‘કનક ત્યજિ, કામિની ત્યજિ, ત્યજિ ધાતુનકો સંગ |
તુલસીલઘુભોજનકરી, જીવત માનકે રંગ ||’
માણસને કેવળ સત્તા અને પ્રતિષ્ઠાનો લાભ જ થતો હોય, તોયે તે એના પ્રલોભન અને ચારિત્રની શિથિલતા માટે પૂરતો થાય. તો પછી એની સાથે જો અનેક પ્રકારના આર્થિક લાભો અને સુખસગવડો જોડાતાં હોય તો તો કહેવું જ શું? આપણે તપાસીશું તો જોશું કે આપણી એકેએક ચૂંટાયેલી સભાઓના સભાસદ થવાથી કે ઊંચી જાહેર નોકરી પ્રાપ્ત થવાથી કેટલીયે જાતના આર્થિક અને સુખસગવડોના લાભો મળે છે. કોઈ પણ જાહેર કમિટીના સભાસદ થનારને કે મોટા સરકારી અધિકારીને ગાંઠના પૈસા ખરચવા કે અગવડો વેઠવાં પડતાં નથી. સેંકડે એકબે માણસ એવા હશે કે જેમની અંગત કમાણી પહેલાં કરતાં કાંઈક ઘટતી હશે, પણ મોટા ભાગને તો તે લાભદાયી ધંધો જ બને છે. આવી સ્થિતિમાં સર્વે જાહેર સંસ્થાઓ ખટપટો (ટોળીબંધ રાજકારણના) અખાડા બને અને વહીવટ લાંચરુશવતિયો તથા વગવસીલાવાળો બને એમાં આશ્ચર્ય શું?
જાહેર કામ સાથે સત્તા અને પ્રતિષ્ઠા તો રહેવાનાં જ. પણ તે સાથે ધન અને સુખસગવડોની પ્રાપ્તિ મુશ્કેલ થવી જોઈએ, સહેલી અને આકર્ષક તો નહીં જ, ઊંચા હોદ્દાનો ભારે દબદબો, શણગાર, નાચ–નાટક–ચા–ખાણાં–નશાબાજી (કોકટેલ)ના મેળાવડા વગેરે સાથે સંયોગ કરવાને બદલે સાદાઈ સાથે સંયોગ હોય એવી સંસ્કારિતા ઉત્પન્ન થવી જોઈએ. એની રહેણી એનું અને એના રસાલાનું આતિથ્ય કરનારાઓને સાદા જીવનના દૃષ્ટાંતરૂપ અને ભારરૂપ ન થનારી હોવી જોઈએ; ખટાટોપ વધારનારી, દોડધામ કરાવનારી અને ખર્ચાળ ન બનવી જોઈએ; એના મિત્રોને અને સગાંવહાલાંઓને પણ એનું ઘર વધારે સગવડો અને ભોગો માટે આકર્ષક ન બને એવું હોવું જોઈએ. એક મધ્યમ સ્થિતિનો – કહો કે માસિક ચારસો–પાંચસોની આવક પર ગુજારો કરનાર બચરવાળ – ગૃહસ્થ શહેરમાં જીવનનું જે ધોરણ રાખી શકે તે કરતાં મોટામાં મોટા અધિકારીના જીવનનું અને રહેણીકરણીનું ધોરણ વધવું ન જોઈએ. આએક મધ્યમસરનું માપ કહી શકાય. એ પેશવાઈના પ્રસિદ્ધ ન્યાયાધીશ રામશાસ્ત્રી જેવા વિરલ પુરુષનું ધોરણ તો નથી જ; પણ મર્યાદા સાચવનાર સંસારીનું જ ધોરણ છે. એમાં ખાનગી તેમ જ જાહેર સેવાનાં લવાજમોમાંથી થનારી કમાણી આટલો જ ખરચ નિભાવી શકે એ મર્યાદામાં રહેવી જોઈએ. જેનું જીવન આ ધોરણથી ઊંચું જાય અથવા જેની સેવા દરમ્યાન મિલકત વધે તેને કાંઈક પણ બીજી આવક છે એમ વહેમ આવવાને કારણ ગણાય. એ આવક વસ્તુઓની અંગત ભેટ વધવાથી થતી ખર્ચની બચતને લીધે હોય તોયે તે અયોગ્ય લાગવી જોઈએ. રાષ્ટ્રમાં ગમે તેટલો ઊંચો દરજ્જો હોય, તેના જીવનનું ધોરણ એક મધ્યમ મર્યાદાની ઉપર ન જવું જોઈએ. સરકારી હોદ્દેદારોની ઉચ્ચતમ આવક તથા મિલકતની મર્યાદા રાષ્ટ્ર માટે ખાનગી આવક તથા મિલકતની સામાન્યપણે ઠરાવેલી ઉચ્ચતમ મર્યાદા કરતાં ઓછી હોવી જોઈએ. જેની ખાનગી મિલકત તથા આવક પહેલેથી જ તે કરતાં વધારે હોય તેની ફરજ અવૈતનિક સેવા અર્પણ કરવાની છે એવી પરંપરા જામવી જોઈએ.
