ભાગ પહેલો : ધર્મ અને સમાજ

6. ત્રીજું પ્રતિપાદન

‘સાર્વજનિકધર્મસદાચાર-શિષ્ટાચાર ||

મુક્તંબ્રહ્મનિષ્ઠનેયેભંગનોઅધિકાર ||

ભલેબુદ્ધિશુદ્ધ, ચિત્તસદાનિર્વિકાર ||’

આ એક ત્રીજું મહત્ત્વનું પ્રતિપાદન છે. સાચું પૂછતાં, કોઈ માડીજાયો અસ્ખલનશીલ નથી એ પ્રતિપાદનમાંથી એ સીધું નીકળે છે. પણ સર્વ ધર્મોમાં અને તેમાંથી ઉત્પન્ન થયેલા વિવિધ પંથોમાં, અને ખાસ કરીને હિંદુ ધર્મના પંથોમાં તે બાબતમાં વિચારોનો ગોટાળો છે, અને ધર્મને, સાધનાને અને અધિકારવાદને નામે એમાંથી અનેક વામાચારો પણ નિર્માણ થયા છે. તેથી તે વિષે વધારે ખુલાસો કરવાની જરૂર છે.

સદાચાર-શિષ્ટાચારના પાયારૂપ તત્ત્વો કયાં તેનો વિચાર આપણે ચોથા પ્રતિપાદનમાં કરીશું. અહીં એટલું જ કહેવું બસ થશે કે દરેક સમાજે સર્વેને બંધનરૂપ ગણાય એવા સદાચાર-શિષ્ટાચારના નિયમો ઠરાવવા જ પડે અને તેને અનુસરીને સર્વેએ પોતાનું વર્તન રાખવું જ જોઈએ. સામાન્ય તથા અપવાદરૂપ સંજોગો માટેય એ નિયમો વિચારાયેલ હોય. જુદા જુદા સમાજોમાં તેમ જ બદલાતી પરિસ્થિતિમાં એની વિગતોમાં ફેરફાર પણ હોય અને થાય. પણ ખાસ સમયે અને ખાસ સમાજમાં તેની બહુ ચોક્કસ રીતે વ્યાખ્યા ન થઈ હોય છતાં સામાન્ય રીતે કાંઈક મર્યાદાઓ હોવી જોઈએ, અને સમાજના સુજ્ઞ પુરુષોએ પોતાના લેખન, વચન અને વર્તનથી તેનો નિર્દેશ કર્યો હોવો જોઈએ. જ્યાં આવા કશા નિયમોનો સ્વીકાર કે વિચાર ન હોય, તે માનવસમૂહને સમાજ ન કહી શકાય.

એ નિયમોનો છડેચોક કે ચોરીછૂપીથી ભંગ કરનાર માણસો દરેક સમાજમાં હોવાના જ. એવા માણસો સમાજદ્રોહી ગણાય, અને સમાજ પોતાના સંસ્કારો અને આવડત મુજબ તેને રોકવાનો તથા ભંગ કરનારાને સજા કરવાનો કે વાળવાનો પ્રયત્ન કરે.

સામાન્ય માણસો એવા નિયમોનો અક્ષરાર્થ પાળે, કેવળ એના સ્થૂળ ભાગનું પાલન કરે એમ બને. એટલું જ થાય તોયે તે સમાજ સુરક્ષિત રહે. ધાર્મિક કે સાધકવૃત્તિના માણસો તે નિયમોને વધારે ચીવટથી પાળે. એ નિયમોના ઉદ્દેશનો પણ વિચાર કરી પોતા માટે એ નિયમને વધારે કડક પણ બનાવે અને સમાજે જે છૂટો મંજૂર રાખી હોય તેમાંનીયે ઘણીનો સ્વેચ્છાએ ત્યાગ કરે એમ બને. એવી રીતે સર્વમાન્ય નિયમો કરતાં વધારે કડક નિયમો બનાવનાર અને પાળનાર માણસોની સંસ્થાઓ પણ બને. એ તે સમાજના ખાસ પંથો કે સંપ્રદાયો ગણાય. નિયમોને વધારે કડક બનાવવા અને પાળવાના પ્રયત્નોમાં કોઈક વાર અતિરેક થતો હોય, તારતમ્ય તૂટતું હોય, એમાં હાસ્યાસ્પદ સ્વરૂપ આવી જતું હોય, તથા આખો સમાજ એને કદી સ્વીકારી કે પાળી ન શકે એમ બને. એ સંસ્થામાં દાખલ થયેલો, ઊછરેલો અને તેને લાંબો વખત સુધી પાળતો આવેલો માણસ તેમાં રહેલા અતિરેકનો ત્યાગ કરે, અને કેવળ સામાન્ય સમાજમાં સ્વીકારાયેલી મર્યાદાની હદમાં જ વર્તે તો તેણે સંસ્થાની મર્યાદા તોડી એમ ભલે ગણાય, પણ સમાજદ્રોહી, અસદાચારી કે અશિષ્ટાચારી ન ગણાય. સંસ્થાની મરજાદ તેમાં રહેનારને બંધનકારક મનાય, આખા સમાજને નહીં. પણ સમાજની પોતાની મરજાદ સૌને બંધનકારક છે.

