ભાષા કરતાંયે વિધિ વધારે બાહ્ય વસ્તુ છે. ભાષાને લખાણમાં પ્રગટ કરવાનું એ સાધન છે. એને લખનારા કે બોલનારાની ન્યાત, જાત, ધર્મ, પ્રાન્ત, રાષ્ટ્ર વગેરે સાથે સંબંધ નથી. ટેવ–મહાવરો એ સાથે સંબંધ છે ખરો. એ ટેવો આનુવંશિક પ્રકારની નથી. એને વિશે એવું અભિમાન – મમત્વ હોવાની જરૂર નથી કે એમાં ફેરફાર કરવામાં વટલાઈ જતા હોઈએ એવી લાગણી ઊભી થવી ઠીક ગણાય. ભાષા તથા લિપિ પૈકી બેમાંથી એકને જતાં કરવાનો પ્રસંગ આવે, તો લિપિનો ત્યાગ કરવો ઘટે.
હિંદુસ્તાનમાં આજે અનેક લિપિઓ લખાય છે. વર્ણમાળાના વિચારથી એ લિપિઓના ત્રણ વર્ગ પાડી શકાય, સંસ્કૃત વર્ણમાળાવાળી, ફારસી વર્ણમાળાવાળી, અને અંગ્રેજી વર્ણમાળાવાળી, (અંગ્રેજી કહું છું, કારણ કે રોમન લિપિના અંગ્રેજી અનુક્રમ અને ઉચ્ચારપદ્ધતિ જ હિંદુસ્તાનમાં ચાલે છે. રોમન કે યુરોપની બીજી ભાષાઓનાં નહીં.)
અંગ્રેજી વર્ણમાળાની લિપિ એક પણ કહી શકાય અને ચાર પણ કહી શકાય એવી સંકળાયેલી છે. લખવાની અને છાપવાની પદ્ધતિઓમાં થોડા ફરકને લીધે, અને કૅપિટલ અને નાના અક્ષરોના થોડા થોડા ભેદોને લીધે એ ચતુર્વિધ બને છે, અને છતાં એ ભેદો મરાઠી (બાળબોધ) અને હિંદી દેવનાગરી વચ્ચે તથા ગુજરાતી, મોડી, કૈથી જેવી પત્રલેખનની અને નાગરી જેવી ગ્રંથલેખનની લિપિઓ વચ્ચે જેવા છે તેથી વધારે તીવ્ર ન હોવાથી એક જ છે એમ કહી શકાય છે.
ફારસી વર્ણમાળાવાળી લિપિના બે પ્રકાર છે : અરબી મરોડની (કુરાન તથા બીબાંમાં વપરાતી) અને ફારસી મરોડની (હાથલખાણ તથા શિલાછાપમાં વપરાતી). બે વચ્ચેનો ભેદ તેલુગુ અને કાનડી લિપિ વચ્ચેના ફરક જેવો કહી શકાય. હિંદુસ્તાની બહારના ઇસ્લામી દેશોમાં હવે અરબી મરોડ જ વપરાય છે એમ મેં સાંભળ્યું છે. હિંદુસ્તાનમાં બન્ને ચાલે છે, પણ મુસલમાન પ્રજા ફારસી મરોડ વધારે પસંદ કરે છે. છાપવાની દૃષ્ટિએ એમાં અતિશય સગવડ રહેલી છે. જેઓ વાંચી શકે છે તેમને કુરાન વગેરેને કારણે પહેલી લપિનો પૂરતો મહાવરો હોય છે. છતાં ફારસી મરોડમાં લખવાની ટેવ પાડવામાં આવેલી હોવાથી, અરબી મરોડના અક્ષરો પ્રત્યે એટલી અરુચિ કેળવાઈ છે કે અરબી મરોડમાં છાપનારા પ્રકાશકોને છેવટે હાર ખાવી પડે છે. આજે લખીવાંચી શકનારા માણસોની સંખ્યા ઘણી જૂજ હોવા છતાં આ સ્થિતિ છે. શિક્ષણના વિસ્તાર સાથે એ જ ટેવ ચાલુ રાખવામાં આવે તો એમાં ફેરફાર કરવો વધારે કઠણ થશે.
