કુદરત, મજૂરી, જ્ઞાન, યોગ્ય રાજ્યતંત્ર અને અર્થવ્યવસ્થા ઉપરાંત ચારિત્ર પણ સમાજની સમૃદ્ધિ માટે અનિવાર્ય અને મહત્ત્વનું ધન છે, એ સ્વીકાર્યા બાદ એની વૃદ્ધિના ઉપાયો વિચારવાના રહે છે.
‘ચોથું પ્રતિપાદન‘વાળા પ્રકરણમાં ચારિત્રનાં મુખ્ય અંગો ગણાવ્યાં છે. પુનુરક્તિનો દોષ વહોરીનેયે તે અહીં ફરીથી ગણાવું છું :
જિજ્ઞાસા, નિરલસતા, ઉદ્યમ,
અર્થ અને ભોગેચ્છાનું નિયમન.
શરીર સ્વસ્થ ને વીર્યવાન;
ઇદ્રિયો કેળવાયેલી સ્વાધીન;
શુદ્ધ, સભ્ય વાણી ઉચ્ચારણ,
સ્વચ્છ, શિષ્ટ વસ્ત્રધારણ;
નિર્દોષ, આરોગ્યપ્રદ, મિત આહાર;
સંયમી, શિષ્ટ સ્ત્રીપુરુષવ્યવહાર.
અર્થવ્યવહારે પ્રામાણિકતા ને વચનપાલન;
દંપતીમાં ઈમાન, પ્રેમ ને સવિવેક વંશવર્ધન;
પ્રેમળ વિચારી શિશુપાલન.
ચોખ્ખાં, વ્યવસ્થિત, દેહ–ઘર–ગામ,
નિર્મળ, વિશુદ્ધ જળ–ધામ,
શુચિ, શોભિત સાર્વજનિક સ્થાન.
સમાજધારક ઉદ્યોગ ને યંત્રનિર્માણ,
અન્ન–દૂધવર્ધન પ્રધાન;
સર્વોદયસાધક સમાજ–વિધાન.
મૈત્રીખ્ર્સહયોગમુક્ત જન–સમાશ્રય,
રોગી–નિરાશ્રિતને આશ્રયઃ
આ સૌ મનવ–ઉત્કર્ષનાંદ્વાર
સમાજ–સમૃદ્ધિના સ્થિર આધાર.
આ ગુણો સમાજમાં પોષાય એ ધ્યેયથી તેનાં સાધનોનો વિચાર કરવો રહે છે.
આ બાબતમાં બે–ત્રણ જાતની પ્રણાલિકાઓ વ્યવહારમાં આવેલી છે : સગવડ માટે એને દીક્ષાપદ્ધતિ, શિક્ષાપદ્ધતિ, અને સંયોગ (environment) પદ્ધતિ એ નામે ઓળખી શકાય.
પહેલી પદ્ધતિમાં દીક્ષા અથવા સદુપદેશ ઉપર ભાર છે. વારંવાર એ બાબત પ્રજાને કહ્યા કરવી; એનો ઉપદેશ આપનારાં પુસ્તકોનું શ્રવણ–વાચન–મનન કરાવવું, એની ફળશ્રુતિઓ જણાવવી, એને લગતી કથાઓ કહેવી, જાપ (સ્લોગનો) જપાવવા, વગેરે.
બીજી પદ્ધતિમાં શિક્ષા અથવા તાલીમ ઉપર અને ઈનામ તથા દંડ ઉપર ભાર છે. નાનપણથી જરૂરી ટેવો પાડવી, માણસને ગળે ઊતરે કે ન ઊતરે, સમજે કે ન સમજે, તેને એવા પ્રકારની શિસ્ત – ડ્રિલ તળે મૂકી દેવો કે તે પ્રમાણે વર્તવાની એને આદત પડી જાય આદત પાડવાને માટે ઘટતી રીતે ઈનામોનો લોભ કે દંડોનો ભય પણ બતાવવા, ચારિત્રનાં અંગોનો અભ્યાસ કરી તેનાં યંત્રીકરણ (mechanization) તથા કવાયતગીરી (regimentation) કરવાં.
