ભાગ પહેલો : ધર્મ અને સમાજ

11. ભાષાના પ્રશ્નો – પૂર્વાર્ધ

પાકિસ્તાન પ્રકરણ હિંદુ સમાજબંધારણ અને સ્વભાવનું પરિણામ છે એ આપણે સારી પેઠે યાદ રાખવાની જરૂર છે. આપણો ચોકો બીજાઓથી તદ્દન જુદો હોવો જોઈએ, એમાં કોઈ બીજાનો મેળ ન થવો જોઈએ, આંધળોયે જોઈ શકે એવી આપણી વિશિષ્ટતા દેખાઈ આવવી જોઈએ, એ હિંદુ જનતાનો – બલકે જનતાનો નહીં, પણ હિંદુ પંડિતો, આગેવાનો તથા ઉચ્ચ કહેવાતી જાતિઓનો સ્વભાવ અને આગ્રહ બન્યો છે.

આવો સમાજ સુધરતો કે પ્રગતિ કરતો જ નથી એમ નહીં, પણ સુધારા કે પ્રગિતને બુદ્ધિપૂર્વક અપનાવતો નથી. જબરદસ્તીથી તે ઠોકી બેસાડવામાં આવે અને પૂરતો કાળ જાય એટલે તેને એ વશ થાય છે. વશ થાય છે એટલું જ નહીં, પણ એ જાણે અસલથી જ પોતાનું અંગ હતું એમ સમજી તેનું મમત્વ પણ રાખવા માંડે છે. સુધારા પ્રત્યેની આપણી વૃત્તિ આગગાડીના મુસાફરો જેવી છે. જગ્યા હોય તોયે નવો મુસાફર બેસવા આવે તો પહેલાં તેને રોકવા પ્રયત્ન કરવો. પણ એ પરાણે ઘૂસી જાય તો પહેલાં થોડી વાર રોષ બતાવવો અને પછી તેને મિત્ર બનાવવો. વળી કોઈ ત્રીજો મુસાફર આવે તો જૂના અને નવા બન્નેએ મળી તેવો જ વ્યવહાર એ ત્રીજા પ્રત્યે બતાવવો.

આર્થિક, સામાજિક, સાહિત્યિક, સાંસ્કારિક, વગેરે જીવનની કોઈ પણ બાજુ આપણે તપાસીશું તો આપણો આ સ્વભાવ દેખાઈ આવશે. તે પૈકી આ પ્રકરણમાં ભાષાનો પ્રશ્ન વિચારવો છે.