પણ જ્યારે કોઈ વ્યક્તિને આપણે અવતાર, પેગંબર, બ્રહ્મનિષ્ઠ જીવન્મુક્ત, સિદ્ધ, બુદ્ધ, અત્યંત શુદ્ધ વગેરે રૂપમાં માનતા થઈએ છીએ, ત્યારે તેના આચારો વિષે આપણે જુદી જ શ્રદ્ધા રાખતા થઈએ છીએ. તેના જન્મ અને કર્મોને ‘દિવ્ય’, એટલે અમાનુષી, અલૌકિક, અસાધારણ સમજવાં અને તેને સમાજના વિધિનિષેધો, સદાચાર-શિષ્ટાચારના નિયમોથી પર ગણવાં, તેની શુદ્ધતા વિષે શંકા ન લેવી, તેને અનુકરણીય ન માનવામાં આવે તોયે ભજન-કથાને યોગ્ય માનવાં, તેનું જે રીતે તર્ક દોડાવી સમર્થન કરી શકાય તેમ સમર્થન કરવું, ન જ સમર્થન કરી શકાય ત્યાં તે વાતોની પ્રમાણભૂતતા વિષે શંકા કાઢવી અથવા તેનો કોઈક રૂપકાત્મક અર્થ બેસાડવો, એવી એક શ્રદ્ધાની કસરત ઊભી થાય છે. જેને એ વ્યક્તિને વિષે શ્રદ્ધા હોય, તેને એમાં કશી મુશ્કેલી આવતી નથી. એટલું જ નહીં પણ ખુલ્લી કે છાની તેના મનમાં એવી અભિલાષા રહે છે કે કોઈ એવો મંગળ દિવસ આવે જ્યારે તે પોતે પણ સમાજના વિધિનિષેધોનાં બંધનોથી પર બને. અને જ્યારે એ અભિલાષા બળવાન થઈ જાય છે, ત્યારે પોતાને પણ પોતાના ગુરુ કે આદર્શ પુરુષના જેવો જ શુદ્ધબુદ્ધ સ્થિતિ તરફ પહોંચતો અને છેવટે પહોંચ્યાની કલ્પના કરતો થઈ જાય છે. ધીમે ધીમે એ છૂટો લેવા માંડે છે, અને વામાચારનું કેદ્ર નિર્માણ કરે છે. લગભગ બધા જ એક બાજુથી અતિ કડક નિયમો પર ભાર મૂકનારા અને બીજી બાજુથી સ્થાપકને કે ઇષ્ટ દેવતાને તેથી પર માનનારા સંપ્રદાયોમાં આ રીતે વામમાર્ગો નિર્માણ થાય છે. બીજાઓને ઉપલા જ કારણસર તે વ્યક્તિ અને પંથો અમાન્ય અને નિંદ્ય થાય છે, એટલું જ નહીં પણ તેનાં સ્તુત્ય કર્મોની કદર કરવાની પણ વૃત્તિ થતી નથી.