ત્રીજી પદ્ધતિમાં યોગ્ય પ્રકારનાં ચારિત્ર તરફ માણસની સહજ વૃત્તિ થાય એવા અનુકૂળ અને પ્રતિકૂળ સંયોગો પેદા કરવા પર ભાર છે. ભીલને બાળપણથી જ વાઘવરુનો ભય નથી લાગતો, ગોવાળને ગાયબળદનો, અને શહેરીને મોટરો અને ટ્રામોની દોડાદોડનો. ખલાસી તમ્મર આવે એટલા ઊંચા વાંસ પર ચાલતી સ્ટીમરમાં ચઢે છે, ભરદરિયામાંયે ગભરાતો નથી; પણ પંડિતના છોકરાને જે રસિક ચર્ચા લાગે તેમાં તેને ઊંઘ આવે છે. સાહસ પેદા કરનારા સંયોગોમાંથી સાહસ નિર્માણ થાય છે. વાર્તારુચિ તેના સંયોગોમાંથી ચાર જણા મળીને જ થઈ શકે એવાં કામ કરવાની પ્રવૃત્તિમાં જોડાવાથી, તેવા પ્રકારના સહયોગની ટેવ ઉત્પન્ન થાય છે. એકલે હાથે જ કામો કરવાના સંયોગો મળ્યા હોય તો તેને કોઈ સાથે કામ કરવું ફાવે જ નહીં, એવું બનવાનો સંભવ હોય છે. પરસ્પર હેતપ્રીતથી ભરેલા કુટુંબમાં ઊછરેલાં બાળકો અને સાથે રહેતા છતાં એકબીજા સાથે લડનારાં અને પોતાનો જ સ્વાર્થ સંભાળનારાં ભાઈઓ, દેરાણી–જેઠાણીઓ, સાસુ–વહુઓ વગેરે વચ્ચે ઊછરેલાં બાળકોનાં ચારિત્રમાં ઘણો ફરે પડી જાય છે. અન્ન ખાધું ખૂટતું નથી, પાણીની તૂટ નથી એવા દેશમાં આતિથ્યનો ગુણ સહજ હોય છે, ઉદારતા–દાન વગેરેની વૃત્તિઓ પણ હોય છે; એ જ દેશ જ્યારે અન્ન–જળથી મોહતાજ થઈ જાય, ત્યારે માણસોને કૃપણ બનાવી મૂકે છે. આમ જેવું ચારિત્ર ઇષ્ટ હોય તેને અનુકૂળ બાહ્ય સંયોગ નિર્માણ કરવા એ ત્રીજી પદ્ધતિનું ધ્યેય છે.
પહેલી બે પદ્ધતિઓ પ્રાચીન કાળથી જાણીતી છે, અને આજ સુધી તે ઉપર જ ધ્યાન અપાયું છે. આપણા દેશમાં હજુ તે બે ઉપર જ વધારે ભાર મુકાય છે. હાલહાલમાં ત્રીજી પદ્ધતિ ઉપર પશ્ચિમના વિદ્વાનો વધારે ભાર મૂકી રહ્યા છે. આપણે ત્યાં હજુ એ પ્રત્યે દુર્લક્ષ જ રહ્યું છે.
તેજી, જાતવાન, સરસ ઘોડાને માત્ર માલિકનો જીભનો બચકારો પ્રેરણા કરવા બસ થાય છે. આ દીક્ષાપદ્ધતિ છે. અણઘડ, કેળવણીની વધારે મહેનત ન લેવાયેલા ઘોડાને હાકોટા અને ચાબુકથી પ્રેરણા કરવામાં આવે છે, અથવા આગળ આમીષ રાખવામાં આવે છે. આ શિક્ષાપદ્ધતિ છે. ઊધઈ, કીડી, મધમાખી, ભ્રમર, પતંગિયાં, પક્ષી વગેરેમાં સંજોગો જ પોતપોતાની પ્રવૃત્તિઓમાં યોજનાર ચારિત્ર પેદા કરે છે. સંજોગો બદલાતાં જુદી જાતના ટેવોવાળી જાતિઓ ઉત્પન્ન થઈ આવે છે.
મનુષ્યમાં કેટલીક વ્યક્તિઓ તેજી, જાતવાન ઘોડા જેવી હોય છે; તેમને દીક્ષાપદ્ધતિ બસ થાય છે. સૌને અણઘડ ઘોડા જેમ રાખી શકાય ખરા. પણ તેથી જાતવાન ઘોડા બગડે, અને સાધારણ ઘોડા આખું જીવન અણઘડ – પરપ્રેરિત જ રહે. એ કદી સાચા અર્થમાં ચારિત્રવાન બને નહીં. તેમ સૌ પર શિક્ષાપદ્ધતિ ચલાવી શકાય, પણ તે ચારિત્રવર્ધનમાં પૂરી સફળ ન થાય. વધારેમાં વધારે કેટલીક મૂઢપણે પળાતી આદતો નિર્માણ કરે. છતાં, એ કેટલેક અંશે રહેવાની.
