૧૮

બીજે દિવસે ભલું બીડી સળગાવીને રોજની પેઠે થાંભલાને ટેકે બેઠો. એનું પડેલું મોં જોઈને લલિતાને દયા આવી. આ બિચારા પર શો દુ:ખનો પહાડ તૂટી પડયો હશે. એટલામાં ભલુએ વાત શરૂ કરી. હું કાલે આખું ઉમરેઠ રખડયો, પણ કોઈએ મધ લીધું નહીં. એક જાડી રાંડે બોલાવ્યો. માંડ માંડ જીવ આવ્યો તો કે આ તો ગોળની ચાહણી છે. એક ચહમાંવારો છોકરો–આપણા તલાટી જેવો – કહે તારું મધ તો ડાલડા છે. હે બોંન છે કંઈ ડાલડા? હું બાપગોતરમાં ભેગ કરું એવું તમને લાગે છે? એ આંધળાને સસતામાં મધ પડાવવું’તું એટલે જ મધમાં વચકા પાડતો’તો. મને એવોય કે’ બે અને અધેલીમાં રેડતો જા, આલવું હોય તો. અપાય કંઈ એટલામાં? દોઢશેર જેટલું છે. મારો તો જીવ કપાઈ ગયો. ધાર્યું હોય શું અને મળે શું? એ અન્યા કહેવાય હોં. હજુય બે અને અધેલીમાં તો ના નાંખી દેવાય. વનમારીની માએ રાતે કળશી કકળાટ કર્યો.

‘ભલુભાઈ, મધ લેવામાં પાપ ન થાય?’

‘તમને શેનું પાપ?’

‘ના તમને કહું છું. ઝાડ પરથી લેવામાં પાપ ન થાય?’

‘મુદ્દલે નહીં. મારા હાથથી એકેય માંખને અજા ન આવ્વા દઉં હા. એવું પાપનું મધ હું તમ જેવાં હારાં લોકોને ન ખવડાઉં હોંકે.’

લલિતા સમજી ગઈ મધ વેચવાની એને ગરજ છે. ઘરમાં દાણો ખૂટયો હશે, નહીં તો એની વહુ ઝઘડે શેની? પણ એ બોલી નહીં. ભલું બોલતો હતો :

‘એય નિરાંતે બીડી હરગાવું. ઝાડ પર ચડું. ધુમાડીથી માખો ખસે તો ઠીક નૈ તો પછી ધેંમે રહી એમની રાણીને પકડું.’ પછી ભલું લલિતા પાસે ખસ્યો.

‘છે ને બોંન, એમનેય લીલી રાંણી હોય છે. એને હાચવીને ચપટીમાં ઝાલી લઉં, અજો ના આવે એમ અને હાથ ઊંચો રાખું. બધીય માંખો મારા હાથ પર બેહી જાય મારી બેટી. પછી ઢેંચણમાં કળશો દબાવતોક બીજે હાથે પુડો નેંચોવી લઉં, તોડીય લઉં. પછી કામ પતે એટલે પેલી રાંણીને મેલી દઉં. તે બધીય એની પાછળ છૂટે પછી. પણ છેને બોંન એક વખત તાલ થયેલો. માખો વચ્ચે રાણી બેઠેલી. જેવો એને ઝાલવા જઉં, એવોજ ત્યાં એની પાંહે એનો નર બેઠેલો. ને લલિતાબોંન મધ લીધા વના એમને એમ ઠાલોમાલો ઊતરી પડેલો તે દન. હાચું કહું? પુરુષ અને અસ્રીને છૂટાં પાડવામાં જેટલું પાપ એટલું પાપ બીજા કશામાં નથી.’

ને એ કેવારની નજીક ભીની માટીમાં સળેખડીઓથી ઘર બનાવતા વનમારીને જોઈ રહ્યો.

‘ભલુભાઈ, મને એ આપી દો. હું તમને ચાર રૂપિયા આપીશ.’

‘મેલડીના?’ કહેતોક હર્ષથી એ ઊભો થઈ ગયો અને પાસે રમતા વનમારીને હુકમ છોડયો :

‘વનમારી, જા જોય તલાટીને ઘેર તારી મા દળવા ગઈ છે, એને ઘડી વાર બોલાઈ આય. જા હડી કાઢ.’ લલિતાને સમજાયું નહીં. ભલુ એની પત્નીને કેમ બોલાવતો હશે.

‘તલાટી ઉધારે દાંણા નથી આપતા બોંન. શું થાય?’ ને એ મધ લેવા છાપરીમાં ગયો. સામેથી સત્ય આવ્યો.

