.’ કોઈને મર્યાદાભંગ થતો લાગ્યો.

‘તારે શું, વહુઓ બેઠી છે ને મૂઓ ભવાયા જેવો! ‘

‘રડયો નાંનો હતો ત્યારનો—’

ત્યારે સુરભિ ગેલમાં આવી ગઈ હતી.

એની કિલકારીઓ પરસાળમાં ફૂલની જેમ મહેકતી હતી. સુરભિને લેવા સત્યે હાથ લંબાવ્યા કે તરત કાકા પાસે જવા એણે પોતાની નાનકડી જાતને કાશીની સોડમાંથી લગભગ સત્ય ભણી ફેંકી.

‘ના બેટા હમણાં નૈ હોં. કાકાને બરોબર હારું થાય પછી જજે એમની પાંહે.’ સત્યે હાથ પાછા ખેંચી લીધા. એણે ચપટીથી સુરભિને રીઝવી. પણ સત્યની માનો મિજાજ ગયો.

‘શું થયું છે વહુ એને તે હારું થાય હારું થાય કહે છે. મારી બઈ હાજોહમોં મારે તો…’

‘તારે શું કાશી તમે ય.’ રતિલાલે હુકો હાથમાં લીધો.

‘મારો બેટ્ટો મઢમની આંખ ઠરે એવો તો છે.’ અને સત્ય સામે હુકો ધર્યો. ‘લે દાદુ અડાય બે દમ.’

‘ના.’ કહીને એણે ફળીમાં નજર કરી. સેનેટોરિયમમાં દર્દીઓ હતા, તોય આટલો અવાજ નહોતા કરતા.

‘લે ભઈ હેંડ ખીચડી ને દહીં આલું ખઈ લે.’

સત્યની મા ઊઠી.

‘આયો એવો જ ખીચડું? શું દિવારીભાભી તમેય. આ તો અમદાવાદી છે, ટાઢું કોઠે નૈ હદે. ચ્યમ સતિ, ગરમ ગરમ જીભે મેલું કે હફ દૈ ઊતરે એવું હલાવી નાંખે.’ રતિલાલે સત્યના ખિસ્સામાંથી પેન ખેંચી, ‘મારી બેટ્ટી અવ્વલ નંબરની ઈન્ડીપેનછીલ છે! શું આલ્યું’તું આનું સતિ?’

સત્ય રતિલાલના મોં સામે જોઈ હસ્યો. અને પેન લઈને ‘એની કિંમત અંકાય એવી નથી, એ કિંમતી છે એટલું જાણું છું.’

ઘરમાં જમવા બેઠો ત્યારે એને આટલે વર્ષે ઘેર આવ્યો તોય કશોક અણગમો થઈ આવ્યો. ખાવાનું ભાવ્યું હોય એમ મનને સમજાયું.

સાંજે વાળુ કર્યા પછી તે બહાર ચોકમાં ખાટલામાં પડયો પડયો આકાશદર્શન કરતો હતો. સેનેટોરિયમમાંથી ઘેર આવ્યા પછી મન કેમ જાણે અકથ્ય અસ્વસ્થતા અનુભવતું હતું. આકાશમાં અસંખ્ય તારાઓના ટમટમવાનો ઓચિંતો કોલાહલ થતો હોય એવું લાગ્યું. ન વર્ણવી શકાય એવી વેદનાનો ચેતોવિસ્તાર થએલો એને લાગ્યો. રાતનો પ્રારંભ અહીં આવતાં જ થઈ ગયો, આટલો જલ્દી? સ્મૃતિનું શ્વાનબાલ કોકના ચરણ સૂંઘવા સેનેટોરિયમમાં દોડી ગયું.

‘લલિતા?’

‘હા, એ જ.’

સત્ય બેઠો થઈ ગયો.

નજીક દિવાળી છીંકણી સૂંઘતી બેઠી હતી. પુત્રને આમ એકદમ બેઠો થઈ જતો જોઈને તે ચમકી, ‘ચ્યમ ભઈ, ઊંઘવાની જગા બદલઈ એટલે?…’

સત્યે કશો ઉત્તર ન આપ્યો.

થોડી વાર પછી દિવાળીએ ફરી પ્રશ્ન કર્યો :

‘ભઈ, દવાખાનામાં ગમતુ’તું કે?’

