ભાગ બીજો : આર્થિક ક્રાન્તિના પ્રશ્નો

8. આર્થિક ક્રાન્તિના મુદ્દા

કઈ નિશ્ચિત યોજનાથી અને વિનિમયના સાધનથી આ બધું એવી રીતે વ્યવહારમાં સિદ્ધ કરી શકાય કે જેથી જીવનને વધારે મહત્ત્વની વસ્તુઓની કિંમત વધારે અંકાય ઓછી મહત્ત્વની હોય તેની ઓછી તે હું બરાબર બતાવી શકું એટલું મારું જ્ઞાન નથી. પણ આપણા વિચાર અને વ્યવહારમાં નીચેની ક્રાન્તિઓ થવી જ જોઈએ એ વિશે મને શંકા લાગતી નથી.

1. જીવની – ખાસ કરીને મનુષ્યની – કિંમત સૌથી વધારે અંકાવી જોઈએ. કોઈ પણ જડ પદાર્થ અને સ્થાનની પ્રાપ્તિ માનવજીવન કરતાં વધારે મહત્ત્વની ન હોય.

2. અન્ન, જળાશય, વસ્ત્ર, ઘર, સફાઈગીરી, નીરોગતા વગેરે વસ્તુઓ, અને તે સિદ્ધ કરનારા ધંધાઓ બીજા સર્વે પદાર્થો અને ધંધાઓ કરતાં નાણાંના રૂપમાં વધારે કિંમત ઉપજાવનારા થવા જોઈએ. દુશ્મનાવટથી એનો નાશ કરવો એ આંતરરાષ્ટ્રીય નીતિમાં અત્યંત હીન કર્મ ગણાવું જોઈએ, અને તેમ કરનારા માનવજાતિના શત્રુ લેખાવા જોઈએ.

3. પદાર્થની વિરલતા, તથા જ્ઞાન, કર્તૃત્વ, શૌર્ય વગેરેની વિરલતાને લીધે એ પદાર્થો તથા તેને કરનારા ધંધાઓની પ્રતિષ્ઠા ભલે વધારે હોય; પણ તે પ્રતિષ્ઠા નાણાંના રૂપમાં અંકાવી ન જોઈએ.

4. દેશની મહત્ત્વની સંપત્તિ તેની અન્નોત્પાદન શક્તિ અને માનવસંખ્યા પર ગણાય; તેની ખનિજસામગ્રી કે વિરલ સંપત્તિ ઉપર નહીં, કે યંત્રો ઉપર પણ નહીં. જો એક માણસ પાસે સોનું કે પેટ્રોલ નિપજાવનાર પાંચ એકર જમીન હોય અને અન્ન પેદા કરનાર પાંચસો એકર  ખેતી હોય અને એને બેમાંથી એકને છોડવાનો પ્રસંગ આવે તો આજના અર્થશાસ્ત્ર પ્રમાણે તે પાંચસો એકર ખેતીને છોડશે. સાચા કિંમતગણિત પ્રમાણે તે પાંચ એકર ખાણ છોડવા તૈયાર થવો જોઈએ. એટલે કે સંપત્તિનું માપ સોનાપટ્ટીથી નહીં, પણ અન્નપટ્ટીથી અને ઉપયોગિતાની શક્તિથી અંકાય એવી રીત યોજાવી જોઈએ.

5. એક રૂપિયો કે એક રૂપિયાની નોટ એટલે ક્યાંક રાખેલું અમુક ગ્રેન સોનું કે ચાંદીનું પ્રમાણપત્ર નહીં, પણ અમુક શેર કે તોલા અનાજ એ રીતે નિશ્ચિત થવું જોઈએ. નાણું એટલે અમુક ગ્રેન ધાતુ નહીં, પણ અમુકગ્રેન‘ (ધાન્ય) જ હોવું જોઈએ. પાઉંડ અને અક્ષરશઃ પાઉંડ – (રતલ – અમુક હજારગ્રેનધાન્યના દાણા) જ સમજાવો જોઈએ.