‘લલિ, હું રાત્રે અહીં આવીશ. તારે મારી સાથે આવવાનું છે.’ ને લલિતાના ઉત્તરની પરવા કર્યા વગર આવ્યો એવો તરત પાછો ચાલ્યો ગયો.

ભલુ થોડી વાર પછી હાથમાં મધનો શીશો લઈને આવ્યો.

‘લોં બોંન આ—’

લલિતાએ એને ચાર રૂપિયા આપ્યા.

‘તમારે ઘેર મૂકો એને હમણાં. મારે જોગશે ત્યારે માગીશ.’

લલિતાને અત્યારે દિવસનો તેજસ્વી અંધકાર ખંડમાં પ્રવેશીને ચારેકોરથી દબાવતો લાગ્યો. મનના સ્વાસ્થ્યને નિર્ણય દૃઢ કરીને જાળવી લીધું. બારણું બંધ કરવા તે પાછી વળી પણ તેમ કરવાનું મન ચાલ્યું નહિ.

‘એમનો ગુસ્સો ભારે છે.’

સત્ય આવીને કેટલું બધું બોલી ગયો હતો. લગ્નની વાતને તે વાગોળવા મંડી. સત્ય કરેય શું? પણ પાછી સ્વસ્થ થઈ. કેમ કરે શું? સૂર્યા સાથેના હૃદયગત સંબંધની વાત પોતાનાથી કેમ છુપાવી? પણ એણે છુપાવી છે જ ક્યાં? તે ગમે તે હો. ને લલિતાએ બારણું બંધ કરી લીધું.

કેટલી રાત ગઈ. લલિતાને ઊંઘ ન આવી. ઓચિંતો પગરવ સંભળાયો. મક્કમતા સચેત થઈ. નિર્ણય દૃઢમૂલ બન્યો. પરવશતા કંપવા મંડી.

‘હું નહીં આવું.’

બારણું ન ખોલ્યું. અંદર રહ્યે રહ્યે એણે ઉત્તર આપ્યો.

‘હું સ્રી છું. મારાથી ભાગી ન જવાય.’

‘…… ……’

‘તમે ગમે તેટલો ક્રોધ કરો. હું કંઈ તમારી દાસી નથી. અને એટલું સમજી લો, મારા પર ક્રોધ કરવાનો તમને કોઈ અધિકાર નથી. હું વિધવા છું. તમને ભાન નથી, તમારે શરીરે પીઠી ચોળેલી છે એનું.’

‘…… ……’

‘હા, ચોળેલી જ છે.’

‘તનેય આમ ક્યાં પીઠી ચડી નહોતી. ને તોય હું—’

બહારથી બુદ્ધિહીન અવાજ ક્રોધનો પરિવેશ ધારી આવ્યો ને અંદરથી પણ એવો જ સણસણતો ઉત્તર :

‘તો પછી ચાલ્યા જાવ, કેમ આવ્યા છો અહીં? એક નિરાધાર વિધવાને પણ બીજાની જેમ આબરૂ જેવું હોય છે. અને યાદ રાખો, સ્રીના હૃદયમાં કઈ થોકબંધ પુરુષ સંઘરાતા નથી. ચાલ્યા જાવ, ચારિત્રહીન, ચાલ્યા જાવ બેશરમ, મારી પરિસ્થતિને સમજી લઈને કૂતરાની જેમ….’ જોસથી બારણું ખખડયું.

ને તે બારણા આગળ ફસડાઈ પડી.

સત્યે આવું માન્યું નહોતું. એ ત્યાં ક્ષણવાર પણ ન ઊભો રહ્યો. બારણાને એણે જોસથી લાત મારી હતી એનો પણ તેને ખ્યાલ ન રહ્યો. રાતે જાગી ગયેલો ભલું તો આ જોઈને દંગ થઈ ગયો. બારણું ખુલ્લું હોત તો ‘સતિ ભૈ’ લલિતાને મારી બેસત. છાપરી પાછળ આવીને ભલું ખાટલામાં બેસી આવ્યો પણ એના કાન તો નિશાળના ખંડમાં જ મંડાયા હતા. એને તો વનમારીની માનેય જગાડવાનું મન થયું ને કહેવાનું પણ કે ‘જો, રાંડ માયા તો આનું નામ. કરે છે ને ડહક ડહક બચારી.’ પણ એ તો એની મેળે તારાઓ જોતો, સાંભળતો પડયો રહ્યો.

License

અશ્રુઘર Copyright © by રમણ છો. પટેલ. All Rights Reserved.

Feedback/Errata

Comments are closed.