આપણી હાલની પ્રાન્તીય ભાષાઓ બહુ મોટે ભાગે સંસ્કૃત ભાષાનું ખાતર ચૂસીને ઊછરેલી વિવિધ વેલીઓ છે એમાં શંકા નથી. પણ બહુ મોટે ભાગેનો અર્થ સોએ સો ટકાના જેવો સમજવા માંડીએ છીએ ત્યારે બેત્રણ પ્રકારની દિશાભૂલ થાય છે. પહેલી એ કે સંસ્કૃત ખાતરનો ભાગ બહુ મોટો હોય, તોય તેમાં બીજી ભાષાનાં ખાતરો પણ છે જ, અને સંસ્કૃત એના સાહિત્યિક સ્વરૂપમાં નથી, પણ પ્રાકૃત અથવા વિકૃત (એટલે વિલક્ષણકૃત) રૂપેમાંયે છે, એ ભૂલી જઈએ છીએ. આ કારણથી એક જ સંસ્કૃત શબ્દ જુદી જુદી ભાષાઓમાં જુદા જુદા અર્થોમાં વપરાય છે, તેમ જ એક જ અર્થમાં જુદી જુદી ભાષો જુદા જુદા સંસ્કૃત શબ્દો પણ વાપરે છે એ ભૂલી જઈ છીએ. બીજી ભૂલ એ થાય છે કે આપણે એવું માનતા થયા છીએ કે મુસલમાનો તથા અંગ્રેજોના આવ્યા પહેલાં સંસ્કૃત કુળથી સ્વતંત્ર ભાષાઓ બોલનારા જાણે કોઈ પ્રજાજનો આ દેશમાં નહોતા જ, અથવા હતા તોયે તેમની બોલીઓનો આપણી હાલની ભાષાઓમાં કશો જ ફાળો નથી. સાચી વાત તો એ છે કે આપણી પ્રચલિત ભાષાઓ સંસ્કૃત (તત્સમ કે તદ્ભવ) + સ્થાનિક, તેમ જ પુરાણી કે નવી આવેલી પ્રજાઓની ભાષાઓથી સારી પેઠે મિશ્રિત છે, અને કેવળ મુસલમાની (ફારસીઅરબી) કે અંગ્રેજી ભાષાઓથી જ મિશ્રિત થયેલી નથી. ત્રીજું, આપણે એ વાત ભૂલી જઈએ છીએ કે ખુદ સાહિત્યિક સંસ્કૃતમાં પણ અન્ય ભાષાઓનો ઉમેરો થયેલો છે. કેટલાય દ્રાવિડી ભાષાઓના શબ્દો તત્સમ કે તદ્ભવ (એટલે સંસ્કૃતકૃત) રૂપમાં, તથા કેટલાયે ગ્રીક વગેરે ભાષાઓના શબ્દો પણ છે. આપણી દૃષ્ટિએ આપણે એને સંસ્કૃત બનાવેલા ગણીએ છીએ; એ ભાષાઓ બોલનારાઓની દૃષ્ટિએ તે વિકૃત કે તદ્ભવ બનેલા ગણાય. આમ સંસ્કૃત કે પ્રચલિત કોઈ પણ ભાષા અસંકર નથી. પણ એ પાછલા સંકરોને આપણે પચાવી લીધા છે, અને એનું સમત્વ પણ ઉત્પન્ન થયું છે, એથી આપણી ભાષા બગડી નથી, વધી છે, સમૃદ્ધ થઈ છે, એને પ્રાન્તીય વિશિષ્ટતાઓ પ્રાપ્ત થઈ છે, શુદ્ધ સંસ્કૃત કરતાં એવા તળપદા (સ્થાનીય) શબ્દો વધારે પસંદ કરવા લાયક છે, એમ પણ માનવા લાગ્યા છીએ. સંભવ છે કે જે જે જમાનામાં આવી ભેળસેળ થઈ ત્યારે એનો સત્કાર નહીં થયો હોય, પણ અનિવાર્ય થઈ પડયા પછી એને વિશે મમત્વ બંધાયું હશે. આવી કેટલી ભાષાની નદીઓ આપણી હાલની ભાષાઓમાં ભળેલી હશે, તે ગણાવવું પણ મુશ્કેલ છે.

