ભાગ બીજો : આર્થિક ક્રાન્તિના પ્રશ્નો

1. ચોથું પરિમાણ

હવે આર્થિક પ્રશ્નો લઈએ. કોઈ પદાર્થનું માપ બતાવવું હોય તો સામાન્ય રીતે તેની લંબાઈ, પહોળાઈ અને ઘનતા એમ ત્રણ પરિમાણો બતાવવામાં આવે તો તે પૂરો વર્ણવાયો એમ મનાય છે. આધુનિક ભૌતિકશાસ્ત્રીઓ કહે છે કે આ વર્ણન પૂરતું નથી. સાથે સાથે એનાં બીજાં બે પરિમાણ પણ બતાવવાં જોઈએ, અને તે વર્ણનના કાળ અને સ્થાનનાં. કારણ જે પદાર્થ પૃથ્વીના તળ પર અમુક પરિમાણવાળો હોય, તે ચંદ્ર પર તે જ પરિમાણનો નહીં જણાય, અને ગુરુ પર વળી બદલાઈ જશે. વળી, કાળના ભેદથી પણ તેનું માપ જુદું થશે. આમાં સ્થાનનું મહત્ત્વ જરા વિચાર કરતાં કદાચ સમજાઈ જાય છે. વળી, વર્ણન વખતે તે પદાર્થ પરત્વે તે ગૃહીત કરેલું હોઈ, સામાન્ય રીતે જુદું વિચારવું પડતું નથી. પણ સ્થાન કરતાંયે ક્ષણે ક્ષણે બદલાતા કાળનું મહત્ત્વ ઘણું વધારે છે એવો ભૌતિકશાસ્ત્રીઓનો નિર્ણય છે, અને તે સહેલાઈથી સમજાતો નથી. છતાં કાળના વિચારમાંથી જ આઈન્સ્ટાઈનનીરેલેટિવિટી – સાપેક્ષતાનો સિદ્ધાંત પેદા થયો, જેણે ગુરુત્વાકર્ષણ વગેરે બાબતોની જૂની માન્યતાઓમાં ઘણો ફરક કરી નાખ્યો. દેશનું ગૃહીત હોવાથી કાળ ચોથું પરિમાણ કહેવાય છે.

આવું જ કાંઈક આર્થિક પ્રશ્નો સમજવાની બાબતમાં છે. કુદરત અને મજૂરી એ બે સંપત્તિનાં કારણ છે એમ કહેવું એક વાર પૂરતું મનાતું. એટલે સંપત્તિનું માપ કુદરતી સામગ્રીથી સુલભતા તથા મજૂરીની સુલભતા પરથી નીકળી શકે. આગળ પણ માલૂમ પડયું કે આટલાં બે પરિમાણો પૂરતાં નથી. કુદરતી સામગ્રીની તેમ જ મજૂરીની સુલભતા કોને અને કેવા પ્રકારની છે એ પણ સંપત્તિનું માપ કાઢવા માટે એક મહત્ત્વનું પરિમાણ છે. તેની સુલભતાનો વિચાર કરતાં કરતાં મૂડીવાદ, સમાજવાદ, સામ્યવાદ, ઉદ્યોગીકરણ, રાષ્ટ્રીયકરણ, યંત્રીકરણ, કેદ્રીકરણ, વિકેદ્રીકરણ વગેરેના અનેક વાદો ઉત્પન્ન થયા છે. અને જેમ ન્યાતજાત, ધર્મ વગેરેના ભેદોને લીધે અનેક પરસ્પર ઝઘડનારા વર્ગો નિર્માણ થાય છે, તેમ આ વાદો વિશેના આગ્રહથીયે થયા છે.

જેમ ઘણી વાર કાયદાની મદદથી કેટલાક ધર્મો પોતાનું વર્ચસ જમાવે છે, તેમ કાયદાની મદદથી આવા કોઈક એક વાદનું વર્ચસ સ્થાપવાનો જુદા જુદા વાદીઓનો પ્રયત્ન હોય છે. જ્યાં હાલનું રાજ્યતંત્ર એ પ્રયત્નને અનુકૂળ નથી હોતું, ત્યાં તે તંત્ર બદલવાનો પ્રયત્ન થાય છે. કોઈક વાદની સ્થાપના તે આર્થિક ક્રાન્તિ કહેવાય છે, અને તે માટે રાજ્યતંત્રનું બદલવું તે રાજકીય ક્રાન્તિ કહેવાય છે, આમ ક્રાન્તિનો અર્થ (સામાન્ય રીતે કુદરતી સામગ્રી પરના અધિકારો અને વ્યવસ્થા સંબંધી) કોઈક નવા વાદની બળાત્કારે કે કાયદેસર રીતે સ્થાપના એવો થયો છે.