સંસ્કૃત વર્ણમાળાની મુખ્ય લિપિઓ – જેમાં પુસ્તકો વગેર છાપી શકાય છે – દેવનાગરી (બે જાતની – હિંદી તથા મરાઠી), ગુજરાતી, બંગાળી, પંજાબી (ગુરુમુખી), ઊડિયા, કાનડી, તેલુગુ, મલયાલમ, તામિલ – એટલી હિંદુસ્તાન માટે ગણાવી શખાય. આ પૈકી આધુનિક તામિલ સિવાય બીજી બધી લિપિઓની વર્ણામાળા એક જ છે એમ કહેવાને હરકત નથી. આ ઉપરાંત પત્ર વગેરેના લેખનમાં કેટલીક ઉપ–લિપિઓનો પ્રચાર પણ છે : જેમ કે, કૈથી, મોડી ઈ#
આ બધી લિપિઓને ઉપર ઉપરથી જોઈએ તો તેમાંની ઘણી એકબીજીથી સાવ સ્વતંત્રપણે જ બની હોય તેવી નિરાળા પ્રકારની દેખાય છે. પણ પ્રાચીન લિપિસંશોધકોએ સારી પેઠે બતાવ્યું છે કે આ બધી લિપિઓ મૂળ એક જ લિપિમાં કાળાન્તરે પડી ગયેલા અને સ્થિર થયેલા જુદા જુદા મરોડોનું પરિણામ છે. એ મૂળ લિપિને બ્રાહ્મી લિપિ કહી છે. એ લિપિનો કાળાંતરે દેવનગર (કાશી)માં સ્થિર થયેલો મરોડ તે આધુનિક દેવનાગરી. કાશીના પ્રાચીન સાંસ્કૃતિક મહત્ત્વને લીધે એ લિપિ સૌથી વધારે પ્રચાર પામી તથા આદરને પામી. ગુજરાતી, કૈથી, જેવી લિપિઓ દેવનાગરીનાં જ રૂપાન્તરો છે એ સહેલાઈથી જોઈ શકાય છે. બંગાળી, ઊડિયા કે દ્રાવિડી લિપિઓ વિશે એટલું સહેલાઈથી જોઈ શકાતું નથી. એ બ્રાહ્મી લિપિનાં સીધાં રૂપાન્તરો પણ હોઈ શકે છે.
તે તે પ્રાન્તમાં પ્રથમ લેખનકળા લઈ જનાર પંડિતના પોતાના હસ્તાક્ષર, લખવાનું અધિષ્ઠાન (કાગળ, ભૂર્જપત્ર ઈ#), લખવાનું સાધન (શાહી, કલમ, લોઢાની લેખણ ઈ#) વગેરે કારણોથી, જુદી જુદી જગ્યાની લિપિમાં જાણ્યેઅજાણ્યે નવા મરોડો ઉત્પન્ન થયેલા માલૂમ પડે છે. કેટલાક અક્ષરોની પહેલાં જરૂર નહીં જણાઈ હોય, પણ પાછળથી દાખલ કરવામાં આવ્યા હોય એમ જણાય છે. આ બધું દરેક પ્રાન્તમાં એકસાથે કે એક જ રીતે થયું નથી. છતાં એક મૂળ પાયારૂપ યોજના બધાની પાછળ સ્પષ્ટ દેખાઈ આવે છે. સ્વરયોજના, સ્વરોને વ્યંજનો સાથે ભેળવવાની યોજના, અક્ષરો કે ચિહ્નોને ઉપર, નીચે, જમણી કે ડાબી બાજુ લખવાની રીત બધે એકસરખી જણાય છે. છાપવાની કળા દાખલ થયા પછી કેટલાક પ્રાન્તોમાં તેમાં ફેર પડી ગયા છે.
આ લિપિઓ કેવળ રૂઢિવશ અને અજાણ્યે જ બદલાતી ગયેલી છે એમ ન કહેવાય. એમાં વખતોવખત બુદ્ધિપૂર્વક ફેરફારો થયેલા પણ દેખાય છે.