ઈસ્ટ ઇંડિયા કંપનીના વખતથી આજ સુધી ‘ભથ્થું‘ એ એક મોટું આવકનું સાધન બનેલું છે. ખર્ચ ન કર્યું હોય, ઊલટું પ્રજાએ જ કર્યું હોય, છતાં ઠરાવેલે દરે ‘ભથ્થું‘ લેવામાં કોઈનેયે અપ્રામાણિકતા લાગતી નથી. અને સરકારી હિસાબી ખાતાંઓએ પણ હિસાબ રાખવામાં મહેનત વધે નહીં એટલા માટે ઠરેલા દર કરતાં ઓછું ભથ્થું ન આપવાની પ્રથા પાડેલી છે. જો દિલ્હીની લોકસભામાં જવા માટે પહેલા વર્ગનું ભાડું અને રોજના ત્રીસ રૂપિયાનું ભથ્થું ઠરાવવામાં આવ્યું હોય તો દરેક સભ્યે એને એ મુજબ ખર્ચ ન થયું હોય તોયે એટલું ઉપાડયે જ છૂટકો, એને એમાંથી અંગત લાભ ન લેવો હોય તો એ ભલે બચતનું બીજે ક્યાંક દાન કરે, પણ સરકારી તિજોરીમાં તો એટલું વાઉચર કપાવાનું જ! આનો અર્થ એ કે ભાડાભથ્થાને નામે એ માણસને ખાનગી આવક કરવાની તક આપવામાં આવે છે. જેમ એક કામ કરવાનો સો રૂપિયાનો ઠેકો આપવામાં આવ્યો હોય તો તે ઠેકેદારને પોતાની હોશિયારીથી બચત કરી જેટલી કમાણી કરવી હોય તેટલી કરવાની છૂટ હોય છે, તેમ હોદ્દેદારો જાણે દેશની સેવા કરવાના ઠેકેદારો હોય તેમ તેમને એમના પગાર, ભથ્થા અને ભાડામાંથી પોતાની હોશિયારી ને કરકસરની બચત કરી કમાણી કરવાની છૂટ છે.
આ પ્રથામાંથી સુરાજ્ય પરિણમી ન શકે, ભલે એમાં પાંચદસ અત્યંત ત્યાગી અને નઃસ્પૃહ માણસો અકસ્માત્ આવી ગયા હોય. એવા માણસો બીજા હોદ્દેદારોને આદર્શ કે આદરણીય લાગવાને બદલે ઊલટા હાંસીપાત્ર કે તિરસ્કરણીય પણ થઈ પડે છે.
આપણી જાતિ–ભાષા–સંપ્રદાય પર રચાયેલી સમાજવ્યવસ્થાનું એક મોટું અનિષ્ટ ફળ તે જાહેર નોકરીઓ અને હોદ્દાઓમાં ‘વર્ગટકાવારી–વિવાદ‘ છે. દરેક વર્ગને દરેક મહત્ત્વની નોકરી અને હોદ્દાના સ્થાનમાં અમુક ટકાવારી મળવી જોઈએ એ આગ્રહ સુરાજ્યને બાધક છે. પણ આપણા સમાજની ગડી જ લાંબા કાળથી એવી બેઠી છે કે એ માગણીનો બિલકુલ વિચાર ન કરીએ તો વર્ગના કેટલાક ભાગને કદી મોટી જવાબદારીઓ ઉપાડવાની તક જ ન મળી શકે, અને કેટલાંક સ્થાનો અમુક વર્ગના ઈજારા જેવાં જ બની જાય. આ પરિણામ ઉત્પન્ન થવા માંડવાથી જ આ માગણીનો ઉત્પન્ન થઈ એ ધ્યાનમાં રાખવું જોઈએ.
