ભાગ પહેલો : ધર્મ અને સમાજ

9. પ્રચલિત ધર્મોનું એક સામાન્ય લક્ષણ

સર્વધર્મસમભાવના વિવેચનમાં એક વાત એ કહેવામાં આવે છે કે સર્વે ધર્મોમાં આધ્યાત્મિક, પારમાર્થિક અને સાત્ત્વિક જીવનના સંબંધમાં મહત્ત્વનાં સિદ્ધાંતો સરખા જ છે. સર્વે ધર્મો પરમેશ્વરની ભક્તિ અને આશ્રય, સત્યઅહિંસાદયાક્ષમાસંયમ વગેરે સંત ગુણોનું અનુશીલન વગેરે પર સરખો ભાર મૂકે છે. વિગતોમાં થોડોઘણો દેશકાળાદિના ફેરફારને લીધે ફરક દેખાય, પણ તેને કોઈ ધર્મના સંતપુરુષો બહુ મહત્ત્વ આપતા નથી. માટે સર્વે ધર્મો સમાન આદરને પાત્ર છે.

સર્વે ધર્મોમાં એક બીજો સિદ્ધાંત પણ સમાન છે, અને કમનસીબે તે સિદ્ધાંત આજના પ્રશ્નોનો ઉકેલ શોધવામાં મુશ્કેલીઓ ઊભી કરે છે. સમાજધર્મના પાલનમાં એ સિદ્ધાંત બાધક થાય છે, અને મનુષ્યને – વિશેષ કરીને શ્રેયાર્થી વૃત્તિના મનુષ્યને ખ્ર્સમાજધર્મની અવગણના કરતાંયે શીખવે છે. તે સિદ્ધાંત વ્યક્તિની અમરતા અને મોક્ષનો છે. મનુષ્યને જીવંત કાળ દરમ્યાન અનુભવાતું પોતાનું વ્યક્તિત્વ અનાદિઅમર છે; મરણ પછી તે પુનર્જન્મ દ્વારા, કે સ્વર્ગનરકના વાસ દ્વારા ચાલુ રહે છે, અને મનુષ્યનું સાચું કાર્ય આ સંસારને સુધારવાનું નથી, પણ પરલોક (એટલે ભવિષ્યમાં સારા જન્મની અથવા નરકનું નિવારણ કરી અખંડ સ્વર્ગ અથવા નિર્વાણની) પ્રાપ્તિનું છે; ઐહિક જીવનમાં જેટલું દુઃખ તેટલું પારલૌકિક જીવનમાં સુખ એ સંસ્કારો આમાંથી ઉત્પન્ન થયા છે. ઘરમાં છાપરું ચૂતું હોય, તો પોતે છત્રી ખોલીને બેસી જવું, અને એ જ રીતે ઘરના માણસોએ પોતપોતાની સગવડ કરી લેવી એવો સંસ્કાર અતિ તીવ્ર શ્રેયાર્થી પર પડેલો હોય છે. રાત અને દિવસના જેવો પરલોક અને આ લોક વચ્ચે, સમાજના – સંસારના ધર્મો અને મોક્ષના ધર્મો વચ્ચે વિરોધ મનાયો છે. મોક્ષધર્મમાં ચાલવાની અશક્તિને પરિણામે સમાજજીવનમાં પ્રવૃત્તિ : એ દ્વારા ચિત્તશુદ્ધિ સધાય તેટલું એમાં હિત : પણ છેવટનું ધ્યેય નિવૃત્તિ, વ્યક્તિગત સાધના, પોતાનો સ્વર્ગ કે મોક્ષરૂપી પરલોક. આથી સમાજને સુખી કરવા મથનારા, સમાજની વિવિધ પ્રવૃત્તિઓમાં પડનારા, સમાજના ધર્મોને અનુસરનારા લોકો અંતિમ દૃષ્ટિએ અજ્ઞાની, માયામાં ફસાયેલા જ ગણાય છે.

આથી તીવ્ર શ્રદ્ધાળુ માણસને સંસારનાં કર્મો વિશે અનાસ્થા અને તેમાંથી નાસી છૂટવાની વૃત્તિ ઊઠયા કરે એ સ્વાભાવિક છે. જો તે સંસારનાં કર્મોમાં રસ લે તો એ તીવ્ર સાધક ન થઈ શકે, અને સાધુપુરુષોએ સંસારનાં કર્મોમાં રસ લેવો એ પતન પણ ગણાય. પરિણામે, સંસારની પ્રવૃત્તિઓ સ્વાર્થી, ખંધા પુરુષોના જ હાથમાં રહે એવું બને છે.