પણ સંપત્તિનું માપ કાઢવામાં કુદરતી સામગ્રી, મજૂરિયા સામગ્રી અને તે વિશેનો વાદ એ ત્રણ પરિમાણો બસ નથી. એમાં બે બીજાં પરિમાણો પણ વિચારવાનાં રહી જાય છે. એ બે જો શૂન્ય હોય તો વિપુલ કુદરત, વિપુલ મજૂરી અને સર્વશ્રેષ્ઠ વાદ પર ઘડાયેલું રાજ્યતંત્ર ત્રણે હોવા છતાં સંપત્તિના ગણિતનો જવાબ શૂન્ય અથવા ખોટ (negative) આંકડો (એટલે વિપત્તિપરિણામી) નીવડે એમ બને. જેમ પદાર્થનું શુદ્ધ ગણિત કરવામાં દેશકાળ મહત્ત્વનાં પરિમાણો છે, તેમ સંપત્તિનું ગણિત કરવામાં બે મહત્ત્વનાં પરિમાણોની અપેક્ષા રહે છે. તે પરિમાણો તે પ્રસ્તુત પ્રજાનાં જ્ઞાન અને ચારિત્ર.

આ પૈકી જ્ઞાનનું મહત્ત્વ આજે સામાન્ય રીતે સૌ કોઈ સ્વીકારી  લેશે. જ્ઞાનમાં કઈ વિગતોનો સમાવેશ કરવો જોઈએ, શાને કેટલું મહત્ત્વ આપવું જોઈએ, તે બાબતમાં થોડીઘણી અસ્પષ્ટતા કે મતભેદ કદાચ રહે. અહીં જ્ઞાનઅપરા વિદ્યાઓસંબંધી છે એમ કહેવાની જરૂર નથી. છતાં તેની આવશ્યકતા વિશે કેવળ નિવૃત્તિવાદી સિવાય ભાગ્યે જ કોઈ શંકા કરશે. એ પરિમાણ ગૃહીત કર્યા જેવું છે.

ચારિત્રના મહત્ત્વ વિશે આમ તો સૌ કોઈ એકમત થઈ જશે. નિવૃત્તિવાદી પણ તેની આવશ્યકતાનો અસ્વીકાર નહીં કરે. ભૌતિકવાદીયે મોઢેથી એનો અસ્વીકાર નહીં કરે. છતાં જેમ પદાર્થનું માપ દેખાડવામાં કાળના નિર્દેશનું મહત્ત્વ સહેજે ધ્યાનમાં આવે એવું નથી, તેમ ચારિત્રનું મહત્ત્વ મનુષ્યોના – નેતાઓના કે જનતાના ર્ધ્યાનમાં રહેતું નથી. એની ત્રુટિ કાયદાની કે દંડની વ્યવસ્થા દ્વારા ભરપાઈ થવાની આશા રાખવામાં આવે છે. રાજકીય ક્રાન્તિ, નવા પ્રકારના વાદ પર સ્થાપેલી આર્થિક વ્યવસ્થા, કે રાજ્યતંત્રના સંચાલકોની ઊથલપાથલથી જનતાનું ચારિત્ર ચઢી જતું નથી. ઊલટું એવા એકાએક અને અનપેક્ષિત ફેરફારથી કેટલાંક અનિષ્ટ તત્ત્વો પણ દાખલ થાય છે. ‘રાજ્ય દ્વારાનવા ધર્મની સ્થાપનાથીયે ચારિત્ર ચઢતું નથી. એ કેમ થાય તે જુદું વિચારીશું. અહીં એ બાબત પર જોર દેવાની જરૂર છે કે કુદરતી સામગ્રી, મનુષ્યબળ અનુકૂળ રાજ્ય અને અર્થવાદની સ્થાપના તથા જ્ઞાન એ બધું હોય છતાં યોગ્ય પ્રકારનું ચારિત્રધન જો નાયકો અને પ્રજામાં ન હોય તો તેટલી એક જ ખામીને લીધે દેશ અને પ્રજા દુઃખ અને દારિદ્રમાં ડૂબી જાય એમ બને. આ ચોથા પરિમાણનું મહત્ત્વ બરાબર સમજાવું જોઈએ.’

21-9-’47

License

સમૂળી ક્રાન્તિ Copyright © by કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા. All Rights Reserved.