સત્યને ચીડ ચડી. આટલો વખત પોતે ત્યાં રહ્યો એ સમયમાં એ ફક્ત બે જ વખત આવી અને પાછી પૂછે છે કે… પોતાની ઉપર પ્રો. મૅયોના કેટલા પત્રો આવતા હતા! સેનેટોરિયમનું બધું ખર્ચ પણ એમણે જ ઉપાડી લીધું ને! જન્નુનાં માબાપ ત્રીજે ચોથે દા’ડે અને કાકા અઠવાડિયે અઠવાડિયે આવી જતાં. નં. 9ની વહુ જેટલી વખત આવતી એટલી વખત પતિ પાસે રહેવા ઢેબરાં બાંધીને આવતી અને નં. 9 લઢીવઢીને સાવ પ્રેમાળ કરી નાખતી અને નં. 11ની… અને આ માબાપ? હંઅ….મા અને બાપ લાગણીશૂન્ય મહોરાં!

‘ભઈ, દવાખાંનામાં તને ગમતું’તું? ‘

સત્ય આડો પડયો.

‘હા.’ સૂકા ઉદ્ગારથી માનું મન ભરાઈ આવ્યું.

‘હમણાંથી ન’તું અવાતું એટલે રિસઈ તો નથી ગયો ને? શું આવે બેટા, જોને આખો મહિનો વેવાંણ વેવઈનાં સગાંવહાલાંની સરભરામાં ગયો. અઠવાડિયા પર આવવાની જ હતી પણ મુઈ ભેસ વઈ; શું કરું તે? અને પાછું ભઈ, પાંહે કશું હોય તો આવું ને? હવે દૂધના આવશે એટલે ચા ખાંડ લવાશે.’ પણ એવી વાતથી પાછું પુત્રનું મન દુભાશે એટલે વાતને એણે સહેજ વળાંક આપ્યો.

‘તારી વાતેય થઈ છે. તમાકુના મોટા વેપારી છે. તને કોઈ પૂછે તો કહેવું-કશોય રોગબોગ નહોતો. એ વાત જ નૈ કરવાની હોંકે? આપણા ઘરનાં અને એક અહેમદ વગર તું દવાખાનામાં છે એ વાત કોઈ જાણતું નથી.’ દિવાળી પુત્રના ખાટલા નજીક ગઈ.

‘હેં બેટા, હવે તને રોગબોગ નથી રહ્યો ને?’

‘મટે એવું આ દર્દ જ નથી.’ સત્ય પડખું ફરી ગયો.

માની આ દર્દકથાથી તે બેઠો થઈ ગયો પાછો.

‘હોતું હશે તે? બેટા તું ચિડયલો લાગે છે!’

‘મને ઊંઘવું છે, તું હવે ઘરમાં જા.’

‘બેટા, આમ ચ્યમ બોલે છે? કાશીએ સુરભિ રમાડવા ન આલી એટલે ખોટું લાગ્યું તને? ‘

દિવાળી સત્યના ખાટલા પર બેઠી.

‘તારે કશું કામ નથી? ‘

સહેજવારમાં તો સત્ય એકલો થઈ ગયો. ખડકીનું કૂતરુંય સળવળતું નહોતું. ખાટલાથી ખીચોખીચ ફળિયાને અંધારાનો લાભ લઈ કોક ચોરી જાય તોય ખબર ન પડે! માત્ર છેવાડાના ખંડિયેરમાં અંધારામાં તમાકુ ખાંડવાનો અવાજ આવતો હતો. હજીય એના ખાંડનારને એની મીઠાશ મળી નહોતી.

ઓચિંતુ આવ્યો ત્યારનો આ શું થઈ ગયું છે પોતાને? અરે, બસસ્ટેન્ડ પર તેણે જરીસરખો ખુલાસોય ન કર્યો… કોક વાર્તાના પ્રકરણની જેમ સેનેટોરિયમનો એ સમયખંડ પોતાના મનમાં પુન:સ્થાપિત થતાં આમ્રવૃક્ષ નીચેના વેરણછેરણ વાર્તાલાપનો કશોક નિશ્ચિત અર્થ બંધાતો લાગ્યો…એકાએક પોતાના સૂતેલા શરીર પર ફાનસનો પ્રકાશ પડતાં તે પાછો બેઠો થઈ ગયો.

‘લઈ લે આ દૂધ.’

‘પણ એમાં આ ફાનસ—’ સત્યને ક્રોધ થઈ આવ્યો.

‘મારે નથી પીવું દૂધ.’

‘પણ બેટા મેં બે-ત્રણ બૂમ પાડી તોય તું બોલ્યો નહિ એટલે ફાનસ લાવી એમાં શું થઈ ગયું ભઈ, તેં ગોળી ગળી નથી.’