પણ મનુષ્ય મુખ્યત્વે માખીની જાતનું પ્રાણી છે એમ સમજવું વધારે ઠીક છે. માખીની જાતનું હોઈ તે ઘરમાખી જેવું અસંખ્ય પણ અસંગઠિત નિશ્ચરિત્ર થઈ શખે છે, અથવા યોગ્ય સંયોગોમાં મધમાખી જેવું વ્યવસ્થિત થઈ શકે છે, અને જંગલો મધમાખથી માંડી પેટીમાં રહેનારી મધમાખ સુધી અનેક જાતનું થઈ શકે છે.
ચારિત્રના ઘડતર માટે યોગ્ય સંયોગો નિર્માણ કરવાની જરૂરિયાત પર ધ્યાન આપવાની ઘણી જરૂર છે.
ચારિત્ર કેટલેક અંશે યોગ્ય અનુકૂળ સંયોગોમાં ઘડાય છે, કેટલેક અંશે યોગ્ય પ્રતિકૂળ સંયોગોમાં, અતિશય અનુકૂળતાઓ ચારિત્રને શિથિલ કરી શકે છે, અત્યંત પ્રતિકૂળ સંયોગો મનુષ્યને અને તેની સાથે તેના ચારિત્રને કચડી નાખી શકે છે. યોગ્ય અંશમાં અનુકૂળતાઓ તેમ જ પ્રતિકૂળતાઓ ચારિત્રવર્ધક નીવડે છે. અલબત્ત, તે સાથે તેને અનુરૂપ દીક્ષા અને શિક્ષા પણ જોઈએ.
માણસ કેટલે અંશે સ્વાધીનખ્ર્સંયોગોનો સ્વામી અને નિર્માણ કરનાર છે, અને કેટલે અંશે સંયોગાધીન, પરતંત્ર પ્રાણી છે, એ સવાલનો નિશ્ચિત ઉત્તર આપવો કઠણ છે. પણ બહુજનસમાજની દૃષ્ટિએ જો એમ માનીને ચાલીએ કે મોટે અંશે મનુષ્ય સંયોગાધીન છે, અને થોડે અંશે એ સ્વાધીન અને સંયોગોનો સ્વામી તથા નિર્માણ કરનાર પણ છે, તો મને લાગે છે કે ભૂલ નહીં થાય અથવા ઓછામાં ઓછી થશે.
માણસ પોતાને હાથે અજાણ્યે થયેલી ભૂલો માટે તે કાળના સંયોગો રજૂ કરી બચાવ કરવા વૃત્તિ ધરાવતો હોય છે; બીજાને હાથે થયેલી ભૂલો માટે – જો કદાચિત્ તે તેના ધ્યાનમાં પહેલાંયે આવી હોય તો ખાસ – તે બીજો માણસ સ્વાધીન જ હોય છે એમ માનીને દોષ દે છે, એથી ઊલટું પોતાની સફળતાઓને પોતાના જ કર્તૃત્વનું પરિણામ સમજે છે, અને બીજાની સફળતાને તેને મળેલા અનુકૂળ સંયોગોનું.
બહુજનસમાજને જે દિશામાં વાળવો હોય, જેવું ચારિત્ર તેનામાં નિર્માણ કરવું હોય, જેમાંથી એને પરાવૃત્ત કરવો હોય, તેને માટે દીક્ષા અને શિક્ષા કરતાંયે તેને માટે યોગ્ય, અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગો પેદા કરવા એ સમાજના વિધાયકોનું લક્ષ્ય હોવું જોઈએ, રાજ્યવ્યવસ્થા, વિકેદ્રીકરણ, યંત્રીકરણ, સમાજવાદ વગેરે વગેરે જેટલે અંશે તેવા સંયોગો પેદા કરનારાં બને છે, તેટલે જ અંશે તેનું મહત્ત્વ છે. પણ તેથી બધું કામ સરી જશે એમ માનવું ન જોઈએ.
22-9-’47