થોડા કાળ માટે આ બાબતમાં ભલે કાંઈ બાંધછોડનું ‘સમાધાન‘ સ્વીકાર્યું હોય, પણ આ વસ્તુ એક અનિષ્ટ છે, અને ચારિત્ર તથા જે કામ બજાવવાનાં છે તે કરવાની આવડત એ જ સૌના હૌદ્દા તથા નોકરીઓ માટેની પસંદગીનું ધોરણ મનાવું જોઈએ. જે વર્ગો ચારિત્ર અને શિક્ષણ વગેરેમાં પાછળ રહી ગયા હોય તેમને તે પ્રાપ્ત કરવા માટે ખાસ સગવડો આપવી અને બીજાઓની હારમાં લાવવા એ એક વસ્તુ છે, પણ કૃત્રિમ ટકાવારીથી જે કામ માટે તેમની યોગ્યતા ન હોય છતાં તેમાં તેમને લેવા પડે એ કુરાજ્યનો જ અચૂક ઉપાય કહી શકાય.
ઊંચા હોદ્દા તથા નોકરી સાથે વધારે ધનપ્રાપ્તિ અને સુખસગવડ પણ મળે છે, એ વસ્તુસ્થિતિ પણ ‘ટકાવારી–વિવાદ‘ના કારણરૂપ છે એ ભૂલવું ન જોઈએ. ભંગીની નોકરીમાં ભંગીઓને જ ઈજારો છે, પણ એમાં ‘અમને અમારી સંખ્યાના પ્રમાણમાં ટકાવારી મળવી જોઈએ‘ એવી બીજા કોઈ વર્ગના લોક માગણી કરતા નથી! ભંગીઓના ઇન્સ્પેક્ટરના સ્થાન માટે હરીફાઈ થાય ખરી! ભંગીની નોકરીઓ ઈજારો સુરક્ષિત છે, કારણ કે એ નોકરી સાથે નથી જોડાયેલો અધિકાર, નથી જોડાયેલી પ્રતિષ્ઠા, નથી આકર્ષક આર્થિક લાભ કે નથી જીવનની સુખસગવડ. અથવા એ બધું છે કહો તો, અધિકાર એટલો કે સવારના ‘બાપજી, પાણી રેડજો‘, ‘બાપજી, આઘા રહેજો‘ એમ આજ્ઞા (!) કરવાનો, પ્રતિષ્ઠા ગ્રહણને દહાડે ‘સોનાદાન, રૂપાદાન, વસ્ત્રદાન‘ વગેરે મહામૂલી વસ્તુઓ માગી, ફાટેલાં–તૂટેલાં–મેલાં–ઊતરેલાં ચીંથરાં ભેગાં કરવાની, આર્થિક લાભ કોઈ કરવા ઇચ્છા ન કરે એવી સેવા બજાવી મહિને ચાર આનાથી રૂપિયો બે રૂપિયા સુધીના સંડાસ દીઠ પગારનો અને સુખસગવડનાં જણ દીઠ આઠ આના કે રૂપિયાનું ભાડું આપી એક નાના ઓરડામાં દસબાર જણે ભેગાં રહેવાનો!
આવા કેટલાક બીજાયે હલકારા, હમાલ વગેરેની નોકરીનાં સ્થાનો અમુક વર્ગના ઈજારા જેવાં હશે તે માટે બીજા વર્ગવાળા ‘ટકાવારી‘ની બૂમ પાડતા નથી.