‘નથી ગળવું કશુંય.’

ફાનસના પ્રકાશમાં શોક્યના છોકરા જેવું પુત્રનું વર્તન જોઈ દિવાળી ડઘાઈ ગઈ.

‘સતિ…’ ને કંઈ બોલ્યા વગર એ ઘરમાં જતી રહી.

*

બીજે દિવસે ઓસરીમાં ખાટલા પર પડયો પડયો સત્ય વાંચતો હતો. બાજુમાં દિવાળી ઘઉં વીણતી હતી. પંચાયતના રેડિયામાંથી ગીત આવતું હતું :

માના હમારે પ્યારકા આલમ બદલ ગયા

અપને હી દિલકી આગસે કાશાના જલ ગયા.

અચાનક પુત્રનો રડમસ ચહેરો જોઈ જવાતાં તે આશ્ચર્યમાં પડી. થોડી વાર પછી તે એકલો એકલો વાતે ચડયો. છાતી પર ચોપડી મૂકી તે કોકની સાથે વાત કરતો હોય એવું બોલતો હતો.

‘એકલો એકલો ભઈ, તું શું કરે છે?’ દિવાળીથી ન રહેવાયું. સત્ય છોભઈ ગયો, માની ઉપસ્થિતિથી એને શરમ આવી હોય એવું થયું. દિવાળીએ વારંવાર પૂછયું તોય તે મૌનને જ વળગી રહ્યો. એક વાર તો તે હસી પણ પડયો; પણ તોય માનું મન ઘઉં વીણવામાં ન ચોટયું. થયું : અમદાવાદમાં પહેલેથી રહ્યો છે એટલે એને આ ગામડાગામમાં ગોઠતું નહીં હોય, ને દવાખાને ત્રણેક મહિના રહી આવ્યો એટલે સ્વભાવ ચીડિયો થઈ ગયો છે. કાંતો રોગ મટયો જ ના હોય…પુત્રને પૂછવાનું મન પણ એક વાર થઈ ગયું પણ ન બોલી શકી. એને એકલો રહેવા દઈ તે ઘરમાં રસોઈ માટે ગઈ. એનું મન પુત્રના વિચારોમાં પ્રવૃત્ત હતું. એની મામીને બંગલેથી છેલ્લાં દોઢ વર્ષથી બનતું નહોતું એટલે બૉર્ડિગમાં રહેવા જતો રહ્યો એટલે ક્રોધવાયો તો નહીં હોય! પણ શું કરીએ અમેય તે! ગયા વર્ષનો કપાસ દેવામાં પેસી ગયો, અડધી તમાકુ અનાજ લાવવામાં ગઈ, કાશીની સુવાવડમાં અછોડો કર્યો એમાં ને રમેશની ફીમાં અરધી ગઈ. શું કરીએ?

સત્યની દૃષ્ટિ ઓચિંતી ભીંત પર પડી. ગરોળી સરસર કરતી ઊંચે ચડી ગઈ. ખાટલામાંથી એ નીચે ઊતરી પડયો. માણેકચોકમાં કાગદીની દુકાને નોટો ખરીદવા ગયેલો ત્યારે દુકાનના સળિયા પરથી એક ભૂરીભટ ગરોળી ખમીશમાં પેસી ગયેલી. એ વખતે પોતે ચીસાચીસ કરી મૂકી હતી તે યાદ આવતાં તેનાથી હસી પડાયું. કશેક વાંચ્યું હતું, ગરોળીનું વિષ અઘાતક છે. ત્યારથી એના ભયને દૂર કરવાનો માનસિક પ્રયાસ આજ લગીમાં એણે ખૂબ કર્યો. સેનેટોરિયમમાં નં. 7ના ખાટલામાં ગરોળી પડી હતી ને પોતાના પેટમાં સરવરાટ શરૂ થઈ ગએલો. નં. 9ને એ ગરોળીને બહાર કાઢવા કહેલું ત્યારે તે ખૂબ હસેલો. ગરોળી ગ્રુપફોટા પાછળ સંતાઈ ગઈ હતી. ગ્રુપફોટા પર એનું ધ્યાન તો ક્યારનું ગયું હતું પણ ઝીણવટથી જોવાયું નહોતું. બાપુજી-મા, કાશીભાભી-મોટાભાઈ, રમેશ બધાંયને ફોટો; ને એક પોતે જ એમાં નહિ? પેલી ડીંટા જેવી સુરભિને પણ ભાભીએ કેડમાં લીધી છે. એક પોતે જ…? એક પોતાનો જ આમાં ફોટો નહીં! સુરભિ જેવડી ચેલકીનો…એનો લબડી પડેલો હોઠ, ગમી જાય એવી સાકરની ગાંગડી જેવી આંખો, અને ગંધની પોટલી જેવા એના ગાલ જોતાં બચી કરવાનું મન થાય એવી વ્હાલકુડી છોકરીનો ફોટો સત્યને ગમી ગયો. એમાંથી પોતાની ગેરહાજરીને પણ ભૂલી ગયો. સાચ્ચે જ એ નાની છોકરી સમગ્ર ફોટા પર અને પોતાના મન પર કબજો લઈને એની માતાની કેડ પર બેઠી હતી!