6. સોનાનો ભાવ અમુક રૂપિયે તોલો છે, અને ચોખાનો ભાવ અમુક રૂપિયે મણ છે એ ભાષા અર્થ વિનાની થવી જોઈએ. સાચું પૂછતાં આજે એનો કશો અર્થ રહ્યો પણ નથી. કારણ કે રૂપિયો જ સ્થિર માપ નથી. સોનાનો ભાવ તોલે અમુક મણ ઘઉં કે ચોખા છે એ ભાષા (તોલા તથા મણ બંનેનાં વજન નિશ્ચિત હોઈ) નિશ્ચિત થાય.

7. નોટ કે સિક્કા દ્વારા જ દેવડ કરવાનું ફરજિયાત ન હોવું જોઈએ. એ નોટ કે સિક્કા પાછળ રહેલા નિશ્ચિત ધાન્ય દ્વારા દેવડ કરવાનો તે ધાન્યના માલિકને અધિકાર હોવો જોઈએ. ધાન્યના ઉત્પાદકો પાસેથી ધાન્યના રૂપમાં કર કે મહેસૂલની વસૂલાત જ સરકાર તેમ જ (ખાસ કરીને શહેરી તથા બિનખેડૂત) પ્રજાનું અન્નસંકટના વખતમાં કાળા બજાર, નફાખોરી વગેરે સામે સારામાં સારું રક્ષણ કરી શકશે. કારણ કે સરકાર પાસે હમેશાં અન્નના કોઠાર રહેલા હશે જ.

8. વ્યાજ જેવી વસ્તુ ન હોવી જોઈએ. બલકે, એથી ઊલટું કપાત હોવી જોઈએ. વગર વપરાયેલું અનાજ બગડીને કે સડીને ઓછું થાય છે; તેમ વગર વપરાયેલું ધન ઓછું થાય. બગડીને ઓછું ન થાય તોયે તેને સાચવવાની મહેનત પડે. જો સોનાચાંદીને ધન સમજવાની આદત ન હોય તો આ સહેલાઈથી સમજાય. સોનુંચાંદી ધન નથી, પણ વિરલતા, તેજસ્વિતા વગેરે ગુણોને લીધે પ્રતિષ્ઠાપાત્ર આકર્ષક પદાર્થો છે એટલું જ. એ પડયું પડયું બગડતું નથી. એ જ એના ધણીને એનું વ્યાજ અથવા લાભ છે. એ સિવાય એને બીજા વ્યાજને માટે કશું કારણ નથી.

9. એમ ઠરાવવું અયોગ્ય ન ગણાય કે જે પદાર્થો વપરાશમાં ઘસાય નહીં, અથવા બહુ જ ધીમે ઘસાય તેની કિંમત ઓછી આંકવી જોઈએ. તેની પ્રતિષ્ઠા ગણાય. તેના કબજાને તથા ઉપભોગને લગતા નિયમો હોય, પણ તે ઉપર કોઈનું સ્થિર સ્વામિત્વ સ્વીકારાય નહીં. એનું સ્વામિત્વ મજિયારું જ હોય. મજિયારાપણું કુટુંબ, ગામ, જિલ્લો, દેશ કે જગતમાં ઘટતી રીતે વહેંચાયેલું હોય.

10. આવક તથા ખાનગી મૂડીની ઉપરની તેમ જ નીચેની મર્યાદાઓ બાંધવી જોઈએ. નીચેની મર્યાદા કરતાં ઓછી આવક તથા મૂડીવાળા પર કર વગેરેનાં બંધન ન હોય; ઉપરની મર્યાદા કરતાં વધારે આવક તથા મૂડી રાખી શકાય જ નહીં.

License

સમૂળી ક્રાન્તિ Copyright © by કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા. All Rights Reserved.