આ માટે આત્મતત્ત્વ (ચૈતન્ય શક્તિ અથવા બ્રહ્મ) અને તેના વ્યક્તિરૂપે દેહદેહમાં દેખાતા પ્રત્યગાત્મભાવ વચ્ચેનો ભેદ સમજવાની જરૂર છે. ચૈતન્યશક્તિ અથવા પરમેશ્વર અનાદિઅમર છે માટે તેમાંથી સ્ફુરેલું અને તેને આધારે રહેલું વ્યક્તિત્વ પણ અનાદિઅમર જ છે એમ નિશ્ચિતપણે કહેવાય નહીં. એ હોય પણ અને નયે હોય. એ છે જ એમ માની લેવાને પરિણામે સમાજધર્મ વિશે અનાસ્થા અને પોતાના વ્યક્તિત્વના જ વિકાસ અને મોક્ષમાં શ્રદ્ધા ઉદ્ભવે છે. સમાજધર્મ, સેવા બધું પોતાના અંગત મોક્ષની સિદ્ધિ પૂરતું જ મહત્ત્વનું બને છે. એ કલ્પના જ હોય તો સમાજધર્મનો ત્યાગ એ સમાજનો દ્રોહ જ થાય છે.

બીજી બાજુથી વિચારીએ તો વ્યક્તિઓ મરી વિશ્વમાંથી નઃશેષ થઈ જાય તોયે વિશ્વજીવનનો ક્રમ અને વિકાસ અટકતાં નથી. પૂર્વજોએ સાધેલા વિકાસ કે હ્રાસ કરેલાં તપો કે પાપો, મેળવેલી સિદ્ધિઓ કે પરાજય વગેરેનો લાભ પાછલી પઢીઓને મળે છે, અને તે રીતે સમાજની થયેલી ચડતીપડતીનો ઇતિહાસ પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. પૂર્વજોનો ધાગો વંશજોમાં દેખાય છે, અને એ રીતે આખા સમાજમાં દેખાય છે. વ્યક્તિની ઉન્નતિ દ્વારા સમાજની ઉન્નતિ થાય છે, અને સમાજની ઉન્નતિ વ્યક્તિની ઉન્નતિને મદદરૂપ થાય છે. સમાજની મદદ વિના કોઈ પણ વ્યક્તિ પોતાનો સર્વથા વિકાસ કરે એ બની શકતું નથી. ‘જન્મમૃત્યુબીચ ક્ષણ નહીં તાતા | જબ ન સમાજ હોત સુખદાતા || (કૃષ્ણાયન)’ કેટલીક વ્યક્તિઓની મદદ વિના સમાજને પોતાનો વિકાસ કરવો પડે એમ બને. એવી વ્યક્તિઓ સમાજ પ્રત્યેનું ઋણ અદા કરતી નથી એમ કહેવું જોઈએ.

એટલે વ્યક્તિત્વ અનાદિઅમર હોય તોયે સમાજધર્મને છોડીને અંગત શ્રેય સાધવાની ઉપાસના દોષરૂપ છે. સમાજના કલ્યાણને માટે પ્રયત્નશીલ રહેવું અને એ હેતુથી જ પોતાની શક્તિઓનો ઉપયોગ અને વિકાસ કરવો એ જ સાધના હોવી જોઈએ. એ વિચારને અભાવે સંસાર એને પીડા કરી શકનારા માણસોના હાથમાં જ રહ્યો છે અને રહે છે. જેટલે અંશે એ વિચાર, પરમેશ્વરમાં નિષ્ઠાપૂર્વક, છૂટયો છે તેટલે જ અંશે સંસારને સત્પુરુષોની મદદ મળી છે અને મળે છે. વ્યક્તિએ પોતાના મરણ પછીના પોતાના ભવિષ્યની ચિંતા કરવાની જરરૂ નથી. સમાજના જ શ્રેયની ચિંતા કરવી ઘટે છે.

License

સમૂળી ક્રાન્તિ Copyright © by કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા. All Rights Reserved.