ઉપરના ઈજારા હિંદુ સમાજ–વ્યવસ્થાએ પોતે નિર્માણ કરેલા અંત્યજો માટે સુરક્ષિત (?) છે. અંત્યજો પ્રતિલોમ વર્ણસંકરતામાંથી ઉત્પન્ન થયેલી પ્રજા છે, એમ એક મત છે. અંગ્રેજોએ પણ અહીં આવીને વર્ણસંકર પ્રજા નિર્માણ કરી અને હિંદુ જેવા જ ઉચ્ચપણાના અભિમાનથી તેમને પોતાનામાંના અંત્યજો માન્યા. આ ઍન્ગ્લો–ઇન્ડિયન પ્રજા કહેવાય. હિંદુની જેમ એમને માટે તેમણે કેટલીક નોકરીઓ સુરક્ષિત કરી. અંગ્રેજોમાં એમનું સ્થાન અસ્પૃશ્યતા જેવું. પણ ગમે તેવો અંત્યજ હોય તોયે રાજ કરનારી પ્રજાનો અંત્યજ, તેથી તેમની ખાસ નોકરીઓ એવી તો ખરી જ કે જેને માટે કુલાભિમાની વર્ગોનેયે મોંમાં પાણી છૂટે! આથી ભંગીનો ઈજારો જેવો સુરક્ષિત રહ્યો છે તેવો તેમનો નથી રહ્યો અને હવે તો ગયો જ છે. જો ભંગીની નોકરી કરનારને સો રૂપિયાથી ચારસો સુધી જતો પગાર, કુટુંબ દીઠ ત્રણથી છ ઓરડીનો બ્લૉક, ખાસ વરદી (યુનિફૉર્મ) અને સફાઈના નિયમોનું પ્રજા પાસેથી પાલન કરાવી લેવા માટે કેટલીક સત્તાાો આપવામાં આવે તો તે ધંધામાંયે ‘ટકાવારી‘નો પ્રશ્ન ઊભો થાય!
બીજી એક વ્યાવહારિક દૃષ્ટિએ પણ આ વિષય વિચારવા જેવો છે. પ્રજાના અર્થ–અનર્થને લગતા જુદા જુદા વિષયો પર જેમ જેમ ધ્યાન જતું જાય છે, અને તેમનો ખાસ અભ્યાસ અને કામ કરનારા માણસો પેદા થતા જાય છે, તેમ તેમ એક એક બાબત એક એક જુદું ખાતું બનતી જાય છે, અને ગામથી માંડી અખિલ ભારતીય તંત્ર ઊભું કરવું પડે છે. એવા દરેકને માટે અખિલ ભારતીય, પ્રાંતીય વગેરે જુદા જુદા ખાસ અધિકારીઓ નીમવાની જરૂર ઊભી થાય છે. આજે અધિકાર અને પગારનું જેવું જોડાણ છે, તેને પરિણામે એક ખાતું ઊભું કરવું એટલે માથા કરતાં પાઘડી ભારે એવો ખર્ચનો આંકડો વધે છે, અને મોટે ભોગે કેવળ પત્રવ્યવહાર, ફાઈલો, કમિટીની મીટિંગો, ઠરાવો અને વાઉચરોના કાગળો વધે એ સિવાય પ્રત્યક્ષ પ્રગતિમાં ઘણો વેગ આવતો નથી. છતાં, એ બધું કર્યા વિનાયે ચાલે નહીં. એની ઉપયોગિતા અને જરૂર પણ રહે છે જ. અને જેમ જેમ પ્રજાકીય વૃત્તિઓ વધતી જશે તેમ તેમ આવાં સýકડો ખાતાં થશે. આ કામને જો મોટા અધિકાર સાથે મોટો પગાર, મોટો બંગલો, વગેરે દ્વારા જ પહોંચી વળવાનું આવશ્યક થાય, તો સમાજવાદની ગમે તેટલી વાતો કરીએ, વિષમતા, ભૂખ, દરિદ્રતા, બેકારી અને પરિણામે નવા નવા રોગો, તેમ જ લાંચરુશવત, કાળાં બજાર, લૂંટફાટ, ચોરી અને એક નામના કે બીજા નામના ઓઠા નીચે છૂરાબાજી, રમખાણ, આપસી–યુદ્ધો (સિવિલ વૉર) વગેરે ચાલ્યા વિના રહેશે નહીં, અને નિમણૂકોમાં કુશળતા નહીં, પણ પક્ષ વગવસીલો, ન્યાતજાત વગેરેનું જ મુખ્યપણું થશે. અનાજની તંગી ઘટાડવા માટે દૂધ–ઘી, પેંડાબરફી અને દાડમ–મોસંબી ખાઈને દુકાળ કાઢી નાખવાનું કહેવા જેવી આ રીત છે. અને આવી શિખામણ આજે સાચેસાચ આપવામાં આવે છે એ એનો પુરાવો છે.