વિશ્વમાં અનેક પ્રકારની આશ્ચર્યકારક ઘટનાઓ, કલ્પનામાં ન આવે એવી શક્તિઓ ધરાવનારાં પ્રાણીઓ અને વનસ્પતિઓ અને કુદરતની અને ચિત્તની અદ્ભુત શક્તિઓ વારંવાર જોવામાં આવે છે. મનુષ્યની બીજાં પ્રાણીઓ કરતાં એ વિશેષતા છે કે એની ચિત્તશક્તિ અને વૃત્તિઓ અનંતશાખાળી છે. એકાદ બિલાડી બીજી બિલાડીઓ કરતાં ઘણી બળવાન અને મોટી હશે, પણ તેનામાં કૂતરાની વૃત્તિનું કદી દર્શન નહીં થાય. તેમ કૂતરામાં બિલાડીની પ્રકૃતિનું કદી દર્શન નથી થતું. પણ મનુષ્યમાં સ્વભાવ અને બુદ્ધિ અનંત રૂપોમાં વિકસેલી છે, અને કોઈ એક ક્ષેત્રમાં તો કોઈ બીજા ક્ષેત્રમાં અસાધારણતા બતાવી શકે છે. કોઈ મનુષ્ય બિલાડીવૃત્તિનો તો કોઈ કૂતરાવૃત્તિનો, કોઈ સિંહવૃત્તિનો, કોઈ શિયાળવૃત્તિનો, કોઈ ગાયવૃત્તિનો તો કોઈ ઘોડાવૃત્તિનો હોઈ શકે છે. એ જાણે, ‘પ્રાણીનાં પ્રાણી, જીવાનાં જીવઃ’ છે. આથી, એમાં તરેહ તરેહના લોકોત્તર પુરુષો નિર્માણ થાય એમાં આશ્ચર્ય નથી. સિકંદર, નેપોલિયન, હિટલર, પરશુરામ વગેરે એક પ્રકારની લોકોત્તર વ્યક્તિઓ હતી; રામ, કૃષ્ણ, મહમ્મદ, મનુ વગેરે બીજા પ્રકારની; બુદ્ધ, મહાવીર, ઈશુ, કૉન્ફ્યુશિયસ વગેરે ત્રીજા પ્રકારની; સૉક્રેટિસ, શંકરાચાર્ય વગેરે ચોથા પ્રકારની; કદાચ એ સૌના અંશ ધરાવનાર ગાંધી, પાંચમા પ્રકારની; ઉત્તર અને દક્ષિણ ધ્રુવના તથા એવરેસ્ટના યાત્રીઓ, ડેવિડ લિવિંગ્સ્ટન જેવા મુસાફરો, મહાન સૈનિકો તથા નૌકા, વિમાન વગેરેના વીરો એ છઠ્ઠા પ્રકારની; મહાન વૈજ્ઞાનિકો સાતમા પ્રકારની; અને આમ અનંત પ્રકારો ગણાવી શકાય. એ સૌમાં ગમે એટલી અસામાન્ય શક્તિઓ હોય, હજારો વર્ષમાં એકાદ જ એવી વ્યક્તિ પેદા થતી હોય, એમનાં પરાક્રમો અને યશો ગમે તેવાં અદ્ભુત હોય, છતાં કોઈને અતિપ્રાકૃત કે અપ્રાકૃત ‘દિવ્ય’ માનવાં ન ઘટે. સૌ પ્રકૃતિનાં જ કાર્યો છે. કારણ કે કોઈ એવું નથી કે એમના વિશિષ્ટ ક્ષેત્રની બહારના ક્ષેત્રમાં સામાન્ય માણસોના ગુણદોષોથી અને વૃત્તિ-સ્વભાવોથી મુક્ત હોય. સૌમાં માનવ-સ્વભાવ જ રહેલો છે; એટલે કે પ્રાણીઓના સામાન્ય સ્વભાવ અને ધર્મો પણ રહેલા છે; અને સૌમાં મનુષ્યની વિશિષ્ટતા પણ રહેલી છે. તેથી પ્રાણીધર્મોના નિયમન માટે અને મનુષ્યની વિશિષ્ટતાને સમાજના હિતમાં વાળવા માટે જે સદાચારો અને શિષ્ટાચારો જરૂરી માનવામાં આવે તેનાથી કોઈને પર માનવો ન ઘટે. અને કોઈએ પોતાને પર સમજવો ન ઘટે. એમ માનનાર તેમ જ મનાવનાર બંને દોષિત છે.

સાર્વજનિકધર્મસદાચાર-શિષ્ટાચાર;

મુક્તબ્રહ્મનિષ્ઠનેયેનભંગનોઅધિકાર;

ભલેબુદ્ધિશુદ્ધ, ચિત્તસદાનિર્વિકાર.

16/18-8-’47

License

સમૂળી ક્રાન્તિ Copyright © by કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા. All Rights Reserved.