‘ફોટો જુવે છે, ભઈ? ‘ દિવાળીએ પરસાળમાં આવતાં જ પૂછયું.

‘હા મા, જોતો ખરી આ સુરભિ!’

‘બેટા, એ દહાડે એણે ઓ વિતાડયું છે, ઓ વિતાડયું છે. એની માય પટાવી પટાવીને થાકેલી, તારા બાપુજીએ તેડી તોય મૂઈ એકની બે ન થાય. મોટો ભઈ તો એવો ચિડાય-એવો ચિડાય—!’

જોયું તો સત્ય ખાટલા પર પુસ્તક લઈને એનાં પાનાં ફેરવતો હતો પુત્રને આમ હર્ષમાં જોતાં દિવાળીના આનંદને સીમા ન રહી .

બેટા, મીઠી લેમડી નાખીને કઢી બનાવી છે, તને બૌ ભાવે છે. એની સાથે લોટ શેકું કે વેઢમી કરું?’

‘મને શું પૂછે છે? કરને જે કરતી હોય તે.’

આવું છાંછિયું દિવાળીએ ક્યારેય સાંભળ્યું નહોતું. મનહર સામું બોલી ગયો તે એની ઑકાદ બગાડી નાખી. એક રાતમાં જુદાગરું કરી આપ્યું! એવાય જો કદિ ઊંચે અવાજે બોલી જાય તો એમનેય મોટું ‘ચુંલા જેવું’ સંભળાવી દેવામાં પોતે પાછી પાની કરતી નહીં.

‘તને મેં વેઢમીનું કહ્યું કંઈ ગાર તો નથી ભાંડી ને!’

‘મારું માથું ના ખા.’

‘આવ્યો છે મોટા મામલીતદાર થઈને! કોના ઉપર આટલી તયડાજી કરતો હશે આવોય.’ ને એ ઘરમાં જતી રહી. ‘રમેશના વિવા થઈ ગયા તે આંખમાં આવે છે, તે એમાં અમે તે શું મરીએ! તે પાછો…’ એ કઢીમાં તાવેતાને ક્યાંય લગી ફેરવતી રહી.

*

હૃદયના ગંભીરતમ ઊંડાણમાં છલાછલ કરતા નિર્ઝરે એકાએક ડોકું કાઢયું હતું. આજે ગામમાં આવ્યે ત્રણ દિવસ થઈ ગયા છતાં કેમે કર્યું અહીં મન માનતું નહોતું. એને સેનેટોરિયમમાં જઈ આવવાનું મન થઈ આવ્યું. માની રજા લીધી. તૈયાર થયો. માએ જમવાનો આગ્રહ કર્યો ત્યારે માંડ હાથ બગાડયો ન બગાડયો કરી ઊભો થઈ ગયો.

‘કેમ અચાનક જવું છે ત્યાં ભઈ?’ દિવાળીને થયું પાછો એને છાતીમાં દુખાવો તો નહિ ઊપડયો હોય. સત્યે કશો ઉત્તર ન આપ્યો.

‘પણ આવતી વખતે ભઈ, પેલું તારું ખમીશ ભૂલી ગયો છે તે યાદ કરીને લેતો આવજે. જો ત્યાં રહ્યું હોય તો!’

દિવાળીનો આખો દિવસ સત્યાના વિચારોમાં ગયો. સાંજે એ સેનેટોરિયમમાંથી વ્હીલે મોંએ પાછો ફર્યો. એ આવ્યો એવો ખુરશીમાં બેસી પડયો. એના બાપુજી વેપારીને તમાકુ બતાવવા ગયા હતા તે હજી આવ્યા નહોતા, એટલે દિવાળી પણ જમી નહોતી. પુત્ર આવ્યો એવો એને ખાવાનું કહેવું એ યોગ્ય ન માની તે છીંકણીની ડાબડી લઈ એની સામે બેઠી. આમ વ્હીલો વ્હીલો એને બેઠેલો જોઈ સત્યની માને બોલવાનો વિચાર થયો.