મુસલમાનો અને અંગ્રેજોના આગમન પછી તેમની ભાષાઓના શબ્દો, પ્રયોગ, પરિભાષાઓ વગેરે આપણી ભાષાઓમાં દાખલ થાય તેમાં કાંઈ જ આશ્ચર્ય પામવા જેવું નથી. તેમણે આપણને જીત્યા, આપણા પર રાજ્ય કર્યું, આપણને શરમિંદા કર્યા, તેનું ભલે આપણને દુઃખ લાગે તેથી ભાષાઓની કે સંસ્કૃતિઓની ભેળસેળ વિશે કશું રોષ લગાડવા જેવું નથી. પ્રજાઓ પ્રજાઓ વચ્ચે સંબંધો બંધાવવાને અનેક નિમિત્તો થાય છે. પાડોશ, વેપાર, પ્રવાસ, સાહિત્યશોખ વગેરે દ્વારા જેમ સંબંધો બંધાય છે, તેમ હિંસાપરાયણ જગતમાં આક્રમણ અને હારજીત દ્વારા પણ સંબંધો બંધાય છે. બધાંનાં ઈષ્ટાનિષ્ઠ પરિણામો આવે છે. બધાંની એકબીજાની ભાષા અને સંસ્કૃતિ ઉપર સારી માઠી અસર થાય છે, જેની જે વિશિષ્ટતા હોય, તેની ભાષામાં તેને લગતા ખાસ શબ્દો પણ હોય, બીજી ભાષામાં તેને બરાબર પ્રગટ કરનારા કોઈ શબ્દ ન હોય એમ બને. તેવે વખતે પોતાની ભાષાનો કોઈ નવો શબ્દ બનાવવો સામાન્ય જનતાને સૂઝે નહીં; કારણ કે એમ કરવું સ્વાભાવિક નથી. કોઈ વાર એના પર્યાયરૂપ બીજો શબ્દ હોય, તોયે તે નવો શબ્દ વાપરવામાં સગવડ રહી હોય એમ બને. એને પરિણામે કાં તો બંને શબ્દો ચાલે અથવા પોતાનો ભુલાઈ પણ જાય એમ બને. એ અસમાન પ્રવાહો ભેળા થાય ત્યારે મોટો અથવા જોરદાર પ્રવાહ નાના કે નિર્બળ પ્રવાહને અટકાવી દે છે એવું જેમ જળ અને વાયુ વિશે બને છે, તેમ ભાષાઓ વિશે પણ બને છે.

ભાષાનું પ્રયોજન એકબીજાને પોતાનું મનોગત સમજાવવાનું છે. એમાં બોલનાર કરતાં સાંભળનારની સગવડ વધારે મહત્ત્વની વસ્તુ છે. ‘આંખના ખાસ દાક્તરમાં સંસ્કૃત, અરબી અને અંગ્રેજી ભષાઓના તદ્ભવો છે. છતાંઅક્ષિ ચિકિત્સા વિશેષજ્ઞકે એવું કાંઈ પાટિયું કોઈ લગાડે તો તે સામાન્ય માણસને દુર્બોધ્ય અને અગવડભર્યું થશે. ધંધો કરવાની ઇચ્છાવાળો કોઈ માણસ એવું નહીં કરે. દાક્તરને બદલે એ વૈદ્ય કે હકીમ પણ નહીં લખે. કારણ એથી એની વિશેષ ચિકિત્સાપદ્ધતિ વિશે ભ્રમ થાય. ભાષાશુદ્ધિની દૃષ્ટિએ આ મોટો સંકર છે, પણ ભાષાશુદ્ધિ એ કાંઈ સ્વતંત્ર સાધ્ય નથી. ભાષા પોતે જ જીવનનું સાધ્ય નથી પણ સાધન છે, તો તેની શુદ્ધિ વિશે તો શું કહેવું?