જાહેર નોકરીઓ વગેરેમાંથી લાંચરુશવત વગેરેની બદીઓ દૂર કરવા માટે ક્લાઈવના વખતથી ઉપાયો વિચારાય છે. છતાં એ બદીઓ ઘટી નથી, પ્રગતિ જ કરતી રહી છે. આનું કારણ એ કે, તેના ઉપાયો અગ્નિમાં ભરપૂર ઘી નાખવાથી એની ભૂખ તૃપ્ત થશે, અથવા ઇંદ્રિયોને ભરપૂર વિષયસેવન મળી ગયા બાદ તે ધરાઈ જશે, એ માન્યતા ઉપર રચાયેલા છે; અથવા જન્મભર ઉંદર મારીને પાછલી ઉંમરે તીર્થ કરવા નીકળનારી કે બચ્ચાંઓને નિરામિષ ભોજનનો ઉપદેશ કરવા નીકળનારી બિલાડી જેવા લોકોએ વિચારેલા હોય છે. વાણિયા વેપારીને ત્યાં વાણિયો ગુમાસ્તો હોય; વેપારી સટોરિયો હોય અને સટ્ટાના સોદા એ ગુમાસ્તા મારફતે જ થતા હોય. ગુમાસ્તો રોજ જુએ કે એ બજારમાંથી ભાવ સાંભળી સાંભળીને શેઠને પહોંચાડે છે, તે પર લે–વેચ કરીને શેઠ લક્ષાધિપતિ બને છે. એ પોતે પણ એનો જ જાતભાઈ છે. એની રગોમાં એ જ લોહી વહે છે. એને કેમ ન થાય કે હુંયે થોડોક સટ્ટો કરીને ઝપાટાબંધ પૈસા મેળવું? પણ નસીબ એને યારી આપતું નથી, અને એ નુકસાનમાં સંડોવાઈ જાય છે. શેઠના પૈસા ઉચાપત કરે છે. શેઠ એના અસંતોષ અને અપ્રામાણિકતા પર તિરસ્કારનું પ્રવચન કરે છે! એ ગુમાસ્તાને કેટલું સ્પર્શ કરી શકે? આવી જ વાતો લાંચરુશવત અટકાવવાના ઉપાયો યોજનારાઓની છે. તેમના ઉપાયોમાં ત્રણ રીતો હોય છે. એક, દંડના કાયદાઓ સખત કરવાની, બીજી રેડ–ટૅપ તથા જાસૂસીની જાળ વધારી ચોકી રાખવાની; અને ત્રીજી, પગાર, ભથ્થાં વગેરેમાં વધારો કરી સંતોષવાનો પ્રયત્ન કરવાની.
પણ જેટલા કાયદા સખત હોય તેટલી જ તેને નિષ્ફળ કરવાની બારીઓ પણ મળી આવે છે; એ ઉપરાંત, ડબલિયા કેદીએ કરેલા જેલના કોઈ ગુનાનો ડબલિયા કેદીઓની જ પંચાયત પાસે ન્યાય કરાવવો, તેના જેવો પોલીસ અને મૅજિસ્ટ્રેટ દ્વારા લાંચરુશવત વગેરેના કાયદાઓનો અમલ કરાવવો એ છે.
બીજો ઉપાય એટલો ખર્ચાળ, એટલો ઢીલ અને શિથિલતા વધારનારો અને પ્રજાને અગવડરૂપ થાય છે કે પ્રજા જાતે જ લાંચરુશવતને ઉત્તેજન આપનારી થાય છે. ચાર આના બક્ષિસ આપવાથી એક કામ પાંચ મિનિટમાં થાય, અને એ ચાર આનાનો લોભ કરવા જતાં પાંચ મહિના સુધી રોજ આંટા ખાઈનેયે કશી દાદ સંભળાય નહીં, અને તુમારો વધતા જ જાય, ટપાલખર્ચ પણ વધે, તો સાધારણ પ્રજાજન લાંચરુશવતનો માર્ગ ન લે તો શું કરે? ચાર આનાની રુશવત જો પાંચ મિનિટમાં કામ કરાવી શકે છે, તો એનો અર્થ એ થયો કે ઘણું રેડ–ટૅપ અનાવશ્યક જ હોય છે પણ કાયદો તે વધારવાની સગવડ આપનાર છે, અને અધિકારઓ પોતાની સત્તા જાણીજોઈને વાપરતા નથી.