‘બેટા તું પેલું ખમીશ લેતો આવ્યો કે?’

‘ખમીશ મરી ગયું!’ એ રાતોપીળો થઈ ગયો.

‘આવોય જોને કરે છે?’ મનમાં મનમાં સોરવાતી દિવાળી બહાર આવી. મંજુને બોલાવી. પાછું શુંય થયું ને ‘જા કંઈ કાંમ નથી.’ કહીને કાઢી મૂકી. પાછો વધારે ગુસ્સે થાય. રતિલાલ પાસે ઉજણી નાખવાનો વિચાર આવ્યો અને સત્યની બીકે પાછો કાઢી મૂક્યો. પડોસણ ખુલ્લામાં આવી રોટલો ખાતી હતી એની પાસે ‘ઉપાય’ લેવા ગઈ. બન્ને જણીઓએ ચર્ચાને અંતે એક જ તારણ કાઢયું અને તે : રમેશનો વિવાહ વહેલો કરી નાખ્યો એટલે એને લાગી આવ્યું હશે – છે.

સત્યને લખવાનું ન ગમ્યું. એટલે લખેલું હતું તે મઠારવા મંડયો. એય ન ગમ્યું એટલે ચંપલ પહેરીને બહાર નીકળ્યો. એને આમ ભૂખ્યો – આવ્યો એવો જ બહાર જતો જોઈને પડોસણ પાસેથી દિવાળી ઊઠી. પરંતુ એમની એમ ઓટલા પર ઊભી ઊભી નિરુપાય દૃષ્ટિથી પુત્રની પીઠને જોઈ રહી.

*

સત્ય ખડકી બહારના એક મકાન સામે આવી ઊભો.

ચોકમાં ભજન થવાનાં હોઈ નાનાં છોકરાં નરઘાંકાંસી વગાડતાં હતાં.

એક બાલભક્ત એના કિશોર કંઠે ગાતો હતો.

‘હંસલો ચાલ્યો જવાનો એકલો રે.’

તો વળી એને બંગલાવાળું ભજન ગાવાનો કોઈ આગ્રહ કરતું હતું.

‘ના છગન એ નૈ, હેલો ગા હો.’

સત્યને રસ પડયો. વૈરાગના રંગમાં નર્યો આનંદ ભળ્યો હતો.

‘તારે ને મારે હંસા પ્રીત્યું બંધાણી. ‘ એક ગાતું હતું તો નરઘાં વગાડતો વગાડતો જેણો વળી :

તારી પાસે પઇસો નથી રોકડો

તું તો નંદબાવાજીનો છોકરો રે.’

ગાતાં ગાતાં અટકીને—

‘હાંભરો ને અલીઓ. દાંણલીલા. સોમાકાકા ને ભગતકાકાની જેમ હું શનિયો બેય ગૈએ. હેં ન’લ્યા શનિયા?’

સત્ય ક્યાંય લગી ઊભો રહેત પણ મંજુ બોલાવવા આવી એટલે એ ત્યાંથી ઘેર પાછો ગયો. એને થયું આ બાળકોની જેમ પોતે ન રહી શકે! વૈરાગ્ય એમને અડકતોય નથી. એમની પ્રવૃત્તિ કેવળ આનંદમય છે. ભક્તિનો અર્થ એને સમજાતો હોય એવું લાગ્યું. મનના તાપમાંથી વિરામ લેવા માટે, કલેશોથી મુક્ત થવા માટે આજે આ ગ્રામજનો ગાશે. ભગવાન અને ભજન તો આનંદનાં સાધન થઈ જશે. એમને માટે આત્માનું પરમ આત્મામાં વિલીન થઈ જવાનું સાધન ભક્તિ હશે. જે કહો તે. કશુંક દુ:ખ ભૂલવા માટેનો જ આ પ્રયાસ છે એ એને લાગ્યું. ખડકીમાં પેઠો તોય એક વાર તો એમ પણ થઈ આવ્યું : પોતે પાછો જાય. એટલામાં એના કાને ચાર-પાંચ વૃદ્ધ અવાજો હસતા સંભળાયા.

વૃદ્ધમંડળ અને હસવું? સત્યે કાન સરવા કર્યા.