આ રીતે આ લિપિઓનું અધ્યયન એક બહુ રસિક વિષય છે. એનું સ્વરૂપ તપાસતાં ઊંધી બાજુથી લખાનારી અરબી–યહૂદી લિપિઓ તેમ જ તદ્દન જુદી દેખાનારી રોમન–ગ્રીક લિપિઓમાં પણ બ્રાહ્મી લિપિની સાથે સગપણ દેખાઈ આવે છે, અને એ સર્વે લિપિઓ મૂળ એક જ લિપિમાંથી પેદા થઈ હોય એવું અનુમાન થાય છે.
જેમ બાપદીકરો તદ્દન સરખા લાગે, બે જોડિયા ભાઈઓ ભુલાવામાં નાખે એવા સરખા લાગે છતાં તદ્દન સરખા નથી હોતા, જેમ દર વર્ષે ઋતુઓનું ચક્ર આવ્યા કરે છે, છતાં એક વર્ષની ઋતુ બરાબર બીજા કોઈ વર્ષના જેવી નથી હોતી, તેમ જીવંત ભાષા, લિપિ અને વેશ એકસરખાં રાખવા માગો તોયે, તદ્દન એકસરખાં રહી શકતાં નથી. જાણીને ફેરફાર ન સ્વીકારો તોયે અજાણ્યે એમાં ફેરફાર પડી જાય છે. આ મારી બાપીકી ભાષા, લિપિ કે વેશ એ મિથ્યાભિમાન જ છે. ક્યારેક બીજી જ ભાષા બોલનારા, લિપિ લખનારા અને વેશ રાખનારા એના પૂર્વજો હતા જ. કોઈ માણસ પોતાની બાપીકી એક પણ રીતને સંપૂર્ણપણે વળગી રહી શકતો નથી. સારું છે માટે ન છોડવાનો આગ્રહ હોવો ઠીક છે, પણ બાપીકું છે માટે સારું ન હોય તોયે વળગી રહેવાનો આગ્રહ ક્રાન્તિની વાતોની સાથે સુસંગત નથી.
બે વ્યક્તિઓમાંયે પોતપોતાની વિશિષ્ટતાઓ હોય છે અને એક થવાનો પ્રયત્ન કરે તોયે જતી નથી, તેમ બે પ્રજાઓમાં પ્રજાના જુદા જુદા વર્ગોમાં વિશિષ્ટતાઓ રહેવાની, પણ રહેવાની તેથી તે રાખવી જ, તેનું મિથ્યાભિમાન હોવું, તેને ધર્મનું રૂપ આપવું એ બરાબર નથી. માણસ–માણસ વચ્ચે હૃદયની જેમ જ બાહ્ય એકતાયે લાવવાનો પ્રયત્ન ઇષ્ટ છે. વિશિષ્ટતા અથવા ભેદો માટે આવશ્યક કારણ હોય, અમુક ભેદ રાખવાથી મનુષ્યનું હિત વધારે સાધી શકાતું હોય ત્યાં ભેદ રાખવાની જરૂર માનવી જોઈએ. જ્યારે ન સમજાવી શકીએ ત્યાં ભેદ સહન કરવા એ અહિંસક માટે અનિવાર્ય છે. પણ પોતાના ભેદની પૂજા કરવી એ બરાબર નથી.
મુસલમાન ધર્મને કારણે ઉર્દૂનો આગ્રહ રાખે, પ્રાન્તવાળાઓ પ્રાન્તીય અસ્મિતાથી પોતપોતાની લિપિઓનો આગ્રહ રાખે, નાગરી હિંદુસ્તાનની અસ્મિતા માટે જાળવવાનો આગ્રહ થાય, રોમન લિપિ પરદેશી માટે જ ત્યાજ્ય લાગે – આ બધી દલીલો ક્રાન્તિની નથી. બધાના ગુણદોષોનો સ્વતંત્ર અને માનવહિતની દૃષ્ટિએ વિચાર કરવાની વિવેકી પુરુષની તૈયારી હોવી જોઈએ.
આ પ્રશ્નોયે કેળવણી ખંડમાં વધારે વિચાર કરેલો છે.
15-9-’47