ત્રીજો ઉપાય તો ઘીની આહુતિથી અગ્નિ હોલવવા મથવા જેવો છે. તેમાં વળી ખૂબી એ હોય છે કે એ ઉપાય સૌથી નાના અને મોટા નોકર વચ્ચેનું અંતર આર્થિક રૂપમાં વધારતો જ રહે છે. ધારો કે અધિકારીઓના પગારવગેરેમાંરીતસર વધારો કરવાથી તેમનો ખોટે રસ્તે કમાવાનો લોભ ઓછો થશે એમમાની નીચેમુજબ વધારાયો જવામાં આવેઃ
ગ્રેડ | મૂળ પગાર | વધારો (ટકા) | નવો છેલ્લોપગાર | જૂનો ફરક | નવો ફરક |
1 | 50 સુધી | 20 | 60 | – | – |
2 | 51-200 | 15 | 230 | 150 | 170 |
3 | 201- 1000 | 10 | 1100 | 800 | 870 |
4 | 1001- 3000 | 5 | 3150 | 2000 | 1950 |
5 | 3001 – 6000 | 2 | 6120 | 3000 | 2970 |
આમાં દેખીતી રીતે તો જેમ જેમ ગ્રેડ વધતો જાય તેમ તેમ વધારાની ટકાવારી ઝપાટાબંધ ઘટાડેલી દેખાય છે. પણ દરેક ગ્રેડના છેલ્લા માણસની અને તે પછીના ગ્રેડના છેલ્લા માણસની આવક વચ્ચેનો જૂનો ફરક અને નવો ફરક તપાસીઓ તો માલૂમ પડે કે છેક છેલ્લા બે ગ્રેડમાં જ બે ગ્રેડના માણસોની આવકનો ફેર થોડો ઘટયો છે. આ તો એક કાલ્પનિક દાખલો છે. હકીકતમાં તો જેમ ગ્રેડ વધે તેમ એક યા બીજા ઍલાવન્સના રૂપમાં આવકનો સાચો આંકડો દરેક સુધારા સાથે વધતો જ જાય છે. મોટા ગ્રેડના અધિકારીઓને ઘણી વાર બેત્રણ ખાતાંના અધિકારો સોંપવામાં આવે છે. તે વખતે તેને તેના ગ્રેડના પગાર ઉપરાંત ખાતાવાર ખાસ ઍલાવન્સ મળે. દા.ત. સિવિલ સરજન જો જેલ સુપરિન્ટેન્ડેન્ટ પણ હોય, દાક્તરોના ઇન્સ્પેક્ટર જનરલ જેલોનો વડો પણ નિમાય, તો પોતાના પગાર ઉપરાંત બીજા માટેનું ખાસ ઍલાવન્સ મેળવે. બધાં કામો અર્થવિનિમયથી જ કરાવવાં જોઈએ એવી જો માન્યતા ન હોય તો આ વાત સમજવી જ કઠણ લાગે. કરારના કાયદાનો સિદ્ધાંત છે કે બદલા(consideration) વિનાનો કરાર રદ ગણાય; તેમ ભથ્થા વિનાનો અધિકાર રદ ગણાય! માટે ચીફ સેક્રેટરી ચાર દિવસ ગવર્નરનો હોદ્દો સંભાળે તો તે ચાર દિવસ માટે એને ખાસ ભથ્થું આપવું જોઈએ! જાણે એ ચાર દિવસમાં પૈસાથી તે વધારે ઘસાઈ જવાની હોય! અધિકાર અને પગારભથ્થાનો સંબંધ ‘જીવ ને શ્વાસ તણી સગાઈ‘ના જેવો કલ્પાયો છે. આ કુકલ્પનામાંથી છૂટવાની જરૂર છે, અને તે કેવળ નિયમો બદલવાનો પ્રશ્ન નથી, જૂની પરંપરા બદલવાનો અને ચારિત્રવૃદ્ધિનો પ્રશ્ન છે.
12-11-’47