‘હા વાઘજી મેં ય હારું હાભર્યું તો છે. દમયંતી પર હંસ મોહિત થઈ ગયો તે. માસ્તર પણ કે’તા’તા હોં!’

‘તો તો થઈ હાચી? બોલ લાલા.’

‘તે હું ચ્યારે ના કહું છું? હું તો પહેલેથી જ વાઘજીના મતને ટેકો આલું છું. ભઈ, આ અસ્રીએ તો પ્રથમી પર પરલે કરી નાંખ્યો છે, પરલે. તો પછી પંખીડા બચારાની શી વસાત; કહે જોય અરજન? ભલભલા વિસવામિતર મુનિનું તપ ઓગારી મોલ્યું તો પછે પંખીની ચણોટી જેવડી આંખનો એની આગર શો હધડો?’

‘એટલે જ તું ભરમચારી રહ્યો છે નૈ?’ ને પછી તો આખી ખડકી ખડખડ હસતી હોય એવું સત્યને લાગ્યું. હૂકાના તડાકા કચુમરા ફળ જેવી જુવાનીને કચડ તડક કચડ તડક ચાવતા હતા, દમયંતીની વાતમાંથી રઈબા અને સમુડીનાં નામ હસતાં હસતાં ઉલ્લેખાયાં, ભજનની એક છાલક ગામ પર છલકી પડી, કૂતરાં શેરી અને ફળિયાં ઓઢીને ઊંઘી ગયાં. ઓશીકા લગી સીમનો એકાદ સાદ, શિયાળવાંની લાળી આવીને ઊંઘેલાને પડખું ફેરવતો કરી દેતાં. પેશાબ કરવા જાગેલાને ભજનમાં બેસવાનું મન થતું એવી ભજનલ લહેંરો ગામ પર વાવા લાગી. તોય હજી સત્ય નિદ્રાથી દૂર હતો. બહાર આવ્યો. ખડકી ગાતી હતી :

જેંણી જેંણી મોરલીઓ વાગે છે.

ને ગામ આખું ઊંઘમાં ને ઊંઘમાં ‘જેંણી જેંણી મોરલીઓમાં’ ઝૂમતું હતું. નરઘું, કાંસી અને ગળાં પૃથક પૃથક રહ્યાં ન હતાં. એક ભજનનો રેલો ગામમાંથી ઊંચે ચડતો હતો. ઓચિંતો સત્ય બબડી ગયો :

‘નહીં નહીં….ત્યાં કશુંય નહોતું . હું પણ ક્યારેય દર્દી નહોતો. મને રોગ જેવું કોઈ દર્દ વળગ્યું નહોતું. હવે આ આકાશ પણ શુક્રહીન થયું છે, એમ સમજ. ના થઈ જ ગયું છે. આંબાની છાંય નીચે મેં ક્યારેય કોઈ સ્રીને જોઈ નહોતી. મેં એને મારી પ્રેયસીનું નામ આપ્યું નથી. એના કર્ણમૂલમાં મેં કોઈ તાજા શબ્દનું ફૂલ ખોસ્યું નથી. મે ક્યારેય કોઈ સ્રીને જોઈ નથી. આ પૃથ્વી પર કોઈ સ્રી જેવું છે નહીં, હતું નહીં અને હવે પછી હશે પણ નહીં. ને એણે આંખો મીંચી. ભજનના સેલ્લારામાં એ બાજરાના છોડની જેમ ડોલવા લાગ્યો. બે ભજનના અવકાશમાં પાછો એ દબાયો. પાછી પેલી પુરાણી ખડકીનાં કમાડ ખડખડ હસવા લાગ્યાં, પાછું પેલું આમ્રવૃક્ષ અંધારામાં ઝાવાયું ને અંધકાર પોતાના કાન પાસે શબ્દરૂપ બની ગયો…

‘હવે જવાંની પાછી આવે તો એ હાપણને તો હું પૂછડું વેંઝીને ઢીલીઢસ્સ કરી નાખું.’

ને પાછી નરઘા પર તમાકુ ઘૂંટાવા લાગી :

‘આરે જીવનમાં થોડું પીધું

ને વળી થોડું મરણમાં પીશું….’

સવારમાં ઊઠયો ત્યારે તેની પ્રફુલ્લતા માથી અછાની ન રહી.

થોડુંક લખી એ ખેતરમાં ગયો.

License

અશ્રુઘર Copyright © by રમણ છો. પટેલ. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.