પરંતુ, મુસલમાનો અને અંગ્રેજો આક્રમણ કરી આપણને હરાવીને આવ્યા છે, એમાંથી ઉત્પન્ન થયેલા હીનતાગ્રહથી આપણે એમની ભાષા, સંસ્કૃતિ, લિપિ વગેરે સર્વે પ્રત્યે અણગમો કેળવ્યો છે. જમતાં જમતાંયાવની‘ ‘મ્લેચ્છભાષાનો શબ્દ સંભળાય તો ઊઠીને નાહવું એટલે સુધી અણગમો કેળવનાર પંડિતો આપણે ત્યાં થઈ ગયા છે. એથી એ ભાષાઓને આપણામાં દાખલ થતી અટકાવી શકાઈ નથી. પણ એ અણગમાની ભાવના હજુ આપણે છોડી શકતા નથી. એમની ભાષાના જે શબ્દો કેટલીયે પેઢીઓથી આપણી પ્રજા વાપરતી થઈ ગઈ છે, તે બદલવા આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ, અને તે પ્રયત્ન જ્યાં બે સમાન અને સામાન્ય શબ્દો જાણીતા હોય તેટલા પૂરતો જ મર્યાદિત નથી, પણ તે તે પ્રજાઓએ દાખલ કરેલી વિશિષ્ટ વિદ્યાઓ અને પ્રણાલિકાઓને લગતા ખાસ શબ્દોનેય વ્યાપે છે. ‘કંપનીને માટેભાગીદારીશબ્દ બરાબર ચાલે એમ હતો એમ માનીએ, અને ભાગીદારી એ  અંગ્રેજોએ દાખલ કરેલી સંસ્થા નહોતી, એ પણ સાચું. પણ પેઢીના નામ સાથેભાગીદારીશબ્દ જોડવાની રૂઢિ આપણા દેશમાં નહોતી. એ રૂઢિ અંગ્રેજો પાસેથી લીધી, એટલે વધારે ઝીણવટમાં ન ઊતરતાં અંગ્રેજોનીકંપની સરકારશબ્દ વાટે પરિચિત થયેલોકંપનીશબ્દ આપણે પણ ઉપાડી લીધો. એ સોદોઢસો વર્ષ વાપર્યો. હવે એને બદલેભાગીદારીશબ્દ પણ નહીં, પણપ્રમંડલશબ્દ દાખલ કરવાના પ્રયત્નને મિથ્યાભિમાન સિવાય શું કહેવું? એ જ રીતે transfer-entry માટેહવાલોશબ્દ રૂઢ છે; પણ એ તો મુસલમાની ભાષાનો છે. એ આપણા મિથ્યાભિમાનને પોષી શકતો નથી. માટેસ્થાનાંતરણપ્રવિષ્ટિએવો શબ્દ સૂચવાયો છે. એ જ વિચારસરણી agreement અનેકરારને બદલેસંવિદાઅને agreement-deed ‘કરારનામુંબદલેસંવિદાલેખઅથવાસંલેખએવા એવા શબ્દો સૂચવવામાં આવ્યા છે. સાહિત્ય અને ભાષાના ક્ષેત્રમાં એકેએક જીવનના વિષયમાં આ રીતે અરબીફારસીઅંગ્રેજી રૂઢ શબ્દો કાઢીને સંસ્કૃતનો જીર્ણોદ્ધાર કે નવો અવતાર કરવાનીભદ્રંભદ્રવૃત્તિ પેદા થઈ છે.

પહેલા જ લેખમાં કહ્યું તેમ આપણા વિચારો આજે બે પરસ્પર વિરોધી દિશામાં કામ કરી રહ્યા છે. એક બાજુથી આપણે હિંદુમુસલમાનશીખપારસીખ્રિસ્તી વગેરેને એક પ્રજામાં સંગઠિત કરવી છે; ન્યાતજાત તથા સંપ્રદાયના ભેદો અને વૈમનસ્યો તોડવાં છે; અને બીજી બાજુથી આપણી પોતપોતાની પ્રાચીનતાનો પુનરુદ્ધાર કરવો છે. એક બાજુથી આપણે આખી દુનિયાની એકતા, આખા એશિયાનું સંગઠન, અખંડ હિંદુસ્તાન વગેરે સાધવાની ઇચ્છા રાખીએ છીએ, બીજી બાજુથી પરદેશી ગણેલા સંસ્કાર, ભાષા વગેરેની આભડછેટ કેળવીએ છીએ. અને તે સૈકાઓ સુધી સાથે રહ્યા બાદ!

આ દૃષ્ટિ બીજી ગમે તેની હોય, ક્રાન્તિની નથી, એકતાની નથી, સુલેહશાંતિસંપની નથી, માટે અહિંસાની નથી, વિદ્યા તથા પ્રગતિની નથી, મારી દૃષ્ટિએ સંકુચિત મિથ્યાભિમાનની છે.

કેળવણીની દૃષ્ટિએ આ પર ચોથા ખંડમાં વધારે વિચાર કર્યો છે

License

સમૂળી ક્રાન્તિ Copyright © by કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા. All Rights Reserved.